વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓગસ્ટ 2017

1097 – વિનોદ વિહારની છ વર્ષની આનંદ યાત્રા બાદ સાતમા વર્ષમાં પ્રવેશ ..

તારીખ સપ્ટેમ્બર ૧ ,૨૦૧૧ના રોજ મારી ૭૫ વર્ષની ઉંમરે વિનોદ વિહારના નામે એની પ્રથમ પોસ્ટ ‘મારો ગુજરાતી બ્લોગ -વિનોદ વિહાર”માં જણાવેલ ઉદ્દેશ્ય સાથે મેં આ ગુજરાતી બ્લોગની શુભ શરૂઆત કરી હતી.

નદીના વહેણની જેમ સમય તો વહેતો જ રહે છે. જોત જોતામાં છ વર્ષની આનંદમય યાત્રા પૂરી કરીને વિનોદ વિહાર આજે સપ્ટેમ્બર, ૨૦૧૭ની ૧ લી તારીખે  સાતમા વર્ષમાં હોંશ ભેર કદમ માંડી રહ્યું છે.

ગત વર્ષો દરમ્યાન આ બ્લોગના માધ્યમથી મારી સ્વ-રચિત સાહિત્ય રચનાઓ કે પછી મારા વાચન દરમ્યાન અન્યત્ર મને જે ગમ્યું હોય એવું મારી પસંદગીનું અને વાચકોને ગમે એવું પ્રેરણાદાયી અને સત્વશીલ સાહિત્ય પીરસી એમને સંતોષ આપવાનો મારી અલ્પબુદ્ધિ પ્રમાણે શક્ય એટલો મેં પ્રયત્ન કર્યો છે . મારા પ્રયત્નોમાં હું કેટલો સફળ રહ્યો છું એ તો આ બ્લોગના સુજ્ઞ વાચકો એટલે કે આપ સૌ મિત્રો જ કહી શકો.

મારા આ નમ્ર પ્રયત્નને વાચક મિત્રો તરફથી જે પ્રોત્સાહન જનક પ્રતિસાત સાંપડ્યો છે એ  નીચેના આંકડાઓ પરથી ફલિત થશે.

 

વિનોદ વિહાર – ૬  વર્ષને અંતે

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વર્ષ વાર પ્રગતિસુચક આંકડાઓ.


વર્ષ ….                                                                    6              5                       4                 3            

                                                                       2017            2016              2015           2014  

——————————————————————————————————–

1.  માનવંતા મુલાકાતીઓ-

 (ગત વર્ષ  કરતાં ૩૬ ટકાનો વધારો)          393,000       288,484       229,746    173917  

2.   કુલ પોસ્ટની સંખ્યા                         1097           946           776       512                

3. દરેક પોસ્ટને  ફોલો કરતા મિત્રો –

      @ જેમાં બ્લોગર  100 છે.                  @ 336         320          290          251    

4. વાચક મિત્રોએ આજદિન સુધીમાં આપેલ

  કુલ પ્રતિભાવની સંખ્યા                           5502        4,913

========================================================

આ છ વર્ષો દરમ્યાનનો  બ્લોગર તરીકેનો મારો  અનુભવ આનંદદાયક રહ્યો છે . ગયા વરસે ફેસબુક પર “મોતી ચારો “ એ નામે એક સમાંતર સાહિત્ય પ્રવૃત્તિ શરુ કરી હતી એમાં પણ થોડો સમય જાય છે.જો કે મારી હાલની ૮૧ વર્ષની ઉંમરે કેટલાક શારીરિક પ્રશ્નો ઉભા થયા હોવાથી બ્લોગીંગ માટેના પહેલાંના ઉત્સાહમાં થોડી ઓટ તો વર્તાય છે.એમ છતાં મનોબળ હજુ સાબુત છે . 

મેં તો અકેલા ચલા થા ,જાનીબે મંઝિલ મગર

લોગ સાથ આતે ગયે ,ઔર કારવાં બનતા ગયા !

મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો પ્રતિભાવ મારા માટે  બ્લોગમાં લખવા માટે અને પોસ્ટ તૈયાર કરવા માટેની  પ્રેરણા બને છે .

ઉદાહરણ તરીકે વિનોદ વિહારના પાંચમા વર્ષમાં પ્રવેશ પ્રસંગની પોસ્ટમાં હાલ ”દાવડાનું આંગણું ” બ્લોગના સંપાદક સહૃદયી શ્રી પી.કે.દાવડા એ લખેલ નીચેનો પ્રતિભાવ અન્ય મિત્રોના એવા જ પ્રકારના પ્રેમનો પડઘો પાડે છે.

”P.K.Davda ………..   સપ્ટેમ્બર 1, 2015

” નવેમ્બર ૨૦૧૨ થી હું વિનોદ વિહારની નિયમિત મુલાકાત લઉં છું. મારા કેટલાક લેખ અને અન્ય રચનાઓ સમયે સમયે વિનોદ વિહારમાં મુકાતી રહી છે.

આજે જ્યારે ગુજરાતી ભાષાના ૧૨૦૦ થી ૧૫૦૦ બ્લોગ્સનું અસ્તિત્વ છે ત્યારે વિનોદ વિહારને અલગથી તારવી એનું મુલ્યાંકન કરવું મુશ્કેલ છે, તેમ છતાં વિનોદ વિહારની ન નકારી શકાય એવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવાની ઈચ્છા રોકી શકતો નથી.

વિનોદ વિહારમાં સાત્વિકતા છે. ક્યારે પણ કોઈની લાગણી દુભાય એવી કોઈપણ વાત એમાં જોવા મળી નથી. સાદા શબ્દોમાં વિનોદ વિહાર એક ખાનદાન બ્લોગ છે. એમાં મુકાયલા વિનોદી લેખોમાં પણ કોઈ હલકી વાતો નથી.

વિનોદ વિહારમાં સાતત્ય છે. આજે અનેક બ્લોગ દિવસો કે મહિનાઓ સુધી અપડેટ થતા નથી, ત્યારે વિનોદ વિહારની ગતીશીલતા નજરે ચડ્યા વગર રહેતી નથી. રોજ નહિં તો અઠવાડિયામાં ત્રણ ચાર વાર એમાં નવી વાનગી ઉમેરવામાં આવે છે.

વિનોદ વિહારમાં સન્માન છે. જે વ્યક્તિઓ વિનોદ વિહારમાં પોતાની રચનાઓ મોકલે છે, એમનો પરિચય શ્રી વિનોદભાઈ ખૂબ જ સન્માનપૂર્વક કરાવે છે.

વિનોદ વિહારમા ઉત્સાહ છે. બ્લોગ ચલાવવામાં રહેલો વિનોદભાઈના ઉત્સાહથી વાંચકો અજાણ નથી. વિના સંકોચે, વિનોદભાઈ અનેક નવા નવા પ્રયોગો કરે છે, અને વિનોદ વિહારને એનો લાભ મળે છે. પોતે ટેકનિકલ વ્યવસાયના માણસ નથી, છતાં કોમપ્યુટર પાસેથી તેઓ જે કામ લે છે એ આશ્ચર્યજનક છે. વિનોદભાઈ આનો યશ તેમના શિક્ષક શ્રી સુરેશ જાનીને આપે છે.

વિનોદ વિહાર Organised છે. વિનોદ વિહારની અનુક્રમણિકાની મદદથી ગમે એટલો જૂનો લેખ પણ સહેલાઈથી શોધી શકાય છે. અનુક્રમણિકા સિવાય Tag થી પણ જરૂરી લેખ તરત મળી જાય છે.

આ બધું એટલા માટે શક્ય છે, કારણ કે વિનોદભાઈ એ વિનોદભાઈ છે.”

એમનું હૃદય ઠાલવીને પ્રતિભાવ આપવા માટે હું શ્રી દાવડાજીનો અને અન્ય મિત્રોનો આભારી છું.

માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહેતી હોય છે.બ્લોગની પ્રવૃત્તિ આંતરિક આનંદ સાથે સદ સાહિત્ય વહેંચવા માટેનું ઉત્તમ સાધન બન્યું છે .

એની મારફતે દુર  સુદૂર રહેતા અનેક મિત્રો અને સ્નેહીઓના સંપર્કમાં રહી શકાય છે એનો આનંદ અનેરો હોય છે . અનેક સહૃદયી મિત્રો સાથેનો ઈ-મેલ સંપર્ક તેમ જ એમના બ્લોગોની મુલાકાતો અને વિચાર વિનિમય તેમ જ નેટમાં પરિભ્રમણ કરવાથી જ્ઞાનની વધુ દિશાઓ ખુલતી જાય છે .બ્લોગીંગમાં જ્યારે ધ્યાન પરોવાય છે ત્યારે એ એક મેડીટેશન બની જાય છે .

વિશ્વના ફલક પર વિનોદ વિહાર

વર્ડ પ્રેસ ના આંકડા પ્રમાણે આજ સુધીમાં વિનોદ વિહારના કુલ મૂલાકાતીઓ  393,000 છે એ મુખ્યત્વે 143 નાના મોટા દેશોમાં પથરાયેલા છે.૧૦૦ કરતાં વધુ મુલાકાતીઓ નીચેના દેશોમાં આ પ્રમાણે છે.

———————————————————————————————       VIEWS                            COUNTRY           

  • 258,960                       India

  • 104,946                       United States

  • 5,538                           United Kingdom

  • 4,734                           Canada

  • 1,007                           Australia

  • 931                               United Arab Emirates

  • 659                              Pakistan

  • 466                             Hong Kong SAR China

  • 382                             Oman

  • 244                             Saudi Arabia

  • 227                             Japan

  • 186                            Singapore

  • 147                             Kenya

  • 145                            Germany

  • 139                            New Zealand

  • 138                            Qatar

  • 134                            European Union

  • 130                            Kuwait

  • 100                            Malaysia

  • ===============================================

વિશ્વભરમાં ફેલાયેલા અપરિચિત ગુજરાતી મિત્રો સાથે  બ્લોગના માધ્યમથી માતૃભાષામાં વિચાર વિનિમય થઇ શકે છે એ કેટલુ આશ્ચર્ય કહેવાય.! ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ છે કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ કોમ્પ્યુટર પર એક ક્લિક કરીએ એની થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે !યાદ આવી જાય છે કવિ રમેશ પારેખની આ પંક્તિઓ …

” આમ તો છું એક પરપોટો સમયના હાથમાં

  તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં ”

આભાર દર્શન 

આ બ્લોગની છ વર્ષની યાદગાર સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથ અને સહકાર આપનાર સૌ મિત્રો અને સ્નેહીજનોનો હું હૃદયથી આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ આપનો એથી પણ વધુ  સુંદર સહકાર મળતો રહેશે જ.

વિનોદ પટેલ , સંપાદક , વિનોદ વિહાર

તારીખ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૭ 

 

 

 

1096- કરિયાવર …. વાર્તા …. ઝવેરચંદ મેઘાણી ..સૌરાષ્ટ્રની રસધાર

ઝવેરચંદ મેઘાણી લિખિત આ લોક કથા એમના  જાણીતા  લોક કથાઓના પુસ્તક ” સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૫  ”માંથી લીધી છે.

” સૌરાષ્ટ્રની રસધાર ” ના પાંચ ભાગોની લોક કથાઓ એ સ્વ. મેઘાણીનો  લોક સાહિત્યનો અણમોલ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી સમૃદ્ધ બન્યું છે. આ કથાઓ એકઠી કરવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગામો ખુંદી વળ્યા હતા.સૌરાષ્ટ્રની લોક બોલીમાં લખાએલી આ કથાઓમાં સૌરાષ્ટ્રની ધરતીની મહેંક છે જે રસ ધાર નામને સાર્થક કરે છે.

આ અગાઉની મેઘાણી ના જન્મ દિવસની પોસ્ટ ના અનુસંધાનમાં , આજની પોસ્ટમાં રજુ કરેલ એમની ”કરિયાવર ” લોક કથા મેઘાણીની લેખન શૈલીનો એક અદ્દલ નમુનો છે જે વાચકોને પોસ્ટને અંતે નીચે આપેલ સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગો વાંચવા માટે પ્રેરશે. 

વિનોદ પટેલ 

કરિયાવર … લોક કથા …. ઝવેરચંદ મેઘાણી 

“આ માંડ્યું-છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જા છ, બેટા હીરબાઇ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!”

“ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.”

“અરે, બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું ને ભરી શું? ઉતારી લે, બાઇ! એકેએક ચીજ ઉતારી લે. મેંથી એ નહિ જોયું જાય, બેટા! મને એ માંડ્યચાંડ્ય કરનારી સાંભરશે ને ઠાલું મારું મન બળશે.”

નિસરણી માંડીને દીકરી દીવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે, અને બુઢ્ઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે. માનું ઘણાં વર્ષથી અવસાન થયું છે. સાત ખોટની એક જ દીકરી હીરબાઇને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ (જમાઇ) તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડાં, ત્રાંબાકૂંડીઓ, ડબરાં, ગાદલાં, ગોદડાં, ધડકીઓ, તોરણ, ચાકળા, ચંદરવા, સોનારૂપાના દાગીના-જે કાંઇ પિતાના ભર્યાભાદર્યા ઘરમાં હતું, તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે. ગાડાં ને ગાડાં ભરાઇ રહ્યાં છે.

“હાઉં બાપુ! હવે બસ કરી જાઓ.” હીરબાઇએ આડા હાથ દીધા.

“પણ હું મેલું કોના સાટુ, બાપ? હું તો હવે બે ચોમાંસા માંડ જોઇશ. અને તારું ગામતરું થયે તો આ પિતરાઇઓ આહીં તને થોડા ડગલુંયે ભરવા દેવાના છે?”

દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડાં લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે.

“હીરબાઇ,” ડોસો પોતાની પાઘડીને છેડે ચીંથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો. “આ લે, બેટા, અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે. મેં તો કૈંક વરસો થયાં દીપડો મારીને કાઢી રાખેલ- તારો ભાઇ થાય એની ડોકે બાંધવાની આશાએ; પણ સૂરજે સાવઝના નખ પહેરનારો નહિ સરજ્યો હોય…. હશે! હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પે’રાવજે, હો!”

માનો જણ્યો ભાઇ એ વખતે હીરબાઇને સાંભરી આવ્યો, આજ ભોજાઇ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી દસેય આંગળીએ ટાચકા ફૂટે એવાં મીઠડાં લઈ સાસરે વળાવનાર કોઈ ન મળે! અને બાપનું ભાણું દસ વરસથી પોતે સાચવેલું તેનું જતન રાખનાર કોઇ ન રહ્યું. હીરબાઇએ એકાંતે આંસુ ઠાલવ્યાં.

પચીસેક ગાડાંની હેડ્યો ભરાઇ ને કરિયાવર તૈયાર થયો. હીરબાઇએ નાહીધોઇ, અણાતને અરધે વળે તેવાં વસ્ત્રાભૂષણો સજી,રૂપનીતરતાં અંગને જાણે સોનેરૂપે મઢી લીધું. માવતરના ઘરને છાંયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી. ગાયો-ભેંસો એને બહુ વહાલી હતી, એટલે જઈને પશુડાંને ગળે બાઝી પડી; પશુ જાણે જુદાઇની ઘડી પારખી ગયાં હોય તેમ મોંમાંથી ખડનાં તરણાં મેલી દઈ હીરબાઇના હાથપગ ચાટવાં લાગ્યાં.

“બાપુ, આ વોડકી વીંયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો, હો! નીકર બોઘરું ભરીને ખીરું મોકલજો.” હીરબાઇએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી.

“અરે બેટા, બોલાવવાની કોને ખબર છે? તારા ભેળી કાંઠે બાંધતી જ જા ને, બાઇ!” એમ કહીને બાપુએ વોડકી પણ પુત્રી ભેળી વળાવી.

આગળ દીકરીનું વેલડું, પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢ્ઢો બાપ; અને પાછળ કરિયાવરનાં પચીસ ગાડાં; એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડિયે ચાલતી થઈ. હીરબાઇ તો ચાંપરડાનો હીરો હતી, એટલે અરધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ અઢાર વરસની યૌવનમસ્ત કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતી કાલથી મીઠો ઘરસંસાર માંડવાના મનોરથને હીંડોળે હીંચે છે… અને બીજી બાજુ બુઢ્ઢા, બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી, એના ગરભને ઘીમાં ચોળી, તાણ કરી કરી કોણ ખવરાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ-હીંડોળાને છેદી રહી છે.

દાદાને આંગણે આંબલો,

આંબલો ઘોર ગંભીર જો!

એક તે પાન દાદા તોડિયું,

દાદા, ગાળ નો દેજો જો!

અમે રે લીલા વનની ચરકલી,

ઊડી જાશું પરદેશ જો!

આજ રે દાદા કેરા દેશમાં,

કાલે જાશું પરદેશજો!

એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી, એટલે હીરબાઇનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઊતર્યા. હીરબાઇએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભરભલામણ પણ દઈ લઉં. એવી ઈચ્છાથી જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં ઓશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા-પિતરાઇ ભાઇઓનાં છેટેથી ઓવારણાં લીધાં.

“કાકા, મારા બાપને સાચવ-“

એટલું વેણ પૂરું નથી થયું તો બન્ને જુવાનો બોલ્યા, “ગાડાં પાછાં વાળો.”

“કાં, શીદ પાછા વળાવો છો?” બુઢ્ઢાએ પૂછ્યું.

“તું નિર્વંશ છો, ડોસા! અમે કાંઇ નિર્વંશ નથી. અમે કાંઇ મરી નથી પરવાર્યા, તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રિયો છો!”

“અરે ભાઇ, મારે એકનું એક પેટ, એને આજ નથી મા કે નથી ભાઇ એને હું કરિયાવર પણ ન દઉં? અને હવે હું મૂએ મારો ગરાસ ને દરબારગઢ તો તમારા જ છે ને?”

“તું તો ઘણુંય લૂંટાવી દે! પણ અમે નાના ગીગલા નથી. પાછાં વાળો ગાડાં, નીકર કાંઇક સાંભળશો!”

હીરબાઇએ આ દેખાવ નજરો નજર દીઠો. બુઢ્ઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઇઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂંવાડે રૂંવાડે ઝાળ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઇ નીચે ઊતરી અને બાપુનો હાથ ઝાલીને કહ્યું: “બસ બાપુ, પતી ગયું, હાલો, પાછા વળો. ભાઇ ગાડાખેડુઓ, ગાડાં તમામ પાછાં વાળો. આજ શકન સારા નથી.”

“પાછાં શીદ વળશે?” એવી હાક દેતો હીરબાઇનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો; એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો “કાઠી!” હીરબાઇએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો. “કાઠી, આજ કજિયાનું વેળુ નથી: અને તું મૂંઝામા. સૌ પાછા વળો.”

ગાડાં પાછાં વળ્યાં. હીરબાઇ અડવાણે પગે લાગી ઘેર પાછી આવી. ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે; ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઇને હીરબાઇ બોલી, “કાઠી, તારે હૈયે ધરપત રાખ: તને સંતાપવો નથી.” એમ કહી પોતાના હેમે મઢ્યા ગળામાંથી ઝરમર કોટિયું, કાંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતાં બોલી: “આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે-અને મારી વાટ્ય જોવી મેલી દેજે.”

“કાં?”

“કાં શું? હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી. મારા બાપના ઘરમાં પીંગલે ભાઇ ન મળે, એટલે જ ભરી બજારમાં જીવતાર બગડે ને! હવે તો પારણામાં ભાઇને હીંચોળીને જ આવીશ. નીકર જીવતરભરના જુહાર સમજજે, કાઠી તું વાટ્ય જોઇશ મા. તને રાજીખુશીથી રજા છે. ઘર કરી લેજે. આલે, આ ખરચી.” આટલું કહી બાઇએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઇ ગયો.

વળતા દિવસથી હીરબાઇએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી, દેવલના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આંટાળાં શીંગે શોભતી, ફાંટફાંટ જેટલા આઉવાળી સાત કૂંઢી ભેંસોને નોખી તારવી ગોવાળોને  આજ્ઞા દીધી કે, “ભાઇ આયડુ, આપણી સીમના ઊભા મોલમાં આ સાતેયને પહર ચારવા મંડો અને – મારો બાપ કરું! ડિલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો.”

ભરવાડોએ એ રીતે ભેંસોને સાચવવા મંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા. બબ્બે જણ બદલાય ત્યારે દોવાઇ રહે એવાં તો આઉ ભરાંતા થયાં. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને…અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવરાવવા લાગી. છેવટે સાતમીના દૂધમાં સાકર, કેસર ને એલચી-જાયફળ નાખી, અંદર સળી ઊભી રહે એવો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પિવાડે તેમ દીકરી બાપુને પિવડાવવા લાગી. બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શરમિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે, “ગગી બેટા, મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંય શોભે? અને તું મારી ધારણા મેલી દે, બા! મા’મહિનાનું તો માવઠું કે’વાય.”

“કાંઇ બોલશો મા, બાપુ.” એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ.

એક મહિનો, બે મહિના ને ત્રણ મહિના-ત્યાં તો સાઠ વરસના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુયે અણુ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડી. ઘોડે સવારી કરીને સવાર-સાંજ બાપ સીમાડાની બહાર દોડતાં હરણ સાથે હોડ કરવા લાગ્યો. અને મોં માગ્યાં મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો. એક વરસ અને એક દીકરો, બીજું વરસ, બીજો દીકરો; અને હીરની દોરીએ હીંચોળતી બહેનને હાલરડાં ગાતી ભાયાતોએ સાંભળી. રાત ને દિવસ બહેન તો પોતાના ભાઇઓને નવરાવવા-ધોવરાવવામાં, ખવરાવવા-પિવરાવવામાં ને એનાં બાળોતિયાં સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતાં તો ત્રણ વરસની રૂંઝ્યો વળી ગઈ અને ચોથે વરસે સીમાડા ઉપર ખેપટ ઊડતી દેખાણી. જોતાજોતામાં કોઇ રોઝી ઘોડીનો અસવાર ઝાંપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલાં બેડાં લઈને દરબારગઢમાં દોડી: “બા, વધામણી! ધાંધલ આવી પહોંચ્યા છે!”

આવીને કાઠીએ ઘરાણાં-રૂપિયાની પોટલી પડતી મેલી.

“બાપુ.” હીરબાઇએ બાપને કહ્યું: “હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહિ રહેવા દઉં, તમે નવી વસાવી લેજો!” એમ બોલીને હીરબાઇએ ગાડાં ભર્યાં; દરબારગઢમાં એક ખીંટી પણ ન રહેવા દીધી. ફરી વાર વેલડું જોડાણું: ગામ વળાવવા હલક્યું; ચોરો આવ્યો; માફાની ફડક ઊંચી થઈ; હીરબાઇએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું, અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાવ્યું “આવો, કાકા અને ભાઇઓ! હવે ફરો આડા!”

“ના….રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ?”

“શેના કહો? પારણે એકને સાટે બે રમે છે. અને હવે તો ગાડાંની હેડ્યું ગણ્યા જ કરજો.”

[આ ઘટના જૂનાગઢ નજીક ચાંપરડાં ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઊગો વાળો બોલાય છે. કોઇ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું કહે છે.]

સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ . ૧ થી ૫  ની લોક કથાઓ નીચે ક્લિક કરીને વાંચો. 

 

સૌરાષ્ટ્રની રસધાર ૧ – ૧૯૨૩  

સૌરાષ્ટ્રની રસધાર ૨ – ૧૯૨૪  

સૌરાષ્ટ્રની રસધાર ૩ – ૧૯૨૫  

સૌરાષ્ટ્રની રસધાર ૪ – ૧૯૨૬  

સૌરાષ્ટ્રની રસધાર ૫ – ૧૯૨૭

શ્રેણી

1096 – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૦ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ 

૨૮મી ઓગસ્ટ ૨૦૧૭ એ મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના નામથી નવાજ્યા હતા એ સ્વ.ઝવેરચંદ મેઘાણી ની ૧૨૦ મી જન્મ જયંતી છે.

સ્વ. મેઘાણીનાં જીવન કાર્યો અને એમના સાહીત્ય પ્રદાનને યાદ કરી આજની પોસ્ટમાં એમને હાર્દિક સ્મરણાંજલિ  આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસ્તુત સામગ્રી આપને ગમશે એવી આશા છે…. વિનોદ પટેલ .  

ઝવેરચંદ મેઘાણી

 જન્મની વિગત …૨૮ ઓગસ્ટ ૧૮૯૭ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત

મૃત્યુની વિગત – ૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ)બોટાદ, ભાવનગર, ગુજરાત

મૃત્યુનું કારણ -હ્રદય રોગ

રાષ્ટ્રીયતા -ભારતીય

અભ્યાસ -બી.એ. (સંસ્કૃત)

વ્યવસાય -સાહિત્યકાર (કવિ, લેખક)

ખિતાબ -રાષ્ટ્રીય શાયર

જીવનસાથી -દમયંતીબેન, ચિત્રદેવી

માતા-પિતા -ધોળીબાઈ-કાળીદાસ

વેબસાઇટhttp://jhaverchandmeghani.com/

 

ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમરની વધુ વિગતો વિકિપીડિયા ની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

 

ઝવેરચંદ મેઘાણીની મારી પસંદગીની ત્રણ  કાવ્ય રચનાઓ ..

૧.મન મોર બની થનગાટ કરે …

આ ગીત રવીન્દ્રનાથ ટાગોરના મૂળ કાવ્ય ” Navi Varsha ” નો ઝવેરચંદ મેઘાણી એ `મન મોર બની થનગાટ કરે’ એ નામે ૧૯૪૪ માં કરેલ ભાવાનુવાદ છે.

મન મોર બની થનગાટ કરે … ઝવેરચંદ મેઘાણી

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

– ઝવેરચંદ મેઘાણી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલામાં આ ગીતને જાણીતા ગુજરાતી લોક ગાયક ઓસમાન મીરએ ગાયું હતું. નીચેના વિડીયોમાં ગુજરાતી જલસો-૨૦૧૭ વખતે એમના કંઠમાં આ ગીતને સાંભળો.

Mor Bani Thanghat Kare by Osman Mir | Goliyon Ki Raasleela Ram-Leela | Gujarati Jalso 2017

૨. ઘણ રે બોલે ને એરણ સાંભળે

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો….. જી:
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો…. જી.
એ જી સાંભળે વેદનાની વાત
વેણે રે વેણે હો સત ફૂલડાં ઝરે હો… જી.
બહુ દિન ઘડી રે તલવાર,
ઘડી કાંઈ તોપું ને માનવાર;
પાંચ-સાત શુરાના જયકાર
કાજ ખુબ ખેલાણા સંહાર:
હો એરણ બની ! -ઘણ રે બોલે ને
પોકારે પૃથ્વીનાં કણ કણ કારમાં હો… જી.
પોકારે પાણીડાં પરવારનાં હો… જી.
જળ-થળ પોકારે થરથરી
કબરૃની જગ્યા રહી નવ જરી ;
ભીંસોભીંસ ખાંભીયું ખુબ ભરી
હાય, તોય તોપું રહી નવ ચરી :
હો એરણ બેની! – ઘણ રે બોલે ને
ભઠ્ઠીયું જલે રે બળતા પ્હોરની હો… જી.
ધમણ્યું ધખે રે ધખતા પ્હોરની હો… જી.
ખન ખન અંગારે ઓરાના ઓરણા,
કસબી ને કારીઘર ભરખાણા;
ક્રોડ નર જીવંતા બફાણા –
તોય પૂરા રોટા નવ શેકાણા
હો એરણ બની ! -ઘણ રે બોલે ને

મેઘાણીના આ  ગીતનો શ્રી મધુસુદન કાપડીયાએ કરેલ સુંદર રસાસ્વાદ નીચેના વિડીયોમાં..

 

૩.હાય રે હાય કવિ !

આ કાવ્યમાં જે પરિસ્થિતિ સ્વ.મેઘાણીએ રજુ કરી છે એ આજે પણ એટલી જ નજરે જોવા મળે છે. એવી પરિસ્થિતિમાં એક કવિને કાવ્ય રચવાનું  કેમ  ગમે એવો એમનો પ્રશ્ન વણ ઉકલ્યો જ રહ્યો છે! 

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરવી,
લાખો નાર ગલીગલીએ ફરતી,
સારી રાત ભૂખે મજૂરી કરતી:
‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દજો –
ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાનાં કેરા જો સળિયા –
એનાં ક્રન્દન શું નથી સાંભળિયા?
એની ભીતર મૌન એકાકી રિબાઇ રિબાઇ હજારોના પ્રાણ શમે ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિ:શ્વાસભર્યા જગમાં
સિતમે સળગંત ધરા-તલમાં:
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને,
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્રતણા:
પીએ ઝેરી હવા જે દમેદમમાં,
એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે?
ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણકનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિજનને જડશે:
કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,

તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે ? 

 

ગુજરાત સાહિત્ય અકાદમી- સર્જક અને સર્જન-ના આ વિડીયોમાંથી ઝવેરચંદ મેઘાણી વિષે જાણો

 

વિકીપીડીયાની આ લીંક પર ઝવેરચંદ મેઘાણીની કેટલીક ચૂંટેલી  સાહિત્ય રચનાઓ, નવલકથાઓ  વી.વાંચો અને માણો

શ્રેણી ..ઝવેરચંદ મેઘાણી .. એમનું સાહિત્ય

 

1095 -અમેરિકામાં ખીચડી અને કઢી

અમારા મહેસાણા જીલ્લાના નાનકડા ગામ ભાંડુના ખેડૂતના પુત્ર શ્રી મફતભાઈ પટેલનો એમના ગામથી માંડી અમેરિકા સુધીની પ્રગતિનો ગ્રાફ અદભુત છે.આજે અમેરિકાનું કોઈ મોટું શહેર બાકી નહી હોય જ્યાં મફતભાઈ અને એમના પરિવાર જનોથી ચલાવાતા ગ્રોસરી સ્ટોર નામે ”પટેલ બ્રધર્સ ” ધૂમ કમાણી ના કરતા હોય ! મફતભાઈએ એમના અનેક સગાં સંબંધીઓના જીવનમાં સુખી જીવન જીવવાની તક પૂરી પાડી છે. મફતભાઈ એમની સેવાની પ્રવૃતિઓથી પણ આજે ખુબ જાણીતા બન્યા છે.

આવું અનોખું વ્યક્તિત્વ ધરાવનાર મફતભાઈની જીવન ઝરમર આ લેખમાં તમને વાંચવા મળશે.

શ્રી મફતભાઈ અને એમની દીર્ઘ દ્રષ્ટિને સાદર પ્રણામ અને દીર્ઘાયુ માટેની અનેક શુભેચ્છાઓ.

વિનોદ પટેલ

સૂરસાધના

૧૯૬૮

       મફત પટેલ, ત્રેવીસ જ વર્ષની ઉમરે તમે અમેરિકાની ઇન્ડિયાના યુનિ.માં MBA નું ભણવા આવ્યા છો. પણ આ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈ અને પાંઉં બટર ખાઈ ખાઈને તમે કંટાળી ગયા છો. દિવસમાં બે વખત મે’હાણાના ભાંડુ ‘ગોમ’માં કાથીના ખાટલા પર ‘બેહીને’ ‘તાંહળામાં’ આરોગતા હતા, તે ખીચડી , કઢી અને ઘેર બનાવેલા મેથીયાંના અથાણાંની લિજ્જત જમવાના ટાણે તમને ‘હતાવે’ છે. ગમે તેટલી ચકમકતી કારની હારની હાર સામેથી પસાર થતી ન હોય, પણ ‘હામે ધુળથી ભરેલા આંગણામાં છાણની અત્તર સુવાસ વચ્ચે, દૂઝણી ભેંશ્યું’ પુંછડા ઝુલાવતી માંખ્યું ઊડાડતી હોય એ વતનની યાદ તમારા ચિત્તને કોરી ખાય છે.

પછી શું થયું?

મફત પટેલ એક મોટા સામ્રાજ્યના બેતાજ બાદશાહ શી રીતે બન્યા?

અહીં વોંચો !

wegu_logo આ લોગો પર ક્લિક કરો

View original post

1094 – સાસુ માટેનો વિલાપ !  … ટૂંકી હાસ્ય-કટાક્ષ કથા !

સાસુ માટેનો વિલાપ !  … ટૂંકી હાસ્ય-કટાક્ષ કથા !

Black Humour !

યુવાન મહિલાઓના એક ગ્રુપે એમની એક મીટીંગમાં નક્કી કર્યું કે દરેક મહિલા સભ્ય અને એની સાસુ સાથે એક સુંદર જગાએ પીકનીકનું આયોજન કરવું જેથી સાસુ અને વહુ એક બીજાને સારી રીતે જાણે અને સમજે જેથી એમના  સંબંધોમાં સુધારો થાય.

આ નિર્ણય પ્રમાણે બે બસો ભાડે કરવામાં આવી.એક બસમાં  બધી મધર-ઇન-લો બેસી ગઈ અને બીજામાં બધી  ડોટર-ઇન-લો બેસી ગઈ.  

કમનશીબે જે બસમાં સાસુઓ બેઠી હતી એ બસને એક ભયંકર અકસ્માત થયો અને એમાં બેઠેલાં બધાં જ પેસેન્જરો અકસ્માતની જગાએ જ મૃત્યુ પામ્યાં.

બીજી બસની વહુઓએ મહિલાઓ હોવાને લીધે થોડાં આંસુઓ સાથે એમનો શોક વ્યક્ત કર્યો.પરંતુ એક મહિલા તો   ખુબ જ દુખ સાથે બેકાબુ બનીને રડતી હતી અને વિલાપ કરી રહી હતી.બધાંને એથી ખુબ જ આશ્ચર્ય થયું .

એક મહિલાએ એની પાસે જઈને કહ્યું ‘’ બેન મને માફ કરજે પણ અમને એ ખબર ન હતી કે તું તારી સાસુને આટલો બધો પ્રેમ કરે છે .’’

આના જવાબમાં એ મહિલાએ આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો ,’’ના બેન, એવું જરાએ નથી, મારું રડવાનું ખરું કારણ તો એ છે કે મારી સાસુ મારી સાથે આવવાનાં હતાં પણ મોડું થતાં તેઓ બસ ચુકી ગયાં !’’

  અંગ્રેજી પરથી ભાવાનુવાદ …વિનોદ પટેલ

  


1093 – આવો, મજા, આનંદ અને પ્રસન્નતાને ઓળખીએ! ….. ડૉ. દિનકર જોશી

આવો – મજા, આનંદ અને પ્રસન્નતાને ઓળખીએ!

ઉઘાડી બારી – ડૉ. દિનકર જોશી

“આજે રસોઈ બહુ સરસ થઈ હતી, સમોસાં ખાવાની ભારે મજા પડી. ડાઈનિંગ ટેબલ ઉપરથી ઊભા થતી વેળાએ કોઈક પુષ્ટ દેહીને આ રીતે ખુશખુશાલ થતો તમે જોયો જ હશે. સમોસાંને બદલે ક્યારેક કોઈક બીજી વાનગીનું નામ લે એવું બને ખરું.

“આજની વન ડે મેચ ભારે થ્રીલિંગ હતી. છેલ્લા અર્ધા કલાકમાં ઉપરાઉપરી સિક્સરો મારી એ જોવાની બહુ મજા પડી. કોઈક ક્રિકેટ રસિયા પાસેથી આવો રાજીપો વ્યક્ત થતાં તમે સાંભળ્યો હશે.

“આજે શિવરાત્રિનું મહાપૂજન હતું. ચાર પ્રહર પૂજાનો ભારે આનંદ આવ્યો. કોઈક શિવભક્તને પોતાની આગલી રાતની પૂજાવિધિનો રાજીપો આ રીતે વ્યક્ત કરતો પણ તમે સાંભળ્યો હશે.

આ અને આવી બીજી અનેક રીતે માણસો પોતાની ખુશી બીજા પાસે વ્યક્ત કરતા હોય છે. તમે જોઈ શકશો કે ઉપરનાં વાક્યોમાં આ ખુશી, મજા અને આનંદ એવા બે શબ્દો વડે અભિવ્યક્તિ થઈ છે. સમોસાં ખાવાની કે પછી ક્રિકેટ મેચ જોવાની જે મજા છે એ મજા બોલકી મજા હોય છે. આવી મજા માણનારાઓ પોતાની મજામાં બીજાને સહભાગી થવા માટે નિમંત્રિત કરી શકતા હોય છે. તમે સાવ એકલા જ ડાઈનિંગ ટેબલ ઉપર મનગમતી વાનગીઓની મજા માણો એ કરતાં આ મજા માણવામાં જો બીજા બે-ચાર સાથીઓ જોડાય તો તમારી મજા બેવડાઈ જાય. ટી.વી.ના પડદા ઉપર ક્રિકેટ મેચ રમાતી હોય, આપણી ટીમ જીતી રહી હોય, છેલ્લો અર્ધો કલાક બચ્યો હોય ત્યારે આપણા બેટ્સમેન દે ધનાધન ઉપરાઉપરી ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યા હોય ત્યારે જોતાં જોતાં જ તમારા મોઢામાંથી આહ, વાહ, વન્ડરફુલ આવા શબ્દો નીકળી જતા હોય છે. આવે વખતે જો તમે એકલા જ મેચ જોતા હોય તો એની મજા તમારા માટે અડધી થઈ જાય છે. પ્રત્યેક ચોગ્ગા કે છગ્ગા સાથે તમારા આહ અને વાહમાં બે-ચાર સાથીઓ ભળ્યા હોય તો બધું ‘વન્ડરફુલ’ લાગવા માંડે.

પણ શિવરાત્રિનું રાતભર પૂજન કરનારા શિવભક્ત માટે એના આનંદ માટે કોઈ સાથીદારની જરૂર પડતી નથી. પૂજન કરતી વેળાએ એ આહ કે વાહ કશું બોલ્યો નથી.

મજા અને આનંદ આ બંને આમ તો એકસરખી જ ખુશાલીની અભિવ્યક્તિ છે. કેટલાક માણસો માત્ર મજા જ માણી શકે છે. આનંદની સપાટી સુધી એ પહોંચી શકતા નથી. ખુશાલીની સપાટીનો પહેલો અને સાવ સહજ સ્તર મજા છે. મરીન લાઈન્સના ચોપાટીના દરિયાકાંઠે સાંજના સમયે આથમતા સૂર્ય તરફ પીઠ કરીને કેટલાક માણસો હવા ખાવા બેઠા હોય છે. આવા માણસો પીઠ પાછળ આથમી રહેલા સૂર્યના રંગોથી ક્ષિતિજ ઉપર આભ અને સમુદ્ર આ બંને વચ્ચે જે રંગોળી પથરાઈ છે એ જોતા નથી, પણ મોં ફેરવીને રસ્તા ઉપર એકધારાં દોડ્યે જતાં વાહનોને જુએ છે. પાળ ઉપર રાખેલી ખારી શિંગ ખાય છે. દોડ્યે જતી મોટરોના મૉડેલ વિશે મિત્રો જોડે ચર્ચા કરે છે અથવા મૉબાઈલ કાને વળગાડીને પોતાની ફેક્ટરીની દુનિયામાં પહોંચી જાય છે. એને ખારી શિંગ ખાવામાં મજા આવે છે. હવાની ઠંડી લહેરોથી એને લહેર આવે છે, પાસે બેઠેલા મિત્રો જોડે વાતો કરવામાં એને ખુશી થાય છે.

આથી ઊલટું, આ જ દરિયાકાંઠે આથમતા સૂર્યની રંગોળીને અને પાળ નીચે અફળાતા સાગરનાં મોજાંના સંગીતને એકીટસે માણી રહેલો માણસ જે અનુભવે છે એ ખુશી કે મજા નથી. ખુશી મજાના સ્તરેથી ઉપર ઊઠીને એ આનંદના સ્તરની સરહદે પહોંચી ગયો છે. પેલા શિંગ ખાતા મિત્રોને પોતાની મજા વ્યક્ત કરવા માટે શબ્દોની જરૂર પડે છે. સૂર્યની રંગોળી અને મોજાંના સંગીત સાથે એકાકાર થઈ રહેલા પેલા બંને મિત્રોને પોતાનો આનંદ દર્શાવવા કોઈ શબ્દની જરૂર પડતી નથી. બેમાંથી એક મિત્ર જો વચ્ચે ક્યાંક શબ્દનો સહારો લે તો પણ એનાથી બીજો મિત્ર નારાજ થઈ જાય છે. એના આનંદના બલૂનમાં જાણે કોઈકે ટાંચણી ભોંકી હોય એમ એને કશુંક થાય છે.

મજા એ ખુશીનું સામાજિકરણ છે. આનંદ એ એનું વ્યક્તિગત સ્વરૂપ છે. જોકે આપણે વ્યાવહારિક જીવનમાં આ બંનેને ભાગ્યે જ જુદા પાડીએ છીએ. બંને જણ એક જ હોય એમ આપણે એને માણીએ છીએ.

મજા અને આનંદ વચ્ચે એક બીજી પાતળી ભેદરેખા છે એ પણ નોંધવા જેવી છે. સમોસાં કે ક્રિકેટ મેચની મજા એક વાર માણી લીધા પછી એની સ્મૃતિ દર વખતે એની એ મજા પાછી નહિ આપી શકે. આ પ્રકારની મજા તમે બહારથી ઉછીઉધારા કરીને લીધેલી હોય છે. એક વાર એ માણી લીધા પછી એ સમાપ્ત થઈ જાય. આનંદનું સ્વરૂપ એવું છે કે તમે એક વાર એને માણી લ્યો એ પછી એની સ્મૃતિ અંતરમાં ધરબાઈ જાય છે. અંતરના આ ખૂણાને સહેજ ફંફોસીને જો એ આનંદ ફરી વાર યાદ કરો તો તત્કાલીન વિષમ પરિસ્થિતિમાં પણ ઘડીક હળવાશ લાગશે. મજા મોટા ભાગે બહારથી આવતો પદાર્થ છે. ખાવું, પીવું, હરવું, ફરવું ઈત્યાદિ જલસા આ પરાવલંબન છે, પણ આ બધું સહેજે ય ઉપલબ્ધ છે એટલે ઝટ માણી શકાય છે. આ તમામ બાહ્ય પદાર્થો કરતાં પ્રકૃતિનું એક દૃશ્ય કે પ્રિયજનની એક સ્મૃતિ જે આવર્તન પેદા કરે છે એ અનોખું હોય છે. આનંદ અંતરમાં ઊગતું વૃક્ષ છે. એનું બીજ ક્યાં છે એ સમજાતું નથી. મજા એ ઘૂઘવતા પાણીનો ખળભળાટ છે. એમાં તરી પણ શકો અને તણાઈ પણ જઈ શકો. આનંદને શરીર સાથે કોઈ સંબંધ નથી. આનંદનો સીધો સંબંધ ચિત્ત સાથે છે.

મજા અને આનંદ આ બે સ્તર પછીનો ઉપલો સ્તર પ્રસન્નતા છે. આ પ્રસન્નતા શબ્દને સમજવા માટે નીચેનાં વાક્યો તપાસીએ.

(૧) રાવણની તપશ્ર્ચર્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા.

(૨) પ્રસન્ન થયેલી સરસ્વતી પાસે કાલિદાસે વરદાન માંગ્યું.

(૩) ધ્રુવની તપશ્ર્ચર્યાથી ભગવાન પ્રસન્ન થયા.

આ બધાં વાક્યોમાં પ્રસન્નતાનો એક આગવો અર્થ છે. આપણે વ્યવહારમાં પ્રસન્ન થવું એટલે રાજી થવું, ખુશી થવું, આનંદિત થવું એવો કરીએ છીએ ખરા પણ એની માત્રામાં ઘણો ફરક છે. રાવણની તપશ્ર્ચર્યાથી શિવ આનંદિત નથી થતા, રાજી નથી થતા, ખુશી પણ નથી થતા, એ પ્રસન્ન થાય છે. પ્રસન્ન ત્યારે જ થવાય છે કે જ્યારે પોતાની પાસે જે કંઈ છે એ સમર્પિત કરવાની તત્પરતા પેદા થાય છે. રાવણની તપશ્ર્ચર્યાથી શિવજી એવા ખુશ થયા, એવા ખુશ થયા કે પોતાની પાસે જે કંઈ હોય એ બધું જ જો રાવણ માગે તો એ આપી દેવાનો ઉમળકો એમને થઈ આવે. આપનારના અંતરમાં એક વિરાટ શૂન્યાવકાશ સર્જાય, સત્ત્વ, રજ અને તમસ આ ત્રણેય ગુણો એક સ્તરે સ્થિર થઈ જાય ત્યારે પ્રસન્નતા પેદા થાય છે. રાવણને વરદાન આપીને શિવજી પ્રસન્નતા પામે છે. આમ બંને પક્ષે ક્યાંય કશુંય ગુમાવ્યા વિના એક ભૂમિકા રચાય છે અને એ પ્રસન્નતાની છે.

આપણી પુરાણકથાઓમાં તપશ્ર્ચર્યાથી પ્રસન્ન થતા દેવોનાં ઘણાં કથાનકો છે. પ્રસન્ન થયેલા દેવ વરદાન તો આપે છે, પણ એ વરદાન પ્રકૃતિ ક્રમોથી વિપરીત ન હોવું જોઈએ એ પૂર્વશરત છે. તપશ્ર્ચર્યા કરનારાઓએ જ્યારે અમરત્વ માગ્યું છે ત્યારે પ્રસન્ન થનાર દેવ કે દેવીએ પોતાની લાચારી વ્યક્ત કરી છે.

મજાનો સંબંધ બહુધા રજસ અને તમસ સાથે છે. આનંદનો સંબંધ રજસ અને સત્ત્વ આ બે વચ્ચે છે. પ્રસન્નતા એ પૂર્ણ સત્ત્વ ભાવ છે. જ્યારે અંતરમાં સમર્પિત ભાવ પેદા થાય, કોઈની તપશ્ર્ચર્યા જોઈને માથું નમાવવાનું મન થાય ત્યારે પ્રસન્નતા પેદા થાય છે. વ્યાવહારિક જીવનમાં પણ પ્રસન્નતાની પળ મેળવી શકાય ખરી જો આપણા પોતાના અંતરને ખાલી કરવાની તત્પરતા હોય તો.

Source-

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=328548