વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1044 ) સ્વ. સુરેશ દલાલનાં ઘડપણ અને મૃત્યુ વિષય પરનાં કેટલાંક અછાંદસ કાવ્યો

 Dr.Suresh Dalal

ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ,પ્રખર સાહિત્યકાર,જાણીતા નિબંધકાર, સંપાદક અને આજીવન અક્ષરના ઉપાસક ડો સુરેશ દલાલનું નામ ગુજરાતીભાષીઓને માટે અજાણ્યું નથી.તા.૧૦મી ઓગસ્ટ,૨૦૧૨ના રોજ જન્માષ્ટમીના પવિત્ર દિવસે મુંબઇ ખાતે તેઓના નિવાસ સ્થાને હૃદય બંધ પડી જવાથી ડો.સુરેશ દલાલનું અવસાન થયું હતું.એ વખતે એમની વય ૮૦ વર્ષની હતી.

ડો.સુરેશ દલાલે એમનાં ૮૦ વર્ષના સક્રિય જીવન દરમ્યાન ઘણા વિષયો ઉપર એમની આગવી શૈલીમાં પુષ્કળ દિલચસ્પ અને લોક પ્રિય કાવ્યોનું સર્જન કર્યું હતું.આ કાવ્યોમાં ડોસા-ડોસી કાવ્યો જેવો હળવો વિષય પકડીને કે મૃત્યુ જેવા ગંભીર વિષય ઉપર પણ એમની કલમ ચલાવી હતી.

“મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મુકીએ છીએ

એ પહેલાં

હૃદય પર પથ્થર મુકવો પડે છે.”

–સુરેશ દલાલ

જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એ વ્યક્તિના જીવનનો અંત આવી જાય છે,જીવન પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. કોઈ સ્વજનના મૃત્યુ બાદ એના શબ પર ફૂલ મુકવાનું કામ નજીકના સંબંધી માટે સહેલું હોતું નથી. હૃદય ઉપર પથ્થર મુકીને એટલે કે ફૂલ મુકનાર હૃદયને કઠીન બનાવીને જ ફૂલ મુકવાનું કાર્ય કરતો હોય છે.

જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે.એક વખત જે શરીર મિત્ર જેવું હતું અને માગ્યું કામ કરી આપતું હતું એ શરીર ઘડપણમાં નબળું પડે છે, અનેક રોગોનું ઘર બની જાય છે.જાણે કે એ મિત્ર મટીને વેરી એટલે કે દુશ્મન બની જાય છે.એક વખતનો શરીરનો અમૃત કુંભ અંતે ઝેરી બને છે.જીવનમાં જે મનોરથો હતા એ ઘડપણના દાવાનળમાં વધેરાઈ જાય છે.એક વખત દોડતા પગ હવે ઢીલા પડી જાય , આંખે ઝાંખપ આવી જાય છે વિગેરે અનેક ફેરફારો વિષે એમનાં નીચેનાં અછાંદસ કાવ્યોમાં એમના વિચારો ડો.સુરેશ દલાલે રજુ કર્યા છે.

મૃત્યુ અગાઉ ડો.દલાલની તબિયત ઘણો વખત માટે નાદુરસ્ત રહી હતી.જીવનની ઢળતી ઉંમરે એમણે ઘડપણ અને મૃત્યુ જેવા ગંભીર વિષય પર એમના મનોમંથનમાંથી જન્મેલ અછાંદસ કાવ્યો રચ્યાં એમાંથી મને ગમેલ કેટલાંક ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કાવ્યો આજની પોસ્ટમાં નીચે રજુ કરેલ છે.

કાવ્ય..૧.

દોસ્ત જેવું શરીર મારું વીફરે વેરી થઇને.
અમૃતનો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને.

તનોમંથન ને મનોમંથન
કે મંથનનું એક ગામ
દુકાળને અતિવૃષ્ટિથી
આ જીવન થયું બદનામ.

દાવાનળમાં મનોરથોને સાવ વધેરી દઈને
દોસ્ત જેવું શરીર મારું વીફરે વેરી થઈને.

પગ અટક્યા છે, આંખે ઝાંખપ
કાનને અવાજ ના ઉકલે
થાક થાકની ધાક શરીરમાં
પેઠી તે નહીં નીકળે.

ઉભો થઈશ કે નહીં : ખાટલો આ ખંખેરી દઈને ?
દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઇ ને.

કાવ્ય.૨

આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને સ્પર્શ નથી વરતાતો.

સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા, લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કંઈ કશું નહિ, વહી ગયેલી વય.

પંખી ઉડ્યું જાય ને પછી કંપે જરી ડાળી……

કાવ્ય-૩

દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
ક્યારેક ક્યારેક અહીં ઉગે છે ચંદ્ર પૂર્ણ, મધુરો.

આમ ને આમ આ શૈશવ વીત્યું
ને વહી ગયું આ યૌવન,
વનપ્રવેશની પાછળ પાછળ
ધસી આવતું ઘડપણ.

સ્વાદ બધોયે ચાખી લીધો : ખાટો, મીઠો, તૂરો.
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.

હવે બારણાં પાછળ ક્યાંક તો
લપાઈ બેઠું મરણ,
એણે માટે એકસરખા છે
વાઘ હોય કે હરણ.

ઝંખો, ઝૂરો, કરો કંઈ પણ : પણ મરણનો માર્ગ શૂરો,
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.

ઉપર મુજબનાં ઘડપણ અને મૃત્યુ જેવા ગંભીર વિષય વિશેનાં કાવ્યો ડો.સુરેશ દલાલે રચ્યાં હતાં તો એમની બીમારી વચ્ચે પણ મસ્તીના મિજાજ સાથે જીવનની સકારાત્મક બાજુને રજુ કરતાં જીવન પ્રેરક કાવ્યોમાંથી બે કાવ્યો કાવ્ય નીચે પ્રસ્તુત છે.

કાવ્ય-૪ મરણ તો આવે ત્યારે વાત

મરણ તો આવે ત્યારે વાત
અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત.

ખીલવાનો આનંદ હોય છે,
ખરવાની કોઈ યાદ નથી.
સુગંધ જેવો ભીનો ભીનો
વરદાન સમો વરસાદ નથી.

સોના જેવો દિવસ, રૂપા જેવી રાત
મરણ તો આવે ત્યારે વાત

હરતા રહેવું, ફરતા રહેવું
ઝરણાની જેમ વહેતા રહેવું
મહેફિલને મનભરીને માણી
જલસા જલસા કહેતા રહેવું

જીવન અને મરણની વચ્ચે નહીં પ્રશ્નો, પંચાત.
મરણ તો આવે ત્યારે વાત.

કાવ્ય -૫ આપણી રીતે રહેવું

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક:
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

–ડો.સુરેશ દલાલ

2 responses to “( 1044 ) સ્વ. સુરેશ દલાલનાં ઘડપણ અને મૃત્યુ વિષય પરનાં કેટલાંક અછાંદસ કાવ્યો

  1. pragnaju એપ્રિલ 19, 2017 પર 3:20 પી એમ(PM)

    સુદને સ્મરણાંજલી

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.