વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 31, 2017

1097 – વિનોદ વિહારની છ વર્ષની આનંદ યાત્રા બાદ સાતમા વર્ષમાં પ્રવેશ ..

તારીખ સપ્ટેમ્બર ૧ ,૨૦૧૧ના રોજ મારી ૭૫ વર્ષની ઉંમરે વિનોદ વિહારના નામે એની પ્રથમ પોસ્ટ ‘મારો ગુજરાતી બ્લોગ -વિનોદ વિહાર”માં જણાવેલ ઉદ્દેશ્ય સાથે મેં આ ગુજરાતી બ્લોગની શુભ શરૂઆત કરી હતી.

નદીના વહેણની જેમ સમય તો વહેતો જ રહે છે. જોત જોતામાં છ વર્ષની આનંદમય યાત્રા પૂરી કરીને વિનોદ વિહાર આજે સપ્ટેમ્બર, ૨૦૧૭ની ૧ લી તારીખે  સાતમા વર્ષમાં હોંશ ભેર કદમ માંડી રહ્યું છે.

ગત વર્ષો દરમ્યાન આ બ્લોગના માધ્યમથી મારી સ્વ-રચિત સાહિત્ય રચનાઓ કે પછી મારા વાચન દરમ્યાન અન્યત્ર મને જે ગમ્યું હોય એવું મારી પસંદગીનું અને વાચકોને ગમે એવું પ્રેરણાદાયી અને સત્વશીલ સાહિત્ય પીરસી એમને સંતોષ આપવાનો મારી અલ્પબુદ્ધિ પ્રમાણે શક્ય એટલો મેં પ્રયત્ન કર્યો છે . મારા પ્રયત્નોમાં હું કેટલો સફળ રહ્યો છું એ તો આ બ્લોગના સુજ્ઞ વાચકો એટલે કે આપ સૌ મિત્રો જ કહી શકો.

મારા આ નમ્ર પ્રયત્નને વાચક મિત્રો તરફથી જે પ્રોત્સાહન જનક પ્રતિસાત સાંપડ્યો છે એ  નીચેના આંકડાઓ પરથી ફલિત થશે.

 

વિનોદ વિહાર – ૬  વર્ષને અંતે

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વર્ષ વાર પ્રગતિસુચક આંકડાઓ.


વર્ષ ….                                                                    6              5                       4                 3            

                                                                       2017            2016              2015           2014  

——————————————————————————————————–

1.  માનવંતા મુલાકાતીઓ-

 (ગત વર્ષ  કરતાં ૩૬ ટકાનો વધારો)          393,000       288,484       229,746    173917  

2.   કુલ પોસ્ટની સંખ્યા                         1097           946           776       512                

3. દરેક પોસ્ટને  ફોલો કરતા મિત્રો –

      @ જેમાં બ્લોગર  100 છે.                  @ 336         320          290          251    

4. વાચક મિત્રોએ આજદિન સુધીમાં આપેલ

  કુલ પ્રતિભાવની સંખ્યા                           5502        4,913

========================================================

આ છ વર્ષો દરમ્યાનનો  બ્લોગર તરીકેનો મારો  અનુભવ આનંદદાયક રહ્યો છે . ગયા વરસે ફેસબુક પર “મોતી ચારો “ એ નામે એક સમાંતર સાહિત્ય પ્રવૃત્તિ શરુ કરી હતી એમાં પણ થોડો સમય જાય છે.જો કે મારી હાલની ૮૧ વર્ષની ઉંમરે કેટલાક શારીરિક પ્રશ્નો ઉભા થયા હોવાથી બ્લોગીંગ માટેના પહેલાંના ઉત્સાહમાં થોડી ઓટ તો વર્તાય છે.એમ છતાં મનોબળ હજુ સાબુત છે . 

મેં તો અકેલા ચલા થા ,જાનીબે મંઝિલ મગર

લોગ સાથ આતે ગયે ,ઔર કારવાં બનતા ગયા !

મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો પ્રતિભાવ મારા માટે  બ્લોગમાં લખવા માટે અને પોસ્ટ તૈયાર કરવા માટેની  પ્રેરણા બને છે .

ઉદાહરણ તરીકે વિનોદ વિહારના પાંચમા વર્ષમાં પ્રવેશ પ્રસંગની પોસ્ટમાં હાલ ”દાવડાનું આંગણું ” બ્લોગના સંપાદક સહૃદયી શ્રી પી.કે.દાવડા એ લખેલ નીચેનો પ્રતિભાવ અન્ય મિત્રોના એવા જ પ્રકારના પ્રેમનો પડઘો પાડે છે.

”P.K.Davda ………..   સપ્ટેમ્બર 1, 2015

” નવેમ્બર ૨૦૧૨ થી હું વિનોદ વિહારની નિયમિત મુલાકાત લઉં છું. મારા કેટલાક લેખ અને અન્ય રચનાઓ સમયે સમયે વિનોદ વિહારમાં મુકાતી રહી છે.

આજે જ્યારે ગુજરાતી ભાષાના ૧૨૦૦ થી ૧૫૦૦ બ્લોગ્સનું અસ્તિત્વ છે ત્યારે વિનોદ વિહારને અલગથી તારવી એનું મુલ્યાંકન કરવું મુશ્કેલ છે, તેમ છતાં વિનોદ વિહારની ન નકારી શકાય એવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવાની ઈચ્છા રોકી શકતો નથી.

વિનોદ વિહારમાં સાત્વિકતા છે. ક્યારે પણ કોઈની લાગણી દુભાય એવી કોઈપણ વાત એમાં જોવા મળી નથી. સાદા શબ્દોમાં વિનોદ વિહાર એક ખાનદાન બ્લોગ છે. એમાં મુકાયલા વિનોદી લેખોમાં પણ કોઈ હલકી વાતો નથી.

વિનોદ વિહારમાં સાતત્ય છે. આજે અનેક બ્લોગ દિવસો કે મહિનાઓ સુધી અપડેટ થતા નથી, ત્યારે વિનોદ વિહારની ગતીશીલતા નજરે ચડ્યા વગર રહેતી નથી. રોજ નહિં તો અઠવાડિયામાં ત્રણ ચાર વાર એમાં નવી વાનગી ઉમેરવામાં આવે છે.

વિનોદ વિહારમાં સન્માન છે. જે વ્યક્તિઓ વિનોદ વિહારમાં પોતાની રચનાઓ મોકલે છે, એમનો પરિચય શ્રી વિનોદભાઈ ખૂબ જ સન્માનપૂર્વક કરાવે છે.

વિનોદ વિહારમા ઉત્સાહ છે. બ્લોગ ચલાવવામાં રહેલો વિનોદભાઈના ઉત્સાહથી વાંચકો અજાણ નથી. વિના સંકોચે, વિનોદભાઈ અનેક નવા નવા પ્રયોગો કરે છે, અને વિનોદ વિહારને એનો લાભ મળે છે. પોતે ટેકનિકલ વ્યવસાયના માણસ નથી, છતાં કોમપ્યુટર પાસેથી તેઓ જે કામ લે છે એ આશ્ચર્યજનક છે. વિનોદભાઈ આનો યશ તેમના શિક્ષક શ્રી સુરેશ જાનીને આપે છે.

વિનોદ વિહાર Organised છે. વિનોદ વિહારની અનુક્રમણિકાની મદદથી ગમે એટલો જૂનો લેખ પણ સહેલાઈથી શોધી શકાય છે. અનુક્રમણિકા સિવાય Tag થી પણ જરૂરી લેખ તરત મળી જાય છે.

આ બધું એટલા માટે શક્ય છે, કારણ કે વિનોદભાઈ એ વિનોદભાઈ છે.”

એમનું હૃદય ઠાલવીને પ્રતિભાવ આપવા માટે હું શ્રી દાવડાજીનો અને અન્ય મિત્રોનો આભારી છું.

માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહેતી હોય છે.બ્લોગની પ્રવૃત્તિ આંતરિક આનંદ સાથે સદ સાહિત્ય વહેંચવા માટેનું ઉત્તમ સાધન બન્યું છે .

એની મારફતે દુર  સુદૂર રહેતા અનેક મિત્રો અને સ્નેહીઓના સંપર્કમાં રહી શકાય છે એનો આનંદ અનેરો હોય છે . અનેક સહૃદયી મિત્રો સાથેનો ઈ-મેલ સંપર્ક તેમ જ એમના બ્લોગોની મુલાકાતો અને વિચાર વિનિમય તેમ જ નેટમાં પરિભ્રમણ કરવાથી જ્ઞાનની વધુ દિશાઓ ખુલતી જાય છે .બ્લોગીંગમાં જ્યારે ધ્યાન પરોવાય છે ત્યારે એ એક મેડીટેશન બની જાય છે .

વિશ્વના ફલક પર વિનોદ વિહાર

વર્ડ પ્રેસ ના આંકડા પ્રમાણે આજ સુધીમાં વિનોદ વિહારના કુલ મૂલાકાતીઓ  393,000 છે એ મુખ્યત્વે 143 નાના મોટા દેશોમાં પથરાયેલા છે.૧૦૦ કરતાં વધુ મુલાકાતીઓ નીચેના દેશોમાં આ પ્રમાણે છે.

———————————————————————————————       VIEWS                            COUNTRY           

  • 258,960                       India

  • 104,946                       United States

  • 5,538                           United Kingdom

  • 4,734                           Canada

  • 1,007                           Australia

  • 931                               United Arab Emirates

  • 659                              Pakistan

  • 466                             Hong Kong SAR China

  • 382                             Oman

  • 244                             Saudi Arabia

  • 227                             Japan

  • 186                            Singapore

  • 147                             Kenya

  • 145                            Germany

  • 139                            New Zealand

  • 138                            Qatar

  • 134                            European Union

  • 130                            Kuwait

  • 100                            Malaysia

  • ===============================================

વિશ્વભરમાં ફેલાયેલા અપરિચિત ગુજરાતી મિત્રો સાથે  બ્લોગના માધ્યમથી માતૃભાષામાં વિચાર વિનિમય થઇ શકે છે એ કેટલુ આશ્ચર્ય કહેવાય.! ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ છે કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ કોમ્પ્યુટર પર એક ક્લિક કરીએ એની થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે !યાદ આવી જાય છે કવિ રમેશ પારેખની આ પંક્તિઓ …

” આમ તો છું એક પરપોટો સમયના હાથમાં

  તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં ”

આભાર દર્શન 

આ બ્લોગની છ વર્ષની યાદગાર સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથ અને સહકાર આપનાર સૌ મિત્રો અને સ્નેહીજનોનો હું હૃદયથી આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ આપનો એથી પણ વધુ  સુંદર સહકાર મળતો રહેશે જ.

વિનોદ પટેલ , સંપાદક , વિનોદ વિહાર

તારીખ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૭