વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 959 ) એક યુવતીએ રૂઢિચુસ્ત સમાજમાં અનોખો ચીલો ચાતર્યો …. સત્ય કથા … આશુ પટેલ

એક યુવતીએ રૂઢિચુસ્ત સમાજમાં અનોખો ચીલો ચાતર્યો
સુખનો પાસવર્ડ – આશુ પટેલ

anokho-chilo

વાત છે પી. જયંતી નામની દક્ષિણ ભારતીય યુવતીની. તે એક એવી જગ્યાએ કામ કરે છે જ્યાં સામાન્ય રીતે કોઈ સ્ત્રી જતી પણ ન હોય. જી હા, પી.જયંતી સ્મશાનભૂમિમાં ફરજ બજાવે છે. તે તમિળનાડુના નમક્કલ શહેરના સ્મશાનમાં ઈલેક્ટ્રિક ભઠ્ઠીની ઓપરેટર છે.

મુંબઈ જેવા મહાનગરોમાં પણ ભાગ્યે જ કોઈ મહિલાઓ સ્મશાનમાં ડાઘુ તરીકે જાય છે.કોઈ મહિલાના પિતા કે પતિ કે ભાઈનું મૃત્યુ થાય ત્યારે તે સ્મશાનમાં જવાની કલ્પના પણ નથી કરતી.અને અપવાદરૂપ કોઈ મહિલા સ્મશાનમાં જાય તો રૂઢિચુસ્ત પુરુષોને આઘાત લાગે છે.એકવીસમી સદીમાંય મહિલાઓ સ્મશાનમાં જઈ ન શકતી હોય ત્યારે નમક્કલ શહેર નજીકના સેન્થામંગલમની વતની જયંતી, જૂના જમાનાના નીતિ-નિયમો અને રૂઢિઓને અવગણી ખૂબ જ સહજતાથી નમક્કલ શહેરમાં અવેલા સ્મશાનનો કારભાર સંભાળે છે. ૪૦ વર્ષની જયંતી ૨૦૧૩ની સાલથી એ સ્મશાનમાં મૃતકના અંતિમ સંસ્કાર માટે વપરાતી ઈલેક્ટ્રિક ભઠ્ઠી ઓપરેટ કરે છે.

૨૦૧૬ના સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી પ્રસંગે જયંતીને તેની હિંમત અને તેણે પસંદ કરેલા પડકારજનક કામને બિરદાવતા મુખ્ય મંત્રી જયલલિતાના હસ્તે કલ્પના ચાવલા ઍવોર્ડથી સન્માનિત કરાઈ હતી. જયંતીને મુખ્ય મંત્રી જયલલિતાના હાથે ગોલ્ડ મેડલ અને પાંચ લાખ રૂપિયાનું ઈનામ અપાયું હતું.

જયંતીના પરિવાર માટે એ પ્રસંગ ખૂબ લાગણીભીની ક્ષણોવાળો બની રહ્યો હતો, કારણ કે જયંતીને ઍવોર્ડ મળ્યો એના એક સપ્તાહ પહેલા જ જયંતીની માતા મૃત્યુ પામી હતી. જયંતીની માતાને જ્યારે જયંતીને મળનારા આ ઍવોર્ડ વિશે ખબર પડી હતી ત્યારે તે અત્યંત રોમાંચિત થઈ ગઈ હતી, પરંતુ કમનસીબે જયંતીને જ્યારે આ ઍવોર્ડ મળવાનો હતો તેના એક અઠવાડિયા પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. પોતાની માતાને યાદ કરતા લાગણીશીલ બનીને જયંતી કહે છે કે મને એ વાતનો આનંદ છે કે તે અમને છોડીને જતી રહી એ પહેલા તે આ ઍવોર્ડ વિશે જાણી શકી હતી.

જયંતીએ સ્મશાનમાં ઓપરેટર તરીકે ફરજ સ્વીકારી એની પાછળ તેના પિતાનું મૃત્યુ કારણભૂત હતું. જયંતીના પિતાનું જ્યારે વર્ષ ૨૦૦૯માં મૃત્યુ થઈ ગયું હતું ત્યારે જયંતીને એ વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી કે, રીત-રિવાજો માટે બીજાઓ પર આધાર રાખવો પડે છે અને ખરા સમયે નજીકના સગાંઓ પણ ઊભા રહેતા નથી. જયંતીના પિતા પટ્ટુ ગુરક્કલ થિરુપાઈંજિલી મૃત્યુ પામ્યા એ પછી તેમના અંતિમ સંસ્કાર માટે જયંતીના સગાંવહાલામાંથી કોઈ પુરુષ સભ્ય આગળ નહોતો આવ્યો. એમાં જો કે તેમની સામાજિક અને આર્થિક મજબૂરી પણ કારણભૂત હતી. જયંતીના સમાજમાં એવો રિવાજ છે કે જે પુરુષ કોઈ સગાંવહાલાના અંતિમ સંસ્કાર કરે એ એક વર્ષ માટે બ્રાહ્મણ તરીકે સારાં પ્રસંગોમાં વિધિ ન કરી શકે. એક વર્ષ સુધી વિધિ ન કરી શકાય એટલે એક વર્ષ સુધી આવક વિના રહેવું પડે.

‘પુરુષ તરીકે અમારા ઘરમાં માત્ર અમારા પિતા હતા. તે સિવાય મારી માતા અને અમે બધી બહેનો જ હતી, અમને કોઈ સગો ભાઈ નહોતો. અને મારા પિતાના મૃત્યુ સમયે મને સમજાયું કે, કેટલાક રિવાજો માટે અમારે અમારા સગાંમાં જે પુરુષો હતા તેમના પર આધાર રાખવો પડતો હતો. મારા પિતાના મૃત્યુ માટે અમારા નજીકના સગાંવહાલાઓમાંથી કોઈ પુરુષ સભ્ય આગળ ન આવ્યો. અમે અમારા પિતરાઈ ભાઈઓને પણ આજીજી કરી જોઈ, પણ તેઓ અમારી મદદે ન આવ્યા. છેવટે મારા જીજાજીએ મારા પિતાના અંતિમ સંસ્કાર કર્યાં’, એક અંગ્રેજી અખબારના પત્રકાર સાથે વાત કરતા જયંતીએ કહ્યું હતું.

પિતાના મૃત્યુ પછી થોડા સમય બાદ જયંતીને જાણ થઈ કે નમક્કલના સ્મશાન માટે કોઈ ઓપરેટરની જરૂર છે. સ્મશાનભૂમિના કેમ્પસમાં ઓપરેટર તરીકે કોઈ વ્યક્તિની જરૂર છે એવી જયંતીને ખબર પડી ત્યારે તે એક અનાથાલયમાં કામ કરતી હતી. જયંતીએ વિચાર્યું કે મારે આ તક ઝડપી લેવી જોઈએ.

જયંતી કહે છે કે મને વિચાર આવ્યો કે શા માટે મારે તક ન ઝડપી લેવી જોઈએ? કારણે કે કામ અગત્યનું છે તે કોણ કરે છે તે નહીં. લોકો મારી પીઠ પાછળ વાત કરે એનો મને વાંધો નહોતો. મારા પિતાના મૃત્યુ પછી જે અનુભવ થયો ત્યાર બાદ તો મે નિશ્ર્ચય કર્યો હતો કે હું હવે લોકોની પરવા નહીં કરું. જો કે, મને એ વાતનો આનંદ છે કે હવે લોકો માટે હું એક પ્રેરણારૂપ બની ગઈ છું.

જયંતીને એ વાતની ખુશી છે કે તેના પતિએ તેના આ નિર્ણયમાં પૂર્ણ રીતે પોતાની સહમતી આપી છે. જો કે, જયંતી પહેલેથી જ થોડા વિદ્રોહી સ્વભાવની રહી છે. તેના લગ્ન વખતે પણ તેણે સમાજ સામે બાથ ભીડી હતી.

‘હું એક બ્રાહ્મણ પરિવારની દીકરી છું અને મારા લગ્ન અન્ય જાતિના પુરુષ સાથે થયા ત્યારે મારે લોકોના ખૂબ મહેણાં-ટોણાંનો સામનો કરવો પડ્યો હતો. સમાજમાં અમારા વિશે બહુ વાતો પણ થઈ હતી, પરંતુ મારા પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. શરૂઆતમાં મારા પતિને પણ અમારા લગ્ન વિશે વિચારતા તકલીફ થઈ હતી, પણ પછી તેઓ તૈયાર થયા હતા.’

જયંતીએ દક્ષિણના રૂઢિચુસ્ત સમાજની પરવા કર્યાં વિના સ્મશાનમાં ફરજ બજાવવાનું પડકારજનક કામ સ્વીકાર્યું. તેણે એક નવો ચીલો પાડ્યો. પોતાને મનપસંદ જિંદગી જીવવા માટે સમાજ સામે બાથ ભીડવાની તૈયારી રાખીને જયંતી આખા તમિળનાડુમાં (અને હવે ઍવોર્ડ મળ્યા પછી દેશના અન્ય વિસ્તારોમાં પણ) જાણીતી બની.

પોતાને મનગમતું જીવન જીવવા માટે કે અનોખી પ્રવૃત્તિ કરવા માટે બીજાઓની પરવા ન કરવી જોઈએ એવી વ્યક્તિઓ પોતાનું નામ રોશન કરી જતી હોય છે. પી. જયંતી એનું જીવતું જાગતું ઉદાહરણ છે.

સાભાર- આશુ પટેલ
સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ 

7 responses to “( 959 ) એક યુવતીએ રૂઢિચુસ્ત સમાજમાં અનોખો ચીલો ચાતર્યો …. સત્ય કથા … આશુ પટેલ

 1. pragnaju ઓક્ટોબર 1, 2016 પર 11:02 એ એમ (AM)

  જયંતીએ દક્ષિણના રૂઢિચુસ્ત સમાજની પરવા કર્યાં વિના સ્મશાનમાં ફરજ બજાવવાનું પડકારજનક કામ સ્વીકાર્યું. તેણે એક નવો ચીલો પાડ્યો પ્રેરણાદાયી વાત

  Like

 2. pragnaju ઓક્ટોબર 1, 2016 પર 11:10 એ એમ (AM)

  મસાન : ભાગ્યે જ બનતા મૂવીઝમાંનુ એક
  બહુ ઓછા મૂવીઝ એવા બનતા હોય છે જે જોઈને એવું લાગે કે આવી ઘટના તો મારી સાથે પણ બનેલી છે.પછી એ આખું મૂવી પણ હોય શકે ને મૂવીનો કોઈ ૫-૧૦ સેકન્ડનો સીન પણ હોય શકે.બસ એવું જ કઈક આ મૂવીનું પણ છે.

  સેક્સ જેવા પ્રાકૃતિક આવેગને પણ આપણા દેશમાં એક ટેબુ(taboo) ગણવામાં આવે છે.ફિલ્મની મુખ્ય નાયિકા,એક કમ્પયુટરના ક્લાસ લેતી એક નાના શહેરની સામાન્ય યુવતી છે. જેને બોયફ્રેન્ડ છે.જેને જિંદગીને ચસચસાવીને જીવવી છે.જીવનની એ પળ એને ચોરવી છે. બોયફ્રેન્ડ સાથેની ચોરેલી એ પળને જીવવી છે. એ કરવા માટે પણ એને સાડી પહેરીને માથામા સિંદૂર પૂરીને નીકળવું પડે છે. ફિલ્મની શરૂઆતમાં જ તેની એ પ્રાઇવેટ પળની પથારી ફરી જાય છે. આતંકવાદીઓના કોઇ અડ્ડા પર પોલીસ તાડુકતી હોય એ રીતે એ હોટલના રૂમમા ધાડ પાડે છે. પછી આખી દુનિયા એ નાયિકાની પાછળ પડે છે એને એહસાસ કરાવવા કે એણે કોઈક અસામાજિક કૃત્ય કર્યું છે.પણ એ છેક સુધી લડે છે અને પોતાનામા ક્યાય અપરાધભાવ નથી આવવા દેતી.નોકરીઓ બદલે છે. શહેર બદલે છે. પણ સમાજ સામે ચૂપચાપ લડે છે.

  બીજી એક કહાની જે સમાંતર પહેલી વાર્તાની સાથે ચાલે છે. જેમા એક સ્મશાનમાં કામ કરતો અને સાથે ડિપ્લોમા ઇંજિનિયરીંગ કરતો એક યુવાન છે. જેને સ્મશાનમાં કામ કરવું જરાય પસંદ નથી પણ એના આખા પરિવારનુ કામ જ એ છે એટલે ના છૂટકે પણ એને એ કામ કરવું પડે છે. એને આશા છે કે કેમ્પસ પ્લેસમેન્ટમા એને સારી નોકરી મળી જ જશે.પહેલો પ્રેમ થાય છે. પહેલા પ્રેમ થાય એવુ બધુ જ થાય છે.ફોન પર થતી વાતો, શાયરી, ચોરેલી પળ, પહેલી કિસ,બાઇક પર છોકરાની પીઠ પર માથુ રાખીને વાતો કરતા કરતા હવા સાથે દોડવું…. અને પછી પહેલા પ્રેમમા જ લગભગ મોટા ભાગના લોકો સાથે થતું હોય છે એમજ કુદરત તરફથી મળતો એક જોરદાર ઝાટકો… અને એવા સમયે જ કુદરત તરફથી જ મળેલા દોસ્તોનો રોલ ચાલુ થાય છે .
  સામાન્ય જિંદગી જીવતા અસામાન્ય લોકોની વાત છે. પછડાઈ ને ઊભા થતા લોકોની વાત છે. જેને મોટા સપના જોવાનો સમય જ નથી. એ લોકો બસ જીવનની હાલની પરિસ્થિતિમા જ એટલા ફસાયેલા હોય છે કે એમાંથી નીકળવું જ એક મોટા સપના ને પુરુ કરવા જેવું હોય છે. જ્યારે આખી દુનિયા તમારી સામે આંગળી ચીંધતી હોય ત્યારે એની તરફ ધ્યાન આપ્યા વગર પોતાની જિંદગી શોધવાની કાહાની છે

  આ સિવાય મૂવીમા રાત્રે ઝગમગતો ગંગા ઘાટ છે. ઇંડિયન ઓશનનુ લાજાવાબ આત્માને સ્પર્શ કરી જાય એવુ સંગીત છે.રોજ સ્મશાનમા આવતી લાશો છે અને ભડ ભડ બળતા મડદાઓ છે અને અવિરત વહેતી, શાંત અને સૌમ્ય ગંગા છે.

  फिर तो झूमा बावला होक
  फिर तो झूमा बावला होक
  सर पे दाल फितूरी रे
  (song from movie)Masaan Full HD Movie (2015) | Richa Chadda | Sanjay … – YouTube
  Video for youtube masan▶ 2:22:06

  Jul 23, 2015 – Uploaded by BollywoodRaw
  Masaan Full HD Movie (2015) | Richa Chadda | Sanjay Mishra | Shweta Tripathi – Full Movie Promotions …

  Like

 3. pravinshastri ઓક્ટોબર 1, 2016 પર 5:29 પી એમ(PM)

  સરસ પ્રેરણાદાયક વાત. દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ સૌરાસ્ટ્રની સંસ્કૃતિ કરતાં વધુ ઝડપથી બદલાઈ રહી છે. મારા સ્વજનોમાં ચાર દિકરીઓએ પિતાની નનામી ઊંચકી છે અને અગ્નિદાહ પણ કર્યો છે. જે એક સ્થળે થાય તે જ ધીમે ધીમે બીજે પણ ફેલાય. ઘરડાઓ ખરતાં જશે તેમ જૂની માન્યતાઓ બદલાતી જશે. જે હજાર વર્ષોમાં ન બદલાયું તે છેલ્લા સો વર્ષમાં બદલાયું. જે સો વર્ષમાં ન વિચારાયું તે દસ વર્ષમાં શક્ય બન્યું અને જેની કલ્પના ન હતી તે એકજ વર્ષમાં જોઈ લીધું.

  Like

 4. પરાર્થે સમર્પણ ઓક્ટોબર 2, 2016 પર 11:27 એ એમ (AM)

  સમાજના પડ્કાર રુપી બંધનોને એક અલગ ચીલે ચાતરી સ્ત્રીઓને

  કાર્ય રુપે પ્રોત્સાહન આપતો પ્રેરક પસંગ

  ધન્યવાદ…

  Like

 5. સુરેશ ઓક્ટોબર 2, 2016 પર 12:13 પી એમ(PM)

  ગજબનાક વાત. જણાવવા માટે અભિનંદન અને આભાર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: