વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1101 – ગફુરચાચા   ( એક રેખાચિત્ર ) … નવીન બેન્કર

૭૫ વર્ષ વટાવી ગયેલ હ્યુસ્ટન નિવાસી  મારા સહૃદયી મિત્ર શ્રી નવીન બેન્કરએ એમના પડોશી મુસ્લિમ બિરાદર  ગફુર ચાચા નું સુંદર શબ્દ ચિત્ર એમના ઈ-મેલમાં  વાંચવા માટે  લખી મોકલ્યું છે . મને એ ગમ્યું  એટલે નવીનભાઈના આભાર  સાથે આજની પોસ્ટમાં વાચક મિત્રો સાથે શેર કરું છું.

આ લેખ વાંચતાં અબ્દુલ ચાચાનું એક કાલ્પનિક ચિત્ર મારા મનમાં ઉભું થયું એને મેં પેન સ્કેચ મારફતે રજુ  કરવાનો પ્રયાસ કયો છે.  વિ .પ. 

ગફુર ચાચા   ( એક રેખાચિત્ર ) .. શ્રી નવીન બેન્કર 

 

 

Navin Banker

ગફુરચાચા મારા સાખ પાડોશી છે.અમે મુસ્લીમ બહુમતિવાળા કોન્ડોમિનિયમમાં રહીએ છીએ.ઉપરના માળે બે મુસ્લીમ ફેમિલી અને બાજુમાં એક મુસ્લીમ ફેમિલી, ઉપરાંત ચોથા જોડકામાં અમે એટલે કે હું અને મારી પત્ની. અમારી અને ગફુરચાચાની વચ્ચે એક કોમન દિવાલ છે.એક સાઈડની દિવાલ પર, બાથરૂમ, ક્લોઝેટ અને સ્ટડીરૂમ પર કોમન પાર્ટીશન છે. એટલે હું એને સાખ પાડોશી કહું છું. 

આ ગફુરચાચાના પત્નીનું નામ સકીનાચાચી. એમની પરિણીત દીકરીનું નામ ફરાહખાન અને હેન્ડસમ જમાઇનું નામ અબ્દુલ મજીદ.પણ એ પોતાને સલમાનખાન તરીકે ઓળખાવે છે. એની પત્ની અને ઘરના સભ્યો પણ એને સલમાન તરીકે જ સંબોધન કરે છે. આમ તો મને ય એનું સાચું નામ ખબર જ ના પડત, પણ એક વખત મેઇલમેન ( ટપાલી) ભુલથી એની ટપાલ મારા મેઇલ બોક્સમાં નાંખી ગયો અને એમાં ટેક્સાસ ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લીક સેફ્ટીની અંગત નોટીસ હતી એના પરથી મને ખબર પડી ગઈ.

ફરાહ અને સલમાન યુવાન છે અને તેમને બે વ્હાલાં લાગે એવાં નાનકડાં સંતાનો છે.અમને ફરાહ અને સલમાન ઘણીવાર મદદરૂપ થાય છે. પલંગ કે કબાટ ખસેડવું હોય કે પાર્કીંગ લોટમાંથી તેલનો ડબ્બો અને ચોખાની ગુણ ઘરમાં લાવવી હોય ત્યારે સલમાન જ કામ લાગે. એ લોકો પોતાને અસલી મુસ્લીમ ગણાવે છે. ‘અમે આગાખાની નથી. અમે તો હૈદ્રાબાદના ‘સૈયદ’ છીએ’.મારી પત્ની પણ પોતાને અસલી વૈષ્ણવ-મરજાદી- ગણાવે છે તેમ. પાડોશી તરીકે લાગણીના સંબંધ ખરા પણ રોટી-વહેવાર નહીં. ફરાહ કોમ્યુટર પ્રોગ્રામર છે અને સલમાન એન્જિનિયર છે. બન્ને જોબ કરે છે. ગફુરચાચા અને સકીના ચાચી ઘરમાં જ રહે. બન્ને કાર ચલાવતાં નથી અને અંગ્રેજી પણ નથી શીખ્યાં- મારી પત્નીની જેમ જ.

આટલી પુર્વભૂમિકા પછી આપણે મૂળ વાત પર આવીએ. 

ગફુરચાચાને પહેલાં તો હું સલમાનનો બાપ સમજતો હતો, પછી ખબર પડી કે એ સલમાનનો સસરો છે અને એ ફરાહનો બાપ છે. દીકરી, માબાપને રાખે છે અને ગફુર ચાચાના ત્રણે દીકરા જુદા જુદા શહેરોમાં નોકરી કરે છે અને પોતાની પત્નીઓ સાથે અલગ રહે છે.

અમેરિકામાં ઘરડા માબાપ સીટીઝન ન થયાં હોય ત્યાં સુધી એમને મેડીકલ, ફુડ કૂપન, સોશ્યલ સીક્યોરિટીના લાભો મળે નહીં એટલે દીકરાઓને, માબાપનો ‘ભાર’ ઉઠાવવો પાલવે નહીં. અમદાવાદમાં પણ હું ઘણાં અપંગ ઘરડાં માબાપને ઓળખું છું કે જેમના દીકરા અને દીકરીઓ અમેરિકામાં ખાધે પીધે સુખી હોવા છતાં અપંગ માબાપને બોલાવતાં નથી કારણ કે એ લોકો આવે એના પહેલા ત્રણ કે પાંચ વર્ષનો ભાર તો સંતાનોએ જ ઉપાડવો પડે ને ! 

ગફુર ચાચાને હું જતાં આવતાં જોતો. ક્યારેક પાર્કીંગ લોટમાં કારને અઢેલીને સિગરેટ ફુંકતા હોય તો ક્યારેક જમાઈની કારમાં મોહમ્મદ રફીના ગીતો સાંભળતા હોય. ક્યારેક મેઇલ બોક્સ પાસેની ફુટપાથ પર, ગાર્બેજ કેન નજીક પલાંઠી વાળીને બેઠા હોય અને સિગરેટ ફુંકતા હોય. છ ફુટ બે ઇંચની ઉંચાઇ, સફેદ લાંબી દાઢી, ભરાવદાર સફેદ વાળ, અને મુસ્લીમ ડ્રેસમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ ચાચાને જોઇને,  મારી મરજાદી પત્નીને બીક લાગે. એમને એમાં કોઇ આતંકવાદી દેખાય. અમે ૧૯૭૯ની સાલમાં, પહેલીવાર ન્યુયોર્ક આવેલા ત્યારે પણ એને ‘કાળિયાઓને’ જોઇને ડર લાગતો. ટીવી પર બધા શો માં ગુનેગારો મોટેભાગે કાળિયા જ હોય એટલે એના મનમાં એવી વાત ઠસી ગયેલી. 

ગફુરચાચા સવારમાં ઉઠીને, બહાર પરસાળમાં આરામ ખુરશી પર ટેલીફોન લઈને જમાવી દે અને એમના જેવા નવરા ડોસાઓ સાથે લાંબી વાતો કરે-મોટેમોટેથી.  આ પરસાળ શબ્દ ઘણાંને નહીં સમજાય. અમારા કોન્ડોમિનિયમમાં અમારૂં ઘર, નીચેના ફ્લોર પર છે એટલે અમને પ્રવેશદ્વાર પાસે  લોબી મળે. આ લોબી એટલે જ પરસાળ. મારી પરસાળમાં મારી પત્ની મારા જુના મેગેઝીનો, પુસ્તકો, જુતાં , તુલસીનો છોડ, લીમડો ને એવું બધું મુકે છે. એટલે મારે માટે આરામ ખુરસી મુકવાની જગ્યા નથી.પણ મારા દિવાન ખંડમાં સોફામાં બેઠાં બેઠાં, મને ગફુરચાચાની બુલંદ અવાજે થતી વાતો સંભળાય. અસ્સલ હૈદ્રાબાદી ઉર્દુ લઢણમાં બોલાતી વાતો મીઠી લાગે. કોમેડીયન મહેમુદની ઘણી ફિલ્મોમાં એ ભાષા સાંભળવા મળતી હતી-ખાસ કરીને ‘કુંવારાબાપ’ ફિલ્મમાં.હ્યુસ્ટનના હૈદ્રાબાદી મુસ્લીમ ડોક્ટરો પણ એ ભાષા બોલતા હોય છે. ( નામ નથી લખતો). હેરીસ કાઉન્ટીમાં ટેલીફોન માટે ‘વોનેજ’ ની સગવડ હોવાથી ચાચાની વાતો કલાક-દોઢ કલાક લાંબી ચાલે. એમની ઉંમરમાં પ્રાઇવસીની તો જરૂર હોય જ નહીંને ! હું  વિશિષ્ટ લોકોની બોલીની મીમીક્રી સરસ કરી શકું છું એટલે મને આ વાતો ન્યુસન્સ નહોતી લાગતી. ગફુરચાચાને કારણે મને જીવંત પાડોશનો અહેસાસ થતો. 

આટલા સારા સંબંધો હોવા છતાં, મેં ક્યારેય એમના ઘરમાં પ્રવેશ નહોતો કર્યો- મારી પુષ્ટી માર્ગીય મરજાદી પત્નીની બીકે. 

બે ત્રણ દિવસથી ચાચાનો અવાજ નહોતો સંભળાયો એટલે મને થયું કે ચાચા બિમાર તો નહીં પડ્યા હોય ને ! હોસ્પિટલાઇઝ તો નહીં થયા હોય ને ! 

મેં , એમના જમાઇ સલમાનખાનને ફોન કર્યો તો જાણવા મળ્યું કે ગફુરચાચા તો હૈદ્રાબાદ ગયા છે અને છ માસ પછી આવશે. સકિનાચાચી નથી ગયાં . ૭૩ વર્ષના ચાચા ૬૫ વર્ષની પત્નીને મુકીને આટલા લાંબા સમય માટે ઇન્ડીયા કેમ ગયા ? તો..એમની સકિના ચાચીએ જવાબ આપ્યો કે દીકરીના બે તોફાની બારકસોને સાચવવા માટે એમને અહીં રહેવું પડ્યું.

મેં સકિના ચાચીને કહ્યું-‘ મારે મારી મરજાદી પત્ની સાથે ગમે તેટલા  મતભેદો હોય પણ હું એને આ ઉમ્મરે એકલી તો ઇન્ડિયા ન જ જવા દઉં. કોણ જાણે ક્યારે આ જિન્દગીની શામ કયા ખુણામાં ઢળી પડે !’ 

આ ચાચાની એક આડવાત કરી દઉં. મને ઝડપથી ચાલીને પાર્કીંગ લોટમાં કાર ચલાવતાં કે મોટેથી મોહમદ રફી સાહેબનાં દર્દીલાં ગીતો ની ટેપ સાંભળતાં કે  સીસોટીમાં એ ગીતોને વગાડતા સાંભળીને ગફુરચાચાએ મને એકવાર કહેલું કે- ”તમે તો નવીનભાઇ હજી જુવાન છો એટલે આ સીસોટી વગાડી શકો છો અને કાર ચલાવતા હોવાને કારણે તમારે ઘરમાં યે પુરાઇ રહેવું નથી પડતું એટલા નસીબદાર છો.’ ત્યારે મેં એમને કહેલું- ‘ચાચા મને તો  ૭૭ વર્ષ થયાં . હું જુવાન ક્યાં છું  ?’ ગફુરચાચાએ કહ્યું હતું- ‘તો તો તમે મારાથી ચાર વર્ષ  મોટા છો અને તમે મને ચાચા કહો છો? હવેથી માત્ર ગફુર જ કહેવાનું. ” પણ હું એમને ક્યારેય ગફુર ન કહી શક્યો. 

હવે મને એમની ટેલીફોન પરની, બુલંદ અવાજે થતી વાતોનો અવાજ સંભળાતો નથી. અને ખાલી ખાલી પાડોશનો અહેસાસ થયા કરે છે. 

સલામ આલેકુમ, ગફુરચાચા ! 

નવીન બેન્કર  ( લખ્યા તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૧૭ ) 

પ્રતિભાવો આવકાર્ય છે. (પણ જરૂરી નથી). 

With Love & Regards, 

NAVIN  BANKER

6606 DeMoss Dr. # 1003, 

Houston, Tx 77074 

713-818-4239   ( Cell)

My Blog

navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

4 responses to “1101 – ગફુરચાચા   ( એક રેખાચિત્ર ) … નવીન બેન્કર

  1. Navin Jaypal ઓક્ટોબર 12, 2017 પર 1:18 એ એમ (AM)

    પ્રેરણાદાયી લેખ છે લેખક શ્રી ને ધન્યવાદ

    Like

  2. Pingback: નવીન બેન્કર, Navin Banker | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.