Daily Archives: ઓક્ટોબર 31, 2016
વાઘ બારશ ,ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ.અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ છે .
અજ્ઞાનનો અંધકાર દુર કરી અંતરમાં જ્ઞાનનો દીપક પ્રગટાવીએ નહી ત્યાં સુધી દિવાળીમાં ફક્ત દીવા પ્રગટાવીને ખુશ થવાથી કામ નથી પતી જતું નથી.
દીપોત્સવી પર્વમાં અનેક મિત્રો તરફથી ઈ-મેલ, સ્માર્ટ ફોન અને વોટ્સએપ મારફતે ઘણા સરસ વિચારવા જેવા ચિત્રાંકિત દિવાળી સંદેશાઓ મળતા હોય છે. એવા મને ગમેલા કેટલાક સંદેશાઓ આ પોસ્ટમાં રજુ કર્યા છે.
વિનોદ વિહારના આજના દીપોત્સવી અંકમાં દિવાળી તથા નુતન વર્ષ અંગેની આવી નીચેની ચિત્રાંકિત સાહિત્ય સામગ્રી માણો.
સુરતના મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલેલ આ ચિત્રમાં દિવાળી ખરેખર શું છે એ સરસ રીતે સમજાવ્યું છે.

આ ચિત્રમાંનો દિવાળીનો સદેશ ગાંઠે બાંધવા જેવો છે.દિવાળી આવે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કથન મુજબ ચીલા ચાલુ રીતે એને ઉજવીએ એ પુરતું નથી.દિવાળીમાં ઓછા નશીબદાર માણસો પ્રત્યે જો તમારા હમદર્દી ,લાગણી કે સંવેદના અને પ્રેમ જો જાગે તો એ સાચી દિવાળીની ઉજવણી કહેવાય.
જે લોકો એમના જીવનની સફરમાં એકલા પડી ગયા છે એમને મળો, એમની સાથે પ્રેમથી વાત કરો,એમની આંખોની ઉદાસી દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરો,જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈને દિવાળી –બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરો.
જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામો તો ખરી દિવાળી-નવું વર્ષ ઉજવ્યું કહેવાય .
સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય.
નીચેના બે ચિત્રોમાં પણ બે મહાન આધ્યાત્મિક આત્માઓ- ઓશો અને આર્ટ ઓફ લીવીંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીએ પણ સૌને ભીતરમાં અજવાળું કરવાની શીખ આપી છે .

(ચિત્ર સૌજન્ય- શ્રી શરદ શાહ ,અમદાવાદ)
ગુજરાતીમાં અનુવાદ
દિવાળીનો દીપક
અને એનો બહારનો પ્રકાશ
કેટલો મનોહર લાગે છે !
પરંતુ
મનુષ્યની અંદર પડેલું અંધારું
એ દુર કરી શકતો નથી !
ભીતરમાં ધ્યાનની
રોશની જો પ્રગટે તો
જિંદગીનો હરેક દિવસ
દિવાળી, દિવાળી જ છે.
ઓશો
અનુવાદ – વિનોદ પટેલ
શ્રી શ્રી રવિશંકરજી નો ચિત્ર-સંદેશ

ગુજરાતીમાં અનુવાદ
દિવાળી આવે એટલે
માત્ર દિવાઓ પ્રગટાવ્યા
એટલે દિવાળી ઉજવાઈ ગઈ
એમ રખે માનતા !
મુદ્દાની વાત તો એ છે કે
તમારી ભીતર જ્ઞાનના
દીપકના પ્રકાશથી
તમે જાતે પ્રકાશિત થવા જોઈએ
કે જેથી તમે જીંદગીમાં
બીજા ઘણા માણસોના
જીવન માર્ગમાં
પ્રકાશ પાથરી શકો.
શ્રી શ્રી રવિશંકરજી
(આર્ટ ઓફ લાઈફ ના પ્રણેતા)

નવું વિક્રમ સંવત વર્ષ ૨૦૭૩
ન્યુ જર્સીના શ્રી વિપુલ દેસાઈ એ મોકલેલ નીચેના ચિત્ર પર ક્લિક કરી દિવાળી-નવા વર્ષ અંગેના વિવિધ ચિત્ર- સંદેશ માણો.

નવા વર્ષ વિશેની મારી એક કાવ્ય રચના
નવા વરસે ….

દિવાળીમાં ગૃહ-ગાયત્રી પૂજનનું ચિત્ર

ऊँ भू: भुव :स्व: तत् सवितु वरेण्यं
भर्ग: देवस्य धियो यो न: प्रचोदयात्।
અર્થ- તે પ્રાણ સ્વરૂપ, દુખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએ. ઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.

આપણી આ જિંદગી એક સતત લખાતું પુસ્તક છે.હિંદુ કેલેન્ડર-પંચાંગ મુજબ સંવત વર્ષ ૨૦૭૩ના પહેલા દિવસે આ પુસ્તકના પ્રથમ પ્રકરણનું પ્રથમ કોરું પાનું ખુલે છે. આ શુભ દિવસે એમાં વર્ષભર સારું કાર્ય કરવાના મનોભાવની નોધ લખીને એની શુભ શરૂઆત કરીએ કે જેથી વર્ષાન્તે જ્યારે પુસ્તક પૂરું થાય ત્યારે સંતોષની અનુભૂતિ થાય.
આપની જીવન નવલકથાના બાકીના બધાં જ પ્રકરણો આકર્ષક અને સંતોષપૂર્ણ,સુંદર અને પ્રેરક બને એવી શુભ કામનાઓ.
વિનોદ વિહારના સૌ વાચક મિત્રો, સ્નેહી જનોને સંવત ૨૦૭૩નું નવું વર્ષ સર્વ પ્રકારે સુખ-શાંતિ-સમૃદ્ધિ સભર અને નિરામય નીવડે એવી મારી હાર્દિક શુભ ભાવનાઓ.
ૐ સર્વે ભવન્તુ સુખિન:।
સર્વે સન્તુ નિરામયા:।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ।
મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।
શાંતીમંત્ર
ॐ सहनाववतु,
सह नौ भुनक्तु ,
सहवीर्यम् करवावहै
तेजस्विना वधितमस्तु,
मा विद्विषावहै!
ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:।।
વાચકોના પ્રતિભાવ