Daily Archives: ઓગસ્ટ 7, 2017
રક્ષા બંધનના પવિત્ર પર્વ નિમિત્તે જાણીતા કટાર લેખક શ્રી પરેશ વ્યાસએ લખેલ ખાસ લેખ ” ભાઇ બહેનનું પ્રેમપર્વ ” એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.ગુજરાત સમાચારની રવીવારની પૂર્તિમાં પણ આ લેખ પ્રસિદ્ધ થયો છે.
શ્રી પરેશભાઈએ એમના લેખની શરૂઆત એમનાં બેન જાણીતાં લેખિકા અને કવિયત્રી શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસની રક્ષાબંધન પર્વની કવિતાની બે પંક્તિઓથી કરી છે
આ આખું કાવ્ય સચિત્ર યામિનીબેનના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.આ પ્રસંગોચિત સુંદર કાવ્યમાં એક બેનનો એમના ભાઈ પ્રત્યેનો પ્રેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

ભાઇ બહેનનું પ્રેમપર્વ ….. શ્રી પરેશ વ્યાસ
કુમકુમ તિલકથી વધાવું રે ભાલ પર ટપકું એક કાળું લગાડું રે ….
ગાલ પર પાંચે પકવાન આજ રાંધુ વહાલપના તાંતણાથી બાંધું રે વીરલા…
-યામિની વ્યાસ
રક્ષાબંધન. ભાઇ બહેનના પ્રેમની ઉજવણીનું પર્વ. ગુજરાતી ભાષામાં ભાઇ બહેનનાં પ્રેમની કવિતા ગોતવી હોય તો છેક ચં. ચી. મહેતાનાં ‘ઇલા કાવ્યો’ યાદ કરવા પડે. ગવાતા ગીતો યાદ કરીએ તો અવિનાશ વ્યાસનું ફિલ્મ ‘સોનબાઇની ચુંદડી’નું ગીત ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી’ યાદ કરવું પડે.
વરસાદ, કૃષ્ણ, રાધા, છોકરો, છોકરી, ફૂલ, પર્વત, નદી કે દરિયાને વિષય લઇને કવિતાઓ કે ગઝલોનો અંબાર અપાર છે. મા, દીકરી, સુખ, દુ:ખ, જીવન, મરણનાં વિષયને પણ શરણ થાય છે આપણા કવિઓ. પણ ભાઇ બહેનનાં પ્રેમની કવિતા લખવામાં કાંઇ મઝા નથી. અથવા તો કદાચ એમ કે કવિઓ આપણી લાગણીઓને લખે છે. કદાચ અર્વાચીન યુગમાં ભાઇ બહેનનાં પ્રેમની એટલી એહમિયત નહીં રહી હોય. હિંદી ફિલ્મ્સનાં ગીતો પણ જુઓ. બહેનાને ભાઇ કી કલાઇ સે પ્યાર બાંધા હૈ અથવા તો ભૈયા મેરે રાખીકે બંધનકો નિભાના.. જૂના જમાનાના ગીતો યાદ આવે. અરિજીત સિંઘ કે શ્રેયા ઘોષાલે ભાઇ બહેનનાં પ્રેમનું ગીત કેમ ગાયું નહીં હોય? અરિજીતે આમ એક ફિલ્મમાં ગીત તો ગાયું છે પણ ફિલ્મનું નામ હતું ‘બહેન હોગી તેરી’. લો બોલો! થોડી ફિલ્મ્સ અલબત્ત આવી છે. ‘માય બ્રધર, નિખિલ’, ‘ફિઝા’ કે પછી ‘ઇકબાલ’. પણ હવે એ નામ યાદ કરવા ગૂગલનો સહારો લેવો પડે છે! આપણને આમ ભાઇ બહેનનાં સંબંધોમાં રસ નથી. ભાઇ બહેનનો પ્રેમ? ઠીક છે મારા ભાઇ. નથિંગ કૂલ અબાઉટ ઇટ. પ્રાઇમ ટાઇમ હિંદી ટીવી સિરીયલ્સમાં સામાન્ય રીતે બહેન પોતાનાં ભાઇનાં પ્રેમમાં ખલનાયિકાની ભૂમિકા અદા કરતી જોવા મળે છે. અને સમાચારમાં પણ રક્ષાબંધન કે ભાઇબીજનાં તહેવાર સિવાય ભાઇ બહેનનાં પ્રેમની ખાસ કોઇ સ્ટોરી હોતી નથી. હોય તો ય ઑનર કિલિંગ જેવી બીહડ ન્યૂઝ સ્ટોરી.
બહેને પરન્યાત કે પરધર્મી જોડે લગ્ન કર્યા અને ભાઇએ બહેન બનેવીને મારી નાંખ્યાનાં બનાવ આજે બને છે .અરે,પાકિસ્તાનથી તો ઑનર રેપનાં સમાચાર આવ્યા છે. મુલતાન શહેર નજીકનાં ગામડામાં બાર વર્ષની એક નાની છોકરી ખેતરમાં ઘાસ કાપતી હતી ત્યારે એક સોળ વર્ષનાં છોકરાએ બળાત્કાર કર્યો. ગામની પંચાયતે નક્કી કર્યું કે છોકરીનો ભાઇ જે સોળ વર્ષનો છે એણે બળાત્કારી ભાઇની બહેન પર બળાત્કાર કરવો. અને બે દિવસમાં બે બળાત્કાર થયા. ફિટકાર છે…
ભાઇ બહેનનો સંબંધ અમૂલ્ય છે. કદાચ વન ચાઇલ્ડ ફેમિલીએ આપણી અવદશા કરી છે. અથવા કદાચ એમ કે આપણા શિક્ષણ, કલા કે સાહિત્યને ભાઇ-બહેનનાં સંબંધોને પોંખવામાં ઝાઝો રસ રહ્યો નથી. પણ એક સરસ સમાચાર અફઘાનિસ્તાનથી આવ્યા છે. આ એ દેશ છે જ્યાં સ્ત્રીઓ પોતાની ઓળખાણ ગોતી રહી છે. અહીં એ કોઇની મા, પત્ની કે દીકરી છે. બસ, બીજું કાંઇ નહીં. ત્યારે ત્યાંનાં ટેલિવિઝન શૉ ‘બાગાચ-એ-સિમસિમ’ (બાળકોમાં ખૂબ લોકપ્રિય ટીવી સીરીયલ અમેરિકન ‘સિસમ સ્ટ્રીટ’ની અફઘાની આવૃત્તિ)માં બે નવા કઠપૂતળી પાત્ર રજૂ થયા છે. એક છે નાનો છોકરો ઝિરાક. દરી અને પાસ્તો ભાષામાં એનો અર્થ થાય સ્માર્ટ. બીજી એની મોટી બહેન ઝરી. ઝિરાક ભણવામાં હોંશિયાર ઝરીને માન આપે છે. એની પાસે અવનવું શીખવાની કોશિશ કરે છે. બહેન માટે પ્રેમ ઉજાગર કરવાનો નવો અભિગમ છે આ. ચાલો, કશેક કોશિશ તો થઇ રહી છે.
રક્ષાબંધનનાં દિને બહેન ભાઇનાં ઉત્કર્ષની કામના કરે છે, ભાઇ બહેનને રક્ષાનું વચન આપે છે. બન્નેનો ઉછેર સાથે થયો હોય પણ બહેન પરણીને સાસરે જાય પછી એનો પોતાનો પરિવાર. ભાઇને પોતાનો. રોજ મળવાનું થાય નહીં પણ પ્રેમ અકબંધ રહે. આમ એકબીજાનાં નિજી જીવનમાં દખલન્દાજી નહીં પણ જરૂરિયાત ટાણે પડખે અચૂક ઊભા રહેવું.
પ્રેરણાત્મક વિચારોની લેખિકા કેથરિન પલ્સિફર કહે છે કે અમે મોટા થયા ત્યારે મારા ભાઇઓ એ રીતે વર્તતા કે જાણે એમને કોઇ પડી નથી પણ મને હંમેશા ખાત્રી હતી કે એ મારું ધ્યાન રાખતા હતા અને તેઓ (મારા માટે) હતા.
— પરેશ વ્યાસ
ફેસબુક પરથી સાભાર

રક્ષાબંધન પ્રસંગોચિત મારી ત્રણ હાઈકુ રચનાઓ
બેનડી બાંધે
રાખી,ભાઈ બંધાય,
પ્રેમ દોરથી
=====
રક્ષા બંધન
ભાઈ બેન પ્રેમથી
ઉજવે પર્વ
====
રાખડીમાં છે
ભાઈનું અમરત્વ
બેનની આશ
વિનોદ પટેલ
રક્ષાબંધન પર્વ પ્રસંગે સૌને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ
વાચકોના પ્રતિભાવ