વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 966 ) દરેક પિતાએ પુત્રને વંચાવવા જેવો પત્ર …. દિવ્યાશા દોશી

દરેક પિતાએ પુત્રને વંચાવવા જેવો પત્ર
વરણાગી રાજા – દિવ્યાશા દોશી

Father's letter

આપણે ત્યાં પહેલાં કોઈ આવા ડે નહોતા ઉજવાતા. ફાધર્સ ડે આવે એટલે પિતા માટેના ક્વોટ, સુવાક્યો સાથે પિતાની કોઈ કદર નથી થતી એવા સંદેશાઓથી સોશિયલ મીડિયા ગાજી ઊઠે છે. પિતા અને પુત્રીના સંબંધોમાં જ પિતા એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે દેખાય છે બાકી પુત્ર માટે તે સતત અપેક્ષાઓનો બોજ બનીને રહી જાય છે. જે પરંપરા પુરુષપ્રધાન સમાજે ઘડી છે તેને તોડીને જુદી રીતે ભાગ્યે જ કોઈ વિચારશે.

પુરુષને પોતાનો વંશ ચલાવવા માટે દીકરો જોઈતો હોય છે કારણ કે નામ અને અટક તેને અમર બનાવી દેતી હોય છે તેવી માન્યતા ઘર કરી ગઈ છે. નામ, અટક અને વંશવેલો પુરુષને એટલો બદ્ધ બનાવી દે છે કે તે જોઈ શકતો નથી કે પુરુષ જાતિને કેટલું નુકસાન કરી રહી છે. પિતા તરીકે દીકરીને અને અન્યની દીકરીઓને જોવાના કાટલા જુદાં.પુરુષ પિતા પોતાના પુત્રને સારો માણસ બનાવી શકતો નથી. સમાજમાં જે વ્યક્તિઓ અને બદીઓ જોવા મળે છે તેમાં પિતા તરીકે શું પુરુષની કોઈ જવાબદારી નહીં? પિતા ભ્રષ્ટાચાર કરતા હોય. લાંચ લેતા કે આપતા હોય. સંસ્કાર કરતાં મોઘું શિક્ષણ મહત્ત્વનું હોય કારણ કે ડિગ્રી હશે તો જ સારી નોકરી મળશે અને નોકરી હશે તો સારા પૈસા મળશે. જીવન ધોરણ સગવડોથી જ મપાઈ રહ્યું છે. પૈસાદાર પિતાનો દીકરો પુખ્તવયનો ન હોય તો પણ લાઈસન્સ વિના ગાડી પુરપાટ ચલાવીને કોઈને કચડી નાખે ત્યારે પૈસા વેરીને તેને છોડાવી લેવાનો. પૈસાદાર પિતાનો પુખ્તવયનો દીકરો આલ્કોહોલ કે ડ્રગના નશા હેઠળ રાતના ફુટપાથ પર સૂતેલા શ્રમજીવીઓને કચડી નાખે તો પણ તેને સજા ન થાય તેવા બધા જ પ્રયત્નો થાય તો એ છોકરો પિતા બનીને પોતાના દીકરાને શું શીખવાડશે?

આ લખવાનું કારણ આપ્યું બે પત્રોએ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જાન્યુઆરી ૨૦૧૫માં એક છોકરી પર થયેલા બળાત્કારનો ગુનો કરનાર છોકરાના પિતાએ જ્જને લખેલો પત્ર અને બળાત્કારનો ભોગ બનેલી છોકરીએ લખેલો પત્ર વાંચીને. આ બન્ને પત્રો દરેક પિતાએ વાંચવા જોઈએ અને પોતાના પુત્ર, પુત્રીને વંચાવવા જોઈએ. જેમને આ કેસની જાણ નથી તેમને માટે ટૂંકમાં અહીં આલેખું.

જાન્યુઆરી ૨૦૧૫ની એક રાત્રે ૨૩ વરસની એક યુવતી જે આલ્કોહોલના નશામાં બેભાન હતી તેના પર ૨૦ વરસના અમેરિકન સ્વિમિંગ ચેમ્પિયન છોકરા બ્રોક ટર્નરે ખૂબ જ ખરાબ રીતે બળાત્કાર કર્યો. તે જ સમયે બે સ્વીડિશ છોકરાઓ બાઈસિકલ પર ત્યાંથી જઈ રહ્યા હતા. તેમણે જોયું કે એક છોકરો જરાય હલનચલન ન કરતી છોકરીની ઉપર સવાર હતો. તેમણે બૂમ પાડી તો બ્રોક ત્યાંથી ભાગ્યો. પેલા છોકરાઓએ બાઈસિકલ પર પીછો કરી તેને પકડીને પોલીસને હવાલે કર્યો. એ સ્વીડિશ છોકરાઓમાંથી એક છોકરો પેલી છોકરીની હાલત જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પેલી છોકરી બેભાન હતી. લગભગ નગ્ન હતી. તેનું આખુંય શરીર કાંટા અને ઝાંખરાઓમાં ઘસડાવાને કારણે ઊઝરડાયેલું હતું. બળાત્કારી બ્રોક અમેરિકાનો શ્રેષ્ઠ તરવૈયો છે. અને ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે તેવી શક્યતા હતી.

અમેરિકાની અદાલતમાં જ્યુરી સિસ્ટમ છે.જ્યુરીએ છોકરાને બળાત્કારી જાહેર કરી ૧૪ વરસ સુધીની સજાને પાત્ર ગણ્યો. પણ બળાત્કારીના પિતાએ જ્જને વિનંતી કરતો પત્ર લખ્યો કે ફક્ત વીસ મિનિટના કૃત્યને કારણે તેને જેલમાં જવાની જરૂર નથી.આ કેસને કારણે તેના પર ઘણી અસર થઈ છે.મારા દીકરાની જીંદગી બરબાદ થઈ ગઈ છે. તે ખાતો નથી, સૂઈ નથી શકતો, આગળ કારર્કિદી નહીં ઘડી શકે.મારો દીકરો ક્યારેય હિંસક નથી બન્યો. બળાત્કારનો ગુનો બન્યો તે રાત્રે પણ તે હિંસક નહોતો બન્યો.હવે તે શાળા-કોલેજમાં જઈને યુવાનોને જાગૃત કરવા માગે છે કે આલ્કોહોલ તમારી જિંદગી બરબાદ કરી શકે છે. વગેરે વગેરે.

વરસ સુધી કેસ ચાલ્યા બાદ બળાત્કારી છોકરા બ્રોકે કહ્યું કે પેલી યુવતીએ મને સેક્સ માટે હા પાડી હતી એટલે જ … પેલી યુવતીએ બ્રોકને સંબોધીને ૧૨ પાનાનો પત્ર લખ્યો તેમાં દોઢ વરસમાં તેનું જીવન કેટલું બદલાઈ ગયું અને તેણે શું વેઠ્યું તે લખ્યું. બળાત્કાર પહેલાં તે કેવી આત્મ વિશ્વાસથી ભરપૂર છોકરી હતી. બળાત્કાર બાદ તે શરીરને પણ કપડાંની જેમ બદલી નાખવા માગતી હતી. રાત્રે એકલી સૂઈ નહોતી શકતી. રડી રડીને આંખો સૂઝી જતી હતી. મારા પગ પહોળા કરીને ફોટા લેવાયા. કોર્ટમાં અનેક અંગત પ્રશ્ર્નો પુછાયા જે જખમોને સતત ખોતરીને તાજા કરતા હતા. વગેરે વગેરે…

આમાં પિતા તરીકે પુત્રની ચિંતા કરનાર પુરુષ સામેની યુવતી પણ કોઈની દીકરી છે તે ભૂલી જાય છે. પિતાએ પુત્રને જવાબદાર પુરુષ બનવાના સંસ્કાર આપવાના હોય. બેભાન યુવતી પર બળાત્કારને એક ભૂલ ગણીને પોતાના દીકરાના બરબાદ ભવિષ્ય માટે રડતાં પિતાએ હકીકતમાં તો તેને એવી સજાનો હકદાર ગણવો જોઈએ કે બીજો કોઈ છોકરો બળાત્કાર કરવાની હિંમત ન કરી શકે. પેલી યુવતીની માફી માગીને પસ્તાવો કરવાનું પિતા શીખવાડતા નથી પણ વકીલ રોકીને તેની પાસે યુવતીને ખરાબ ચરિત્રની હોવાનું સાબિત કરાવડાવે છે. શું એ પિતાની દીકરી પર બળાત્કાર થાય તો પણ એ પિતા બળાત્કારીનું જીવન બરબાદ ન થાય તેવું ઈચ્છશે? પુરુષત્વ અને પૈસાના જોરે કંઈપણ ગુનો કરી શકાય તેવું કોઈ છોકરો વિચારી શકે તો તેમાં એના પિતા શું વિચારે છે તે પણ મહત્ત્વનું છે. પિતા તરીકે પુત્રને જવાબદાર નાગરિક બનાવવો, સારો માનવ બનાવવાની ફરજ બજાવવાની હોય છે. તેને ગુનાઓ કરીને મુક્ત થઈ જવાય એવું શીખવાડવાનું ન હોય. નાના નાના ગુનાઓ ક્યારેક મોટા ગુનામાં ફેરવાઈ શકે તે કહેવાય નહીં.

સૌજન્ય-મુંબઈ સમાચાર.કોમ 

One response to “( 966 ) દરેક પિતાએ પુત્રને વંચાવવા જેવો પત્ર …. દિવ્યાશા દોશી

  1. pragnaju ઓક્ટોબર 25, 2016 પર 12:55 પી એમ(PM)

    પિતા તરીકે પુત્રને જવાબદાર નાગરિક બનાવવો, સારો માનવ બનાવવાની ફરજ બજાવવાની હોય છે. તેને ગુનાઓ કરીને મુક્ત થઈ જવાય એવું શીખવાડવાનું ન હોય. નાના નાના ગુનાઓ ક્યારેક મોટા ગુનામાં ફેરવાઈ શકે તે કહેવાય નહીં. મુદ્દ્દાની વાત

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: