વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 971 ) ૨૦૧૬ ની અમેરિકાના ૪૫ મા પ્રમુખ પદની ચૂંટણીના ચમકારા…અબકી બાર ટ્રમ્પ સરકાર !

donald-hillary

વિશ્વભરની જેના પર નજર હતી એ આઠમી નવેમ્બર ૨૦૧૬ ના રોજની ૪૫મા અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનાં પરિણામો ૯મી નવેમ્બરની વહેલી સવાર સુધીમાં આવી ગયાં એ અણધાર્યા હતા.ડેમોક્રેટીક પક્ષનાં ૬૯ વર્ષનાં મહિલા ઉમેદવાર હિલરી ક્લીન્ટન અને રિપબ્લિક પક્ષના ૭૦ વર્ષના ઉમેદવાર બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લગભગ બે વર્ષથી અમેરિકાનું રાજકીય હવામાન ગરમ રાખતી ખુબ જ લાંબી કંટાળા જનક પ્રાયમરી અને જનરલ ઇલેક્શનની ચુંટણી પ્રક્રિયાનો આ દિવસે અંત આવી ગયો અને લોકોએ રાહતનો ઊંડો દમ લીધો.

આ ચુંટણી પ્રક્રિયાના એક ભાગ તરીકે ડોનાલ્ડ અને હિલેરી વચ્ચેનીં ત્રણ જાહેર ચર્ચાઓ યોજાઈ ગઈ હતી એમાં વર્ષોનો રાજકીય અનુભવ ધરાવતાં હિલરીનો દેખાવ ત્રણે ય ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ખુબ સારો રહ્યો હતો,એટલે ટીવી પર અને પ્રિન્ટ મીડિયામાં રાજકીય પંડિતો કહેતા રહ્યા હતા કે હિલરી જીતશે પરંતુ લોકમત કૈક બીજું જ માનતો હતો.

લોકશાહીમાં લોકમત જ સર્વોપરી હોય છે.રાજકીય પંડીતોના ચુંટણી અંગેના પોલ અને રાજકીય હવામાનના વર્તારાઓને ધરમૂળથી ખોટા પાડતાં એવાં પરિણામો  આવ્યાં એથી ઘણા લોકો ડઘાઈ ગયા હતા .જાણે કે કોથળામાંથી બિલાડું નીકળ્યું !

અમેરિકાની ચુંટણી પદ્ધતિ થોડી વિચિત્ર છે.બીજા દેશોની જેમ જેને સૌથી વધુ પોપ્યુલર મત મળે એ ઉમેદવાર જીતી જાય એવું અમેરિકામાં નથી.મતદારો તરફથી હરીફ કરતાં વધુ પોપ્યુલર મત મળ્યા હોય એમ છતાં દરેક સ્ટેટના નક્કી કરેલ ઈલેકટોરલ કોલેજ મતનો સરવાળો ઓછામાં ઓછા કુલ ૨૭૦ ઈલેકટોરલ મત કરતાં જો ઓછો હોય તો એ ઉમેદવાર જીતી ના શકે.

ઇલોકટોરલ કોલેજ વોટની ગણતરી કેવી રીતે થાય છે એ જાણવા જેવું છે.દરેક સ્ટેટમાં જેટલા હાઉસ ઓફ રેપ્રેઝનટેટીવ હોય એમાં એ સંખ્યામાં સ્ટેટના દર સેનેટર દીઠ બે વોટ ઉમેરીને જે સંખ્યા બને એ એ સ્ટેટના ઇલોકટોરલ કોલેજ વોટની સંખ્યા છે.

આ ચુંટણીમાં હિલરી ક્લીન્ટનને ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં મતદાર જનતાએ વધુ પોપ્યુલર મત આપ્યા હોવા છતાં છતાં એમને ફક્ત ૨૨૮ ઇલો.મત મળ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પને કુલ ૨૭૮ ઇલો.મત પ્રાપ્ત થતાં એ જીતી ગયેલા જાહેર થયા.યાદ હોય તો નવેમ્બર ૨૦૦૦ ની ચૂંટણી વખતે અલ ગોરને એમના હરીફ જ્યોર્જ બુશ કરતાં વધુ પોપ્યુલર વોટ મળ્યા હતા એમ છતાં બુશને વિવાદાસ્પદ ૨૭૦+ ઈલો. વોટ મળતાં એમને ચૂંટાઈ ગયેલા જાહેર થયા હતા.

આ વખતની ચુંટણી છેવટ સુધી રસાકસીથી ભરપુર હતી.ચુંટ ણીનાં પરિણામો ટી.વી.ને પડદે નિહાળી રહેલ લોકો એમનો ઉમેદવાર જીતે એ જોવા એમનો જીવ પડીકામાં બાંધીને ટી.વી.સામે ગોઠવાઈ ગયા હતા. જાણે કે સુપર બોલની મેચ જોઈ રહ્યા ના હોય !છેવટે ચુંટણીની આ ઘોડ દોડની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઘોડો આગળ રહી રેસ જીતી ગયો!

ગુગલની આ લીંક પર ક્લિક કરીને   અમેરકાની આ યાદગાર ચુંટણીનાં પરિણામો ખુબ વિગતે જાણી શકાશે.

અબકી બાર ટ્રમ્પ સરકાર !

અમેરિકામાં સામાન્ય રીતે પક્ષનો એજન્ડા મતદારોને સમજાવીને  ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે પરંતુ ડોનાલ્ડ અને હિલેરી વચ્ચેના આ રાજકીય દંગલમાં પક્ષનો એજન્ડા ગૌણ બની ગયો હતો અને વ્યક્તિ મુખ્ય બની ગઈ હતી.એક બીજા ઉપર અંગત જીવનના આક્ષેપો-પ્રતિ આક્ષેપો અને વ્યક્તિગત તૂ તૂ મેં મેં માં ચુંટણી વાતાવરણ ઝેરી બની ગયું હતું.ન્યુઝ મીડિયાએ આવા નકારાત્મક પ્રચાર પ્રસારના ભારેલા અગ્નિમાં પેટ્રોલ છાંટવાનું કામ કર્યું.ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવચનો વાઈટ સુપ્રીમસી-રેસિઝમ,ઉંચી દીવાલ બાંધી ઈમીગ્રંટસનો વિરોધ,મહિલાઓના પ્રશ્નો બાબતે તેમની ટીપ્પણી અને મુસલમાનો અંગેનાં તેમનાં કેટલાંક વિધાનોએ ખુબ વિવાદ જગાવ્યો હતો. આ વિધાનોએ તેમની વિચારસરણીને ગમાડતા લોકોમાં એમને લોકપ્રિય પણ બનાવ્યા.એમના નકારાત્મક પ્રચારે વિશ્વના લોકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.એક મિત્રે વોટ્સ-એપ પર મોકલેલું આ ચિત્ર ઘણું કહી જાય છે.

img-20161109-wa0002

અમેરિકાની લગભગ અડધી કરતાં વધુ વસ્તીનું ડોનાલ્ડને સમર્થન મળ્યું અને ઘણા લોકોને માટે બિન અનુભવી અને પાગલ લાગતા અને પોતાના જ પક્ષના અગ્રણી નેતાઓ એમનો વિરોધ કરતા હોવા છતાં છેવટે પ્રમુખપદનો તાજ લોકોએ એમના શિરે પહેરાવી જ દીધો.અમેરિકામાં અને વિશ્વમાં ઘણાને માટે આ એક મોટું આશ્ચર્ય અને ધરતીકંપ જેવો આંચકો હતો.આ ચૂંટણીનાં પરિણામોનું  પ્રસારણ  વિશ્વભરના લોકોએ આશ્ચર્યથી નિહાળ્યું.વિશ્વના શેર બજાર પર પણ એની અસર પડી.ભારતના લોકોએ પણ અમેરિકાની આ ચુંટણીમાં ખુબ રસ દાખવ્યો હતો.કેટલાકતો ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એ માટે હવન અને પ્રાર્થના કરતા હતા એવા પણ સમાચાર વાંચ્યા હતા !

આ વખતની ચુંટણી દરેક વાર યોજાતી ચુંટણી કરતાં ઘણી બાબતોમાં અનોખી હતી જે અમેરિકાના રાજકીય ઇતિહાસમાં જ નહીં પણ વિશ્વભરમાં પણ ઘણા લાંબા સમય સુધી યાદ રહી જશે.

રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના આગલા દિવસ સુધી પ્રમુખ બરાક ઓબામાએ અને એમના પત્ની મિશેલએ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટે ચૂંટણી સભાઓમાં ખુબ જ જુસ્સાભેર પ્રચાર કર્યો અને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ થવા માટેની કોઈ લાયકાત ધરાવતા નથી.એ આવશે તો દેશમાં આરાજ્કતા ફેલાશે વિગેરે…. ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પણ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસ સુધી લોક  રેલીને સંબોધિત કરી કહ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં તમારે એક્તા અને વિભાજનમાંથી એક ની પસંદગી કરવી પડશે. એક એવી અર્થ વ્યવસ્થા જે મિડલ ક્લાસની ઉન્નતી માટે હોય અને નહી કે  જે ફક્ત અમીરો માટે જ હોય એવી હોવી જોઈએ.એમનો આ અવાજ લોકમતમાં દબાઈ ગયો.હિલરી ની હારમાં એમના ઈ-મેઈલનો ચર્ચાસ્પદ વિવાદ અને ચુંટણીના દશ દિવસ પહેલાં જ એમના નવા ઈમેલો બાબત સી,બી.આઈએ કોંગ્રેસ જોગ લખેલ પત્રના ચર્ચાસ્પદ અણધાર્યા ધડાકાએ પણ મુખ્ય ભાગ ભજવ્યો જેનો ડોનાલ્ડ ટ્રમ્પની કેમ્પેઈનએ ભરપુર  લાભ ઉઠાવ્યો.ડોનાલ્ડ ટ્રમ્પ એ સામ,દામ.દંડ અને ભેદભાવની નીતિ અપનાવી ચુંટણી જીતી ગયા ! 

બરાક ઓબામાનો આઠ વર્ષના એમના વહીવટ દરમ્યાન કરેલ કામને આગળ વધારવા માટે એમનો રાજકીય વારસો તેઓ હેલરી ક્લીન્ટના હાથમાં સોપવાનો ઓરતો મૃત પ્રાય થઇ જતાં તેઓ જરૂર નિરાશ થયા હશે.આ ચુંટણી પછી કોંગ્રેસ,સેનેટ અને સુપ્રીમ કોર્ટ અને પ્રમુખ પદ હવે રીપબ્લીકન પક્ષના હાથમાં આવ્યાં હોઈ તેઓ ઓબામાએ લીધેલ ઓબામા કેર જેવા કાયદાઓને ઉથલાવી એમના એજન્ડા મુજબ કાર્ય કરશે.એ ભૂલવું ના જોઈએ કે આઠ વર્ષના એમના વહીવટ પછી ઓબામાનો પોપ્યુલારાટી રેટ ૫૪ ટકાનો હતો એ વિદાય લેતા પ્રમુખ માટે ખરેખર સારો કહેવાય .

પ્રથમ વખતે ૨૦૦૮ માં પ્રાઈમરીની ચુંટણીમાં  બરાક ઓબામા સામે અને ૨૦૧૬ માં જનરલ ઇલેકશનમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે એમ બે વાર હિલરી ક્લીન્ટન હારી ગયાં એ બતાવે છે કે એક મહિલાને દેશના પ્રમુખ પદે બેસાડવા માટે અમેરિકા હજુ તૈયાર હોય એમ લાગતું નથી.

ભારત,પાકિસ્તાન, શ્રી લંકા ,બંગલા દેશ, બ્રાઝીલ, મ્યાનમાર(બર્મા) જેવા પછાત ગણાતા દેશોમાં પ્રમુખ પદે લોકો મહિલાઓને ચૂંટી કાઢે છે પણ સુપર પાવર અમેરિકાના ૨૪૦ વર્ષના ઇતિહાસમાં હજુ સુધી કોઈ પણ મહિલા પ્રમુખ બનીને આ પદની ગ્લાસ સીલીંગ તોડી નથી શકી એ જગતની મોટી લોકશાહી માટે કેવું શરમજનક કહેવાય !

ચુંટણીના પરિણામો પછી ડાહ્યા ડમરા બની ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટાયા પછી આપેલ પ્રથમ પ્રવચનમાં વિભાજનને બદલે એક બનીને કામ કરવાની વાત કરી હતી.

નીચેના વિડીયોમાં એમનું પ્રવચન સાંભળો.આ વિડીયોમાં એ વખતે હાજર ડોનાલ્ડ ટ્રમ્પના ત્રણ પુત્રો, બે પુત્રીઓ અને એમનાં પત્ની અને એમના પરિવાર જનોને જોઈ શકાશે.

DONALD TRUMP ‘S  VICTORY SPEECH

Full Speech as President Elect of the United States

ચુંટણીમાં હવે એ હારી રહ્યાં છે એવી ખાત્રી થતાં હિલરી ક્લીન્ટને એ દિવસે જ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરી નિખાલસ ભાવે લોકશાહી પરંપરા મુજબ એમની હાર સ્વીકારી લીધી હતી.એમની કેમ્પેઈનના સહાયકો અને પ્રસંસકો સમક્ષ આપેલ એમના એક સુંદર લાગણીભર્યા પ્રવચનના આ વિડીયોમાં હાર્યા પછીની હિલરીની મનોસ્થિતિ જણાઈ આવે છે.આ વિડીયોમાં એમની હારથી નિરાશ અને ભાવુક બનેલ એમના પ્ર્સંસકોના ચહેરા પરના ભાવ ખરેખર હૃદય સ્પર્શી છે.

Hillary Clinton FULL Concession Speech | Election 2016

આશા રાખીએ નવા વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં એમના વાગોવાયલ ટેમ્પરામેન્ટ ભૂલીને ચુંટણી દરમ્યાન વિભાજીત થયેલ અમેરિકાના લોક સમુદાયમાં એકતનો માહોલ સર્જશે.આ લખાય છે ત્યારે ટી.વી. ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની જીત સામે અમેરિકાના સાત મોટા શહેરો અને ટ્રમ્પ ટાવર સામે હજારો લોકો સરઘસ કાઢી વિરોધ કરી રહ્યાનાં ટી.વી. ઉપર દ્રશ્યો બતાવી રહ્યાં છે !

અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં એકતાનો માહોલ સર્જવામાં સફળ થાય અને મધ્યમ વર્ગ માટે લોક કલ્યાણનાં કામો સહુના સહકારથી શરુ કરી એમના વિશેની જે છાપ છે એ સુધારે એવી આશા રાખીએ.મોદીના નારા પ્રમાણે સૌનો સાથ, સૌનો વિકાસ.પ્રભુ સૌને સદબુદ્ધિ આપે.God Bless America.

— વિનોદ પટેલ , લખ્યા તા.નવેમ્બર ૯,૨૦૧૬ 

 

7 responses to “( 971 ) ૨૦૧૬ ની અમેરિકાના ૪૫ મા પ્રમુખ પદની ચૂંટણીના ચમકારા…અબકી બાર ટ્રમ્પ સરકાર !

  1. સુરેશ નવેમ્બર 10, 2016 પર 6:11 એ એમ (AM)

    મોટા ભાગના ‘દેશી’ અમેરિકનોને ટ્રમ્પની પસંદગીથી આશ્ચર્ય થયું છે. પણ આ પરિણામ સહેજ પણ આશ્ચર્યજનક નથી! એની પાછળનાં પરિબળો બહુ જ ધીરજથી અને મુક્ત મનથી સમજવાં જેવાં છે.

    ‘ક્રેઝી’ ગણાતી અમેરિકન પ્રજાના આ ડહાપણ માટે આ લખનારની સલામ ….

    Had Democrats taken the concerns of average American seriously, especially the concerns of Millennials, they would have quickly realized Hillary Clinton was not the right nominee for the Democratic party in 2016.

    To read the full , thought provoking article, click on ‘Title … Dear Democrats…’ –

    Medium.com પર જુઓ

    Like

      • Capt. Narendra નવેમ્બર 10, 2016 પર 9:17 એ એમ (AM)

        કર્મના સિદ્ધાંતમાં કોઈ માને કે ન માને, પણ આ ચૂંટણીમાં ટૂંકા ગાળાના સંચિત કર્મનું ફળ શ્રીમતી ક્લિંંટનને મળ્યું છે. જે રીતે (ભારતીય કૅંાગ્રેસના સલાહકારોને પણ વટી જાય તેવા તેમના સલાહકારો, મળતીયાઓ અને પ્રચારકર્તાઓએ – જેમાં શ્રી. ઓબામા પણ સામેલ હતા તેમની મદદથી) તેમણે બર્ની સૅન્ડર્સની ઉમેદવારીનો ઘડો લાડવો કર્યો, પોતાની ગુનાઈત (સરકારી ઈ મેઈલને નષ્ટ કરવાની) કાર્યવાહીને સરકારી મશિનરીથી દબાવી અને દુષ્પ્રચાર કર્યો, તેનું સંયુક્ત અને સંચિત ફળ તેમને મળ્યું. મેં પોતે પ્રાઈમરીઝમાં બર્ની સૅન્ડર્સને તથા અંતિમ વોટિંગમાં ડેમોક્રેટ પક્ષને મત આપ્યો હતો તેમ છતાં જે સત્ય છે તેને સ્વીકારવું જ રહ્યું.
        અહીં અમને ઘરકામમાં મદદ કરવા આવતાં હિસ્પૅનિક બહેનની વાત કહીશ. મતદાનના દિવસે અમે તેમને પ્રમુખપદના ઉમેદવારો વિશે પૂછ્યું. તેમના જવાબે ખરેખર અમને વિચારમાં પાડ્યાં : We have a bad candidate and a very bad candidate. I think the very bad candidate will win, તેમણે કહ્યું. અમે પૂછ્યું, આ બેમાંથી કોણ ‘બૅડ’ છે અને કોણ ‘વેરી બૅડ’ ઉમેદવાર છે? તેમણે જવાબમાં અમારી તરફ જોઈ સ્મિત કર્યું. “એ તો ૮મીની રાતે જ ખબર પડશે.”
        તે સમયે પોલ્સ્ટર્સ થાળી વગાડી વગાડીને કહેતા હતા કે હિલરીબહન જીતશે!

        Like

  2. mhthaker નવેમ્બર 10, 2016 પર 7:25 એ એમ (AM)

    ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં એકતાનો માહોલ સર્જવામાં સફળ થાય અને મધ્યમ વર્ગ માટે લોક કલ્યાણનાં કામો દ્વારા સહુના સહકારથી શરુ કરી એમના વિશેની જે છાપ છે એ સુધારે એવી આશા રાખીએ.મોદીના નારા પ્રમાણે સૌનો સાથ, સૌનો વિકાસ.પ્રભુ સૌને સદબુદ્ધિ આપે.God Bless America.
    vinod bhai-written very good article on this historic election..and sure like Modi-ji we hope Trump will also work with Unity of all..As it was clear from his president Speech..He was Mild – Mixing And Mellow

    Like

  3. Vinod R. Patel નવેમ્બર 10, 2016 પર 11:09 એ એમ (AM)

    પ્રિય નરેન્દ્રભાઈ ,

    વિનોદ વિહારમાં આવી થોડો સમય લઈને આપનો બહુ જ સુંદર પ્રતિભાવ
    આપવા માટે આપનો ખુબ આભાર.

    હું પણ કર્મના સિદ્ધાંતમાં માનું છું. હું નાનો હતો ત્યારે મારાં દાદીમા કહેતાં કે જેવું
    કરશો એવું ભરશો. કર ભલા હોગા ભલા.

    હિલરી ક્લીન્ટન હારી ગયાં એના માટે ઘણાં કારણો છે .
    ૩૦-૩૫ વર્ષથી રાજકીય ફલકમાં રહેલાં આ મહિલા બધી રીતે આ ઉચ્ચ
    પદ માટે યોગ્ય હોવા છતાં એમના ઈ-મેલ અને વીકી લીકસની વિગતો જાહેર
    થઇ જતાં એમની નબળાઈઓ અને બરની સેન્ડર્સને હરાવવા માટે કરેલ
    તરકીબો છતી ગઈ.આની અસર મીલેનીયમ યુવાનોનો વોટ એમણે ગુમાવ્યા.
    હાથના કર્યા હૈયે વાગ્યાં !
    હવે જે થયું એ હકીકત છે એ સ્વીકારી,અમેરિકામાં ટ્રમ્પ વહીવટમાં સૌના સહ્કાથી
    સૌ સારું વાનું થશે એવી આશા રાખીએ અને એમને શુભેચ્છા આપીએ .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: