વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 7, 2016

( 983 ) જીવન કલાકાર … સત્ય ઘટના પર આધારિત વાર્તા …વિનોદ પટેલ

સાન ડીએગોની એક રમણીય ખુશનુમા સવારે એક ઘરમાં  ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી  ટ્રીન… ટ્રીન..ટ્રીન.

ગૃહિણી કુમુદિનીએ ફોન ઉઠાવી ફોનની વાત સાંભળ્યા પછી એની મમ્મી વિમળાબેનને ઉદ્દેશીને કહ્યું:

”મમ્મી,રણજીતભાઈ દેવલોક પામ્યા…એ સમાચાર આપવા માટે મિતેશભાઈનો ફોન હતો.”

વિમળાબેને આ સમાચાર જાણી નવાઈ સાથે દીકરીને કહ્યું :

“ના હોય,ત્રણ દિવસ પહેલાં તો મિતેશનાં મમ્મી વિજયાબેન બાગમાં ફરવા આવ્યાં ત્યારે મને મળ્યાં હતાં ત્યારે એમને મેં રણજીતભાઈની તબિયતના સમાચાર પૂછ્યા હતા.બિચારા રણજીતભાઈ ત્રણ વર્ષથી લકવાને લીધે પથારી વશ હતા અને દુખી થતા હતા.પ્રભુએ એમને  બોલાવી લઈને એ દુખી જીવનો છુટકારો કર્યો.વિજયાબેન કહેતાં હતાં કે મીતેશભાઇ તો એમના ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની વિશ્વ પરિષદમાં હાજરી આપવા દિલ્હી ગયા છે તો એ પાછા અમેરિકા ક્યારે આવ્યા? “

કુમુદિનીએ કહ્યું :”હા મમ્મી,ચાર દિવસ પહેલાં જ એ ઇન્ડીયાથી આવી ગયા છે.ગયા વિકમાં શુક્રવારે તેઓ ઓફિસમાં પણ આવ્યા હતા અને મને મળ્યા હતા.રણજીતભાઈની નાજુક તબીયત વિષે અમારે વાત પણ થઇ હતી”.

કુમુદીની અને મિતેશ સાન ડીએગોની એક જાણીતી ઇન્ટરનેશનલ કંપનીમાં સાથે જોબ કરતાં હતાં.બન્ને  સાન ડિએગોમાં એક જ ટાઉનશીપ કોમ્પ્લેક્ષમાં નજીક નજીકમાં જ સપરિવાર રહેતાં હતાં.

સોફ્ટવેર એન્જીનીયર મિતેશ આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સ્થાપક શ્રી.શ્રી.રવિશંકરજીનો પાક્કો અનુયાયી હતો અને એમને એના આધ્યાત્મિક ગુરુ તરીકે માનતો હતો.એનું ઘર આ સંસ્થાની એક શાખા જેવું બની ગયું હતું.દરેક હિંદુ ધાર્મિક પ્રસંગોએ મીતેશના ઘેર ધાર્મિક વૃત્તિ ધરાવતાં કુટુંબો એના ઘેર આવી ભજન–કીર્તન,ગુરુજીના પ્રવચનોની કેસેટો સાંભળી પ્રસાદ લઈને છૂટાં પડતાં.આ માટેનો બધો જ ખર્ચ મિતેશ જ ભોગવતો હતો.

મીતેશના પિતા રણજીતભાઈ ઇન્ડિયામાં હતા ત્યારે વડોદરાની એક જાણીતી સ્કુલમાં ઘણાં વરસો સુધી વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષયના માનીતા શિક્ષક તરીકે સારું માન,નામ,અને દામ કમાયા હતા.તેઓ એક વૈષ્ણવ વણિક હતા.વડોદરામાં એમનું આખું કુટુંબ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાએલું હતું.રણજીતભાઈ અને વિજયાબેનનાં બે સંતાનો-દીકરો મિતેશ અને એની નાની બેન અલકામાં બાળપણથી જ માતા પિતાના ધાર્મિક સંસ્કારો ઉતર્યા હતા.જન્માષ્ટમી પર રણજીતભાઈને ત્યાં કૃષ્ણ જન્મનો ઉત્સવ થતો એમાં એમનાં બન્ને સંતાનો પણ ઊલટથી ભાગ લેતાં અને ભજનો ગાતાં અને ગવડાવતાં હતાં.

વડોદરામાં શાળા અને કોલેજનો અભ્યાસ સારી રીતે સારા માર્ક્સથી પૂરો કર્યા પછી સોફ્ટવેર એન્જીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત કરીને વિઝા મળતાં મિતેશ સાન ડીએગો કેલીફોર્નીયા આવ્યો હતો.થોડા વર્ષ જોબ કરી ઇન્ડિયા આવીને રણજીતભાઈના એક ઓળખીતા મિત્રની સુશિક્ષિત અને સંસ્કારી છોકરી પારુલ સાથે એના લગ્ન સૌ કુટુંબીજનોએ ધામધૂમથી ઉજ્વ્યાં હતાં.લગ્ન પછી થોડા મહિનાઓમાં પારુલ માટે  વિઝાની તજવીજ કરી મિતેશે એને સાન ડીએગો બોલાવી લીધી હતી.એની બહેન અલકાનાં લગ્ન પણ અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા જ્ઞાતિના જ યુવક સાથે વડોદરામાં જ કરવામાં આવ્યાં હતાં .અલકા પણ લગ્ન બાદ શિકાગોમાં આવી સારી રીતે સેટલ થઇ ગઈ હતી.આ બન્ને સંતાનો અમેરિકામાં જઈને   સારી રીતે સેટ થઈ સુખી હતાં એથી વડોદરામાં રહેતાં રણજીતભાઈ અને વિજયાબેનને હૃદયમાં ઊંડો આનંદ હતો અને એને ભગવાનની કૃપા સમજતાં હતાં.

સાન ડિયાગો,કેલીફોર્નીયામાં આવી મીતેશ એક જાણીતી સોફ્ટવેર કંપનીમાં સારી  જોબ અને પોતાના મકાન સાથે સારી રીતે સેટ થયા પછી એણે નિવૃતી પછી એકલાં વડોદરામાં રહેતા પિતા રણજીતભાઈ અને માતા વિમળાબેનને ડીએગોમાં એની સાથે રહેવા આવી જવા માટે આગ્રહ પૂર્વક કહ્યું.મિતેશની પત્ની પારુલ પણ એક સંસ્કારી અને ધાર્મિક કુટુંબમાંથી આવેલી હતી એટલે સાસુ-સસરા અહી આવી રહે એ માટે એને કોઈ પણ જાતનો વાંધો ન હતો ઉલટું એ પણ આગ્રહ કરતી હતી.

રણજીતભાઈ અને વિમલાબેનએ મીતેશને કહ્યું હતું :”ભાઈ, અમેં અહી વડોદરામાં જ રહીએ એ ઠીક છે.સોસાયટીના  બંગલાનો એક રૂમ ભાડે આપીશું અને મારા પેન્શનની રકમમાંથી અમે બન્ને કૃષ્ણ ભક્તિ કરતાં કરતાં સારી રીતે અમારું શેષ જીવન અહી વતનમાં જ વ્યતીત કરીશું.અમે ત્યાં આવીએ અને જો માંદા પડીએ તો નાહકના તમને તકલીફમાં મુકીશું !”

મિતેશ બોલ્યો :” એ શું બોલ્યા બાપુજી, હું તમારી જોડે રહી મોટો થયો છું.તમારી શિક્ષક તરીકેની ટૂંકી આવકમાંથી કરકસર કરીને તમે અમને ભાઈ બહેનને ભણાવ્યાં અને અમેરિકા જવા માટે પણ સગવડ કરી આપી.હવે હું અમેરિકામાં જઈને સારી રીતે સેટ થયો છું.બાપુજી,તમારે એક વાર હૃદય રોગને લીધે બાયપાસ સર્જરી કરાવવી પડી છે ત્યારે હું તમને બન્નેને એકલાં વડોદરામાં કેમ રહેવા દઉં. જ્યાં હું ત્યાં તમે.ત્યાં અમેરિકામાં તમારા માટે હું ઘરમાં જ મંદિર બનાવી આપીશ.તમને તમારા નશીબ પર એકલાં છોડી હું અહી આનંદ કરું તો મારા ગુરુજી પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી નો શિષ્ય કેવી રીતે કહેવાઉં,મારા સંસ્કાર લાજે .તમારા બન્નેને અહી આવવા માટેની ટીકીટ હું મોકલી આપું છું.બીજો કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના તમે અહી આવી જાઓ અને અમારી સાથે આવીને આનંદથી રહો.મારાં બે બાળકો દેવાંગ અને પ્રિયા પણ દાદા-દાદીને ખુબ યાદ કરે છે ”

દીકરા મિતેશ અને એનાં પત્ની પારુલનો આગ્રહ અને પ્રેમને વશ થઇ રણજીતભાઈ અને વિજયાબેન સાન ડીએગો આવીને પુત્ર પરિવાર સાથે રહેવા આવી ગયાં.મિતેશનું ઘર એટલે એક મંદિર જ જોઈ લો.એને ત્યાં જન્માષ્ટમી, દિવાળી જેવા બીજા ધાર્મિક પ્રસંગોએ ભજન કીર્તન તથા એના ગુરુજીના પ્રવચનોની કેસેટોનું શ્રવણ થતું.રણજીતભાઈ અને વિજયાબેનની ઉંમરનાં ઘણાં નિવૃત સ્ત્રી-પુરુષો પણ એમના પરિવાર સાથે મીતેશના આ ધર્મિક કાર્યક્રમ વખતે આવતાં એટલે એમને માટે તો ઘરમાં મથુરા અને ઘરમાં જ દ્વારકા જેવું હતું.

આ રીતે આનંદથી પાંચ વર્ષ પુત્ર પરિવાર સાથે ક્યાં પસાર થઇ ગયાં એ રણજીતભાઈ કે વિજયાબેનને ખબર પણ ના પડી.રણજીતભાઈ જ્યારે ઇન્ડીયામાં હતા ત્યારે એમને એકવાર હૃદયની બાયપાસ સર્જરી કરાવવી પડી હતી.અમેરિકામાં આવ્યાને પાંચ વર્ષ પછી એમને અચાનક સ્ટ્રોકના હુમલાથી બ્રેન હેમરેજ થયું.એની અસરથી તેઓ અર્ધ બેભાન અવસ્થામાં આવી ગયા .એમનું ડાબું અંગ લકવા ગ્રસ્ત બની ગયું.જીભથી પણ માંડ માંડ અસ્પષ્ટ બોલી શકાય પણ પગથી બિલકુલ ચાલી ના શકાય એવી કમનશીબ પરિસ્થિતિમાં તેઓ મુકાઈ ગયા.મિતેશે તાત્કાલિક પિતાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા.ડોક્ટરોએ રણજીતભાઈની તબીઅત સુધારવા માટે ખુબ પ્રયત્ન કરી જોયા પણ એમની બેભાન અવસ્થામાંથી એમને બહાર કાઢવામાં તેઓને સફળતા ના મળી.

છેવટે ડોક્ટરોએ મીતેશને એમની ઓફિસમાં બોલાવીને કહ્યું:”તમારા પિતાજીની તબીઅત બહુ જ નાજુક છે.એમના કોમામાંથી બહાર આવીને ઉભા થવાના કે ચાલી શકવાના બહુ ચાન્સ દેખાતા નથી.તેઓ જાતે કોઈ ખોરાક નહિ લઇ શકે.એમને નાકમાંથી હોજરી સુધીની નળીમાંથી ખોરાક આપવો પડશે.આવી દુખદ પરિસ્થિતિમાં તમે જો મંજુરી આપતા હો તો એમની મેડીકલ રીતે શરીર મુક્તિ માટે તજવીજ કરી શકાય.”

ડોક્ટરોની આવી સલાહ સાંભળીને મિતેશ ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને બોલી ઉઠ્યો:”ડોક્ટર તમારી આ સલાહ મારા માટે વાહિયાત છે, મને એ બિલકુલ મંજુર નથી.બીજા અમેરિકનો ભલે એમ કરતા હશે પણ હું એમાંનો એક નથી.મારા પિતાની જ્યાં સુધી કુદરતી રીતે જીવ મુક્તિ ના થાય ત્યાં સુધી હું અને મારી પત્ની એમની ખડે પગે સેવા કરીશું પણ એમને કમોતે તો મરવા નહિ જ દઈએ.”

ત્યારબાદ,મિતેશ આવી તબીઅતે રણજીતભાઈને હોસ્પિટલમાંથી ઘેર લઇ આવ્યો.આખું કુટુંબ એમની સેવામાં લાગી ગયું .મિતેશ જોબ પર જાય એટલે માતા વિજ્યાબેન અને પત્ની પારુલ રણજીતભાઈની સંભાળ રાખતાં.અમેરિકન સરકારની સોસીયલ સિક્યોરીટી સ્કીમ  પ્રમાણે થોડી ઘણી મદદ મળતી પણ પિતાની દવા અને સેવા માટેનો મોટા ભાગનો ખર્ચ મિતેશ એની બચતમાંથી કરતો.ડેવિડ નામનો એક મેક્સિકન સેવક સવારે આવી રણજીતભાઈની મળ મૂત્રથી બગડેલ પથારી તથા કપડાં બદલાવી દેતો.એમને નાકમાં નાખેલી ફનલ-નળી મારફતે ખોરાક આપવામાં મદદ કરતો.મીતેશનાં પત્ની પારુલ ઘર ખર્ચને પહોંચી વળવા પાર્ટ જોબ કરતાં તથા બે બાળકોને શાળામાં મોકલવા માટે અને અન્ય ઘરકામમાં વ્યસ્ત હોવા છતાં રણજીતભાઈની સેવા માટે પણ થોડો સમય ફાળવતાં. બપોર પછી સેવા માટે લક્ષ્મી નામની એક નર્સ આવતી. વિજયાબેન પતિ રણજીતભાઈને વ્હીલચેરમાં બેસાડી નર્સ સાથે ઘર નજીક આવેલા જાહેર બગીચામાં લઇ જતાં અને ખુલ્લી હવામાં એમને ફેરવી આવતાં.દીકરો મિતેશ રોજ સવારે જોબ પર જતાં પહેલાં પિતાની પથારી જોડે ખુરશીમાં બેસીને ગીતાના અધ્યાયના પાઠ વાંચતો અને ભજનોની કેસેટ ટેપ રેકોર્ડર પર મૂકીને જતો.જોબ પરથી આવીને પણ એમની ખબર રાખતો.

આ રીતે પરિવાર જનોની સેવા અને પ્રેમ વચ્ચે રણજીતભાઈની માંદગીના દિવસો પસાર થતા ગયા.એમની તબિયતમાં આ બધાંની અસરથી થોડો સુધારો પણ જણાવા લાગ્યો.સમજાય એવું થોડું બોલતા પણ થયા.નાકમાંથી નળી મારફતે ખોરાક લેતા હતા એને બદલે ચમચીથી ખોરાક લેવા માંડ્યા.


sri-sri-ravi_shankar_delhi-festivalઆ રીતે માંદગીનાં ત્રણ વર્ષ પસાર થઇ ગયાં.મીતેશના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની વિશ્વ વિખ્યાત સંસ્થા આર્ટ ઓફ લીવીંગને ૩૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે દિલ્હી ખાતે એક વિશ્વ પરિષદનું મહાન આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશ્વ પરીષદમાં યોજાએલ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા વિશ્વના લગભગ ૧૫૦ દેશોમાંથી અનુયાયીઓ ત્યાં ભેગા થયા હતા.મિતેશ પણ પથારીવશ પિતાને પ્રણામ કરીને એમના મુક આશીર્વાદ લઇ આ દિલ્હી પરિષદમાં ભાગ લેવા એક વિક માટે ગયો હતો.દિલ્હીથી ફોન ઉપર રોજ એ પિતાની તબીઅત વિષે ખબર અંતર પૂછતો હતો.

દિલ્હીથી સાન ડીએગો પરત આવ્યા પછી બે દિવસ થયા હશે ત્યારે એક રવિવારે રજાના દિવસે  મિતેશ પિતા જોડે બેસી રોજના ક્રમ પ્રમાણે ગીતા પાઠ કરતો હતો એની સામે એક નજરે જોઈ રહેલ રણજીતભાઈએ એને ઇસારો કરી અટકાવ્યો અને ધીમેથી  હાથની આંગળી ઉંચે આકાશ તરફ કરી.એ જાણે કે કહેતા ના હોય કે “મને જવા દે ભાઈ,હવે બહુ થયું !”થોડીક જ ક્ષણોમાં ત્યાં હાજર પુત્ર મિતેશ,પત્ની વિજયાબેન,પુત્ર વધુ પારુલ અને બે નાનકાં બાળકો દેવાંગ અને પ્રિયા સામે નજર કરતાં કરતાં રણજીતભાઈ હંમેશ માટે અગોચર અને અગમ દુનિયાની સફરે ઉપડી ગયા.

રણજીતભાઈના દેવલોક પામ્યાના સમાચાર મીતેશના ફોનથી જાણ્યા પછી સાથે જોબ કરતી અને હાઉસ કોમ્પ્લેક્ષમાં નજીકમાં જ રહેતી કુમુદિની એની માતા વિમળાબેન મીતેશના ત્યાં પહોંચી ગયાં.મીતેશના ઘર મંદીરમાં ગીતા પાઠ અને ભજન કીર્તન થઇ રહ્યાં હતાં.શિકાગોમાં રહેતી મિતેશની નાની બેન અલકા અને એનાં નજીકનાં સગાં સાન ડિએગો આવી જતાં રણજીતભાઈ ના પાર્થિવ દેહને વિધિ પૂર્વક અગ્નિ દાહ આપવામાં આવ્યો.

રણજીતભાઈના અવસાનના બે દિવસ બાદ એના ઘેર મિત્રો અને સગાં સંબંધીઓની હાજરીમાં મિતેશે પિતાની યાદમાં વડોદરાની કેટલીક સામાજિક સંસ્થાઓમાં દાનની રકમો આપવાની ઇચ્છા જાહેર કરી.મિતેશએ એની માતા વિજયાબેનને પૂછ્યું “મમ્મી,દાન આપવાનું કંઈ રહી જાય છે ?” મમ્મીએ કહ્યું:” ના ભાઈ,તેં પિતાની સેવા પાછળ ઘણું કર્યું છે,આટલું પુરતું છે.હવે કઈ બાકી રહેતું નથી.“

મીતેશને કૈંક યાદ આવતાં બોલ્યો:“મમ્મી,હજુ બે ખાસ માણસોને આપવાનું રહી જાય છે.આપણી સાથે ખડે પગે હાજર રહી બાપુજીની સુંદર સેવા બજાવનાર મેક્શીક્ન ભાઈ ડેવિડ અને નર્સ લક્ષ્મીબેનને પણ કદર રૂપે કૈક રકમ આપવી જોઈએ.બોલ મમ્મી એમને શું આપીશું?”

એમની રૂઢીચુસ્ત સમજ પ્રમાણે વિજયાબેને કહ્યું “ભાઈ, બન્નેને ૧૦૧ ડોલર આપ “

મિતેશ કહે “મમ્મી એ બન્નેએ બાપુજીની સારી સેવા બજાવી છે એ જોતા એ રકમ ઓછી કહેવાય .મારે જે આપવું છે એ હું એમને આપું છું .” એમ કહી બે કવરોમાં દરેકમાં ૫૦૦ ડોલરની નોટો મૂકીને એ વખતે ત્યાં હાજર  બે સેવકો ડેવિડ અને લક્ષ્મીબેનને આભાર સાથે એમના હાથમાં આપી દીધાં.કવર લેતી વખતે બન્નેની આંખમાં આંસુ દેખાઈ રહ્યાં હતાં.

રણજીતભાઈના અવસાનના બીજા રવિવારે સાન ડીએગોના હિંદુ મંદીરમાં જાણીતા ભજનિકને બોલાવીને મિતેશે ભજન અને પ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો.એ વખતે એના આધ્યાત્મિક ગુરુજી શ્રી શ્રી રવિશંકરજીના પ્રવચનની વિડીયો કેસેટ  પણ સૌને સંભળાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ પત્યા પછી લોકો મિતેશની પિતૃ ભક્તિને દાદ આપી રહ્યા હતા.એક જણે કહ્યું :”લકવાગ્રસ્ત પિતાની આવી સેવા તો મિતેશ જ બજાવી શકે.અમેરિકામાં આવો આધુનિક શ્રવણ મળવો દોહલો છે.”

બીજા એક ભાઈ કહે:”મિતેશ એક સંસારી સાધુ જેવો કહેવાય.એના ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના ઉદ્દેશો મુજબ જીવન જીવવાની કલાને એના જીવનમાં સાચી રીતે ઉતારનાર મિતેશ એક સાચો જીવન કલાકાર છે.”

વિનોદ પટેલ, સાન ડીએગો…૧૨-૭-૨૦૧૬   

========================================

From Face Book Friend …

seva-by-son