ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1079 – ગાંધીજી વિષે અવનવું …… શ્રી હરનિશ જાની
ન્યુ જર્સી નિવાસી જાણીતા એવોર્ડ વિજેતા હાસ્ય લેખક મિત્ર શ્રી હરનીશ જાની ના લેખો સુરતના અખબાર ‘ગુજરાત મિત્ર’ માં દર બુધવારે કોલમ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ માં નિયમિત પ્રગટ થતા હોય છે.
ગુજરાત મિત્રની આ કોલમમાં તારીખ ૧૨મી જુલાઈ ૨૦૧૭ ના રોજ શ્રી હરનીશભાઈનો લેખ ‘ગાંધીજી વિષે અવનવું ‘ પ્રસિદ્ધ થયો છે એ મને ગમી ગયો.
આ લેખમાં ગાંધીજી વિષે અગાઉ વાંચી કે સાંભળી નહોતી એવી કેટલીક વાતો તેઓએ રજુ કરી છે.એમાં તેઓએ ગાંધીજીને મહાત્મા બનાવનાર કેટલાક મૂળભૂત ગુણોનું સરસ વિશ્લેષણ કર્યું છે.
ગાંધીજી એમના જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે કેવી રીતે દોડાવતા હતા એની હરનીશભાઈએ એમની આગવી રીતે રજુ કરેલ રસિક વાતો વિનોદ વિહારના વાચકોને મારી જેમ જરૂર ગમશે.
વિનોદ પટેલ

‘ગાંધીજી વિષે અવનવું ‘ …. શ્રી હરનીશ જાની ‘
અમેરિકન ટી.વી. પર ભારતની વાત સાંભળી. તેમાં પણ ગાંધી બાપુ વિષેની વાત સાંભળી,જે મેં અગાઉ કદી સાંભળી નહોતી . બની શકે કે ઘણાને આ લેખથી તે જાણવા મળે. ૧૯૦૩માં સાઉથઆફ્રિકા( આફ્રિકાના એક દેશનું નામ) માં ગાંધીજી ફુટબોલ ( અમેરિકામાં જેને સૉકર કહેવામાં આવે છે.) રમતા હતા. અને ફુટબોલના કોચ–ટ્રેનર હતા. તેમણે જુદા જુદા ત્રણ શહેરમાં તો ફુટબોલ ક્લબની સ્થાપના કરી હતી. ડરબનમાં, પ્રિટોરીયામાં અને જોહાનિસબર્ગમાં. આ ત્રણેના નામ અહિંસક સત્યાગ્રહ ફુટબોલ ક્લબ (પેસીવ રેસિસ્ટર ફુટબોલ ક્લબ) રાખ્યા હતા. અને ગાંધી જેનું નામ– ફુટબોલની મેચના હાફ ટાઈમમાં ટીમને અહિંસા વિષે સમજાવતા. એટલું ઓછું હોય તેમ દર્શકોને સત્ય અહિંસાના પાઠ ભણાવતા. કાગળિયાં–પેમ્ફલેટ વહેંચતા. આ વાતનો પુરાવો પ્રિટોરિયાના ઓલ્ડ કોર્ટ હાઉસના મ્યુઝિયમના ફોટાઓ પુરો પાડે છે. જેમાં યંગ ગાંધીજી દર્શકોને સંબોધતા દેખાય છે.
વાત એમ છે કે ઈંગ્લેંડમાં લૉ કોલેજમાં ભણતા ભણતા તેમને ક્રિકેટમાં અને ફુટબોલમાં ખૂબ રસ જાગ્યો હતો. ખાસ કરીને ઓછા સાધનોવાળી ફુટબોલની રમત ગમતી. તેમને તેમાં એક સ્ટાર પ્લેયર કરતાં આખી ટીમના સહકારથી જીતતી ટીમનો સિધ્ધાંત ગમતો. આ ફુટબોલ બીજા યુવાનોને પોતાના તરફ આકર્ષવા પુરતો હતો. અને તેમનો આ ગૂણ તેમણે ભારત આવ્યા ત્યારે ઉપયોગમાં લીધો અને બીજા બધા નેતાઓને ભેગા કરી અને તેમની ટીમ બનાવી. જે તેમને બ્રિટન સામે લડવામાં કામ લાગી. મૂળે તો તેમને આ “રંગદ્વેષી‘ સાઉથઆફ્રિકાની સરકારનો વિરોધ કરવો હતો.
ગાંધીજીના ઘણા ગુણ મને ગમે છે પણ તે જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે દોડાવતા હતા. તે ખરેખર અદભૂત ગુણ હતો. સામાન્ય રીતે દરેકના જીવનમાં જીવન બદલી નાખતા ટર્નીંગ પોઈન્ટ આવતા હોય છે.પરંતુ ગાંધી બાપુના જીવનમાં અસંખ્ય ટર્નીંગ પોઈન્ટ આવ્યા. તેઓ દરેક વખતે સત્ય અને અહિંસાના પાલનને કારણે સફળ રહ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે ટર્ન લેતા હતા. અથવા કહી શકાય કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તા ટર્ન લેતા હતા.
તેમનો બહુ ચર્ચીત પ્રસંગ ૧૮૯૩માં બન્યો ફર્સ્ટક્લાસ ની ટિકીટ લઈ અને ડરબનથી પ્રિટોરીયા જવા રાતની ટ્રેનમાં બેઠા હતા જે ગોરા લોકો માટે રિઝર્વ હતો. અને ટિકીટ ચેકરે તેમને થર્ડ કલાસમાં જવાનું કહ્યું અને ગાંધીજીએ તેમ કરવાની ના પાડી. હવે આ વાતને હું તેમનું ઉત્તમ ચારિત્ર ગણું છું. મારા જેવો સામાન્ય માણસ તો કહે કે અડધી રાતે અજાણ્યા સ્ટેશને ઠંડીમાં ઉતરવા કરતાં થર્ડ ક્લાસમાં જઈ શાંતિથી ઊંઘી જાવ. બીજે દિવસે તો સવારે કોર્ટમાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવાનો છે. જેને માટે ખાસ મુંબઈથી ,આફ્રિકા આવ્યા હતા.અને માટે આ ટિકીટ ચેકર સાથે માથાકુટ કરવાની છોડી દો. પણ એમણે તેમ ન કરતાં પિટરમારીઝબર્ગના સ્ટેશને ફેંકાય જવાનું પસંદ કર્યું અને પછીની રાત ઠંડીમાં પડી રહ્યા. એટલું ઓછું હોય તેમ બીજે દિવસે સિગરામમાં કોચવાનના પગ પાસે ન બેસતાં માર ખાધો. પણ પોતાના સિધ્ધાંતને વળગી રહ્યા. અને પોતાની જાત બીજા ગોરાઓની જાત કરતાં જરાય ઉતરતી નથી. એ સિધ્ધાંત તેમણે હિન્દીઓને આપ્યો. જે આજે સો વરસ પછી દરેક જાતીઓમાં વ્યાપ્યો છે.
અમેરિકામાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ગોરા લોકો કરતાં ઉતરતા નથી. પરંતુ મુઠ્ઠી ઊંચેરા છે.આમ છતાં મારી દ્રષ્ટિએ, બીજો એક ઓછો જાણીતો પ્રસંગ ખૂબ અગત્યનો છે. કારણ કે ગાંધીજીની જ્ગ્યાએ બીજી કોઈપણ વ્યક્તિ જુદી રીતે વર્તી હોત.
ગાંધીજી શેઠ અબ્દુલ્લાના કેસમાં સમાધાન કરાવી વરસને અંતે ભારત પાછા ફરવાના હતા. બીજે દિવસે આફ્રિકા છોડવાના હતા. તેને આગલે દિવસે તેમના માનમાં વિદાય સમારંભ હતો. જ્યાં ગાંધીભાઈને હારતોરા પહેરાવાના હતા. અને તેમનું ભાષણ સાંભળવાનું હતું. તેમાં ગાંધીજીની નજર ત્યાં પડેલા ન્યૂઝ પેપરના ખૂણે છપાયેલા ન્યૂઝ પર પડી કે નાતાલ (સાઉથઆફ્રિકા દેશનો એક પ્રદેશ) ધારાસભા હિન્દીઓને મતાધિકાર ન મળે એ વિષય પર બિલ પાસ કરવાના હતા. તો ગાંધીજીએ પોતાનું પ્રવચન બાજુએ મુકી દીધુ અને આ ધારાસભાના બિલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે જો આ બિલ પાસ થશે તો હિન્દીઓને કોઈ હક્ક નહીં મળે. એટલું જ નહીં પણ તેમનું અસ્તિત્વની પણ સરકાર નોંધ નહીં લે. જો તમારે ધંધો કરવો હોય તો દેશના નાગરિક થવું જરૂરી હતું. એ આ નવા કાયદો અમલમાં આવશે તો દેશ છોડવો પડશે. તેમણે તે સમારંભમાં જ હારતોરા બાજુએ મુકી અને ઘેરેઘેર આ વાતનો પ્રચાર કરનારા સ્વયંસેવકો તૈયાર કરવા માંડ્યા. શેઠ અબદુલ્લાની વિનંતીથી એક વરસ રહી જવાનું પણ નક્કી કર્યું. હવે તમે જ વિચાર કરો. આપણામાંથી કેટલા આવા ત્વરીત નિર્ણય લઈ શકે?
જગતમાં કોઈપણ જાતની પરિસ્થિતિ હોય પણ તે પોતાના સત્ય અહિંસાના ક્ષેત્રમાં પડતી હોય તો એ પોતાની થઈ ગઈ. બીજી રીતે કહેવાય કે મુસીબતો વ્હોરી લેવાની તેમની આદત હતી.
કેટલાને ખબર હશે કે આફ્રિકાના “ એન્ગલો–બોર વોર”માં સત્ય અહિંસાવાળા ગાંધીજી જોડાયા હતા. તે પણ બ્રિટીશરોના પક્ષમાં રહીને, ૧૮૯૯ થી ૧૯૦૨ સુધીની વોરમાં ગાંધીજી એમ્બ્યુલન્સ સ્કવોડના લિડર હતા. અને તેમના સ્વયંસેવકોના ગ્રુપે અંગ્રેજો અને બોર લોકોના બન્ને પક્ષના ઘવાયેલા સૈનિકોને સેવા આપી હતી. તેમાં તેમને રાણી વિક્ટોરિયા તરફથી મેડલ પણ મળ્યો હતો.
ગાંધીજીને સમજવા બહુ અઘરા પણ હતા. અંગ્રેજો આપણા દુશ્મન પણ માનવતાના કાર્યમાં તે ન જોવાય. ગાંધીજીનું આ ચારિત્ર સુભાષચંદ્ર બોઝ જોઈ શક્યા નહોતા. સુભાષબાબુ અગ્રેજોને દુશ્મન જ ગણતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે ગાંધીજી ,જર્મની સાથે લડતા બ્રિટનનો ગેરલાભ નહોતા લેવા માંગતા. જ્યારે સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવવા માંગતા હતા.સુભાષબાબુનો પ્લાન હતો કે જર્મનીએ બ્રિટનના કેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકોને છોડાવી ,પોતાની આઝાદ હિંદ ફોજમાં ભરતી કરાવવા. હવે તે ફોજ હિન્દમાં ભારતીય સૈનિકોની બનેલી ફોજ સામે લડે. તો સામાન્ય રીતે ભારતીય ફોજ પોતાના ભાંડુઓની બનેલી ફોજ સામે બંદૂક ન ઊઠાવે. હવે તેમના આ પ્લાનમાં થોડી ખામીઓ હતી. હિટલરે બ્રિટનના (પ્રિઝનર ઓફ વોર) પકડાયેલા કેદીઓ સુભાષબાબુને ન આપ્યા. સુભાષબાબુ જાપાન જોડે હાથ મિલાવવા ગયા. અને જ્યારે બર્મા –ઈમ્ફાલને રસ્તે આઝાદ હિંદ ફોજ આસામમાં પ્રવેશતી હતી ત્યારે ભારતીય જવાનોથી બનેલી બ્રિટીશ ફોજે તેમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.
ગાંધીજીની સત્ય અહિંસાની વાતોમાં કાંઈક વજુદ હતું. નહેરુ સરદાર પટેલ, મૌલાના, ક્રિપ્લાની જેવા કેટલા ય મહારથીઓ તેમની ફૂટબોલના સિધ્ધાંત પર રચાયેલી ટીમમાં જોડાઈને દેશને આઝાદ કર્યો.
છેલ્લી વાત–
એક વખતે પંડિત નહેરુ એક માનસિક રોગોની હોસ્પિટલની વિઝિટે ગયા હતા. ડોક્ટોરો જોડે અંદર ફરતા હતા. ત્યાં તેમની પાસે એક બોળકા માથાવાળો દર્દી આવ્યો. તેણે પંડિતજીને પૂછ્યું કે “ભાઈ તમે કોણ છો?” પંડિતજી બોલ્યા કે “ હું પંડિત નહેરુ છું.” તો તે દર્દી બોલ્યો, “ ચિંતા ન કરો. તમે પણ સારા થઈ જશો. હું અહીં આવ્યો ત્યારે મહાત્મા ગાંધી હતો.”
===========================
શ્રી હરનીશ જાનીનો તારીખ ૧૯ મી જુલાઈએ ગુજરાત મિત્રમાં પ્રગટ થયેલો એક બીજો લેખ ‘ગદ્દાર બને તે ખૂંખાર પણ બને ‘વાંચવા માટે નીચેની લીંક પર કલીક કરો.
હરનીશ જાની
સંપર્ક –
E Mail-harnishjani5@gmail.com
Like this:
Like Loading...
Related
વિનોદભાઈ આપનો આભાર. આવો જ પ્રેમભાવ રાખશો.
LikeLike
ઘણું નવું જાણવાનું મલ્યું.
સરસ લેખ છે.
Mansukhlal Gandhi
Los Angeles, CA
U.S.A.
________________________________
LikeLike
ગાંધીજી વિષે અગાઉ વાંચી કે સાંભળી નહોતી એવી કેટલીક વાતો તેઓએ રજુ કરી છે.એમાં તેઓએ ગાંધીજીને મહાત્મા બનાવનાર કેટલાક મૂળભૂત ગુણોનું સરસ વિશ્લેષણ કર્યું છે….સરસ લેખ છે.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
Challenging article. Thanks.
LikeLike
બધા જ સ રસ સુંદર લખાણા લખનાર
હર નીશ નો આ લખાણ વધુ સુંદર
ગાંધીજીની કેટલીક જાણીતી કેટલીક અજાણી વાતની અદભુત રજુઆત
LikeLike