વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1011 ) ચિત્ર એક,વિચારો અનેક ! …. ( એક ચિત્ર લેખ-ચિંતન )…

મારા મિત્ર શ્રી પી.કે.દાવડા એ એમના ઈ-મેલમાં નીચેનું ચિત્ર મોકલ્યું .આ ચિત્ર જોઈ મારા મનમાં જે વિચારો ઉમટ્યા એને શબ્દોમાં રૂપાંતરિત કરીને નીચે જણાવ્યા છે.

poverty-pic-1

 બે ચિત્રકુ
અમારે પણ
સ્કુલમાં ભણવું છે
ક્યાં છે તકો ?
===
થેલા છે ખભે
તફાવત  જ  વાત
રંક રાયની  

આ ચિત્રમાં ચાર બાળકો બતાવ્યાં છે.ચારે બાળકોના ખભે  થેલા લટકાવ્યા છે પણ એ થેલાઓનો તફાવત જ આ ચાર બાળકોના જીવનની વાત કહી જાય છે.બે બાળકો સુખી કુટુંબનાં છે જ્યારે બે બાળકો ગરીબ કુટુંબનાં છે.

બે બાળકો–એક છોકરો અને એક છોકરી- બેક પેક ( દફતર ) માં પુસ્તકો અને નોટ બુકો મુકીને એમની સ્કુલ તરફ ભણવા માટે જઇ રહ્યાં છે. આ સુઘડ જણાતાં બે બાળકોની  માતાએ વહેલા ઉઠી એમને ધોએલા ઈસ્ત્રી કરેલા સ્વચ્છ શાળાના યુનિફોર્મ પહેરાવી સ્કુલ માટે તૈયાર કરી, સવારનો નાસ્તો કરાવીને ઘેરથી સ્કુલમાં જવા માટે રવાના કર્યાં છે.

જ્યારે દેખાવે અને પહેરવેશથી ગરીબ જણાતાં બે બાળકો – એક છોકરો  અને એક છોકરી-ના નશીબમાં સવારે નિશાળે જવાનું લખ્યું નથી. એમની માતાએ એમના ખભે પુસ્તકોનો થેલો નહિ પણ રસ્તામાંથી કાગળોના ડૂચા વીણી વીણીને નાખવા માટેના થેલા લટકાવી વહેલી સવારે લઘર વઘર ગઈ કાલે પહેરેલાં જ મેલાં કપડાં સાથે  ઘરની બહાર (કમાવા માટે !) મોકલી આપ્યા છે.આ ગરીબ બાળકોને નશીબે સવારનો નાસ્તો કરવાનું બન્યું હશે કે નહિ એ નક્કી નથી.આ બાળકોનું ઘર બીજા બે નિશાળે જતા બાળકોની જેમ કોઈ સોસાયટીનો બંગલો કે ઊંચા ફ્લેટમાં નહી હોય પણ કોઈ ઝુંપડપટ્ટીમાં આવેલ ઝુંપડીમાં હશે.ઘણાં બાળકોએ નીચેના ચિત્રમાં બતાવ્યું છે એવી ગરીબાઈ જોઈ હશે.

poverty-pic-2

ઉપરનાં બે ચિત્રો એક રીતે આપણા સમાજની શરમ જેવી ગરીબાઈની વાત કરી જાય છે.આપણો સમાજ ગરીબ અને તવંગર એમ બે વર્ગમાં વહેંચાયેલો છે.ભારતને આઝાદી મળ્યે ૭૦ વર્ષ થઇ ગયાં.આ સમય દરમ્યાન આવેલ બધી સરકારોએ ગરીબો હટાવોની મોટી મોટી વાતો કરી છે પણ હજુ સમાજનો મોટો વર્ગ ગરીબાઈમાં સબડે છે.ગરીબોનાં બાળકોને શિક્ષણની તકો પૈસે ટકે અને તકે સમૃદ્ધ વર્ગનાં બાળકોની જેમ સુપ્રાપ્ય થઇ શકી નથી એ એક હકીકત છે.

આ ચિત્રમાં મોટા થેલા લટકાવેલાં ગરીબ બાળકો બેક પેક સાથે શાળામાં જતાં બાળકોને એક નજરે જોઈ રહ્યાં છે.કદાચ એ મનમાં વિચારતાં હશે કે પેલાં બે બાળકોની જેમ દફતર ખભે ભરાવીને આપણને પણ શાળામાં જવાનું મળ્યું હોય તો કેવું સારું !

ગરીબાઈમાં ઉછરેલાં બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવાની જો તક મળે તો તેઓ પણ ઝળકી શકે એવી એમનામાં પ્રતિભા પડેલી હોય છે પણ એ પ્રતિભા બતાવવાની તક મળતી નથી.ગરીબાઈમાં ઉછરેલાં બાળકોને શિક્ષણની તક મળતાં તેઓ ઉચ્ચ સ્થાનોએ પહોંચ્યા હોય એવા ઘણા દાખલા આપી શકાય એમ છે.

અગાઉ આ બ્લોગમાં પ્રકાશિત સત્ય ઘટના પર આધારિત મારી એક વાર્તા “ચીંથરે વીંટ્યું રતન “માં આવી ગરીબીમાં ઉછરેલ એક બાળક “બાબુ બુટ પોલીસ” ની વાત કરવામાં આવી છે.

poverty-pic-3

“બાબુ બુટ પોલીસ”ની મારા કેમેરામાં લીધેલી તસ્વીર 

આ ગરીબ બાળક બાબુને જ્યારે એના શિક્ષણ માટે આર્થિક મદદ આપી હાથ પકડનાર એક એન.આર.આઈ સજ્જન જ્યારે મળી જાય છે ત્યારે એ ગરીબ બાળક શિક્ષણ પ્રાપ્ત કરીને બેંકના મેનેજરના દરજ્જા સુધી પહોંચી જાય છે.આ શિક્ષણના પ્રતાપે બાબુ અને એના સમગ્ર કુટુંબની જીંદગીમાં નવી આશા અને ખુશીઓનો સંચાર થાય છે.

એમના બાળપણમાં ગરીબાઈનો અનુભવ કરીને ભારતના વડા પ્રધાનના ઉચ્ચ સ્થાને પહોંચેલા શ્રી નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળની ભાજપ સરકારે ગરીબોના હિત માટેની શિક્ષણની તકો સહિતની ઘણી યોજનાઓ જાહેર કરી છે.આમ છતાં ગરીબ અને તવંગર વચ્ચેની જે ખાઈ છે એને ઘટાડવા માટે અને ગરીબોના બાળકોના શિક્ષણ માટે વધુ તકો પ્રાપ્ત થાય એના માટે સરકારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.એ માટે કોશિશ કરી રહેલ  હાલની સરકારના પ્રયત્નોને સફળતા મળે એવી આશા રાખીએ.અસ્તુ.

–વિનોદ પટેલ     

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: