ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1057- પ્રેમ આપશો એટલો મેળવશો ….. ચિંતન લેખ … – શ્રીલેખા યાજ્ઞિક
પ્રેમ આપશો એટલો મેળવશો …પ્રાસંગિક – શ્રીલેખા યાજ્ઞિક

થોડા સમય પહેલાં એક સત્ય ઘટના વાંચવામાં આવી હતી. એક બ્રાઝિલિયન યુવાન થિયાગો ઓહાના વિયેનામાં આવેલી ઈન્ડિયન એમ્બેસીના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગમાં કામ કરતો હતો. આ યુવાને નાની વયમાં તેના માતા-પિતા બંને ગુમાવી દીધા. તેની પાસે ઘર તો હતું. ઘરમાં સતત એકલા રહેવાથી તે અતિશય કંટાળી ગયો હતો. તેણે વિચાર્યું કે કંટાળાનો ઉપાય તો શોધવો જ રહ્યો. પોતાના ઘરની પાસે આવેલા એક જાહેર-બાગમાં પહોંચી ગયો. બે ઘડી તેણે આમતેમ જોયું, બે હાથ પહોળા કરીને તે બોલવા લાગ્યો, ‘કોઈપણ પ્રકારની ફી આપ્યા વગર મને પ્રેમથી વળગી લો’.
બાગમાં બેઠેલી એક બે વયસ્ક વ્યક્તિઓ કે જે એકલી રહેતી હતી, તે આ યુવાનની પાસે આવીને તેને આંખમાં આંસુ સાથે વળગી પડી. બેઉ જણ યુવાનને શાબાશી આપતા કહેવા લાગ્યા કે બેટા તે એવું કામ ર્ક્યું છે કે જેનો અમે ફક્ત વર્ષોથી વિચાર જ કરતા રહ્યા. એકલવાયું જીવન પસાર કરીને અમે એવા તો કંટાળી ગયા છીએ કે તે આપેલી એક જાદુની ઝપ્પીએ અમારા જીવનને પ્યારથી ભરી દીધું. આજની તારીખે મહિનામાં એક-બે વખત ઓહાના બે હાથ ખોલીને જાહેર સ્થળોએ ફરતો રહીને લોકોને પ્રેમથી ભેટે છે.
તેનું કારણ જણાવતા થિયાગો કહે છે કે એક વખત તે પેરિસ એકલો ફરવા ગયો હતો, ત્યારે માનસિક તાણને કારણે વ્યગ્ર બની ગયો હતો. અચાનક એક અજાણ્યા માણસે તેને પ્રેમથી આલિંગન આપ્યું. અજાણ્યા દેશમાં તેનું મન શાંત બની ગયું, તે ગદ્ગદિત થઈ ગયો. બસ ત્યારથી થિયાગો નામક યુવાન પણ સમય કાઢીને જાહેર સ્થળે ઊભો રહીને અજાણ્યા લોકોને પ્રેમથી ભેટે છે.
આધુનિક યુગમાં બાળકો અને માતા-પિતા વચ્ચે સંબંઘોમાં ખટરાગ થવાનું મુખ્ય કારણ શું છે જાણવું છે? માતાપિતા દ્વારા સંતાનને આલિંગન આપવાનું અર્થાત્ પ્રેમથી બે ઘડી ભેટવાનું જ વિસરાઈ ગયું છે. તા ૧૫મી મે ૨૦૧૭ના સોમવારે ‘વર્લ્ડ ફેમિલી ડે’ છે. આ વર્ષનો થીમ છે ‘કુટુંબ, શિક્ષણ અને ભલમનસાઈ’. ૨૯ મે ૧૯૮૫ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૧૫મી મેનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ’ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દર વર્ષે કુટુંબની મહત્તા દર્શાવવા માટે અલગઅલગ વિષયને પસંદ કરવામાં આવે છે.
સંતાન વયમાં નાનું હોય ત્યારે કુટુંબના દરેક સભ્યો તેને કેટલું ગળે લગાડતા હોય છે. પોતાનાં ભૂલકાં સાથે કાલીઘેલી ભાષામાં વાતચીત કરીને તેની સાથે રમવાનું તેમને ગમતું હોય છે. સંતાન જેમ મોટું થતું જાય તેમ માતા-પિતા બંને બાળકને સારું શિક્ષણ મળે તેની ચિંતામાં રહેવા લાગે છે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત કરી દેવામાં આવે છે. શિક્ષણના બોજ હેઠળ સંતાનની સાથે ફક્ત તેની પ્રગતિની જ વાત કરવામાં આવતી હોય છે.
શિક્ષણ અને ધન કમાવવામાં તેઓ એટલા વ્યસ્ત બની જાય છે કે જીવનની નાની પણ અગત્યની સ્પર્શની ભાષાનો જાદુ ભૂલી જાય છે. નાની વયમાં વારંવાર જેને પ્રેમથી ગળે લગાડવામાં આવતું હતું. સમય જતાં કેટલાંક માતા-પિતા વિસરી જ જતાં હોય છે. નાની સફળતામાં શાબાશી આપવામાં આવે કે માથે હાથ ફેરવીને પળભર પ્રેમ કરવામાં આવે તેવી ઈચ્છા સંતાન સેવે છે. બેખબર માતા-પિતા સંતાનને સ્પર્શથી વંચિત રાખવા લાગે છે. સમય જતાં આ જ માતા-પિતા સંતાન તેમને બેઘડી બાથમાં ભીડે તેવી ઈચ્છા રાખતાં હોય છે!
અનેક વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે મોટી સેલિબ્રિટીઓ સંતાન સાથે ક્વૉલિટી ટાઈમ પસાર કરવાની વાત ઉપર ભાર મૂકે છે. સંતાનની સાથે બેસીને તેની ગમતી પ્રવૃત્તિ જેવી કે ટી.વી જોવું, કમ્પ્યુટર ઉપર ગેમ રમવી કે સાથે બેસીને સંતાનને ગમે તેવો પ્રોગ્રામ જોવાનું પણ કહેવામાં આવતું હોય છે. બંને પક્ષે સમયનો અભાવ વર્તાય છે. બાળકો પણ ધીમે ધીમે એક જ ઘરમાં રહેતા હોવા છતાં માતા-પિતાથી દૂર થઈ જાય છે.
સંતાન નાનું હોય ત્યારે તેની સાથે પ્રાણીબાગ કે બીચ ઉપર ફરવા જવાનું વારંવાર બનતું હોય છે. મોટું થાય તેમ ઘરના વડીલો જ નક્કી કરી લેતા હોય છે કે હવે તે મોટું થઈ ગયું છે. તેને પ્રાણીબાગ કે બીચ ઉપર ફરવાનું પસંદ નહીં પડે. તેઓ અમારી સાથે ફરવા આવશે તો કંટાળી જશે. કુટુંબના વડીલો દ્વારા જ બાળકોના વિચારો જાણ્યા વગર જ કયા પ્રવાહમાં શિક્ષણ લેવા માટે પણ મનની વાત ઠોકી બેસાડી દેવામાં આવતી હોય છે. સંતાન પણ આવા સમયે ચૂપ રહેવાનું જ પસંદ કરતા હોય છે.
આધુનિક યુગમાં અનેક વખત દેખાદેખીને કારણે સંતાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ મોકલવામાં આવે છે, ત્યારબાદ તેઓ વિદેશમાં જ સ્થાયી થઈ જાય છે. ટૅકનોલૉજીના ઉપયોગ થકી સંતાન સાથે રોજબરોજ સ્કાઈપ કે વીડિયો ફોન ઉપર વાત કરીને સંતોષ માનવામાં આવે છે. સંતાનને ઉચ્ચ શિક્ષણ આપવામાં તો જરાપણ કચાશ રાખવામાં આવતી નથી. માનવીય મૂલ્યો જેવા અન્ય વ્યક્તિ સાથે વાતચીત કે પ્રેમની ભાષા શીખવવાનું જ વિસરાઈ જાય છે. સંતાનમાં ભલમનસાઈના ગુણનો પમરાટ ફેલાવવાને બદલે તે ઘમંડી બની જતો હોય છે.
તાજેતરમાં અમેરિકામાં સ્ટેન્ડ અપ કોમેડી (એકપાત્રી)શૉના જાણીતા હોસ્ટ વૅટન ઓસવાલ્ડે ટાઈમ મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે આધુનિક ઉપકરણોના ઉપયોગમાં દીવાનો બનેલો આજનો સમાજ કૌટુંબિક સંબંધો અને એકબીજા સાથે સંવાદ સાધવાનું ટાળવામાં માસ્ટર બનતો ગયો છે. વૅટન ઓસવાલ્ડે થોડા સમય સુધી આધુનિક ઉપકરણોનો ઉપયોગ સંંદતર બંધ જ કરી દીધો. જેમનો સંપર્ક કરવાનું મન થાય તેમને પ્રત્યક્ષ મળીને તેને બાથમાં ભર્યા બાદ મન ભરીને વાતો કરવાનું શરૂ ર્ક્યું. તે પોતાનો અનુભવ જણાવતા કહે છે કે અંગત વ્યક્તિઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરવાથી દિલમાં એક પ્રકારનો સંતોષ ઊભો થયો.
હા, છેલ્લા એક દશકામાં વિશ્ર્વના વિવિધ દેશોમાં કુટુંબીજનોના અંગત સંબંધોમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે. ભારતમાં આજે પણ ‘વસુધૈવ કુટુંબક્મ’ની ભાવના જળવાઈ રહી છે. સંયુક્ત કુટુંબો તૂટીને વિભક્ત કુટુંબોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. જેને કારણે સંતાનો ફક્ત માતા-પિતાના વિચારો અને વર્તણુંકને નજીકથી નિહાળી શકે છે. અનેક પરિવારોમાં માતા-પિતા આત્મકેન્દ્રી બનીને પાર્ટીઓમાં જ વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. બાળપણમાં સંતાન ઉપર પ્રેમથી હાથ પ્રસરાવનાર કુટુંબના અંગત સભ્યો જ સગીર વયમાં બાળકને પોતાનાથી દૂર કરી દેતા હોય છે. સંતાન મનોમન હીજરાય છે. ક્યારેક લાગણીવશ થઈને કે ક્યારેક ગુસ્સે થઈને ખોટા રસ્તે ચઢી જાય છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે.
સ્વીડનની એક યુનિવર્સિટીના દ્વારા ખાસ પ્રકારનું ‘ટચ-ફાઈબર’ વિકસાવવામાં આવ્યું છે. જે માનવીના શરીરમાં ચોક્કસ પ્રકારે લગાવવાથી વિવિધ પ્રકારના સ્પર્શનો અનુભવ મેળવી શકાય છે. દિવ્યાંગ બાળકો જ્યારે વિચલિત બની જાય છે ત્યારે તેમનો ગુસ્સો ખાસ પ્રકારના ‘પ્રેસર ટચ-બ્રશ’ના ઉપયોગ થકી શાંત પાડી શકાય છે. બાળક નાનું હોય ત્યારે તેમને માતા-પિતાના સ્પર્શ દ્વારા આનંદિત જોઈ શકાય છે. વય વધવાની સાથે સ્પશર્ર્ કરતા ત્વચાના છિદ્રોની ગુણવત્તા શાંત પડી છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે સ્પર્શના છિદ્રો ઘટી જતા હોય છે. તેમ છતાં પ્રેમ-લાગણીથી કોઈપણ વ્યક્તિ ઉપર હાથ ફેરવવામાં આવે તો વ્યક્તિ હળવોફૂલ બની જાય છે. તેથી તો કહેવાય છે કે કુટુંબ એક એવી જગ્યા છે જ્યાં જીવનની શરૂઆત થાય ત્યારથી પ્રેમની ભાષા અનંત બની જાય છે.
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ