વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 3, 2017

1060- પહેલાનાં બૈરાં … ઘર સંસારની એક રમુજી વાર્તા

શ્રી વીક્રમભાઈ દલાલે એમની ૮૭ સત્યાસી વરસની વયે એક સુંદર સાહિત્ય પ્રવૃત્તિ ઈ-મેલ માધ્યમથી શરુ કરી છે.દર શનિવારે તેઓ એમણે વાંચેલી અને ગમેલી વાર્તા કે લેખ રસ ધરાવતા મિત્રોને ઈ-મેલથી મોકલે છે.આ પાકટ ઉમરે એમની આવી રચનાત્મક સાહિત્ય પ્રવૃત્તિ અને  ‘સુવાચન’ સેવા માટે એમને સલામ.

આજે એમણે એમના ઈ-મેલમાં મોકલેલ એક રમુજી લેખ -40 પહેલાનાં બૈરાં-આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકોના આસ્વાદ માટે પ્રસ્તુત છે.

આજે પણ આ વાર્તામાં છે એવા ઘણા  પતિદેવો જોવા મળે ખરા હોં  !

વિનોદ પટેલ

 પહેલાનાં બૈરાં

          તમે માનશો? પહેલાનાં બૈરાં શું શું કરતા, તે બધું મને મોઢે થઈ ગયું છે. કારણ કે મારા પતીદેવ દીવસમાં દસ વાર એનું પારાયણ મને સમ્ભળાવે છે. સવારના પહોરમાં મને મરવાની પણ ફુરસદ ન હોય. ચા-નાસ્તો, પાણી ભરવું, કપડાં બાફવાં, કુકર ચઢાવવો, લોટ બાંધવો, એમને નવ વાગ્યાની લોકલ પકડાવવાની, છોકરાંવને નીશાળે મોકલવાનાં – એ કશાયમાં જરીકે હાથ ન દે તે તો બળ્યું, પણ ધીરે ધીરે ચા પીતાં, પગ પર પગ ચઢાવી છાપું વાંચતાં જ્યારે એક પછી એક હુકમ છોડવા માંડે – પાણી ગરમ થયું કે? બાથરુમમાં ટુવાલ મુક્યો? મારાં કપડાં ક્યાં? – ત્યારે સંયમ રાખવો અઘરો પડે.

          તેમાં તે દીવસે તો લગભગ બરાડ્યા : ‘મારા એકેય ખમીસને પુરાં બટન નથી. ચાર દીવસથી તને કહ્યું છે. આખો દીવસ કરે છે શું? પહેલાનાં બૈરાં તો કેટલું કામ કરતાં?’

          ‘હમણાં અમારા મહીલા મંડળની વ્યાખ્યાનમાળા ચાલે છે. કાલે પુરી થશે એટલે બધું વ્યવસ્થીત કરી આપીશ’.

          થોડો વખત થયો, ત્યાં ફરી બાંગ પડી : ‘મારો રુમાલ નથી મળતો. પેન ને ઘડીયાળ ક્યાં છે? મારાં મોજાં?’

          ‘પોતે વ્યવસ્થીત રાખવું નહીં અને બીજા પર ધમપછાડા?’ મારાથી બોલાઈ ગયું.
‘પહેલાનાં બૈરાં આમ સામું નહોતા બોલતાં. પતીની સેવા માટે ખડે પગે હાજર! આખો દીવસ કામ કરીને રાતે પાછાં પગ દબાવી આપતાં, તળીયે ઘીનું માલીશ કરી દેતાં. આજે તો બસ, મહીલા મંડળ અને સમાન હક્ક’.

          અને મને થયું, ચાલ બાઈ, એમની એવી જ ઈચ્છા છે તો પહેલાનાં બૈરાંનો પાઠ ભજવી બતાવું! સાસુને પણ વીશ્વાસમાં લીધાં. સાંજે આવ્યા ત્યારે હું અસ્સલ પહેલાનાં બૈરાંના સ્વાંગમાં સજ્જ હતી : કછોટો મારી પહેરેલો નવ વારી સાડલો, માથે ઘટ્ટ અમ્બોડો, કપાળમાં અગુંઠા છાપ મોટો ચાંદલો, 15-20 બંગડીઓ! એ જોઈ જ રહ્યા, પણ સાસુની હાજરીમાં કંઈ બોલ્યા નહીં. થોડી વારે હાથમાં ઝોળી પકડાવીને કહ્યું, ‘શાકભાજી લેતા આવજો. અને એલચી કેળાં. બાને ઉપવાસ છે’.

          સાસુએ મમરો મુક્યો, ‘તારા સસરા આને સાથે લઈ કાયમ શાક લઈ આવતા’.

          એ શું બોલે? પછી એમણે આઘાપાછા થઈ  કહ્યું, ‘તુંય ચાલને’ !

          ‘આજે અગીયારશ. મારે બા સાથે મન્દીરે જવાનું છે’.

          દોઢ કલાકે પરસેવે રેબઝેબ થતા આવ્યા. કાંઈ ભાજી આણી છે ભાજી! ‘આટલી બધી?’

          ‘કેટલી લાવવાની હતી તે ક્યાં કહેલું?’

          ‘અને આ પડીકું શાનું?’

          ‘તેમાં એલચી છે. એલચી, કેળાં લાવવાનું કહેલું ને?’

          અમે સાસુ વહુ હસ્યાં છીએ કાંઈ હસ્યાં છીએ તે દીવસે ! રોજની જેમ છોકરાં લેસનની ડીફીકલ્ટીઝ પુછવા આવ્યાં. મેં પપ્પા તરફ ધકેલ્યાં.

          ‘છાપું વાંચવા દે ને. જા મમ્મીને પુછ’.
‘મમ્મી કહે છે જા, પપ્પા પાસે. પહેલાનાં બૈરાંને નહોતું આવડતું એ જ ઠીક હતું’.

          ‘લાવ, તું કયા વર્ગમાં છે?’

          સાસુથી ન રહેવાયું, ‘તને એય ખબર નથી?’

          હું તમાશો જોતી રહી. રાતે કાંસાનો વાટકો અને ઘી લઈ રુમમાં પહોંચી ત્યારે ઘસઘસાટ ઉંઘતા હતા. ખુબ થાક્યા હશે. મેં પગ દબાવવા માંડ્યા અને ઘી ઘસવા માંડ્યું. એ ઉઠીને બેઠા થઈ ગયા. ‘આ શું માંડ્યું છે?’

          ‘કાંઈ નહીં. પહેલાનાં બૈરાં પતીની  સેવા કરતાં’!

          બીજે દીવસે સવારે બાથરુમમાં અબોટીયું મુક્યું : ‘આજથી પુજા નાહીને તમારે કરવાની’.

          એમની આંખો પહોળી થઈ ગઈ : ‘આ શું ગાંડપણ માંડ્યું છે?’
‘પહેલાનાં બૈરાં પુજા નહોતા કરતાં. પુજાપાઠ પુરુશો જ કરતા’.

          ત્યાર પછી બે-ચાર દીવસ ગાંધીને ત્યાંથી ખરીદી કરવી, વીજળીનું બીલ ભરવું, બૅન્કમાંથી પૈસા લાવવા, ગૅસ પુરો થયો તેનો ફોન કરવો, છોકરાંવની નીશાળે જવું, શાક લાવવું, છોકરાંવને ભણાવવાં – બધું જ એમને સોંપ્યું ! ‘તું કર’ એમ કહેવાનો અવકાશ જ નહોતો, કેમકે પહેલાનાં બૈરાં આવું કાંઈ કરતાં નહોતા. અને છેલ્લે ચાર દીવસની “હક્ક રજા” લઈ મેં કામમાંથી બીલકુલ છુટ્ટી લીધી.

          એક દીવસ સાંજે આવી એમણે કહ્યું, ‘તારી મા તારા ભાઈને ત્યાં આવી છે. તને મળવા બોલાવી છે ‘.

          માને મળવાની હોંશમાં હું નાટક ભુલી ગઈ. અને સ્વાંગ ઉતારી તૈયાર થઈ એમની સાથે નીકળી. ટૅક્સીમાં બેઠા પછી કહે, ‘હાથ જોડ્યા માવડી ! આઠ દીવસથી આ શું નાટક માંડ્યું છે?’

          ‘નાટક? તમારી સેવામાં ખડે પગે હાજર રહું છું. રાતે પગચમ્પી કરું છું. પહેલાનાં બૈરાં…’

          ‘બસ, બસ હવે, બહુ થયું ! આજે હુંયે તને નાટક બતાવું’ !

          ‘એટલે શું, મા નથી આવી?’

          ‘કેવી બનાવી’ કહેતાંકને મારી સામે એમણે નાટકની બે ટીકીટ ધરી….’ઘરસંસાર’….

 

(શ્રી વૈજયન્તી ફણસળકરની મરાઠી vaaraa મરાઠી વાર્તાને આધારે)     (વીણેલાં ફુલ – 8  પાના 9-10)

સાભાર … શ્રી વિક્રમ દલાલ 

—————————-
આવી વાર્તા દરેક શનીવારે ઈચ્છુકોને મોકલુ છું. તમે ઈચ્છતા હો તોinkabhai@gmail.com ઉપર yes લખીને મોકલો.–વિક્રમ દલાલ