
( શ્રી પી.કે.દાવડા ….મારે આંગણે !…વિનોદ પટેલ )
ફ્રીમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી હમઉમ્ર અને સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાએ એમની નવી ઈ-મેલ શ્રેણીમાં મિત્રોને દરરોજ એક મંદિર કાવ્ય ( એવાં કાવ્ય કે જેમાં મંદિર કે ભગવાનનો નિર્દેશ કરવામાં આવ્યો હોય),અને એ કાવ્ય ઉપરના ટૂંકા વિવરણ સાથે મિત્રોને વાંચવા માટે મોકલ્યાં હતાં.આ માટે તેઓએ શ્રી માવજીભાઈ મુંબઈવાળાના બ્લોગની સહાય લીધી હતી.
આવાં નવ મંદિર કાવ્યોમાંથી મારી પસંદગીનાં ત્રણ મંદિર કાવ્યો શ્રી.પી.કે.દાવડા તથા શ્રી માવજીભાઈના આભાર સાથે આજની વિનોદ વિહારની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરેલ છે.
વિનોદ પટેલ
મંદિર કાવ્યો …. શ્રી પી.કે.દાવડા
રામને મંદિર ઝાલર બાજે …… કવિ- સુન્દરમ્
રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય
શેઠની મેડિએ થાળીવાજું, નૌતમ ગાણાં ગાય
મંદિરની આરતી ટાણે રે
વાજાનાં વાગવા ટાણે રે
લોકોના જૂથ નિતે ઊભરાય
એક ફળિના ત્રણ રહેવાસી : શેઠ ને બીજા રામ
ત્રીજી માકોરબાઈ રાંડેલી, કોડી કને ના દામ
લોકોનાં દળણાં દળતી રે
પાણીડાં કો’કના ભરતી રે
કાઢી ખાય રોટલો કરતી કામ
શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કે’વાય
રામનું મંદિર આરસબાંધ્યું નિત ઝળાંઝળ થાય
ફળિના એક ખૂણામાં રે
ગંધાતા કો’ક ખૂણામાં રે
માકોરના મહેલ ઊભેલા જણાય
માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત
ધાન લઈને દળવાં બેસે, રામની માગી ઓથ
ઘરેરાટ ઘંટી ગાજે રે
ભૂખી ડાંસ ઘંટી ગાજે રે
ગાજે જેમ દુકાળિયાનું મોત
ગોકુળ આઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ
માકોર ભૂખી રહી નકોરડી કાયામાં ન રહ્યો સાસ
મુઠ્ઠીભર ધાન બચાવવા રે
સીતાના રામ રીઝાવવા રે
પેટાવ્યો પેટમાં કાળ-હુતાશ
શેઠના ઘેરે, રામને મંદિર, સાકર-ઘીનાં ફરાળ
પારણામાં કાલ કરવા ભજિયા દળવા આપીદાળ
દળાતી દાળ તે આજે રે
હવાયેલ દાળ તે આજે રે
ઉઠાળે માકોર પેટ વરાળ
અંગ થાક્યું એનું આંચકા લેતું હૈડે હાંફ ના માય
બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય
દળી જો દાળ ના આપે રે
શેઠ દમડી ના આપે રે
બીજો ઉપવાસ માકોરને થાય
અન્ન ખાતી તોય અન્નનો દાણો ન દેતી ઘંટીઆજ
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ
હજી દાળ અરધી બાકી રે
રહી ના રાત તો બાકી રે
મથી મથી માકોર આવે વાજ
શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર
ભોમનો ભાર ઉતારવા આજે જન્મ્યા’તા કિરતાર
પરોઢના જાગતા સાદે રે
પંખીના મીઠડા નાદે રે
ડૂબે માકોરનો ભૂખ પોકાર
શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ
માકોરની મૂરછા ટાણે રે
ઘંટીના મોતના ગાણે રે
કાળો એક કાગ કળેળે નિસાસ
-સુન્દરમ્
વિવરણ …
જેમનું નામ સાહિત્યના એક યુગ સાથે જોડાયલું છે,(ઉમાશકર-સુન્દરમ યુગ), એવા કવિ સુન્દરમની આ કવિતા મારા કોઈ પ્રતિભાવની મોહતાજ નથી.દબાયલા કચડાયલા લોકોની તરફેણમાં સમાજ સામે આક્રોશ વ્યક્ત કરતી એમની અનેક કવિતાઓ પ્રખ્યાત છે.શેઠ અને માકોર ડોસી, સમાજના સાચા પ્રતિકો છે.સાહિત્યકારો લખે છે, સાહિત્યપ્રેમીઓ વાંચે છે, અને પરિસ્થિતિ જેમની તેમ જ રહે છે.ક્રાંતિની ધમકીઓ તો દાયકાઓથી અપાય છે,પણ દૂર દૂર સુધી ક્યાંયે એના એંધાણ દેખાતા નથી. સમાજની આ દારૂણ અસમાનતા દર્શાવવા મંદિરનો તો એક માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે.
પી. કે. દાવડા
પ્રભુજીને પડદામાં રાખ મા …. -ઇન્દુલાલ ગાંધી
પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
આડે ઊભો તારો દેહ અડીખમ
ભળી જાશે એ તો ખાખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી
થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
આંખનાં રતન તારા છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
-ઇન્દુલાલ ગાંધી
વિવરણ ..
આજે પણ ઘણાં મોટાં અને જાણીતાં મંદિરોમાં માત્ર થોડી ક્ષણો જ પ્રભુ દર્શન માટે પડદો હટાવવામાં આવે છે.લોકો ધક્કા-મૂક્કી કરી, જરા એક ઝલક મેળવે ન મેળવે ત્યાં સુધીમાં તો પડદો બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રીયામાં ભક્તો તો ઠીક, ભગવાન પણ પોતાના ભક્તોને જોઇ શકતા નથી.
ઈંદુલાલ ગાંધીની કવિતાઓમાં કરૂણતા ભારોભાર ભરી હોય છે, યાદ કરો આંધળીમાનો પત્ર. અહીં પણ એ પૂજારીને કરગરીને વિનંતી કરે છે કે પ્રભુજીને પડદામાં ન રાખ, આતો તારા આત્મા ઉપર પડદો ઢાંકી દેવા જેવું કામ તું કરે છે. એ કહે છે, પવનથી દીવો હોલવાઈ જશે એવા બહાના કાઢીને, પવન રોકવા પડદો ઢાંકું છું એવી દલીલ ન કર. એક તો માત્ર ક્ષણવાર જ પડદો હટાવે છે, અને તેમાંયે વળી તું વચ્ચે ઊભો રહીને દર્શન કરતાં રોકે છે, પણ તું એ ભૂલી જાય છે કે જે શરીરથી તું દર્શન રોકે છે, એ તો એક દિવસ બળીને ભસ્મ થઈ જવાનું છે . ત્યાર પછીની બે કડીઓમાં તત્વજ્ઞાનની ભાષામાં સમજાવે છે કે જે થઈ રહ્યું છે એ ખોટું છે.
આઝાદી પહેલાંના સમયમાં આવાં સુંદર મંદિર કાવ્યો રચાયાં છે.
પૂજારી પાછો જા …… -કૃષ્ણલાલ શ્રીધરાણી
ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા
મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે, પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા
એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા
દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા
માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા
ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા
ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા
-કૃષ્ણલાલ શ્રીધરાણી
વિવરણ …
સ્વ. કૃષ્ણલાલ શ્રીધરાણીની આ કવિતામાં એમણે મંદિરના પ્રવર્તમાન વાતાવાવરણને સજ્જડ રીતે વખોડી કાઢ્યો છે. આરતી વખતે થતો નુકસાનકારક દેશીબેલ્સનો અવાજ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે એટલો અગરબત્તીઓનો ધુમાડો એ બન્ને હકીકત છે. એમણે પોતાની નારાજગી ભગવાન (મૂર્તિ)ના મુખે કહેવડાવી છે. રોષે ભરાઈને ભગવાન કહે છે,મને ફૂલમાળા ન પહેરાવીશ, એનાથી તો હું અભડાઈ જઈશ,મને તારૂં નૈવેદ પણ નથી ખપતું, ઓ પૂજારી (અને ભક્ત) તું મારી નજરથી દૂર થા. મંદિરની આ પાષાણની દિવાલોમાં મને શા માટે કેદમાં રાખ્યો છે?
ત્યારબાદ એક પછી એક તર્ક બધ્ધ કારણો આપીને આ બધું જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, એ આક્રોશ સાથે કહે છે,અખાની જેમ.
આ કાવ્યથી વધારે જોરદાર રીતે મંદિરની કુરીતિઓ વિષેનું કોઈ કાવ્ય કદાચ કોઈએ નહીં લખ્યું હોય.આવી તો કેટલીયે કવિતાઓ, કેટલાય લખાણો અને કેટલાયે વાર્તાલાપો થઈ ગયા,પણ મંદિરોની સંસ્કૃતિમાં લેશમાત્ર પણ ફરક પડ્યો નથી. હવે તો કેટલાક મંદિરોમાં દર્શન કરવા માટે પણ ટીકીટ ખરીદવી પડે છે.
રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા...
વાચકોના પ્રતિભાવ