ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1077- કિતાબેં કુછ કહના ચાહતી હૈ… મનની મોસમ : અનિલ ચાવડા
કિતાબેં કુછ કહના ચાહતી હૈ
મનની મોસમ : અનિલ ચાવડા
જે વાંચે ચોપડી, તે ચોપડી ચોપડી ખાય.
ગુજરાતી કહેવત
૨૩એપ્રિલે વિશ્વપુસ્તક દિવસ હતો. યુનેસ્કો દ્વારા વિશ્વ પુસ્તક દિવસ તથા કોપીરાઇટ દિવસની ઔપચારિક શરૂઆત ૨૩ એપ્રિલ, ૧૯૯૫થી થઈ. તેનો પાયો તો ૧૯૨૩માં સ્પેનમાં પુસ્તક વિક્રેતાઓ દ્વારા પ્રસિદ્ધ લેખક સર્વાન્ટિસને સન્માનિત કરવા સમયે જ નખાઈ ગયો હતો. આ લેખકનું અવસાન પણ ૨૩ એપ્રિલે જ થયું હતું. આ સિવાય ૨૩ એપ્રિલ અનેક મહાન લેખકોના જન્મ અને મરણની તિથિ સાથે પણ જોડાયેલી છે. મધ્યકાલીન સમયમાં ૨૩ એપ્રિલના દિવસે એક સરસ રિવાઝ હતો. પ્રેમી પોતાની પ્રેમીકાને એક ગુલાબ આપતો, સામે પ્રેમિકા પ્રેમીને ઉત્તર રૂપે પુસ્તક આપતી. ૨૩ એપ્રિલનો દિવસ સાહિત્યિક રીતે ખૂબ જ મૂલ્યવાન છે. આજના ઇન્ટરનેટના યુગમાં લોકોનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે અને ઉત્તમ વાંચન થતું રહે તે જ આ ઉજવણીનો મુખ્ય ધ્યેય છે.
એક ઉત્તમ પુસ્તક કોઈ પણ વ્યક્તિનું જીવન ઉજ્જવળ કરવા માટે પૂરતું છે. ક્યારેક પુસ્તકનું એક વાક્ય પણ આખી જિંદગી બદલી નાખે છે. કોઈ સર્જક જ્યારે એક સાચું અને સારું પુસ્તક સર્જે છે ત્યારે કાગળને ગર્વ થાય છે. શબ્દોમાં પર્વ ઊજવાય છે. એક પુસ્તક સર્જાય છે ત્યારે ખરેખર તો ભાષાના કપાળમાં ચાંલ્લો થાય છે – ભાષાના હાથમાં મેંદી મુકાય છે. ભાષાના કેશમાં વેણી શોભે એમ શબ્દોથી મહેકે છે ભાષા. એક પુસ્તક ભાષાના આંગણામાં રંગોળી પૂરવાનું કામ કરે છે. પુસ્તક કોઈ વ્યક્તિનું માર્ગદર્શક, દિશાસૂચક, ગાઇડ કે બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. આમ જોઈએ તો બે પ્રકારનાં પુસ્તકો બહોળા પ્રમાણમાં લોકો પર અસર કરે છે. એક તો એવું પુસ્તક કે જે એકદમ ઉત્તમ કોટિનું છે, સર્વશ્રેષ્ઠ છે, મહાન છે અને બીજું એવું પુસ્તક કે જે સાવ નિમ્ન કોટિનું અને ઊતરતી કક્ષાનું છે. લોકોને અવળે માર્ગે દોરે તેવું પુસ્તક. આ બંનેનો પ્રભાવ લોકો પર વધારે પડતો હોય છે.
પુસ્તક મૂર્ત હોય છે, જ્યારે એના વિચારો અમૂર્ત છે. કદાચ પુસ્તક અને એના કાગળો નાશ પામશે, પરંતુ વિચારો નાશ પામશે નહીં. પુસ્તક એ માત્ર કાગળ પર શબ્દોનું પ્રિન્ટિંગ નથી, પણ વિચારની પ્રસ્તુતિ છે. એનું મૂલ્ય કાગળના વજનમાં કે કાગળની સાઇઝમાં કે પુસ્તક પર છાપેલી કિંમતથી ક્યારેય આંકી શકાય નહીં.
પુસ્તક એ કોઈ અજાયબ વાહનથી સહેજ પણ ઊતરતું નથી, પરંતુ એનાથી પણ વિશેષ છે. પુસ્તક એક એવી નૌકા છે કે જે આપણને વગર વાહને અનેક સરોવરો,નદીઓ અને સાગરોની સફર કરાવે છે. પુસ્તક એ એવું વિમાન છે કે જે આપણને દૂર દૂરના કલ્પનાના આકાશની સફર કરાવે છે. આપણને વિવિધ પાત્રોમાં જીવવાનો અને અનુભવવાનો મોકો આપે છે.
આપણે જ્યારે પુસ્તક વાંચતા હોઈએ છીએ ત્યારે પુસ્તકમાં એકતાન થઈ જતાં હોઈએ છીએ. આથી પુસ્તકનાં પાત્રો આપણે પોતે બની ચૂકીએ છીએ અથવા તો પુસ્તકમાં વર્ણવેલા માહોલમાં આપણે પોતે હરવા-ફરવા માંડીએ છીએ. પુસ્તક એ એક મધપૂડો છે. દરેક માણસ તેમાંથી પોતાને ભાવતું મધ ચાખી શકે છે. કેટલાંક પુસ્તકો ચાખવાનાં હોય છે, જ્યારે કેટલાંક પુસ્તકો ગળી જવાનાં હોય છે અને કેટલાંક પુસ્તકો ચાવીને પચાવવાનાં હોય છે. જ્યારે કેટલાંક પુસ્તકો મમળાવવાનાં હોય છે. તમે જ્યારે પુસ્તક ખરીદો છો ત્યારે માત્ર કાગળનો અમુક જથ્થો કે કાગળની થપ્પી નથી ખરીદતા, પરંતુ તમે આખું એક નવું જીવન ખરીદો છો.
પુસ્તકથી જીવનનો આનંદ બેવડાઈ જાય છે, તેનાથી આપણને એક નવી દિશા અને એક નવી દુનિયા મળે છે. તમે કાગળ પર તમારી આંખો ફેરવો છો ત્યારે તમે માત્ર કાગળ પર જ નથી રહેતા, તમે જે તે પુસ્તકની દુનિયામાં ચાલ્યા જાવ છો અને એની તમને ખબર પણ નથી હોતી. એક સારા પુસ્તકનું મૂલ્ય દીકરી કે દીકરાથી સહેજ પણ ઊતરતું નથી. દરેક સર્જક માટે તો પુસ્તકો એમનાં સંતાનો જેવાં જ હોય છે. પુસ્તકો સંસ્કારધામ છે. પુસ્તક એ એક મંદિરથી સહેજ પણ ઉતરતું નથી.
છેલ્લે પુસ્તકો વિશેની સફદર હાશમી ખૂબ જ જાણીતી કવિતાઃ
કિતાબે કરતી હૈ બાતેં બીતે જમાને કી, દુનિયા કી, ઇન્સાનો કી, આજ કી, કલ કી, એક-એક પલ કી, ગમોં કી, ફૂલો કી, બમોં કી, ગનોં કી, જીત કી, હાર કી, પ્યાર કી, માર કી, ક્યાં તુમ નહીં સુનોગે ઇન કિતાબોં કી બાતેં? કિતાબે કુછ કહના ચાહતી હૈ, તુમ્હારે પાસ રહના ચાહતી હૈ, કિતાબોં મેં ચીડિયા ચહચહાતી હૈ, કિતાબોં મેં ઝરને ગુનગુનાતે હૈ, પરિયોં કે કિસ્સે સુનાતે હૈ, કિતાબોં મેં રોકેટ કા રાજ હૈ, કિતાબોં મેં સાઇન્સ કી આવાજ હૈ, કિતાબોં મેં જ્ઞાાન કી ભરમાર હૈ, ક્યા તુમ ઇસ સંસાર મેં નહીં જાના ચાહોગે? કિતાબેં કુછ કહના ચાહતી હૈ, તુમ્હારે પાસ રહના ચાહતી હૈ.
શ્રી અનિલ ચાવડા….. પરિચય

અનીલ ચાવડા
Like this:
Like Loading...
Related
Liked. This article was also nice like how it was describing books are. Thanks.
LikeLike
કિતાબેં કુછ કહના ચાહતી હૈ,
તુમ્હારે પાસ રહના ચાહતી હૈ.
વાત વધુ ગમી
LikeLike