વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 1, 2017

1058- એક અત્યંત ગરીબ યુવાન શું કરી શકે? …….. આશુ પટેલ

એક અત્યંત ગરીબ યુવાન શું કરી શકે?
સુખનો પાસવર્ડ – આશુ પટેલ

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બારશી તાલુકામાં મહાગાંવ નામનું નાનકડું ગામ છે. એ ગામનો રહેવાસી ગોરખ ઘોલપ સાઈકલ રિપેરિંગની નાનકડી દુકાન ચલાવતો હતો. એ દુકાનમાંથી જે આવક થતી હતી એનાથી તેના ચાર વ્યક્તિના કુટુંબનું ગુજરાન થઈ જતું હતું. જો કે, ગોરખ ઘોલપને દરરોજ દારૂ પીવાની આદત હતી એના કારણે તેની તબિયત લથડી ગઈ અને તેની સીધી અસર તેના ધંધા પર પડી.

ગોરખ ઘોલપ કામ કરી શકતો નહોતો એટલે તેની પત્ની વિમલ ઘોલપે ઘર ચલાવવા માટે કામ શોધવા માંડ્યું. કોઈએ તેને બંગડીઓ વેચવાની સલાહ આપી એટલે તેણે મહાગાંવ અને આજુ બાજુના ગામડાઓમાં ફરીને બંગડીઓ વેચવાની શરૂઆત કરી. વિમલ ઘોલપ બંગડીઓ વેચવા જતી ત્યારે પોતાના બંને નાના પુત્રોને સાથે લઈ જતી. તેના એક પુત્ર રમેશને તો બાળપણમાં પોલિયોની અસરને કારણે પગમાં ખોડ રહી ગઈ હતી છતાં તે તેની સાથે આવતો. વિમલ અને તેનો પતિ ગોરખ રમેશને પ્રેમથી રામુ કહીને બોલાવતા હતા. રામુ તેની માતા સાથે બંગડીઓ વેચવા જાય ત્યારે બૂમ પાડતો રહેતો: ‘બંગડે ઘ્યા બંગડે.’

ગોરખ અને વિમલ ઘોલપનો દીકરો રમેશ તેમના ગામ મહાગાંવમાં પ્રાથમિક શાળાથી આગળ અભ્યાસની સુવિધા નહોતી એટલે તેને તેના કાકા પાસે બારશી મોકલી દેવાયો. બારશીમાં તેણે પોતાનો અભ્યાસ આગળ ધપાવ્યો. રમેશને પોતાના ઘરની આર્થિક ચિંતા સતાવતી હતી એટલે તેણે નક્કી કર્યું હતું કે તે ભણીગણીને સારી નોકરી કરશે જેથી તેના ઘરની આર્થિક સ્થિતિ સુધરી શકે. રમેશ બહુ હોશિયાર વિદ્યાર્થી હતો એટલે શિક્ષકોનો પ્રિય બની ગયો હતો.

ર૦૦પમાં રમેશ બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા. બારશીમાં કાકાને ત્યાં રહેતા રમેશને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા, પણ રમેશના કાકાના ઘરે રમેશ એકલો હતો અને રમેશ પાસે પોતાને ગામ જવા માટે બસ ભાડાના પૈસા નહોતા. એ વખતે બારશીથી મહાગાંવનું બસ ભાડું માત્ર સાત રૂપિયા હતું. એમાંય રમેશ અપંગ હોવાથી માત્ર બે રૂપિયામાં બારશીથી મહાગાંવની ટિકિટ મેળવી શકે એમ હતો, પણ તેની પાસે બે રૂપિયાય નહોતા.

એ સ્થિતિમાં રમેશ નિ:સહાય બનીને રડી રહ્યો હતો. તેને રડતો જોઈને તેના કાકાના પાડોશીઓ તેની પાસે આવ્યા. તેમણે રમેશના રડવાનું કારણ જાણ્યું ત્યારે તેને બસભાડાના પૈસા આપ્યા. પાડોશીઓની મદદથી રમેશ પિતાની અંતિમવિધિમાં ભાગ લેવા જઈ શક્યો.

પિતાના મૃત્યુના ચાર દિવસ પછી રમેશની કેમિસ્ટ્રી મોડેલની પરીક્ષા હતી. તેની માતાએ તેને કહ્યું કે તું બારશી જા અને પરીક્ષા આપ. રમેશે બારશી જઈને એ પરીક્ષા આપી, પણ પછી અન્ય મોડેલ એક્ઝામ્સ તેણે ન આપી. તેણે તેની જર્નલ્સ પણ સબમિટ ન કરી. એ વખતે તેની બારમા ધોરણની ફાઈનલ પરીક્ષા એક મહિનો દૂર હતી, પરંતુ રમેશનું મન લાગતું નહોતું. તેના એક શિક્ષકે તેની સાથે વાત કરી અને તેને ફાઈનલ પરીક્ષા આપવા તૈયાર કર્યો. શિક્ષકના પ્રોત્સાહન અને સમજાવટને કારણે રમેશે બારમા ધોરણની પરીક્ષા આપી અને તે સાડા અઠ્યાસી ટકા સાથે પાસ થયો.

રમેશને સારા ટકા મળ્યા હતા, પણ તેની પાસે આર્થિક જોગવાઈ નહોતી એટલે તેણે સસ્તામાં સસ્તો વિકલ્પ શોધવા માંડ્યો અને છેવટે ડિપ્લોમા ઈન એજ્યુકેશનમાં પ્રવેશ મેળવ્યો. એ સાથે તેણે ઓપન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરવા માટે પણ ફોર્મ ભર્યું. રમેશ શિક્ષક બનવા ઈચ્છતો હતો જેથી તેના કુટુંબને મદદરૂપ બની શકે.

રમેશ-રામુ ર૦૦૯માં શિક્ષક બની ગયો અને તેના કુટુંબ માટે સારા દિવસો શરૂ થયા. બીજો કોઈ યુવાન હોત તો શિક્ષક તરીકેની નોકરીથી તેણે સંતોષ માની લીધો હોત, પણ રમેશના મનમાં બહુ મહત્ત્વાકાંક્ષા હતી. શિક્ષક તરીકે નોકરી મળ્યા પછી રમેશે તેની માતા અને તેના ભાઈને બારશી બોલાવી લીધા. તેના કાકીએ તેમને રહેવા માટે એક ઓરડો આપ્યો એમાં તેઓ રહેવા લાગ્યા. રમેશના કાકીને ઇંદિરા આવાસ યોજનામાં બે રૂમનું ઘર મળ્યું હતું એમાંથી એક રૂમ રમેશના કુટુંબ માટે ફાળવવાની ઉદારતા તેણે બતાવી હતી. રમેશે તેની માતાને પણ ઇંદિરા આવાસ યોજના હેઠળ ઘર મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાતી જોઈ હતી, પરંતુ બીપીએલ એટલે કે બીલો પ્રોપર્ટી લાઈન (ગરીબી રેખા હેઠળ)નું કાર્ડ નહીં હોવાથી અધિકારીઓએ હાથ ઊંચા કરી દીધા હતા. અને જે અધિકારીઓ એ કાર્ડ બનાવી આપી શકે એમ હતા એ એમ કહીને કાર્ડ બનાવવાની ના પાડી દેતા હતા કે તમે બીપીએલ કાર્ડ મેળવવાના હકદાર નથી! (એ વખતે રમેશને શિક્ષક તરીકે નોકરી મળી નહોતી.)

રમેશના મનમાં આવો ઘણો આક્રોશ ઘરબાયેલો હતો. તેના પિતાને ક્ષય રોગ લાગુ પડ્યો અને તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેમના પ્રત્યે કોઈ ધ્યાન આપતું નહોતું. એ સિવાય રમેશને રેશનિંગ શોપના માલિક પ્રત્યે પણ ભારે રોષ હતો. રેશન શોપનો માલિક ગરીબ કુટુંબોને સસ્તા દરે કેરોસીન આપવાને બદલે કેરોસીન કાળા બજારમાં વેચી નાખતો હતો.

રમેશ એક સરકારી અધિકારીને જોતો હતો ત્યારે તેનું લોહી ઉકળી ઊઠતું હતું. તે અધિકારી તેની માતા અને બીજી વિધવાઓ પાસેથી પૈસા પડાવતો હતો અને તેમને પેન્શન મળશે એવા ખોટા વચનો આપતો હતો.

રમેશ કૉલેજમાં ભણતો હતો ત્યારે સ્ટુડન્ટ્સ યુનિયનનો સભ્ય બન્યો હતો. સ્ટુડન્ટસ યુનિયનના સભ્ય તરીકે કૉલેજની વિવિધ પ્રવૃત્તિઓ માટે તે અવારનવાર તહસીલદારની ઑફિસમાં જતો હતો. તેણે ત્યાં સુધીના જીવનમાં તે સૌથી વધુ શક્તિશાળી અધિકારી જોયો હતો. રામુના મનમાં ત્યારે એ વિચારનું બીજ રોપાયું હતું કે તહેસીલદાર બનવું જોઈએ. ત્યારે તેના મનમાં એવા વિચાર આવતા કે હું તહસીલદાર બનું તો મારા કુટુંબને અને મારી આજુબાજુના લોકોેને જે તકલીફો પડે છે એનો અંત લાવી શકું.

ઘણી મુસીબતો વેઠીને શિક્ષક બનેલા રમેશે સંતોષ માની લીધો નહોતો. તેણે તહેસીલદાર બનવાનું સપનું જોયું હતું. તેને કોઇએ કહ્યું કે તહેસીલદાર બનવા માટે એમપી એસસી કે યુપી એસસીની પરીક્ષા આપવી પડે ત્યાં સુધી રમેશે એ પરીક્ષા વિશે કશું સાંભળ્યું નહોતું. તેને ખબર પડી કે પુણેમાં એમપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ કલાસીસ ચાલે છે.

રમેશ આવા એક કોચિંગ ક્લાસમાં જઇને અતુલ લાંદે નામના એક શિક્ષકને મળ્યો. તેણે તેમને વિનંતી કરી કે મને આ પરીક્ષાઓ વિશે સમજાવો. એ વખતે એક શિક્ષકે તેને કહ્યું કે એમપીએસસી એટલે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન અને યુપીએસસી એટલ યુનિયન સર્વિસ પબ્લિક કમિશન. તેમણે એ પરીક્ષાઓ વિશ વિસ્તૃત માહિતી આપી. રમેશે તેમને પૂછયું કે હું આ પરીક્ષાઓ મરાઠી ભાષામાં આપી શકું? અને શૈક્ષણિક રીતે હું લાયક છું? એટલે કે મેં એટલો અભ્યાસ કર્યો છે કે હું આ પરીક્ષાઓ આપવા માટે લાયક ઠરી શકું? તે શિક્ષકે રમેશને કહ્યું કે તું આ પરીક્ષાઓ આપવા માટે લાયક છે અને તું નિશ્ર્ચય કરીશ તો તને આવી પરીક્ષામાં સફળ થતા કોઇ નહીં અટકાવી શકે. એ શિક્ષકના પ્રોત્સાહનભર્યા શબ્દોથી રમેશ ઘોલપમાં જોમ આવ્યું અને તેણે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો નિશ્ર્ચય કર્યો.

રમેશે સપ્ટેમ્બર, ૨૦૦૯થી યુપીએસસીની પરીક્ષા આપવાની તૈયારી કરવા માંડી. થોડા મહિનાઓ પછી મે, ૨૦૧૦માં તેણે યુપીએસસીની પરીક્ષા આપી. જોકે એમાં તેને નિષ્ફળતા મળી. એ દરમિયાન તેણે તેના ગામના મિત્રો સાથે મળીને એક રાજકીય પક્ષ બનાવ્યો હતો. એ પક્ષે મહાગાંવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝુકાવ્યું. રમેશના રાષ્ટ્રીય પક્ષનો હેતુ હતો ગામમાં સત્તા પર આવવાનો અને ગરીબ લોકોને મદદરૂપ બનવાનો. એ ચૂંટણીમાં રમેશની માતાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. રમેશની માતા એ ચૂંટણીમાં હારી ગઇ, પરંતુ એ ચૂંટણી રમેશના જીવનમાં મોટા ટર્નિંગ પૉઇન્ટ સમાન સાબિત થઇ. રમેશના પક્ષના બીજા ઉમેદવારો પણ હારી ગયા હતાં, પણ એનાથી ભાંગી પડવાને બદલે રમેશે નક્કી કર્યું કે હું સિસ્ટમ સામે લડીશ. ચૂંટણીનાં પરિણામો જાણવા માટે બધા ગામલોકો ભેગા થયા હતા. તેમની સામે રમેશે જાહેર કર્યું કે હું ગામ છોડી રહ્યો છું અને પાવરફુલ ઑફિસર બનીશ ત્યારે જ પાછો ગામમાં આવીશ.

એ દિવસ પછી રમેશે પાછા વળીને ન જોયું. તેણે એસઆઇએસી (સ્ટેટ ઈન્સ્ટિયૂટ ઓફ ઍડમિનિસ્ટ્રેટિવ કરિયર્સ) પરીક્ષા પાસ કરી. એના કારણે તેને હૉસ્ટેલમાં રહેવાની સુવિધા મળી અને સ્કોલરશિપ પણ મળી. એ ઉપરાંત વધારાનો ખર્ચ કાઢવા માટે તેણે પોસ્ટર ચીતરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન તેણે શિક્ષક તરીકે નોકરી છોડી દીધી હતી.

રમેશે તેનું તમામ ધ્યાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર કેન્દ્રીત કર્યું. છેવટે તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ૨૦૧૨માં તેની આઇએએેસ અધિકારી તરીકે પસંદગી થઇ. ૨૦૧૦થી તેણે ગામમાં પગ મૂકયો નહોતો. આઇએએસ ઑફિસર તરીકે તેની પસંદગી થઇ એ પછી ૧૨ મે, ૨૦૧૨ના દિવસે પોતાના ગામમાં ગયો. ગામમાં રામુ તરીકે જાણીતા રમેશ ગોરખ ઘોલપની પાછળ આઇએએસનું છોગું ઉમેરાઇ ગયું હતું.

રમેશ આઇએએસ બન્યો એ પછી થોડા સમય બાદ એમપીએસસીની પરીક્ષાનાં પરિણામો જાહેર થયાં. રમેશે યુપીએસસીની સાથે સાથે એમપીએસસીની પરીક્ષાઓ આપવાનું પણ ચાલુ રાખ્યું હતું. તેણે એ પરીક્ષામાં ૧૮૦૦માંથી ૧૨૪૪ માર્કસ મેળવ્યા હતા. જે અન્ય તમામ વિદ્યાર્થીઓ કરતાં વધુ હતા. તે મહારાષ્ટ્રમાં ટોપર બન્યો હતો. જોકે એ પહેલા તો તેની આઇએએસ તરીકે પસંદગી થઇ ચૂકી હતી.

આઇએએસ બન્યા પછી રમેશ ઘોલપની ઝારખંડમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક થઇ. પછી બઢતી મેળવતા મેળવતા તેઓ અત્યારે ઝારખંડમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. પોતે આઇએએસ બની ગયા એ પછી તેઓ પોતાના જેવા લોકોને ભૂલ્યા નથી. તેઓ ગરીબ લોકોને મદદરૂપ બનવાની કોશિશ કરતા રહે છે.

રમેશ ઘોલપ કહે છ કે કેરોસીનના કાળા બજાર કરનારા કોઇ રેશન શૉપવાળાનું લાયસન્સ હું કેન્સલ કરાવું ત્યારે મને યાદ આવે છે કે મારે બાળપણમાં કેરોસીનના અભાવે ફાનસ કે દીવો બંધ કરી દેવા પડતાં હતાં. હું જયારે કોઇ વિધવાને મદદ કરું છું ત્યારે મને યાદ આવી જાય છે કે મારી માતા કઇ રીતે ઘર માટે કે પેન્શન માટે ભીખ માગતી હતી. હું જયારે કોઇ સરકારી હૉસ્પિટલમાં ઇન્સ્પેકશન માટે જાઉં છું ત્યારે મને મારા પિતા યાદ આવી જાય છે કે તેઓ સારી સારવાર માટે કેટલા તરફડિયા મારતા હતા. મારા પિતાને હૉસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેમણે મને કહ્યું હતું કે તું મોટો માણસ થજે અને મને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જજે. હું જયારે કોઇ ગરીબ બાળકને મદદ કરું ત્યારે મને મારું બાળપણ યાદ આવી જાય છે.

રમેશ ઘોલપ તેમના જેવા બેકગ્રાઉન્ડમાંથી આવતા યુવક- યુવતીઓને યુપીએસસીની પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપે છે. તેઓ યુવક યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા માટે પ્રવચનો દ્વારા પ્રેરણા આપે છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન તેઓ આવા સેંકડો પ્રવચનો આપી ચૂકયાં છે. દૃઢ નિશ્ર્ચય અને મહત્ત્વાકાંક્ષા થકી માણસ અણધાર્યું પરિણામ લાવી શકે છે એનો પુરાવો રમેશ ઘોલપ છે.

 સૌજન્ય …મુંબઈ સમાચાર.કોમ