વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1096 – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૦ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ 

૨૮મી ઓગસ્ટ ૨૦૧૭ એ મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના નામથી નવાજ્યા હતા એ સ્વ.ઝવેરચંદ મેઘાણી ની ૧૨૦ મી જન્મ જયંતી છે.

સ્વ. મેઘાણીનાં જીવન કાર્યો અને એમના સાહીત્ય પ્રદાનને યાદ કરી આજની પોસ્ટમાં એમને હાર્દિક સ્મરણાંજલિ  આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસ્તુત સામગ્રી આપને ગમશે એવી આશા છે…. વિનોદ પટેલ .  

ઝવેરચંદ મેઘાણી

 જન્મની વિગત …૨૮ ઓગસ્ટ ૧૮૯૭ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત

મૃત્યુની વિગત – ૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ)બોટાદ, ભાવનગર, ગુજરાત

મૃત્યુનું કારણ -હ્રદય રોગ

રાષ્ટ્રીયતા -ભારતીય

અભ્યાસ -બી.એ. (સંસ્કૃત)

વ્યવસાય -સાહિત્યકાર (કવિ, લેખક)

ખિતાબ -રાષ્ટ્રીય શાયર

જીવનસાથી -દમયંતીબેન, ચિત્રદેવી

માતા-પિતા -ધોળીબાઈ-કાળીદાસ

વેબસાઇટhttp://jhaverchandmeghani.com/

 

ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમરની વધુ વિગતો વિકિપીડિયા ની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

 

ઝવેરચંદ મેઘાણીની મારી પસંદગીની ત્રણ  કાવ્ય રચનાઓ ..

૧.મન મોર બની થનગાટ કરે …

આ ગીત રવીન્દ્રનાથ ટાગોરના મૂળ કાવ્ય ” Navi Varsha ” નો ઝવેરચંદ મેઘાણી એ `મન મોર બની થનગાટ કરે’ એ નામે ૧૯૪૪ માં કરેલ ભાવાનુવાદ છે.

મન મોર બની થનગાટ કરે … ઝવેરચંદ મેઘાણી

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

– ઝવેરચંદ મેઘાણી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલામાં આ ગીતને જાણીતા ગુજરાતી લોક ગાયક ઓસમાન મીરએ ગાયું હતું. નીચેના વિડીયોમાં ગુજરાતી જલસો-૨૦૧૭ વખતે એમના કંઠમાં આ ગીતને સાંભળો.

Mor Bani Thanghat Kare by Osman Mir | Goliyon Ki Raasleela Ram-Leela | Gujarati Jalso 2017

૨. ઘણ રે બોલે ને એરણ સાંભળે

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો….. જી:
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો…. જી.
એ જી સાંભળે વેદનાની વાત
વેણે રે વેણે હો સત ફૂલડાં ઝરે હો… જી.
બહુ દિન ઘડી રે તલવાર,
ઘડી કાંઈ તોપું ને માનવાર;
પાંચ-સાત શુરાના જયકાર
કાજ ખુબ ખેલાણા સંહાર:
હો એરણ બની ! -ઘણ રે બોલે ને
પોકારે પૃથ્વીનાં કણ કણ કારમાં હો… જી.
પોકારે પાણીડાં પરવારનાં હો… જી.
જળ-થળ પોકારે થરથરી
કબરૃની જગ્યા રહી નવ જરી ;
ભીંસોભીંસ ખાંભીયું ખુબ ભરી
હાય, તોય તોપું રહી નવ ચરી :
હો એરણ બેની! – ઘણ રે બોલે ને
ભઠ્ઠીયું જલે રે બળતા પ્હોરની હો… જી.
ધમણ્યું ધખે રે ધખતા પ્હોરની હો… જી.
ખન ખન અંગારે ઓરાના ઓરણા,
કસબી ને કારીઘર ભરખાણા;
ક્રોડ નર જીવંતા બફાણા –
તોય પૂરા રોટા નવ શેકાણા
હો એરણ બની ! -ઘણ રે બોલે ને

મેઘાણીના આ  ગીતનો શ્રી મધુસુદન કાપડીયાએ કરેલ સુંદર રસાસ્વાદ નીચેના વિડીયોમાં..

 

૩.હાય રે હાય કવિ !

આ કાવ્યમાં જે પરિસ્થિતિ સ્વ.મેઘાણીએ રજુ કરી છે એ આજે પણ એટલી જ નજરે જોવા મળે છે. એવી પરિસ્થિતિમાં એક કવિને કાવ્ય રચવાનું  કેમ  ગમે એવો એમનો પ્રશ્ન વણ ઉકલ્યો જ રહ્યો છે! 

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરવી,
લાખો નાર ગલીગલીએ ફરતી,
સારી રાત ભૂખે મજૂરી કરતી:
‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દજો –
ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાનાં કેરા જો સળિયા –
એનાં ક્રન્દન શું નથી સાંભળિયા?
એની ભીતર મૌન એકાકી રિબાઇ રિબાઇ હજારોના પ્રાણ શમે ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિ:શ્વાસભર્યા જગમાં
સિતમે સળગંત ધરા-તલમાં:
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને,
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્રતણા:
પીએ ઝેરી હવા જે દમેદમમાં,
એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે?
ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણકનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિજનને જડશે:
કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,

તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે ? 

 

ગુજરાત સાહિત્ય અકાદમી- સર્જક અને સર્જન-ના આ વિડીયોમાંથી ઝવેરચંદ મેઘાણી વિષે જાણો

 

વિકીપીડીયાની આ લીંક પર ઝવેરચંદ મેઘાણીની કેટલીક ચૂંટેલી  સાહિત્ય રચનાઓ, નવલકથાઓ  વી.વાંચો અને માણો

શ્રેણી ..ઝવેરચંદ મેઘાણી .. એમનું સાહિત્ય

 

2 responses to “1096 – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૦ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ 

  1. Pingback: 1096- કરિયાવર …. વાર્તા …. ઝવેરચંદ મેઘાણી ..સૌરાષ્ટ્રની રસધાર | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: