વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 2, 2017

1059-સરસ્વતીચંદ્ર: આદર્શ જીવન જીવવાની ચાવી……પ્રણવ ત્રિપાઠી-નાટ્યલેખક

 જગત કાદંબરીઓમાં સ્થાન પામેલ ચાર ભાગમાં પથરાએલી નવલકથા સરસ્વતીચંદ્રના સર્જક સાક્ષર શ્રી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વિશેનો મુંબઈ સમાચારમાં પ્રગટ આ લેખમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રપૌત્ર નાટ્યલેખક પ્રણવ ત્રિપાઠીએ એમના વડદાદાને સુંદર અંજલિ આપી છે.

શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠીની ટપાલ ટિકિટનો લોકાર્પણ સમારોહ ગાંધીનગર ખાતે થયો એ પ્રસંગે આ લેખ લખાયો હતો….વિ.પ.

 ૨૭, એપ્રિલ -૨૦૧૬ – ભારત સરકારે તેમની યાદમાં બહાર પાડેલી ટિકીટ

 

સરસ્વતીચંદ્ર: આદર્શ જીવન જીવવાની ચાવી

 

ગોવર્ધનરામ ત્રિપાઠીના વતનના મકાનનું બહારનું દૃશ્ય

ગુજરાતી સાહિત્યની વિશ્ર્વમાં જ્યાં અને જ્યારે ચર્ચા થશે ત્યારે મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ અને એના સર્જક મારા વડદાદા, સાક્ષર શ્રી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો ઉલ્લેખ થશે જ.

ગયા બુધવારે અમારા ત્રિપાઠી કુટુંબ માટે વિશેષ ગૌરવ અને આનંદનો દિવસ હતો, કારણ કે સંચાર અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રાલય ભારત સરકારના ટપાલ વિભાગ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સાહિત્ય અકાદમી (ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે) શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠીની ટપાલ ટિકિટનો લોકાર્પણ સમારોહ ગાંધીનગર ખાતે થયો.

વિજયાદશમીને દિવસે જન્મેલા આ યુગપુરુષનું વતન એટલે સાક્ષરભૂમિ નડિયાદ.

તેઓનો જન્મ ૨૦/૧૦/૧૮૫૫ના રોજ નડિયાદના વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયેલો. ગુજરાતી સાહિત્યના નાન્હાલાલ, ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ પછીના આ ચોથા સાહિત્યકાર છે. જેમની ટપાલ ટિકિટ કાઢી સરકારે એમના યોગદાન પર મ્હોર લગાડી છે. ગોવર્ધનરામના પિતા માધવરામ બાપદાદાની પેઢી સંભાળતા, પરંતુ એ ધંધામાં રસ ન પડતા તેઓ એલફિન્સ્ટન કોલેજ મુંબઈમાં બી.એ. કરવા જોડાયા જેમાં પ્રોફેસર ભંડારકર, પ્રોફેસર વર્ડ્ઝવર્થ જેવા વિદ્વાન પ્રાધ્યાપકો તેમને મળ્યા. બી.એ. પાસ થઈને એમણે ત્રણ સંકલ્પ કર્યા.

૧. એલ.એલ.બી.ની પરીક્ષામાં પાસ થવું.

ર. મુંબઈમાં સ્વતંત્ર વકીલાત કરવી.

૩. કદી કોઈની નોકરી કરવી નહીં.

પણ પછી સમય જતાં એમણે ધીખતી વકીલાતની પ્રેક્ટિસને છોડી આ સાહિત્યના ઉપાસકે લક્ષ્મીને અલવિદા કહ્યું. ટપાલ ટિકિટ બહાર પડ્યાનો આનંદ નડિયાદના વતનીઓએ એમનું હેરિટેજમાં ગણાતું ઘર ‘શ્રી. ગોવર્ધન સ્મૃતિ મંદિરને શણગારી અને દેદીપ્ય માન કર્યું.’

સરસ્વતીચંદ્રના ૪ ભાગના લખાણ અને પ્રકાશનને ૧૪ વર્ષ લાગ્યાતાં. ગોવર્ધનરામના સાહિત્યમાં જીવન દર્શન તો છે જ પણ એની સાથોસાથ જીવન જીવવાનું માર્ગદર્શન પણ છે. સરસ્વતીચંદ્રમાં લગભગ ૬૦૦થી વધુ પાત્રો છે અને દરેકના નામ ગુણ પ્રમાણે છે. સરસ્વતીચંદ્ર, કુમુદસુંદરી, લક્ષ્મીનંદન, વિદ્યાચતુર, માનચતુર જ્ઞાનચતુર, પ્રમાદધન વગેરેનો એમાં સમાવેશ થાય છે. જો ગુજરાતી ભાષાનું વિશ્ર્વસાહિત્યમાં એ સ્થાન હોત જે અંગ્રેજોનું છે તો ગોવર્ધનરામનું સ્થાન પણ શેક્સપિયર કે વિક્ટર હ્યુગો જેવું હોત. એટલે એ વાત નિર્વિવાદ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરના સર્જક હતા.

રાષ્ટ્રપિતા ગાંધીબાપુ પણ એમણે સરસ્વતીચંદ્રમાં કરેલા કલ્યાણગ્રામના વિચારથી ખૂબ જ પ્રભાવિત થયેલા. સરસ્વતીચંદ્રને કળયુગનું પુરાણ કહેવામાં આવે છે અને એ માટે કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક એવી ક્ષણ આવે છે જ્યારે એણે શ્રેયસ (જેના કલ્યાણ છે) અને પ્રેયસ (જે પ્રિય છે) એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે અને ત્યારે ઊંચો આત્મા ધરાવતો વ્યક્તિ શ્રેયસ માટે પ્રેયસનું બલિદાન આપતો હોય છે. આ રીતે એક આદર્શ જીવન કેવું હોવું જોઈએ. એનું દૃષ્ટાંત સરસ્વતીચંદ્રમાં થાય છે. ટિકિટનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તકે થયું, એમણે પણ સરસ્વતીચંદ્ર વાંચી છે અને તેઓએ કહ્યું કે જે સરસ્વતીચંદ્રમાં નથી એ વિશ્ર્વમાં ક્યાંય નથી, એક આદર્શ જીવન જીવવાની ચાવી છે.

આ પ્રસંગે તેઓના સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી વચ્ચે લખાયેલા પત્રોનું પઠન પણ થયું હતું અને ખાસ નડિયાદથી ગોવર્ધનરામ જે પાઘડી પહેરતા હતા એને લાવવામાં આવી હતી. ઉપસ્થિત દરેક વક્તાઓનું એજ માનવું હતું કે આ ટપાલ ટિકિટ ઘણી વહેલી બહાર પડવી જોઈતી હતી. હું મુંબઈની જૂની અને જાણીતી ન્યૂ ઈરા સ્કૂલમાં ભણેલો અને જ્યારે પણ મારાથી જોડણીમાં ભૂલ થતી ત્યારે મારા શિક્ષકો હસીને ઠપકો આપતા કે તું કયા કુટુંબમાંથી આવે છે? આવી ભૂલ કરાય! યોગાનુયોગ હું નાટ્યલેખક બની ગયો અને અમારે નાટકની સમાપ્તિ બાદના કર્ટન કોલમાં મારી ઓળખ જાહેર કરવામાં આવે છે ત્યારે એક તરફ ગર્વ અને બીજી તરફ લઘુતાગ્રંથી અનુભવાય છે. લોકાર્પણ સમારંભમાં વડા પ્રધાન મોદી સાહેબનો આ પ્રસંગે પાઠવેલો ઈ-મેલ પણ વાંચી સંભળાવામાં આવેલો. એમણે પણ જગત કાદંબરીઓમાં સ્થાન પામેલ આ નવલકથાના અને એના સર્જકના ખૂબ વખાણ કર્યાં. જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે જે અવિસ્મરણિય બની જાય છે. મેં જ્યારે માનનીય મુખ્ય મંત્રી આનંદીબહેનને આ ટપાલ ટિકિટનું લોકાર્પણ કરવા બદલ ત્રિપાઠી કુટુંબ વતી પુષ્પગુચ્છ આપ્યો ત્યારે મારા હર્ષનો પાર નહોતો. આ ટિકિટ બહાર કાઢવા બદલ અને આટલી જલદી એની મંજુરી મેળવવા બદલ હું આ શુભકાર્ય સાથે સંકળાયેલ દરેક વ્યક્તિનો આભાર માનું છું. શયદા સાહેબનો આ શેર યાદ આવી જાય છે.

‘આભાર’ ભરેલા આ શબ્દનો ભાર, સહેલ નથી શયદા,

આમ તો હું આખા આભને પણ ગજાવી

જાણું છું.

– પ્રણવ ત્રિપાઠી-નાટ્યલેખક

(ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રપૌત્ર) 

———-

ઘરનું વાતાવરણ ધાર્મિક હોવાની સાથે દાદાજીના સમયથી એક મહાત્માનો વસવાટ હોઈને તેમના પર વૈષ્ણવવાદની અસર પડવાની સાથે તેમને વેદાંતનો પણ થોડો પાશ લાગ્યો હતો. કિશોરવયથી વાંચનનો શોખ તો હતો જ. આ તમામ પરિબળોએ અને વળી મનસુખરામ કાકાના સંગાથે ગોવર્ધનરામના ધર્મ, વિદ્યા અને આર્ય સંસ્કૃતિ તરફના પ્રેમ-ખેંચાણને તીવ્ર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

કોલેજના જમાનાથી જ કાવ્ય કરવાનો અને લેખો લખવાની ઘડીઓ જન્મી ચુકી હતી. શરૂના વર્ષોમાં ગુજરાતી કરતાં સંસ્કૃત કવિતા લખવાનું મન વધુ તણાતું. સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી, કાલિદાસના ‘મેઘદૂત’ને ચીલે શરૂ કરેલા ‘મનોદૂત’ કે પછી પહેલીવારનાં પત્ની હરિલક્ષ્મીના અવસાનના શોકને પગલે ૧૮૭૫માં લખાયેલા ‘હૃદયરૂદિતશતક’ જેવા કાવ્યો પરથી તેમનું સંસ્કૃત પ્રતિનું ખેંચાણ સમજી શકાય છે. ૧૮૭૩ના વર્ષમાં અંગ્રેજીમાં ‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑફ ધ યુનિવર્સ ?’, ‘ધ સ્ટેટ ઑફ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા બીજા કેટલાક લેખો વિવિધ વિષયોને ભારે સૂક્ષ્મતાથી લેવાની એમની માનસિક વૃત્તિના પ્રતીક છે.

હરિલક્ષ્મી, તેમનાં પહેલીવારનાં પત્નીનું અકાળ મૃત્યુ થયું હતું. આ વિયોગના વિષાદમાંથી ઉદ્ભવેલું ‘સ્નેહમુદ્રા’ નામનું કાવ્ય લખવાનું ૧૮૭૭માં શરૂ થયું હતું, ૧૮૮૯માં પ્રકાશિત થયું. પત્ની જેવા અતિ નિકટનાં સ્વજનનાં મૃત્યુના વ્યક્તિગત દુ:ખમાંથી સર્જાયું હોવા છતાં કથા અને પાત્રોના જોડાણથી જન્મેલા શોકની લાગણીઓને લેખકે વસ્તુનિષ્ઠ બનાવી છે. આ કાવ્ય પ્રેમ સંબંધી વિચારણામાંથી અને એમાંનાં પ્રકૃતિ સંબંધી વર્ણનોમાંથી જે કાવ્યત્વ અનુભવવા મળે છે તેનું કવિના વિવેચન-વિચારને તથા કવિમાં પાંગરી રહેલા સર્જક-કૌશલ્યને સમજવામાં ખાસ્સું મહત્ત્વનું છે.

‘સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત’ (૧૮૯૧) એ ગુજરાતના પહેલા વિવેચક નવલરામનું જીવનચરિત્ર છે. આ ચરિત્ર નવલરામના અંગત પરિચયને આધારે નહીં, પરંતુ એમના જીવન સંબંધે મળેલી જાણકારી અને એમનાં લખાણોનો આધાર લઈને આ ચરિત્ર લખાયું છે, એટલે અહીં વ્યક્તિ નવલરામની ઓળખાણ મળવાને બદલે વિવેચક નવલરામનો પરિચય મોટા પ્રમાણમાં થાય છે. ‘માધવરામ સ્મારિકા’ (૧૯૦૦)માં નાગર જ્ઞાતિનો પરિચય, નડિયાદના વડનગરા નાગરોની વંશાવળીઓ અને લેખકના પૂર્વજોનું વૃત્તાંત છે. પોતાની જયેષ્ઠ પુત્રી લીલાવતીનાં અવસાન પછી લેખકે એનું રચેલું જીવનચરિત્ર છે એટલે ‘લીલાવતી જીવનકલા’ (૧૯૦૫). પુત્રી જાહેરમાં માન પામવા યોગ્ય હતી એવા એના ગુણોને નજર સમક્ષ રાખવાથી આ ચરિત્ર વધુ તો પુત્રીના ગુણોનું ગાન કરનારું વધુ છે. ‘કવિ દયારામનો અક્ષરદેહ’માં લેખકે મધ્ય કાળના ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામના સાહિત્યમાં રહેલી તાત્ત્વિક વિચારણાને સમજાવી છે. (આ પુસ્તક કવિના ૪ જાન્યુઆરી, ૧૯૦૭ના મરણ બાદ, ૧૯૦૮માં પ્રકાશિત થયું છે.)

સાક્ષરજીવન (૧૯૧૯) : ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૧૮૯૮ની આખરમાં નિવૃત્ત થયા બાદ ‘સમાલોચક’ માં શરૂ કરેલો દીર્ઘનિબંધ ૧૯૦૩ સુધી કટકે કટકે પ્રકાશિત થયો હતો, પણ તે પૂર્ણ થઈ શક્યો નહોતો, હજી ય અપૂર્ણ છે. આ કૃતિમાં સાક્ષર જીવનનાં પ્રકાર, વલણ, સ્વરૂપ અને ધર્મની પૂર્વપશ્ર્ચિમની સંસ્કૃતિમાંથી દ્રષ્ટાંતો આપીને ઝીણવટભરી ચર્ચા કરી છે. સાક્ષર જીવન પોતે જ લોકકલ્યાણ અર્થે જ હોઈ નિવૃત્તિ તદ્રુપતા, અળગાપણું અને સંતોષને લેખકે સાક્ષર જીવનનાં વિશેષ લક્ષણ ગણ્યાં છે.

એ સિવાય બીજે પ્રકાશિત થયેલાં પણ ગ્રંથરૂપ નહીં પામેલાં કવિતા, સાહિત્યનું વિવેચન, ધર્મ, તત્ત્વજ્ઞાન, સામાજિક ને રાજ્કીય વિષયો પરના લેખો મળ્યાં છે. પ્રકાશિત ન થયેલી લેખકની કૃતિઓમાં ૧૯૦૧માં રચાયેલું ‘ક્ષેમરાજ અને સાધ્વી’ નાટક ‘સરસ્વતીચંદ્ર’ ની કથાને આગળ લંબાવે છે એટલે એ રીતે એ ખાસ્સું નોંધપાત્ર છે. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=191962

ગો.મા.ત્રિ. અને સરસ્વતીચંદ્ર વિષે  વિશેષ  પુરક  માહિતી 

૧. ગો.મા.ત્રિ વિષે વિનોદ વિહાર માં  પ્રગટ ડૉ. દિનકર જોશીનો એક સરસ લેખ. -નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

( 900 ) ‘સરસ્વતીચંદ્ર’નાં સવાસો વરસ અને ગોમાત્રિ! …… ઉઘાડી બારી ….. ડૉ. દિનકર જોશી

૨. ગોવર્ધનરામ ત્રિપાઠીનો  વિકિપીડિયામાં પરિચય. 

 

૩.વિકિપીડિયાના સૌજન્યથી  ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા રચાયેલી નવલકથા – સરસ્વતીચંદ્ર  ના પુરા ચાર ભાગ નીચેની લીંક પર વાંચો અને મિત્રોને પણ વંચાવો.

૪. સરસ્વતીચંદ્ર વિષે ફિલ્મફેર  એવોર્ડ  વિજેતા  હિન્દી  ફિલ્મ