વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(998 ) ‘આજનો માણસ સુખી થવા હાટુ દુ:ખી થાય છે’ ….ડો.ગુણવંત શાહ

dula-kaag-gunvant

દુલા કાગે કહ્યું હતું: ‘આજનો માણસ સુખી થવા હાટુ દુ:ખી થાય છે’ …. ગુણવંત શાહ

જ્યાં સુધી માણસ વસ્તુને પ્રેમ કરવાનું અને બીજા માણસને વાપરવાનું બંધ ન કરે ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ અશક્ય છે. આનંદ પામવા માટે સહજને કિનારે ચાલવું પડે છે

વિખ્યાત અભિનેત્રી મેરિલીન મનરોનું અત્યંત કીમતી ઝવેરાત ચોરાઇ ગયું ત્યારે એ રૂપસુંદરીના દુ:ખનો પાર ન રહ્યો. તે સમયે એની સમીપે બેઠેલા પ્રેમીએ કહ્યું: ‘ડાર્લિંગ, જીવનમાં મને એક બાબત જડી છે. જે વસ્તુ તારે માટે રડી ન શકે તે વસ્તુ માટે તારે રડવાની જરૂર નથી.’

જ્યાં સુધી માણસ વસ્તુને પ્રેમ કરવાનું અને બીજા માણસને વાપરવાનું બંધ ન કરે ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ અશક્ય છે. કવિ દુલા કાગે કહ્યું હતું: ‘આજનો માણસ સુખી થવા હાટુ દુ:ખી થાય છે.’ સામાન્ય મનુષ્ય એવું માની જ લે છે કે તાતા, બિરલા અને મુકેશ અંબાણી પોતાના કરતાં વધારે સુખી છે. કહેવાતા સામાન્ય માણસ પાસે જો નિદ્રાવૈભવ, ભૂખવૈભવ, સંતોષવૈભવ અને શાંતિવૈભવ હોય, તો તે જરૂર મુકેશ અંબાણી કરતાં વધારે સુખી ગણાય. આવી વિચિત્ર વાત સમજવા માટે સોક્રેટિસની આંખ જોઇએ અને થોરોની વિચારસૃષ્ટિ જોઇએ. ‘આનંદ’ શબ્દનાં મૂળિયાં ઉપનિષદમાં રહેલાં છે. ‘આનંદ’ શબ્દનો કોઇ વિરોધી શબ્દ નથી. સુખ માટે મહેનત કરવી પડે છે, જ્યારે આનંદ પામવા માટે સહજને કિનારે ચાલવું પડે છે. હરામની કમાણી આનંદ આપી ન શકે.

કેટલાય ધનપતિઓના પરિચયમાં આવવાનું બન્યું છે. એ લોકોને મેં કંટાળા નામના અસાધ્ય રોગથી પીડાતા જોયા છે. તેઓ કશુંય ન કરે, તોય પૈસાનો ધોધમાર પ્રવાહ ઘરમાં ઠલવાતો જ રહે છે. કંટાળા નામના કેન્સરથી બચવા માટે તેઓ કોઇ સાધુબાવા પર નજર ઠેરવે છે. સાધુ પણ એકાંત અને મૌનથી કંટાળતો હોય છે. આવા સાધુને પૈસાદાર માણસનો સથવારો એક Change પૂરો પાડે છે. બંને જણાનો કંટાળો હળવો બને ત્યારે બંગલામાં પોલા અધ્યાત્મ કે ધર્મની પધરામણી થતી હોય છે.

બંનેનો કંટાળો હળવો બને ત્યારે જાણે એક કોન્ટ્રાક્ટ થતો હોય છે. આવા કોન્ટ્રાક્ટ માટે ગીતામાં પ્રોયોજાયેલા શબ્દો સાર્થક થતા જણાય છે: ‘પરસ્પર ભાવયન્ત:’ આપણે ત્યાં કૃપાકાંક્ષી સાહિત્યકારોની ખોટ નથી. પૈસાદારોમાં જ્યારે સુખ સહન કરવાની અશક્તિ વધી પડે ત્યારે કવિઓ પણ મનોરંજન માટે એમને બંગલે પહોંચી જાય છે. કવિતા અને કૃપાનું મિલન થાય ત્યારે ભગવાન પણ હસી પડે છે!

વિમ્બલ્ડન ટેનિસના જાણીતા ખેલાડી આર્થર એશ પર 1983માં હાર્ટસર્જરી થયેલી. તે વખતે એમને લોહી ચઢાવવામાં આવ્યું, તેને કારણે એમને એઇડ્સનો રોગ લાગુ પડી ગયો. એમની અંતિમ અવસ્થામાં કોઇકે પૂછ્યું: ‘તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યોમાંથી ભગવાને આવા ભયંકર રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી?’ આર્થર એશનો જવાબ કોઇ મહાત્માને શોભે તેવો છે. આર્થરે કહ્યું: ‘આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી કેવળ પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે.

તેમાંથી માત્ર 50 હજાર જણ ટેનિસ નિયમિત રીતે રમે છે. વળી તેમાંથી માંડ પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે અને તેમાંથી માત્ર 50 ખેલાડીઓ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પામે છે. એમાંથી પણ માત્ર ચાર જ ખેલાડીઓ સેમી ફાઇનલમાં પહોંચે છે અને માત્ર બે જ જણ ફાઇનલમાં રમે છે અને માત્ર એક જ માણસ છેવટે જીતે છે. એવા એક હોવાનું ગૌરવ જ્યારે મને પ્રાપ્ત થયું, ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું કે: ‘આવા ગૌરવ માટે તેં મારી જ પસંદગી શા માટે કરી?’

આ પ્રસંગ ભગવાનના ભક્તોને ગમી જાય તેવો છે. ભક્ત માને છે કે કૃપાની યાચના કરવી, તો કેવળ ભગવાન પાસે જ કરવી. કબીર કહે છે:

હાથમેં કૂંડી, બગલમેં સોટા
ચારોં દિસિ જાગીરીમેં|
કહત કબીર સુનો ભાઇ સાધો
સાહિબ મિલૈ સબૂરીમેં

‘સાહિબ’ તો એકમાત્ર પરમેશ્વર જ હોઇ શકે. તકલાદી માણસના ‘સાહિબ’ પણ તકલાદી! કેવળ ભગવાનને જ બોસ માને તે ખરો ભક્ત!

તકલાદી માણસો જ્યાં બહુમતીમાં હોય એવા સમાજમાં પોકળ ધાર્મિકતા વધી છે, પરંતુ પ્રામાણિકતા ઘટી છે. સેવા વધી પડી છે, પરંતુ સાધનશુદ્ધિ ઘટી છે. ભણતર વધ્યું છે, પરંતુ સમજણ ઘટી છે. બજારમાં ઉત્તમ કોટિનાં બૂટ મળે છે, પરંતુ મોંઘાંદાટ બૂટ પહેરનારનું ચાલવાનું ઘટી ગયું છે. આવા તકલાદી સમાજમાં ખોટું અંગ્રેજી બોલનાર સ્માર્ટ ગણાય છે અને શુદ્ધ ગુજરાતી બોલનાર લલ્લુ ગણાય છે. રસ્તાઓ પહોળા થયા છે, પરંતુ મન સાંકડાં થતાં રહ્યાં છે. સંબંધોનો વિસ્તાર વધ્યો છે, પરંતુ નિર્વ્યાજ સ્નેહનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.

સંસારમાં જ્યાં જ્યાં લાક્ષાગૃહ હોય છે ત્યાં ત્યાં (વિદુરે યોજેલી) એકાદ નાઠાબારી હોય જ છે. દગાબાજી જ્યારે કોઇ દુશ્મન દ્વારા થાય ત્યારે તે સહ્ય હોય છે, પરંતુ દગાબાજી જ્યારે પ્રિયજન કે સ્વજન તરફથી થાય ત્યારે મનુષ્ય હાલી ઊઠે છે. એક પ્રશ્ન પૂછવા જેવો છે: ‘જ્યાં સુધી મનુષ્યને સાચો સ્નેહ કરનાર કોઇ પ્રિય પાત્ર ન મળે, ત્યાં સુધી એ સુખી થઇ શકે ખરો?’ આ યક્ષપ્રશ્ન છે. સુખનું સરનામું કયું? સાચો સ્નેહ એ જ સુખનું સરનામું! એક મિત્રને લકવો થઇ ગયો. એના મિત્રે રોજ એને બે વાર ફોન કરવાનું રાખ્યું.

એ મિત્ર બોલી ન શકે, પરંતુ સાંભળી શકે. મિત્ર એને ફોન પર જોક્સ કહે અને બોલી ન શકનારા પથારીવશ મિત્રનું મનોરંજન કરે. ધીમે ધીમે લકવાગ્રસ્ત મિત્ર બોલતો થયો. મેડોના અને મધર ટેરેસા વચ્ચે તફાવત શું? મેડોના સફળ થાય છે, જ્યારે મધર ટેરેસા સાર્થક થાય છે. વિખ્યાત મ્યુઝિશિયન બિથોવન બહેરો હતો, તોય સિમ્ફનીની રચના કરી શકતો હતો. એના આખરી શબ્દો હતા: ‘મિત્રો! તાળી પાડો, પ્રહસન પૂરું થયું!’

કારેલું કડવું છે. એ વળી પરવળ બનવાનો પ્રયત્ન શા માટે કરે? કારેલાની પર્સનાલિટી એટલે જ કડવાશ.એ કડવાશ ગુમાવી બેઠેલું કારેલું, એટલે મરી ચૂકેલું કારેલું! છગન જ્યારે છગન મટી જાય અને મગન જેવો બને, ત્યારે શું બને છે? એ છગન મૃત્યુ પામે છે અને જીવતો હોવાનો ડોળ કરે છે. એ છગનની ‘છગનનેસ’ ઇશ્વરીય ભેટ છે. એ જ એની ખરી પર્સનાલિટી છે. છગનપણું ગુમાવી બેઠેલો છગન એટલે કોમ્પ્રેસર વિનાનું રેફ્રિજરેટર! એ છગન એટલે રીફિલ વિનાની બોલપેન! છગન કેવળ છગન બને એ જ વાજબી છે.

એણે ‘અછગન’ બનવાની જરૂર નથી. અરે! એણે ગાંધી બનવાની પણ જરૂર નથી. છગન જ્યારે છગન મટી જાય, તો એ કદી સુખી ન થઇ શકે. મારું ચાલે તો કવિ દુલા કાગને એમના આવા એક વિધાન બદલ નોબેલ પારિતોષિક આપું. અરે! નોબેલ પારિતોષિક ન પામેલા દુલા કાગ પોતે દુખી ક્યાં હતા? આવા ભક્ત દુલાબાપુનો જય હો!

સૌજન્યદિવ્ય ભાસ્કર 

પદ્મશ્રી ડો.ગુણવંત શાહ-પરિચય 

Dr. Gunvant Shah

ગુણવંત શાહ પરિચય ( સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય )

 

3 responses to “(998 ) ‘આજનો માણસ સુખી થવા હાટુ દુ:ખી થાય છે’ ….ડો.ગુણવંત શાહ

  1. pragnaju જાન્યુઆરી 6, 2017 પર 3:24 પી એમ(PM)

    આનંદ પામવા માટે સહજને કિનારે ચાલવું પડે છે
    કહત કબીર સુનો ભાઇ સાધો
    સાહિબ મિલૈ સબૂરીમેં
    વાત સુંદર રીતે સમજાવી
    મા શ્રી ગુણવંત શાહની વીડીયો હોય તો સાંભળવાની મઝા કાંઇ ઔર.!

    Like

  2. smdave1940 જાન્યુઆરી 8, 2017 પર 2:48 એ એમ (AM)

    દુલા કાગે કહ્યું હતું: ‘આજનો માણસ સુખી થવા હાટુ દુ:ખી થાય છે’

    જે વસ્તુ તારે માટે રડી ન શકે તે વસ્તુ માટે તારે રડવાની જરૂર નથી.’

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: