Daily Archives: ફેબ્રુવારી 3, 2017
દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?
–રોહીત શાહ
એક મહાત્મા તેમના વ્યાખ્યાનમાં ઉપદેશ આપતા હતા : ‘લાઈફમાં કદી નેગેટીવ ન બનો. સક્સેસ માટેની માસ્ટર–કી પૉઝીટીવ થીન્કીંગ જ છે.
‘જો તમે દરેક બાબતમાં પૉઝીટીવ થીન્કીંગ કરશો તો તમારી લાઈફના અનેક પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. જો કોઈ તમને ગાળ આપે તો એમ સોચો કે તેણે તમને શારીરીક ઈજા તો નથી કરી ને! જો કોઈ તમને અપમાનીત કરે તો એમ સમજો કે તમારું ગયા જન્મનું ઋણ ચુકવાઈ રહ્યું છે, ગયા જન્મમાં તમે તેને અપમાનીત કર્યો હશે એટલે આ જન્મમાં તેનો હીસાબ ચુકતે થઈ રહ્યો છે.’
તે મહાત્માનાં જુઠાણાં આટલેથી જ અટક્યાં નહોતાં. તેમણે તો આગળ વધીને એમ પણ કહ્યું કે ‘દેહ અને આત્માને અલગ સમજવા એ જ્ઞાન છે, તમારું નામ એ તો તમારી સ્થુળ ઓળખ છે, આત્માને કોઈ નામ–ઠામ નથી હોતું, આત્માનું કદી ઈન્સલ્ટ પણ નથી થતું અને આત્માને કશી ઈજા પણ નથી થતી, ભુખ–તરસ વગેરે દુ:ખો કેવળ દેહનાં છે, આત્માને એવાં દુખો સ્પર્શી પણ શકતાં નથી!’
પૉઝીટીવ થીન્કીંગનો ઉપદેશ આપનારા તે મહાત્માને સભામાંથી એક વ્યક્તી પણ એવો સવાલ પુછવાની હીમ્મત કરતી નહોતી કે બાપજી! તમે આ સંસારને પૉઝીટીવ થીન્કીંગથી સમજવાની સહેજે કોશીશ કરી હતી ખરી? જે માતા–પીતાએ તમને આ પૃથ્વી પર પેદા કર્યા અને તમે નાના હતા ત્યારે તમારાં બાળોતીયાં ધોયાં, તમને સ્તનપાન કરાવ્યું, તમને ઉછેરીને મોટા કર્યા એ માતા–પીતાને તમે શા માટે છોડી દીધાં? સગાં–સ્વજનો અને મીત્રોના સમ્બન્ધમાંથી તમને સ્વાર્થની બદબુ આવી એટલે એ છોડીને તમે ગુરુ–શીષ્ય અને ભક્તોના સમ્બન્ધો ઉભા કર્યા. તમારી પાસે પૉઝીટીવ થીન્કીંગનો એક છાંટો પણ હોત તો તમે લાગણીથી તરબતર થઈ શક્યા હોત અને તાજગીભર્યું જીવન જીવી શક્યા હોત. તમારે નોકરી–વ્યવસાય ન કરવાં પડે એટલે ત્યાગી–વૈરાગી બનીને બીજાના પુરુષાર્થનું રળેલું ખાવાનું અને પહેરવાનું સ્વીકારી લીધું. શું તમને નથી લાગતું કે આ બધું છળકપટ તમારા નેગેટીવ થીન્કીંગનું વરવું પરીણામ છે? તમારી પાસે પૉઝીટીવ થીન્કીંગ હોત તો સંસારને અને સમાજને ત્યાગવાની નોબત જ ન આવી હોત ને? સ્થુળ દુ:ખોથીયે ડરી જનારા તમે કાયર તો નથી ને? તમે તો રણમેદાન છોડીને ભાગી ગયેલા છો. તમારાં કર્તવ્યો અને ફરજો બાબતે તમે કદી તટસ્થ ભાવે ખાનગીમાં વીચાર્યું છે ખરું? જે જગત તમારી પ્રાથમીક સગવડો પુરી પાડે છે એને મીથ્યા કહેવા પાછળ તમારું કયું પૉઝીટીવ થીન્કીંગ છે?
બાપજી સામે ઑડીયન્સ કંઈ જ બોલતું નથી, એટલે બાપજી હીરો બનીને જુઠાણાં ચરકતા રહે છે. કેટલાક શ્રોતાઓ મનમાં તો બધું સમજતા હોય છે; પરંતુ વ્યર્થ વીવાદથી વેગળા રહેવાનું પસન્દ કરીને ચુપ રહે છે. આપણને ઘેર પહોંચતાં સહેજ મોડું થાય; તોય આપણી માતા કે પત્ની કેવી બેબાકળી થઈ ઉઠે છે! મૃત્યુ પામેલી વ્યક્તીના બેસણામાં આવતા સેંકડો લોકોને કયો સ્વાર્થ હોય છે? અજાણી વ્યક્તીને બસ કે ટ્રેનમાં પોતાની સીટ આપવાની ઉત્સુકતા બતાવનાર વ્યક્તીને સ્વાર્થી કહેતાં આપણી જીભ કેમ ઉપડે? અનાથાશ્રમો, પુસ્તકાલયો, ઘરડાંઘર, ચબુતરા, પાંજરાપોળો વગેરે સંસ્થાઓને પોષતા લોકોને આપણે સન્ત–મહાત્મા કરતાં પવીત્ર ન સમજીએ તો એ આપણી નાદાનીયત અને નફ્ફટાઈ છે.
જ્ઞાનની બડી–બડી વાતો કરીને, દેહ અને આત્માને જુદા પાડતા કહેવાતા જ્ઞાનીને વ્યાખ્યાન આપવા માટે સરસ સીંહાસન તો જોઈએ જ છે. તે જ્ઞાની મહાત્મા કેમ પોતાના દેહને કશું કષ્ટ આપતા નથી? ઉપદેશમાં તો તેઓ કહે છે કે નામનો પણ મોહ ન રાખવો જોઈએ; પરન્તુ હકીકતમાં તે પાખંડીઓ, પોતાના નામને ‘આત્મજ્ઞાની’, ‘દીક્ષા દાનેશ્વરી’, ‘તીર્થોદ્વારક’, ‘યુવા સમ્રાટ’, ‘પ્રાત:સ્મરણીય’ જેવાં વાહીયાત વીશેષણોથી સતત સજાવતા રહે છે. પોતાના નામની પાછળ ‘ભગવન્ત’, ‘દેવ’, ‘દેવેશ’ જેવાં પુંછડાં ચોંટાડ્યા વગર તેમને કેમ ચેન પડતું નથી? શું આપણું એકલાનું જ નામ મીથ્યા હોય છે? તેમનું નામ શાશ્વત હોય છે?
કોઈ વેશ્યા આપણને બ્રહ્મચર્યનો ઉપદેશ આપે તો કેવું લાગે? દરીયો આપણને ખારાશ ન રાખવાનો બોધ આપે તો કેવું લાગે? કોઈ વીંછી આપણને ડંખ નહીં મારવાની શીખામણ આપે તો કેવું લાગે? માત્ર અને માત્ર નેગેટીવ અને સંકુચીત સોચના કારણે જેણે સંસાર અને સમ્બન્ધોનો (કહેવાતો) ત્યાગ કર્યો હોય એવા લોકો આપણને પૉઝીટીવ થીન્કીંગની પ્રેરણા આપવા માટેની શીબીરો યોજવાનાં ત્રાગાં કરે તો આપણને કેવું લાગે?
જ્ઞાનના નામે ભ્રાન્તીઓમાં ભટકાવતાં જુઠાણાંની આરપારનું સત્ય સૌને સમજાય તો નો પ્રૉબ્લેમ.
–રોહીત શાહ
લેખક–સમ્પર્ક :
શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com
વાચકોના પ્રતિભાવ