Daily Archives: ડિસેમ્બર 17, 2016

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો-મારા આંગણે ! )
ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર શ્રી.પી.કે.દાવડા એ તાંજેતરમાં
એ નામે એમનો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે .
બ્લોગીંગની એક નવી સ્ટાઈલ અપનાવીને એમણે એમના આ બ્લોગમાં અગાઉ લખેલા પ્રકાશિત અને અપ્રકાશિત લેખો,કાવ્યો,પરિચય લેખો વી.સાહિત્ય સામગ્રીને વિષયવાર ગોઠવી એની નવ ઈ-બુકો બનાવીને વાચકોને વાંચવા માટે મૂકી છે.
આજની પોસ્ટમાં એમની ઈ-બુક કવિતામાં માંથી મને ગમેલો એક લેખ ઉદાહરણ રૂપે નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ ગમશે. એમના આવા બીજા ઘણા લેખો તમોને એમની ઈ-બુકોમાંથી વાંચવા મળશે.
દાવડાજીની અત્યાર સુધી પ્રકાશિત ૯ ઈ-બુકો આ પોસ્ટના અંતે મુકવામાં આવી છે જેનો જરૂર લાભ લેશો અને આપનો પ્રતિભાવ પણ જણાવશો .
વિનોદ પટેલ
કવિતા અને ગઝલોમાં “જીવન”
ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાણે કર્યો છે.આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ મને સૌથી વધારે ગમે છે.
“સપનાનો વાણો, ને સ્નેહનો તાણો
બે નું ગૂંથેલું જીવન જાણો;
આની કોરે રમણા, પેલી કોરે ભ્રમણા
વચ્ચે વહ્યાં જાય જીવન જમના.”
જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે.
મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ
“ઓ દોસ્ત, વહેતા જીવનની
આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.”
અકબરઅલી જસદણવાલા તો જીવનને પોતાની મરજી મુજબ ઢાળે છે. તેઓ કહે છેઃ
“મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.”
અમૃત ઘાયલે તો જીવન વિષે ઘણી બધી વાતો કરી છે. દા.ત.
“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું;
ફરક તારા ને મારા વિષે છે એટલો જાહિદ,
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.”
અહીં ઘાયલ જીવન સાથે છેડછાડ કરતા નથી, થોડું ઠીકઠાક કરી લે છે.
તેઓ બીજી જ્ગ્યાએ લખે છેઃ
“જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’ નું
છતાં હિંમત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે”
ભાઈ વાહ! ખરેખર હિંમતવાળા છે ઘાયલ.
બીજી એક જ્ગ્યાએ ઘાયલને માશુકા વગરનું જીવન જીવવા જેવું જ નથી લાગતું,
“મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં જીવવા જેવું કઈ તારા વગર ક્યાં છે ?”
ઘાયલ સાહેબ જરા શોધો, બીજું ઘણું બધું છે.
બરકત વિરાણી તો જીવનને સાચું માનતા જ નથી. એમને તો સપના જેવું લાગે છેઃ
“જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,”
આદિલ’ મન્સૂરી સાહેબનું જીવન તો પાણીની જેમ વહી ગયું.
“પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બની સરી ગયાં ”
આદિલ સાહેબ, જીવન તો બધાનું ઝડપથી વહી જાય છે.
અસિમ રાંદેરી સાહેબ તો પોતાનું જીવન કટકે કટકે જીવ્યા છે.
“બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
જીવન પણ છે કટકે કટકે.”
આમ તો આપણું બધાનું જીવન કટકે કટકે જ જીવાય છે.
બરકત વીરાણીએ ખૂબ સરસ વાત કહી છેઃ
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”
અને આખરે, જીવનને ઈશ્વર અથવા માસુકાને સોંપનાર ગઝલકાર કહે છેઃ
“તમારી સૂચના છે સૌ ગતિમાં
તમે કહ્યું તો ગગન ફરે છે
તમારી આંખોની સાથ સાથે
અમારૂં આખું જીવન ફરે છે.”
અને અંતેઃ
“આ મળ્યું જીવન છે જેવું એને જીવી જાણો,
અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો”
— પી.કે.દાવડા ,ફ્રીમોન્ટ
શ્રી પી.કે.દાવડા ની ઈ-બુકો
( નીચેના ચિત્રો ઉપર ક્લિક કરીને ઈ-બુકોમાંનું સાહિત્ય વાંચો .)
……
….
……..
…..

……
…..
વાચકોના પ્રતિભાવ