વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 19, 2017

1068- ફાધર્સ ડે ….. શ્રી પ્રવીણ શાસ્ત્રી

Pravin Shashtri

ન્યુ જર્સી નિવાસી મારા સહૃદયી મિત્ર અને જાણીતા વાર્તા લેખક શ્રી પ્રવીણ શાસ્ત્રીએ ફાધર્સ ડે  નિમિત્તે એમના પૂજ્ય સ્વ. પિતાશ્રી મગનલાલ શાસ્ત્રીને હૃદય દ્રાવક શબ્દોમાં શ્રધાંજલિ આપી છે.

મારા ફેસ બુક પેજ પર મુકેલ આ શ્રધાંજલિ એમના આભાર સાથે અત્રે વિ.વિ. ના વાચકોને શેર કરું છું.– વિનોદ પટેલ 

 

                                                        સ્વ. મગનલાલ શાસ્ત્રી

“ફાધર્સ ડે” …. પ્રવીણ શાસ્ત્રી 

જાણ્યે અજાણ્યે ઘણાં ફાધર્સ ડે ને દિવસે એની કાર શૂક ફ્યુનરલ હોમ સામેના પાર્કિંગ લોટમાં  પહોંચી જતી. એ અવકાશ પ્રમાણે રોકાતો. અતીતને વાગોળતો અને સ્મરણાંજલી સાથે વિદાય લેતો. એ મધ્યમ વર્ગના પિતા મગનલાલનો એક માત્ર જીવીત પુત્ર હતો. હા, એક મોટીબહેન હતી. જ્યારે તે છ માસનો હતો ત્યારે પંદરવર્ષની બહેનના લગ્ન થઈ ગયા હતા. મગનલાલે એનો એક પુત્ર ગુમાવ્યો હતો.એમના ભાઈએ ત્રણ સંતાનો ગુમાવ્યા હતા. એ બાપ કાકા વચ્ચે એકનો એક કુળદિપક હતો.

મગનલાલ પ્રાથમિક શાળાના આદર્શવાદી શિક્ષક હતા. આર્થિક ક્ષમતાની હદબહાર જઈને પણ માબાપ દીકરાની માંગ પુરી કરતા.

એકનો એક હોવાને કારણે પિતા મગનલાલ પ્રોટેકટિવ ફાધર બની ગયા હતા. ‘બાબા! દોડતો નહીં, પડી જશે. ‘ અને બાબો પતંગ પકડવા છાપરે છાપરે કૂદતો હતો.

બાબા! પાણીમાં  ન જતો. દીકરો નદી-તળાવમાં ડૂબકી મારતો અને તરતાં તરતાં ખૂબ આઘે નીકળી જતો. માતા પિતાનો જીવ અધ્ધર થઈ જતો. રખડેલ ન્હોતો પણ રખડવાનો શોખ હતો.

બાબાએ કોલેજ પુરી કરી. બીજા શહેરોમાં નોકરીની તકો સારી હતી. પણ ‘ના. તારે તો અમારી નજર સામે જ રહેવાનું છે. બાબાએ સ્થાનિક નોકરી સ્વીકારી લીધી.

બાબાના લગ્ન થયા. બાબો બે બાળકોનો બાપ બન્યો. હવે તે જવાબદારી અને માંબાપની પ્રોટેક્ટિવ ફિલિંગ્સ સમજતો હતો. એટલે જ્યારે યુ.કેનું એમ્પ્લોયમેન્ટ વાઉચર મળ્યું ત્યારે ઘરમાં વાત પણ ન્હોતી કરી. કોઈક મિત્રે ઘરમાં જણાવ્યું. આ વખતે કાકાએ ભાઈ ભાભીને સમજાવ્યા. બાબો યુ.કે. ગયો. યુ.કે થી અમેરિકા આવ્યો.

બાએ ટૂંકી માંદગી ભોગવી વિદાય લીધી. બાબો સમજાવીને પિતાને અમેરિકા લઈ આવ્યો. ત્યાર પછી બહેન ભાણજા અને સાસરાના સગાઓ પણ આવી ગયા. સુખદ પરિવારનો સાક્ષાતકાર અનુભવ્યો.

આખી જિંદગી સાંધેલું ધોતિયું લાંબો કોટ અને માથે કાળી ટોપી પહેરીને ફર્યા હતા.
‘બાપુજી તમે પાયજામો કફની પહેરોતો તમને વધારે અનુકૂળ રહેશે.’

‘આટલા વર્ષે હવે વસ્ત્ર પરિવર્તન? ભલે! તમે કહો છો તો પહેરી જોઈશ.’
અને તેમનેફાવી ગયું.

એમને પારકિન્સન હતો. હાથ ધ્રુજતા. હાથે કોઈ પણ વસ્તુ પકડવાની તકલીફ હતી.

પુત્રવધૂએ કહ્યું, ‘હું નોકરી છોડી દઉં.‘

‘ના તમારે બાળકો મોટા કરવાના છે. મારી ચિંતા કરશો નહીં.’

એમને માટે એક મોટી કથળોટમાં લંચ રખાતું. પકડાય એવા થર્મોસમા ચ્હા રખાતી. મોટા બાઉલમાં તેઓ ચ્હા રેડતા અને પી લેતા. છોકરા વહુને જરાયે અગવડ કે મુંઝવણ ન થાય તેની સતત કાળજી રાખતા. સાંજે રસોઈ કરતી વહુને કિચનમા બેસીને કંપની આપતા.
સવારે એકલા હોય ત્યારે રૂદ્રાભિષેકના વેદોક્ત મંત્રો બોલતા. પૌરાણિક મંત્રોથી પ્રાર્થનાઓ કરતા.

પુત્રને કહેતા: ‘ સઘળા વેદ અને ગીતાનો સાર ઈશોપનિષદ્માં છે. સમય મળે સમજીને પઠન કરતો રહેજે. પિતામહ પાસે તેઓ શુક્લ યજુર્વેદની સંહિતા ભણ્યા હતા.

ઈશોપનિષદ્ યજુર્વેદ સંહિતાનો ચાળીસમો અધ્યાય છે. આજ્ઞા ન હતી. માત્ર સુચનજ હતું.

સંતોષથી સમય પસાર કરતા હતા. એમને ઘરમાં દરેકે દરેકની બર્થ-ડે ઉજવાય તે ગમતું. એમની પણ બર્થ-ડે ઉજવાતી.

પુત્ર કહેતો ‘એંસી રન થયા છે. હજુ સેન્ચ્યુરીમા વીસ બાકી છે. સાચવીને રમત ચાલુ રાખજો.’

એ હસીને કહેતા. ‘હવે બાઉન્ડ્રી મારવાની તાકાત નથી. એક એક રન માટે દોડવું પડશે.’

વાર્તાલાપ ચાલુ રહેતો.

‘હવે ઓગણીસ બાકી છે.’

‘હવે અઢાર બાકી છે.’

હવે કેલેન્ડરના પાના ફાડવામાં શ્રમ વર્તાતો હતો.

મગનલાલ બિમાર પડ્યા. શરીર ગળાતું ગયું. નિદાન થયુ “મલ્ટિપલ માયલોમા”…. કેન્સર…. ઈન્ડિયન ડોકટરે અંગત સલાહ આપી. ‘હોસ્પિટલને બદલે ઘર લઈ જાવ. એમને માટે બહુ સમય રહ્યો નથી. એમને રાહત રહે અને આન્ંદ થાય એ રીતે દિવસો પસાર કરો.’
પેટ અને પીઠ એક થઈ ગયા હતા. લોહીની ઉલટી થઈ હતી. ખોરાક બંધ થયો હતો. ચમચીથી પાણી પવાતું હતું.

નિર્વસ્ત્ર શરીર પર એક માત્ર એડલ્ટ ડાયપર જ હતું. બહાર જુનની ગરમીનો આંક સેન્ચ્યુરી પર પહોંચવા પ્રયાસ કરતો હતો. પણ બાપુજીને ત્રણ બ્લેંકેટ ઓઢાળવા પડ્યા હતા.

બાપુજી હજુ સત્તર બાકી છે………

દર્દની પીડા થોડી ક્ષણ માટે અદ્રશ્ય થઈ ગઈ. એઓ હસ્યા.

તને એ ન દેખાય… સામે પાડા પર બેઠેલો બોલર વિકેટ પાડીને જ રહેશે.

પુત્ર અને પૌત્ર સામે જોયા કર્યું.

“તમારે કાંઈ કહેવું છે?”

“બાબા સાચવીને ડ્રાઈવ કરજે… અને તારા એકના એક દીકરાની કાળજી રાખજે.”
પ્રોટેક્ટિવ ફાધરના એ છેલ્લા શબ્દો હતા.

એ ૧૯૮૬ના જુન મહિનાનો ‘ફ્રાઈ-ડે ધી થરટીન હતો.

એ રવિવાર……૧૫ જુન ૧૯૮૬ નો ફાધર્સ ડે.

રવિવારે ફાધર્સ ડે ને દિવસે એઓ ક્લિફટનના ‘શૂક ફ્યુનરલ હોમ’માં સૂતા હતા.

ત્યાર પછી દીકરા પ્રવીણે ૨૦૦૨મા ૨૫મી નવેમ્બરે, બેન્ક્વેટ હોલમાં  સ્વજનો સાથે એમની જન્મ શતાબ્દી ઉજવી હતી.
*
પિતાશ્રી મગનલાલ શાસ્ત્રીને હાર્દિક શ્રદ્ધાંજલી