વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: માર્ચ 2017

( 1036 ) શ્રી હરીશ દવે અને એમના સાહિત્ય સર્જનનો પરિચય

જીવનના સાતમા દશકને માણતા સિનિયર સીટીઝન લેખક અમદાવાદ નિવાસી શ્રી હરીશ દવે (Harish Dave) વર્ષ 2005થી વિવિધ વિષયો પર વેબસાઇટ્સ/બ્લૉગ્સ પબ્લિશ કરી ઈન્ટરનેટ પર પ્રવૃત્ત રહી ગુજરાતી ભાષાની સારી સેવા કરી રહ્યા છે.નેટમાં રસ લેતા ગુજરાતીઓ માટે એમનું નામ હવે અજાણ્યું નથી.

શ્રી હરીશભાઈ દવે ગુજરાતી ભાષામાં અલગ અલગ વિષયના નીચે જણાવ્યા પ્રમાણે ઘણા બ્લૉગ નિયમિતપણે એકલા હાથે ચલાવે છે એ એક ગૌરવ લેવા જેવી બાબત છે.

શ્રી હરીશ દવે અને એમના વિવિધ બ્લોગોનો પરિચય

શ્રી હરીશભાઈ દવે એ એમના બ્લોગ મધુસંચયની આ લીંક પર  એમના સંક્ષિપ્ત પરિચય સાથે એમના વિવિધ ગુજરાતી વર્ડ પ્રેસ બ્લોગ (1) મધુસંચય (2) અનામિકા (3) અનુપમા (4) અનુભવિકા (5) અનન્યા (6) મુક્તપંચિકા અને લઘુલિકા અને (6) મુક્તપંચિકા અને લઘુલિકા તથા બ્લૉગસ્પૉટ પર(7) મુક્તપંચિકા તથા કવિતા (8) આત્મકથન / સંસ્મરણો તથા બે અંગ્રેજી બ્લોગ Indian Philosophy Simplified અને Ancient Indian Scriptures ની લીંક આપી છે.એ બધી લીંક પર ક્લિક કરીને એમના વિવિધ સાહિત્ય સર્જનનો આસ્વાદ લઇ શકાશે.

‘મુક્તપંચિકા’ નામે તાન્કા જેવો ભાસતો કાવ્યપ્રકાર એમણે પ્રચલિત કરવાની કોશિશ કરી છે.એમના એક ‘મુક્તપંચિકા’( ૫-૫-૭-૫-૫) નું ઉદાહરણ આ રહ્યું :

સમંદરને
મુઠ્ઠીમાં બાંધું
હું એવો – પલભર
બનાવું ઝીણું
અમથું બિંદુ!

ગુજરાતી નેટ જગતમાં મલ્ટિબ્લૉગર તરીકેનું  બહુમાન ધરાવનાર શ્રી હરીશભાઈનો એક લેખ“ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર “આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી સૌ પ્રથમવાર એમનો અને એમના બ્લોગ સાહિત્યનો  વિનોદ વિહારના વાચકોને પરિચય કરાવતાં આનંદ થાય છે.

શ્રી હરીશભાઈ દવેનું વિનોદ વિહારને આંગણે હાર્દિક સ્વાગત છે.

વિનોદ પટેલ

ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર. …. શ્રી હરીશ દવે
ગુજરાતી નેટ જગતની એક ઝલક

ગુજરાતી નેટ જગત આજે વાચકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. ગુજરાતી બ્લૉગર્સ આજે આત્મવિશ્વાસથી ગુજરાતી બ્લૉગિંગને દિશાસૂચન કરી રહ્યાં છે. અભિનંદન, ગુજરાતી બ્લૉગર મિત્રો! આપના પ્રયત્નોથી આજે ગુજરાતી બ્લૉગ જગત (ગુજરાતી બ્લોગ જગત) નવી ઊંચાઈ પર પહોંચ્યું છે.

ગુજરાતી બ્લૉગિંગની આ રોમાંચક સફરનાં આરંભનાં વર્ષો પર નજર નાખવાની કેવી મઝા આવે! મેં આપ સૌ વાચકોને વાંચવામાં રસ પડે તેવો લેખ તૈયાર કર્યો છે.

આ રસપ્રદ પોસ્ટ મેં મારા બ્લૉગ “અનુપમા” પર મૂકી છે. તેમાં ગુજરાતી બ્લૉગ જગતનો ઇતિહાસ નથી, પણ વિહંગાવલોકન છે. આ પોસ્ટ ગુજરાતી નેટ જગતને યોગ્ય દિશા અને ગતિ આપવામાં આપના સહયોગને પ્રોત્સાહિત કરશે.

નીચેની લિંક પર ક્લિક કરી તે જરૂર વાંચશો. મારા બ્લૉગ “અનુપમા” પરની આ રસપ્રદ પોસ્ટ છે:

ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર… 

– હરીશ દવે
સંપર્ક: thinklife11 (at) gmail (dot) com

શ્રી હરીશભાઈ જેવા જ મલ્ટી બ્લોગર મારા મિત્ર શ્રી સુરેશભાઈ  જાનીએ એમના ખુબ જાણીતા ગુજરાતી બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં શ્રી હરીશભાઈ અને એમના કાર્યનો કરાવેલ પરિચય નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

મળવા જેવા માણસ શ્રી હરીશ દવે  

 

( 1035 ) જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની…

આ જિંદગીની બસમાં આપણે સૌ મુસાફરો છીએ.આ બસમાં સૌ મુસાફરોએ એની નિશ્ચિત સફર કરવાની હોય છે અને ઉતરવાનું સ્થળ આવે એટલે એમાંથી ઉતરી જવાનું છે.આ ટૂંકી મુસાફરીમાં શુલ્લક બાબતો માટે દલીલો કરવી શું કામ ? કોઈ મુસાફર આપની સાથે જો બરાબર વર્તન ના કરે તો એને ક્ષમા આપી ભૂલી જવું જોઈએ.નાની બાબતો માટે ખોટા ઝગડા ઉભા કરવા માટે આ જીવનની મુસાફરી ખુબ ટૂંકી છે.

આવી Forgiveness ની વાત કહેતી એક અંગ્રેજીમાં બોધકથા સાન ડીએગો નિવાસી મારાં સ્નેહી મિત્ર શ્રીમતી ગોપીબેન રાંદેરીએ એમના ઈ-મેલમાં મોકલી એ મને ગમી ગઈ. એમના આભાર સાથે એને નીચે પ્રસ્તુત છે.

Forgiveness

A young lady sat in a bus. At the next stop a loud and grumpy old lady came and sat by her. She squeezed into the seat and bumped her with her numerous bags.

The person sitting on the other side of the young lady got upset, asked her why she did not speak up and say something.

The young lady responded with a smile:

“It is not necessary to be rude or argue over something so insignificant, the journey together is so short. I get off at the next stop.”

This response deserves to be written in golden letters:

*”It is not necessary to argue over something so insignificant, our journey together is so short”*

If each one of us realized that our time here is so short; that to darken it with quarrels, futile arguments, not forgiving others, discontentment and a fault finding attitude would be a waste of time and energy.

Did someone break your heart?
*Be calm, the journey is so short.*

Did someone betray, bully, cheat or humiliate you?
*Be calm, forgive, the journey is so short.*

Whatever troubles anyone brings us, let us remember that our journey together is so short.

*No one knows the duration of this journey. No one knows when their stop will come. Our journey together is so short.*

Let us cherish friends and family. Let us be respectful, kind and forgiving to each other. Let us be filled with gratitude and gladness.

If I have ever hurt you, I ask for your forgiveness. If you have ever hurt me, you already have my forgiveness.

*After all, our journey together is so short!*

આ અંગ્રેજી બોધ કથાએ મને અંદાઝ ફિલ્મમાં કિશોર કુમાર એ ગાએલ ગીત ज़िंदगी एक सफ़र है सुहाना ની યાદ તાજી કરાવી દીધી.

આ હિન્દી ગીત, એનો ગુજરાતીમાં કરેલ અનુવાદ વિડીઓ સાથે નીચે પ્રસ્તુત છે.

ज़िंदगी एक सफ़र है सुहाना
यहाँ कल क्या हो किसने जाना ) – २

हँसते गाते जहाँ से गुज़र
दुनिया की तू परवाह न कर ) – २
मुस्कुराते हुए दिन बिताना
यहाँ कल क्या हो किसने जाना
हाँ ज़िंदगी एक सफ़र …

मौत आनी है आएगी इक दिन
जान जानी है जाएगी इक दिन ) – २
ऐसी बातों से क्या घबराना
यहाँ कल क्या हो किसने जाना
हाँ ज़िंदगी एक सफ़र …

चाँद तारों से चलना है आगे
आसमानों से बढ़ना है आगे – २
पीछे रह जाएगा ये ज़माना
यहाँ कल क्या हो किसने जाना
हाँ ज़िंदगी एक सफ़र …

ज़िंदगी एक सफ़र है सुहाना
यहाँ कल क्या हो किसने जाना ) – २

ગીતનો ગુજરાતીમાં અનુવાદ
(આ ગુજરાતી ગીતને હિન્દી ગીતની જેમ ગાઈ શકાશે )

જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની,
એમાં કાલે શું થવાનું છે કોણે જાણ્યું ?

હસી ગાઈને તું થા એમાંથી પસાર,
દુનિયાની તું કશી પરવા ના કર
હસતા રહીને તારો દિવસ વિતાવ,
કેમ કે કાલે શું થશે એ કોણે જાણ્યું ?

મરણ તો આવવાનું જ છે એક દિવસ
જીવ ચાલ્યો જવાનો જ છે એક દિવસ
તો શા માટે આવી વાતોથી ગભરાવાનું
અહી કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?

ચન્દ્ર-તારાઓને વટાવી જવાનું છે તારે,
આકાશથીએ આગળ વધવાનું છે તારે,
પાછળ જ રહી જવાની છે ફાની દુનિયા,
અહી કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?

જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની,
એમાં કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?

અનુવાદ… વિનોદ પટેલ, ૩-૩૦-૨૦૧૭

Zindagi ek safar hai suhana
Movie: Andaaz,Singer: Kishore Kumar
Music Director: Shankar, Jaikishan
Lyricist: Shailendra Singh

આવી જ મતલબની અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરેલ મારી અછાંદસ રચના “ટર્મિનસ” નીચે ફરી પ્રસ્તુત છે.

ટર્મિનસ

ધસમસતી રેલ ગાડીની બારીમાંથી
નજરે પડી રહ્યાં અવનવાં દ્રશ્યો,
લીલી વનરાજી,મકાનો અને માનવો,
સૌ સૌની ધૂનમાં જ વ્યસ્ત,
દોડી રહ્યાં રોજી રોટી કમાવાના ચક્કરમાં.
રેલ ડબાની અંદર જનસમૂહ વચ્ચે,
અવનવા વિચારોમાં ખોવાયો હતો ત્યાં,
બારીમાંથી આવતી ઠંડા પવનની અસરે,
ક્યારે ઝોકે ચડી ગયો,કંઇ જ ખબર ન પડી!
બાજુ બેઠેલ સાથીએ ઢંઢોળી કહ્યું :
“ ઉઠ, મિત્ર આપણું ટર્મિનસ આવી ગયું !
આપણી આ જિંદગીની ગાડીમાં પણ ,
કરેલ જીવન પ્રવાસને અંતે,
ટર્મિનસ સ્ટેશન આવતાં આપણે પણ,
રંગબેરંગી દ્રશ્યોની વણઝારમાંથી પસાર થઈને,
ગાડીમાંથી ઉતરી જ જવું પડે છે,
આગલા પ્રવાસ માટે !
અને નવા પ્રવાસીને જગા આપવા માટે !
સ્ટેશને સ્ટેશને ,
પ્રવાસીઓ ગાડીમાં ચડતા જ રહેવાના,
પ્રવાસીઓ ઉતરતા જ રહેવાના,
સંસારની ગાડી નિરંતર ચાલતી જ રહેવાની.

–વિનોદ પટેલ

( 1034 ) જીવનમાં હાર માનો નહી તો,મંઝીલ દુર નથી / બે દિવ્યાંગ પ્રતિભાઓ

દરેક વ્યક્તિ પર કુદરત એક સરખી કૃપાવાન હોતી નથી.કેટલીક વ્યક્તિઓના જીવનમાં જન્મથી કે જન્મ પછી શરીરના એક કે વધુ અંગો કોઈ રોગનો ભોગ બની નિષ્ક્રિય બની જાય છે ત્યારે શારીરિક રીતે અશક્ત બનેલ આ વ્યક્તિના જીવનમાં મોટો પડકાર ઝીલવાનો થાય છે.આવી દિવ્યાંગ વ્યક્તિઓ શારીરિક પડકારના શાપને દ્રઢ મનોબળ દાખવીને એને એક આશીર્વાદમાં પલટી નાખતા હોય છે.કોઈ અજ્ઞાત હિન્દી કવિએસાચું કહ્યું છે :

तकदीर के खेल से
नाराज नहीं होते
जिंदगी में कभी
उदास नहीं होते
हाथों किं लक़ीरों पे
यक़ीन मत करना
तकदीर तो उनकी भी होती हैं ,
जिन के हाथ ही नहीं होते।

આજની આ પોસ્ટમાં આવી બે વિશ્વ વિખ્યાત બે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનની પ્રેરક કથાઓ છે.

૧. ડૉ.સ્ટીફન હોકિંગ..Stephen Hawking

આજે ડૉ.સ્ટીફન હોકિંગની વીસમી સદીના વિશ્વના મહાન વિજ્ઞાનીઓમાં ગણના થાય છે. ડૉ.સ્ટીફન હોકિંગને ૨૧ વર્ષની યુવાન વયે અસાધ્ય ગણી શકાય તેવો સ્નાયુઓનો ક્લોરોસીસ નામનો ભયંકર રોગ થયો હતો જેનાથી પોતાની જાતે સહેજ પણ હલનચલન કરવા માટે તેઓ અશક્તિમાન બની ગયા હતા.બોલી શકતા પણ ણ હતા.એમ છતાં તેઓ હિંમત હાર્યા નહિ. જિંદગીના આ મહાન પડકારનો એમણે હસતે મુખે પડકાર જીલી લીધો છે .શરીરની અશક્તિને એમની દ્રઢ ઇચ્છા શક્તિથી જીતી લીધી છે.શરીરથી અશક્ત હોવા છતાં મગજની વિચાર શક્તિથી તેઓ આજે એ મહાન વૈજ્ઞાનિક તરીકે નામના મેળવી લીધી છે.

કમ્પ્યુટર એમનું જીવન સાથી બની ગયું છે.ડૉ.સ્ટીફનએ વ્હીલચેરમાં બેઠા બેઠા કેટલીય મહાન શોધ અને સંશોધન કર્યાં છે.કોસ્મ્લોજી વિષયમાં આજે એક નિષ્ણાત વિજ્ઞાની તરીકે એમની ગણના થાય છે.ભગવાનના અસ્તિત્વને તેઓએ પડકાર આપ્યો છે.

આજે ૭૫ વર્ષની ઉંમરે પણ હજુ એમની વિજ્ઞાન યાત્રા વણથંભી ચાલુ છે .આ મહાન વૈજ્ઞાનિક ડૉ .સ્ટીફન હોકિંગ વિશે નીચેના વિડીયોમાં જાણીએ ..

Stephen Hawking (Hindi)

Inspirational Story of Stephen Hawking

(Koshish Karne Walon Ki Haar Nahin Hoti)

‘God particle’ could destroy the universe, warns Stephen Hawking

વિકિપીડિયા પર Stephen Hawking ઉપર અંગ્રેજીમાં વધુ માહિતી .
https://en.wikipedia.org/wiki/Stephen_Hawking

2.જીન ડોમિનિક બોબી Jean-Dominique Bauby

આવી જ એક બીજી પ્રેરક કથા ફ્રાન્સના જાણીતા અભિનેતા અને લેખક Jean-Dominique Bauby ના જીવનની છે.

જીન ડોમિનિક બોબી Jean-Dominique Bauby નું આખું શરીર લકવાથી અશક્ત થઇ ગયું હતું . એમ છતાં એના મૃત્યુ પહેલાં એની ડાબી આંખની પલકની મદદથી એણે એક પુસ્તક પ્રકાશિત કર્યું જે ખુબ વખણાયું.ડોમીનીકના જીવન પર આધારિત એક ફિલ્મ પણ બની જેને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને બીજા એવોર્ડ પ્રાપ્ત થયા .

આવા Jean-Dominique Bauby ના પ્રેરક જીવનની કથા આ વિડીયોમાંથી જાણો.

NEVER EVER GIVE UP 

વિકિપીડિયા પર Jean-Dominique Bauby ઉપર અંગ્રેજીમાં વધુ માહિતી ..
https://en.wikipedia.org/wiki/Jean-Dominique_Bauby

યુ-ટ્યુબની कहानीकार – The Storyteller ચેનલ પર આવી બીજી અનેક મહાન પ્રતિભાઓના જીવન કથાઓના વિડીયો જોવા મળશે . 

https://www.youtube.com/channel/UC7JTJKtXmvtTzStzX9k104g

( 1033 ) “એક મુલાકાત ” અને “અભ્યાસ” કાર્યક્રમ મારફતે પ્રતિલિપિની સાહિત્ય સેવા

માતૃભાષાના લેખકોને તેમના વાચકો સાથે જોડતું પ્રતિલિપિ.કોમ બેંગ્લોર સ્થિત સોશિયલ ઓન લાઈન સેલ્ફ પબ્લીશીંગ પ્લેટફોર્મ / નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે. હાલ ગુજરાતી /હિન્દી / તમિલ એમ ત્રણ ભાષાઓના સાહિત્યને પ્રોત્સાહન આપે છે.

પ્રતિલિપિની વેબસાઈટ 14મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ હિન્દી દિવસના મંગલ દિને લૌંચ થઇ એ પછી આજ સુધી પ્રતિલિપિએ ગુજરાતી ભાષાના અનેક લેખકોને જે રીતે ઉત્તેજન આપી સુંદર સાહિત્ય સેવા બજાવી છે અને એની પ્રવૃતિઓનો વ્યાપ વધાર્યો છે એ માટે એની ઉત્સાહી ટીમને અભિનંદન ઘટે છે.

વિનોદ વિહારની પોસ્ટ નંબર 1006 માં પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમ(વિડીયો)નો ઉપયોગ કરી શરુ કરેલ “એક મુલાકાત “પ્રોગ્રામમાં શ્રી જય વસાવડા અને શ્રી સૌરભ શાહની મુલાકાતના વિડીયો રજુ કર્યા હતા.

પ્રતિલિપિની પ્રસ્તુતી ‘એક મુલાકાત’ને મળેલી સફળ શરૂઆત બાદ હવે પ્રતિલિપિ ઉભરતા અને નવોદિત લેખકો માટે એક ઓનલાઇન વિડીયો ટ્યુટોરીઅલ કાર્યક્રમ – ‘અભ્યાસ’ દર શુક્રવારે સુ.શ્રી બ્રિન્દા ઠક્કર દ્વારા રજુ થઇ રહ્યો છે.

પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ એમના ઈ-મેલથી મોકલેલ “એક મુલાકાત” અને “અભ્યાસ” પ્રોગ્રામના વિડીયોમાંથી કેટલાક વિડીયો આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યા છે જે નવોદિત લેખકો માટે ખુબ પ્રેરક અને પ્રોત્સાહક બનશે એવી આશા છે.

“એક મુલાકાત ” કાર્યક્રમ

પ્રતિલિપિના આ ” એક મુલાકાત”કાર્યક્રમમાં આમંત્રિત ગરવા ગુજરાતીઓના મુખેથી જ એમની જિંદગીને જાણવાની, જીતવાની, માણવાની અને અનુભવોની વાતો તમારા દિલને સ્પર્શી જશે.

શ્રી અનિલ ચાવડાની અભિવ્યક્તિ/અનિલ ચાવડા સાથે એક સુંદર મજાની વાતચીત ~
https://www.youtube.com/watch?v=fufNgftiytU

IAS ઓફિસર શ્રી ભાગ્યેશ જ્હા સાથે એક નાનકડી મુલાકાત
https://youtu.be/dKFEy-jB1xw?list=PL48UJTuuq1Bdr06ZWXrxpTE1qZhVA1HSJ

શ્રેષ્ઠ ગઝલકાર શ્રી શોભિત દેસાઈ ની મુલાકાત
ગુજરાતી સાહિત્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તે વિશે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગઝલકાર શ્રી શોભિત દેસાઈ આ મુલાકાતમાં પ્રકાશ પાડે છે.
https://youtu.be/IHYFWx76dq4?list=PL48UJTuuq1Bdr06ZWXrxpTE1qZhVA1HSJ

“અભ્યાસ” પ્રોગ્રામ

“અભ્યાસ” પ્રોગ્રામમાં સાહિત્યના નીવડેલા સાહિત્યકારો એના વિવિધ સ્વરૂપો વિષે ઉભરતા લેખક અને કવિને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

‘અભ્યાસ’ અંક-1 “ગઝલ વિશે”-શ્રી હિતેન આનંદપરા.
આ અંકમાં ગઝલ એટલે શું અને પદ્યના આ પ્રકારને લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા.
https://youtu.be/vSma_3LGgX8

અભ્યાસ અંક – 2, ગઝલના પ્રકારો વિશે..શ્રી હિતેન આનંદપરા.
ગઝલના પ્રકારો વિશે અને તે અંગે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની બાબતો. ‘અભ્યાસ’ના આ અંકના માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા.
https://youtu.be/ignH47lpe8Y

શ્રી રાજુલ ભાનુશાલી : કવિતા વિશે
https://youtu.be/ZMoSIUuT5Ws

શ્રી કિશોર વ્યાસ : વાર્તાનાં સ્વરૂપો વિશે
https://youtu.be/oszlWSuQvNI

શ્રી કામિની મહેતા : ટૂંકી વાર્તા વિશે
ટૂંકીવાર્તામાં વિષય વસ્તુનું પ્રયોજન અને પાત્ર નિરૂપણ, માર્ગદર્શક શ્રી કામિની મહેતા પાસેથી શીખીએ …
https://youtu.be/edG1LxZ0F50

યુ-ટ્યુબની આ લીંક પર બીજા મુલાકાતના વિડીયો જોવા મળશે.

https://www.youtube.com/channel/UC0uTNjyOnBzxV-Bm5pMDmqA

પ્રતિલિપિ.કોમ સાથે હું ૨૦૧૪થી -એની શરૂઆતથી જ લેખક તરીકે જોડાયો છું.આ વેબ સાઈટ ઉપર આજદિન સુધી મુકાએલ મારી સાહિત્ય રચનાઓ આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

http://gujarati.pratilipi.com/vinod-patel

( 1032 ) મરીને જીવવું છે કે જીવીને મરવું છે?….જિનદર્શન….. મહેન્દ્ર પુનાતર

જિંદગીનો દોર આપણા હાથમાં: મરીને જીવવું છે કે જીવીને મરવું છે?
જિનદર્શન – મહેન્દ્ર પુનાતર

punatar-article

આગ ઉપર ચાલવાનું નામ આ સંસાર છે

થઈ શકે જો એટલો નિર્ણય તો બેડો પાર છે.

વિશ્વમાં કુદરતની લીલાનો ભલા ક્યાં પાર છે

તારી દૃષ્ટિ શું જુએ છે એ ઉપર આધાર છે

સર્વથી તું શ્રેષ્ઠ છો એ ગર્વમાં રહેતો નહીં

આપણાથી શ્રેષ્ઠ લોકો જગમાં અપરંપાર છે

કોઈનું દિલ તોડવાની વાત કરશો નહીં કદી

જીભ તો કાબૂમાં રાખો જીભ તલવાર છે.

ક્યાંથી આવે છે હવા કેવો હવાનો રંગ છે

વિજ્ઞાનીઓને પૂછીએ કે એનો કયો આકાર છે

કોણ પ્રગટાવે છે રાતે આ કરોડો તારલા?

કો’ અદીઠી આજ્ઞાનો કેટલો સહકાર છે

કેટલો આભાર માનુંં, કેટલું વર્ણન કરું

આઝાદ મારા પર તો ઈશ્ર્વરના ઘણા ઉપકાર છે

કુતુબ ‘આઝાદ’ની આ રચનામાં જીવનનો મર્મ સમજાવાયો છે. સંસારમાં રહીએ છીએ તો અનેક પ્રશ્ર્નો, મુશ્કેલીઓ અને આંટીઘૂંટીઓ ઊભી થવાની છે. માણસે આ બધાનો સામનો કરવાનો છે. બધું આપણી મરજી મુજબ થવાનું નથી. સંસારની આગમાં માણસે તપીને, નક્કર થઈને બહાર આવવાનું છે.

આપણે સૌ ઈશ્ર્વરની રચનાના અંશમાત્ર છીએ. કુદરતે ચોમેર તેનો જાદુ પાથર્યો છે, પણ તેને સમજવાનું મુશ્કેલ છે. આપણે તેનો કઈ રીતે સાક્ષાત્કાર માણીએ છીએ તે આપણા પર આધારિત છે. કોઈ પણ જાતના માન, અભિમાન અને અહંકાર વગર જો જાગીને જોઈએ તો તે અતિ સુંદર છે. આપણો અહમ્ આપણને સારું જોવા દેતો નથી, સારું સમજવા દેતો નથી. આપણે માનીએ છીએ કે આપણા જેવું કોઈ નથી. આ કૂવામાંના દેડકા જેવી પરિસ્થિતિ છે. બહાર નીકળીને જોઈએ તો ખ્યાલ આવે કે ધસમસતી નદીમાં આપણે એક નાના તણખલા જેવા છીએ અને માનીએ છીએ કે નદી આપણા કારણે વહી રહી છે. જિંદગી પ્રેમ, મૈત્રી, સંપ અને સહકારથી ચાલે છે. આપણે જાણ્યે-અજાણ્યે તિરાડો ઊભી કરીએ છીએ અને કડવાં વચનો દ્વારા બીજાના દિલને દુભાવીએ છીએ. માણસ માત્ર રોટીથી જીવતો નથી. પ્રેમ, મૈત્રી, સંવેદના, પરિશ્રમ, વિશ્રામ, પૂજા, અર્ચના અને આરાધના તેને ખરા અર્થમાં જીવંત રાખે છે. ઊંચા પર્વતો, કલકલ વહેતાં ઝરણાઓ, પક્ષીઓનો કલરવ, આકાશમાં ટમટમતા તારલાઓ મનુષ્યને નવું જીવન બક્ષે છે. શહેરની સંસ્કૃતિ અને સિમેન્ટ-ક્રોન્ક્રીટના જંગલમાં આ બધું ખોવાઈ ગયું છે એટલે જીવન ભારરૂપ લાગે છે.

પ્રભુએ આપણને મબલખ આપ્યું છે, પણ આપણને સંતોષ થતો નથી. કુદરતે જે આપ્યું છે તે છોડીને આપણે કૃત્રિમ રીતે જીવી રહ્યા છીએ. દંભ, માન-અભિમાન અને પૂર્વગ્રહમાં કોચલામાં આપણે સીમિત થઈ ગયા છીએ. દરેક માણસ વધતેઓછે અંશે અહંકારથી પીડાય છે. કોઈને ધનનું, કોઈને તનનું, કોઈને પદનું તો કોઈને પ્રતિષ્ઠાનું અભિમાન છે. આપણે બીજાથી ચડિયાતા, સારા અને સમજદાર છીએ એવું માનીએ છીએ એટલે અહંકારનાં બીજ વવાઈ જાય છે. માણસને જ્ઞાનનો અને ત્યાગનો પણ અહંકાર છે. અહંકારી માણસને કોઈનું કશું સારું લાગતું નથી. કોઈ પોતાનાથી જરાક આગળ નીકળી જાય તો ઈર્ષ્યા થાય છે. કોઈ તેની વાત ન સાંભળે કે કહ્યું ન માને તો રોષ ઊભો થાય છે. માન-સન્માન ન થાય, આવકાર ન મળે, અને ઊંચા આસને બેસવા ન મળે તો માઠું લાગી જાય છે. અહંકારની સાથે સુખ, ચેન અને શાંતિ હણાઈ જાય છે અને માણસ અંદરથી સળગ્યા કરે છે. હું કાંઈક છું એવો ખ્યાલ તેના દુ:ખનું કારણ બને છે. કોઈ માન આપે, ઊંચા આસને બેસાડે કે આદર-સત્કાર કરે ત્યારે માણસે વિચારવું જોઈએ કે આ બધું શાના માટે છે? ધન, પદ અને સત્તાના કારણે આવાં માનપાન મળતા હોય છે. આ બધું ન રહે ત્યારે આપણા પોતાના માણસો પણ મોઢું ફેરવી લે છે.

સ્વાર્થના પાયા પર આ દુનિયા રચાઈ છે. દરેક માણસ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યો છે. કહેવાય છે કે ‘સગા સૌ સ્વાર્થના’ સ્વાર્થ હોય ત્યારે દૂરના પણ સગા જેવા બની જાય છે અને સ્વાર્થ પૂરો થાય, માણસ પાછો પડી જાય ત્યારે નજીકના સગાઓ પણ દૂર ભાગે છે. માણસ પાસે સત્તા, ધન, દૌલત, સંપતિ હોય અને તેનો સિતારો બુલંદ હોય ત્યારે મિત્રો, સગાસંબંધીઓ અને કહેવાતા હિતેચ્છુઓ મધમાખીની જેમ વીંટળાયેલા રહે છે. ખુશામતખોરો ટોળે વળે છે. ધર્મસ્થાનકોમાં પણ આવું જ છે. શ્રીમંતો અને માલેતુજારોનો ભાવ પુછાય છે. મુનિ મહારાજો અને ધર્મગુરુઓ સામેથી આવકાર આપે છે. લળી લળીને આશીર્વાદ આપે છે, પણ ધન ખલાસ થઈ ગયું તો બધું ખતમ. માણસનો ખરાબ સમય આવે છે ત્યારે આ બધા ક્યાં અલોપ થઈ જાય છે તેની ખબર પડતી નથી. આ બધો પૈસાનો ચમત્કાર છે.

માણસે સારો સમય આવે ત્યારે સાવધાન રહેવું જોઈએ, સાચા માણસોને ઓળખવા જોઈએ અને નમ્રતા ધારણ કરવી જોઈએ. કોઈ પણ જાતના અભિમાનથી દૂર રહીને સુખ-દુ:ખમાં સમભાવ કેળવવો જોઈએ. જેના માટે આપણે ગર્વ અનુભવીએ છીએ તે કાયમી નથી. તેનો કોઈ ભરોસો નથી. આજે આપણી પાસે બધું છે, કાલે ન પણ હોય. તો પછી ઘમંડ શા માટે? જીવનમાં જે કાંઈ મળ્યું છે તે પ્રભુની કૃપાથી મળ્યું છે તેમ સમજીને ચાલીએ અને આમાં મારું કશું નથી એવો ભાવ રાખીએ તો જીવન સરળ બની જાય. અહંકારને નાબૂદ કરવાનો અને સમભાવ કેળવવાનો એક રસ્તો એ છે કે ‘હુંના બિંદુમાં તું દેખાવા લાગે’ હું અદૃશ્ય થઈ જાય અને તું દેખાવા લાગે. કોઈએ કહ્યું છે તેમ ‘ઔરોમેં ખુદકો ખો કર, મૈ કો ઢૂંઢના જિંદગી ઉસી કા નામ હૈ.’ ભગવાન મહાવીરે પણ આ જ બોધ આપ્યો છે. તેમની સાધનાની આખરી કડી ‘કેવળજ્ઞાન’ છે. કેવળજ્ઞાન એટલે જ્ઞાની ન રહે માત્ર જ્ઞાન રહે, જાણનારો ન રહે માત્ર જાણકારી રહે, કરનારો ન રહે માત્ર કામ રહે, કર્તા રહે નહીં માત્ર કર્મ રહે.

માણસ બધું છોડી દે અને ત્યાગી બની જાય તો પણ આખરી સૂક્ષ્મ અહંકાર ‘હું’ છે. બધું છોડી દીધા પછી પણ આ ભાવ રહી જાય છે. ધનવાનનો અહંકાર છે મેં પ્રાપ્ત કર્યું છે. ત્યાગીનો અહંકાર છે મેં ત્યાગ કર્યો છે. ફરક માત્ર એટલો છે ધનવાનનો અહંકાર દેખાય છે ત્યાગીનો અહંકાર દેખાતો નથી. ધનવાનો કહે છે આ મારું ધન છે, આ મારી મહેલાતો છે. ત્યાગીઓ કહે છે આ મારો સંપ્રદાય છે. આ મારો આશ્રમ છે. આ મારું મંદિર છે. આ મારું તીર્થ છે. બધુ કાંચળીની જેમ ઊતરી જાય તો પણ હું અને મારું રહી જાય છે. સંસારીઓ મહેલો બાંધે છે. ત્યાગીઓ આશ્રમો, ભવનો અને તીર્થો બાંધે છે. સંસાર અને સંન્યાસ બંનેમાં ઢોલનગારા અને ધામધૂમ છે. અહંકારનું આ ઈંધણ છે. વસ્તુઓ છોડી દેવાથી ત્યાગી બની શકાતું નથી. મનની અંદરથી આ બધી વસ્તુઓ છૂટવી જોઈએ. સંન્યાસીઓ ત્યાગ કર્યા પછી અહીં અટકી જાય છે.હું અને મારું તેમનું મોટું બંધન છે. અહંકાર ત્યાગનું મહોરું પહેરી લે છે ત્યારે દેખાતો નથી. બહારની દુનિયા અને અંદરની દુનિયા જુદી છે.

દરેક માણસ એક બીજો ચહેરો લઈને બેઠો છે. એટલે તે ખરા સ્વરૂપમાં દેખાતો નથી. કોઈએ ધનનો, કોઈએ જ્ઞાનનો, કોઈએ સજ્જનતાનો, કોઈએ દયાનો તો કોઈએ કરુણાનો આંચળો ઓઢેલો છે. તેમાં તેનો અસલી ચહેરો ખોવાઈ ગયો છે. આપણે સાધારણ લોકો છીએ. ઉપરથી નકાબ લગાવીને એકબીજાને બનાવીએ છીએ. આપણે આ બધું જાણીએ છીએ પણ આપણને આ સારું લાગે છે. બહાર દેખાતું બધું અસલી નથી. કોઈનો ડ્રોઈંગરૂમ જોઈને તેના ઘરનો ખ્યાલ નહીં આવે. ડ્રોઈંગરૂમ બીજાને બતાવવા માટે સજાવેલો હોય છે. આવા જ સજાવેલા માણસના ચહેરાઓ છે.

ઘર તો એ છે જ્યાં માણસ જીવે છે, ખાય છે, પીએ છે. સૂએ છે, ઝઘડે છે, સુખ-દુ:ખનો અનુભવ કરે છે અને એકબીજાને પ્રેમ પણ કરે છે. આ બધું સાધારણ છે. આ જિંદગીનો અસલી રંગ છે. ઉપરથી રંગના થપેડા કરવાની જરૂર નથી અને આ લાંબો સમય ટકે પણ નહીં. અંદરથી જે વસ્તુ પ્રગટ થાય છે તે સ્વાભાવિક છે અને બહારથી જે થોપાય છે તે કૃત્રિમ છે. આપણે જિંદગીના મોટા અસલી ભાગને અંધારામાં ધકેલી દઈને કામનું નહીં એવું થોડું જીવીએ છીએ. અંધારા પાછળ ધકેલાઈ ગયેલી જિંદગી આપણને સતત ધક્કા મારતી રહે છે અને કહેતી હોય છે મને જીવવાની તક આપો, પણ માણસ આ વાઘા ઉતારી શકતો નથી અને તેને અંદરથી દબાવતો રહે છે.

આમ આખી જિંદગી સંઘર્ષમાં વીતી જાય છે. માણસને પોતાની રીતે જીવવાનું કદીક મન થાય છે, પણ આ આભાસી જીવનમાંથી બહાર નીકળવાની તેની હિંમત નથી, લોકો શું કહેશે, લોકો શું માનશે એવો ડર હંમેશાં સતાવ્યા કરે છે. માણસ પોતાને શું સારું લાગે છે તેના કરતાં બીજાને શું સારું લાગશે તેની ચિંતા કરતો હોય છે. દંભ અને દિખાવટની દુનિયામાંથી બહાર નીકળવું એટલું આસાન નથી. આ વિરોધાભાસના કારણે માણસ પોતાની સામે લડતો રહે છે અને પોતાની સામે જ હારી જાય છે.

માણસ સૌથી વધુ દુ:ખ અને કષ્ટ પોતાને આપે છે. બહાર કરતા સૌથી વધુ સૂક્ષ્મ હિંસા અને દમન પોતાના પર કરે છે. સીધોસાદો માણસ જે સરળતાથી જીવે છે તે કશાથી ડરશે નહીં. જેણે કદી ખોટું કર્યું ન હોય, કોઈનું દબાવ્યું ન હોય, છુપાવ્યું ન હોય. તેને ડર શેનો? આપણે ભયભીત છીએ એટલે ખોટી રીતે જીવીએ છીએ. આપણે અંદરથી બીમાર અને વિક્ષિપ્ત અને ભાંગેલા છીએ. જે માણસ બહારથી અને અંદરથી સ્વસ્થ હોય તેને કશો ડર રહેશે નહીં. તે પોતાની રીતે ચાલશે અને જિંદગીનો આનંદ માણશે. સુખી થવું કે દુ:ખી થવું તે આપણા હાથની વાત છે. આ અંગેની ઓશોની કથાનો મર્મ સમજીએ…

એક બહુ મોટો જ્યોતિષી હતો. અને તે જે કાંઈ કહેતો તેવું બનતું તેની કોઈ પણ વાત ખોટી ઠરતી નહોતી. તેની આગાહીઓ સાચી પડતી હતી. જે કાંઈ થવાનું હોય તે સાચું કહી દેતો એટલે લોકો તેનાથી પરેશાન હતા. ગામના બે યુવાનોએ વિચાર્યું કે આ માણસને એક વખત તો ખોટો પાડવો જેથી તે સાચી વાત કહેવાનું છોડી દે. તેઓ પોતાના મોટા ઓવરકોટની અંદર એક કબૂતરને છુપાવીને જ્યોતિષીની પાસે ગયા અને કહ્યું અમે આપને પૂછવા આવ્યા છીએ કે આ કબૂતર જીવતું છે કે મરેલું? તેઓ નક્કી કરીને આવ્યા હતા કે જ્યોતિષી જીવતું છે એમ કહે તો અંદરથી તેની ગરદન મરડી નાખવી અને મરેલું કબૂતર કાઢવું અને તે કહે મરેલું છે તો જીવતું કબૂતર કાઢવું. ગમે તેમ પણ જ્યોતિષીને ખોટો પાડવો.

વૃદ્ધ જ્યોતિષી ઉપરથી નીચે નજર કરીને અને યુવાનોના ચહેરા જોઈને કળી ગયા કે આ યુવાનો તેમને બનાવવા માટે અને ખોટો પાડવા માટે આવ્યા છે. તેણે કહ્યું: ‘કબૂતર નથી જીવતું કે નથી મરેલું. આ તમારા હાથની વાત છે.’

આ જ રીતે જિંદગી કેવી રીતે જીવવી એ આપણા હાથની વાત છે. આપણે મરી મરીને જીવવું છે કે જીવીને મરવું છે તે આપણે નક્કી કરવાનું છે.
 

સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ 

( 1031 ) સારા વિચારોને પણ સતત વાગોળતા રહેવું પડે છે… ચિંતનની પળે : શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

(બીજા પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે એક મુખ્ય ફર્ક એ છે કે મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે. દરેક ક્રિયાની પાછળ વિચાર હોય છે.જાણીતા ચિંતક અને લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો વિચાર વિષે નો વિચારવા જેવો લેખ એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.એમના પ્રેરક લેખોને વિનોદ વિહારમાં પ્રગટ કરવાની સંમતિ આપવા માટે હું શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો આભારી છું.–વિ.પ. )

વિચારો નબળા પડી જાય છે તેનું એક કારણ એ હોય છે કે આપણે આપણા વિચારો વિશે પૂરતો વિચાર જ નથી કરતા! -કેયુ

 

સારા વિચારોને પણ સતત વાગોળતા રહેવું પડે છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી,

ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી,

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,

હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી.

-મનોજ ખંડેરિયા.


વિચાર એ શ્વાસની જેમ જ સતત ચાલતી પ્રક્રિયા છે. વિચાર અટકતા નથી. એક પછી એક વિચાર ચાલતા જ રહે છે. વિચાર આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. વિચાર ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. કોઈ વિચાર આપણામાં ઉત્સાહ ભરી દે છે તો કોઈ વિચાર આપણને હતાશા તરફ ખેંચી જાય છે. માણસની માનસિક સ્વસ્થતા સોએ સો ટકા વિચાર પર આધારિત હોય છે. વિચાર જ માણસને બનાવે છે અને વિચાર જ માણસને બગાડે છે. સાચો યોગી કે સાધક એ જ છે જે પોતાના વિચારો પર નિયંત્રણ રાખી શકે છે. વિચારની લગામ હાથમાં ન હોય તો કમાન છટકી જાય છે અને માણસ ભટકી જાય છે.

માણસને તમામ પ્રકારના વિચારો આવતા હોય છે. કોઈ એમ કહે કે મને માત્ર સારા વિચારો જ આવે છે તો એ એક નંબરનો જુઠ્ઠો છે. ખરાબ વિચારો પણ આવવાના જ છે. આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ તેનો આધાર આપણે કેવા વિચારોને વાગોળીએ છીએ તેના પર રહેલો છે. આપણે સતત જે વિચાર કરીએ છીએ એ આપણા પર હાવિ રહે છે.

કોને ખબર નથી કે જિંદગી સુંદર રીતે જીવવી જોઈએ? પોતાના માટે થોડો સમય કાઢવો જોઈએ. ફેમિલી પણ ખૂબ જ મહત્ત્વની છે. સફળ થવું હોય તો સખત મહેનત કરવી પડે. આ અને આવી અનેક વાતો બધાને ખબર છે. જોકે, એવું થતું નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે જે નિર્ણયો કર્યા હોય છે એને આપણે વળગી રહેતા નથી. બીજાં એવાં અનેક પ્રલોભનો હોય છે જે આપણને નિર્ણય પર મક્કમ રહેવા દેતાં નથી. આપણે આપણા વિચારોમાં બાંધછોડ કરતા રહીએ છીએ. પછી કરીશું, હજુ તો ઘણો સમય છે. આપણે ટાળતા રહીએ છીએ. આપણે જે ટાળતા રહીએ એ ધીમે ધીમે આપણા હાથમાંથી સરકી જાય છે. સરવાળે હાથ ખાલીના ખાલી રહે છે.

તમે વિચારો કે તમારી સફળતાની આડે શું આવે છે? જે આડે આવે છે એને કેવી રીતે મેનેજ કરી શકાય? આપણને સહુને ખબર છે કે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા આપણો સમય ખાઈ જાય છે. કોઈને પણ વાત કરો તો કહેશે કે યાર આ મોબાઇલ માથાનો દુખાવો છે. નવરા જ પડવા દેતો નથી. ના, એવું નથી હોતું. આપણે તેને મૂકતા નથી. ફોનનું બિપર અને ટોન વાગ્યા રાખે છે અને આપણે તેના ઇશારે નાચતા રહીએ છીએ. પાંચ મિનિટ જોઈ લઉં એવું વિચારીને ફોન હાથમાં લઈએ છીએ અને કલાક ક્યારે થઈ જાય છે એની ખબર જ પડતી નથી. તમે તમારા કામ વખતે મોબાઇલનો ડેટા ઓફ કરી શકો છો? આખા દિવસમાં આટલો જ સમય સોશિયલ મીડિયા પર રહીશ એવું નક્કી કરી શકો છો? જો હા તો કોઈ જ પ્રોબ્લેમ નથી. સીધો હિસાબ છે, કાં તો તમે એને કંટ્રોલ કરો અને કાં તો તમારા પર એને કંટ્રોલ જમાવવા દો. ફરિયાદો ન કરો, કારણ કે નિર્ણય તો તમારે જ કરવાનો છે. સફળ તો તમારે જ થવાનું છે. હવેનાં વ્યસનો માત્ર તમાકુ કે આલ્કાહોલ પૂરતાં જ મર્યાદિત નથી, ટેક્નોલોજીએ બીજાં ઘણાં વ્યસનો ખડકી દીધાં છે. એના ઉપર કોઈ સ્ટેચ્યુટરી વોર્નિંગ હોતી નથી. અમુક ચેતવણીઓ તો આપણે જાતે નક્કી કરવી પડે તેમ છે.

એક યુવાન નિયમિત રીતે ફિલોસોફરને મળવા જાય. તેની વાતો સાંભળે. એને બહુ જ સારું લાગે. જિંદગીના પાઠ શીખવા મળતા હોય એવો અહેસાસ થાય. દરરોજ એ જિંદગીને ભરપૂર રીતે જીવી લેવાનો નિર્ણય કરે, પણ એવું થાય નહીં. એક વખત તેણે ફિલોસોફરને પ્રશ્ન પૂછ્યો, તમે જે વાત કરો છો એ છટકી કેમ જાય છે? ફિલોસોફરે કહ્યું કે, તમે જ્યારે મારી સાથે હોવ છો, મારી વાત સાંભળો છો ત્યારે એ તમને સાચી લાગે છે. મારાથી છૂટા પડો એટલે બધી જ વાત વિસરાઈ જાય છે. વિચાર એ કંઈ દવા નથી કે એક વાર ખાઈ લીધી એટલે એ પોતાની મેળે અસર કરી દે. વિચારોને તો સેવવા પડે છે, પાકવા દેવા પડે છે, ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડે છે. આપણે સફળ કે મહાન લોકોથી ઇમ્પ્રેસ થઈએ છીએ, પણ ક્યારેય એ વિચારીએ છીએ કે સફળતા તેને કેવી રીતે મળી? એ પોતાના વિચારોને કઈ હદ સુધી વળગી રહ્યા હશે? માણસ જે સ્થાને હોય એ સ્થાને પહોંચવા માટે તેણે મહેનત કરી હોય છે, કોઈ એમને એમ ક્યારેય ક્યાંય પહોંચતું નથી. સાધના માત્ર સાધુએ જ કરવાની નથી હોતી, દરેક વ્યક્તિએ પોતાનું સપનું સાકાર કરવા સાધના કરવી પડતી હોય છે.

સફળ થવા માટે પ્રયાસો કરશો તો કદાચ નિષ્ફળતા મળશે, પણ પ્રયાસ વગર તો કંઈ જ મળવાનું નથી. હું જે ઇચ્છતો હતો એ કરી શક્યો નહીં એવું જો આપણને લાગતું હોય તો સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ કે એ કરવા માટે મેં કેટલા પ્રયાસો કર્યા હતા? જે ન કરવું જોઈએ એ છૂટતું નથી એટલે જે કરવું હોય છે એ ટકતું નથી. આપણે ધાર્યું કરી ન શકીએ એટલે આપણે દોષનો ટોપલો ઢોળવા માટે કંઈક શોધી કાઢીએ છીએ. કંઈ ન મળે તો છેલ્લે નસીબ તો છે જ!

જે લોકો મોબાઇલના એડિક્ટ છે એણે એક પ્રયોગ કરવા જેવો છે. તમારા મોબાઇલનો ડેટા કલાક-બે કલાક ઓફ કરી દો. બે કલાક પછી ડેટા ચાલુ કરીને મેસેજીસ અને બીજું બધું ચેક કરો. બધું જોયા પછી વિચારો કે આમાં એવું કેટલું હતું જેના વગર તમને ન ચાલે? મોટાભાગના મેસેજમાંથી કંઈ જ કામનું હોતું નથી. જે લોકો અંગત છે એને કહી દો કે ઇમરજન્સી હોય ત્યારે વોટ્સએપ કે બીજા પર મેસેજ ન કરો, એસએમએસ અથવા તો ફોન જ કરી લો. સાવ બંધ કરવાનું કોઈ કહેતું નથી. બધું જ વાપરો. તમારી અનુકૂળતાએ અને તમારા સમયે. બધાને જવાબ આપો, બધા સાથે ક્નેક્ટેડ રહો, તમને ગમતું હોય એ અપડેટ પણ કરો, કંઈ જ ખોટું કે ખરાબ નથી, પણ કેટલો સમય શેના પાછળ વાપરવો છે એ નક્કી કરી લો. સૌથી પહેલાં એ નક્કી કરો કે તમારે સફળ થવા માટે કે તમારું કામ પૂર્ણ કરવા માટે કેટલો સમય આપવો જરૂરી છે. એ સમય સૌથી પહેલાં પોતાને ફાળવી દો. બાકીના સમયમાં બીજું બધું મોજથી કરો.

અલબત્ત, આ બધું કરવા માટે વિચારોની મક્કમતા જરૂરી છે. મોટિવેશન, પ્રેરણા, બોધ, શીખ કે કોઈ ઉમદા વિચાર તમને બહારથી મળે એ પણ માત્ર બીજનું કામ કરે છે. એ બી તમારે વાવવું પડે. તેને ઉછેરવું પડે. મોટું થવા દેવું પડે. એક ખેડૂતે કહેલી આ વાત છે કે વાવેતર કરી દીધા પછી જ ખરી મહેનત શરૂ થતી હોય છે. કેટલું પાણી પાવું, ક્યારે પાણી પાવું, કેટલું ખાતર નાખવું અને કેટલી કાળજી રાખવી એ ખબર ન હોય તો પાક મળે નહીં. જિંદગીને પણ આ નિયમ જ લાગું પડે છે.

સારું શું અને ખરાબ શું, સાચું શું અને ખોટું શું, ફાયદાકારક શું અને નુકસાનદાયક શું, એ બધી બધાને ખબર જ હોય છે. ઘણા લોકોને આપણે એવું કહેતા સાંભળ્યા છે કે યાર ખબર તો બધી જ છે, પણ થતું નથી. કરવું તો બધું જ છે, પણ થઈ શકતું નથી. નિર્ણય પણ કરીએ છીએ પણ ટકી શકતું નથી. વજન ઘટાડવું છે પણ ખવાઈ જાય છે, કસરત કરવી છે પણ ઉઠાતું નથી, વાંચવું છે પણ સમય મળતો નથી, લખવું છે પણ મેળ ખાતો નથી, શીખવું છે પણ રિયાઝ થઈ શકતો નથી, આવા જવાબો મળતા રહે છે. આખરે બધો સમય જાય છે ક્યાં? આપણા હાથમાંથી જ એ સરકે છે, આપણે જ એને સરકવા દઈએ છીએ.

યાદ કરો, તમારે જે કરવું હોય એ કરો તો તમને ક્યારેય સમય ગયાનો અફસોસ નહીં થાય. અફસોસ એનો જ થતો હોય છે જે સમય વેડફાતો હોય છે. તમારે તમારા કલાક બચાવવા છે તો તમારી ક્ષણોને સાચવી લો, તમારે તમારો દિવસ સુધારવો છે તો કલાકોને સંભાળી લો અને તમારી જિંદગી સુધારવી છે તો તમારા સમય ઉપર નજર રાખો અને તમારા વિચારોને વળગી રહો.

કંઈક કરવા માટે નિર્ણય અને વિચારને સતત વાગોળતા રહેવું પડે છે. દીવાલ પર લખી રાખવું પડે છે કે મારે આ કરવાનું છે અને એ કરવા માટે મારે આટલું કરવાનું નથી. ખૂબ કામ કર્યું હશે તો આરામ કરવાની મજા આવશે, પણ જો બહુ આરામ કર્યો હશે તો કામ કરવાનો કંટાળો જ આવવાનો છે. આરામ માટે પણ નિશ્ચિત સમય હોવો જોઈએ. આનાથી વધુ નહીં. નક્કી કરીએ તો બધા માટે સમય મળી રહે છે, સવાલ એ જ હોય છે કે આપણે શું નક્કી કરીએ છીએ અને નક્કી કર્યા પછી તેને કેટલા વળગી રહીએ છીએ.

આપણે આપણા વિચારોનું ધ્યાન ન રાખીએ તો વિચાર આપણને સાચો રસ્તો ભુલવાડી દે છે. તમારાથી તમે કરેલો નિર્ણય ભુલાઈ જાય છે? તમારા વિચાર પર મક્કમ નથી રહેવાતું? તો એક કામ કરવા જેવું છે! રોજ સવારે ઊઠીને બ્રશ કરતી વખતે આપણે અરીસામાં જોતા હોઈએ છીએ. દરરોજ એ સમયે તમારા નિર્ણયને તમારી સામે જ દોહરાવો. મારે આમ કરવાનું છે, મારે આમ નથી કરવાનું, હું મારો સમય નહીં બગાડું. જે થઈ ગયું છે એની ચિંતા ન કરો. બેટર લેઇટ ધેન નેવર. એટલું મોડું કંઈ જ નથી હોતું કે કંઈ પ્રારંભ ન થઈ શકે.

ડિપ્રેશન, હતાશા, નિરાશા, ભય, ચિંતા, ગભરામણ એ નબળા વિચારોનું જ પરિણામ હોય છે. મને નબળો પાડે એવા વિચારો મારે આવવા દેવા નથી. સારા વિચારોને સતત વાગોળો. દરરોજ, દરેક સમયે તમારા વિચારોને મમળાવો. ન કરવું હોય એવું સામે આવે ત્યારે થોડીક વધુ દૃઢતા કેળવીને વિચાર કરો કે આ મારે નથી કરવું, આ મને રોકે છે, આ મારા માર્ગની અડચણ છે, મારે તેનાથી દૂર રહેવાનું છે. વિચારોમાં જબરજસ્ત તાકાત છે. યાદ રાખજો, અંતે તમે એ જ બનશો જેવા વિચારો તમે કરશો. સપનાં સાકાર કરતા વિચારોને વળગી રહેવું જરૂરી છે. નક્કી કરો કે શું કરવું છે અને શું નથી કરવું, એના વિશે મક્કમ નિર્ણય કરો અને તેના વિશે વિચાર કરતા રહો. સફળ થતા તમને કોઈ રોકી નહીં શકે!

છેલ્લો સીન :

વિચારો નબળા પડી જાય છે તેનું એક કારણ એ હોય છે કે આપણે આપણા વિચારો વિશે પૂરતો વિચાર જ નથી કરતા! -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 માર્ચ, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

સૌજન્ય-ચિંતનની પળે બ્લોગ