વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 4, 2016

વિસામાને ગણી મંઝિલ …. ગઝલાવલોકન …… શ્રી સુરેશ જાની ( રી-બ્લોગ )

rusva

પ્રખ્યાત ગઝલકાર સ્વ.રૂસવા મઝલૂમી, Rooswa Majhloomi  ( પરિચય અહીં ) ની મને ગમેલી નીચેની ગઝલ મારા મિત્ર શ્રી સુરેશ જાનીને વાંચવા માટે મોકલી હતી.

નથી ગમતું

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત. કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

– રુસ્વા મઝલૂમી

શ્રી સુરેશભાઈ એક વિચારક અંતર યાત્રી છે.જીવન કળા અને આઝાદ બની વિહરવાની ફિલસૂફી એમણે સ્વ અનુભવે પચાવી છે.ઉપરની રુસ્વા મઝલૂમીની ગઝલનું એમણે ટૂંકું પણ મનને ગમી જાય એવું અવલોકન એમના બ્લોગ સૂર સાધનામાં કર્યું છે એ નીચેની લીંક પર સાભાર વાંચી શકાશે.

 

Sureshbhai Jani in contemplating mood

સુરેશ જાની 

વિસામાને ગણી  મંઝીલ …..ગઝલાવલોકન 

ઉપરની ગઝલમાં સ્વ.રુસ્વા મઝલૂમીએ એમને ” શું નથી ગમતું ” વિષે એમના વિચારો મુક્યા છે.આ  ગઝલે  મને મારી એક કાવ્ય રચનાનું સ્મરણ કરાવ્યું જેમાં  ” મને શું  ગમે ” એ વિષે વાત મેં કરી છે. આ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.આ કાવ્ય મારા પરિચયના પેજ પર પણ જોવા મળશે. 

મને શું શું ગમે 

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં,

માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી,

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

ભલેને આવતી મોટી મુશીબતો મારી વાટે,

શુળોમાં ખીલતા પેલા ગુલાબ જેમ ખીલીને,

સર્વત્ર ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે.

મનનું માગ્યું બધું ક્યાં મળે છે આ જગમાં ?

જે મળ્યું છે એનું જતન કરી, બને તો ઉમેરી,

મળેલાને સુપેરે સંતોષથી માણવાનું મને ગમે.

સાહિત્ય સાગરે ઊંડેથી હંસ જેમ મોતીઓ ખોજીને,

સૌ રસિકોને એનો પ્રેમથી મોતી ચારો કરાવીને ,

આનંદથી ઝૂમતા પેલા હોળૈયા થવાનું મને ગમે .

આ અમોલ જીવન ફક્ત એક વાર જ મળે છે,

જીવન સંઘર્ષો વચ્ચે પણ મનથી ધૈર્ય રાખીને ,

સમય પટ પર સુંદર છાપ છોડી જવાનું મને ગમે.

સંસાર સાગરના તોફાનો વચ્ચે, મારી જીવન નૌકાને,

સ્થિર રાખી સુપેરે હંકારવાની પરમ કૃપા કરવા માટે,

દીન દયાળુ પ્રભુનો આભાર માનવાનું મને ગમે.

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓને ત્યજી,

એક વહેતા ઝરણા જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું ગમે.

આ જીવન મહોત્સવની હર પળ ખુબ મોજથી માણીને,

જોશથી જીવન જીવી જવાનું મનથી મને બહું જ ગમે.

વિનોદ પટેલ