વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 989 ) ઘડિયાળ અને સમય … વિચાર મંથન …… વિનોદ પટેલ

સમય જોવા માટેનું મારું હાથે બાંધવાનું  ઘડિયાળ આજે એકાએક કામ કરતું બંધ પડી ગયું.ડાયલ પરના  મિનીટ અને સેકન્ડના કાંટાઓ  એકાએક સ્થિર થઇ ગયા.કદાચ એમાંની બેટરી ખલાસ થઇ ગઈ હશે.હવે નવી બેટરી નાખશું ફરી કામ કરતું થઇ જશે.

મારા બંધ પડેલા ઘડિયાળ ઉપરના વિચાર વલોણાના મંથનનું નવનીત એટલે જ આજની પોસ્ટનો આ લેખ.

મારું ઘડિયાળ તો બંધ પડી ગયું પણ સમય ઓછો બંધ પડવાનો છે,એ તો અવિરત ચાલ્યા જ કરવાનો છે.

ઘણા લોકો માટે ઘડિયાળ હાથ માટેનું એક ઘરેણું બની ગયું છે.ઘરેણાની જેમ ઘડિયાળની પણ ભાત ભાતની ડીઝાઈનો ,કદ,આકાર અને કિંમત હોય છે.કીમતી ઘડિયાળ પહેરીને લોકો પોતાનો અહમ પોષતા હોય છે.

આધુનિક યુગમાં સમય જોવા માટેનાં ઉપકરણો જેવાં કે મોબાઈલ, ટી.વી.કોમ્પ્યુટર,સ્માર્ટ ફોન વ.ચારે કોર મોજુદ હોય છે એટલે ઘડિયાળને હાથે બાંધવાની હવે બહુ જરૂર રહી નથી.સમયની સાથે ટેકનોલોજી બદલાતી જાય છે એમ આવાં ઉપકરણો પણ બદલાતાં રહે છે. apple-watch

 માણસો હાથે ઘડિયાળ પહેરી સમયને બાંધવા પ્રયત્ન કરે છે .ઘડિયાળને કાંડે બાંધી શકાય પણ સમયને બાંધી નથી શકાતો,એ તો વહેતો જ રહે છે.૧ થી ૧૨ આ આંકડાઓ વચ્ચે દિવસમાં બે વાર ૨૪ કલાક ઘડીયાળમાં સમય વહેતો રહે છે.આખી જિંદગીનો સમય સેકન્ડ, મિનીટ ,કલાક,દિવસ, માસ અને વર્ષ માં વહેતો જ રહે છે. મૃત્યુ આવે એટલે જ સમયનું આ ઘડિયાળ કાયમ માટે અટકી જાય છે.

માણસના જન્મ સાથે જ સમયનો નાતો એની સાથે જોડાય છે.સમયની સાથે જીવનનું ઘડતર થયા કરે છે.

જીંદગીમાં સારો સમય આવે છે તો ખરાબ સમય પણ આવે છે. આવતા સમયમાં શું થશે એ કહી શકાતું નથી.હિલરી ક્લીન્ટન હારશે અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનશે એ કોઈ ધારતું ના હતું પણ ડોનાલ્ડ નો સમય એમના ફેવરમાં હતો એટલે એ સફળતાને વર્યા. આમ સમય ઘણો અનિશ્ચિત હોય છે.

સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય બળવાન

કાબે અર્જુન લુંટીયો, વોહી ધનુષ ,વોહી બાન  

 ઘરડા માણસો વારે વારે પૂછતા હોય છે કે કેટલા વાગ્યા ? એ એટલા માટે નહિ કે એમને કોઈ અગત્યનું કામ સમયસર પતાવવાનું હોય છે. એ એટલા માટે પૂછે છે કે સમય કેમ જલ્દી પસાર થતો નથી?રાત્રે  ઊંઘ ના આવે એટલે ઉઠીને ઘડિયાળમાં સમય જુએ છે કે કેટલા વાગ્યા? પછી થોડો સમય હોય તો પાછા ઊંઘી જાય છે. 

સમય જોતાં જોતાં જ એક દિવસ જિંદગીનો સમય પૂરો થઇ જવાનો છે અને ત્યાર પછી કોઈ સમય જોવાનો રહેવાનો નથી.એ પછી કોઈ ઘડિયાળની જરૂર પડતી નથી.

સમય તો સમયનું કામ કર્યે જશે.તમારે સમય સાથે તાલ મિલાવવાનો છે અને તમારી પાસે જે સમય ફાજલ પડ્યો છે એનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. શેક્સપિયરના આ શબ્દો યાદ આવે છે :”જો તમે સમયને નષ્ટ કરશો તો સમય તમને નષ્ટ કરી દેશે.” સમય નદીની જેમ વહેતો રહે છે. એ વહેતા પાણીમાંથી લોટો ભરી લઇ એનો ઉપયોગ કરવાનો છે. સમયને બદલી શકાય છે.

સમયમાં બદલાવ આવતો જ રહે છે.માત્ર પરિવર્તન જ કાયમી હોય છે.જીંદગીમાં ખરાબ સમય ચાલતો હોય અને સંજોગો વિપરીત હોય તો પોતાની અંદર પડેલ જન્મ જાત બુદ્ધિ અને પરિશ્રમ કરી સમયને સુધારીને સફળ થઇ શકાય છે.

જન્મથી તમને જે મળે છે એ નથી ખરેખર જિંદગી

બુદ્ધિ અને પરિશ્રમથી જે બને છે, એ જ છે જિંદગી

એનાં ઉદાહરણ જોઈએ છે ?

સફળતાને વરેલ આ મહાનુભાવોના નીચેના શબ્દો જ આ વાતનો પુરાવો છે.

“મેં મારું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું નથી “…….  બીલ ગેટ્સ

“હું નાનો હતો ત્યારે જોડા સીવતો હતો.. ” અબ્રાહમ લિંકન

“હું હોટલોમાં ગ્રાહકોને ખાવાનું આપતો હતો.”. ઓબેરોય

“મેં પટ્રોલ પંપ પર કામ કર્યું હતું .”  ….ધીરુભાઈ અંબાણી

“હું દશમા ધોરણમાં નાપાસ થયો હતો.”..સચિન તેંદુલકર

“હું બેંચ પર સુઈ જતો ,અને એક મિત્ર પાસેથી

રોજ ૨૦ રૂપિયા ઉધાર લઈને ફિલ્મ સીટી

સુધી પહોંચ્યો હતો.”… સુપર સ્ટાર શાહરૂખ ખાન

“સ્કુલમાં ભણતો હતો ત્યારે વડનગર સ્ટેશન ઉપર

કીટલી લઇ ચા વેચતો હતો.” … નરેન્દ્ર મોદી

આ રીતે ખરાબ સમયનો પડકાર ઝીલીને ,સમયનો સદુપયોગ કરીને સમયના સમુદ્ર પટની રેતીમાં તમે એવાં પગલાં પાડીને જાઓ કે લોકો તમને યાદ કરે !

–વિનોદ પટેલ .. ૧૨-૧૪-૨૦૧૬ 

 

 

10 responses to “( 989 ) ઘડિયાળ અને સમય … વિચાર મંથન …… વિનોદ પટેલ

 1. સુરેશ ડિસેમ્બર 14, 2016 પર 1:49 પી એમ(PM)

  ઘડીમાં મુકે આળ – તે ઘડીઆળ.!
  ———
  અમારા સ્વીમીંગપુલમાં એક મોટા વ્યાસવાળું, સ્પેશીયલ ઘડીયાળ છે. તેમાં કલાકનો કાંટો જ નથી. સેકન્ડ અને મીનીટ એમ બે જ કાંટા છે. ડાયલ પરના આંકડા પણ મીનીટ દર્શાવતા જ છે. 0 થી 60 સુધીના – 1 થી 12 નહીં.

  કારણ સાવ સરળ છે. તરવા આવનાર માટે તે કેટલો વખત તરવા માંગે છે, તેનું માપ જ જરુરી હોય છે. કો’ક પંદર મીનીટ તરે તો કો’ક અડધો કલાક, તો કો’ક વીરલા એક કલાક પણ તરે. એ ગાળો આ ઘડીયાળ માપે તે પર્યાપ્ત હોય છે.

  આવી જ બીજી વીશીશ્ટ ઘડીયાળ સ્ટોપ વોચ છે. કોઈ ઘટનાનો ગાળો આપણે ચોક્સાઈથી માપવો હોય તો સ્ટોપ વોચ વપરાય છે. જેવું તેનું બટન દબાવ્યું કે તરત જ સમયની માપણી શરુ. અને ફરી ‘ ક્લીક ‘ કરો એટલે સમય મપાતો બંધ થઈ જાય. આમાંય કલાક કાંટો નથી હોતો.

  ગાડી કે પ્લેન પકડવાનાં હોય તો ત્યાંના સમય સાથે તાલ મીલાવવો પડે છે. પ્રીયપાત્રને મળવાનું હોય તો તે ન આવે ત્યાં સુધી સમય જાણે થંભી ન ગયો હોય; એટલી બધી ચટપટી થાય છે. પાંચ મીનીટ જાણે પાંચ કલાક જેવી લાંબી લાગે છે! અને તે આવે પછી કલાકોના ક્લાકો ક્યાં જતા રહ્યા, તે પણ ખબર નથી પડતી.

  આપણે કોઈ ચીંતા ભરેલી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે તો સમય જાણે ખુટતો જ ન હોય, તેમ આપણને લાગે છે. અહીં પણ ખરેખર કેટલો સમય થયો તેની આપણને ખબર પડતી નથી.

  અને જીવનની અંતીમ ક્ષણે કોઈ આપણી સ્ટોપ વોચનું બટન દબાવી દે છે – અને આપણે માટે સમય સ્થગીત બની જાય છે!

  સમયનું માપ પણ સાપેક્ષ હોય છે.

  Like

  • Vinod R. Patel ડિસેમ્બર 14, 2016 પર 7:56 પી એમ(PM)

   આ પોસ્ટની પૂર્તિ કરતાં ઘડિયાળ વિષેનાં સરસ અવલોકનો પ્રતિભાવમાં મુકવા માટે આભાર,સુરેશભાઈ.

   અગાઉ વિનોદ વિહારની સમય અંગેની એક બીજી પોસ્ટમાં સમય વિશેની આપની એક સરસ કાવ્ય રચના તમે મૂકી હતી એ અહી સાભાર પ્રસ્તુત છે.

   સમય

   સમય ભુલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ!
   હતા કદીયે ભાનમાં? તે ભુલીયે પાછા ભાઇ?

   સમય સમયની બલિહારી છે, એવું કહો છો ભાઇ!
   સમય આવે ને મન ઊઠે, એમેય બને છે ભાઇ!

   સમય વર્તે સાવધાન, તે ભારી બંકા ભાઇ !
   શેરને ય માથે સવાશેર છે, તે પણ સાચું ભાઇ!

   સમયનાં વાજાં સમયે વાગે, તે તો સાચું ભાઇ!
   સંકટનાં પડઘમ ના શમતા, તેનું શું કરવું ભાઇ?

   સમય જતાં સહેવાશે, એવું કહો છો ભાઇ!
   પણ મારા દિલની આ ઊલઝન, શેં કદિ ન ઊલઝે ભાઇ?

   કોઇને માટે નથી અટકતો, સમય તે સાચું ભાઇ!
   પગલે પગલે અટકાવી દે, તેનું શું કરવું ભાઇ?

   શ્વાનનો ય સમય આવશે, એવું કહો છો ભાઇ!
   રાહ એની શેં જોવી? મુજને સમઝાવો ભાઇ!

   ક્યારે ય કોઇનો થયો નથી, આ સમય, મારા ભાઇ
   ખયાલ બદલું તો તને ય નાથું, એ પણ સાચું ભાઇ!

   સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ!
   પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!

   -સુરેશ જાની

   Like

 2. pragnaju ડિસેમ્બર 14, 2016 પર 5:28 પી એમ(PM)

  સમય સમય બળવાન હૈ…
  સ રસ દાખલા

  Like

 3. pravinshastri ડિસેમ્બર 14, 2016 પર 7:19 પી એમ(PM)

  આપણુ જીવનતો તો ઘડિયાળ વગર જ દોડ્યા કરે છે. યોગિની કહે ક્યાંસૂધી ઊંઘવું છે. એટલે બેડમાંથી ઉભા થવાનો સમય. કેટલી વખત બુમ પાડી કે દાળ ઠંડી પડી જાય છે , હવે ગરમ કરવાની નથી, એટલે જમવાનો સમય થયો. હું તૈયાર થઈને બેઠી છું અને ક્યારે કોમ્પ્યુટરને છોડ્શે. મતલબ કે બહાર જવાનો સમય થયો છે. રાતે દોઢ વાગ્યાા બાપા, હવેતો ફેસબુક પર ટાહ્યલાં છોડને! એટલે ખબર પડી જાય કે કેટલા વાગ્યા. બોલો મને ઘડિયાળની જરૂર છે?

  Like

  • Vinod R. Patel ડિસેમ્બર 14, 2016 પર 7:52 પી એમ(PM)

   જ્યાં જીવતી જાગતી અર્ધાંગીની ઘડિયાળનું કામ કરતી હોય ત્યાં નિર્જીવ ઘડિયાળનું શું કામ છે ?
   કેમ બરાબરને પ્રવીણભાઈ. તમે ખરેખર નશીબદાર છો કે તમને ઘડી ઘડી સમયની દરેક ઘડીઓની યાદ અપાવનાર કોઈને ઈર્ષ્યા થાય એવું સજીવ ઘડિયાળ જીવન સંગીની તરીકે મળ્યું છે.

   Liked by 1 person

   • pravinshastri ડિસેમ્બર 14, 2016 પર 8:11 પી એમ(PM)

    બસ…પ્રભુની દયા છે. ૧૬ વર્ષની ઉમ્મરે માયા લાગી ગઈ, ૨૪ની ઉમ્મરે હાથ પકડી લીધો આજે ૭૭ની મારી ઉમ્મરે લાગત્યં જ નથી કે અમારું સ્વતત્ર વ્યક્તિત્વ રહું જ જ નથી. સ્વસ્થ હોવા છ્તાં પરાવલંબી બની ગયો છું.

    Like

 4. Vinod R. Patel ડિસેમ્બર 14, 2016 પર 8:01 પી એમ(PM)

  વિનોદ વિહારની અગાઉની એક પોસ્ટમાં સમય વિશેની મારી
  નીચેની અછાંદસ રચના આ પોસ્ટની પૂર્તિ કરતી હોઈ એને અહીં ફરી પ્રસ્તુત છે.

  સમયની ઘડિયાળ શું કહે છે ?

  ટીક .. ટીક …ટીક …
  સમયની ઘડિયાળ કહી રહી છે ,
  જુઓ આ પળ વહી રહી છે ,
  પકડી લો એને સવેળા,નહી તો,
  હાથમાંથી હું સરકી રહી છું .
  હાથમાં બાંધેલું હું માત્ર ઘરેણું નથી,
  પળો જાય છે એની યાદ અપાવું છું.

  ગયેલી પળ વાપસ નહી આવે,
  જે કરવા જેવા કામો છે એને,
  આજે જ,અરે અત્યારે જ કરી લો ,
  કાલ ઉપર ઠેલવાની ટેવ છોડો,
  નહી તો કામોનો ઢગલો થઇ જશે.

  એક દિવસ જાગીને જોઇશ કે,
  જીવનનો છેડો આવી ગયો છે,
  કરવાનાં કામો તો ઘણાં રહ્યાં છે!
  આ કામ મારે કરવાનાં જ હતાં!,
  પણ એ કરવા માટે આજે હવે,
  સમય ક્યાં બાકી રહી ગયો છે ?

  માટે, હે પામર માનવો,
  આ જીવનનો નથી ભરોંસો ,
  પાણી જેમ હર પળ વહી રહી છે,
  પકડી લો એને હાથમાં સમયસર,
  કરી સર્વોત્તમ ઉપયોગ એનો સવેળા,
  જીવન તમારું પૂર્ણ થાય એ પહેલાં ,
  જગમાં આવ્યાનો ફેરો સફળ બનાવો.

  Like

 5. Anila Patel ડિસેમ્બર 14, 2016 પર 8:05 પી એમ(PM)

  Pahela ghadiyal nahata tyarey samay to hatoj , atyare ghadiyalo chhe to samay nathi.

  Like

 6. ગાંડાભાઈ વલ્લભ ડિસેમ્બર 25, 2016 પર 5:33 પી એમ(PM)

  ભર્તૃહરિની સંસ્કૃતમાં એક ઉક્તી છે:
  कालो न यातो वयमेव याता
  આપણે કહીએ છીએ કે સમય પસાર થાય છે, પણ ભર્તૃહરિ કહે છે કે આપણે પસાર થઈ જઈએ છીએ. આપણને સમય પસાર થતો લાગે છે તે સતત થતા પરીવર્તનને કારણે. જો પરીવર્તન ન થતું હોય તો સમય થંભી ગયેલો લાગશે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: