ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 1014 ) ઢાઈ અક્ષર પ્રેમકા,પઢે સો પંડિત હોય …
૧૪ મી ફેબ્રુઆરી “વેલેન્ટાઈન ડે’ તરીકે ઉજવાય છે.‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમીઓનો પ્રેમનો ઇજહાર કરવાનો ઉત્સવ.
વસંત અને વેલેન્ટાઈન ડે બંને ફેબ્રુઆરીમાં જ આવે એટલે વેલેન્ટાઈન ડે એ વસંત પંચમીનું જ એક બીજું સ્વરૂપ છે. વસંત એટલે સૃષ્ટિનું યૌવન અને યૌવન એટલે જીવનની વસંત
પ્રેમ વિષે સંત કબીર શું કહે છે ?
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય
રાજા–પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.
— કબીર
વેલેન્ટાઇન–પ્રેમોત્સવને અનુરૂપ મારી કેટલીક સાહિત્ય રચનાઓ
વેલેન્ટાઇન ડે પરની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત એક અછાંદસ રચના નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
વેલેન્ટાઈન ડેની એક પ્રેમ કથા
(અગાઉ પોસ્ટ કરેલ સત્ય ઘટના પર આધારિત આ વાર્તાને થોડી મઠારીને અહી પ્રસ્તુત કરેલ છે.)

અમેરિકાના ન્યુ મેક્ષિકો સ્ટેટના મુખ્ય શહેર આલ્બુકર્કમાં રહેતા યુવાન ટીમ હેરીસ Tim Harris ની અને ટીફની જહોન્સન Tiffani Johnson નામની યુવતીની સત્ય ઘટના પર આધારિત આ પ્રેમ કથા જાણવા જેવી છે અને વેલેન્ટાઈન ડે ને અનુરૂપ છે.આ બન્ને પ્રેમી પંખીડાં ડાઉન સિન્ડ્રોમ રોનો ભોગ બનેલાં વિકલાંગ હોવા છતાં એમના વચ્ચેના પ્રેમ વચ્ચે એમની આ શારીરિક અને માનસિક પરિસ્થિતિ કોઈ રીતે નડતર રૂપ બની નહોતી.
આલ્બુકર્કમાં રેસ્ટોરંટનું કુશળતા પૂર્વક સંચાલન કરતો ટીમ હેરીસ Tim Harris આખા અમેરિકામાં ડાઉન સિન્ડ્રોમ સાથે કોઈ રેસ્ટોરંટનો માલિક હોય તો એ એકલો જ હતો.એના નામ પરથી એણે એની રેસ્ટોરંટનું નામ Tim’s Place રાખ્યું હતું.સતત પાંચ વર્ષ સુધી સખત મહેનત કરી એના આ ધંધામાં એના પ્રાણ રેડીને એણે એના ધંધાને સધ્ધર કર્યો હતો.ટીમ એના ગ્રાહકોમાં ઘણો પ્રિય હતો.
એક દિવસે એકાએક જ એના રેગ્યુલર ગ્રાહકો સમક્ષ એણે જાહેર કર્યું કે એ ટૂંક સમયમાં જ રેસ્ટોરંટ બંધ કરે છે અને બીજા સ્ટેટમાં ડેનવર શહેરમાં મુવ થાય છે. એના ગ્રાહકોને આ સમાચાર જાણીને ખુબ નવાઈ લાગી કે ટીમ એનો આવો જામેલો ધંધો કેમ બંધ કરતો હશે .
રેસ્ટોરન્ટના ગ્રાહકોએ જ્યારે એનું કારણ જાણ્યું ત્યારે એમને એથી ય વધુ નવાઈ લાગી.

ટીમના આ નિર્ણય પાછળનું કારણ એ હતું કે ડાઉન સિન્ડ્રોમ લોકોની એક કન્વેન્શનમાં ટીમ ભાગ લેવા ગયો હતો. આ કન્વેન્શનમાં એને ટીફની જહોન્સન Tiffani Johnson નામની યુવતી સાથે પરિચય થયો. આ પરિચય પાંગરીને પ્રેમમાં પરિણમ્યો.ટીફની કહે છે “ ટીમને જોતાં જ જાણે મને પ્રેમના ભમરાએ ડંખ માર્યો ના હોય એવી અનુભૂતિ થઇ !“
આ બાજુ ટીમની પણ ટીફની જેવી જ માનસિક સ્થિતિ હતી.એ પણ પ્રેમમાં પરવશ બની ગયો હતો.ટીમે એક દિવસ ટીફની આગળ ઘૂંટણીએ પડીને એના વેલેન્ટાઇન થવાની ઓફર કરી. ટીફ્નીએ એ ઓફરને ખુશીથી સ્વીકારી લીધી . ટીમને તો એ જ જોઈતું હતું.પરંતુ એક મુશ્કેલી એ હતી કે ટીમ રહેતો હતો આલ્બુકર્ક શહેરમાં તો ટીફની એનાથી દુર ડેનવરમાં રહેતી હતી.કેટલાક સંજોગોને લીધે એ ટીમ સાથે રહેવા આલ્બુકર્ક આવી શકે એમ નહોતી.
આ સંજોગોમાં ટીફની સાથે રહી શકાય એ માટે ટીમે એની જામી ગયેલી રેસ્ટોરન્ટ બંધ કરીને ડેનવર મુવ થવાનો મનમાં પાક્કો નિર્ણય કરી લીધો. ડેનવરમાં જઈને નવેસરથી ત્યાં ધંધો કરે અને એ જામે કે ના જામે એની એણે પરવા કરી નહિ.ટીફની માટેના એના પ્રેમ ખાતર એણે એક મોટું જોખમ માથે વહોરી લીધું.માત્ર એના પ્રિય પાત્ર ટીફની પ્રત્યેના હૃદયના પ્રેમ ખાતર અને એની સાથે રહી શકાય એ માટે એના ચાલુ ધંધાને બંધ કરીને મોટો ભોગ આપવાનો મનથી પાક્કો નિર્ણય લઇ લીધો.
આલ્બુકર્કમાં એના ગ્રાહકોને ટીમ ખુબ પ્રિય બની ગયો હતો. રેસ્ટોરન્ટ બંધ કરવાના ટીમના નિર્ણયથી એના ઘણા ગ્રાહકો તો એને બાથમાં લઈને રડવા લાગ્યા હતા.ટીફની પ્રત્યેના પ્રેમને ખાતર ટીમ આટલો મોટો ત્યાગ કરવા તૈયાર થઇ ગયો હતો એ એમને સમજાતું નહોતું.
ટીમ એના ગ્રાહક મિત્રોને એની સ્થિતિ સમજાવતાં કહેતો હતો કે “ જ્યારે જ્યારે હું નિરાશ થઇ જાઉં છું ત્યારે મારી પ્રિયતમા ટીફનીનો સાથ અને સંગાથ મળશે એ ખ્યાલ જ મને સુખની અનુભૂતિ કરાવે છે. હું ટીફનીની આંખોમાં જ્યારે જોઉં છું ત્યારે મને એમાં માત્ર પ્રેમનાં જ દર્શન થાય છે.એમાં હું જિંદગી માટેનું સુખ જોઉં છું.હું એની આંખોમાં એ પણ જોઉં છું કે મારું ભવિષ્ય મારી પ્રિયતમા ટીફની સાથે જ લખાઈ ગયું છે.”ગ્રાહક મિત્રો ટીમના આ શબ્દોથી અચંબામાં પડી જતા કે આ પ્રેમી પંખીડાંનો પ્રેમ કેટલો મહાન છે !
ટીમના પિતા કહે છે કે “ ટીમ એનો જામેલો ધંધો સમેટી લઈને આલ્બુકર્કથી ડેનવર મુવ થઇ રહ્યો છે એ વિચારથી હું મનથી દુખી તો છું પણ એની પ્રિયતમા ટીફની સાથે રહેવા માટે જવાનું થશે એ ખ્યાલથી એને આવો ઉત્તેજિત અને ઉત્સાહી થતો મેં એને કદી ય જોયો નથી.ટીમના આવા પ્રેમને હું કેમ અવગણી શકું. તેઓ બન્ને જ્યાં જાય ત્યાં તેઓ પ્રેમથી રહે અને સુખી થાય એવા મારા આશીર્વાદ આપું છું.”
આ બે અજનબી પ્રેમી પંખીડાંની પ્રેમ કથા વાંચી તમને પણ થશે કે પ્રેમ એ ખરેખર શું ચીજ છે! પ્રેમ નામનું રસાયણ પ્રેમથી ધબકતાં બે હૃદયોને એક રૂપ કરે છે.પ્રેમ માણસના શરીરને નહી પણ એમાં ધબકતા હૃદયને જ ઓળખે છે.
–વિનોદ પટેલ
પ્રેમ એ શું ચીજ છે એ વિશેની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક અછાંદસ રચના નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
પ્રેમ અને વાસના …
પ્રેમને અને વાસનાથી જુદી પાડતી લીટી બહુ નાજુક છે.ઘણા દાખલાઓમાં બે વ્યક્તિઓ વચ્ચેનું આકર્ષક બળ પ્રેમ નહિ પણ વાસના હોય છે. મોટાભાગે ફિલ્મોમાં બતાવાતો પ્રેમ વાસનાથી દોરવાએલો હોય છે.પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી વાર્તા “યુવાની,પ્રેમ અને વાસના”માં આ વાત કહેવાઈ છે.નીચેની લીંક પર ક્લિક કરીને એ વાર્તા વાંચી શકાશે.

Like this:
Like Loading...
Related
Pingback: ( 1015 ) વેલેન્ટાઇન અને વયસ્ક પ્રેમ | વિનોદ વિહાર