Daily Archives: જૂન 17, 2017
દરેક માતા સંતાનને નવ માસ ઉદરમાં રાખે છે અને પ્રસુતિની પીડા ભોગવે છે. જન્મપછી આપણે પહેલું મુખ માતાનું જોઈએ છીએ.આમ માતાનો આપણા ઉછેર અનેજીવનમાં અગત્યનો હિસ્સો છે એની ના નહી,પણ એની સાથે સાથે આપણા જીવનનાઉત્કર્ષમાં અગત્યનો ફાળો આપનાર પિતાને પણ કદી ભૂલવા ન જોઈએ .
આપણે માતાની સ્મૃતિમાં મધર્સ ડે જે રીતે ઉજવીએ છીએ એ જ રીતે આપણા જીવનઉપરના પિતાના ઉપકારોને યાદ કરી ફાધર્સ ડે એટલાજ ભાવથી ઉજવવાની દરેકસંતાનની એક ફરજ બને છે .
બહોળા સંયુક્ત કુટુંબની જવાબદારી વહન કરી એક કર્મયોગી જેવું પ્રેરણાદાયી જીવનજીવી જનાર અને મારા જીવનના પાયામાં સંસ્કારનું સિંચન કરનાર મારા સ્વર્ગસ્થ પૂજ્યપિતાશ્રીને આ ફાધર્સ ડે ઉપર નીચેની કાવ્ય રચના દ્વારા સ્મરણાંજલિ અર્પું છું .
ફાધર્સ ડે ઉપર પૂજ્ય પિતાને કાવ્યાંજલિ

સ્વ.રેવાભાઈ શી.પટેલ
મુજ જીવનમાં ખુબ અગત્યનું અંગ તમે હતા ઓ પિતા,
આ પિતૃ દિને, યાદ કરી સ્મરણો ,વંદુ હૃદયના ભાવથી.
બહારથી ભલે તમો રુક્ષ અને કઠોર જણાતા હતા,
કિન્તુ ભીતરમાં સ્નેહનો જ દરિયો લહેરાતો હતો.
બાળ વયમાં રખડતા આખડતા કે કદી ભૂલો કરતા,
બોધ આપી સાચા રસ્તે દોરનાર તમે જ પિતા હતા.
આંગળી પકડી તમારી ઘર મૂકી શાળાએ અમો ગયા,
એ પછી જ વધુ અભ્યાસ કરી અમે પ્રગતી કરતા રહ્યા.
શાબાશી તમે આપતા જ્યારે કશુંક અમે સારું કરતા,
તમને ન ગમતું જ્યારે કરીએ ત્યારે કોઈ વાર ટપારતા.
પિતા તમારા એ પ્રેરક શબ્દો ચાનક ચડાવતા હતા,
રાહ ભૂલીએ તો તમો જ સીધો રસ્તો બતાવતા હતા.
મિત્ર, ફિલસૂફ ને ભોમિયો તમે બનતા હતા ઓ તાત,
અમ હૃદયમાં ગુંજી રહી છે હજી તમારી એ બધી વાત.
પડકારો ભર્યા તમ કંટક પંથે તમે પગ ઠેરવીને ધૈર્યથી ,
ગુલાબ ફૂલો ખીલવી ગયા અમ જીવન પંથમાં પ્રેમથી.
ચંદન સમું જીવન તમારું ઘસાયું હતું કાળના પથ્થરે,
કરી લેપ એનો અંતરમાં,એની સુગંધ આજે માણી રહ્યાં.
જીવન નિર્મિત કર્મો કરતા રહ્યા તમે નિષ્કામ ભાવે પ્રેમથી,
ગીતા ભાખ્યા કર્મ યોગી જેવા તમારા જીવનને વંદી રહ્યાં.
વિશાળ વડલા જેવી શીતલ છાયા ગુમાવી તમારા જતાં ,
અમારો એ વિનોદ વિલાયો,એ ચમન પણ ખાલી પડ્યો.
જીવનનું એ ગીત ભલે તમારું બંધ થયું છે તમારા જતાં,
પણ એ સંગીતના સુરો આજે પણ,આસપાસ ગુંજી રહ્યા.
ઓ પિતા તમો ભલે હાલ સદેહે અહીં હાજર નથી,
કિન્તુ ભૂતકાળની એ બધી યાદો કદી ભુલાવાની નથી.
એક પિતા પણ માતાની જેમ જ ખરેખર મહાન છે,
માતા–પિતા મળીને જ સૌનું જીવન–ચિત્ર પૂર્ણ થાય છે.
જીવનનું અગત્યનું અંગ છે સહુ કોઈનાં માતા–પિતા,
એ બન્નેની સેવા અને ત્યાગ કોઈ ભોગે ન વિસારતા.
શબ્દો બહુ જ ઓછા પડે ,ગણવા ઉપકારો એ પિતા આપના,
કિન્તુ,અલ્પ શબ્દો થકી,અંજલિ આપી રહ્યો આ પિતૃ દિને,
વિનોદ પટેલ,સાન ડીએગો

આ જ રચના નીચેની પ્રતિલિપિની નીચેની લીંક પર પણ વાંચી શકાશે.
સ્વ.માતા – પિતા સાથેની અમે ચાર ભાઈ અને ત્રણ બહેનોની એક સંયુક્ત તસ્વીર

આ બધાં ભાઈ-બહેનો હાલ અમેરિકામાં સ્થાયી થયાં છે.
આ સૌમાં હું વરિષ્ટ છું -૮૧ વર્ષ
સંતોષનું સ્મિત…. – હાર્દિક યાજ્ઞિક
સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : ‘લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા લાગ્યા કે દીકરો આવી ગયો… માંડ માંડ આંખો ઉંચકવાનો નિરર્થક પ્રયત્ન પણ તે ઊડું ઊડું થતા ખોળિયાએ કરી જોયો. હાથ થોડા ઘણા ફરક્યાં.
આવેલા દીકરાએ પણ હાથમાંની બેગ બાજુમાં મૂકીને બેઉ હાથ વડે ખૂબ જ હેતથી રમણિકલાલના હાથ પકડી લીધા.જ્યોતિ સિસ્ટરે ડોકું ધીમેથી હલાવીને ‘હવે વધુ સમય નથી…’ નો મૌન સંદેશો દીકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો.
રમણિકલાલના મોં પર આજે દસ દિવસે કંઈક નવો સંતોષ હતો. લગભગ બે કલાક સુધી આમ ને આમ દીકરા અને બાપ વચ્ચે એક પણ શબ્દ વગરની ઘણી બધી ચર્ચા થઈ. બંનેમાંથી કોઈ હાલ્યું નહીં. હવે રાતના અગિયાર થયા હતા. વોર્ડમાં છૂટા છવાયા ઉંહકારા અને ઉધરસ સિવાય શાંતિ હતી.
ઘણા સમયથી પિતાનો હાથ પકડીને બેઠેલા દીકરાને જોઈને સિસ્ટરે દીકરાને બહાર બાંકડે જઈને આરામ કરવાની સલાહ આપી. દીકરાએ ફક્ત ડોકું ધુણાવ્યું અને ફરીથી એક હાથે પકડેલા પિતાના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.
લગભગ બે કલાક બાદ અચાનક જ એક નાનકડો પરંતુ કંઈક જુદો જ અવાજ સંભળાયો અને દીકરાના હાથમાં પકડેલ બાપનો હાથ નિર્જીવ બની ગયો. દીકરાએ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી. કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણિકલાલના અચેત શરીર પરથી ઑક્સિજન માસ્ક અને બીજા યંત્રો દૂર કરવા માંડ્યા.
જ્યોતિ સિસ્ટરે માનવતા બતાવતા દીકરાના ખભે હાથ મૂકીને કહ્યું :‘ઈશ્વર જે કરે છે તે ભલા માટે જ કરે છે. ઘણા વખતથી બિચારા એકલા એકલા રિબાતા હતા. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આમ તો ઘણા સારા માણસ હતા…
’તે પાછળ ફરીને બોલ્યો : ‘હા, લાગ્યું જ કે કોઈ સારા માણસ હતા. પરંતુ તેઓ કોણ હતા ?
સિસ્ટર આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યાં : ‘અરે ! શું વાત કરો છો ? હોશમાં તો છો ને ? આ તમારા પિતા હતા.’
ખૂબ સ્વસ્થતાથી તેણે જવાબ આપ્યો : ‘ના, હું એમનો દીકરો નથી. મારા પિતાજી તો મારી ઘરે છે. હા, કદાચ હું આ કાકાના દીકરા જેવો થોડો દેખાતો હોઈશ. હું તો અહીં હોસ્પિટલના ઑપરેશન થિયેટરનું જનરેટર ઈમરજન્સીમાં ઠીક કરવા માટે રાત્રે આવ્યો હતો. હું કામ પતાવીને રિસેપ્શન પર આવ્યો અને મારું નામ કહ્યું તો આપ મને અહીં લઈ આવ્યા.
પહેલાં તો મને લાગ્યું કે આપ મને ચેક અપાવવા માટે ડૉકટર સાહેબ પાસે લઈ જાઓ છો. પરંતુ તમે તો મારી ઓળખાણ આ કાકાના દીકરા તરીકે કરાવી ! ખબર નહીં કેમ, પરંતુ મને થયું કે મને જેટલી ચેકની જરૂર છે તે કરતાં આ કાકાને મારી વધારે જરૂર છે.
ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ એમણે મને પોતાનો દીકરો માની લીધો. તમે નહીં માનો સિસ્ટર, પણ છેલ્લા ચાર-પાંચ કલાકમાં મેં એમની સાથે કંઈ કેટલીયે વાતો મૌનથી કરી. ચાલો, કંઈ નહીં તો મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મિત બનવાનું સદભાગ્ય તો ઈશ્વરે મને આપ્યું.
ડૉકટર સાહેબને કહેજો કે મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાંથી આ કાકાનું બિલ ભરી દે.’
આમ કહીને બે હાથ જોડીને રમણિકલાલના શબને પ્રણામ કરી તે યુવાન ચાલતો થયો.એક અજબ આશ્ચર્ય સાથે જ્યોતિ સિસ્ટર એને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નિર્જીવ શરીર પર પડી.
ત્યાં બધું જ મૃત્યુ પામેલું હતું. ફક્ત જીવંત હતું તો પેલું સંતોષનું સ્મિત…
વાચકોના પ્રતિભાવ