ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 981 ) ભગવદ્ ગીતા અને ફ્લ્મિી ગીતો ! … શ્રી દીપક સોલિયા
સંદેશ.કોમમાં શ્રી દીપક સોલિયા લિખિત એક લેખ “ભગવદ્ ગીતા અને ફ્લ્મિી ગીતો!”વાંચતાં જ મને ગમી ગયો. એને લેખક અને સંદેશના આભાર સાથે આજની પોસ્ટમાં વાચકોને માટે પ્રસ્તુત છે.આ લેખને વધુ રસિક બનાવવા એમાં બે ગીતોની વિડીયો લીંક મેં મૂકી છે …વિ.પ.)
ફ્લ્મિી ગીતમાં એવી ગૂઢ વાત સાંભળી છે કે શુદ્ધ આત્મા શરીરરૂપી વસ્ત્ર દ્વારા ઢંકાયેલો છે અને એ વસ્ત્ર પર મોહમાયાના તથા રાગદ્વેષના ડાઘ પડે છે? સ્વાભાવિક છે કે આવી બધી વાતો ધર્મગ્રંથોમાં વાંચવા મળે કે કથા-કિર્તનમાં સાંભળવા મળે, પરંતુ ફ્લ્મિી ગીતોમાં આવું નિર્ભેળ ધાર્મિક મંથન શોધવાનું કહેવામાં આવે તો માથું ખજવાળવું પડે.
આવું એક ગીત (ફ્લ્મિઃ દિલ હી તો હૈ) છે ખરું, જેના ગીતકાર છે, સાહિર લુધિયાનવી.
લાગા ચુનરી મેં દાગ…
ચુનરી મેં દાગ છુપાઉં કૈસે, ઘર જાઉં કૈસે
જાકે બાબુલ સે નઝરેં મિલાઉં કૈસે…
ભૂલ ગઈ સબ બચન બિદા કે
ખો ગઈ મૈં સસુરાલ મેં આ કે…
કોરી ચુનરિયા આત્મા મોરી, મૈલ હૈ માયાજાલ
વો દુનિયા મોરે બાબુલ કા ઘર યે દુનિયા સસુરાલ
હાં જાકે બાબુલ સે નઝરેં મિલાઉં કૈસે
ઘર જાઉં કૈસે, લાગા ચુનરી મેં દાગ…
જાણે કબીરનો કોઈ દુહો હોય એવી રીતે અહીં વાત કહેવાઈ છે. વાત એ જ છે, જે ગાલિબે પણ કહેલી કે,
ન થા કુછ તો ખુદા થા, કુછ ના હોતા તો ખુદા હોતા,
ડુબોયા મુઝ કો હોને ને, ન હોતા મૈં તો ક્યા હોતા.
હિન્દુ ધર્મ કહે છે કે નાશવંત દેહને ધારણ કરનાર આત્મા પોતે અમર છે.આત્મા પોતે જ પરમાત્મા છે. ગાલિબે આ વાત પોતાના આગવા અંદાઝમાં એ રીતે કહી કે મેં જ્યાં સુધી દેહ ધારણ નહોતો કર્યો ત્યાં સુધી ખુદા હતો,પરંતુ પછી હું ખુદામાંથી વ્યક્તિ બન્યો અને વ્યક્તિ બન્યા પછી મારું આવી બન્યું, હું ડૂબી ગયો. આના કરતાં હું હોત જ નહીં, હું વ્યક્તિ બન્યો જ ન હોત તો કેવું હોત (કેટલું સારું હોત)?
આ વાત સાહિરે અલગ રીતે એક નારીના બયાનરૂપે કહી કે લગ્ન (જન્મ) પહેલાં પિયર (સ્વધામ)માં તો હું શુદ્ધ (આત્મા) જ હતી,અને હું સાસરે આવી ત્યારે કન્યાવિદાય વખતે મને કઈ કઈ વાતે ધ્યાન રાખવું એની ઘણી બધી સલાહો પણ અપાયેલી,પરંતુ શું કરું? એ બધી સલાહો હું સાસરે આવીને ભૂલી ગઈ અને સંસારમાં ખોવાઈ ગઈ (ભૂલ ગઈ સબ બચન બિદા કે, ખો ગઈ મૈં સસૂરાલ મેં આકે).
એવું નથી કે ઇશ્વરની શિખામણો રાતોરાત ભૂલાઈ જાય છે. ના,જન્મ પછીના શરૂઆતના વર્ષોમાં જાણે ઇશ્વરની સલાહો યાદ હોય તેમ ટચૂકડું બાળક રાગદ્વેષથી પર રહે છે, એના આત્મા પર ત્યારે કોઈ ડાઘ નથી હોતા. પછી ધીમે ધીમે મગજમાં ગ્રંથિઓના ગઠ્ઠા જામતા જાય,ઇશ્વરત્વ ટકાવી રાખવાની સલાહો ભૂલાતી જાય,સંસારના રંગો ચડતા જાય તેમ તેમ માણસ પછી રાગદ્વેષનું પૂતળું બની જાય છે, માયાની જાળમાં અટવાતો જાય છે. આ છે, ડાઘ, જે છેવટે આત્મા પર પડે છે, એવું કહે છે કવિ.
ટૂંકમાં, સાસરે આવી ત્યારે મારી ચૂંદડી કોરીકટાક હતી. અત્યારની ભાષામાં કહીએ તો ૨૦૦૦ રૂપિયાની નવી કડકડતી નોટ જેવી કોરી-તાજી-ડાઘ-ક્રીઝ વગરની હતી મારી ચૂંદડી.પણ પરણ્યા પછી ચૂંદડી પર ડાઘ લાગ્યો.અહીં સેક્સ્યુઆલિટીનો-જાતીયતાનો આછો ઇશારો છે ખરો, પરંતુ છેવટે ડાઘ વિશે સ્પષ્ટતા કરતાં કવિ કહે છે કે આ ડાઘ માયાજાળનો છે, રાગદ્વેષનો છે (કોરી ચુનરિયા આત્મા મોરી, મૈલ હૈ માયાજાલ).હવે સવાલ એ છે કે હું જ્યારે પિયર (સ્વધામ) પાછી ફરીશ અને પરમાત્મારૂપી પિતાને મળીશ ત્યારે ચૂંદડી પર પડેલા ડાઘ છુપાવીશ કેવી રીતે?
સાહિરે ચૂંદડીના ડાઘ વિશે ગીત લખ્યું તેમ ડાઘથી મુક્ત રહેવાના ઇલાજો સૂચવતા ગીતો પણ લખ્યા. જેમ કે, ફ્લ્મિ હમ દોનોંનું પેલું ગીત, જે પહેલી નજરે કોઈપણ રીતે આધ્યાત્મિક લાગે એવું નથી, છતાં જાણે ‘ગીતા’નો સાર હળવાશથી, દુન્યવી ઢબે કહેતું હોય એવું છે આ ગીતઃ
જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમઝ લિયા
જો ખો ગયા મૈં ઉસ કો ભૂલાતા ચલા ગયા.
ગમ ઔર ખુશી મેં ર્ફ્ક ના મહસૂસ હો જહાં
મૈં દિલ કો ઉસ મુકામ પે લાતા ચલા ગયા.
મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા…
અર્થાત્, રાઝી તેરી રઝા મેં રહના (તારી જે મરજી છે એનાથી હું ખુશ છું).જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમઝ લિયા. ઉપરવાળા સાથે ખોટી માથાકૂટો કરવી જ નહીં (આમ પણ એનાથી કશું વળતું નથી).પસંદ-નાપસંદ-રાગ-દ્વેષ-સંકલ્પ-વિકલ્પના ગુંચળામાં અટવાવાને બદલે પ્રકૃતિની,ઇશ્વરની ઇચ્છાને સ્વીકારીને શાંતિથી દેહધર્મ નિભાવવો,આ છે અશાંત જીવનને શાંત બનાવવાનો માર્ગ.આ છે મોક્ષ-નિર્વાણનો પંથ. આ પંથ વિશે વધુ સ્પષ્ટતા કરતાં કવિ કહે છે કે જ્યાં ખુશી અને ગમ વચ્ચે પણ ફરક ન રહે (ગમ ઔર ખુશી મેં ર્ફ્ક ના મહસૂસ હો જહાં) એવી રાગદ્વેષથી ઉપરની અવસ્થા તરફ આગળ વધવું… મામલો સ્થિતપ્રજ્ઞતા બનવાનો છે.
‘ગીતા’ના બીજા અધ્યાયમાં વેદ વ્યાસે કૃષ્ણના મુખે કહ્યું છે કે “દુઃખથી જેનું મન ખિન્ન નથી થતું અને સુખોમાં જે નિઃસ્પૃહ રહે છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ચૂક્યા છે એ મુનિને સ્થિરબુદ્ધિ કહેવામાં આવે છે.”
વેદ વ્યાસની ગીતા પણ ગીત છે અને સાહિરની ફ્લ્મિી રચનાઓ પણ ગીત છે. ગીતની ભાષાઓ અલગ છે, રજૂઆત અલગ છે, પણ વાતો તો એની એ જ છે.
આવી વેદ વ્યાસ જેવી વાતો જાણવા-સમજવા અને યાદ રાખવા માટે સાહિરની પંક્તિઓ હાથવગી બની રહે છે. એ જ રીતે, આપણા અનેક વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવામાં સાહિર કેટલા બધા ઉપયોગી છે એના પર એક ઉડતી નજર નાખીને સાહિરની આ શ્રેણી પૂરી કરીએ.
રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવો છે? તો સાહિર કહે છેઃ યે દેશ હૈ વીર જવાનોં કા, અલબેલોં કા, મસ્તાનોં કા, ઇસ દેશ કા યારોં ક્યા કહના,યે દેશ હૈ દુનિયા કા ગહના.મિલનની ઉત્કટ પળો માણવા માટે પ્રેમિકાને આહવાન આપવું છે? તો એને વિશિષ્ટ સાહિરીયન ઢબે કહોઃ પેડોં કી શાખોં પે સોઈ સોઈ ચાંદની ઔર થોડી દેર મેં થક કે લૌટ જાયેગી. રાત યે બહાર કી ફ્રિ કભી ના આયેગી…. ભીગી હવાઓં મેં ઠંડી ઠંડી આગ હૈ, ઇસ હસીન આગ મેં તૂ ભી જલ કે દેખ લે. આ જા અભી ઝિંદગી હૈ જવાં. યે રાત યે ચાંદની ફિર કહાં… જુવાનીનો જુસ્સો ઠરી ગયા બાદ આખો સંસાર નિરર્થક છે એવી હતાશા વ્યક્ત કરવી છે? તો સાહિર કહે છેઃ યે ઇન્સાં કે દુશ્મન સમાજોં કી દુનિયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ. હતાશામાંથી બહાર આવવું છે? તો સાહિર કહે છેઃ પોંછકર અશ્ક અપની આંખો સે, મુસ્કુરાઓ તો કોઈ બાત બને… અથવા, ન મૂંહ છૂપા કે જીઓ, ઔર ના સર ઝૂકા કે જીઓ, ગમોં કા દૌર ભી આએ તો મુસ્કુરા કે જીઓ. મન બહુ બેચેન રહ્યા કરે છે અને એ શાંત નથી થતું? તો સાહિર કહે છેઃ મન રે તૂ કાહે ના ધીર ધરે. કોમી તંગદિલીનો ઇલાજ શોધી રહ્યા છો? તો સાહિર રાહ ચીંધે છેઃ તૂ હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા. દીકરી સાસરે જઈ રહી હોય ત્યારે છાતીમાં ભરાયેલા ડૂમાને વાચા આપવી છે? તો સાહિર કહે છે, બાબુલ કી દુઆએં લેતી જા, જા તુઝ કો સુખી સંસાર મિલે. તમારો પ્રેમી પરેશાન છે અને કશું બોલ્યા વિના મૂંઝાયા કરે છે? તો એને સાહિરના શબ્દોમાં કહી દોઃ તુમ અપના રંજો-ગમ અપની પરેશાની મુઝે દે દો. અને પ્રેમી તમને છોડી ગયો છે? એ સાથ નિભાવવા તૈયાર નથી? તો અને ઠંડો ટોણો મારોઃ તુમ મુઝે ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમકો, મેરી બાત ઔર હૈ, મૈંને તો મહોબ્બત કી હૈ.
ટૂંકમાં, માણસના દિલ-દિમાગમાં જાતજાતની અનેક લાગણીઓની ચોટદાર અભિવ્યક્તિ સાહિર પાસે છે. સાહિરના લગભગ બધે બધાં ગીત પૂરેપૂરા સહમત થવા જેવા લાગી શકે, સિવાય કે એક ગીત, જેની સાથે કોઈ રીતે સહમત થઈ શકાય તેમ નથી. સાહિર જેમાં ખોટા ઠર્યા છે, તે ગીત છેઃ
મૈં પલ દો પલ કા શાયર હૂં,
પલ દો પલ મેરી કહાની હૈ…
નો સર, તમે પળ બે પળમાં ભૂલાઈ જાવ એવા નથી. એવું જ હોત તો તમારી વિદાયના ૩૬ વર્ષ બાદ ગુજરાતી ભાષાના અગ્રણી અખબાર ‘સંદેશ’માં અમે તમારા વિશે આટલી બધી વાતો ન કરી હોત.
Like this:
Like Loading...
Related
ઘણાં ફિલ્મી ગીતો જીવનની ફિલસુફીથી ભરેલાં હોય છે. આમ તો ફિલ્મો પણ જીવનનો આયનો જ હોય છે ને?
LikeLike
nice. Thanks.
LikeLike
કોરી ચુનરિયા આત્મા મોરી, મૈલ હૈ માયાજાલ
વો દુનિયા મોરે બાબુલ કા ઘર યે દુનિયા સસુરાલ
ન થા કુછ તો ખુદા થા, કુછ ના હોતા તો ખુદા હોતા,
ડુબોયા મુઝ કો હોને ને, ન હોતા મૈં તો ક્યા હોતા.
આ જીવનની ફીલોસોફી ફીલ્મના ગીતો દ્વારા સામાન્ય જનને પણ સરળતાથી સમજાય
ધન્યવાદ
LikeLike
Geeta to ananya ane amoolya chhej pan geetana sandarbhma sahirna geeto pan ananyaj chhe. Ava amoolya geeto gungunaya vager kem rahevay?maja avi gai.
LikeLike