વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: મે 2017

1057- શ્રી રમેશ ચાંપાનેરીનો હાસ્ય વ્હાલનો દરિયો …… સંકલિત …..

સાભાર … શ્રી જીગ્નેશ અધ્વર્યુ / અક્ષર નાદ

શ્રી રમેશ ચાંપાનેરીના હાસ્ય લેખો …  

 

શરીર ફર્નીચરનો શો રૂમ છે! – રમેશ ચાંપાનેરી

શું સાલું ભગવાને આપણું શરીર બનાવ્યુ! શરીરનો કોઈપણ માલ બહારથી આયાત કર્યા વગર પૃથ્વી પર નિકાસ કર્યો. પાછી પ્રોડક્ટમાં કોઈ મિસ્ટેક નહિ! એમાં કેવાં કેવાં તો ફર્નીચર સેટ કરેલાં. બધા જ ફર્નીચર પાછા એકબીજા સાથે સંકળાયેલા ને એકબીજા સાથે સહકાર પણ કેવો સોલિડ ને સંપ પણ કેવો મજબૂત! જીભડીએ કાલે મારા વિષે લવારો કરેલો એવી જીદ પકડીને, જઠરે ક્યારેય આવેલો માલ અટકાવ્યો નથી. દાંતે ખોરાક ચાવવા માટે હડતાળ પાડી નથી. બધા જ પોતપોતાનું કામ, એક પણ સુપરવાઈઝર કે સી.ઈ.ઓ વગર સંભાળે. ભગવાને વ્યવસ્થા જ એવી બનાવેલી કે એને ધક્કા મારવા જ ન પડે. ‘જીવે ત્યાં સુધી વાપરતો જા, ને હરિના ગુણ તું ગાતો જા. તું તારે જલસા કર બેટા!’ પણ કદર કોને છે?

અક્ષરનાદની નીચેની લીંક પર ક્લિક કરીને આ આખો હાસ્ય લેખ વાંચો.

                  શરીર ફર્નીચરનો શો રૂમ છે! – રમેશ ચાંપાનેરી

અક્ષર નાદમાં પ્રગટ શ્રી રમેશ ચાંપાનેરીના આવા બીજા હાસ્ય લેખો વાંચવા માટે

નીચેની લીંક પર ક્લિક કરો.

  http://www.aksharnaad.com/tag/ramesh-chapaneri/

અક્ષર નાદ દ્વારા પ્રકાશિત શ્રી રમેશ ચાંપાનેરીની હાસ્ય સામગ્રીની ઈ-બુક  વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

હાસ્ય વ્હાલનો દરિયો .. રમેશ ચાંપાનેરી –

 

સંપર્ક
રમેશભાઈ ચાંપાનેરી
A/6 નંદનવન પાર્ક, ટીવી રીલે કેન્દ્ર
અમરનાથ મંદિર સામે, વલસાડ
ફોન 91 94268 88880

1057- પ્રેમ આપશો એટલો મેળવશો ….. ચિંતન લેખ … – શ્રીલેખા યાજ્ઞિક

પ્રેમ આપશો એટલો મેળવશો …પ્રાસંગિક – શ્રીલેખા યાજ્ઞિક

થોડા સમય પહેલાં એક સત્ય ઘટના વાંચવામાં આવી હતી. એક બ્રાઝિલિયન યુવાન થિયાગો ઓહાના વિયેનામાં આવેલી ઈન્ડિયન એમ્બેસીના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગમાં કામ કરતો હતો. આ યુવાને નાની વયમાં તેના માતા-પિતા બંને ગુમાવી દીધા. તેની પાસે ઘર તો હતું. ઘરમાં સતત એકલા રહેવાથી તે અતિશય કંટાળી ગયો હતો. તેણે વિચાર્યું કે કંટાળાનો ઉપાય તો શોધવો જ રહ્યો. પોતાના ઘરની પાસે આવેલા એક જાહેર-બાગમાં પહોંચી ગયો. બે ઘડી તેણે આમતેમ જોયું, બે હાથ પહોળા કરીને તે બોલવા લાગ્યો, ‘કોઈપણ પ્રકારની ફી આપ્યા વગર મને પ્રેમથી વળગી લો’.

બાગમાં બેઠેલી એક બે વયસ્ક વ્યક્તિઓ કે જે એકલી રહેતી હતી, તે આ યુવાનની પાસે આવીને તેને આંખમાં આંસુ સાથે વળગી પડી. બેઉ જણ યુવાનને શાબાશી આપતા કહેવા લાગ્યા કે બેટા તે એવું કામ ર્ક્યું છે કે જેનો અમે ફક્ત વર્ષોથી વિચાર જ કરતા રહ્યા. એકલવાયું જીવન પસાર કરીને અમે એવા તો કંટાળી ગયા છીએ કે તે આપેલી એક જાદુની ઝપ્પીએ અમારા જીવનને પ્યારથી ભરી દીધું. આજની તારીખે મહિનામાં એક-બે વખત ઓહાના બે હાથ ખોલીને જાહેર સ્થળોએ ફરતો રહીને લોકોને પ્રેમથી ભેટે છે.

તેનું કારણ જણાવતા થિયાગો કહે છે કે એક વખત તે પેરિસ એકલો ફરવા ગયો હતો, ત્યારે માનસિક તાણને કારણે વ્યગ્ર બની ગયો હતો. અચાનક એક અજાણ્યા માણસે તેને પ્રેમથી આલિંગન આપ્યું. અજાણ્યા દેશમાં તેનું મન શાંત બની ગયું, તે ગદ્ગદિત થઈ ગયો. બસ ત્યારથી થિયાગો નામક યુવાન પણ સમય કાઢીને જાહેર સ્થળે ઊભો રહીને અજાણ્યા લોકોને પ્રેમથી ભેટે છે.

આધુનિક યુગમાં બાળકો અને માતા-પિતા વચ્ચે સંબંઘોમાં ખટરાગ થવાનું મુખ્ય કારણ શું છે જાણવું છે? માતાપિતા દ્વારા સંતાનને આલિંગન આપવાનું અર્થાત્ પ્રેમથી બે ઘડી ભેટવાનું જ વિસરાઈ ગયું છે. તા ૧૫મી મે ૨૦૧૭ના સોમવારે ‘વર્લ્ડ ફેમિલી ડે’ છે. આ વર્ષનો થીમ છે ‘કુટુંબ, શિક્ષણ અને ભલમનસાઈ’. ૨૯ મે ૧૯૮૫ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૧૫મી મેનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ’ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દર વર્ષે કુટુંબની મહત્તા દર્શાવવા માટે અલગઅલગ વિષયને પસંદ કરવામાં આવે છે.

સંતાન વયમાં નાનું હોય ત્યારે કુટુંબના દરેક સભ્યો તેને કેટલું ગળે લગાડતા હોય છે. પોતાનાં ભૂલકાં સાથે કાલીઘેલી ભાષામાં વાતચીત કરીને તેની સાથે રમવાનું તેમને ગમતું હોય છે. સંતાન જેમ મોટું થતું જાય તેમ માતા-પિતા બંને બાળકને સારું શિક્ષણ મળે તેની ચિંતામાં રહેવા લાગે છે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત કરી દેવામાં આવે છે. શિક્ષણના બોજ હેઠળ સંતાનની સાથે ફક્ત તેની પ્રગતિની જ વાત કરવામાં આવતી હોય છે.

શિક્ષણ અને ધન કમાવવામાં તેઓ એટલા વ્યસ્ત બની જાય છે કે જીવનની નાની પણ અગત્યની સ્પર્શની ભાષાનો જાદુ ભૂલી જાય છે. નાની વયમાં વારંવાર જેને પ્રેમથી ગળે લગાડવામાં આવતું હતું. સમય જતાં કેટલાંક માતા-પિતા વિસરી જ જતાં હોય છે. નાની સફળતામાં શાબાશી આપવામાં આવે કે માથે હાથ ફેરવીને પળભર પ્રેમ કરવામાં આવે તેવી ઈચ્છા સંતાન સેવે છે. બેખબર માતા-પિતા સંતાનને સ્પર્શથી વંચિત રાખવા લાગે છે. સમય જતાં આ જ માતા-પિતા સંતાન તેમને બેઘડી બાથમાં ભીડે તેવી ઈચ્છા રાખતાં હોય છે!

અનેક વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે મોટી સેલિબ્રિટીઓ સંતાન સાથે ક્વૉલિટી ટાઈમ પસાર કરવાની વાત ઉપર ભાર મૂકે છે. સંતાનની સાથે બેસીને તેની ગમતી પ્રવૃત્તિ જેવી કે ટી.વી જોવું, કમ્પ્યુટર ઉપર ગેમ રમવી કે સાથે બેસીને સંતાનને ગમે તેવો પ્રોગ્રામ જોવાનું પણ કહેવામાં આવતું હોય છે. બંને પક્ષે સમયનો અભાવ વર્તાય છે. બાળકો પણ ધીમે ધીમે એક જ ઘરમાં રહેતા હોવા છતાં માતા-પિતાથી દૂર થઈ જાય છે.

સંતાન નાનું હોય ત્યારે તેની સાથે પ્રાણીબાગ કે બીચ ઉપર ફરવા જવાનું વારંવાર બનતું હોય છે. મોટું થાય તેમ ઘરના વડીલો જ નક્કી કરી લેતા હોય છે કે હવે તે મોટું થઈ ગયું છે. તેને પ્રાણીબાગ કે બીચ ઉપર ફરવાનું પસંદ નહીં પડે. તેઓ અમારી સાથે ફરવા આવશે તો કંટાળી જશે. કુટુંબના વડીલો દ્વારા જ બાળકોના વિચારો જાણ્યા વગર જ કયા પ્રવાહમાં શિક્ષણ લેવા માટે પણ મનની વાત ઠોકી બેસાડી દેવામાં આવતી હોય છે. સંતાન પણ આવા સમયે ચૂપ રહેવાનું જ પસંદ કરતા હોય છે.

આધુનિક યુગમાં અનેક વખત દેખાદેખીને કારણે સંતાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ મોકલવામાં આવે છે, ત્યારબાદ તેઓ વિદેશમાં જ સ્થાયી થઈ જાય છે. ટૅકનોલૉજીના ઉપયોગ થકી સંતાન સાથે રોજબરોજ સ્કાઈપ કે વીડિયો ફોન ઉપર વાત કરીને સંતોષ માનવામાં આવે છે. સંતાનને ઉચ્ચ શિક્ષણ આપવામાં તો જરાપણ કચાશ રાખવામાં આવતી નથી. માનવીય મૂલ્યો જેવા અન્ય વ્યક્તિ સાથે વાતચીત કે પ્રેમની ભાષા શીખવવાનું જ વિસરાઈ જાય છે. સંતાનમાં ભલમનસાઈના ગુણનો પમરાટ ફેલાવવાને બદલે તે ઘમંડી બની જતો હોય છે.

તાજેતરમાં અમેરિકામાં સ્ટેન્ડ અપ કોમેડી (એકપાત્રી)શૉના જાણીતા હોસ્ટ વૅટન ઓસવાલ્ડે ટાઈમ મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે આધુનિક ઉપકરણોના ઉપયોગમાં દીવાનો બનેલો આજનો સમાજ કૌટુંબિક સંબંધો અને એકબીજા સાથે સંવાદ સાધવાનું ટાળવામાં માસ્ટર બનતો ગયો છે. વૅટન ઓસવાલ્ડે થોડા સમય સુધી આધુનિક ઉપકરણોનો ઉપયોગ સંંદતર બંધ જ કરી દીધો. જેમનો સંપર્ક કરવાનું મન થાય તેમને પ્રત્યક્ષ મળીને તેને બાથમાં ભર્યા બાદ મન ભરીને વાતો કરવાનું શરૂ ર્ક્યું. તે પોતાનો અનુભવ જણાવતા કહે છે કે અંગત વ્યક્તિઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરવાથી દિલમાં એક પ્રકારનો સંતોષ ઊભો થયો.

હા, છેલ્લા એક દશકામાં વિશ્ર્વના વિવિધ દેશોમાં કુટુંબીજનોના અંગત સંબંધોમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે. ભારતમાં આજે પણ ‘વસુધૈવ કુટુંબક્મ’ની ભાવના જળવાઈ રહી છે. સંયુક્ત કુટુંબો તૂટીને વિભક્ત કુટુંબોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. જેને કારણે સંતાનો ફક્ત માતા-પિતાના વિચારો અને વર્તણુંકને નજીકથી નિહાળી શકે છે. અનેક પરિવારોમાં માતા-પિતા આત્મકેન્દ્રી બનીને પાર્ટીઓમાં જ વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. બાળપણમાં સંતાન ઉપર પ્રેમથી હાથ પ્રસરાવનાર કુટુંબના અંગત સભ્યો જ સગીર વયમાં બાળકને પોતાનાથી દૂર કરી દેતા હોય છે. સંતાન મનોમન હીજરાય છે. ક્યારેક લાગણીવશ થઈને કે ક્યારેક ગુસ્સે થઈને ખોટા રસ્તે ચઢી જાય છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે.

સ્વીડનની એક યુનિવર્સિટીના દ્વારા ખાસ પ્રકારનું ‘ટચ-ફાઈબર’ વિકસાવવામાં આવ્યું છે. જે માનવીના શરીરમાં ચોક્કસ પ્રકારે લગાવવાથી વિવિધ પ્રકારના સ્પર્શનો અનુભવ મેળવી શકાય છે. દિવ્યાંગ બાળકો જ્યારે વિચલિત બની જાય છે ત્યારે તેમનો ગુસ્સો ખાસ પ્રકારના ‘પ્રેસર ટચ-બ્રશ’ના ઉપયોગ થકી શાંત પાડી શકાય છે. બાળક નાનું હોય ત્યારે તેમને માતા-પિતાના સ્પર્શ દ્વારા આનંદિત જોઈ શકાય છે. વય વધવાની સાથે સ્પશર્ર્ કરતા ત્વચાના છિદ્રોની ગુણવત્તા શાંત પડી છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે સ્પર્શના છિદ્રો ઘટી જતા હોય છે. તેમ છતાં પ્રેમ-લાગણીથી કોઈપણ વ્યક્તિ ઉપર હાથ ફેરવવામાં આવે તો વ્યક્તિ હળવોફૂલ બની જાય છે. તેથી તો કહેવાય છે કે કુટુંબ એક એવી જગ્યા છે જ્યાં જીવનની શરૂઆત થાય ત્યારથી પ્રેમની ભાષા અનંત બની જાય છે.

સાભાર -સૌજન્ય http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=221531

1056- મારો સુવિચારોનો ચારો….રમુજી લેખ …. સંજય છેલ

ક્વૉટેશન કે સુવાક્યો દાળ પર નખાતા તડકા કે વઘાર જેવું કામ કરે છે

મિજાજ મસ્તી – સંજય છેલ

લખતાં લખતાં કંઈ ના સૂઝે ત્યારે વિચાર આવે કે માત્ર વિચારો જ લખવા અને પછી એને લંબાવીને ડાહ્યાડમરા નિબંધકાર થઈ જવું. પણ જોકે એ લાગે છે એટલું કામ સહેલું નથી. માન્યુ કે નિબંધમાં નિર્બંધ રીતે કંઈ પણ લખવાનું લાઈસન્સ આસાનીથી મળી જાય છે પણ સાથોસાથ એમાં જોરદાર સુવિચારોની પણ આવશ્યકતા રહે છે. ક્વોટેશન કે સુવાક્ય એ દાળ પર નખાતા તડકા કે વઘાર જેવું કામ કરે છે. ફિલ્મોમાં જેમ સીટી માર ડાયલોગ આવે એમ નિબંધમાં પણ સુવાક્યોથી બોરિંગમાં બોરિંગ વાત પણ ડેરિંગ સાથે નિખારી શકાય છે. વળી મજા એ છે કે લખેલ ક્વૉટેશન કોનું છે અને કોણે એને ખરેખર કહ્યું છે કે નહીં એ ચેક કરવાની કોઈને જ પડી નથી હોતી. એમાં અફવા જેવી ઈનબિલ્ટ ફેસિલિટી છે. ‘કોઈએ કહ્યું છે’ એમ કહીને કલમને કિક સ્ટાર્ટ મારી શકાય છે એટલે મેં ‘કયા વિષય’ પર નિબંધ લખવો એ નક્કી કરતાં પહેલાં થોડા મૌલિક સુવિચારો રેડીસ્ટોકમાં ભેગા કરી લેવાનું નક્કી કર્યું. મોટા ભાગના સુપરહિટ સુવિચારો ઓલરેડી વપરાઈ ગયા છે એટલે થયું આપણે પોતે જ હાથ અજમાવીએ! જો ૨૦-૩૦ ધમાકેદાર સુવિચારો મળી જાય તો આપણી માર્કેટ પણ ઊભી થાય એ આશયથી અમુક સુવાક્યો તૈયાર કર્યાં. પેશ-એ-ખિદમત છે:

* દુખનાં અને સુખનાં, બેઉનાં આંસુ ખારાં જ હોય છે, ઈશ્ર્વરને પણ એમાં ટાઈમ વેસ્ટ કરવા જેવો ન લાગ્યો એટલે એણે આંસુઓમાં ઝાઝી વરાઈટી ન બનાવી!

* સંબંધ એક એવો બંધ છે જેમાં પૂર આવે તોયે છલકાતો નથી!

* બીજાનું સુખ અને પોતાની ભૂખ હોય એના કરતા આપણને હંમેશાં વધારે જ દેખાતાં હોય છે!

* જિંદગી એક નાટક છે, પણ જીવન નામના નાટકમાં ઈન્ટરવલ નથી હોતો નહીં તો મોટા ભાગના લોકો અડધેથી જ છોડીને ભાગી જાત!!

* વહેલી સવારે ચાલવા જવામાં ઘણા ફાયદા છે પણ સૌથી વધારે ફાયદો એ છે કે તમે છાપામાં આવતાં ખરાબ ખરાબ સમાચારો થોડા મોડા વાંચી શકો છો!!

* નજીકનું જોવાનાં ચશ્માં હોય તો પણ કિસ કરતી વખતે પ્રેમીના હોઠ શોધવામાં એની જરૂર પડતી નથી!

* વહેલી સવારનાં સપનાં સાચાં પડતાં હોત તો આખી દુનિયા સવારથી રાત સૂતી હોત અને રાત્રે જ જાગતી હોત!!

* કોયલનો ટહુકો સાંભળીને તમને જ્યારે એમ શંકા જાય કે એ તો કોયલનો ઓડકાર હશે ત્યારે પેટ ચેક કરાવવા જવું જોઈએ. (અફ કોર્સ, તમારું પેટ, કોયલનું નહીં.)

* દરેક ગોરી છોકરી સુંદર નથી હોતી, દરેક કાળી છોકરી ખરાબ નથી દેખાતી!

ઈશ્ર્વર જો આ વિશે શ્યોર ન હોત તો ગ્રે રંગની છોકરી બનાવત અને એ વાત પણ સાબિત કરી નાખત.

* તમારાથી વધારે પાવરફુલ લોકોની મજાક ઉડાવશો તો એ લોકો તમને ભારે પડશે! જો તમે તમારાથી નબળાની મજાક ઉડાવશો તો તમારું ખરાબ દેખાશે! માટે તમારે તમારા જેવાની જ મજાક ઉડાવવી, અને એ માટે શ્રેષ્ઠ ઉપાય ‘અરીસો’ છે!

* ફિલ્મ બનાવવા કરતાં જોવી સહેલી છે! કારણ કે ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તમે પોપકોર્ન ન ખાઈ શકો, પણ ફિલ્મ જોતી વખતે એ સુવિધા મળે છે!

* ‘હા’ અને ‘ના’ વચ્ચેનો પણ એક જવાબ હોય છે જે તમે ન આપો તો ચાલે! પૂછશો કે ‘શું?’ પણ હું પણ એ જવાબ નહીં આપું!!

* નવી હોલીવુડની ફિલ્મ જોતાં પહેલાં જૂની અંગ્રેજી ડિક્શનરી જોવી પડે તો એમ સમજવું કે તમારા જીવનની ડિક્શનરીમાં ‘ઈમાનદારી’ શબ્દ બચ્યો છે ખરો!!

* પોલીસે કરેલા ગુંડાઓના એન્કાઉન્ટરની તરફેણ કે વિરુદ્ધમાં બોલતાં પહેલાં બુલેટપ્રૂફ જૅકેટ પહેરવાની જરૂર નથી પડતી.

* લાંબું લખનારે પ્રેમપત્ર લખતી વખતે ખાસ ધ્યાન રાખવું! પત્ર વાંચનાર જો કંટાળી જશે તો એ તમને છોડીને પોતાનું ‘અનુસંધાન’ બીજા કોઈક સાથે જોડી દેશે!

* ગાળો બોલવામાં જો મર્દાનગી હોત તો પરણ્યા વિના કે છોકરીને મળ્યા વિના જ ઘણા મવાલીઓને ઘરે બાળકોની ફોજ ઊભી થઈ ગઈ હોત.

* મૂર્ખ માણસની ટીકા કરવી નહીં, કારણ કે એમ કરવાથી તમે એને પોતાની જાતને ‘શાણો’ માનવા માટે ઉશ્કેરો છો! જોકે પ્રશંસા કરશો તો પણ એમ જ થશે! માટે ચૂપ રહેવું!!

* કોઈ પુરુષ લાલપીળાંજાંબલી કપડાં પહેરીને તડકામાં ફરતો હોય તો એનાથી તમારે દૂર જ રહેવું, કારણ કે એનો અર્થ એ નક્કી એને બરોબર દેખાતું નથી એટલે એ કદાચ તમને અથડાઈ શકે છે અને જો એ માણસ ગાડી ચલાવતો હોય તો તરત જ તમારે એક ખૂણે એનાથી દૂર ભાગી જવું!

* એક લેખક તરીકે લોકોને જે જે વાતો ગમે, જે સરકાર ગમે કે જે ફિલ્મો ગમે, એવું જ તમે સતત લખતા રહેશો તો એક દિવસ લોકો તમને વાંચવાને બદલે પોતાનું જ લખાણ તમને લખીને મોકલશે!

* જેના બંગલાઓ કોન્ક્રીટ અને ટાઈલ્સના બનેલા હોય એ માણસ જ્યારે જંગલ-ખેતર-પ્રકૃતિ બચાવવાની વાતો કરે ત્યારે એવું લાગે કે દાઉદ ઈબ્રાહિમ, ગાંધીજીને અનુસરે છે!

* મૃત્યુ ઉત્સવ છે એ સાચું પણ જો કોઈ માણસ પોતાની બીમારીને પણ ઉત્સવની જેમ હરખભેર મનાવે કે ચર્ચા કરે તો એનો અર્થ એ કે મેડિકલ પોલિસી સારી છે અથવા તો પ્રસિદ્ધિ પામવાની એની પોલિસી ખરાબ છે!

* શાણો કવિ વાતે વાતે કવિતા ક્યારેય નથી બોલતો, અંબાણી કે ટાટા વારે વારે મફતમાં શેર સર્ટિફિકેટ કોઈને આપે છે?

* પ્રેમી કે કલાકાર હોવા માટે દુખી દુખી થવાની જરાયે જરૂર નથી, તમે દુખી હો તો સન્માન મળે જ એવું કાંઈ નથી નહીં તો દુખી-બેહાલ ‘દેવદાસ’ પર ૧૨ વાર ‘દેવદાસ’ ફિલ્મ બની છે પણ મંદિર કે સ્મારક એક પણ નથી બન્યું!

* મોબાઈલમાં એસએમએસ પર કે ઈ-મેઈલમાં કે ફેસબુક-ટ્વિટર પર દુશ્મન દેશ પર નફરતના સંદેશા મોકલનાર લોકોને સરકાર દ્વારા જો ફરજિયાત ફોજમાં ભરતી કરવામાં આવે તો એમાંના ૯૦ ટકા લોકો અન્ડર થઈને છુપાઈ જાય!! પોતાના ઘરની બોર્ડરની પણ બહાર ન નીકળે!!

* પ્રેમ આંધળો પણ નથી, પ્રેમ દેખાતો પણ નથી, પ્રેમ મૂંગો પણ નથી, પ્રેમ બહેરો પણ નથી. સાચો પ્રેમ તો એકદમ તંદુરસ્ત હોય છે! પણ એ તો માત્ર શરૂ શરૂમાં એમાં આ બધી બીમારીઓ પછીથી આવવા માંડે છે.

* પાનખરમાં ચાલવાથી પગ નીચે પાંદડાનો જે ‘મર્મર’ અવાજ આવે છે એને અને મમરાની થેલી હલાવવાથી આવતા ‘મમરા’ અવાજની વચ્ચે જ ક્યાંક ‘મર્મ’ છુપાયેલો છે! (હાશ, વાક્ય પૂરું થયું! સાલો શ્ર્વાસ અટકી ગયેલો!!)

* બધા સેક્યુલરો કાંઈ સ્યુડો નથી હોતા, બધા સ્યુડો કાંઈ સેક્યુલર નથી હોતા! જેમ કે સેક્યુલરો (ફરફરિયાં) ખરેખર ક્યારેય સર્ક્યુલર (ગોળ) આકારના નથી હોતા! (અર્થ ન સમજાય તો એમ સમજવું કે આમાં કશીક ઊંડી વાત હશે!)

* જો દર વર્ષે ‘વેલેન્ટાઈન્સ-ડે’ વિષે તમારી અંદર અચાનક ઉત્સાહ ઊભરાય તો એમ માનવું કે તમારે હવે એક વાર તો કોઈકની સાથે એને ઊજવી જ લેવો જોઈએ. કોઈ ન મળે તો એકલા એકલા ઊજવી લેવો. એને ‘એકલેન્ટાઈન્સ-ડે’ જેવું રૂપાળું નામ પણ આપી શકાય!

* વૃંદાવનમાં જનારા બધા જ કાંઈ રાધા, ગોપી કે કૃષ્ણ નથી હોતા કે નથી બની શકતાં! અસલના વૃંદાવનમાં પણ જે અમુક ગોવાળો ત્યાં ગયા હતા જે માત્ર પોતાની ખોવાઈ ગયેલી ગાયો શોધવા જ ત્યાં આવેલા એટલે ખામખા દર વખતે ભાવુક ન બનવું!

* ગૌતમ બુદ્ધના વિચારો વારંવાર બોલ્યા કરવા કરતાં એમના મહાન મૌનને જો માત્ર પ ટકા પણ લોકો સમજી શકે તો સૌના જીવનની ૯૫ ટકા સમસ્યાઓ દૂર થઈ જાય!!

* બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં બે વાર તો સાચો સમય દેખાડતી જ હોય છે! પણ શરત એ છે કે તમારે બરોબર એ જ વખતે ઘડિયાળ સામું જોવું પડે. એ જ રીતે દોઢડાહ્યાઓ પણ ક્યારેક ભૂલથી સારી વાત કહી દેતા હોય છે પણ એમાં શરત એ છે કે ત્યારે એમની સામે ન જવું નહીં તો આખી જિંદગી રોજ બે વાર એ તમને યાદ અપાવશે.

* કહે છે કે જીવનમાં જે વસંત લાવી દે એ જ સંત! પણ જીવનની વસંતમાં રોજ વસંતપંચમી લાવી દે એ જ સાચો ‘પંચ’ અને પંચ એટલે મુક્કો અને રમૂજ બેઉ!!

… સુજ્ઞ વાચકો, હમણાં આટલા સુવિચારોથી કામ ચલાવજો, નવા સૂઝશે તો જાણ કરીશું!!

http://chandusheth.blogspot.com/2013/02/blog-post_5945.html

1055- દેખાતા અને નહીં દેખાતા રસ્તાઓ … મનની મોસમ : અનિલ ચાવડા

દેખાતા અને નહીં દેખાતા રસ્તાઓ
મનની મોસમ : અનિલ ચાવડા

અનીલ ચાવડા

ધીમી ચાલથી ન ડરો, પણ ચુપચાપ પડયા રહેવાથી ડરો.
– ચીની કહેવત

બેપ્રકારના રસ્તા હોય છે, એક આપોઆપ સર્જાતો હોય છે, જ્યારે બીજો આપણે સર્જવો પડતો હોય છે. ઘણા માણસો આપોઆપ સર્જાયેલા રસ્તા જેવા હોય છે,કોઈ પણ વ્યક્તિ તેની પર પોતાના વિચારો ચલાવી શકે છે. ઘણા માણસો નવા કંડારવામાં આવતા રસ્તા જેવા હોય છે. એમની સાથે સંબંધ રાખતી વખતે આપણે ઘણી બધી તોડજોડ કરવી પડતી હોય છે. શહેરમાં ક્યારેક રસ્તો પહોળો કરવા માટે ઘણાં બધાં ઘર, મંદિર અને ફ્લેટ પણ તોડી પડાતાં હોય છે, અમુક માણસોના સંબંધમાં પણ આવું જ થાય છે.

રસ્તો ઘણી બધી રીતે પ્રતીક થઈ જાય છે. ક્યારેક પરિસ્થિતિ રસ્તો સર્જતી હોય છે, રસ્તો પણ ક્યારેક પરિસ્થિતિ સર્જતો હોય છે. જરૂરિયાત કોને કોની છે, તેની પર બધો જ આધાર છે. ક્યારેક તમારે કોઈ વ્યક્તિને પણ રસ્તાનું માધ્યમ બનાવવી પડતી હોય છે. કોઈની સાથેનો સંબંધ માત્ર ક્યારેક ક્યાંક સુધી પહોંચવાનો રસ્તો જ બની રહેતો હોય છે, એનાથી વિશેષ કશું જ નહીં. આપણને જ્યારે ખબર પડે કે તે વ્યક્તિ આપણી માટે માત્ર આપણા ધાર્યા મુકામ સુધી પહોંચવાનો રસ્તો નહોતી, એની સિવાય પણ બીજું ઘણું બધું હતી, ત્યારે તે રસ્તા પર ઘણાં ઝાડીઝાંખરાં ઊગી ગયાં હોય છે અથવા તો તે રસ્તો બીજા કોઈની માલિકીનો થઈ ગયો હોય છે. આપણો ખરો રસ્તો પણ ક્યારેક આપણે ગુમાવી દેતા હોઈએ છીએ.

સંબંધને રસ્તા તરીકે ન જોતાં સંવેદન તરીકે જોવા જોઈએ. સંબંધ એ હૃદય અને મગજ બંને આંખે જોવાની વસ્તુ છે. જોકે સંબંધ કોઈ વસ્તુ પણ નથી. તે છે. માત્ર છે. એક અદૃશ્ય સેતુ છે. એક માણસને બીજા માણસ સાથે જોડતો સેતુ. તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધથી જોડાઓ છો, ત્યારે તમારા બંને વચ્ચે એક અદૃશ્ય રસ્તો કંડારાતો હોય છે, એક અદૃશ્ય સેતુ રચાતો હોય છે. તમને પોતાને પણ ખબર નથી હોતી અને તમે એ રસ્તા પરના યાત્રી બની જાવ છો. રસ્તા બહાર બનતા હોય છે, એવા જ આપણી અંદર પણ બનતા હોય છે. પણ આપણે એ રસ્તા દ્વારા એકબીજા સુધી પહોંચવાનું હોય છે. રતિલાલ ‘અનિલે’લખેલો આ શેર ગુજરાતી ગઝલમાં ચિરંજીવ છેઃ

નથી એક માનવી પાસે
બીજો માનવ હજી પ્હોંચ્યો,
અનિલ મેં સાંભળ્યું છે
ક્યારનો બંધાય છે રસ્તો.

રસ્તા બંધાયા કરે છે, એક સ્થળથી બીજું સ્થળ જોડાયા કરે છે, પણ એક માનવ હજી બીજા માનવ સુધી નથી પહોંચી શક્યો. દરિયામાં ચાલતા વહાણનો પણ પોતાનો રસ્તો હોય છે, તે જેમતેમ કે જ્યાંત્યાં નથી ચાલતું. વહાણ પોતાના નિશ્ચિત રસ્તા પર ન ચાલે ત્યારે તે ભટકી જતું હોય છે, આકાશમાં ઊડતા વિમાનનો પણ એક ચોક્કસ અને નિશ્ચિત માર્ગ હોય છે. કારણ વિના તે પોતાના આ અદૃશ્ય માર્ગને ઉવેખી શકે નહીં. દરેક વસ્તુને એકબીજા સાથે જોડતો એક માર્ગ છે. વ્યક્તિથી લઈને વસ્તુ સુધી દરેક જગ્યાએ રસ્તો દૃશ્યમાન રીતે અને અદૃશ્ય એમ બંને રીતે પથરાયેલો છે. આપણે પોતે પણ એક રસ્તો છીએ, આપણા અસ્તિત્વનો. આપણું અસ્તિત્વ આપણને ચલાવે છે. અહીંથી ત્યાં જવું, વાતો કરવી, છૂટા પડવું, ફરી મળવું આ બધી તો યાત્રા છે. રસ્તો તો આપણે સ્વયં છીએ. આપણી પર આપણે ચાલીએ છીએ. આપણને લઈને આપણે ચાલીએ છીએ. ચાલતા રહેવું એ પરમ ધર્મ છે. સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે ફરે તે ચરે. કંઈક મુશ્કેલીમાં ફસાઈએ ત્યારે આપણે કહીએ છીએ કે ચાલો બધા ભેગા મળીને કોઈ રસ્તો કાઢીએ. ચીનમાં પણ કહેવત છે કે તમારી ચાલ ધીમી હશે તો વાંધો નથી,પણ ચાલતા રહેવું જરૂરી છે. સાવ નિષ્ક્રિય થઈ ચુપચાપ બેસી ન રહેવું. નિષ્ક્રિયતા માણસને ખાઈ જાય છે. તે ઉધઈ જેવી હોય છે. આપણા પગ, આપણા વિચારો અને આપણું કાર્ય ચાલતું બંધ થઈ જાય છે, ત્યારે આપણો રસ્તો પણ અટકી જાય છે. ત્યારથી આપણી પણ ઉધઈ લાગવાની શરૂ થી જાય છે.

સુગંધનો પણ પોતાનો માર્ગ હોય છે. વાયુનો’ય પોતાનો માર્ગ હોય છે. ટહુકાની ગતિનો પણ આગવો પથ હોય છે. એ વાત જુદી છે કે દરેક માર્ગ એકબીજા પર આધારિત હોય છે. દરેક રસ્તા ક્યાંક ને ક્યાંક તો એક-બીજા સાથે જોડાતા જ હોય છે ને. પછી તે સંબંધના હોય કે ડામરના! તકલીફ તો ત્યારે પડે છે, જ્યારે રસ્તો ફંટાય છે. આપણો રસ્તો આપણે જ્યાં જવું છે, ત્યાં ન લઈ જતાં બીજી બાજુ ફંટાય છે ત્યારે આપણને મુશ્કેલી પડતી હોય છે.

રસ્તો એ જીવંતતાનું પ્રતીક છે. આનંદ અને ઉદાસીનું બંનેનું પ્રતીક છે. બધા જ પોતપોતાનો રસ્તો છીએ. તમે પણ અને હું પણ. રસ્તો એ છેવટ રસ્તો છે. મારો આ લેખ પણ આખરે તમારા સુધી પહોંચતો મારા શબ્દોનો અને વિચારોનો એક રસ્તો જ છે ને!

Anil Chavda

========================================

કવિ અનીલ ચાવડાની એક મજાની કાવ્ય રચના 

બીજું પણ કંઈ ઘણું બધું છે

આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

– અનિલ ચાવડા
http://www.anilchavda.com/

1054- કેન્સરને હંફાવવાની શૌર્યકથા …… રમેશ તન્ના

કેન્સરને હંફાવવાની શૌર્યકથા-રમેશ તન્ના

આજે ગુજરાતના લાડકા બહુમુખી કળાકાર અર્ચન ત્રિવેદીનો 51મો જન્મદિવસ છે અને મારે મિત્રો સાથે તેની કેન્સરને હરાવવાની પ્રેરક કથા વહેંચવી છે. કથા થોડીક લાંબી છે, પણ તેનો એક એક વર્ડ ફોરવર્ડ કરવાનું મન થાય તેવો પ્રેરક છે. પોઝિટિવીટીની કેટલી જબરજસ્ત તાકાત હોય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
પોઝિટિવીટીની આ કથા અમદાવાદની પોળો જેવી છે. એક પોઝિટીવ પોળમાંથી બીજીમાં જવાય છે અને બીજીમાંથી ત્રીજીમાં અને ત્રીજીમાંથી… તો પ્રેમથી “આઈ લવ યુ ” બોલીને જઈએ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં.
…….
એ દિવસ હતો 16મી નવેમ્બર 1991નો. ગુજરાતી રંગમંચ-ટીવી-ફિલ્મના અભિનેતા-ગાયક-દિગ્દર્શક અને બીજું ઘણું એવા અર્ચન ત્રિવેદીને અહીં દાખલ કરાયો હતો. ના, કોઈ રંગમંચ નહોતો અને નહોતું કોઈ નાટકનું દશ્ય. આ રિયલ જિંદગીની કરૃણ હકીકતનું સાવ જ સાચું દશ્ય હતું.

ર્ચનને એક નહીં ત્રણ ત્રણ કેન્સર થયાં હતાં. કેન્સરનો ત્રિવેણી સંગમ અર્ચનમાં ભેગો થયો હતો. બ્લડનું કેન્સર, ફેફસાંની બાજુમાંનું એક કેન્સર અને અન્ય એક કેન્સર. કેન્સરના નિષ્ણાત ડો. પંકજ શાહે પછીથી અર્ચનને કહેલું કે આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાને જે કેન્સર થયાં હતાં, ડિટ્ટો એ જ કેન્સર તને થયાં છે, ફરક માત્ર એટલો જ છે કે ફિલ્મમાં રાજેશ ખન્ના વિદાય લે છે, તારે તારી જિંદગીની રીયલ લાઈફમાં જીવવાનું છે.

અર્ચન કહે, યસ સર, મને કશું જ ના થાય. કેન્સરના દરદીની એક ભૂમિકા ભજવવાની છે એ ભજવીને આપણે તો તેમાંથી નીકળી જઈશું બહાર..
…..
એક પછી એક અગિયાર ડોકટર અંદર આવ્યા. આ પેનેલે અર્ચનને બરાબર તપાસ્યો હતો. રૃમમાં અર્ચનનાં માતા-પિતા, ફોઈ-ફૂઆ સહિતનાં બધાં સગાં-સ્વજનો હાજર હતાં. બધાના ચહેરા પડી ગયેલા હતા. ઘણાંની આંખમાં બહાર આવી ગયેલાં અને ઘણાંની આંખમાં અંદર જ આંસુ હતાં.

દશ્ય ભારેખમ હતું. 25 વર્ષના હોનાહાર યુવકને કેન્સરે પોતાના ભરડામાં લીધો હતો. જ્યારે અર્ચનને ખબર પડી કે પોતાને કેન્સર છે ત્યારે તેણે ડોકટર સમક્ષ દલીલ કરી કે મને કેન્સર થાય જ નહીં, મને કેન્સર કેવી રીતે થાય હું પાન-મસાલા-ગૂટખા ખાતો નતી. અમે હું ચ્હા-દૂધ પણ લેતો નથી. હું કોઈ પણ પ્રકારનું વ્યસન કરતો નથી તો પછી મને કેન્સર કેવી રીતે થાય.

ડોકટરે કહ્યું કે તમારી કસોટી કરવા માટે પણ કેન્સર થઈ શકે.

ડોકટરની વાત સાવ સાચી હતી. જાણે કે અર્ચન ત્રિવેદી નામના યુવકની અંદરની શક્તિની, તેના જીવન માટેના સ્ટોન્ગ અભિગમની કસોટી કરવા માટે જ તેને કેન્સર થયું હતું. એ વખતે તો અર્ચન અને કેન્સરમાં કેન્સર વધારે મજબૂત લાગતું હતું અને તેની જ જીત થશે તેવું દેખાતું હતું, પણ કોઈ રહસ્યમય નાટકમાં અચાનક દશ્યપલટો થાય અને બાજી ફરી જાય તેવું અહીં પણ થયું. દશ્યો અદલાતાં-બદલાતાં રહ્યાં પણ જીવનનાયક અર્ચને હુકમનાં પાનાં પોતાની પાસે જ રાખ્યાં.
……..
અચાનક અર્ચને ડો. પંકજભાઈ શાહને વિનંતી કરી કે મારાં તમામ સગાંને રૃમની બહાર મોકલો, હું આપની સાથે વાત કરવા માગું છું.
એવું કરવામાં આવ્યું.
અર્ચને ડોકટર સાહેબને વિનંતી કરી કે તમે મારાં સગાંને એમ કહો કે મને કેન્સર નથી, પણ ભારેમાયલો ટીબી થયો છે. એક વર્ષની સારવારમાં મટી જશે. ડોકટરે પૂછ્યું કે આવું કેમ કહેવું છે તો અર્ચને જવાબ આપ્યો કે મારા પિતા ગરીબ છે. તેઓ આટલી મોંધી સારવાર નહીં કરાવી શકે. જો કરાવશે તો માથા પર દેવું કરીને કરાવશે, જે મને મંજૂર નથી.
ડોકટરે કહ્યું કે એ વાત બરાબર, પણ જો તારી સારવાર ના કરીએ તો તને શું થાય તેની ખબર છે ??
અર્ચન હસતાં હસતાં કહે, ઉકલી જવાય, બીજું તો શું થાય !
ડોકટર કહે ઉકલી જા જવાય, ઉકેલ કઢાય. મેડિકલ સાયન્સ પાસે તેનો ઉકેલ છે. રાજેશ ખન્નાને આનંદ ફિલ્મમાં કેન્સર થયું ત્યારે આવી દવાઓ અને સારવાર નહોતી. હવે બધું છે. તારે જીવવાનું છે. અર્ચન કહે, સાહેબ, એકદમ બરાબર છે. કેન્સર સામે જીતવાનું છે અને પછી જીવવાનું જ છે.
અર્ચનના આ એક લીટીના વાક્યમાં જીવવાનો દઢ સંકલ્પ હતો, કેન્સર સામે લડવાનો મિજાજ હતો અને પોતે જીવશે જ એવો પાકો ભરોસો પણ હતો.
…….
અર્ચને ફરમાન બહાર પાડ્યું. મારા બેડની ચાદર રોજેરોજ સમયસર બદલી જ નાખવાની. હું રોજેરોજ ઈસ્ત્રી ટાઈટ કપડાં જ પહેરીશ. કશું ઢીલું નહીં ચાલે. કેન્સર મહોદયને સહેજે અણસાર પણ ના આવવો જોઈએ કે મારો શિકાર ગભરાઈ ગયો છે.

અર્ચન એટલે પોઝિટિવીટીનો પહાડ. ગમે તેવા પડકારને ખમી લે તેવો. શરીરમાં ત્રણ ત્રણ પ્રકારનાં કેન્સર હીલોડા લેતાં હતાં, ઉધઈની જેમ અર્ચનના શરીરના જુદા જુદા ભાગમાં પ્રસરવા મથતાં હતાં તો બીજી બાજુ ડો. પંકજ શાહના નેતૃત્વમાં ડોકટરોની પેનલે સઘન સારવાર શરૃ કરી દીધી હતી.

અર્ચને ડો. પંકજ પટેલને કહ્યું કે હું દવાઓ લેવાનો કાયર માણસ છું, પણ જો તમે મને મારી સારવારની આખી પ્રોસેસ કહો તો હું બધી જ દવાઓ લઈશ.

ડોકટરે પ્રોસેસ જાણવાનું કારણ પૂછ્યું તો અદાકાર અર્ચને કોઈ નાટકનો સંવાદ બોલતો હોય તેમ કહ્યું કે સાહેબ, હું રહ્યો અભિનેતા. અમને નાટકની આખી પ્રોસેસ ખબર પડે પછી જ અમે મંચ પર સરસ રીતે નાટક ભજવી શકીએ. પ્રોસેસની ખબર પડે પછી અમે તેમાં ઓતપ્રોત થઈ જઈએ. એમ તમે મને મારી તબીબી સારવારની પ્રોસેસ કહો તો હું મારો રોલ બરાબર ભજવી શકું. ડોકટરને અર્ચનની વાતમાં પૂરેપૂરું વજુદ લાગ્યું. દરેક ગોળી- દરેક ઈન્જેકશન અને બીજી તમામ સારવારની બધી જ સમજણ અર્ચનને સમજાવવામાં આવે અને જીવનહીરો સમજી સમજીને સારવાર લેતો જાય અને સાજો થતો જાય.

એક દિવસ ડો.પંકજ શાહે આવીને અર્ચનને કહ્યું કે આજે તમારે અમરીશપુરી બનવાનું છે.
કારણ એ હતું કે કીમો થેરાપી પછી અર્ચનબાબુના વાળ જતા રહેવાના હતા.
ડોકટરે કહ્યું કે કીમો થેરાપીથી વોમેટિંગ પણ થશે.
હસતાં હસતાં અર્ચન કહે, સાહેબ ચિંતા ના કરો, હું અમરીશ પુરીના રોલમાં વોમેટિંગ કરીશ.

અર્ચનના શરીરમાં ત્રણ ત્રણ કેન્સર હતાં તો કીમો થેરાપી, રિચિએશન અને એમપીએક્ષ એમ ત્રણ ત્રણ પ્રકારની તેને સઘન સારવાર અપાતી હતી.

અર્ચન આમ પોતાની ખબર પૂછવા આવનારને એક પણ ગોળી ના આપે, પોતે જ ડાહ્યો થઈને બધી ગોળીઓ ગળી લે, પણ દરરોજ 32-32 ગોળીઓ ખાવાનો કંટાળો તો આવે જ ને ? એમાંય કાલ્પોહોલ ગોળીએ તો ભારે કરી. જૂના જમાનામાં રૃપિયાનો મોટો ગોળ સિક્કો આવતો હતો તેવી એ ગોળી. એક-બે દિવસ તો જેમતેમ કરીને ગોળી ગળી લીધી, પણ તેનું કદ જોઈને અર્ચનને થાય કે સાલી આ ગોળી તો ક્યારેક ગળાની અંદર જ અટકી જાય તેવી છે.
કોઈક ઉપાય કરવો પડશે.
અર્ચને એક જબરજસ્ત ઉપાય કર્યો. ગાડીના પૈડા જેવી મોટી ગોળીનું એક મોટું પડીકું કર્યું. કોઈ જોઈ ના એ રીતે પોતાની પાસે લીધું અને પોતે ગયા ટોયલેટમાં. કમોડ પર ચડી, કોઈ ધર્મકૃત્ય કરતા હોય તેવા પવિત્ર ભાવથી વેન્ટિલેટરના કાચ ઉતાર્યા. એ પછી નદીના વહેતા જળમાં પૂજાનો સામાન ધરાવતા હોય તે રીતે કાલ્કોહોલની ગોળીઓનું પડીકું નીચે ફેંકી દીધું.

ટોયલેટમાંથી બહાર આવીને બેડ પર સ્થાન લેતાં લેતાં અર્ચન બોલ્યોઃ ચાલો, આનાથી તો છૂટ્યા.
જોકે કાલ્પોહોલથી એમ છુટી શકાવાનું નહોતું.

ગોળીઓનું એ પડીકું, પાર્કિંગમાં પડ્યું, અને એ પણ ડો. પંકજ શાહની કારની ઉપર જ. ડોકટર સાહેબે એ પડીકું પડતું જોયું. તેમને થયું હશે કે લોકો પડતું મૂકે, પણ આ તો દવાઓ પણ પડતું મૂકવા લાગી.
તેઓ એ પડીકું લઈને અર્ચન ત્રિવેદી પાસે ગયા.
પ્રેમથી બોલ્યા, સાજા થવું હોય તો ગોળીઓ તો ગળવી જ પડે, બેટા.
અર્ચન કહે, પણ સાહેબ કેટલી બધી ગોળીઓ છે.
ડો. પંકજ શાહ કહે, ગોળીઓ ગણવાની નહીં, ગળવાની.
…………
એ પછી તો મુકાબલો બરાબરનો જામ્યો.
કેન્સર કહે હું જીતું, અર્ચન કહે હું હારીશ જ નહીં.
હું હારીશ તો તું જીતીશ ને.
આખા અમદાવાદને, અને મુંબઈ સહિત તમામ કળાવિશ્વને ખબર પડી ગઈ કે અર્ચનને કેન્સર થયું છે.
ડો. પંકજ શાહ કહે કે અર્ચન તેં તો મને અરધી રાત સુધી જગાડ્યો. અર્ચન કહે પણ સાહેબ, મેં તો તમને ફોન જ નહોતો કર્યો, મારી પાસે તો તમારો ફોન નંબર પણ નથી.
પંકજભાઈ કહે, તારા ફોન નહોતો આવ્યો પણ તારા માટે ઘણા ફોન આવ્યા હતા. મૃણાલિનીબહેન, મલ્લિકાબેહન, શ્રેયાંસભાઈ, સ્મૃતિબહેન, કૈલાસભાઈ (નાયક), ચીનુ મોદી.. સતત ફોન આવતા જ રહ્યા. બધાનું કહેવું હતું કે આ છોકરો કોઈ પણ સંજોગોમાં જીવવો જોઈએ. પંકજભાઈ કહે કે તું તો વીઆઈપી પેશન્ટ છે હોં.
ખરેખર, કળાકાર માત્ર વીઆઈપી હોય છે. લોકોનો પ્રેમ કળાકારને ઊંચકીને વીઆઈપી કેટેગરીમાં મૂકી દેતો હોય છે.
હસમુખા અર્ચને લખવાનું શરૃ કર્યું, ખબર પૂછવા આવતા લોકોને એ કહેતો, મારા માટે પોસ્ટકાર્ડ લેતા આવજો. દરેક સ્થિતિને, પોતાના શરીરના બદલાતા આકાર-પ્રકારને અર્ચન હસતાં હસતાં સ્વીકારતો. નખ કાળા પડી જાય તો પોતાનું મોઢું કાળું કરવાને બદલે એ હસતો હસતો કહેતો, મેં કાળી પોલીસથી નખ રંગવાનું શરૃ કર્યું છે.
…..
મિત્રો મળવા આવે તો એ મહેફિલ ભરતો. અર્ચનની ખબર પૂછવા ગયેલા લોકો પોતે સાજા થઈને પરત જતા. એ હસતો અને હસાવતો.
એક વખત ગુજરાત સમાચાર વતી જાણીતા હાસ્યલેખક અશોક દવે તેની ખબર પૂછવા ગયા. એ તો અર્ચનનો પ્રસન્ન મિજાજ જોઈ જ રહ્યા. તેમને થયું હશે કે અર્ચનને કેન્સર નથી થયું, પણ કેન્સરને અર્ચન થયો લાગે છે.
કોઈ શોક નહીં, કોઈ દુઃખ નહી, કોઈ ચિંતા નથી. હાસ્યની રેલમછેલ અને પ્રસન્નતાનાં છાંટણાં. અશોકભાઈએ પોતાની લોકપ્રિય કોલમ બુધવારની બપોરેમાં, અર્ચન ત્રિવેદી વિશે લેખ લખ્યો. કોઈ વ્યક્તિવિશેષ વિશે ના લખવાની ગુજરાત સમાચારની નીતિમાં અપવાદ કરીને લખાયેલા આ લેખનો પ્રતિસાદ પ્રચંડ હતો. 18,000 પત્રો મળ્યા. ગુજરાત અર્ચન ત્રિવેદીને કેટલો ચાહે છે, તેનો એવીએમ મશીનમાં ચેડાં કર્યા વિનાનો આ એકદમ સ્પષ્ટ ચૂકાદો હતો.

અર્ચન એ પત્રોને જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે મારે મારા આ ચાહકો અને સ્વજનો માટે પણ જીવવું જોઈએ.
અર્ચને એ દરેકે-દરેક- 18000- પત્રોના પોતાના સગા હાથે, સ્વહસ્તે જવાબો આપ્યા.
……
કેન્સર હોસ્પિટલમાં દરેક દરદીના રૃમની બહાર વિગત લખાય. સર્જરી કે મેડિકલ સ્ટેજ અનુસાર તેની નોંધ હોય.
બે મહિના પછી અર્ચનના રૃમની બહારના પાટિયા પર લખાયુંઃ અર્ચન આવાસ.

પાટિયા પર કેન્સરની વિગતને બદલે અર્ચનનું નામ લખાયું એનો એક અર્થ એવો કે રુમમાં હવે કેન્સર નથી, અર્ચન છે.

16મી જુલાઈ 1992નો દિવસ ચિંતા લઈને ઉગ્યો.
અર્ચનને લોહીના ડાયરિયા થઈ ગયા. એક નહીં 11 ડાયરિયા.
ડોકટરોએ તરત જ અર્ચનનાં તમામ સગાં-વહાલાંને બોલાવી લીધાં.
તેમને લાગ્યું કે હવે અર્ચનનો અંત નજીક છે.
જોકે અર્ચન એકદમ મજબૂત હતો. તે બધાંને કહેતો હતો કે કોઈ રડસો નહીં. મને કશું જ થવાનું નથી. હું જીતવાનો છું, હું જીવવાનો છું.
જોકે અર્ચન તો કહેતો હતો કે આ લોહીમાં મારા શરીરનું કેન્સર બહાર નીકળી રહ્યું છે.
એ લોહીના ડાયરિયા ત્યાંનાં કર્મચારી સવિતા બા સાફ કરતાં હતાં. ( આ વાત કહેતી વખતે અર્ચન રડી પડે છે. એક વાર નહીં, વારંવાર) એ દશ્ય અર્ચન જોતો જ રહ્યો.
પોતાના લોહીના ઝાડાને સાફ કરતાં સવિતા બાને અર્ચને ભીના સ્વરે કહ્યું, આઈ લવ યુ.
અને સવિતા બા હસી પડ્યાં. એ દિવસથી અર્ચને આ વિશ્વ પરની દરેકે દરેક વ્યક્તિને આઈ લવ યુ કહવાનું શરૃ કર્યું.
એ દિવસ હતો 16મી જુલાઈ, 1992નો. આજ સુધી અર્ચન લાખો લોકોને આઈ લવ યુ કહી ચૂક્યો છે.
આ પૃથ્વી પર કદાચ કોઈ વ્યક્તિએ આટલી બધી વ્યક્તિને આઈ લવ યુ નહીં કહ્યું હોય.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાના ધ્યામમાં આ વાત નથી આવી એનો અર્થ એ કે તેઓ ધ્યાન રાખીને પોતાનું કામ કરતા નથી.
…..
અઢી વર્ષના જંગ પછી એક દિવસ સોનેરી સવાર ઊગ્યું.
કેન્સર હાર્યું અને અર્ચન જીત્યો.
છેલ્લા દશ્યમાં નાયક હસતો હસતો બધાની સામે હાજર થયો. ત્રણેય પ્રકારનાં કેન્સર મટી ગયાં. અર્ચનના પોઝિટિવ મિજાજની જીત થઈ. તેના લાખો ચાહકોની પ્રાર્થના ફળી.
એ પછી સાજા થયેલા અર્ચનને એક સરસ કામ મળ્યું. અર્ચનને પોતાની સારવારના ખર્ચનો બરાબર હિસાબ રાખ્યો હતો. 2,86,000 થયા હતા. ગુજરાત સરકારે તેને કેટલીક મદદ કરી હતી. આ મદદ કરાવનાર સુભાષ
બ્રહ્મભટ્ટને લઈને અર્ચન તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી નરહરિ અમીન પાસે ગયો. કહે, સાહેબ, હું સાજો થઈ ગયો છું, કમાવા પણ લાગ્યો છું. ગુજરાત સરકારે જે મદદ કરી હતી તે પરત આપવા આવ્યો છું.
નરહરિ અમીન હસતાં હસતાં કહે, અમે જો રકમ પરત લઈએ, તો આ રીતે અમે જેને જેને રકમ ચૂકવી હોય તે તમામની રિ કવરી કરવી પડે.

આવું તો ઘણામાં બન્યું. હવે શું કરવું. જેમને પૈસા પરત ના લીધા તેમનું ઋણ કેવી રીતે ઉતારવું.
ડો. પંકજ શાહે તેનો એક સરસ રસ્તો બતાવ્યો. કેન્સર વિભાગનાં બાળ દરદીઓ માટેની એક દત્તક યોજના હોય છે. અર્ચને એ યોજના સ્વીકારી. ઘરની લોનનો હપ્તો ભરવાનું રહી જાય તો ચાલે, દર મહિને કેન્સર બાળ દરદીનો હપ્તો તો અચૂક ભરવાનો. 1993થી 2014 સુધી અર્ચને નિયમિત રીતે પૈસા ચૂકવ્યા અને સમાજે પોતાને જે મદદ કરી હતી તેનો આ રીતે પ્રતિસાદ આપ્યો.
……
2014માં એ રકમ કેન્સર વિભાગને આપવાનું કેમ બંધ કર્યું તેની પણ એક પોઝિટિવ કથા છે.
એક પોળમાં બીજી પોળ હોય એવું છે.
અર્ચનનાં જીવનસાથી, એના જેવાં જ લડાયક અને બહાદુર જિગિષાબહેનનાં મામાનાં દીકરી સોનલ જાનીએ સામેથી કહ્યું કે હવે આ જવાબદારી મને સોંપો.
હું દર મહિને આ પૈસા ભરીશ.
કોઈ પૂજા વિધિમાં જમણો હોય પૂજામાં બેસનારી વ્યક્તિને અડાડતાં હોય તેમ, એવા જ પવિત્ર ભાવથી, સોનાલીબહેને આ પુણ્યકર્મ પોતાના હસ્તક લીધું.
2014થી હવે તેઓ અમદાવાદની એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલના કેન્સરના બાળ દરદીઓની દત્તક યોજનાના પૈસા ભરે છે.
…….
અર્ચને કેન્સરને હરાવ્યું છે. સરસ રીતે, મસ્ત રીતે, અઢી વર્ષની પ્રસન્નકર લડત આપીને હરાવ્યું છે.
દવાઓએ પોતાનું કામ કર્યું જ હશે.
દુઆઓએ પણ પોતાની ભૂમિકા ભજવી જ હશે.
પણ મૂળ વાત છે જીવનનાયકના મક્કમ નિર્ધારની.
તેના પોઝિટિવ મિજાજ અને રુઆબની.
અર્ચન ત્રિવેદીએ હસતાં હસતાં જંગ ખેલ્યો અને તેઓ જીત્યા.
આઈ લવ યુ કહેવાનું મન થઈ જાય તે રીતે તેમણે જીત મેળવી.
અર્ચન ત્રિવેેદીને, આખું વિશ્વ સાંભળે એટલા ઊંચા અવાજે
કહેવાનું …… જન્મદિવસ મુબારક હોં… તમે શતાયું હોં..
અને
આઈ લવ યું હોં….

રમેશ તન્ના ( ફેસબુક)

સાભાર-http://www.vijaydshah.com/2017/05/20//

1053- એક સફળ ગુજરાતી – ઉદ્યોગપતિ દમ્પતી નો ઇન્ટરવ્યુ ….. આનંદરાવ લિંગાયત

લોસ એન્જેલસ નિવાસી અને ગુંજન સામયિકના તંત્રી ૮૫ વર્ષીય મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતએ લીધેલ એક સફળ ગુજરાતી ઉદ્યોગપતિ દમ્પતી – Ms lnternational નાં સ્થાપક શ્રીમતી રિકાબેન અને મનુભાઈ શાહ – નો ઇન્ટરવ્યુ ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.

આ પ્રેરક ઈન્ટરવ્યુ આપને જરૂર વાંચવો ગમશે.

વિનોદ પટેલ

આનંદરાવ લિંગાયત

વાચક મિત્રો,
આ સાથે એક સફળ ગુજરાતી – ઉદ્યોગપતિ દમ્પતી – નો ઇન્ટરવ્યૂ છે. આર્થિક સફળતા ઉપરાંત એમના સામાજિક અને ધાર્મિક વિચારોંની નોંધ પણ એમાં લીધેલી છે.
– આનંદ રાવ

શ્રીમતી રિકાબેન અને મનુભાઈ શાહ નો ઇન્ટરવ્યુ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો.

Anandrao -Interview