વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 28, 2017

1072- જીવનની ધન્ય ક્ષણો….મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

 બે મુઠ્ઠી ઊંચેરા સામાન્ય માનવીની પ્રમાણિકતાની વાર્તા 

શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

ગીતામાં તો ક્યાંય શ્રી કૃષ્ણની સહી નથી.

‘શ્રી જલન માતરી

 ‘હું મારા જીવનની ધન્ય ક્ષણોમાંથી પસાર થઇ રહ્યો હતો’ …

મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

 “બાબુજી, હમ તો આપકા લડ્ડુ ખાતે હે ઔર યમુના મૈયાકા પાની પીતે હૈ” – નાવિકે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું.

વેકેશન દરમિયાન સહકુટુંબ ઉત્તર ભારતના પ્રવાસે જવાનું બન્યું હતું.પ્રવાસ દરમિયાન મોટેભાગે મંદિરોમાં દેવદર્શનનો સીલસીલો ચાલતો હોય છે. મારા સ્વભાવ મુજબ એક સ્થળના દેવદર્શન ટાળીને મેં યમુના નદીના કિનારે ટહેલવાનું નક્કી કર્યું.

નદી કિનારે પ્રવાસીઓ ઓછા હતા. હું યમુનાજીને પ્રણામ કરી હોડીમાં બેઠો. નાવિકે ‘જય યમુના મૈયા’ કહીને હલેસા મારવાના શરૂ કર્યા.

નદીના શ્યામ રંગના પાણીમાં હાથ ઝબોળતાં રોમાંચ અનુભવ્યો. મનોમન કાળીનાગનું સ્મરણ થયું. ‘જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે’ ની પંક્તિઓ ગુંજવા લાગી.

” નાવ કબસે ચલાતે હો? “ મેં નાવિકને પૂછયું. ‘હમ બહોત છોટેથે પાંચ સાલકે’. વાતચીતનો દોર ચાલ્યો. ‘ ગુજારા કૈસે ચલતા હે?’ “ આપકા પ્યાર હૈ બાબુજી , આપકા લડ્ડુ ઔર યમુના મૈયાકા પાની પીકે જીતે હૈ.”

મને તેની વાતચીત, સાદાઈ અને પ્રમાણિકતા સ્પર્શી ગયાં. યમુનાજીમાં ઊંડી શ્રદ્ધા ધરાવતો નાવિક હદયથી ખૂબ જ પવિત્ર જણાયો. મારું મન ભરાય ત્યાં સુધી એણે મને નાવમાં સહેલ કરાવી. મને ખૂબ આનંદ થયો. રૂપિયા સો ચાર્જ નક્કી થયેલો. મેં ખુશ થઈને બસો રૂપિયા આપ્યા. અને કહ્યું , “ યે લીજીએ દોસો રૂપિયે.”

“ નહિ બાબુજી હમેં ૧૦૦ રૂપિયે દો બસ.”

“ નહિ…. નહિ…. મૈં ખુશ હોકર આપકો દે રહા હું. લે લો.” મેં આગ્રહ કર્યો.

“નહિ બાબુજી , હમ આપસે જ્યાદા પૈસે લેંગે તો યમુના મૈયા નારાજ હો જાયેગી. હમ નહિ લે સકતે, જો તય હુઆ હૈ વહી દીજીએ.”

નાવિકની પ્રમાણિકતા યમુનાજીના પાણીમાં તરી રહી હતી. મને નાવિક બે મુઠ્ઠી ઊંચેરો લાગ્યો. શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર આવા માનવીઓને કારણે જ ભારત દેશ ટકી રહ્યો છે, તેવી પ્રતીતિ થઈ. નખશીખ પ્રમાણિકતાથી ભરપૂર નાવિક્ને મળીને હું ધન્ય થઈ ગયો. યમુનાજીને સાક્ષાત દેવી તરીકે હાજરા હુજુર માનતા આ શ્રદ્ધાળુએ મારા હૃદયમાં ઊંચું સ્થાન મેળવ્યું. મારું મન હૃદય પુલકીત થઈ ગયું.

નાવમાંથી નીચે ઊતરતાં હું નાવિકને સ્વાભાવિક રીતે ભેટી પડયો તેનું મને ભાન પણ ન રહ્યું. યમુના કિનારે સાક્ષાત કૃષ્ણ ભેટયા હોય તેવી લાગણી અનુભવી રહ્યો. શ્રી યમુનાષ્ટકમ ગાતી કેટલીક ગોપીઓ ત્યાંથી પસાર થઈ રહી હતી. હું યમુનાજીનો સાક્ષાત્કાર અનુભવી રહ્યો.

હું મારા જીવનની ધન્ય ક્ષણોમાંથી પસાર થઇ રહ્યો હતો.

મિસરી

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

ગીતામાં તો ક્યાંય શ્રીકૃષ્ણની સહી નથી.

( ‘શ્રીજલન માતરી’ ની ક્ષમા યાચના સાથે )

sanskar@sandesh.com

સાભાર..સંદેશ.કોમ