વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 19, 2017

( 1004 ) સાપ(નાગ)ના પણ મિત્ર આતા …( સ્વ. હિંમતલાલ જોશી સ્મૃતિ લેખ )

આ અગાઉની પોસ્ટ નંબર (1003 ) આતાજીએ અમદાવાદ માં એક મોર પાળ્યો હતો એના વિષે તમે વાંચ્યું હશે.આતાને નાગ-સાપ પણ બહુ ગમતા અને ઘડીના છઠ્ઠા ભાગમાં એને હાથમાં ચાલાકીથી પકડી લેતા હતા.

માણસ તો શું, ઝેરી સાપ પણ આતાના મિત્ર બની ગયા હતા!આતાના બહુરંગી વ્યક્તિત્વનું આ કેવું અજાયબ પાસું કહેવાય !

આતાના બ્લોગ આતાવાણીના શીર્ષક(હેડર) પર પણ તમને દાઢી વાળા આતાના ચિત્ર સાથે ફેણ ચડાવેલ નાગ-સાપનું ચિત્ર જોવા મળશે.

સ્વ.આતાને સર્પ બહુ પ્રિય હતા. એ ગમે તેવા નાગને પણ નાથી શકતા હતા. આતાવાણીની એક પોસ્ટમાં ૧૧-૨૩-૨૦૧૫ ના રોજ તેઓએ લખ્યું છે.

“હું ચાલ્યા જતા કોબ્રા (નાગ )ને મારા ખુલ્લા હાથે પકડી લઉં છું અને મારા ઘરની આજુ બાજુની કાંટાની વાડમાં મૂકી દઉં છું .મારા ઘરના ટેવાઈ ગયા હોય એટલે સાપ ઘરની આજુ બાજુ આંટા મારતા હોય .મન ફાવે તો ઘરની અંદર પણ આવી ગયા હોય. પણ અમારા ઘરનાઓને કોઈ આશ્ચર્ય થતું નહી કે ડર લાગતો નહી.”

આતાના બ્લોગમાં એમના પરિચયના પેજ અતાઈ કથા માં તેઓ લખે છે …

“અમદાવાદમાં હું એક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે. એનું કારણ એ કે, હું કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લઉં છું. એક વખત હું મારા આવા સરપ પકડવાના ધંધાને લીધે છાપે ચડેલો છું . એની વાત તમારી જાણ ખાતર લખવાનું મન થાય છે. સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એનો ચીફ એન્જી. બી. કુમાર હતો. તે નવરંગપુરા દિલખુશ સોસાયટીમાં એની ઘરવાળી અને કાકા સાથે રહેતો હતો .એક વખત સિનેમા જોઈ ઘરે આવ્યા અને પથારી પાસે ગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગ દેવતાએ ફૂફાડો મારીને એમને ડરાવ્યા. એટલે એ તો હડી કાઢીને બંગલાની બહાર નીકળી ગયા. આ વખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું, પણ મજાલ છે કે, કોઈ બંગલા નજીક જાય! પણ એક ભડનો દીકરો ભૈયો હતો તે દરવાજા પાસે હાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો. મને બોલાવવામાં આવ્યો. હું ગયો એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,

“साब! आप साथ कुछ नहीं लाए। यह साप बड़ा खतरनाक है।”

મે તો મારા હાથમાં લાકડી હતી એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો. હું સૌને સંભળાવવા બોલ્યો –

” નાગબાપા! આ તમે જુઓ છો; એ માંયલો માણસ હું નથી.”

એમ બોલી ફેણ માથે હાથ મૂકી નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની હથેળીઓ ઘાલી નાગદેવતાને ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી અને પછી ચાદરમાં મૂકી દીધા.

કાકો બોલ્યો કે આને કૈક ઇનામ આપવું જોઈએ. બી.કુમારે મને વીસ રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ લેવાનો કાયદો નથી. તમે મને મારા ખાતા મારફત આપો.

પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે બોલાવ્યા. મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો; અને બાપુ! હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ છપાણી.”

atta-nag-bapa

જય નાગ બાપા નામની આતાવાણીની પોસ્ટમાં સ્વ.આતાજીએ લખ્યું છે …. 

“એક કિસ્સો સૌ ના માટે લખું છું :

atta-parrotહું ચાલ્યા જતા કોબ્રા (નાગ )ને મારા ખુલ્લા હાથે પકડી લઉં છું અને મારા ઘરની આજુ બાજુની કાંટાની વાડમાં મૂકી દઉં છું .મારા ઘરના ટેવાઈ ગયા હોય એટલે સાપ ઘરની આજુ બાજુ આંટા મારતા હોય. મન ફાવે તો ઘરની અંદર પણ આવી ગયા હોય. પણ અમારા ઘરનાઓને કોઈ આશ્ચર્ય થતું નહી કે ડર લાગતો નહી.

આ વાત અમે સરદાર નગર અમદાવાદમાં રહેતા હતા ત્યારની છે .દેવ આ વખતે હાઈસ્કુલ નો વિદ્યારથી હતો અને દિલ્હી દરવાજા બહાર એચ. બી. કાપડિયા હાઈસ્કુલમાં ભણવા જતો . અહીં  એક રામજી નામનો અસારવામાં રહેતો છોકરો દેવ સાથે ભણતો . અસારવામાં ઘોંઘાટ થતા રેહતા હોય . કોઈ શીંગ ચણાની લારી વાળો બુમો પાડતો હોય કૂતરાં ભસતાં હોય . જ્યારે અમે રહેતા તે શાંત વિસ્તાર ઘરની બાજુમાં મેં શેતુરનું ઝાડ વાવેલું અને ઘરની આજુ બાજુ કાંટાની વાડ કરેલી . એક દિવસ  દેવે રામજીને કીધું કે તું રજામાં મારે ઘરે આવતો હોય તો આપણે સાથે અભ્યાસ કરીએ . રામજી એકદી રજામાં સવારે ઘરે આવ્યો . સાથે લંચ પણ લઇ આવ્યો. મારી વાઈફ ભાનુમતિએ રામજીને કીધું :” હવેથી ખાવાનું ન લઇ આવતો દેવ સાથે તું પણ જમી લેજે .”

એક દિ દેવ અને રામજી શેતુરના ઝાડ નીચે ખાટલા ઉપર બેસીને વાંચી રહ્યા હતા. એટલામાં વાડમાંથી અવાજ આવ્યો. રામજી માટે આ અવાજ નવીન હતો. એણે દેવને પૂછ્યું :” દેવ આ શેનો અવાજ છે ?” દેવ ખાટ્લા ઉપરથી નીચે ઉતર્યો અને વાડમાં જોયું અને રામજીને બહુ સહજતાથી કીધું ” ઈતો કોબ્રા દેડકાને ગળી રહ્યો છે . દેડકું મોતની ચીસો પાડે છે”

સાંભળીને રામજી એકદમ ભાગ્યો . ઈ પગરખાં પહેરવા પણ નો રોકાણો. ઈ ભાગ્યો ઈ ભાગ્યો. એક વખત દેખાણો પછી પાછો આવ્યો નથી .

આવે નાગ પાંચમ નાગ દેવ પૂજે
ગારાના નાગલા બનાવેજી
સાચુકલો નાગ દેવ નીકળે ઘરમાં તો
“આતા બાપુને ” તેડાવજોજી

નાગ બાપા સૌનું ભલુ કરજો .

 સર્પ શો….સ્લાઈડ શો 

આતાવાણીના સહ તંત્રી શ્રી સુરેશભાઈ જાનીએ, આતાજીને સાપ પ્રિય હોઈ એમની ખુશી માટે ત્રિસેક જેટલા સાપનાં નામ,રહેઠાણ અને ઝેરી / બિન ઝેરી માહિતી વી.શ્રી અશોક મોઢવાડિયા પાસેથી મેળવી એનો સરસ સ્લાઈડ શો એમને બનાવી આપ્યો હતો.

 નીચેની લીંક પર ક્લિક કરીને જોઈ શકાશે.

સર્પ શો,,,સ્લાઈડ શો ….સાભાર …શ્રી સુરેશ જાની /શ્રી અશોક મોઢવાડિયા