વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 14, 2016

( 989 ) ઘડિયાળ અને સમય … વિચાર મંથન …… વિનોદ પટેલ

સમય જોવા માટેનું મારું હાથે બાંધવાનું  ઘડિયાળ આજે એકાએક કામ કરતું બંધ પડી ગયું.ડાયલ પરના  મિનીટ અને સેકન્ડના કાંટાઓ  એકાએક સ્થિર થઇ ગયા.કદાચ એમાંની બેટરી ખલાસ થઇ ગઈ હશે.હવે નવી બેટરી નાખશું ફરી કામ કરતું થઇ જશે.

મારા બંધ પડેલા ઘડિયાળ ઉપરના વિચાર વલોણાના મંથનનું નવનીત એટલે જ આજની પોસ્ટનો આ લેખ.

મારું ઘડિયાળ તો બંધ પડી ગયું પણ સમય ઓછો બંધ પડવાનો છે,એ તો અવિરત ચાલ્યા જ કરવાનો છે.

ઘણા લોકો માટે ઘડિયાળ હાથ માટેનું એક ઘરેણું બની ગયું છે.ઘરેણાની જેમ ઘડિયાળની પણ ભાત ભાતની ડીઝાઈનો ,કદ,આકાર અને કિંમત હોય છે.કીમતી ઘડિયાળ પહેરીને લોકો પોતાનો અહમ પોષતા હોય છે.

આધુનિક યુગમાં સમય જોવા માટેનાં ઉપકરણો જેવાં કે મોબાઈલ, ટી.વી.કોમ્પ્યુટર,સ્માર્ટ ફોન વ.ચારે કોર મોજુદ હોય છે એટલે ઘડિયાળને હાથે બાંધવાની હવે બહુ જરૂર રહી નથી.સમયની સાથે ટેકનોલોજી બદલાતી જાય છે એમ આવાં ઉપકરણો પણ બદલાતાં રહે છે. apple-watch

 માણસો હાથે ઘડિયાળ પહેરી સમયને બાંધવા પ્રયત્ન કરે છે .ઘડિયાળને કાંડે બાંધી શકાય પણ સમયને બાંધી નથી શકાતો,એ તો વહેતો જ રહે છે.૧ થી ૧૨ આ આંકડાઓ વચ્ચે દિવસમાં બે વાર ૨૪ કલાક ઘડીયાળમાં સમય વહેતો રહે છે.આખી જિંદગીનો સમય સેકન્ડ, મિનીટ ,કલાક,દિવસ, માસ અને વર્ષ માં વહેતો જ રહે છે. મૃત્યુ આવે એટલે જ સમયનું આ ઘડિયાળ કાયમ માટે અટકી જાય છે.

માણસના જન્મ સાથે જ સમયનો નાતો એની સાથે જોડાય છે.સમયની સાથે જીવનનું ઘડતર થયા કરે છે.

જીંદગીમાં સારો સમય આવે છે તો ખરાબ સમય પણ આવે છે. આવતા સમયમાં શું થશે એ કહી શકાતું નથી.હિલરી ક્લીન્ટન હારશે અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનશે એ કોઈ ધારતું ના હતું પણ ડોનાલ્ડ નો સમય એમના ફેવરમાં હતો એટલે એ સફળતાને વર્યા. આમ સમય ઘણો અનિશ્ચિત હોય છે.

સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય બળવાન

કાબે અર્જુન લુંટીયો, વોહી ધનુષ ,વોહી બાન  

 ઘરડા માણસો વારે વારે પૂછતા હોય છે કે કેટલા વાગ્યા ? એ એટલા માટે નહિ કે એમને કોઈ અગત્યનું કામ સમયસર પતાવવાનું હોય છે. એ એટલા માટે પૂછે છે કે સમય કેમ જલ્દી પસાર થતો નથી?રાત્રે  ઊંઘ ના આવે એટલે ઉઠીને ઘડિયાળમાં સમય જુએ છે કે કેટલા વાગ્યા? પછી થોડો સમય હોય તો પાછા ઊંઘી જાય છે. 

સમય જોતાં જોતાં જ એક દિવસ જિંદગીનો સમય પૂરો થઇ જવાનો છે અને ત્યાર પછી કોઈ સમય જોવાનો રહેવાનો નથી.એ પછી કોઈ ઘડિયાળની જરૂર પડતી નથી.

સમય તો સમયનું કામ કર્યે જશે.તમારે સમય સાથે તાલ મિલાવવાનો છે અને તમારી પાસે જે સમય ફાજલ પડ્યો છે એનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. શેક્સપિયરના આ શબ્દો યાદ આવે છે :”જો તમે સમયને નષ્ટ કરશો તો સમય તમને નષ્ટ કરી દેશે.” સમય નદીની જેમ વહેતો રહે છે. એ વહેતા પાણીમાંથી લોટો ભરી લઇ એનો ઉપયોગ કરવાનો છે. સમયને બદલી શકાય છે.

સમયમાં બદલાવ આવતો જ રહે છે.માત્ર પરિવર્તન જ કાયમી હોય છે.જીંદગીમાં ખરાબ સમય ચાલતો હોય અને સંજોગો વિપરીત હોય તો પોતાની અંદર પડેલ જન્મ જાત બુદ્ધિ અને પરિશ્રમ કરી સમયને સુધારીને સફળ થઇ શકાય છે.

જન્મથી તમને જે મળે છે એ નથી ખરેખર જિંદગી

બુદ્ધિ અને પરિશ્રમથી જે બને છે, એ જ છે જિંદગી

એનાં ઉદાહરણ જોઈએ છે ?

સફળતાને વરેલ આ મહાનુભાવોના નીચેના શબ્દો જ આ વાતનો પુરાવો છે.

“મેં મારું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું નથી “…….  બીલ ગેટ્સ

“હું નાનો હતો ત્યારે જોડા સીવતો હતો.. ” અબ્રાહમ લિંકન

“હું હોટલોમાં ગ્રાહકોને ખાવાનું આપતો હતો.”. ઓબેરોય

“મેં પટ્રોલ પંપ પર કામ કર્યું હતું .”  ….ધીરુભાઈ અંબાણી

“હું દશમા ધોરણમાં નાપાસ થયો હતો.”..સચિન તેંદુલકર

“હું બેંચ પર સુઈ જતો ,અને એક મિત્ર પાસેથી

રોજ ૨૦ રૂપિયા ઉધાર લઈને ફિલ્મ સીટી

સુધી પહોંચ્યો હતો.”… સુપર સ્ટાર શાહરૂખ ખાન

“સ્કુલમાં ભણતો હતો ત્યારે વડનગર સ્ટેશન ઉપર

કીટલી લઇ ચા વેચતો હતો.” … નરેન્દ્ર મોદી

આ રીતે ખરાબ સમયનો પડકાર ઝીલીને ,સમયનો સદુપયોગ કરીને સમયના સમુદ્ર પટની રેતીમાં તમે એવાં પગલાં પાડીને જાઓ કે લોકો તમને યાદ કરે !

–વિનોદ પટેલ .. ૧૨-૧૪-૨૦૧૬