ના, સાહેબ, મને વધુ રૂપિયા લેવાની ટેવ પડી જશે
મધુવનની મહેકઃ સંતોષ દેવકર

‘સાહેબ બીજો બૂટ.’
ને મારા બીજા પગનો બૂટ બૂટપોલિશવાળાને આપ્યો. પોલિશ તો જાણે એ રીતે કરતો હતો કે બૂટ નહિ પણ હોય કોઈ અમૂલ્ય વસ્તુ ! બૂટને હાથમાં એ રીતે પકડી રાખ્યું હતું જાણે નાનું બાળક ન હોય ! ખૂબ જ વ્હાલપૂર્વક મારા બૂટને એક હાથે પકડી રાખી બીજા હાથે બ્રશ ફેરવતા એ પોલિશવાળા ભાઈને હું એકીટશે જોઈ રહયો.
એક બ્રશ, બીજુ બ્રશ, ત્રીજુ બ્રશ બૂટ પર એ રીતે બ્રશ ફેરવતો જાણે આખી દુનિયાના દર્શન બૂટની ચમકમાં કરતો હોય. મને નવાઈ લાગી. કોઈ બૂટ પોલિશવાળાને પ્રથમ વખત આટલી એકાગ્રતાપૂર્વક કામ કરતો જોયો. પ્રથમ કોઈ મલમ જેવું બૂટ પર લગાવ્યું. પછી એક પછી એક બ્રશ ફેરવતો ગયો. ને બૂટને ચમકાવતો ગયો. બસ એક જ ધ્યેય હતું તેનું. મારા બૂટને ચમકાવવાનું. બૂટની ચમક માટે તેણે પોતાની પાસે હતું એટલું બધું જ ખર્ચી નાખ્યું. વાપરી નાખ્યું. એક જ લક્ષ્ય, બૂટ ચમકવો જોઈએ. એટલી બધી એકાગ્રતા કે એ પણ ભાન ન રહયું કે આસપાસ કોણ છે, શું કરે છે, શું બોલે છે ? બસ, એક જ ધૂન બૂટ ‘બોલવા’ જોઈએ.
‘લો સાહેબ, બીજો બૂટ તૈયાર’. કહીને એણે મારી એકાગ્રતા તોડી. મને પણ તે જ વખતે ભાન થયંુ કે હું બૂટપોલિશવાળાને આટલું ધ્યાનપૂર્વક નિહાળી રહયો છું.
‘કેટલા પૈસા થયા ?’
‘સાહેબ, પંદર રૂપિયા.’
મેં વીસની નોટ કાઢીને આપી. એણે પાંચ રૂપિયા પાછા આપવાનો પ્રયત્ન કર્યો.
‘રહેને દો.’ મેં કહયું પોલિશ કરવાની એમની તન્મયતા પર હું વારી ગયો હતો.
‘નહી ંસાહેબ.’
‘અરે.. રાખો હું ખુશીથી આપું છું.’
‘નહિ સાહેબ, મને વધુ રૂપિયા લેવાની ટેવ પડી જશે.’
એણે પાંચ રૂપિયા મને એમ કહીને પાછા આપ્યા. હું આઘાત સાથે આશ્ચર્ય અનુભવી રહયો. પ્રમાણિકતા તેના રગેરગમાં વ્યાપેલી દેખાઈ. રાજી ખુશીથી આપેલા પાંચ રૂપિયા તેણે પ્રમાણિકતાપૂર્વક મને પરત કર્યા.
‘વધુ રૂપિયા લેવાની ટેવ પડી જશે’- આ વાકય એ મારા મનોજગતનો કબજો લઈ લીધો.
મહેનત કરતાં વધુ રૂપિયા લેવાની ટેવ પડે તો … !
સામાન્ય બૂટ પોલિશવાળાએ જીવનનું સત્ય સમજાવી દીધંુ. જરૂર કરતાં વધુ શા માટે ? જેટલું જરૂર છે તેટલું જ જોઈએ.
આ પોલિશવાળો ગાંધીજીના અગિયાર મહાવ્રતોથી તદ્ન અજાણ હતો. માત્ર મહેનતનું ખાતો, હરામનું અવગણતો ને પ્રલોભનથી દૂર રહેતોે.
વૈષ્ણવજન તો તેને રે કહીએ….. ગાંધીજીનું પ્રિય ભજન આપણે ગાઈએ છીએ. બૂટ પોલિશવાળાએ આ ભજન સાચા અર્થમાં પચાવ્યું હતું.
પરધન નવ ઝાલે હાથ રે….. કોઈ નિશાળમાં ભણવા ગયો નહોતો.
‘એક દિવસમાં કેટલા કમાઈ લો છો ?’ મને પૂછવાનું મન થયું.
‘સાહેબ, ઘરમાં પાંચ જણાનું ગુજરાન ચાલે તેટલું મળી રહે છે.’
આજે પ્રમાણિક, મહેનતુ, અલોભી માણસો મળવા મુશ્કેલ છે. ત્યારે બૂટ પોલિશવાળા ભાઈ લીમડામાં એક ડાળ મીઠી જેવા લાગ્યા.
દિલ એક મંદિર, કામ હી પૂજા આ મોટાભાગે સ્વીકારાયેલો મંત્ર છે. વ્યકિત મંદિરે ન જાય તો ચાલે, યાત્રા ધામે ન જાય તો ચાલે, નદીએ ન્હાવા ન જાય તો ચાલે, પરંતુ જે કામ હાથ પર લીધું છે તે નિષ્ઠાપૂર્વક કરે તો તે તેની પૂજા જ છે. પોતાને સોંપેલું કામ અથવા પોતે સ્વીકારેલું કામ એ એક સાધના જ છે. મહાન પુરુષો કામને પૂજા સમજીને વર્તે છે. કામને સત્ય, નિષ્ઠા, પરિશ્રમ અને પ્રમાણિકતાપૂર્વક કરે તો એ જ પૂજા ભકિત બની રહે છે.
નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરવું એ એક પ્રકારનું તપ છે. માણસ પોતા માટે વેઠે તે તાપ અને બીજા માટે સહન કરે તે તપ. પોતાના કાર્યને પૂજામાં પરિવર્તિત કરનારા સફ્ળતાને વરે છે.
હું ગણગણતો રહયો, જરૂર કરતાં વધુ પૈસો કોણ લે ?
મિસરી
“ જો કામ દુનિયાકો
નામુમકિન લગે
વહી મૌકા હોતા હૈ
કરતબ દિખાને કા “
(ફ્લ્મિ-ધૂમ-૩).
http://sandesh.com/to-know-me-more-per-lead/
વાચકોના પ્રતિભાવ