Daily Archives: ઓગસ્ટ 23, 2017
ગુજરાત મિત્ર,સુરત અખબારના તારીખ ૧૬મી ઓગસ્ટ ૨૦૧૭ ના અંકમાં ” ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કોલમમાં પ્રસિદ્ધ શ્રી હરનીશ જાનીનો લેખ,સાભાર પ્રસ્તુત છે .
ઈમિગ્રેશન અને અમેરિકા..હરનીશ જાની
‘ટ્રમ્પસાહેબ ઈમીગ્રેશન ઓછું કરવાના મુડમાં કેમ છે?’
ટ્રમ્પ સાહેબ જે વાત ઈલેક્શન પહેલાં કરતા હતા .તે વાત હવે અમલમાં મુકવાના છે. વાત છે ઈમિગ્રેશન ઓછું કરવાની. અમેરિકનો ખુશ છે. તેમના જોબ તેમનાથી વધુ હોશિયાર ઈમિગ્રન્ટસ્ લઈ લેતા હતા. તે હવે તેમના માટે રહેશે. હાલ દર વરસે દસ લાખ ઈમિગ્રંટસ્ આખી દુનિયામાંથી અમેરિકા આવે છે. હવે પછીના દસ વરસમાં ધીમે ધીમે તે સંખ્યા ઘટીને પાંચ લાખ થશે. અને આ પાંચ લાખમાં ભણેલા અને કોઈ હુન્નર જાણકાર લોકોને જ લેવામાં આવશે. અભણ અને સિનીયોરોને નહીં, જે ગવર્મેંટના વેલફેર ચેક ,કોઈ પણ જાતનુ કામ કર્યા સિવાય, લેતા થઈ જાય છે.
૧૯૬૫ પછી ઈમિગ્રેશનની નીતિ હતી. તેમાં ભણેલા કે અભણ ઈમિગ્રંટસ્ કાયદાઓ પ્રમાણે આવતા હતા. આમાં ભારતીયોએ ચિંતા કરવા જેવું નથી. જો તમારા લોહી– સંબંધવાળા સગા અમેરિકામાં રહેતા હોય તેને માટે કોઈ બંધી નથી. એટલે કે ભારતીય મૂળના અમેરિકન સિટીઝન પોતાના મા બાપ, બાળકો અને ભાઈ બ્હેનને સ્પોન્સર કરીને ગ્રિન કાર્ડ અપાવી શકે છે. તે ચાલુ રહેશે. પણ નવા ઈમિગ્રંટસ્ ને બરાબર ચકાસીને લેવામાં આવશે. મતલબ કે અમેરિકાને મજૂરોની જરૂર નથી કે નથી જરુર એવા લોકોની કે જે કામ કર્યા સિવાય વેલફેરના ચેક લેવા માંડે. એટલે ભવિષ્યમાં એવું બની શકે કે જે વિદ્યાર્થીઓને ભણવા માટે અમેરિકા આવવું હોય તેને માટે દરવાજા ખુલી ગયા છે. કારણ કે ભારતનો કોટા ઓછો થઈ ગયો પણ અભણ અને સિનીયરોને લેવામાં નહીં આવે તો એમાં યંગ છોકરા છોકરીઓને તે લાભ મળશે.
ટ્રમ્પસાહેબની વાતમાં વજુદ છે. સેકન્ડ વર્લ્ડ વોર પહેલાં અમેરિકામાં યુરોપના ગોરા લોકો ઈમિગ્રન્ટ તરીકે આવતા હતા. તેમનો રંગ ગોરો હતો. અને ધર્મ અમેરિકનોના જેવો જ હતો. અને તે લોકોને ઈંગ્લિશ નહોતુ આવડતું પણ ધીમે ધીમે તેમણે ભાષા શીખી લીધી. કોઈએ પણ અમેરિકનોને ઈંગ્લિશની સાથે ઈટાલિયન કે ફ્રેંચમાં એરપોર્ટના સાઈન બોર્ડ કે ગવર્મેંટના ફોર્મ બનાવવાની ઝુંબેશ નથી ઉપાડી, અને તે અમેરિકન કલ્ચરમાં ભળી ગયા.આથી અમેરિકાને “મેલ્ટીંગ પોટ” કહેવાય છે. આજે સ્પેનિશ બોલતા મેક્સિકન અને બીજા લેટિન અમેરિકાના દેશોએ અમેરિકામાં ફરજિયાત સ્પેનિશ ઘુસાડ્યું છે. સ્કુલોમાં બધા વિષય સ્પનિશમાં શિખવાઠવાની માંગણી છે. એટલું ઓછું હોય તેમ એડિસન ન્યૂ જર્સીની સ્કુલોમાં ગુજરાતી શિખવાડોની ઝુંબેશ ચાલુ થઈ છે. પછી બંગાળી અને તામિલની વાતો થશે, પછી અમેરિકનોને ઈમિગ્રંટસ્ ગમે ખરા? આપણું કલ્ચર ? જ્યાં ત્યાં પાન ખાઈને થુંકવાનું અને મોટે મોટેથી વાતો કરી ઘોંઘાટ કરવાનું.
૧૯૮૬માં એડિસનના ઓક ટ્રી રોડ પર તુટી ગયેલા મકાનો સાથે ભેંકાર સ્લમ એરિયા હતો. ઈમિગ્રંટસ્ નો આભાર કે આજે ત્યાં સેંકડો સ્ટોર્સનું બજાર થઈ ગયું છે. ઈમિગ્રંટસ્ જોબ લાવ્યા અને ઈકોનોમીને બચાવી. જ્યારે અભણ મેક્સિકનો અને બીજી પ્રજા રેસ્ટોરાં અને હોસ્પિટલોમાં મજુરીના કામ કરવા લાગી. શરુઆતમાં અમેરિકન લોકોને ગ્રિનકાર્ડની ખબર જ નહોતી. તમારી પાસે સોશિયલ સિક્યુરીટી નંબર હોય તો નોકરી મળી જતી. અને સોશિયલ સિક્યુરીટીની આફિસમાં જાવ તો ત્યાં તે નંબર મળી જતો. ૭૦ના દાયકાના પાછળના ભાગમાં અમેરિકન લોકો ગ્રિનકાર્ડ ચેક કરતા થયા. અને સોશિયલ સિક્યુરીટીવાળા પણ વિઝા ચેક કરતા થયા.
૧૯૬૫ના કાયદાથી દુનિયા આખીના લોકો અમેરિકા આવતા ગયા છે. જો ભારતીય ઈમિગ્રંટસ્ ની વાત કરું તો શરુઆતના વરસોમાં સ્ટુડન્ટસ્ આવતા હતા. તેમને માન મળતું હતું. ૧૯૬૯ના વરસે વિલીયમ્સબર્ગ ,વર્જિનીયાની કોલેજમાં હતો ત્યારે થેન્કસ્ ગિવીંગને દિવસે મને અને બીજા સ્ટુડન્ટ ગાંધીને ડિનરના બે બે ત્રણ ત્રણ આમંત્રણ આવ્યા હતા. લોકો ડિનરમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ્ હોય તો સારું. એમ માનતા હતા.લોકો ફોરેન સ્ટુડન્ટને માન આપતા.
આજે ન્યૂ જર્સીની રટગર્સ યુનિ.ને હું પ્રેમથી ગુજરાત યુનિ. કહું છું. ત્યારે સાડી પહેરેલ ભારતીય સ્ત્રીને અને ફેંટાવાળા સરદાજીને જો કોઈ અમેરિકન જોતા તો તેમને રસ્તામાં જ ઉભા રાખી તેમના ફોટા પાડતા. આજે અમેરિકનો સરદારજીઓને ગોળી મારે છે. તેમને ખબર જ નથી કે તાલિબાન કોણ અને સરદારજી કોણ. આજે એક નહીં પણ સેંકડો સાડી પહેરેલ સ્ત્રીઓ શેરી ગરબા ગાય છે. મોડી રાત સુધી અવાજ કરી અને સામાન્ય અમેરિકનને સુવા નથી દેતા. તે તેમને ક્યાંથી ગમે?
ગોરા કે કાળા અમેરિકનોમાં હાલ બેકારી પ્રવર્તે છે. ઈમિગ્રેશનના આ નવા કાયદા મુખ્યત્વે મેક્સિકનોને આવતા અટકાવવા માટે બન્યા છે. મુસ્લીમોને અટકાવવાના બધા પ્રયત્નો સુપ્રિમ કોર્ટની મહેરબાનીથી નિષ્ફળ ગયા છે. હવે વાત મુશ્લીમની કરો તો અમેરિકનો મુશ્લીમ અને ઈન્ડિયન વચ્ચેનો ભેદ ક્યાંથી સમજવાના છે? અને આમ જોઈએ તો જરાય ભેદ નથી. માનવું અઘરું છે પણ એવા મેક્સિકનો છે જે રહે છે મેક્સિકોમાં પણ જોબ કરવા અપડાઉન કરે છે. મતલબ કે છુપી રીતે આવે જાય છે. અમેરિકનો બોર્ડર પર વોલ બાંધે તો મેક્સિકનો ટનલો બાંધશે.
જે ભારતીયો વરસોથી ટેક્ષ ભરીને અહીં જીવે છે . તેઓને પણ, કદી કામ ન કર્યું હોય અને મફતમાં વેલફેરના લાભ લેતા હોય એવા ઈમિગ્રંટસ્ ક્યાંથી ગમે?
છેલ્લી વાત–
મારી બાયપાસ સર્જરી પછી મને રૂમમાં લાવવામાં આવ્યો. ત્યાં મેં જોયું કે ટેબલ પર એક ફૂલદાનીમાં મોટો ગુલદસ્તો મુક્યો હતો. જોઈને આશ્ચર્ય થયું, મેં નર્સને કહ્યું કે, મારા માટે ફુલ? મારા ગુજરાતી મિત્ર તો ન મોકલે. તો નર્સ બોલી , “હોસ્પિટલની બાજુમાં આવેલા ફ્યુનરલ હોમવાળા હ્રદય રોગના દર્દીઓને ગુડ લક માટે મોકલે છે. સાથે એમનું બિઝનેસ કાર્ડ પણ મુક્યું છે.”
-Harnish Jani
E mail- harnishjani5@gmail.com

Photo Guj Sahitya Parishad
વાચકોના પ્રતિભાવ