સાભાર – શ્રી ઉત્તમ ગજ્જર – એમના ફેસ બુક પેજ પરથી …
કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું –યશવન્ત મહેતા
એક વાર સ્વામી વીવેકાનન્દ(અથવા સ્વામી રામતીર્થ અથવા કોઈ અન્ય સ્વામી : કારણ કે આવી કથાઓ સાથે સૌ કોઈ મનગમતા સ્વામીને જોડી દે છે !) અમેરીકા જઈ રહ્યા હતા. એમના જમાનામાં અમેરીકા જવા માટે ઘણાખરા લોકો પુર્વ તરફનો દરીયામાર્ગ લેતા. એટલે કે બર્મા, મલાયા, સીંગાપોર, ચીન, જપાન પછી પ્રશાન્ત મહાસાગર વીંધીને અમેરીકા જવાતું. પ્રવાસ આગબોટથી થતો.
સ્વામીજીએ જોયું કે રંગુનથી એક જપાની વૃદ્ધ આગબોટ પર ચડ્યા છે. દેખીતી જ એમની ઉમ્મર ૮૫–૮૭ વરસ જેટલી હતી. સ્વામીજીએ એ પણ જોયું કે વડીલ દરરોજ સાંજે આગબોટના તુતક પરની ખુરસીમાં પાટી–પેન લઈને બેસે છે. સાથે નાનકડી પોથી રાખે છે. તે પોથીમાં જોઈને પાટીમાં લખે છે. ઘણા દીવસ આ જ ક્રમ જોવા મળ્યો. એટલે સ્વામીજીને કુતુહલ થયું કે વડીલ દરરોજ આ શી મહેનત કરતા હશે?
એક દહાડો કુતુહલ પ્રગટ થઈ જ ગયું. વૃદ્ધ સમક્ષ જઈને તેમને પ્રણામ કર્યાં અને પુછ્યું : ‘વડીલ, તમે દરરોજ આ પાટી–પેન અને પોથી લઈને બેસો છો; તે શું છે ?’
‘આ ચીની ભાષાની બાળપોથી છે. હું ચીની ભાષા શીખું છું.’
વીવેકાનંદનું કુતુહલ હવે આશ્ચર્યમાં ફેલાઈ ગયું. આ વડીલ, આ ઉમ્મરે ચીની ભાષા શીખે છે! ચીની ભાષા જગતની અઘરામાં અઘરી ભાષાઓમાંની એક છે. એની ચીત્રલીપીની 50,000 જેટલી અલગ અલગ આકૃતીઓ શક્ય છે. આપણને માત્ર આકૃતી લાગે એવા એક આકારમાં તો આખું વાક્ય સમાઈ ગયું હોય !
‘પણ વડીલ!’ વીવેકાનન્દ પુછ્યા વીના ન રહી શક્યા, ‘આવી અઘરી ભાષા આ ઉમ્મરે શીખવાની શી જરુર? એથી શું હાંસલ થશે?’ વૃદ્ધે ફરી વાર હુંફાળું મીઠું સ્મીત કરતાં કહ્યું, ‘ભાઈ, કોઈ પણ ઉમ્મર, કશું નવું શીખવા માટે વધારે પડતી નથી. માનવી જ્યાં સુધી કાંઈક નવું શીખવા માટે ઉત્સાહી છે, ત્યાં સુધી જ જીવન્ત છે. જો એ ઉત્સાહ ન રહ્યો તો તો પછી શ્વાસ–પ્રાણ ભલે ચાલતા હોય, તોયે માનવી મરેલો જ છે.’
તે દીવસે સ્વામીજીને સમજાયું કે કશુંય નવું કામ કરવા માટે માનવી ‘અતીવૃદ્ધ’ હોતો જ નથી. દરેક દેશનાં આગવાં કેટલાંક મહાકાવ્ય હોય છે. અંગ્રેજી ભાષા અને ગ્રેટ બ્રીટન માટે આવાં બે મહાકાવ્યો ‘પેરેડાઈઝ લોસ્ટ’ (ગુમાવેલું સ્વર્ગ) અને ‘પેરેડાઈઝ રીગેઈન્ડ’(પુન:પ્રાપ્ત સ્વર્ગ) છે. આ બન્નેના રચનાર મહા કવી જૉન મીલ્ટન છે. એ ૪૮ની વયે પુરેપુરા અન્ધ બની ગયા. એ પછી બાર વર્ષ લગી એમની બન્ધ આંખોની પાછળના દીમાગમાં એક કાવ્ય ઘુંટાતું રહ્યું. છેક સાઠની ઉમ્મર પછી એમણે દીકરીઓને એ કાવ્યનું શ્રુતલેખન કરાવવા માંડ્યું. આ વયે મીલ્ટને, નહોતો પોતાની ઉમ્મરનો ખ્યાલ કર્યો કે નહોતા અપંગાવસ્થાથી નીરાશ થયા.
સાહીત્યની દુનીયામાં આવું જ એક ગૌરવશાળી ઉદાહરણ ‘લે મીઝરેબલ’ અને ‘વીક્ટર હ્યુગો’નું છે. અઢાર–ઓગણીસમી સદીના ફ્રાન્સના શ્રેષ્ઠ લેખકોમાં એક વીક્ટર હ્યુગો છે. પોતાના યુગના એ સાહીત્યસમ્રાટ હતા. અસંખ્ય લેખકોના પ્રેરક હતા. પુરી ફ્રેન્ચ પ્રજાના માનીતા લેખક હતા. એમનાં લોકલક્ષી લખાણોને કારણે સત્તાધારીઓને ખુંચતાય ખરા. શાસકો એમની કદર કરે; પણ એ તો શાસકોનીય ધુળ કાઢતા! જ્યારે ફ્રેન્ચ ક્રાન્તી પડી ભાંગી અને નેપોલીયન બોનાપાર્ટ ‘શહેનશાહ’ બની ગયો, ત્યારે અમલદારો તરફથી આ ‘નાફરમાન લેખક’ વીક્ટર હ્યુગોની ધરપકડની દરખાસ્ત આવી. નેપોલીયને અમલદારોને ધમકાવી કાઢ્યા હતા. એણે કહેલું કે, ‘હ્યુગો ફ્રાન્સ છે અને ફ્રાન્સ હ્યુગો છે, તમે ફ્રાન્સની ધરપકડ કેવી રીતે કરી શકો?’
આ હ્યુગો પોતે પણ પોતાની લોકપ્રીયતા અને મહત્તા જાણતા હતા. આથી એક વાર તો ગુમાની લાગે તેવું વીધાન તેમણે કરેલું કે : ‘હવે પેરીસ નગરનું નામ બદલીને ‘હ્યુગો’ નગર રાખવું જોઈએ!’ જે વ્યક્તી પોતાને વીશે આટલું બધું ગૌરવ ધરાવવા અને વ્યક્ત કરવા તૈયાર થાય તે કેટલી બધી માનસીક અને નૈતીક તાકાત ધરાવતી હોય! હ્યુગો એ તાકાત ધરાવતા હતા.
અને એ તાકાત એમણે જીન્દગીની ઉત્તરાવસ્થા સુધી કેવી જાળવી રાખી હતી એનું જીવન્ત ઉદાહરણ ‘લે મીઝરેબલ’ છે. હ્યુગોની ફ્રેન્ચ ભાષાની જ નહીં; સમગ્ર વીશ્વની શ્રેષ્ઠ દસ–વીસ નવલકથાઓમાં સ્થાન પામે એવી આ નવલકથા લખવાનું કાર્ય, હ્યુગોએ ૭૮ વર્ષની વયે શરુ કર્યું હતું.
કેટલાક લોકો અમુક ઉમ્મર થતાં જ કશાંયે સર્જનાત્મક કે ઉપજાઉ કામ છોડી દે છે. ઘણાખરા તો સમાજ માટે ભારરુપ બનવા લાગે છે. કેટલાક વળી, અર્થહીન ક્રીયાકાંડો, પોથીપાઠો અને યંત્રવત્ પ્રવૃત્તીઓમાં ખોવાઈ જાય છે. ‘હવે તો મારાથી શું થાય!’ એવા પ્રશ્નો પુછતા થઈ જાય છે. એવા લોકોએ વીક્ટર હ્યુગોની તસ્વીર ઘરમાં લટકાવી રાખવી જોઈએ. તમને સ્વર્ગની કલ્પીત (માયારુપ) સીડી બતાવનાર ‘ગુરુ’ની તસ્વીર કરતાં; હ્યુગોની તસ્વીર વધુ સાર્થક બનશે.
અને તમને હ્યુગોની તસ્વીર ન મળે તો ‘મહાભારત’વાળા ‘વેદ વ્યાસજી’ની તસ્વીર રાખજો. પ્રાચીન વીશ્વની એમની સૌથી મોટી એ કૃતી એમણે રચવા માંડી ત્યારે તે એંશી ઉપરની વયના હતા.
કેટલાક લોકો વળી અમુક વય પછી એમ કહીને રચનાત્મક કામોમાંથી ફારેગ થઈ જાય છે કે, ‘હવે કોને માટે કશુંય કરવું?’ એવા લોકોને માટે ચીનના મહાન ફીલસુફ કન્ફ્યુશીયસની એક પ્રસંગકથા ઉપયોગી બને એમ છે. લો, સાંભળો :
ચીનના એક સમ્રાટ ઘણા ભલા, ઉદાર, દાની અને પરગજુ હતા. એ જરુરતમંદોને સદાય ઉદાર હાથે દાન આપતા, વડીલોની ઉત્તરક્રીયા કે સન્તાનોનાં લગ્ન કે જમીન–મકાનની ખરીદી જેવા હેતુ માટે ધન યાચતાં જે કોઈ આવે એને સમ્રાટ કદી નીરાશ ન કરતા.
ઉદાર અને સમજુ હતા એટલે ચીન્તકો, કવીઓ વગેરેના પણ પ્રશંસક હતા. કન્ફ્યુશીયસ જ્યારે એમના રાજ્યમાંથી પસાર થતા હોય ત્યારે એમને, પોતાને મહેલે રહેવાનો અચુક આગ્રહ કરતા. દીવસો સુધી એમના સત્સંગનો લાભ લેતા. વળી, પોતે કેવાં દાન અને સત્કાર્ય કરે છે એ કન્ફ્યુશીયસ જુએ, એવી ખાસ જોગવાઈ કરતા. સમ્રાટને આશા હતી કે સંતશીરોમણી પોતાના ઉપદેશમાં કે કાવ્યોમાં મારી યશગાથા વણી લે તો હું અમર બની જાઉં.
આવી મનોદશા વચ્ચે એક દીવસે સમ્રાટથી સંતને પુછાઈ ગયું, ‘પંડીતવર્ય, આ જગતમાં સૌથી મોટો દાની તમને કોણ લાગે છે?’
આવો પ્રશ્ન કરીને સમ્રાટ આતુરતાથી સંતના ચહેરા સામે તાકી રહ્યા. એમને પુરી આશા હતી કે સંત મને જ મોટામાં મોટો દાની ગણશે. હું એમની પરોણાગત ખુબ ભાવથી કરું છું. મારાં દાન પણ તેઓ પ્રત્યક્ષપણે જુએ જ છે.
પણ કન્ફ્યુશીયસે તો જવાબ આપવાને બદલે સમ્રાટને સુચવ્યું કે મારી સાથે મહેલની છત પર ચાલો.
બન્ને ચાલ્યા. રાજમહેલ એક ઉંચી ટેકરી પર હતો એની છત ઉપરથી સમગ્ર નગર જ નહીં; ફરતી ખેતરાઉ અને વાડીમય જમીન અને ગોચર વગેરે પણ દેખાતાં હતાં. એમાં એક બાજુ ખરાબાની વગડાઉ જમીન પણ હતી. કન્ફ્યુશીયસે આ ખરાબા ભણી આગળી ચીંધીને સમ્રાટને પુછ્યું, ‘આ તરફ જુઓ : તમને શું દેખાય છે? થોડીક વાર જોયા કરો અને પછી મને કહો.’
સમ્રાટે નજર ખેંચી. ‘અં… ખરાબાની જમીન સાવ બંજર છે. ઘાસનું તણખલુંયે ઉગેલું જણાતું નથી… આ જમીન પર કોઈ માણસ કામ કરતો દેખાય છે. એ વાંકો વળીને, કોદાળી વડે જમીન ખોદી રહ્યો જણાય છે… બરાબર, એ કશોક ખાડો કરતો લાગે છે… અં… ઓહો! એણે આવા તો ઘણા બધા મોટામોટા ખાડા કર્યા છે..! અચ્છા, એક બીજો ખાડો કરીને એ ટટાર થયો… ચાલ્યો… ખરાબાને છેડે એક મોટો ઢગલો અને એની બાજુમાં એક નાની ઢગલી છે.. એ શું હશે ?’
‘મોટો ઢગલો ખાતરનો છે, સમ્રાટ’, કન્ફ્યુશીયસે જણાવ્યું ‘અને નાની ઢગલી કેરીના ગોટલાની છે. એ માણસ ગોટલા વાવી રહ્યો છે.’
‘ઓ… હો… ભારે રુડું કામ કહેવાય!’
‘એ માણસ તમને કેવો દેખાય છે ?’
‘ગરીબ લાગે છે… ઘરડો છે… કમરેથી વાંકો વળી ગયો છે…’
‘સમ્રાટ, આટલે દુરથી એની ઉમ્મર નહીં કળાય; પરન્તુ એ પંચાણું વર્ષનો છે.’ ‘પંચાણું….?’
‘હા, આજે સવારે વગડામાં આંટા મારતો મેં પોતે એને જોયો. મેં એની ઉમ્મર પુછી. એ પંચાણુંનો છે.’
‘તો તો હવે તે થોડા જ સમયમાં જ મરણ પામશે, ખરું ને ?
‘હા ખરું, મરણ પામશે, અને છતાં એ આંબા વાવી રહ્યો છે ! સેંકડો આંબા વાવી રહ્યો છે ! ‘શું આ આંબાની કેરી તે ખાવા પામશે કે?’
‘ના, બનવાજોગ તો નથી અને છતાં એ આંબા વાવી રહ્યો છે. મારા ભલા સમ્રાટ ! મારે મતે જગતનો શ્રેષ્ઠ દાનવીર આ વૃદ્ધ માણસ છે.’
ઉપરના લેખ-કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું– ના લેખક શ્રી યશવંત મહેતા પોતે આજે ૮૦ વર્ષના છે પણ ખુબ જ સક્રિય છે.
૫૦૦થી વધુ પુસ્તકોના લેખક, બાળ સાહિત્યમાં લેખન ઉપરાંત એકલવીર કર્મશીલ બનીને તેઓ કેવું નોંધપાત્ર કામ કરી રહ્યા છે એ શબ્દોનું સર્જન બ્લોગમાંના શ્રી રમેશ તન્નાના નીચેના લેખ ઉપરથી તમને જાણવા મળશે.
Liked all stories. Thanks for the article and short video.
LikeLike
પ્રેરણાદાયી ચિંતન
કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું…’
કહી લખવા બેસીએ તો ટીકા થાય આ ડોશી હવે ની ગાંઠવાની
LikeLike