વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 17, 2016

( 964 ) વિરહીની વેદના અને મૂંઝવણ ….. કાવ્ય રચના …… ચીમન પટેલ

જિંદગીના આ મેળામાં કોઈ દૈવ યોગે જ જીવન સાથી મળે છે અને સાથે આ મેળાનો આનંદ માણે છે અને કુટુંબની જવાબદારીઓ સાથે સંભાળે છે.કમનશીબે  એવા સંજોગો સર્જાય  છે કે બેમાંથી કોઈ એક સાથી વિદાય લઇ લે છે.પ્રિય પાત્રની વિદાયથી એકલો બની ગયેલ સાથી જીવનમાં એકલતા અને એક પ્રકારની મૂંઝવણ અનુભવે છે.શરીરમાં ઘર કરી ગયેલ કોઈ એક રોગની માફક દિલમાંથી યાદો પુરેપુરી જતી નથી.સમય સાથે કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય છે.પેલા હિન્દી ગીતમાં આવે છે ને કે “જાને વાલે કભી નહિ આતે ,પર જાને વાલેકી યાદ તો જરૂર આતી હૈ !”

આજની  પોસ્ટમાં પ્રસ્તુત શ્રી ચીમનભાઈના કાવ્ય “મૂંઝવણ “માં એમનાં જીવન સાથીની વિદાયની વિરહ વેદના અને એમના દિલની મૂંઝવણ છતી થાય છે એ સમજી શકાય એમ છે.જેને રામ બાણ વાગ્યાં હોય એ જ એને બરાબર જાણી શકે !કાવ્યને અંતે તેઓ કહે છે :

સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!

chiman -niyantika

સ્વ.નિયંતિકાબેન સાથેની ચીમનભાઈની એક યાદગાર તસ્વીર  

હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ હાલ ૮૨ વર્ષની ઉંમરના છે પણ એક યુવાનની જેમ સક્રિય છે.ચીમનભાઈનો પરિચય અને એમની અન્ય સાહિત્ય રચનાઓ એમના બ્લોગ “ચમન કે ફૂલ ” ની આ લીંક  પર ક્લિક કરવાથી વાંચી શકાશે.

મૂંઝવણ ….. ચીમન પટેલ

અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી,
ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી!
આવવું હતું જો અહીં તો ગઈ શું આમ ચાલી?
કીધુ કાં ન, સરકી જવું’તુ દઈ મને હાથ તાલી!

તલસાવવા ધર્યો’તો શું ભરી ગ્લાસ પ્રિતનો?
કદી હિંચકે બેસી કીધો વિચાર મુજ હિતનો?
અબોલા લઈ અલબેલી થાય પરીક્ષા શું ઘેરી?
વાયો છે વંટોળ વડીલોનો કે થયું છે કોઈ વેરી?

સમજાય ના મુજને મુખ ફેરવે કાં જોઈ તું મને?
મૂંઝાઈ રહ્યું છે મન, થઈ ગયું છે પ્રિયે શું તને?
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!

ચીમન પટેલ “ચમન “

ચીમનભાઈ નું આ કાવ્ય ગુજરાતી ભાષાના જાણીતા બ્લોગ  ” વેબ ગુર્જરી ” માં  પણ પ્રગટ થયું છે.

આજની આ પોસ્ટના સંદર્ભમાં,વિનોદ વિહારની પોસ્ટ નંબર (859 )” એકલતા જ મારે માટે સ્વર્ગ છે.” માં મુકેલ કિશોર કુમાર રચિત હિન્દી ફિલ્મના મનપસંદ હિન્દી ગીતનો ગુજરાતીમાં કરેલ નીચેના કાવ્યાનુવાદનો આસ્વાદ પણ માણો.

હિન્દી ગીતનો અનુવાદ

આંખની પલકો પર કોઈ વાર આંસુ છે ,
મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે,
છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .

જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે,
દુનિયા આગમન અને ગમનની જ કથા છે,
જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે,
આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે,
મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે,
પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.

ભાગતી જિંદગી તું જરા થોભી જા,શ્વાસ લે,
તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં ,
પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં,
એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં ,
ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી ,
મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.

કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ .
મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે,
મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે ,
ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ,
મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.

અનુવાદ- વિનોદ પટેલ,૨-૨૭-૨૦૧૬

જે હિન્દી ગીતનો અનુવાદ ઉપર છે એ હિન્દી ગીતને નીચેના વિડીયોમાં કિશોરકુમાર ના કંઠે સાંભળો અને માણો .