વાત એમ બની છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાયબરેલીની એક ચૂંટણી સભામાં ગુજરાત ટુરિઝમની એક જાહેરાત” ખુશ્બુ હૈ ગુજરાત કી”માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતના ખાસ પ્રકારના ગધેડાઓની વિશેષતાઓ જણાવતા દર્શાવવામાં આવ્યા છે, એના પર કટાક્ષ કર્યો હતો.
અખિલેશ યાદવે અમિતાભ બચ્ચનને વિનંતી કરતાં કહ્યું હતું કે તમે ગુજરાતના ગધેડાઓની જાહેરાત કરવાનું બંધ કરો.ગધેડાઓની પણ શું જાહેરાત હોઈ શકે?અખિલેશે સભામાં આ આખી જાહેરાત વાંચી સંભળાવી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં તો ગધેડાઓનો પણ પ્રચાર થઈ રહ્યો છે અને વડાપ્રધાન મારા પર આરોપ લગાવે છે. અખિલેશ યાદવ આવું નિવેદન આપીને ટ્વિટર પર અળખામણા બની ગયા છે.અખિલેશના આ નિવેદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવી રહ્યું છે જેના કારણે મોટો હોબાળો મચ્યો છે.
મોદીનો અખિલેશને જવાબ
ગુજરાતના ગધેડાવાળા નિવેદન સામે અખિલેશને જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે “અખિલેશને સૈકડો કિલોમીટર દૂર રહેતા ગધેડાઓથી ભય લાગે છે.હું મારી તમામ ટીકાઓ હસીને સ્વીકારી લઉં છું.પરંતુ અખિલેશને જણાવવા માગું છું કે ગધેડાઓ પાસેથી પણ પ્રેરણા લઇ શકાય છે. ગધેડુ મહેનતથી કામ કરે છે,બીમાર હોય તેમ છતાં પણ મહેનતથી કામ કરે છે, હું પણ ગર્વથી ગધેડાઓ પાસેથી પ્રેરણા લઉ છુ અને થાક્યા વગર, પૂરી મહેનત સાથે કોઇ પણ રજા વગર સતત કામ કરતો રહું છું.દેશની સવા સૌ કરોડની જનતા મારી માલિક છે અને તેઓ જે આદેશ આપે છે તે પ્રમાણે હું થાક્યા વગર, અટક્યા વગર મારું કામ પુરું કરું છું.”
ગધેડાઓના બચાવમાં એ કહેવાનું છે કે રાજકારણમાં ગધેડાઓને સંડોવીને બિચારા ગધેડાઓને ખુબ અન્યાય થઇ રહ્યો છે.લેવા દેવા વગર તેઓ ખોટી રીતે વગોવાઈ રહ્યા છે.તેઓમાં ઘણીવાર માણસો કરતાં વધુ બુદ્ધિ હોય છે અને એટલે તો અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે ચુંટણીનું નિશાન ગધેડાનું રાખ્યું છે.
વડા પ્રધાન મોદી સાથે હું સંમત છું કે ગધેડા પાસેથી મહેનત કરવાની પ્રેરણા મળે છે.ગધેડા માલિકને વફાદાર હોય છે અને એના માટે સતત સમય જોયા વિના કામ આપે છે. એની આવી મજુરી પરથી તો “ગધ્ધા મજુરી ” શબ્દ પર્યાય આવ્યો છે.અમારું તો માનવું છે કે ભલે ગધેડા માણસ બનતા નહિ હોય પણ માણસને ગધેડા બની જતાં વાર લાગતી નથી.
રાજકારણમાં ચાલતા ગધેડા પુરાણએ કવિઓને પણ કવિતાઓ બનાવવાની પ્રેરણા આપી છે.એક સહૃદયી મિત્રે ઈ-મેલમાં એક વિડીયોની લીંક મોકલી છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.હાસ્ય કવિ સંમેલનનો આ વિડીયો જોઇને હાસ્ય સાથે તમને પણ ગધેડાઓ પર હમદર્દી થાય તો નવાઈ નહિ.
गधो पर कवी सम्मेलन .. हस्ते हस्ते लोट पोट | Donkey Kavi Sammelan
કોઈ માણસમાં ઓછી બુદ્ધિ હોય તો ઘણીવાર લોકો એને “ તું તો સાવ ગધેડા જેવો છે “એમ કહેતા હોય છે.પરંતુ ગધેડાઓ પણ બુદ્ધિશાળી હોય છે એ વાતની પ્રતીતિ કરાવતી એક બોધ કથા”ધનજી કુંભારનો ગધેડો” એ નામે ૫મી ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ વિનોદ વિહારમાં પોસ્ટ કરી હતી. આ બોધકથા વાંચ્યા પછી “ તું તો સાવ ગધેડા જેવો છે “ એમ કહીને કોઈએ પણ સમગ્ર ગધેડા જાતિનું નું અપમાન કરવું ના જોઈએ !
૨૧ મી ફેબ્રુઆરી ૨૦૧૭નો દિવસ “વિશ્વ માતૃભાષા દિવસ-“International Mother Language Day “તરીકે વિશ્વમાં ઉજવાયો.ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરી માતૃભાષાનું ગુણ ગાન કરવામાં આવ્યું.
એક એન.આર.આઈ.ગૌરવ પંડિત અને એમનાં પત્ની શિતલ પંડિતના ભાષા પ્રેમને રજુ કરતા અખબારી સમાચાર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસએ એમના બ્લોગ નીરવ રવેમાં પ્રસિદ્ધ કર્યા છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.વિશ્વ માતૃભાષા નિમિત્તે એ કિસ્સો પ્રેરક બનશે.
*દોઢ વર્ષની પુત્રીને ગુજરાતી શીખવવા અમેરિકાની ઊંચા પગારવાળી નોકરીમાંથી રાજીનામુ દઈ દંપતિએ વતન ભાવનગરમાં વસવાટ કર્યો : *કાઠિયાવાડી સંસ્કૃતિ મુજબ પુત્રીના ઉછેર તથા લાલનપાલન બાદ પરત અમેરિકા જવા રવાના થયા.
ભાવનગર : આજ ૨૧ ફેબ્રુ. ના રોજ ઉજવાતા ‘‘ઈન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે” નિમિતે માતૃભાષા ગુજરાતી માટે ગૌરવરૂપ કિસ્સો યુ.એસ. સ્થિત ગુજરાતી દંપતિ ગૌરવ પંડિત તથા શિતલ પંડિતનો છે. જેમણે પોતાની દોઢ વર્ષની પુત્રી તાશી ગુજરાતી ભાષા શીખે તે માટે ‘‘ગોલ્ડમેન સેક ” ની ઊંચા પગારવાળી નોકરીમાંથી રાજીનામુ આપી દઈ ૨૦૧૫ ની સાલમાં વતન ભાવનગરમાં સંયુક્ત પરિવાર સાથે વસવાટ કરવાનું પસંદ કર્યુ હતું.
પુત્રી સાડાત્રણ વર્ષની થઈ અને ગુજરાતી ભાષા બોલતા શીખી ગઈ. કાઠિયાવાડની સંસ્કૃતિ મુજબ ઉછેર થયો તથા સૌરાષ્ટ્રનો ગઢ ગિરનાર સહિતના સ્થળો બતાવી તેઓ તાજેતરમાં યુ.એસ. પરત ફર્યા છે. જ્યાં હવે પુત્રીને શિક્ષણ અપાવવાનું શરૂ કર્યુ છે.તથા બંનેએ જુદી જુદી કંપનીમાં નોકરી પણ શરૂ કરી દીધી છે.
આમ વિદેશમાં ૧૫ વર્ષનો વસવાટ હોવા છતાં પોતાના સંતાનના ઉછેર માટેના પ્રાથમિક ગાળામાં વતનમાં આવી તેમણે ગુજરાતના સંસ્કાર તથા માતૃભાષા ગુજરાતીનું આ ગૌરવ પંડિત દંપતીએ ગૌરવ વધાર્યુ છે.
Gaurav Pandit and his wife Sheetal
આ જ સમાચાર શ્રી ઉત્તમભાઈ ગજજરના સૌજન્યથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.કોમ ની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો .
(ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે કૅન્સર એટલે કેન્સલ… કેન્સર જેવા ભયાનક રોગમાંથી બચવું મુશ્કેલ છે.માત્ર ૪૩ વર્ષની લીસા રાની રે નામની મોડલ અને અભિનેત્રી કમનશીબે કેન્સરના રોગમાં સપડાઈ ગઈ . લીસા અને લીસાના પોલેન્ડના પિતા તથા ભારતીય માતાએ લીસાની જીવવાની આશા છોડી દીધી હતી.
પરંતુ મારે કોઈ પણ હિસાબે કેન્સર મુક્ત થવું છે એવી લીસાની દ્રઢ ઇચ્છાશક્તિથી લીસા કેવી રીતે કેન્સર સામેની લડાઈમાં વિજયી બની એની રસિક અને પ્રેરક સત્ય કથા એના મુખે જ જાણીતાં લેખિકા કાજલ-ઓઝા વૈદ્યની કલમે નીચેના લેખમાં વાંચો.સાભાર- મુંબઈ સમાચાર, સુશ્રી કાજલ-ઓઝા વૈદ્ય ..વિ.પ.)
નામ : લિસા રાની રે મેકોય સ્થળ : ટોરન્ટો / હૉંગકૉંગ સમય : ૨૦૧૭ ઉંમર : ૪૩ વર્ષ ૪૩ વર્ષની ઉંમર કોઈ મોડલની કે અભિનેત્રીની જિંદગીમાં વળતા પાણીની ઉંમર હોય છે, પણ હું જ્યારે મારી જાતને અરીસામાં જોઉં છું ત્યારે મને લાગે છે કે હું જાણે હજી હમણાં જ, ૨૦૧૦માં જ જન્મી છું…મારી જાતને ૧૭ વર્ષની અનુભવું છું ક્યારેક, ને આમ જોવા જઈએ તો એ સાચું પણ છે. ૨૦૧૦માં મારો પુન:જન્મ થયો એમ કહું તો ખોટું નથી. મેં તો જીવવાની આશા છોડી જ દીધી હતી…મેં જ શું કામ, શરૂઆતમાં મારો પરિવાર અને ડૉક્ટર પણ ડરી ગયા હતા.
કૅન્સર શબ્દ જ એવો છે. મોટાભાગના લોકો માને છે કે કૅન્સર એટલે કેન્સલ…મને પણ જ્યારે પહેલીવાર ડૉક્ટરે કહ્યું કે મને કૅન્સર છે ત્યારે મને લાગ્યું કે, હવે બહુ થોડા દિવસો બચ્યા છે ! ર૩ જૂન, ર૦૦૯, અમે હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે મને પહેલી વાર સમજાયું કે આ જગત કેટલું સુંદર છે ! આપણી પાસે જ્યારે શ્ર્વાસ ખૂટવા લાગે ત્યારે જ જીવનનું મૂલ્ય સમજાતું હોય છે. મેં મારા પિતાને પૂછ્યું, “હવે હું મૃત્યુ પામીશ? મારા પિતાએ જવાબ આપ્યો, “એનો આધાર તારા ઉપર છે ! મેં કહ્યું, “મારે નથી મરવું. મારા પિતાએ કહ્યું, “બસ તો પછી, જીવવા માંડ ! આપણે સાથે મળીને કૅન્સર સામે લડવાનું છે. કૅન્સર ઈશ્વર નથી, એક રોગ છે અને જગતમાં દરેક રોગની દવા હોય છે. ફક્ત નિરાશાની દવા નથી.
મારા પિતા પોલેન્ડના હતા અને મા ભારતીય. મારા પિતાએ મને જિંદગી જીવતા શીખવાડ્યું. મને એમણે ક્યારેય કશું કરતા રોકી નથી. મારી મા કેનેડામાં એક બૅન્કમાં કામ કરતી હતી પણ એ પોતાને પિયર કલકત્તા અચૂક આવતી. સ્કૂલના વેકેશનમાં અમે મારા નાનાજીને ઘેર, શ્યામ બજાર આવતા. વરસાદના દિવસોમાં અમે એમની વિશાળ છત ઉપર નાહવા જતા. બૈંગુન ભાજા અને ઝોલભાત ખાવાની મજા મેં બાળપણમાં બહુ માણી છે. હું સાવ નાની હતી ત્યારથી જ બધા કહેતા, “આ છોકરી ગજબની સુંદર છે. મારા પોલિશ પિતાની આંખો અને સ્કીનની સાથે સાથે મને મારી બંગાળી માના વાળ વારસામાં મળ્યા હતા… મેં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે મારી માએ મને કહેલું, “મને વાંધો નથી પણ સુંદરતા એ જ જીવનનું સત્ય નથી એટલું યાદ રાખજે મારે પત્રકાર બનવું હતું, એટલે મેં જર્નાલિઝમ ભણવાનું શરૂ કર્યું, પણ એ જ ગાળામાં મારાં માતા-પિતા એકબીજાથી છૂટાં પડી ગયાં અને માએ કલકત્તા રહેવાનું નક્કી કર્યું. મારા પિતાની રજાથી હું મારી મા પાસે રહેવા આવી કારણ કે મારા પિતાને પણ એવું લાગ્યું કે મારી મા મારો વધુ ખ્યાલ રાખી શકશે…
કલકત્તા આવીને મેં કામ શોધવા માંડ્યું. એ જ ગાળામાં મને સૌથી પહેલી ફિલ્મ ‘નેતાજી’ (તામિલ) ની ઓફર આવી. પૈસા સારા મળતા હતા પણ મને તામિલ બોલતા આવડતું નહોતું. એમણે કહ્યું, “અમે, ડબ કરી લઈશું… મેં એ ફિલ્મ સ્વીકારી લીધી. ફિલ્મ ખૂબ સારી ચાલી…આમ તો હજી મારી કારકિર્દી શરૂ થઈ હતી…કરણ કપૂર સાથે બૉમ્બે ડાઈંગમાં કામ કર્યા પછી પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલીખાનની કવ્વાલીના વીડિયોમાં મને ખૂબ પ્રસિદ્ધિ મળી…જાવેદ અખ્તરે લખેલી આ કવ્વાલીમાં મને જે રીતે રજૂ કરવામાં આવી, એનાથી મને અનેક ફિલ્મોની ઓફર્સ પણ આવી. એ પછીનો સમયગાળો મારી જિંદગીનો સૌથી ઈન્ટ્રેસ્ટિંગ સમય રહ્યો. મેં અનેક ફિલ્મોમાં કામ કર્યું. મોડેલિંગના કેટલાય કોન્ટ્રાક્સ અને પૈસાની સાથે સાથે પ્રસિદ્ધિ પણ મળતી ગઈ. ‘ગ્લેડરેગ્ઝ’ના કવરપેજ ઉપર મારો ફોટો છપાયો ત્યારે બોલીવૂડમાં હલચલ મચી ગઈ. એ પછી મૉડલિંગ માટે મને અનેક ઑફર્સ આવી. ૧૯૯૪થી શરૂ કરીને ર૦૦૯ સુધીનું જીવન કંઇક જુદું જ હતું. ર૦૦પમાં કેનેડિયન ફિલ્મ ‘વૉટર’માં દિપા મહેતાએ મને કાસ્ટ કરી… એ ફિલ્મે ખૂબ ચકચાર જગાવ્યો. ર૦૦પમાં ફિલ્મ ઑસ્કાર માટે નોમિનેટ થઈ. હું સાતમા આસમાને હતી. સમય જતાં ફિલ્મોની ઓફર્સ વધવા માંડી. હું હિંદી સારું બોલી શક્તી નહીં એટલે ‘કસૂર’ નામની એક ફિલ્મમાં દિવ્યા દત્તાનો અવાજ ઉધાર લેવામાં આવ્યો.
ભારતના એક ૫ણ શહેરમાં એક પણ રસ્તો એવો ન હતો કે જેના પર મારા હોર્ડિંગ ન હોય ! હું કૅનેડા પાછી ગઈ, એ પછી કૅનેડિયન ફિલ્મોમાં મેં કામ કર્યું, પણ આ દુનિયા વિચિત્ર છે, જે સફળ થવા માંડે એને માટે સફળતા સામેથી આવે છે… મારી સાથે પણ એવું જ થયું… જગતનો કોઈ કલાક ૬૦ મિનિટથી લાંબો નથી, દુનિયાના કોઈ માણસ પાસે ચોવીસ કલાકથી વધુ લાંબો દિવસ નથી હોતો. સુખના દિવસો અને સમસ્યાઓ ‘હેન્ડ ઇન હેન્ડ’ હાથમાં હાથ પરોવીને ચાલે છે.
ર૦૦૯ની ર૩મી જૂને કૅનેડાની એક હૉસ્પિટલમાં અમુક ટેસ્ટ કરાવતા મને કૅન્સર છે એવી ખબર પડી. આમ જોવા જાવ તો લગભગ મૃત્યુનું ફરમાન… ‘મલ્ટિપલ માયેલોમા’ પ્લાઝમા સેલ્સનું એક એવું કૅન્સર છે, જે એન્ટિબોડીઝ પ્રોડ્યુસ કરે છે. હાડકાંનો દુખાવો, બ્લિડિંગ, વારંવાર થતાં ઇન્ફેક્શન અને ધીમે ધીમે એનિમિયા (વધુ પડતી વિકનેસ) થવા લાગે છે. આના કારણ વિશેની જાણકારી હજી સુધી મળી શકી નથી. ડૉક્ટરે અમને શાંતિથી સમજાવ્યા અને કહ્યું કે, “આ કૅન્સરની દવા થઈ શકે છે, પણ સંપૂર્ણપણે નાબૂદ થઈ શક્તું નથી. ર૦૦૯માં મળતાં આંકડા મુજબ ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર લોકોને આ કૅન્સર છે એમ માનવામાં આવે છે. એ વખતે હું ભાંગી તો પડી, પણ ઘરે જઈને મારા પિતાએ મને સમજાવી. એમણે કહ્યું કે, “આપણે આની સારવાર કરવી જોઇએ… જે થાય તે, પણ દુનિયાના કોઇ પણ રોગની પહેલી દવા એ રોગીની હિંમત અને સાજા થવાની ઇચ્છાશક્તિ છે. એ રાત્રે હું ખૂબ રડી. મને ખબર હતી કે હવે કિમોથેરાપી શરૂ થશે. વાળ ખરી જશે, ચહેરો સૂઝી જશે અને હું જેવી દેખાઉં છું એવી સુંદર નહીં રહું. સાથે સાથે સ્ટિરોઇડસને કારણે મારું વજન પણ વધી જવાનું છે…
સામાન્ય રીતે કૅન્સર થાય ત્યારે લોકો ડરીને ઘરમાં બેસી જાય છે. મિત્રો અને પરિવારને પણ મળવાનું ટાળે છે. મેં નક્કી કર્યું કે હું એવું નહીં કરું. મારા વાળ ખરી જાય એ પહેલાં જ મેં મારા બધા જ વાળ કઢાવીને કૅન્સર પેશન્ટને દાન કર્યાં. પેન્ટિન કંપનીના એક ‘બ્યુટિફૂલ લેન્થ’ નામના એક પ્રોજેક્ટમાં કૅન્સરપીડિત સ્ત્રીઓને સાચા વાળની વિગ બનાવી આપવામાં આવે છે. એ પ્રોજેક્ટમાં મેં મારા વાળ દાન કર્યાં… તદૃન સફાચટ માથા સાથે હું ટોરન્ટો ફિલ્મ ફૅસ્ટિવલમાં હાજર રહી અને ત્યાં સૌની સામે મેં કૅન્સર હોવાની વાત સ્વીકારી. મારા પિતાએ મને ખૂબ મદદ કરી. એ સતત મારી સાથે રહેતા, હૉસ્પિટલમાં રહેવાની પરવાનગી ન હોવા છતાં એમણે સ્પેશિયલ પરમિશન લઇને મારી સાથે રહેવાનું નક્કી કર્યું. મારી મા કલકત્તાથી કૅનેડા આવી. સ્ટિરોઇડ્સને કારણે વધતા વજન ઉપર મેં ખૂબ રિસર્ચ કરીને મારી ફૂડ હેબિટ્સ પૂરેપૂરી બદલી નાખી. ક્યારેક હસીને તો ક્યારેક રડીને, પણ મેં કૅન્સરનો સામનો કર્યા કર્યો. એ પછીની શોધખોળમાં સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ વિશે જાણ થઈ એટલે અમે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કર્યા…
મેં કેટલાંક અખબારોમાં લેખ લખવાનું શરૂ કર્યું. હું કઈ રીતે મારી જાતને કૅન્સરથી ડર્યા વગર સંઘર્ષ માટે તૈયાર કરું છું એ વિશેના લેખ લખ્યા, ઇન્ટરવ્યૂ આપ્યા… ઉપરાંત, જાતે જ શોધખોળ કરીને ઓલ્ટરનેટિવ્સ થેરપી પર કામ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અમે કૅન્સરને નાથી શક્યા. મારા ડૉક્ટરે મને કૅન્સરમુક્ત જાહેર કરી ! હવે એ રોગ મારા શરીરમાં તો હતો, પણ મને નુક્સાન કરી શકે એમ ન હતો. અફકોર્સ ! મારે મારી તબિયતની કાળજી તો લેવી જ પડશે, જીવનભર !
ર૦ ઑક્ટોબર, ર૦૧રમાં મેં જેસન દેહની સાથે લગ્ન કર્યા. ‘રાડો’ ઘડિયાળના મૉડલિંગ વખતે હું એને મળી. લેબેનિઝ કુટુંબમાં જન્મેલા જેસનનો બિઝનેસ હૉંગકૉંગમાં છે. જેસને મને ફરીથી ઊભા થવાની તાકાત આપી. એ હંમેશાં કહે છે, “તને મળેલી આ બીજી જિંદગી છે. ઈશ્ર્વરે તને આ જિંદગી એટલા માટે આપી છે કે તું બીજા કૅન્સરપીડિતોને મદદ કરી શકે. એમને જીવવાની હિંમત આપી શકે.
લગ્ન પછીનો બધો જ સમય મેં કૅન્સરપીડિતો માટે કામ કરવા માંડ્યું… ‘બ્યુટી ગિવ્ઝ બૅક’ કૅન્સર અંગેનો રાષ્ટ્રીય કૅમ્પેઇન લૉન્ચ કર્યો. મૉડલિંગનું કામ ફરી શરૂ કર્યું, પણ હવે એ બધા પૈસા કૅન્સરપીડિતો માટે વાપરવાનું શરૂ કર્યું. ડ્રેસ ડિઝાઇનર સત્યા પૉલ સાથે સાડીઓનું ઑક્શન કરવાનું કામ કર્યું. પ કિલોમીટરની વૉક કરી અને ટોરન્ટોની પ્રિન્સેસ માર્ગારેટ હૉસ્પિટલ, જ્યાં મેં મારી ટ્રીટમેન્ટ કરી ત્યાં મોટો ફાળો આપ્યો.
કૅન્સરમાંથી હું તો બચી, પણ દરેક વ્યક્તિ બચી શક્તી નથી એ પણ સત્ય છે. હું ‘યલો ડાયરી’ નામનો એક બ્લોગ લખું છું, જેમાં મારા કૅન્સરના અનુભવો અને એની સાથે જોડાયેલાં જાતજાતના અભિપ્રાયો અને નવી શોધખોળ અંગે લોકોને જાગૃત કરું છું. આજે પણ માનું છું કે, હું સારી થઈ, એના કારણમાં મારી હિંમત અને ઇચ્છાશક્તિ તો હતા જ, પરંતુ મારા ચાહકોની દુઆ અને મારા માતા-પિતાના આશિષ પણ એટલા જ મહત્ત્વના છે.
દુનિયાનો કોઈ રોગ અસાધ્ય નથી. મૃત્યુ માટે ઈશ્ર્વર કોઇક કારણ તો શોધી કાઢે છે… એ કારણ કૅન્સર હોય કે કંઈ બીજું, પરંતુ મૃત્યુ પહેલાં મરી જવું યોગ્ય નથી. દરેક વ્યક્તિએ છેલ્લી ક્ષણ સુધી જીવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવો જોઇએ… શરૂ કરેલો પ્રવાસ પૂર્ણ પણે કરવો જોઇએ. મૃત્યુ કોઈ ટાળી શક્તું નથી, પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જીવનનું સન્માન કરીને, આ જગતને ઉપયોગી થઈને જીવવું એ જ આપણી સાચી માણસાઈ છે.
સતત પિસ્તાલીસ વર્ષથી આખી દુનિયાને ઉંધા ચશ્મા વડે એક જુદી જ દુનિયાનો નજારો કરાવે છે તારક મહેતા.
ટપુડો, જેઠાલાલથી માંડીને શ્રીમતીજીનું પાત્ર લાખો વાચકોના દિલ પર રાજ કરે છે. ટપુડાના તોફાન અને માળાની દુનિયાની સેર કરાવતા તારક મહેતા માટે આમ તો સવિશેષ પરિચયની જરૂર જ નથી.
‘દુનિયાને ઉંધા ચશ્મા’ નાટકના ટાઈટલને ચિત્રલેખાના તત્કાલીન તંત્રી હરકિસન મહેતાએ કૉલમનું નામ આપ્યું અને તારક મહેતાએ કૉલમ શરૂ કરી. ટપુડાને ભવનાથના મેળામાં લઈ જવાનો હોય કે પછી બીજી કોઈ જગ્યાએ એની સાથે અને એની આસપાસ ફરતા પાત્રોનું લેખન એટલું જીવંત લાગે કે, જાણે આ બધું જ આપણી આંખ સામે ભજવાતું ન હોય!
‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી તારકભાઈની કૉલમ દુનિયાને ઉંધા ચશ્મા આજે આખા દેશમાં પ્રચલિત બની ગઈ છે. એ જ શ્રેણી પરથી તૈયાર થયેલી સબ ટીવીની સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ માટે રોજ સાંજે સાડા આઠનો સમય આખા દેશમાં ફેલાયેલા લાખો ચાહકોએ બુક કરી નાખ્યો છે. સિરીયલનું પાત્રાલેખન કૉલમમાં આવતાં તમામ પાત્રો જેવું નથી. મુખ્ય પાત્રો સિવાય અનેક નવા પાત્રો સિરીયલમાં નજરે ચડે છે. જે તારક મહેતાની કૉલમનો અસલી ફેન છે તેને સિરીયલ થોડી લાઉડ લાગે છે.અલબત્ત તારકભાઈના શ્રીમતીજીનું પણ કંઈક આવું જ માનવું છે.
જીવનસાથીની કલમનું ગૌરવ અને ગરિમા જેમના ચહેરા ઉપર તરવરે છે એવાં ઈન્દુબેન તારક મહેતા આજે વાત માંડે છે દુનિયાને ઉંધા ચશ્માની. લાગણીથી તરબતર એવાં ઈન્દુબેન સાથે બહુ જ લાંબી મુલાકાત થઈ. આમ તો ઈન્દુબેન સાથે મારો પરિચય એકવીસ વર્ષથી છે. તારકભાઈને અંગત રીતે જાણતા તમામ લોકોને ખબર છે કે, તારકભાઈ પ્રેમસભર લહેકા સાથે ઈન્દુબેનને હંમેશાં ‘જાડી’ કહીને જ સંબોધે છે. આ યુગલ વચ્ચે ચૌદ વર્ષનો ઉંમરનો તફાવત છે. તારકભાઈને હજુ ડિસેમ્બર મહિનામાં 87 વર્ષ પૂરાં થયાં અને ઈન્દુબેનને 73 વર્ષ. ઉંમરનો તફાવત એમના તાલમેલમાં ક્યાંય નજરે ન દેખાય. ઈન્દુબેન સાથેની મુલાકાત ચાલતી હતી ત્યાં જ તારકભાઈને સાંજના તડકામાં ચક્કર મરાવવા માટે એમની કેર ટેકર લઈ ગઈ. બત્રીસી નહોતી પહેરી પણ તારકભાઈના ચહેરા પરનું હાસ્ય નિર્મળ અને ચમકતાં પારદર્શક હીરા જેવું હતું.
ઈન્દુબેન તારકભાઈને કદીય નામથી નથી બોલાવતાં. એ મ્હેતા કહીને જ સંબોધે છે. ઈન્દુબેને સહેજ ટકોર પણ કરી કે, ‘સિરીયલમાં તારક મહેતાના પાત્રની પત્ની એમને નામથી બોલાવે છે પણ હું મ્હેતાને કોઈ દિવસ એમના નામથી નથી બોલાવતી.’
તારક મહેતાના નેવું પુસ્તકો છે પણ એમનું લેખન વર્ષો અગાઉ નાટ્યક્ષેત્રે શરૂ થયું હતું. 1981 સુધી તારકભાઈએ નાટકો લખ્યા. મજાની વાત એ છે કે, તારકભાઈના તમામ અચીવમેન્ટસ વિશેની તારીખ અને સાલ ઈન્દુબેનને જાણે ગઈકાલની ઘટના હોય એ રીતે યાદ છે.
મુંબઈમાં 27 વર્ષ સુધી સેન્ટ્રલ ગવર્નમેન્ટના ફિલ્મ્સ ડિવિઝનમાં કોમેન્ટ્રી રાઈટર તરીકે તારકભાઈ નોકરી કરતા હતા . દિવસના ભાગે નોકરી અને રાત્રે તેમનું લેખનકાર્ય ચાલે. મુંબઈની ભાટિયા હૉસ્પિટલ નજીક એમનું રહેવાનું. પાડોશ પણ કેવો, આઠમા માળે જ્યોતિન્દ્ર દવે, ત્રીજા માળે હરીન્દ્ર દવે રહે. સ્નેહલ મજમુદાર અને ટીકુ તલસાણિયા પણ પાડોશી. જેઠાલાલનું પાત્ર આ જ એપાર્ટમેન્ટમાં ધબકે. એક બેડરૂમ, હોલ, કિચનના ફલેટમાં જ દુનિયાને ઉંધા ચશ્મા નાટક અને બાદમાં કૉલમનું સર્જન થતું રહ્યું. છેલ્લા બાવીસ વર્ષથી ટપુડાના સર્જક અમદાવાદ આવીને વસ્યા છે.
આ યુગલની લવસ્ટોરી પણ દિલધડક છે. તારકભાઈના પહેલાં લગ્ન ઈલાબહેન સાથે થયાં હતાં. ઈલાબહેન સાથે ડિવોર્સ થયાં એ પછી ઈન્દુબેન સાથે એમને પરિચય થયો. ઈન્દુબેન પોતાની નોકરી માટે મુંબઈ ઈન્ટરવ્યૂ આપવા ગયેલાં. એમનાં પપ્પાના મિત્રની દીકરી એટલે નાટ્ય જગતની જાણીતી અભિનેત્રી મીનળ પટેલ. બેંકમાં નોકરી કરતાં મીનળ પટેલ સાથે ઈન્ટરવ્યૂ આપ્યાની સાંજે જ એક નાટકના રિહર્સલમાં જવાનું થયું. ત્યાં તારક મહેતા સાથે ઔપચારિક મુલાકાત થઈ. એ પછી તારકભાઈએ મીનળબહેન અને બીજાં કોમન ફ્રેન્ડઝને ઈન્દુબેન વિશે પૂછપરછ કરી પણ માહિતી મળી નહીં.
ઈન્દુબેન મુંબઈમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં. મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં નોકરી કરતાં. પેઈંગ ગેસ્ટ તરીકે રાખતાં અમ્માને નાટકોનો ભારે શોખ. ફરી ઈન્દુબેનનો પરિચય તારકભાઈ સાથે થયો. એક દિવસ તારકભાઈએ એમને ઘરે જમવા માટે નિમંત્રણ આપ્યું. વાતવાતમાં કહી પણ દીધું કે, મને તમારી સાથે જીવન વીતાવવામાં રસ છે. શું આપણે આગળ વિચારી શકીએ?
ઈન્દુબેન કહે છે, ‘એમ તરત જ તો કેવી રીતે હા પાડી શકાય? એમનાં છૂટાછેડા થયાને વરસ ન થાય ત્યાં સુધી તો અમે લગ્ન પણ ન કરી શકીએ. મેં વિચારવાનો સમય માગ્યો અને પછી પરિવારમાં વાત કરી. થોડાં દિવસો બાદ તારકભાઈની અને ઈલાબહેનની દીકરી ઈશાની હોસ્ટેલમાંથી વેકેશન ગાળવા માટે મુંબઈ આવી. એ સમયે તારકભાઈએ ઈન્દુબેનને રસોઈ બનાવવા માટે ઘરે આવવા કહ્યું. પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં ઈન્દુબેન સવારે રસોઈ કરવા જાય, દોડમદોડ કરતા ઓફિસે પહોંચે અને ઓફિસેથી છૂટીને ફરી સાંજે જમવાનું બનાવવા જાય. ઈન્દુમાસી તરીકે સંબોધન કરતાં ઈશાની મહેતા એ સમયે લગભગ બારેક વર્ષના હતાં. એમણે પપ્પાને કહ્યું, મારી ઈચ્છા છે કે, તમે ઈન્દુમાસી સાથે સેટ થઈ જાવ. તારકભાઈએ ઈન્દુબેનને પ્રપોઝ તો કરેલું પણ ઈન્દુબેને વિચારવામાં બે અઠવાડિયા જેટલો સમય લીધો. એ પછી એમણે હા પાડી. ઈન્દુબેનના પરિવારજનોમાંથી આ સંબંધને મૂકસંમતિ મળી ગઈ હતી. છૂટાછેડા પછી એક વર્ષ સુધી લગ્ન ન કરી શકાય એ કાયદો હોવાથી એ સમયે સિત્તેરની સાલમાં ઈન્દુબેને બહુ જ બોલ્ડ કહી શકાય એવું પગલું ભર્યું હતું. લિવ ઈન રીલેશનશીપ શબ્દ તો હમણાં આવ્યો. ઈન્દુબેન એ દિવસોમાં તારકભાઈ સાથે લગ્ન કર્યાં વગર રહેવા લાગ્યાં.
ઈન્દુબેન એ દિવસોની યાદમાં ખોવાઈ ગયાં. એ કહે છે, ‘મારાં સસરા જનુભાઈએ મને હાથમાં કડકડતી એક એક રુપિયાની એવી અગિયાર નોટ શુકનપેટે આપી. જે નોટ હજુ મેં સાચવીને રાખી છે. આ નોટ આપીને મારે માથે હાથ મૂક્યો અને કહ્યું કે, તમે આ ઘરની વહુ નહીં દીકરી છો. જે દિવસે તારકે તમારું દિલ દુભાવ્યું એ દિવસે એ ઘરમાં નહીં હોય પણ તમે તો હશો જ. મારાં સસરાના ગુસ્સા વિશે બધાં બહુ કહેતા પણ મને કદીય ઉંચા અવાજે એમણે કંઈ જ કહ્યું નથી. મ્હેતાનું લખવાનું શરૂ થઈ ચૂકેલું. સસરા મ્હેતાના લખાણ વિશે કંઈ ન બોલતા પણ એટલું કહેતા કે, લખેલું જીવાશે.’
ઈન્દુબેન કહે છે, ‘ લખવાનું મ્હેતા માટે શિરમોર રહ્યું છે. મોટાભાગે એમનું લખવાનું રાત્રે જ શરૂ થાય. કોઈ વખત જમીને લખે તો કોઈ વખત અડધી રાત્રે જમે. એક બેઠકે ન લખે. વિચારો સતત ચાલતા રહે. દરેક લેખ ટુકડે ટુકડે લખાય. લેખની સૌથી પહેલી વાચક હું.
શરૂઆતમાં હું એમનું લખેલું વાંચું તો મારાં ચહેરા ઉપર હાસ્યની એક પણ લકીર સુદ્ધાં ન દેખાય.’ એટલે મ્હેતા મને કહે, ‘તું તો શરદબાબુની નાયિકા જેવી છો. ગંભીર…. તને મારું લખેલું વાંચીને હસવું નથી આવતું?’
હું એમને પ્રત્યુત્તર આપતી કે, ‘આ મારા રસનું વાંચન નથી. હું તો ધર્મવીર ભારતીની વાચક. ‘એક ચદ્દર મૈલી સી’ અને ‘ગુનાહો કા દેવતા’ જેવી કૃતિઓની વાચક છું. વળી, મારાં પિયરમાં હિન્દી ભાષાના મેગેઝિન અને પુસ્તકો વધુ આવતાં. આથી આ લેખની શૈલી માટે મારે મારી જાતને કેળવવી પડશે. જોકે હું બહુ થોડાં જ સમયમાં મ્હેતાના લેખોની અને હ્યુમરની ફેન થઈ ગયેલી.’
લગ્ન થયાં એ સમયે જ મ્હેતાએ મને કહ્યું કે, મને તું મારી સાથે હંમેશાં જોઈએ. આથી તું નોકરી મૂકી દે. આઈએનટીના નાટકો હોય કે ક્યાંય પણ કોઈ પણ નિમંત્રણ હોય બધાંને ખબર હોય કે તારક મહેતા એકલા નહીં આવે. ઈન્દુબેન એમની સાથે જ હશે. આ સાથ હજુ સુધી અકબંધ રહ્યો છે.
સાથ પણ કેવો, લેખ માટે કોઈ વખત માહિતી જોઈએ તો તારકભાઈ ઈન્દુબેનને એ જગ્યાએ મોકલે. ખારમાં કોઈ ડૉક્ટરને ત્યાં વેઈટ લોસ માટે અને યોગ કરવા માટે કેટલીક હિરોઈન આવતી હતી. રીના રોય, રેખા, સંધ્યા જેવી હિરોઈન ત્યાં આવીને શું કરે છે? કેવી મહેનત કરે છે એની માહિતી એકઠી કરવા માટે ઈન્દુબેન એ સ્લીમિંગ સેન્ટરમાં જોડાયા હતાં. આ અને આવી કેટલીય વખત ઈન્દુબેન તારકભાઈ માટે એમના રિપોર્ટર બન્યા છે.
ચિત્રલેખા ગ્રૂપના જ મેગેઝિન બીજ અને જી માટે પણ એમણે ખૂબ લખ્યું. ‘દુનિયાને ઉંધા ચશ્મા’ કૉલમ પોપ્યુલર થવા માંડી એ પછી એમને બીજી જગ્યાઓએ પણ ઓફર મળવા લાગી. ‘સુધા’ મેગેઝિનમાં મારાં નામ સાથે કૉલમ પ્રકાશિત થતી. મહિલાઓના મેગેઝીનમાં તારક મહેતાની કૉલમ અસ્થાને લાગે એટલે જ એમણે મારાં નામે લખવું શરૂ કર્યું.
થોડી વાંચવી ગમે તેવી વાતો પણ ઈન્દુબેને શેર કરી છે. ભગવાનમાં માનવા ન માનવાની વાત કરીને તેમણે જિંદગીની એ નાજુક પળો વિશે વાત કરી. મ્હેતા ભગવાનની પૂજા અર્ચનામાં બહુ ભરોસો ન રાખે. પણ મને આશાપુરા માતા ઉપર બહુ શ્રદ્ધા. 2007ની સાલ પછી અસંખ્યવાર હું માતાના મઢ આશાપુરા માતા પાસે શીશ ઝૂકાવવા અચૂક જાઉં છું. વાત એમ બની કે, ‘દુનિયાને ઉંધા ચશ્મા’નો એક લેખ વાંચીને કેટલાક લોકોનું દિલ દુભાયું. એક વાચક મને નામ યાદ નથી એ વારંવાર ફોન કરીને મને કહે, તું માતાના મઢ જા તો અમે તમને બંનેને માફી આપીએ. બહુ જ ટેન્સ્ડ વાતાવરણ હતું. હું તો બે અંગત બહેનપણીઓ સાથે ગાડી લઈને ઉપડી માતાના મઢ દર્શન કરવા. કોણ જાણે કેમ અમને એક પણ હોટેલમાં કોઈ ભાડેથી રુમ ન આપે. એક હોટેલના માલિકને હકીકત ખબર હતી. એ અને એના પિતા બંને મ્હેતાના ફેન. મને એમણે મદદ કરી. વળી, આ બાપ દીકરો એ વિરોધ કરનારાઓની કમ્યુનિટીના જ હતાં. પણ એમણે અમને મદદ કરી. એમણે ઉતારો આપ્યો એ જગ્યાએથી માતાના મઢ જઈને દર્શન કરીને પરત આવવામાં પાંચ –છ કલાકનો સમય લાગે એમ હતો. અમને જરૂર કરતા વધુ સમય લાગ્યો અને અમારો ફોન કેમેય લાગે નહીં. છેવટે સંપર્ક થયો ત્યારે એ લોકોને હાશ થઈ.
માતાના મઢ જઈને મેં તો માના દરબારમાં મારો ખોળો પાથર્યો. માની મૂર્તિ સામે જોઈને કહ્યું, મા પાસે તો દીકરી માગી શકેને? હું તો તારી પાસે ખોળો પાથરીને કહું છું કે એ માણસે કદીય કોઈનું ખરાબ નથી ઈછ્યું. એની કસોટી ન કર મા. તારી આ દીકરીને ખાલી હાથે ન જવા દે… કંઈક તો જો મારી શ્રદ્ધા સામે….’
ઈન્દુબેન કહે છે, એ મૂર્તિના પ્રભાવ સામે મારી આંખોમાંથી ક્યારે અશ્રુધારા વહી નીકળી એનો મને અંદાજ ન રહ્યો. મારાં અસ્તિત્વમાં એક હળવાશ ફેલાઈ ગઈ. માતાજીના મઢે મેં થોડી ભેંટ આપવાનું નક્કી કર્યું. રૂપિયા આપ્યાં એ સમયે કેશિયરે પાવતી આપવાનો આગ્રહ કર્યો. મેં ના પાડી પણ એણે કહ્યું, માતાને જે ચઢાવો ચડે એ નામજોગ હોય તમારે નામ તો લખાવવું જ પડશે. મેં લખાવ્યું ઈન્દુ તારક મહેતા. એણે બે તાળાના ચશ્મા નાક પરથી સહેજ નીચે ઉતારીને મારી સામે જોયું. મેં વળતો જવાબ આપ્યો, હા એ જ નામ છે… જેમનું તમે વાંચ્યુ છેને એ જ, હા એ જ નામ છે, હું તેમની પત્ની છું. માતાજીએ મારામાં એક હિંમત ભરી દીધી હતી.
એક વખત તારક મહેતા સિરીયલના આસિત મોદી અને એમના પત્ની સાથે વાત થયેલી. આશાપુરા માતાના મઢ ઉપરની મારી શ્રદ્ધા વિશે વાત કરી તો એમણે તરત જ કહ્યું કે, ચાલો આપણે સૌ જઈએ. મ્હેતાને સાથે આવવા માટે મનાવવાનું કામ આસિતભાઈએ કર્યું. અમે બધાં સાથે ગયાં. એ પછી આસિતભાઈને પણ આશાપુરા માતા ઉપર શ્રદ્ધા બેઠી. માતાના મઢ ઉપર તો તસવીરો લેવાની પણ મનાઈ. આસિતભાઈએ ત્યાં તારક મહેતા કા ઉલટા ચશ્માના શૂટિંગ માટે દરખાસ્ત મૂકી. માતાજીની ઈચ્છા હશે તો એ ટ્રસ્ટીઓની મિટીંગમાં આસિતભાઈની પ્રપોઝલ મંજૂર થશે.
આપણને સૌને યાદ જ છે, આશાપુરા માતાના મઢમાં તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમ શૂટિંગ માટે ગયેલી. એ પછી અમે ત્યાંના રાજા માટે આશાપુરા માતાનું મંદિર છે ત્યાં ગયેલાં. એ મંદિરે મ્હેતા અમારી સાથે દર્શન કરવા આવેલાં. ત્યારે મેં માતાજીને મનોમન પ્રાર્થના કરી કે, તું અમારી ઉપર એવા આર્શીવાદ વરસાવ કે, એક દિવસ હું મ્હેતાના નામની ધજા તને ચડાવું. એ પછી તારક મહેતા સિરીયલ એક પછી એક કિર્તીમાન સર કરવા લાગી.
ઈન્દુબેન કહે છે, થોડાં સમય પછી માઘી નવરાત્રિમાં મને માતાજી સપનામાં આવ્યાં. મને પૂછ્યું, મારી ધજા ક્યાં છે. પહેલી વખત મને એમ કે મનમાં વિચારો બહુ ચાલે છે એટલે મા સપનામાં આવ્યાં હશે. પણ બીજે દિવસે, ત્રીજે દિવસે આ સિલસિલો ચાલુ રહ્યો. પછી તો મેં માતાના મઢ ફોન કર્યો કે, મને મા સપનામાં આવે છે અને પૂછે છે, મારી ધજા ક્યાં છે? મારે ધજા ચડાવવી છે. ટ્રસ્ટીઓએ કહ્યું કે, નવરાત્રિમાં તો ધજા અમારી જ ચડે. એમાંય આ તો જીર્ણોદ્ધાર પછીની નવરાત્રિ છે એમાં કોઈ ભક્તોને ધજા ચડાવવાની છૂટ નથી હોતી. હું તો નિરાશ થઈ ગઈ. આ બાજુ મા મને સપનામાં આવે. એ પછી એક દિવસ ત્યાંથી ફોન આવ્યો કે, એક કામ કરો પહેલા નોરતેથી સાત દિવસ સુધી તમારી ધજા અમે ચડાવી શકીએ. આઠમના અમારી ધજા ચડશે. તાબડતોબ અમે બે ગાડી કરીને આશાપુરા માતાના મઢ ગયા અને ધજા ચડાવી.
આ વાતચીત ચાલુ હતી ત્યાં જ તારક મહેતા એપાર્ટમેન્ટના પટાંગણમાં ફ્રેશ થઈને આવી ગયા. સાથોસાથ શંકર પણ આવ્યો. શંકર આજકાલ નાદુરસ્ત રહેતા તારકભાઈની સાર સંભાળ લે છે. ઘરકામ પણ કરે. એને પૂછ્યું, તું કોને ત્યાં કામ કરે છે એની ખબર છે? ઝાડું એક સાઈડ મૂકીને ઊભડક પગે બેસીને એણે કહ્યું, ‘હા ખબર છેને, આ સિરીયલ આવે છેને એ સાએબ છે. મારા દીકરાના લગનમાં સાએબ આવેલાંને મારો તો વટ્ટ પડી ગયો. અમે સપાટ (ફલેટ) ટીવી લીધું છે સાએબની સિરીયલ જોવા માટે.’ આટલી વાત કરીને એક ગૌરવસભર લાગણી સાથે એ પોતાના કામે વળગી ગયો.
આ વાત ચાલુ હતી ત્યાં જ તારકભાઈના દીકરી ઈશાનીબેન આવ્યાં. એમને પૂછ્યું કે, તારકભાઈની એવી કઈ વાત જે તમને યાદ છે? એમણે કહ્યું કે, ‘33 વર્ષથી તો અમેરિકા રહું છું અને નાની હતી ત્યારે હોસ્ટેલમાં રહીને ભણતી હતી આથી એમની ક્રિએટીવિટી વિશે ખાસ કંઈ યાદ નથી. એમના લેખો વાંચતી રહું છું. હા, અમે મુંબઈ રહેતા ત્યારે હું લગભગ આઠેક વર્ષની હોઈશ. પપ્પા રાત્રે જ લખવા બેસે. આખી રાત લાઈટ ચાલુ રહે. મારી રોજ રાતની એક જ કચકચ અને ફરિયાદ હોય… લાઈટ બંધ કરો… લાઈટ બંધ કરો. મારા માટે સૌથી ગૌરવની પળ હતી પપ્પાને પદ્મશ્રી મળ્યો એ. એમની એંસીમી વર્ષગાંઠે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં 81 બુક્સનું વિમોચન અને સન્માન થયું એ મારા માટે યાદગાર ક્ષણો છે. મારાં ટ્વિન્સ બાળકો સાથે વર્ષો પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા ગયેલાં. ત્યાં કોઈ ગુજરાતી પરિવાર મળ્યો. એમની સાથે ઓળખાણ થઈ અને એમને ખબર પડી કે, હું તારક મહેતાની દીકરી છું. તો એ લોકો એટલાં એક્સાઈટ થઈ ગયેલાં કે અમેરિકાના શાંત વાતાવરણમાં ઉત્સાહની કિલકારીઓ વહાવી દીધી. મારી સાથે તસવીરો પાડવા માંડયા. મારાં બાળકો આવીને મને કહે છે, મમ્મી, તું સ્ટ્રેન્જર્સ સાથે ફોટા પડાવે છે. ત્યારે મેં એમને કહ્યું કે, એ દાદુના વાચક છે. કોઈ અજાણ્યા લોકો નથી.’
ઈન્દુબેન હસતાંહસતાં કહે છે, ‘મને તો ફુલ લાઈટ હોય તો પણ ઊંઘ આવી જાય.’ છેલ્લે એ તારકભાઈ વિશે એટલું જ કહે છે, ‘મળી ત્યારથી મને મ્હેતાની નિખાલસતા સૌથી સ્પર્શી છે. એ એમની જિંદગીમાં કદીય કોઈનું ખરાબ નથી બોલ્યાં. કદી કોઈની ઈર્ષ્યા નથી કરી. એમનાં જ ફિલ્ડના અનેક લોકો જ્યારે જ્યારે સારું લખે કે બોલે ત્યારે મ્હેતા એમના દિલથી વખાણ કરે અને અપ્રિશિયેટ કરે. મ્હેતા જેવો ઉમદા માણસ મળવો મુશ્કેલ છે.’
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રમૂજવૃત્તિ તીક્ષ્ણ અને માર્મિક હતી. ગાંધીજી ઇંગ્લૅન્ડ ગયા ત્યારે બકિંગહૅમ પૅલેસમાં કિંગ જ્યોર્જ પાંચમાને પોતડી પહેરીને મળવા ગયા એની ટીકા થઇ ત્યારે મંદ મંદ સ્મિત વેરીને ગાંધીજીએ કહ્યું હતું કે ‘રાજાએ અમે બેઉ પહેરી શકીએ એટલા કપડાં પહેર્યા હતા.’
વડા પ્રધાન બન્યા પછી સતત થયેલા મોદીના વિદેશ પ્રવાસો પણ જોકનું કેન્દ્ર બની ગયા હતા. એક જોકે એવી હતી કે ‘બ્રેકીંગ ન્યુઝ. સેશલ્સ, ઑસ્ટ્રેલિયા અને મોરિશ્યસની મુલાકાત લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ટૂંકી મુલાકાતે આવ્યા છે અને દિલ્હી પહોંચ્યા છે.’
ચક્રવર્તી રાજગોપાલાચારી પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા ત્યારે એ સમયના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ સરોજિની નાયડુ એમને મળવા કલકત્તાના રાજભવનમાં આવ્યા. રાજાજીની જરૂરિયાતો ઓછી અને સામાન્ય હતી. બંગાળનું રાજભવન આલીશાન છે. બેઉ નેતા આંટો મારતા મારતા ગવર્નરના બેડરૂમમાં આવ્યા જેમાં એક વિશાળ ડબલ બેડ હતો. રાજાજીએ કહ્યું, ‘સરોજિની, મારા જેવા માણસને આ લોકોએ કેવો મોટો ડબલ બેડ આપ્યો છે.’ મંદ મંદ સ્મિત કરીને સરોજિનીએ જવાબ આપ્યો, ‘રાજાજી, મેં જીવનમાં તમને ઘણી વાર તકલીફમાં મદદ કરી છે, પણ આમાં મદદરૂપ થવાય એમ નથી,’ અને બેઉ જણ ખડખડાટ હસી પડ્યા.
અમેરિકાને આંતરિક કટોકટીમાંથી ઉગારનાર પ્રેસિડન્ટઅબ્રાહમ લિંકન હાજરજવાબી હતા. એક વખત તેમને જૂતા પૉલિશ કરતા જોઇને એક દોઢડાહ્યા રજકારણીએ ટીખળ કરવાના આશયથી પૂછ્યું, ‘મિસ્ટર પ્રેસિડન્ટ, તમારા બૂટને તમે જાતે પૉલિશ કરો છો?’ લિંકને ક્ષણભર પણ અચકાયા વિના કહ્યું, ‘હા, તમે કોના જૂતાને પૉલિશ કરો છો?’ કહેવાની જરૂર ખરી કે પેલો માણસ ખો ભૂલી ગયો.
ઉપરના રાજકારણીઓના રમુજી પ્રસંગો મુંબઈ સમાચારમાં પ્રગટ લેખક શ્રી હેન્રી શાસ્ત્રીના લેખ-કવર સ્ટોરી ” રાજકારણમાં રસની સર: થોડી મૂંજી, ઝાઝી રમૂજી” માંથી સાભાર પ્રસ્તુત કર્યા છે.
જવાહરલાલ નહેરુ , રામમનોહર લોહિયા, ફિરોઝ ગાંધી, પીલુ મોદી, અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી જેવા બીજા રાજકારણીઓના રમુજી પ્રસંગો વાંચવા માટે મુંબઈ.સમાચાર.કોમની નીચેની લીંક પર ક્લિક કરો.(સાભાર :મુંબઈ સમાચાર,કોમ, શ્રી હેન્રી શાસ્ત્રી )
જીવનમાં નાની નાની બાબતો પર સમય ગુમાવવા માટે આપણી આ જિંદગી ઘણી ટૂંકી છે.આ માટે એક વિચારકે સરસ ઉદાહરણ આપ્યું હતું એ યાદ આવે છે.
ધારી લો કે તમારા બેંકના ખાતામાં 86,400 ડોલર જમા પડ્યા છે.એમાંથી કોઈ ગઠીયો ચાલાકી કરીને 10 ડોલરની ઉચાપત કરી જાય છે.આ ચોરીથી તમે ઘણા અપસેટ થઇ જાઓ છો.આ સંજોગોમાં તમે એ ચોરને પકડવા પાછળ તમારું બેન્કનું બાકીનું $86,390 નું બેલેન્સ વાપરી નાખશો કે ચોરાએલી $10 ની નજીવી રકમને ભૂલી જઈને તમારું રોજનું જીવન જીવતા હોય એમ જીવશો.? તમે $10 ને ભૂલી જશો બરાબર ને !
હવે જુઓ, આપણે રોજ સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે એ દિવસે આપણા જીવનના બેન્કના ખાતામાં ૨૪ કલાક એટલે કે 86,400 સેકંડ (24x60x60=86,400) ની મૂડી જમા થઇ જાય છે.ધારો કે એ દિવસ દરમ્યાન કોઈ માણસ તમારા પ્રત્યે ૧૦ સેકન્ડ માટે એવું નકારાત્મક વર્તન કરે કે છે કે જેનાથી તમારી લાગણી દુભાય છે,તમને ખોટું લાગે છે,મગજ ગરમ થઇ જાય છે .આ સંજોગોમાં એ નકારાત્મક 10 સેકન્ડ પાછળ તમારી એ દિવસની બાકીની જમા પડેલી 86,390 સેકન્ડને ખોટા વિચારો કરીને વેડફી નાખવાની જરૂર છે ખરી ? એનો સાચો જવાબ એ છે કે એ 10 સેકન્ડને ભૂલી જઈને અને બાકીની 86,390 સેકન્ડને સાચવી લઈ એ દિવસનાં કરવાનાં સકારાત્મક કામો પાછળ લાગી જવામાં જ જીવનનું હિત સમાએલું છે.ખરું ને !
નાની નાની ભૂલી જવા જેવી નકારાત્મક બાબતો પાછળ આ મહામુલી જિંદગીનો સમય વેડફી નાખવા માટે આપણી આ જિંદગી ઘણી ટૂંકી છે.જીવનમાં ખોટી સેકન્ડો ને ભૂલીને સાચી સેકન્ડોને જાળવીને સકારાત્મક કામમાં લાગી જઈએ .
સ્વામી વિવેકાનંદ અને વાંદરાઓની એક પ્રેરક વાત
સ્વામી વિવેકાનંદ સન્યાસીના રૂપમાં સમગ્રભારતમાં પગપાળા પ્રવાસ કરતા હતા.આ એ સમયહતો જ્યારે સ્વામીજીને કોઈ ઓળખતુંનહોતું.એમની રોજની પરિક્રમા દરમ્યાન સ્વામીજી એક વાર ફરતા ફરતા બનારસમાં આવ્યા.
બનારસના વાંદરાઓ બહુ જ ખતરનાક હોય છે.કેટલાક વાંદરાઓએ સાથે મળીનેસ્વામીજીનો પીછો કર્યો.સ્વામીજી વાંદરાઓથી બચવા માટેભાગી રહ્યા હતા.આગળ સ્વામીજી અનેપાછળ વાંદરાઓ.સામેથી એક વૃદ્ધ સાધુ આવતા હતા.સ્વામીજીને ભાગતા જોઈ ને એ બોલ્યા, “બાબાજી, ભાગો નહિ,દુષ્ટોનો સામનો કરો.”
સ્વામીજીએ વિચાર્યું કે આ અદભૂત જ્ઞાન છે, મારે ભાગવાને બદલે વાંદરાઓનો સામનો કરવો જોઈએ.સ્વામીજી ત્યાં જ ઉભા રહી ગયા અને પાછળ આવતા વાંદરાઓ સામે ક્રોધ ભરી દ્રષ્ટિથી જોયું.વાંદરાઓ તરત જ સ્વામીજીનો પીછો કરવાનું છોડીને પાછા ભાગી ગયા.
આપણા જીવનમાં પણ બનારસના આ વાંદરાઓની જેમ અનેક સમસ્યાઓ અને દુર્ગુણો આપણો પીછો કરતી હોય છે. એવા સમયે આપણે એનાથી ગભરાઈને ભાગીએ છીએ.સ્વામી વિવેકાનંદજીએ કર્યું એમ જો મુશ્કેલીઓથી ભાગવાનું બંધ કરીએ અને એનો સાહસ અને હિંમતથી સામનો કરીએ તો સમસ્યાઓ-મુશ્કેલીઓ પીછો કરવાનું છોડી દે છે.
વાચકોના પ્રતિભાવ