વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જુલાઇ 2017

1083 -અનોખું અને રંગીલું અમદાવાદ અને અમદાવાદીઓ ….

 સાભાર- ડો. કનક રાવળ- એમના ઈ-મેલમાંથી

અમદાવાદના લોકો?Ok hand signThumbs up sign
BoyGirlManWomanOlder manOlder womanPrincess

અમદાવાદ સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનોબહુ 

ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. 

આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.

અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે ચાપીવા 

ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ!

જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતનાલોકોએ અમદાવાદને પચરંગી બનાવ્યું છે.

એટલે જ તો અમદાવાદનું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો અમદાવાદનું’કલ્ચર’ છે. 

અમદાવાદ ગુજરાતીઓનું ‘અમેરિકા’ છે.
અમદાવાદમાં કરોડ કરોડની ગાડીવાળા પણ મોજમાં છે તો રિક્ષાવાળો પણઉદાસ નથી.

અહીં દરેક માણસ પોતાને પરવડે એવી મોજની ખોજ કરી લ્યે છે. એટલે જ તોઆ શહેર રાતે  નથી વધતું એટલું દિવસે વધે છે.

અમદાવાદમાં અગિયારસો રૃપિયાની થાળી લગ્નપ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું 

પણ ચાલે છે, તો ફૂટપાથ પર પાણી પૂરી વેચનારો પણ ફ્રી નથી.

અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે પાંચ પાંચ લાખમાં કોઈપણ 

જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાઈ જાય છે.

એક વાર નર્કમાં કેટલાક લોકો આરામથી વડલા હેઠે પાણાનું ઓશિકું કરીને ઘસઘસાટ 

સૂતા હતા. ચિત્રગુપ્તે યમરાજાને પૂછયું કે, “આ કોણ છે!” યમરાજ કહે, ” આ અમદાવાદ ના લોકો છે, સાલ્લા ગમે ત્યાં સેટ થઈ જ જાય છે!”

અમદાવાદમાં જે હાલે એ આખા ગુજરાતમાં ચાલે.

અમદાવાદ વાસીઓ માટે લખેલી એક હળવીફૂલ કવિતા માણો.

એક હાથમાં ફૂલડાં રાખે, બીજા હાથમાં ધોકો,
સાવ અનોખા યાર અમારાં, અમદાવાદના લોકો 

આંખોમાં સપનાં લઈ વહેલા ઊઠતા રોજ,
લોકો જ્યાં મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો,
સાવ અનોખા યાર અમારા અમદાવાદના લોકો..!

ગજબનું શહેર છે યાર આ અમદાવાદ

રોડના એક કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી સાડી સેંથાવાળી ગુજરાતણસ્ત્રી 

જોવા મળે, તો સામો કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટીશર્ટમાંછાનીમૂની 

ગલીમાં સિગારેટ પીતી કન્યા પણ જડી આવે.

રેલવે સ્ટેશન પર એક અજાણી છોકરીએ બારી બહાર ડોકું કાઢી એક છોકરાનેપૂછયું કે, “કયું શહેર છે” છોકરો કહે, “ફ્રેન્ડશિપ કર તો કહું!” છોકરી હસીને બોલીકે સમજાઈ ગ્યું અમદાવાદ આવી ગ્યું!

જમીનના જ્યાં ભાવ છે માણસ કરતાં મોંઘા,
શીંગ રેવડી જેટલા થઈ ગયા શેરદલાલો સોંઘા;
ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા એને રોકો,
સાવ અનોખા યાર અમારા અમદાવાદના લોકો..

અમદાવાદનું પાણી થોડું વટવાળું છે. કો’ક કરોડનું ફુલેકું ફેરવે તોય એની 

ગામનોંધ ન લ્યે; 

અને અડધી ચાનો આગ્રહ ન કરો તો ખોટું લાગી જાય.

અહીંયાં લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે. અહીંયાં મોંઘાંદાટલગ્નો 

થાય ઈ તો સમજ્યા પણ કરોડ કરોડ રૃપિયા પ્રાર્થના સભા કે સાદડીના સામિયાણાના 

પણ લોકો ચૂકવે છે. અમદાવાદના લોકોને મૌત પણ શાનદાર જ ખપે છે.

મોંઘેરી ગાડી નખરાળી લાડી લઈને ભમવું,
ગામ આખાને રવિવારની સાંજે બહાર જ જમવું;
ફેશન પહેરી નીકળી ગયેલા જુવાનીયા’વને ટોકો,
સાવ અનોખા યાર અમારા અમદાવાદ ના લોકો..

સેવાના અવતાર સમી છે જ્યાં સંસ્થાઓ સધ્ધર,
સ્વાભિમાનથી જેના લોકો હાલે વેંત એક અધ્ધર…

સાવ અનોખા યાર અમારા અમદાવાદ ના લોકો…

ઉપરનો લેખ વાંચ્યા પછી સાથે સાથે અમદાવાદની ખાસીયતો જણાવતો દિવ્ય ભાસ્કરમાં પ્રગટ આ લેખ પણ વાંચી લો.  

 

મૂળ સુરતના પણ અમદાવાદમાં રહેલા ન્યુ જર્સી નિવાસી મારા મિત્ર શ્રી વિપુલ દેસાઈએ અમદાવાદનાં જોવા લાયક સ્થળોને આવરી લઈને ગીત સાથે બનાવેલો આ વિડીયો પણ આપને જરૂર ગમશે. 

અમે અમદાવાદી 

અમદાવાદ -વિકિપીડિયા  

અમદાવાદની વિગતે માહિતી વિકિપીડિયાની

આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

Dedicated to all Ahmedabadis.

1082- મળવા જેવા માણસ ….શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ …પરિચય

ફ્રીમોન્ટ,કેલીફોર્નિયા નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાની પરિચય શ્રેણી ‘મળવા જેવા માણસ’ લેખ માળાના ૫૧મા મણકા તરીકે એમણે ગુજરાતી બ્લોગ વિશ્વમાં ખુબ જાણીતાં ‘નીરવ રવે ‘ બ્લોગનાં બ્લોગર મારાં આદરણીય સહૃદયી મિત્ર શ્રીમતી પ્રજ્ઞા વ્યાસનો સચિત્ર પરિચય કરાવ્યો છે.

શ્રી દાવડાજીના બ્લોગ “દાવડાનું આંગણું” માં તેઓએ આ પરિચય લેખ પોસ્ટ કર્યો છે.શ્રી દાવડાજી  તરફથી ઈ-મેલમાં મળેલ આ પરિચય લેખને વિનોદ વિહારમાં આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

 

મળવા જેવા માણસ ….શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ

પરિચયકાર … શ્રી પી.કે.દાવડા  

Mr.and Mrs Pragna Ju. Vyasa

પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં થયો હતો. પિતા શ્રી કુમુદચંદ્ર મુંબઈની પ્રખ્યાત એંજીનીઅરીંગ કોલેજ V.J.T.I. માં મિકેનીકલ એંજીનીયરીંગનો અભ્યાસ કરી, રેલ્વેમાં નોકરી કરતા હતા. માતા ઇશ્વરીબહેન સાતમા ધોરણ સુધી ભણેલા હતા. આર્થિક રીતે આ સુખી કુટુંબમાં સંગીતમય અને ધાર્મિક વાતાવરણ હતું.                 

પ્રજ્ઞાબહેનનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ફ્રીલેન્ડગંજની રેલ્વેની શાળામાં ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી થયો હતો.

                                     (શાળાના સમયે)

અહીં અભ્યાસ દરમ્યાન સંગીત ને નાટ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરની માજીરાજ ગર્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૫૫ માં S.S.C. ની પરીક્ષા પસાર કરી હતી. હાઈસ્કૂલના શિક્ષણ માટે એમને ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક સાઈકલ ઉપર શાળામાં જવું પડતું. રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેધાણીનાં પુત્રી પદ્મલા પ્રજ્ઞાબહેનના વર્ગમાં હતા.

બે વર્ષ માટે ભાવનગરની S.N.D.T. કોલેજમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૭ માં લગ્ન થઈ જતાં અભ્યાસ અધુરો મૂકવો પડ્યો હતો. પ્રજ્ઞાબહેનના પતિ શ્રી પ્રફુલ્લચંદ્ર વ્યવસાયે તબીબ છે.

                                   (લગ્ન પછી)

પ્રજ્ઞાબહેને સ્વેચ્છાએ ગૃહીણીનો રોલ સ્વીકારી, એક દિકરા અને ચાર દીકરીઓની સુખાકારી અને શિક્ષણની જવાબદારી નીભાવી. પાંચે સંતાનો સારું શિક્ષણ પ્રાત્પ કરી જીવનમાં સ્થાયી થયા છે. આ સમય દરમ્યાન એમણે સામાજીક સંસ્થાઓમાં કામ કરી પોતાનો ફાળો નોંધાવ્યો. બારડોલી સાર્વજનિક મહિલા મંડળ અને જાયન્ટસ કલબ જેવી સંસ્થાઓનું પ્રમુખપદ પણ શોભાવ્યું. આસપાસના ગામોમાં જઈ સમાજ સેવાની પ્રવૃતિઓ કરી, એમણે એમની માનવીય ફરજ નીભાવી.

૧૯૯૬ માં એમની અમેરિકા સ્થિત દિકરી રોમાએ એમનું ગ્રીનકાર્ડ સ્પોન્સોર કર્યું, અને એ મંજૂર થતા પ્રજ્ઞાબહેન એમના પતિ સાથે અમેરિકા આવ્યા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

૨૦૦૬ માં એમને ગુજરાતી બ્લોગ્સની જાણ થઈ અને એમણે એમાં રસ લેવાનું શરૂ કર્યુ. એમણે અનેક બ્લોગ્સમાં મૂકાયલી કૃતિો વિષે પ્રતિભાવ આપવાના શરૂ કર્યા. એમના વિદ્વતાભરેલા પ્રતિભાવો ઉપર અનેક વાંચકો અને બ્લોગ્સના સંચાલકોનું ધ્યાન દોરાયું, અને અનેક સર્જકો એમના સંપર્કમાં આવ્યા. ૨૦૦૮ માં એમણે “નીરવ રવે” નામનો પોતાનો બ્લોગ શરૂ કર્યો.

“નીરવ રવે”માં પ્રજ્ઞાબહેને પોતાના સર્જન ઉપરાંત એમના સંતાનોના સર્જન અને અન્ય મિત્રોના સર્જન મૂકવાનું શરૂ કર્યું. ગુજરાતી બ્લોગ્સમાં ઊંચું સ્થાન ધરાવતા બ્લોગ “વેબ ગુર્જરી” ના સંપાદક મંડળના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા.

એમની ખાસ ખાસિયત એ રહી કે એ પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક ઈ-મેઈલનો જવાબ આપે છે, અનેક બ્લોગ્સમાં કૃતિઓ વાંચી એમાં મનનીય પ્રતિભાવ લખે છે. જે વિષય ઉપર પ્રતિભાવ લખે છે, એ વિષય ઉપરનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ઉપર પણ એમની સારી પકડ છે.

લેક્ષિકોનમાં પ્રજ્ઞા શબ્દના ઘણાં અર્થ આપેલા છે. પ્રજ્ઞા એટલે બુધ્ધી, મેધા, મતિ, સમજશક્તિ, એકાગ્રતા, વિશેષ જાણીકારીવાળી, પરિપક્વ બુધ્ધિવાળી, સમજણશક્તિ, ડહાપણ, અને સંવેદના. આ પ્રજ્ઞાબહેન માટે તો આ બધા અર્થ એક સાથે લાગુ પડે છે, કદાચ બધાનો સરવાળો કરી એક નવો અર્થકારક શબ્દ બનાવવો પડે. ખૂબ જ મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના બહેન પ્રજ્ઞા વ્યાસે એક દાયકામાં મિત્રો અને ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કરી લીધો છે.

બ્લોગ જગતની ખૂબ જ જાણીતી અને સન્માનનીય વ્યક્તિઓના અભિપ્રાયોનું સંકલન કરીને કહું તો બહેન પ્રજ્ઞા વ્યાસ એક મેઘાવી વ્યક્તિ છે. વિશાળ વાંચન એમની મૂડી છે. એમના હાસ્યમાં પણ એમનું ગાંભીર્ય છે. એમની સહાનુભુતિમાં કરૂણા છે. કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાની અને સાંદર્ભીક. જાણે કે એમની પાસે કોઈ અદભુત વીકીપીડીયા ન હોય?

આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય જોઈ નથી. પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. એમના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્ર્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ સૌથી મોખરે હોય. કેટલીકવાર તો મૂળ કૃતિ કરતાં પણ પ્રજ્ઞાબહેનની કોમેંટ વધુ રસદાયક હોય છે. કવિતાનો રસાસ્વાદ તેઓ અદભુત રીતે કરે છે,

                       

                                 (નિવૃતિનો સમય)

                 

                                       (સહ કુટુંબ)

તેઓ કહે છે, “મને ભજન ગાવાં વધુ ગમે છે; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.”

પ્રજ્ઞાબહેન માને છે કે માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ આખી જીંદગી માણસ તરીકે જીવે, અને માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ  જ અગત્યની બાબત છે.આજકાલની દોડધામવાળી જીંદગીમાં કોઈને બીજા માટે સમય નથી, આ પરિસ્થિતીમાં બદલાવની તાતી જરૂરત છે.

પ્રજ્ઞાબહેન કહે છે, ‘સદા સંતવાણી યાદ રાખો, વર્તમાનમાં રહો, સ્નેહ રાખો , કટુ  વિચાર- વચન ત્યાગો, ગુણદર્શન કરો અને સદા માનો આપને તો નિમિત્ત માત્ર !’

-પી. કે. દાવડા

(ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા, ૨૦ જુલાઈ, ૨૦૧૭)

====================

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫માં જન્મ દિવસે અગાઉ વિનોદ વિહારમાં પ્રસિધ્ધ અભિનંદન / પરિચય લેખ

નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

(330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ
વેળાએ અભિનંદન / એમનો પરિચય

1081- શ્વેતા – શ્રી. પ્રવીણકાન્ત શાસ્ત્રી

શ્રી પ્રવીણ શાસ્ત્રી અને શ્રીમતી યોગીની શાસ્ત્રી

ન્યુ જર્સી નિવાસી ડાયાસ્પોરા વાર્તા લેખક ૭૮ વર્ષીય મારા મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીનું પ્રથમ પ્રકાશિત પુસ્તક ‘શ્વેતા’ હવે ઈ-પુસ્તક સ્વરૂપે પણ વાચકોના વાચન માટે ઉપલબ્ધ બન્યું છે. 

શ્રી સુરેશ જાની અને પ્રવીણભાઈના આભાર સાથે વિનોદ વિહારમાં એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ 

 

સૂરસાધના

      ચાર પાંચ વર્ષ પહેલાં પ્રવીણ ભાઈએ બહુ પ્રેમ પૂર્વક મોકલેલી નવલકથા ‘શ્વેતા’ આમ તો ૨૦૧૧ માં છપાઈને બહાર પડી હતી. એ વખતે બે ત્રણ દિવસમાં જ એ કથા રસપૂર્વક વાંચી હતી. પણ ઈવડી -ઈ હવે ઈ-રૂપમાં પણ હાજર છે.

shweta_title આ ચિત્ર પર ક્લિક કરી ડાઉન લોડ કરો અને ઓફ- લાઈન વાંચો.

      પ્રવીણ ભાઈની લાક્ષણિક કલ્પનાશક્તિ,  અમેરિકન ગુજરાતીના  જીવનમાં  સ્વાભાવિક રીતે બોલાતી ભાષાને પડઘાવતા ચોટદાર  સંવાદો અને  અવનવા પ્રસંગો ગૂંથી વાર્તાને રસિક વળાંકો આપવાની કળા આ નવલકથામાં સોળે કળાએ ખીલી ઊઠેલી આપણે જોઈ શકીશું.  પણ એક વિશેષ વાત એ છે કે, ગુજરાતી વાર્તા સાહિત્યમાં જવલ્લે જ વાંચવા મળતા ‘લિંગ – પરિવર્તન’ ( sex – change) ના નાજૂક વિષયને પ્રવીણ ભાઈએ વાર્તાના પટમાં વાપર્યો છે.

પ્રવીણ ભાઈનો પરિચય …

shweta_back

શ્વેતા’ ઓન – લાઈન વાંચવા માટે આ પાનાં પર ક્લિક કરો…

View original post

1080 – ચશ્માં …… સામાજિક વાર્તા …….શૈલજા કાવઠે

સાભાર .. શ્રી વિક્રમ દલાલ – એમના ઈ-મેલમાંથી 

 

એક વૃદ્ધ પીતાના જીવનને સ્પર્શતી સામાજિક વાસ્તવિકતાને ઉજાગર કરતી

એક હૃદયસ્પર્શી વાર્તા  

ચશ્માં

          સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ ઝબકી જવાથી ઘરમાં બધાની ઉંઘમાં ખલેલ પડી. મીઠી નીન્દર ઉડી જતાં ચીડાયેલી રમા, “આ ઘરમાં કોઈ સુખે ઉંઘવાયે દેતું નથી” એમ બબડતી બબડતી રસોડા તરફ ગઈ.

          સામે સસરાને જોયાં. એ થોડા ગભરાયેલા અને ખસીયાણા પડી ગયા હતા. બોલ્યા, “વહુ બેટા, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. આ ટેબલ સાથે અથડાઈ પડ્યો”. રમા કાંઈ બોલ્યા વગર મોઢું ચડાવી કામે લાગી ગઈ.

          ચીમનકાકાને થોડું ઓછું આવ્યું. વહુએ પોતાની તક્લીફ તરફ કાંઈ ધ્યાન ન આપ્યું. ઉલટાની મોઢું ચડાવીને ચાલી ગઈ. પોતે આ ઘરમાં વધારાનો થઈ ગયો છે? આ આઘાતમાં બે-ચાર દીવસ તો ફરી ચશ્માંની વાત કાઢી ન શક્યા. પણ પછી ખુબ અગવડ પડતી હોવાથી એક દીવસ દીકરાને ક્હ્યું, “બેટા, મારી આંખો તપાસરાવી પડશે. આજકાલ જાણે સાવ આંધળો થઈ ગયો છું. રોજ કથામાં જતાં ક્યાંક અથડાઈ જઈશ એવી બીક લાગે છે”.

          પણ મનુ કાંઈ બોલે તે પહેલાં જ રમા બોલી, “આમ તો તમારે ઘરમાં જ રહેવાનું હોય છે ને? થોડા દીવસ કથા સાંભળવા ન જવાય તોયે શું બગડી જવાનું છે”?

          ચીમનકાકા સડક થઈ ગયા. વાત ટાળી દેતાં મનુ બોલ્યો, “આ રવીવારે કૉલેજમાંથી અજન્તા, ઈલોરા, દોલતાબાદના પ્રવાસે જવાના છે. બધા પ્રાધ્યાપકો પત્ની સાથે આવશે… …”

          “હા,હા, … … તું ને રમા પણ જરુર જઈ  આવો”.

          “પણ…થોડો ખર્ચ વધશે તેથી તમારા ચશ્માં આવતે મહીને બદલાવીશું તો ચાલશે ને”? મનુ થોડાક અપરાધી ભાવે બોલ્યો. ચીમનકાકાએ હા, હા કહીને જાતને સમ્ભાળી લીધી. પણ રમા ડબકું મુકતી ગઈ : “તેના કરતાં ધર્માદા દવાખાને જઈ આવે તો મફતમાં કામ પતી જશે”.

***

          દોલતાબાદનો કીલ્લો જોઈ બધાં ગપ્પાં મારતાં બેઠાં હતાં. કીલ્લાના ભગ્નાવશેશ જોઈ મન ખીન્ન થઈ ગયેલું. એક વીદ્યાર્થી બોલ્યો, “આપણે વૃધ્ધ માબાપની પ્રેમથી સાર-સમ્ભાળ રાખીએ છીએ ને, તેવી જ રીતે પૌરાણીક અને ઐતીહાસીક દૃશ્ટીએ મહત્ત્વનાં સ્થળોની સમ્ભાળ ન લેવાવી જોઈએ?”

          ચર્ચા ચાલતી હતી. પણ મનુ શુન્યમનસ્ક થઈ ગયો.

          વીદ્યાર્થીના ભાવનાભર્યા શબ્દો, “માબાપની પ્રેમથી સાર-સમ્ભાળ”  એને ચુભી ગયા. પીતાએ પોતાને માટે શું શું નથી કર્યું? હતા તો એક પ્રાથમીક શાળાના શીક્ષક. માંડ પુરું થતું. છતાં કેટકેટલી મહેનત કરી ભણાવ્યો. એમને કેટલી કરકસર કરવી પડતી. એક ધોતીયું સાંધી-સુંધીને આખું વરસ ચલાવતા. પછી વરાવ્યો-પરણાવ્યો. રમાનો ઘરેણાંનો શોખ પુરો કરવા પોતાની જીન્દગી આખીની મામુલી બચત ખુશીથી આપી દીધી હતી… … અને એમની આવી ચશ્માં જેવી મામુલી આવશ્યકતા પુરી કરવામાં પણ મેં ગલ્લાં-તલ્લાં કર્યાં?…. સામે કીલ્લાની જગ્યાએ તેને પીતા જ દેખાવા લાગ્યા – ચશ્માં વીના અથડાતા, કુટાતા.

          હરવા-ફરવામાંથી મનુનો રસ ઉડી ગયો. નાના નાના પ્રસંગોનો સન્દર્ભ નાહકનો પીતાની હાલત સાથે જ જોડાઈ જતો. એનું મન એને કોસતું રહ્યું.

          પ્રવાસેથી ઘેર પહોંચતાં એણે અધીરા થઈ બૅલ વગાડ્યો. એને હતું કે ઝટ ઝટ પીતાને આંખના ડૉક્ટર પાસે લઈ જઈ આજ ને આજ નવાં ચશ્માં અપાવીશ. પોતાના અપરાધી ભાવમાંથી એ ઝટ મુક્ત થવા માંગતો હતો. પણ બારણું ઉઘડતાંવેંત સામે પીતાની આંખો એક નવી સુન્દર ફ્રેમમાંથી એના પર વહાલ વરસાવી રહી હતી : “કેમ પ્રવાસ મઝાનો રહ્યોને ? કોઈ તકલીફ તો નથી પડી ને? “

          પીતાની પ્રેમભરી પુછતાછ મનુના કાનથી ચીત્ત સુધી પહોંચી જ નહીં. એ નવાં ચશ્માં જ જોયા કરતો હતો. પીતા ધર્માદા દવાખાનામાં જઈ આવ્યા હશે?….. પણ ના, આટલી કીમતી ફ્રેમ ત્યાં ક્યાંથી મળે? … … એ પુછ્યા વીના ન રહી શક્યો, “તમે ધર્માદા દવાખાને ગયા હતા”?

          “અરે, ના, એ તો પેલો આપણો પ્રકાશ જોશી, ઓળખ્યો ને? તારા કરતાં એક વરસ આગળ ભણતો હતો તે”?

          મનુને પ્રકાશ યાદ આવ્યો. એક બહુ જ ગરીબ વીદ્યાર્થી. ભણવામાં ખુબ હોશીઆર. પીતાનો ઘણો લાડકો. એને ભણવામાં ઘણી મદદ પણ કરતા. “હા, હા,… પણ તેનું શું”?

          “સવારે ઘેર આવેલો. એ આંખોનો મોટો ડૉક્ટર થયો છે.  આટલો મોટો થયો પણ જરીકે બદલાયો નથી. આવતાંવેંત પગે પડ્યો. મેં તો તુરત તેને ઓળખ્યો પણ નહીં. તેમાંથી ચશ્માંની વાત નીકળી. અને એ ન જ માન્યો. મને સાથે લઈ જઈ આ નવાં ચશ્માં અપાવી આવ્યો. હું ના ના કહેતો જ રહ્યો, પણ એ માને તો પ્રકાશ શાનો?” કહેતાં કહેતાં ચીમનકાકાનું ગળું ભરાઈ આવ્યું.

          પ્રકાશે અપાવેલ ચશ્માંથી પીતાને તો સાફ દેખાવા માંડયું જ હતું, પણ તેનાથી મનુની આંખો પણ સારી એવી ખુલી ગઈ!

(શ્રી. શૈલજા કાવઠેની મરાઠી વાર્તાને આધારે)   (વીણેલાં ફુલ – 8 પાના 69-70)

        A BITTER TRUTH 

1079 – ગાંધીજી વિષે અવનવું …… શ્રી હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા એવોર્ડ વિજેતા હાસ્ય લેખક મિત્ર શ્રી હરનીશ જાની ના લેખો સુરતના અખબાર ‘ગુજરાત મિત્ર’ માં દર બુધવારે કોલમ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ માં નિયમિત પ્રગટ થતા હોય છે.

ગુજરાત મિત્રની આ કોલમમાં તારીખ  ૧૨મી જુલાઈ ૨૦૧૭ ના રોજ શ્રી  હરનીશભાઈનો લેખ ‘ગાંધીજી વિષે અવનવું ‘ પ્રસિદ્ધ થયો છે એ મને ગમી ગયો.

આ લેખમાં ગાંધીજી વિષે અગાઉ વાંચી કે સાંભળી નહોતી એવી કેટલીક વાતો તેઓએ રજુ કરી છે.એમાં તેઓએ ગાંધીજીને મહાત્મા બનાવનાર કેટલાક મૂળભૂત ગુણોનું સરસ વિશ્લેષણ કર્યું છે.

ગાંધીજી એમના જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે કેવી રીતે દોડાવતા હતા એની હરનીશભાઈએ એમની આગવી રીતે રજુ કરેલ રસિક વાતો વિનોદ વિહારના વાચકોને મારી જેમ જરૂર ગમશે.

વિનોદ પટેલ

‘ગાંધીજી વિષે અવનવું ‘ …. શ્રી હરનીશ જાની ‘

અમેરિકન ટી.વી. પર ભારતની વાત સાંભળી. તેમાં પણ ગાંધી બાપુ વિષેની વાત સાંભળી,જે મેં અગાઉ કદી સાંભળી નહોતી . બની શકે કે ઘણાને આ લેખથી તે જાણવા મળે. ૧૯૦૩માં સાઉથઆફ્રિકા( આફ્રિકાના એક દેશનું નામ) માં ગાંધીજી ફુટબોલ ( અમેરિકામાં જેને સૉકર કહેવામાં આવે છે.) રમતા હતા. અને ફુટબોલના કોચ–ટ્રેનર હતા. તેમણે જુદા જુદા ત્રણ શહેરમાં તો ફુટબોલ ક્લબની સ્થાપના કરી હતી. ડરબનમાં, પ્રિટોરીયામાં અને જોહાનિસબર્ગમાં. આ ત્રણેના નામ અહિંસક સત્યાગ્રહ ફુટબોલ ક્લબ (પેસીવ રેસિસ્ટર ફુટબોલ ક્લબ) રાખ્યા હતા. અને ગાંધી જેનું નામ– ફુટબોલની મેચના હાફ ટાઈમમાં ટીમને અહિંસા વિષે સમજાવતા. એટલું ઓછું હોય તેમ દર્શકોને સત્ય અહિંસાના પાઠ ભણાવતા. કાગળિયાં–પેમ્ફલેટ વહેંચતા. આ વાતનો પુરાવો પ્રિટોરિયાના ઓલ્ડ કોર્ટ હાઉસના મ્યુઝિયમના ફોટાઓ પુરો પાડે છે. જેમાં યંગ ગાંધીજી દર્શકોને સંબોધતા દેખાય છે.

વાત એમ છે કે ઈંગ્લેંડમાં લૉ કોલેજમાં ભણતા ભણતા તેમને ક્રિકેટમાં અને ફુટબોલમાં ખૂબ રસ જાગ્યો હતો. ખાસ કરીને ઓછા સાધનોવાળી ફુટબોલની રમત ગમતી. તેમને તેમાં એક સ્ટાર પ્લેયર કરતાં આખી ટીમના સહકારથી જીતતી ટીમનો સિધ્ધાંત ગમતો. આ ફુટબોલ બીજા યુવાનોને પોતાના તરફ આકર્ષવા પુરતો હતો. અને તેમનો આ ગૂણ તેમણે ભારત આવ્યા ત્યારે ઉપયોગમાં લીધો અને બીજા બધા નેતાઓને ભેગા કરી અને તેમની ટીમ બનાવી. જે તેમને બ્રિટન સામે લડવામાં કામ લાગી. મૂળે તો તેમને આ “રંગદ્વેષી‘ સાઉથઆફ્રિકાની સરકારનો વિરોધ કરવો હતો.

ગાંધીજીના ઘણા ગુણ મને ગમે છે પણ તે જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે દોડાવતા હતા. તે ખરેખર અદભૂત ગુણ હતો. સામાન્ય રીતે દરેકના જીવનમાં જીવન બદલી નાખતા ટર્નીંગ પોઈન્ટ આવતા હોય છે.પરંતુ ગાંધી બાપુના જીવનમાં અસંખ્ય ટર્નીંગ પોઈન્ટ આવ્યા. તેઓ દરેક વખતે સત્ય અને અહિંસાના પાલનને કારણે સફળ રહ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે ટર્ન લેતા હતા. અથવા કહી શકાય કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તા ટર્ન લેતા હતા.

તેમનો બહુ ચર્ચીત પ્રસંગ ૧૮૯૩માં બન્યો ફર્સ્ટક્લાસ ની ટિકીટ લઈ અને ડરબનથી પ્રિટોરીયા જવા રાતની ટ્રેનમાં બેઠા હતા જે ગોરા લોકો માટે રિઝર્વ હતો. અને ટિકીટ ચેકરે તેમને થર્ડ કલાસમાં જવાનું કહ્યું અને ગાંધીજીએ તેમ કરવાની ના પાડી. હવે આ વાતને હું તેમનું ઉત્તમ ચારિત્ર ગણું છું. મારા જેવો સામાન્ય માણસ તો કહે કે અડધી રાતે અજાણ્યા સ્ટેશને ઠંડીમાં ઉતરવા કરતાં થર્ડ ક્લાસમાં જઈ શાંતિથી ઊંઘી જાવ. બીજે દિવસે તો સવારે કોર્ટમાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવાનો છે. જેને માટે ખાસ મુંબઈથી ,આફ્રિકા આવ્યા હતા.અને માટે આ ટિકીટ ચેકર સાથે માથાકુટ કરવાની છોડી દો. પણ એમણે તેમ ન કરતાં પિટરમારીઝબર્ગના સ્ટેશને ફેંકાય જવાનું પસંદ કર્યું અને પછીની રાત ઠંડીમાં પડી રહ્યા. એટલું ઓછું હોય તેમ બીજે દિવસે સિગરામમાં કોચવાનના પગ પાસે ન બેસતાં માર ખાધો. પણ પોતાના સિધ્ધાંતને વળગી રહ્યા. અને પોતાની જાત બીજા ગોરાઓની જાત કરતાં જરાય ઉતરતી નથી. એ સિધ્ધાંત તેમણે હિન્દીઓને આપ્યો. જે આજે સો વરસ પછી દરેક જાતીઓમાં વ્યાપ્યો છે.

અમેરિકામાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ગોરા લોકો કરતાં ઉતરતા નથી. પરંતુ મુઠ્ઠી ઊંચેરા છે.આમ છતાં મારી દ્રષ્ટિએ, બીજો એક ઓછો જાણીતો પ્રસંગ ખૂબ અગત્યનો છે. કારણ કે ગાંધીજીની જ્ગ્યાએ બીજી કોઈપણ વ્યક્તિ જુદી રીતે વર્તી હોત.

ગાંધીજી શેઠ અબ્દુલ્લાના કેસમાં સમાધાન કરાવી વરસને અંતે ભારત પાછા ફરવાના હતા. બીજે દિવસે આફ્રિકા છોડવાના હતા. તેને આગલે દિવસે તેમના માનમાં વિદાય સમારંભ હતો. જ્યાં ગાંધીભાઈને હારતોરા પહેરાવાના હતા. અને તેમનું ભાષણ સાંભળવાનું હતું. તેમાં ગાંધીજીની નજર ત્યાં પડેલા ન્યૂઝ પેપરના ખૂણે છપાયેલા ન્યૂઝ પર પડી કે નાતાલ (સાઉથઆફ્રિકા દેશનો એક પ્રદેશ) ધારાસભા હિન્દીઓને મતાધિકાર ન મળે એ વિષય પર બિલ પાસ કરવાના હતા. તો ગાંધીજીએ પોતાનું પ્રવચન બાજુએ મુકી દીધુ અને આ ધારાસભાના બિલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે જો આ બિલ પાસ થશે તો હિન્દીઓને કોઈ હક્ક નહીં મળે. એટલું જ નહીં પણ તેમનું અસ્તિત્વની પણ સરકાર નોંધ નહીં લે. જો તમારે ધંધો કરવો હોય તો દેશના નાગરિક થવું જરૂરી હતું. એ આ નવા કાયદો અમલમાં આવશે તો દેશ છોડવો પડશે. તેમણે તે સમારંભમાં જ હારતોરા બાજુએ મુકી અને ઘેરેઘેર આ વાતનો પ્રચાર કરનારા સ્વયંસેવકો તૈયાર કરવા માંડ્યા. શેઠ અબદુલ્લાની વિનંતીથી એક વરસ રહી જવાનું પણ નક્કી કર્યું. હવે તમે જ વિચાર કરો. આપણામાંથી કેટલા આવા ત્વરીત નિર્ણય લઈ શકે?

જગતમાં કોઈપણ જાતની પરિસ્થિતિ હોય પણ તે પોતાના સત્ય અહિંસાના ક્ષેત્રમાં પડતી હોય તો એ પોતાની થઈ ગઈ. બીજી રીતે કહેવાય કે મુસીબતો વ્હોરી લેવાની તેમની આદત હતી.

કેટલાને ખબર હશે કે આફ્રિકાના “ એન્ગલો–બોર વોર”માં સત્ય અહિંસાવાળા ગાંધીજી જોડાયા હતા. તે પણ બ્રિટીશરોના પક્ષમાં રહીને, ૧૮૯૯ થી ૧૯૦૨ સુધીની વોરમાં ગાંધીજી એમ્બ્યુલન્સ સ્કવોડના લિડર હતા. અને તેમના સ્વયંસેવકોના ગ્રુપે અંગ્રેજો અને બોર લોકોના બન્ને પક્ષના ઘવાયેલા સૈનિકોને સેવા આપી હતી. તેમાં તેમને રાણી વિક્ટોરિયા તરફથી મેડલ પણ મળ્યો હતો.

ગાંધીજીને સમજવા બહુ અઘરા પણ હતા. અંગ્રેજો આપણા દુશ્મન પણ માનવતાના કાર્યમાં તે ન જોવાય. ગાંધીજીનું આ ચારિત્ર સુભાષચંદ્ર બોઝ જોઈ શક્યા નહોતા. સુભાષબાબુ અગ્રેજોને દુશ્મન જ ગણતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે ગાંધીજી ,જર્મની સાથે લડતા બ્રિટનનો ગેરલાભ નહોતા લેવા માંગતા. જ્યારે સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવવા માંગતા હતા.સુભાષબાબુનો પ્લાન હતો કે જર્મનીએ બ્રિટનના કેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકોને છોડાવી ,પોતાની આઝાદ હિંદ ફોજમાં ભરતી કરાવવા. હવે તે ફોજ હિન્દમાં ભારતીય સૈનિકોની બનેલી ફોજ સામે લડે. તો સામાન્ય રીતે ભારતીય  ફોજ પોતાના ભાંડુઓની બનેલી ફોજ સામે બંદૂક ન ઊઠાવે. હવે તેમના આ પ્લાનમાં થોડી ખામીઓ હતી. હિટલરે બ્રિટનના (પ્રિઝનર ઓફ વોર) પકડાયેલા કેદીઓ સુભાષબાબુને ન આપ્યા. સુભાષબાબુ જાપાન જોડે હાથ મિલાવવા ગયા. અને જ્યારે બર્મા –ઈમ્ફાલને રસ્તે આઝાદ હિંદ ફોજ આસામમાં પ્રવેશતી હતી ત્યારે ભારતીય જવાનોથી બનેલી બ્રિટીશ ફોજે તેમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.

ગાંધીજીની સત્ય અહિંસાની વાતોમાં કાંઈક વજુદ હતું. નહેરુ સરદાર પટેલ, મૌલાના, ક્રિપ્લાની જેવા કેટલા ય મહારથીઓ તેમની ફૂટબોલના સિધ્ધાંત પર રચાયેલી ટીમમાં જોડાઈને દેશને આઝાદ કર્યો.

છેલ્લી વાત–

એક વખતે પંડિત નહેરુ એક માનસિક રોગોની હોસ્પિટલની વિઝિટે ગયા હતા. ડોક્ટોરો જોડે અંદર ફરતા હતા. ત્યાં તેમની પાસે એક બોળકા માથાવાળો દર્દી આવ્યો. તેણે પંડિતજીને પૂછ્યું કે “ભાઈ તમે કોણ છો?” પંડિતજી બોલ્યા કે “ હું પંડિત નહેરુ છું.” તો તે દર્દી બોલ્યો, “ ચિંતા ન કરો. તમે પણ સારા થઈ જશો. હું અહીં આવ્યો ત્યારે મહાત્મા ગાંધી હતો.”

===========================

શ્રી હરનીશ જાનીનો તારીખ ૧૯ મી જુલાઈએ ગુજરાત મિત્રમાં પ્રગટ થયેલો એક બીજો લેખ ‘ગદ્દાર બને તે ખૂંખાર પણ બને ‘વાંચવા માટે નીચેની લીંક પર કલીક કરો.

http://gujaratmitra.in/Portals/6/Supplements/drp12.pdf

Image may contain: 3 people, people smiling, people standing

  હરનીશ જાની 

સંપર્ક –

E Mail-harnishjani5@gmail.com

1078- ગુજરાતીઓ અને એમની ખાસિયતો ….

સાભાર-સૌજન્ય .. શ્રી રમેશ તન્ના – ફેસ બુક ..

ગુજરાતીઓ ખાવા ઉપરાંત બીજું શું શું ખાય છે..??

ગુજરાતી પ્રજા ખાવાની શોખીન છે. ડાયનિંગ હોલની ગુજરાતી થાળીની 24-25 વાનગીઓ જોઈને જ કોઈને પણ ખ્યાલ આવી જાય કે ગુજરાતીઓ જમવાને કેટલી ગંભીરતાથી લે છે ! ગુજરાતીઓનો ખાણી પ્રેમ જોઈને ઘણાને એવું થતું હશે કે ગુજરાતીઓ જીવવા માટે નથી ખાતા, ખાવા માટે જીવે છે.

કોઈ જમાનામાં માત્ર શુદ્ધ શાકાહારી જમતા ગુજરાતીઓ 1000 વર્ષથી ખાતા હોય તે રીતે નોનવેજ ખાતા થઈ ગયા છે. ગુજરાતીઓ કોઈ પણ પ્રદેશની વાનગીઓ ખાઈ લે છે, પણ “પંજાબી” તો એટલું બધું ખાય છે કે ખુદ પંજાબીઓ પણ આટલી પંજાબી વાનગીઓ નહીં ખાતા હોય.

ગુજરાતીઓનું ખાવાનું વિશ્વ વૈવિધ્યસભર છે. એક ઝલક જોઈએઃ

ગુજરાતીઓ માત્ર ખાવાનું જ ખાય છે, એવું નથી બીજું ઘણું ખાય છે. વિશ્વની સાૈથી વધુ રૃપિયા ખાતી પ્રજામાં ગુજરાતીઓ આગલી હરોળમાં આવે. ગુજરાતીઓને રૂપિયા ખાતાં આવડે અને ખવડાવતાં પણ આવડે. કોઈ બહુ ટણી કરતું હોય તો તેના રૂપિયા ખાઈ જવામાં ગુજરાતીઓ મોડુંં ના કરે. ગુજરાતીઓની હોજરી જ એવી છે કે તેમાં કોઈ પણ પ્રકારે ખાધેલા રૂપિયા પચી જાય.

અત્યાર સુધી ગુજરાતીઓએ સાૈથી વધુ શું ખાધું હશે એ સવાલના જવાબમાં રૃપિયાની સ્પર્ધા કોણ કરી શકે.. ?? સમ. ગુજરાતીઓ સમ ખાવામાં ભારે શૂરા. જોકે હવે સમ ખાવાનું થોડું ઘટ્યું છે બાકી પહેલાં તો લોકો વાતે વાતે સમ ખાતા. કૂળદેવી, ઈષ્ટદેવ, માતાપિતા, પતિ કે પત્ની એમ સાૈથી વધુ આદરણીય કે પ્રિય હોય તેના સમ પહેલાં ખવાતા.

“સમ”ની જેમ જ ગુજરાતીઓ ગમ ખાવા માટે પણ જાણીતા. ગુજરાતીઓ જતું કરનારા છે. ગુજરાતીઓ તરત જ ગમ ખાઈ જાય. જે ગમ ખાય, તે મમ ખાય.

ગુજરાતીઓને ભાવ સાથે ખૂબ ફાવે. એ ભાવ કીંમતના રૃપમાં હોય અને હૃદયના ભાવના રૃપમાં હાૈ હોય. કેટલાક ગુજરાતીઓ થોડાક સફળ થાય એટલે તરત જ ભાવ ખાવા માંડે. માંડ માંડ બોલે. જોકે ભાવ ખાવાનો પરવાનો અને ઈજારો તો મોટાભાગે છોકરીઓ પાસે હોય છે.

ગુજરાતીઓનો ઈગો આઈસ્ક્રીમ જેવો. તરત ઓગળી જાય. ગુજરાતીઓને પોતાના સ્વાર્થ માટે માથું નમાવતાં વાર ના લાગે અને જો કોઈ માથાકૂટ કરે તો તેનું માથું ખાઈ જાય. (માથું ખાવાથી કામ ના પતે તો લોહી પણ પી લે હોં..)

ગુજરાતીઓ આળસ ખાય. જીવન સફરમાં થાક લાગે તો થાક પણ ખાઈ લે. કોઈ કસરત કરવાની શીખામણ આપે તો હીંચકા ખાઈને સંતોષ માને. કોઈની વાતમાં રસ ના પડે તો ગુજરાતીઓ બગાસું ખાઈને પોતાના સ્પષ્ટ અભિપ્રાય આપી દે. ગુજરાતીઓ આંટો ખાય અને ફેરો પણ ખાય.

કોઈ યાદ કરતું હોય તો ગુજરાતીઓ નિરાંતે હેડકી ખાય. અરવિંદ કેજરીવાલની વાત કરતાં કરતાં ગુજરાતીઓ ખાંસી કે ઉધરસ ખાય. ગુજરાતીઓ કેરીનો રસ પીએ છે કે ખાય છે એ હજી નક્કી કરી શકાયું નથી.

ગુજરાતીઓ એક વસ્તુ એવી ખાય છે કે જે વિશ્વમાં ભાગ્યે જ કોઈ પ્રજા ખાતી હશે. તેનું નામ છે ખોંખારો. પોતાની હાજરીની નોંધ લેવડાવવા નિર્દોષ રીતે જે ખવાય તે જૈન ખોંખારો અને બહાદુરી અને મર્દાની રીતે ખવાય તે રેગ્યુલર ખોંખારો. ઈતિહાસના જાણીતા ખોંખારા પર પીએચડી થાય એટલા ખોંખારા ગુજરાતીઓએ ખાધા છે. ગાંધીજીના અહિંસક અને જૈન ખોંખારાએ અંગ્રેજોને ભગાડ્યા તો સરદારના મર્દાના ખોંખારાઓએ અનેકને સીધાદોર કરી નાખ્યા. ગુજરાતીઓ હવે મોદીના પરાક્રમી ખોંખારાની રાહ જુએ છે..

કેટલાક ગુજરાતીઓ એટલા બધા માવા ખાય છે કે પછી કાં તો ખાવાનું મન થાય એટલી ભૂખ લાગતી નથી અને કાં તો ખાવા માટે મોં ખૂલતું નથી. ગુજરાતીઓ તમાકું પણ ખાય અને સમય આવે ઘા પણ ખાય.

ગુજરાતીઓ સાહસિક પ્રજા છે. સાહસિક માત્ર ઠોકરને પાત્ર. સફળતા સુધી પહોંચવા જેટલી ઠોકરો ગુજરાતીોએ ખાધી હશે એટલી ઠોકરો વિશ્વની બીજી કોઈ પ્રજાએ નહીં જ ખાધી હોય. ખરેખર તો ગુજરાતીઓની અપ્રતિમ અને વૈશ્વિક સફળતાનો ઈતિહાસ તેણે ઠોકરોને ઠોકરે ચડાવીને મેળવેલી સિદ્ધિઓનો ઈતિહાસ છે.
By Ramesh Tanna

—————————————–

સૌજન્ય – સાભાર .. શ્રી અનીલકુમાર ચૌહાણ-ફેસ બુક 

અલ્યા આવ તને ગુજરાત બતાવું….

જ્યાં ઠેપાડાને ગજવું નૈ,
તોય જગત આખાનો વેપાર કરતો એક જણ બતાવું,
ભાણાં આખામાં છો વાડકી ને પોંચ ચમચી……..,
હોય કઢી તોય જોડ્યે આખો છાશ્યનો ગ્લાસ બતાવું……
જુની સંસ્કૃતિની વાત નૈ કર ભઈલા…
હાલ તને ઘેર ઘેર એક બે વરહ જુના અથાણાંની જાર બતાવું…..
તમારી તો ઢીંચક પુજા…. અલ્યા હાહરીના
ઓયકણ આય કોકવાર તન સિંહ હાંથે
સેલ્ફી લેતી ચારણ કન્યા બતાવું…….
ઠાંકણીં મ પોંણી લૈન ડુબ્યો આખો દેશ…
પણ એક અડધી ચા ને ચાર ઠાંકણીમાં ભરી
ચામાં ડુબતા ચાર જણ બતાવું……
ઢોકળાં, હાડવો, ફાફડા અને ગાંઠીયા અવે જુના થયા….
હાલ તને કાજુકારેલાં, પાતરાંતૂરીયાં નાં શાક બતલાવું…..
આખી રાતોના જશનની વાત જવા દે ભઈલા…..
ભર બપોરે વૈસાખમાં રોડ પર નાચતા વર ધોડા બતાવું…..
તું વેવારની વાતના કર મારી હારે…
ભરાઈ ગયા પહેલાં છલકાઈ જવાની
તને નવી ગુજરાતી રીત બતાલાવું…..

— શ્રી અનીલકુમાર ચૌહાણ


અમદાવાદથી પ્રગટ થતા માસિક ‘ધરતી’ના જુન ૨૦૧૧ ના અંકમાં પ્રસિદ્ધ ગુજરાતીઓ વિશેનો મારો એક લેખ નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.  

ખમીરવંતી વિશ્વ જાતિ ગુજરાતી ….  લેખક- વિનોદ પટેલ