Daily Archives: જાન્યુઆરી 8, 2017
એક નેટ મિત્ર શ્રી પરેશ પટેલના ઇ-મેલમાં હિન્દીમાં એક સરસ બોધ કથા વાંચી જે મનને ગમી ગઈ.આ કથાનો ગુજરાતીમાં અનુવાદ કરીને વાચકો માટે નીચે પ્રસ્તુત છે.
૧.પ્રેમ ચેપી હોય છે !
શહેરના એક નાનકડા બજારમાં સંતરાં વેચતી એક ઘરડી સ્ત્રી પાસેથી એક યુવાન હમેશાં સંતરાં ખરીદતો હતો.સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો “ડોશીમા,જુઓ આજે આ સંતરું ઓછું મીઠું છે “.
ઘરડી ડોશી એક પેસી ચાખતી અને સામી દલીલ કરતાં કહેતી ,”ના બાબા,સંતરું આટલું મીઠું તો છે ” .થોડું છોલેલા સંતરાને એ ઘરડી ડોશી પાસે છોડીને એ હસમુખો યુવાન બાકીનાં સંતરાં લઈને થેલી હલાવતો આગળ ચાલ્યો જતો.
આ યુવાન એની પત્ની સાથે જ સંતરાં ખરીદવા આવતો હતો.એક દિવસ એની પત્નીએ આશ્ચર્ય સાથે એના પતિને પૂછ્યું:” આ ડોશીમાનાં સંતરાં હંમેશાં મીઠાં જ હોય છે તો દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો એ મને નથી સમજાતું ?”
પતિએ મુખ પર સ્મિત સાથે એનું રહસ્ય પત્નીને જણાવતાં કહ્યું:” એ સાચું છે કે ડોશીમા હમેશાં મીઠાં સંતરાં જ વેચે છે,પણ પોતે એ સંતરાં ખાતી હોય એમ મને લાગતું નથી.આ રીતે હું એને એક સંતરું રોજ ખવડાવું છું એ મને ગમે છે .”
આ સંતરાં વેચતી ડોશીમાની બાજુમાં જ શાકભાજી વેચતી સ્ત્રી જે આ દ્રશ્ય જોતી હતી એણે એક વાર એને પૂછ્યું:” સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજ ચાખ ચાખ કરે છે અને તું સંતરાં તોલે છે ત્યારે હું તારા ત્રાજવાને જોઉં છું તો તું હમેશાં એને એક બે સંતરાં જેટલું નમતું તોલીને આપે છે,એમ કેમ કરે છે ?”
ડોશીમાએ બાજુમાં શાકભાજી વેચતી એ સ્ત્રીને એનો જવાબ આપતાં કહ્યું :” એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું.રોજ એ સંતરૂ ચાખે છે અને મુકીને જાય છે એ મને સંતરું ખવડાવવા માટે જ એમ કરે છે. એ સમજે છે કે હું એ સમજતી નથી.હું મારા માટેના એના પ્રેમને ઓળખી ગઈ છું.એના આ પ્રેમના લીધે જ એક મા ની માફક આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે.!
કહેવાય છે કે પ્રેમ ચેપી હોય છે . હંમેશાં પ્રેમ આપવાથી પ્રેમ મળતો હોય છે.!
૨.ધન અને મનનો રણકાર
નીચેની બોધ કથા એક મિત્રના ફેસ બુક પેજ ઉપરથી સાભાર પ્રસ્તુત છે.
ઘણા વર્ષો પછી બે મિત્રો રસ્તામાં મળી ગયા. ધનવાન મિત્રએ તેની આલીશાન ગાડી પાર્ક કરી અને ગરીબ મિત્રને કહ્યું:”ચાલ આ ગાર્ડનમાં થોડી વાર બેસીએ.”
ચાલતાં ચાલતાં ધનવાન મિત્રએ ગરીબ મિત્રને કહ્યું:”તારા અને મારામાં ઘણો ફર્ક રહી ગયો. હું અને તું સાથે જ ભણ્યા, મોટા થયા પણ હું ક્યાં પહોચ્યો અને તું ત્યાં જ રહી ગયો.”
ચાલતાં ચાલતાં ગરીબ મિત્ર અચાનક ઉભો રહી ગયો. ધનવાન મિત્રએ પૂછ્યું :” શું થયું ? ગરીબ મિત્રએ કહ્યું તેં કોઈ અવાજ સાંભળ્યો ?”
ધનવાન મિત્રએ પાછળ ફરીને જોયું અને પાંચનો સિક્કો ઉઠાવ્યો ને બોલ્યો:”આ તો મારા ખિસ્સામાંથી પડેલા પાંચના સિક્કાનો રણકાર હતો’
ગરીબ મિત્ર બાજુના એક કાંટાળા નાના છોડ તરફ ગયો, જેમાં એક પતંગિયું ફસાયું હતું જે બહાર નીકળવા પાંખો ફફડાવતું હતું.ગરીબ મિત્રએ તેને હળવેથી બહાર કાઢ્યું અને આકાશમાં મુકત કરી દીધું .
ધનવાન મિત્રએ આતુરતાથી પૂછ્યું:”તને પતંગિયાનો અવાજ કેવી રીતે સંભળાયો ?”
ગરીબ મિત્રએ નમ્રતાથી કહ્યું:”તારામાં અને મારામાં આજ ફર્ક રહી ગયો,તને ‘ધન’નો રણકાર સંભળાય છે અને મને ‘મન’નો રણકાર સંભળાય છે.”
Source: net
હાસ્યેન સમાપયેત …

ફોઈબા !
પત્નીએ પતિને ફોન કર્યો.
પત્ની: “શું કરો છો?”
પતિ: “ઓફિસમાં છું, બહુ બીઝી છું ,તું શું કરે છે ?”
પત્ની :” મેકડોનાલ્ડ રેસ્ટોરંટમાં તમારી પાછળના ટેબલ પર બાળકો સાથે બેઠી છું.બાળકો મને પૂછી રહ્યાં છે કે પપ્પાની સાથે કયાં ફોઈબા બેઠાં છે ?”
( મિત્રના વોટ્સ એપ મેસેજમાંથી સાભાર …)
વાચકોના પ્રતિભાવ