વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1020 ) કંઈક લાખો નિરાશામાં, એક અમર આશા છુપાઈ છે! …- કાજલ ઓઝા – વૈદ્ય

(ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે કૅન્સર એટલે કેન્સલ… કેન્સર જેવા ભયાનક રોગમાંથી બચવું મુશ્કેલ છે.માત્ર ૪૩ વર્ષની લીસા રાની રે નામની મોડલ અને અભિનેત્રી કમનશીબે કેન્સરના રોગમાં સપડાઈ ગઈ . લીસા અને લીસાના પોલેન્ડના પિતા તથા ભારતીય માતાએ લીસાની જીવવાની આશા છોડી દીધી હતી.

પરંતુ મારે કોઈ પણ હિસાબે કેન્સર મુક્ત થવું છે એવી લીસાની દ્રઢ ઇચ્છાશક્તિથી લીસા કેવી રીતે કેન્સર સામેની લડાઈમાં વિજયી બની એની રસિક અને પ્રેરક સત્ય કથા એના મુખે જ જાણીતાં લેખિકા કાજલ-ઓઝા વૈદ્યની કલમે નીચેના લેખમાં વાંચો.સાભાર- મુંબઈ સમાચાર, સુશ્રી કાજલ-ઓઝા વૈદ્ય ..વિ.પ.)

કંઈક લાખો નિરાશામાં, એક અમર આશા છુપાઈ છે! .
કથા કોલાજ – કાજલ ઓઝા – વૈદ્ય

નામ : લિસા રાની રે મેકોય
સ્થળ : ટોરન્ટો / હૉંગકૉંગ
સમય : ૨૦૧૭
ઉંમર : ૪૩ વર્ષ
kazal-oza-article૪૩ વર્ષની ઉંમર કોઈ મોડલની કે અભિનેત્રીની જિંદગીમાં વળતા પાણીની ઉંમર હોય છે, પણ હું જ્યારે મારી જાતને અરીસામાં જોઉં છું ત્યારે મને લાગે છે કે હું જાણે હજી હમણાં જ, ૨૦૧૦માં જ જન્મી છું…મારી જાતને ૧૭ વર્ષની અનુભવું છું ક્યારેક, ને આમ જોવા જઈએ તો એ સાચું પણ છે. ૨૦૧૦માં મારો પુન:જન્મ થયો એમ કહું તો ખોટું નથી. મેં તો જીવવાની આશા છોડી જ દીધી હતી…મેં જ શું કામ, શરૂઆતમાં મારો પરિવાર અને ડૉક્ટર પણ ડરી ગયા હતા.

કૅન્સર શબ્દ જ એવો છે. મોટાભાગના લોકો માને છે કે કૅન્સર એટલે કેન્સલ…મને પણ જ્યારે પહેલીવાર ડૉક્ટરે કહ્યું કે મને કૅન્સર છે ત્યારે મને લાગ્યું કે, હવે બહુ થોડા દિવસો બચ્યા છે ! ર૩ જૂન, ર૦૦૯, અમે હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે મને પહેલી વાર સમજાયું કે આ જગત કેટલું સુંદર છે ! આપણી પાસે જ્યારે શ્ર્વાસ ખૂટવા લાગે ત્યારે જ જીવનનું મૂલ્ય સમજાતું હોય છે. મેં મારા પિતાને પૂછ્યું, “હવે હું મૃત્યુ પામીશ? મારા પિતાએ જવાબ આપ્યો, “એનો આધાર તારા ઉપર છે ! મેં કહ્યું, “મારે નથી મરવું. મારા પિતાએ કહ્યું, “બસ તો પછી, જીવવા માંડ ! આપણે સાથે મળીને કૅન્સર સામે લડવાનું છે. કૅન્સર ઈશ્વર નથી, એક રોગ છે અને જગતમાં દરેક રોગની દવા હોય છે. ફક્ત નિરાશાની દવા નથી.

મારા પિતા પોલેન્ડના હતા અને મા ભારતીય. મારા પિતાએ મને જિંદગી જીવતા શીખવાડ્યું. મને એમણે ક્યારેય કશું કરતા રોકી નથી. મારી મા કેનેડામાં એક બૅન્કમાં કામ કરતી હતી પણ એ પોતાને પિયર કલકત્તા અચૂક આવતી. સ્કૂલના વેકેશનમાં અમે મારા નાનાજીને ઘેર, શ્યામ બજાર આવતા. વરસાદના દિવસોમાં અમે એમની વિશાળ છત ઉપર નાહવા જતા. બૈંગુન ભાજા અને ઝોલભાત ખાવાની મજા મેં બાળપણમાં બહુ માણી છે. હું સાવ નાની હતી ત્યારથી જ બધા કહેતા, “આ છોકરી ગજબની સુંદર છે. મારા પોલિશ પિતાની આંખો અને સ્કીનની સાથે સાથે મને મારી બંગાળી માના વાળ વારસામાં મળ્યા હતા… મેં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે મારી માએ મને કહેલું, “મને વાંધો નથી પણ સુંદરતા એ જ જીવનનું સત્ય નથી એટલું યાદ રાખજે મારે પત્રકાર બનવું હતું, એટલે મેં જર્નાલિઝમ ભણવાનું શરૂ કર્યું, પણ એ જ ગાળામાં મારાં માતા-પિતા એકબીજાથી છૂટાં પડી ગયાં અને માએ કલકત્તા રહેવાનું નક્કી કર્યું. મારા પિતાની રજાથી હું મારી મા પાસે રહેવા આવી કારણ કે મારા પિતાને પણ એવું લાગ્યું કે મારી મા મારો વધુ ખ્યાલ રાખી શકશે…

કલકત્તા આવીને મેં કામ શોધવા માંડ્યું. એ જ ગાળામાં મને સૌથી પહેલી ફિલ્મ ‘નેતાજી’ (તામિલ) ની ઓફર આવી. પૈસા સારા મળતા હતા પણ મને તામિલ બોલતા આવડતું નહોતું. એમણે કહ્યું, “અમે, ડબ કરી લઈશું… મેં એ ફિલ્મ સ્વીકારી લીધી. ફિલ્મ ખૂબ સારી ચાલી…આમ તો હજી મારી કારકિર્દી શરૂ થઈ હતી…કરણ કપૂર સાથે બૉમ્બે ડાઈંગમાં કામ કર્યા પછી પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલીખાનની કવ્વાલીના વીડિયોમાં મને ખૂબ પ્રસિદ્ધિ મળી…જાવેદ અખ્તરે લખેલી આ કવ્વાલીમાં મને જે રીતે રજૂ કરવામાં આવી, એનાથી મને અનેક ફિલ્મોની ઓફર્સ પણ આવી. એ પછીનો સમયગાળો મારી જિંદગીનો સૌથી ઈન્ટ્રેસ્ટિંગ સમય રહ્યો. મેં અનેક ફિલ્મોમાં કામ કર્યું. મોડેલિંગના કેટલાય કોન્ટ્રાક્સ અને પૈસાની સાથે સાથે પ્રસિદ્ધિ પણ મળતી ગઈ. ‘ગ્લેડરેગ્ઝ’ના કવરપેજ ઉપર મારો ફોટો છપાયો ત્યારે બોલીવૂડમાં હલચલ મચી ગઈ. એ પછી મૉડલિંગ માટે મને અનેક ઑફર્સ આવી. ૧૯૯૪થી શરૂ કરીને ર૦૦૯ સુધીનું જીવન કંઇક જુદું જ હતું. ર૦૦પમાં કેનેડિયન ફિલ્મ ‘વૉટર’માં દિપા મહેતાએ મને કાસ્ટ કરી… એ ફિલ્મે ખૂબ ચકચાર જગાવ્યો. ર૦૦પમાં ફિલ્મ ઑસ્કાર માટે નોમિનેટ થઈ. હું સાતમા આસમાને હતી. સમય જતાં ફિલ્મોની ઓફર્સ વધવા માંડી. હું હિંદી સારું બોલી શક્તી નહીં એટલે ‘કસૂર’ નામની એક ફિલ્મમાં દિવ્યા દત્તાનો અવાજ ઉધાર લેવામાં આવ્યો.

ભારતના એક ૫ણ શહેરમાં એક પણ રસ્તો એવો ન હતો કે જેના પર મારા હોર્ડિંગ ન હોય ! હું કૅનેડા પાછી ગઈ, એ પછી કૅનેડિયન ફિલ્મોમાં મેં કામ કર્યું, પણ આ દુનિયા વિચિત્ર છે, જે સફળ થવા માંડે એને માટે સફળતા સામેથી આવે છે… મારી સાથે પણ એવું જ થયું… જગતનો કોઈ કલાક ૬૦ મિનિટથી લાંબો નથી, દુનિયાના કોઈ માણસ પાસે ચોવીસ કલાકથી વધુ લાંબો દિવસ નથી હોતો. સુખના દિવસો અને સમસ્યાઓ ‘હેન્ડ ઇન હેન્ડ’ હાથમાં હાથ પરોવીને ચાલે છે.

ર૦૦૯ની ર૩મી જૂને કૅનેડાની એક હૉસ્પિટલમાં અમુક ટેસ્ટ કરાવતા મને કૅન્સર છે એવી ખબર પડી. આમ જોવા જાવ તો લગભગ મૃત્યુનું ફરમાન… ‘મલ્ટિપલ માયેલોમા’ પ્લાઝમા સેલ્સનું એક એવું કૅન્સર છે, જે એન્ટિબોડીઝ પ્રોડ્યુસ કરે છે. હાડકાંનો દુખાવો, બ્લિડિંગ, વારંવાર થતાં ઇન્ફેક્શન અને ધીમે ધીમે એનિમિયા (વધુ પડતી વિકનેસ) થવા લાગે છે. આના કારણ વિશેની જાણકારી હજી સુધી મળી શકી નથી. ડૉક્ટરે અમને શાંતિથી સમજાવ્યા અને કહ્યું કે, “આ કૅન્સરની દવા થઈ શકે છે, પણ સંપૂર્ણપણે નાબૂદ થઈ શક્તું નથી. ર૦૦૯માં મળતાં આંકડા મુજબ ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર લોકોને આ કૅન્સર છે એમ માનવામાં આવે છે. એ વખતે હું ભાંગી તો પડી, પણ ઘરે જઈને મારા પિતાએ મને સમજાવી. એમણે કહ્યું કે, “આપણે આની સારવાર કરવી જોઇએ… જે થાય તે, પણ દુનિયાના કોઇ પણ રોગની પહેલી દવા એ રોગીની હિંમત અને સાજા થવાની ઇચ્છાશક્તિ છે. એ રાત્રે હું ખૂબ રડી. મને ખબર હતી કે હવે કિમોથેરાપી શરૂ થશે. વાળ ખરી જશે, ચહેરો સૂઝી જશે અને હું જેવી દેખાઉં છું એવી સુંદર નહીં રહું. સાથે સાથે સ્ટિરોઇડસને કારણે મારું વજન પણ વધી જવાનું છે…

સામાન્ય રીતે કૅન્સર થાય ત્યારે લોકો ડરીને ઘરમાં બેસી જાય છે. મિત્રો અને પરિવારને પણ મળવાનું ટાળે છે. મેં નક્કી કર્યું કે હું એવું નહીં કરું. મારા વાળ ખરી જાય એ પહેલાં જ મેં મારા બધા જ વાળ કઢાવીને કૅન્સર પેશન્ટને દાન કર્યાં. પેન્ટિન કંપનીના એક ‘બ્યુટિફૂલ લેન્થ’ નામના એક પ્રોજેક્ટમાં કૅન્સરપીડિત સ્ત્રીઓને સાચા વાળની વિગ બનાવી આપવામાં આવે છે. એ પ્રોજેક્ટમાં મેં મારા વાળ દાન કર્યાં… તદૃન સફાચટ માથા સાથે હું ટોરન્ટો ફિલ્મ ફૅસ્ટિવલમાં હાજર રહી અને ત્યાં સૌની સામે મેં કૅન્સર હોવાની વાત સ્વીકારી. મારા પિતાએ મને ખૂબ મદદ કરી. એ સતત મારી સાથે રહેતા, હૉસ્પિટલમાં રહેવાની પરવાનગી ન હોવા છતાં એમણે સ્પેશિયલ પરમિશન લઇને મારી સાથે રહેવાનું નક્કી કર્યું. મારી મા કલકત્તાથી કૅનેડા આવી. સ્ટિરોઇડ્સને કારણે વધતા વજન ઉપર મેં ખૂબ રિસર્ચ કરીને મારી ફૂડ હેબિટ્સ પૂરેપૂરી બદલી નાખી. ક્યારેક હસીને તો ક્યારેક રડીને, પણ મેં કૅન્સરનો સામનો કર્યા કર્યો. એ પછીની શોધખોળમાં સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ વિશે જાણ થઈ એટલે અમે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કર્યા…

મેં કેટલાંક અખબારોમાં લેખ લખવાનું શરૂ કર્યું. હું કઈ રીતે મારી જાતને કૅન્સરથી ડર્યા વગર સંઘર્ષ માટે તૈયાર કરું છું એ વિશેના લેખ લખ્યા, ઇન્ટરવ્યૂ આપ્યા… ઉપરાંત, જાતે જ શોધખોળ કરીને ઓલ્ટરનેટિવ્સ થેરપી પર કામ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અમે કૅન્સરને નાથી શક્યા. મારા ડૉક્ટરે મને કૅન્સરમુક્ત જાહેર કરી ! હવે એ રોગ મારા શરીરમાં તો હતો, પણ મને નુક્સાન કરી શકે એમ ન હતો. અફકોર્સ ! મારે મારી તબિયતની કાળજી તો લેવી જ પડશે, જીવનભર !

ર૦ ઑક્ટોબર, ર૦૧રમાં મેં જેસન દેહની સાથે લગ્ન કર્યા. ‘રાડો’ ઘડિયાળના મૉડલિંગ વખતે હું એને મળી. લેબેનિઝ કુટુંબમાં જન્મેલા જેસનનો બિઝનેસ હૉંગકૉંગમાં છે. જેસને મને ફરીથી ઊભા થવાની તાકાત આપી. એ હંમેશાં કહે છે, “તને મળેલી આ બીજી જિંદગી છે. ઈશ્ર્વરે તને આ જિંદગી એટલા માટે આપી છે કે તું બીજા કૅન્સરપીડિતોને મદદ કરી શકે. એમને જીવવાની હિંમત આપી શકે.

લગ્ન પછીનો બધો જ સમય મેં કૅન્સરપીડિતો માટે કામ કરવા માંડ્યું… ‘બ્યુટી ગિવ્ઝ બૅક’ કૅન્સર અંગેનો રાષ્ટ્રીય કૅમ્પેઇન લૉન્ચ કર્યો. મૉડલિંગનું કામ ફરી શરૂ કર્યું, પણ હવે એ બધા પૈસા કૅન્સરપીડિતો માટે વાપરવાનું શરૂ કર્યું. ડ્રેસ ડિઝાઇનર સત્યા પૉલ સાથે સાડીઓનું ઑક્શન કરવાનું કામ કર્યું. પ કિલોમીટરની વૉક કરી અને ટોરન્ટોની પ્રિન્સેસ માર્ગારેટ હૉસ્પિટલ, જ્યાં મેં મારી ટ્રીટમેન્ટ કરી ત્યાં મોટો ફાળો આપ્યો.

કૅન્સરમાંથી હું તો બચી, પણ દરેક વ્યક્તિ બચી શક્તી નથી એ પણ સત્ય છે. હું ‘યલો ડાયરી’ નામનો એક બ્લોગ લખું છું, જેમાં મારા કૅન્સરના અનુભવો અને એની સાથે જોડાયેલાં જાતજાતના અભિપ્રાયો અને નવી શોધખોળ અંગે લોકોને જાગૃત કરું છું. આજે પણ માનું છું કે, હું સારી થઈ, એના કારણમાં મારી હિંમત અને ઇચ્છાશક્તિ તો હતા જ, પરંતુ મારા ચાહકોની દુઆ અને મારા માતા-પિતાના આશિષ પણ એટલા જ મહત્ત્વના છે.

દુનિયાનો કોઈ રોગ અસાધ્ય નથી. મૃત્યુ માટે ઈશ્ર્વર કોઇક કારણ તો શોધી કાઢે છે… એ કારણ કૅન્સર હોય કે કંઈ બીજું, પરંતુ મૃત્યુ પહેલાં મરી જવું યોગ્ય નથી. દરેક વ્યક્તિએ છેલ્લી ક્ષણ સુધી જીવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવો જોઇએ… શરૂ કરેલો પ્રવાસ પૂર્ણ પણે કરવો જોઇએ. મૃત્યુ કોઈ ટાળી શક્તું નથી, પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જીવનનું સન્માન કરીને, આ જગતને ઉપયોગી થઈને જીવવું એ જ આપણી સાચી માણસાઈ છે.

સૌજન્ય મુંબઈ સમાચાર .કોમ 

કાજલ ઓઝા-વૈદ્ય નો પરિચય

Kazal oza vaidya

( નીચે ક્લિક  કરીને વાંચો )

કાજલ ઓઝા-વૈદ્ય  (સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય )

5 responses to “( 1020 ) કંઈક લાખો નિરાશામાં, એક અમર આશા છુપાઈ છે! …- કાજલ ઓઝા – વૈદ્ય

  1. સુરેશ ફેબ્રુવારી 22, 2017 પર 6:44 એ એમ (AM)

    ગજબનાક વાત. લિસાને સો સલામ.

    Like

  2. pravinshastri ફેબ્રુવારી 22, 2017 પર 2:20 પી એમ(PM)

    સૌથી પહેલાં એક વાત જણાવી દઉં. મારા પિતાજીને ૮૨ વર્ષની ઉમ્મરે મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું. ( એઓ મારી સાથે અમેરિકામાં જ હતા) ૮૩ વર્ષની ઉમ્મરે એમણે શાંતિથી દેહ છોડ્યો હતો. ઉમ્મર અને માનસિક રોગ પ્રતિકારના સંયોગો પર સર્વાઈવલનો આધાર છે.
    ઉપદેશાત્મક વિધાનો પણ ઘણું સૂચવી જાય છે.
    ચાલો વિચારીએ….
    કંઈક લાખો નિરાશામાં, એક અમર આશા છુપાઈ છે!.
    લાખ નહિ પણ લાખો. …કેટલા લાખ? લાખો શબ્દ તો કરોડો પણ વટાવી જાય.
    આ કથન જ નિરાશા જનક નથી?
    જાણે લોટરીની આશા!!

    Like

  3. pragnaju માર્ચ 7, 2017 પર 5:52 એ એમ (AM)

    ‘કૅન્સર હોય કે કંઈ બીજું, પરંતુ મૃત્યુ પહેલાં મરી જવું યોગ્ય નથી. દરેક વ્યક્તિએ છેલ્લી ક્ષણ સુધી જીવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવો જોઇએ… શરૂ કરેલો પ્રવાસ પૂર્ણ પણે કરવો જોઇએ. મૃત્યુ કોઈ ટાળી શક્તું નથી, પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જીવનનું સન્માન કરીને, આ જગતને ઉપયોગી થઈને જીવવું એ જ આપણી સાચી માણસાઈ છે.’
    પ્રેરણાદાતી વાત અમારા કુટુંબમા આ વાત સહર્ષ સ્વીકારી પ્રવિણભાઇના પિતાશ્રી જેમ જીવન જીવે છે

    Like

  4. શિવમ નવેમ્બર 25, 2019 પર 6:55 એ એમ (AM)

    વિચાર-વિસ્તાર

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.