વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 18, 2017

( 1017 ) આજની બે બોધદાયક અને પ્રેરક વાતો …

જીવનની ગુમાવેલી અને બચાવેલી સેકન્ડો …

જીવનમાં નાની નાની બાબતો પર સમય ગુમાવવા માટે આપણી આ જિંદગી ઘણી ટૂંકી છે.આ માટે એક વિચારકે સરસ ઉદાહરણ આપ્યું હતું એ યાદ આવે છે. 


save-timeધારી લો કે તમારા બેંકના ખાતામાં
86,400 ડોલર જમા પડ્યા છે.એમાંથી કોઈ ગઠીયો ચાલાકી કરીને 10 ડોલરની ઉચાપત કરી જાય છે.આ ચોરીથી તમે ઘણા અપસેટ થઇ જાઓ છો.આ સંજોગોમાં તમે એ ચોરને પકડવા પાછળ તમારું બેન્કનું બાકીનું $86,390 નું બેલેન્સ વાપરી નાખશો કે ચોરાએલી $10 ની નજીવી રકમને ભૂલી જઈને તમારું રોજનું જીવન જીવતા હોય એમ જીવશો.? તમે $10 ને ભૂલી જશો બરાબર ને !
 

હવે જુઓ, આપણે રોજ સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે એ દિવસે આપણા જીવનના બેન્કના ખાતામાં ૨૪ કલાક એટલે કે 86,400 સેકંડ (24x60x60=86,400) ની મૂડી જમા થઇ જાય છે.ધારો કે એ દિવસ દરમ્યાન કોઈ માણસ તમારા પ્રત્યે ૧૦ સેકન્ડ માટે એવું નકારાત્મક વર્તન કરે કે છે કે જેનાથી તમારી લાગણી દુભાય છે,તમને ખોટું લાગે છે,મગજ ગરમ થઇ જાય છે .આ સંજોગોમાં એ નકારાત્મક 10 સેકન્ડ પાછળ તમારી એ દિવસની બાકીની જમા પડેલી 86,390 સેકન્ડને ખોટા વિચારો કરીને વેડફી નાખવાની જરૂર છે ખરી ? એનો સાચો જવાબ એ છે કે એ 10 સેકન્ડને ભૂલી જઈને અને બાકીની 86,390 સેકન્ડને સાચવી લઈ એ દિવસનાં કરવાનાં સકારાત્મક કામો પાછળ લાગી જવામાં જ જીવનનું હિત સમાએલું છે.ખરું ને !

નાની નાની ભૂલી જવા જેવી નકારાત્મક બાબતો પાછળ આ મહામુલી જિંદગીનો સમય વેડફી નાખવા માટે આપણી આ જિંદગી ઘણી ટૂંકી છે.જીવનમાં ખોટી સેકન્ડો ને ભૂલીને સાચી સેકન્ડોને જાળવીને સકારાત્મક કામમાં લાગી જઈએ .

 

સ્વામી વિવેકાનંદ અને વાંદરાઓની એક પ્રેરક વાત  

Swami Vivekananda -Secret of Religion

સ્વામી વિવેકાનંદ સન્યાસીના રૂપમાં સમગ્ર ભારતમાં પગપાળા પ્રવાસ કરતા હતા.આ એ સમય હતો જ્યારે સ્વામીજીને કોઈ ઓળખતું નહોતું.એમની રોજની પરિક્રમા દરમ્યાન સ્વામીજી એક વાર ફરતા ફરતા બનારસમાં આવ્યા. 

બનારસના વાંદરાઓ બહુ જ ખતરનાક હોય છે.કેટલાક વાંદરાઓએ સાથે મળીને સ્વામીજીનો પીછો કર્યો.સ્વામીજી વાંદરાઓથી બચવા માટે ભાગી રહ્યા હતા.આગળ સ્વામીજી અને પાછળ વાંદરાઓ.સામેથી એક વૃદ્ધ સાધુ આવતા હતા.સ્વામીજીને ભાગતા જોઈ ને એ બોલ્યા, “બાબાજી, ભાગો નહિ,દુષ્ટોનો સામનો કરો.” 

સ્વામીજીએ વિચાર્યું કે આ અદભૂત જ્ઞાન છે, મારે ભાગવાને બદલે વાંદરાઓનો સામનો કરવો જોઈએ.સ્વામીજી ત્યાં જ ઉભા રહી ગયા અને પાછળ આવતા વાંદરાઓ સામે ક્રોધ ભરી દ્રષ્ટિથી જોયું.વાંદરાઓ તરત જ સ્વામીજીનો પીછો કરવાનું છોડીને પાછા ભાગી ગયા. 

આપણા જીવનમાં પણ બનારસના આ વાંદરાઓની જેમ અનેક સમસ્યાઓ અને દુર્ગુણો આપણો પીછો કરતી હોય છે. એવા સમયે આપણે એનાથી ગભરાઈને ભાગીએ છીએ.સ્વામી વિવેકાનંદજીએ કર્યું એમ જો મુશ્કેલીઓથી ભાગવાનું બંધ કરીએ અને એનો સાહસ અને હિંમતથી સામનો કરીએ તો સમસ્યાઓ-મુશ્કેલીઓ પીછો કરવાનું છોડી દે છે.

 

વિનોદ પટેલ,૨-૧૮-૨૦૧૭