વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 7, 2016

( 950 ) બે વર્ષની ત્રિશાનો સૌને સંદેશ ..અંગદાન મહાદાન ……બે સત્ય ઘટનાઓ

trisha-1

જન્માષ્ટમીના સૂર્યોદય પહેલા ‘ત્રિશા’ અંગદાન કરી જગત માટે દાખલો બેસાડતી ગઈ

રાજકોટ- જગત જ્યારે જન્માષ્ટમીના દિવસે આનંદ ઉત્સાહમાં મગ્ન હતું ત્યારે એક ઘટના રાજકોટની એક ગોકુલ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આકાર લઈ રહી હતી જે સમસ્ત માનવ સમાજ માટે ઉદાહરણરૂપ તથા દિશાદર્શક રહેશે.

આ ઘટનાની મધ્યમાં એક 2 વર્ષની બાળકી જેનું નામ ત્રિશા રવિભાઈ ગોસલિયા છે, તેના પરિવારજનો- પિતા રવિભાઈ, કાકા આશિતભાઈ અને દાદા અતુલભાઈ છે.

ઘટના કાંઈક આમ બની કે 23 ઓગસ્ટે બપોરે 3.30 કલાકે આ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે ડોક્ટરની ઓફીસમાં ફોન કર્યો, સર, બે વર્ષની બાળકી ત્રીજા માળેથી પડી ગઈ છે અને આપણી હોસ્પિટલની પાછળની શેરીના ફ્લેટમાં રહે છે. તેને તાત્કાલિક ઈન્ક્યુબેટ કરવી પડે તેમ છે આપ આવો તેના શ્વાસોશ્વાસ ખૂબ જ ખરાબ છે તથા હાથપગ ચલાવતી નથી.

ડોક્ટરે તરત દોટ મુકી ઈમર્જન્સી રૂમમાં જોયું તો બાળકી ખૂબ જ ગંભીર રીતે ઘવાયેલી હતી, તેના માતાપિતા સહિતના પરિવારજનોનું આક્રંદ કાળજુ કંપાવી નાંખે તેવું હતો તથા કાકા હતપ્રત સ્થિતિમાં હતા. તેઓને મેડિકલ પરિસ્થિતિથી વાકેફ કરાઈ રહ્યા હતા અને તે આઘાત સાથે સાંભળી રહ્યા હતા.

ત્રિશાના કાકાએ કહ્યું ડો. મોઢાને બોલાવો તે ક્યારે આવશે વારંવાર તેઓ આવી આજીજી કરી રહ્યા હતા ત્યાં હાજર અન્ય સ્ટાફની આંખમાં પણ તેમની આજીજીથી આંસુ સરી પડ્યા હતા. સ્ટાફે ડો. મોઢાને વાત કરતા તેમણે સીટી સ્કેન બ્રેઈન તથા ચેસ્ટની સૂટના આપી અને કહ્યું કે ત્યાં સુધી હું હોસ્પિટલ પહોંચું છું.


trisha-2ત્રિશાને સ્ટાફે કૃત્રિમ શ્વાસોશ્વાસ સાથે સીટી સ્કેન માટે મોકલી, સીટી સ્કેન દરમિયાન મગજમાં ખૂબ જ ગંભીર પ્રકારનું હેમરેજ હતું અને સોજો હતું તેવું જાણવા મળ્યું. રિપોર્ટમાં વધુમાં મગજનું હાડકું મગજમાં બેસી ગયું હોવાનું નિદાન થયું. તે દરમિયાન ત્રિશાના ધબકારા ઘટવા લાગ્યાં તેથી તાત્કાલીક તેને આઈસીયુમાં શિફ્ટ કરી.

ડો. મોઢા આવ્યાં અને તેમણે સીટી સ્કેન જોઈને ત્રિશાના કાકા અને દાદાને કહ્યું આ બાળકી માટે કોઈપણ જાતનું આપણે ઓપરેશન કરી શકીએ તેમ નથી તથા મગજની ઈજા જીવલેણ છે.

ત્રિશાને આઈસીયુમાં લાઈફ સપોર્ટીંગ સીસ્ટમ ઉપર તથા દવાઓના પંપ ઉપર સારવાર કરવામાં આવી અને બીજા દિવસે એટલે કે સાતમની સવારે લગભગ ત્રિશાની તબીયતનું ચિત્ર ખૂબ જ આઘાતજનક હતું. ડો. મોતીવારસ, ડોક્ટર મોઢા અને અન્ય નિષ્ણાતો એક તારણ પર આવ્યા કે ત્રિશા બ્રેઈન ડેડની ખૂબ જ નજીક છે અને તે પરિસ્થિતિથી તેના કાકા તથા અન્ય પરિવારજનોને વાકેફ કર્યા.

આ ચર્ચા દરમિયાન ડો. મોતીવારસે ટીમ વચ્ચે એક વિચાર મુક્યો કે આપણે બાળકીના પરિવારજનોને ઓર્ગન ડોનેશન એટલે કે બે વર્ષની ત્રિશાના અંગોના દાન વિશેની માહિતી આપવી તે આપણી ફરજ છે તથા આપણે ત્રિશાના વાલીઓને ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ લાવવા આપણી ફરજના ભાગ રૂપે તેમને સમજાવીએ.

તબીબી ટીમે ત્રિશાના વાલીઓને પાછા આઈસીયુમાં બોલાવ્યા અને તેમને ઓર્ગન ડોનેશન અંગે માહિતગાર કર્યા. ત્રિશાના અંગો બીજા બાળકને જીવનદાન આપી શકે છે. તેવું જણાવતા જ તબીબી ટીમને જાણે ઈશ્વરીય સ્ફૂર્તિના દર્શન થયા હોય તેમ તેઓના જવાબમાં ત્રિશાના કાકાએ કહ્યું સાહેબ અમે અંગદાન કરવા તૈયારી છીએ તમે તૈયારી કરો.

આવો જવાબ અસંખ્ય દર્દીઓના સગાઓને અંગદાન માટે સમજાવ્યા બાદ ભાગ્યે જ મળતો હોય છે. તબીબી ટીમે અમદાવાદ આઈકેડી (ઈન્સ્ટીટ્યૂટ ઓફ કીડની ડીશીઝ)ની ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડોક્ટર ડો. પ્રાંજલ મોદી તથા ડો. હિમાંશુને જાણ કરી તેઓએ ચેકલીસ્ટ આપ્યું તે પુરું કર્યું તથા બાળકીના લોહીના નમૂનાનો એક સેટ સ્પેશીયલ વાહનમાં અમદાવાદ આઈકેડીની લેબમાં પહોંચતો કરવા સૂચના અપાઈ.


trisha-3દરમિયાન બાળકીના મગજનો ઈસીજીનો અભ્યાસ કરી ડો. મોઢાએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી અને તેની નોંધ કેસ પેપરમાં કરી.  અતિ કરૂણ અને હૃદય દ્રાવક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ આઈકેડીના ટીમ ડોક્ટરનો ફોન આવ્યો કે ત્રિશાના વાલી સાથે વાત કરાવો તથા કીડનીના જરૂરિયાતમંદ બાળક છે પણ લીવરનું નથી તેથી આપણે લીવર નહીં લઈએ.

આ વાર્તાલાપ અંગે ત્રિશાના કાકાને અવગત કરવામાં આવ્યા અને ડો. પ્રાંજલ મોદી સાથે વાત કરાવામાં આવી. ત્યાં બ્લડ સેમ્પલ પહોંચાડ્યા બાદ ટ્રાન્સપ્લાન્ટ ટીમ ત્યાંથી રવાના થઈ અને રાત્રે 12.00 કલાકે ગોકુલ હોસ્પિટલ પહોંચી.

આઈકેડીની ટ્રાન્સપ્લાન્ટ ટીમે ત્રિશાના સગા સાથે વાત કરી અને આશરે 12.30 કલાકે ઓપરેશન થીયેટરમાં બંને કીડની, બરોડ અને ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. જન્માષ્ટમીના સૂર્યોદય પહેલા ત્રિશા જગત માટે દાખલો બેસાડતી ગઈ હતી.

ત્રિશાની બંને કીડનીઓ “કળશ મોહનસિંહ ચૌહાણ”નામના અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા 7 વર્ષીય બાળકમાં પ્રત્યાર્પણ કરવામાં આવી અને હાલ તે બાળકની તબિયત સારી છે. આ તબક્કે તેઓ મેડિકલ ક્ષેત્રના વડીલો વતી, સમાજના દર્પણ સમા મુખપત્રો અને તેમના પત્રકાર પ્રતિનીધિઓ વતી સામાજિક આગેવાનોએ દીકરી ત્રિશાને વંદન કર્યું હતું. તથા તેના પરિવારના મોભીઓનો આભાર માન્યો હતો. તબીબી ટીમ અને પરિવારજનોએ આશા વ્યક્ત કરી હતી કે જેમ આ પરિવારની જેમ અન્ય પરિવારો પણ અંગદાન રૂપી દાન કરી અન્યોને જીવનદાન આપે.

સૌજન્ય-ચિત્રલેખા.કોમ 

ઉપરના ત્રીશાના કીડની દાન જેવો જ એક કિશોર ઝીમરમેનના હૃદયદાનનો એક હૃદયસ્પર્શી કિસ્સો નીચેના વિડીયોમાં નિહાળો .

આવા બનાવો એ બતાવે છે કે માનવીમાં પડેલી માનવતા મરી પરવારી નથી.

Alj Jefferies: Fourteen year old Alj Jefferies meets family of his heart donor