વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1103 – ” માઈક્રો ફિકશન એટલે વાર્તાનું હાઈકુ ! ”  ……. શ્રી ભવેન કચ્છી

ગુજરાત સમાચારના  ”શતદલ-વિવિધા” વિભાગમાં શ્રી ભવેન કચ્છીનો ‘માઇક્રો ફિકશન’ વાર્તા શું છે એ સમજાવતો લેખ અને એમાં મુકેલી ૧૫ નમુના રૂપ માઈક્રો.વાર્તાઓ વાંચી જે મને ગમી ગઈ.

ગુજરાત સમાચાર અને શ્રી ભવેન કચ્છીના આભાર સાથે આજની આ પોસ્ટમાં એને પ્રસ્તુત કરેલ છે.

વિનોદ વિહારના વાચકોને પણ શ્રી ભવેન કચ્છીનો આ લેખ અને ૧૫ માઈક્રોફીક્ષન વાર્તાઓ જરૂર ગમશે .

વિનોદ પટેલ

માઈક્રો ફિકશન એટલે વાર્તાનું હાઈકું !  

જમાનો જામી રહ્યો છે ‘માઇક્રો ફિકશન’નો…. શ્રી ભવેન કચ્છી

વિવિધા – શતદલ …ગુજરાત સમાચાર  …ભવેન કચ્છી

વાર્તા છ શબ્દોની, ૩૦૦ શબ્દોની ૭૫૦ શબ્દોની !

લાંબુ વાંચવાનું બંધ થતું જશે…. જમાનો જામી રહ્યો છે ‘માઇક્રો ફિકશન’નો.

લિંકને તેના મિત્રને લખેલા લાંબા લચક પત્રના પ્રારંભે નોંધ મૂકી હતી કે ‘સોરી દોસ્ત, આજે મારી પાસે સમય નહીં હોઇ આ લાંબો પત્ર લખું છું !’

‘વૉટ્સ એપ’ પર માઇક્રો ફિકશન તરીકે આઠ-દસ લાઇનની વાર્તા ફરતી હોય છે.

આ લેખમાં આપેલી આવી પંદરેક વાર્તા મનભાવન, મર્મભેદી અને મેસેજના મિશ્રણથી મોજ કરાવી દે છે. તમને પણ આ માઇક્રો સર્જન વાંચીને એમ થશે કે ‘ઓહ… આ તો હું પણ કરી શકું’. યસ, અમારે તમને એટલું જ કહેવાનું કે સર્જક માટેની તમારા મનમાં જે છબી છે તે ‘મીથ’ને બદલાતા જમાનામાં તોડી નાંખો. તમારે કયાં કોઇ મોટા પ્લોટ ઘડવા છે. નાનકડા કથાબીજમાં પ્લોટમાં થોડા પાત્રો, સ્થળોના વર્ણન અને આરોહ અવરોહ ઉમેરો એટલે ટૂંકી વાર્તા, નવલિકાથી માંડી નવલકથા સુધી પહોંચી શકશો.

‘માઇક્રો ફિકશન’ ‘માઇક્રો સ્ટોરી પર કમ સે કમ ટૂંકી વાર્તાની સાઇઝનો આ લેખ વાંચતા પહેલા નમૂનાની આ ૧૫ વાર્તાઓ વાંચી જાવ.

૦૧.
સંધ્યા કાળનો સમય હતો. ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જિદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે કહ્યું, ‘જય શ્રી કૃષ્ણ’. થોડે આગળ જતાં મંદિર આવ્યું, મનોમન બોલ્યો, ‘અલ્લા અકબર.’

૦૨.
આજે ૧૫ વર્ષે બંને એકબીજાની સામે આવ્યા. કંઇ કેટલીયે યાદો સજીવન થઈ ગઈ. હજુ કશું બોલવા જાય ત્યાં તો બંને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૃ કરી દીધું.

૦૩
૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહીં ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૃમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહીં તેમ મન મૂકીને રડયા.

૦૪
ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમાં જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા.

૦૫
સરકારી દવાખાનાના જનરલ વોર્ડમાં પડેલી ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશિકા પાસે રૃ. ૧૦૦૦નું કવર મુકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. ઘેર આવતા જ માએ પૂછયું, ‘પૂજારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકૂટની ભેટ મુકી આવ્યો ?’ એણે હસીને કહ્યું, ‘હા મમ્મી.’

૦૬
ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથી પરમે ભારતનો ધ્વજ શોધી નાંખ્યો. નાનકડા દિકરાએ કહ્યું, ‘જો આપણા દેશનો ધ્વજ છે. આમ સલામી આપવાની.’ ત્યાં જ મોબાઈલ રણક્યો, સામે છેડેથી પરમના પિતા બોલ્યા, ‘દિકરા, ટેન્ડર આપણને મળી ગયું. ૪ કરોડ જરા નેતાજીના સ્વિસ ખાતામાં ટ્રાન્સફર કરી દેજે કાલ સુધીમાં.’

૦૭
હ્યુમન રાઇટ્સ કમિશનના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, ‘આટલા ઓછા પગારમાં આટલું બધુ કામ કરાવો છો’ એમ કહીને આપણા નોકરે કામ છોડી દીધું છે !.’

૦૮
નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એક યુવાને પાણીમાં ઝંપલાવ્યું અને જીવનના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ આભાર માન્યો. યુવાને હસીને પેલા પાટીયા સામે જોયું જેમાં લખ્યું હતું, ‘ગંદા કચરાથી ગંગાજીને બચાવો.’

૦૯
એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પુરા રૃ. ૩૫૦ તેના પરિવારજનોને મળ્યા.

૧૦
બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્ટર મોટેથી બોલ્યા ‘છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઈએ.’

૧૧
નેતાજી નિવાસની સામેની ફૂટપાથ પર વર્ષોથી પીપરમેન્ટની ગોળીઓ અને ધાણાની દાળના નાના પાઉચ વેચતા ખિમજીને પોલીસે ધોલધપાટ મારીને કાયમ માટે દૂર કર્યો.
ખીમજીએ કરગરતા કહ્યું, ‘પણ વર્ષો પછી અચાનક આમ કેમ ?’
પોલીસે વધુ એક લાફો ફટકારતા કહ્યું, ‘સીકિયોરીટી રીઝન’.
અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી લીધી. તેના ગજવામાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં ધુ્રજતા અક્ષરે લખ્યું હતું, ‘સિકયોરીટી રીઝન.’

૧૨

ઝૂંપડામાં લટકતા ગણપતિજીના કેલેન્ડર સામે આંગળી ચિંધીને નાનકડો મનુ બોલ્યો, ‘આ ફોટો કેમ લટકાવવાનો ?’ કામ પર જતી માએ કહ્યું,
‘બેટા, એ ખાલી ફોટા નથી, ભગવાનના ફોટામાં જે હોય એ બધું સાચુ હોય.’
માની વાત સાચી માનીને ગઇકાલનો ભૂખ્યો મનુ કેલેન્ડર પાસે પહોંચ્યો. એક ખાલી ડબ્બા ઉપર ચઢીને ભગવાનના ફોટામાં દોરેલા લાડુના થાળને ચાટવા લાગ્યો.

૧૩
પાઉભાજીનીલારી પર નાસ્તા માટે ગયેલા પરિવારના વડીલે તેના દિકરાને કહ્યું કે બેટા, ભણીશ નહીં તો નોકરી નહીં મળે, અહીં પ્લેટો સાફ કરવી પડશે.
આ સાંભળી પાઉભાજીની લારીમાં ઓર્ડર લઇને પ્લેટ પીરસતો યુવાન બોલી ઉઠયો, ‘સાહેબ, ભણ્યો તો હું પણ છું, પણ આ ફિક્સ પગારમાં પૂરું નહીં થતું એટલે રાત્રે આ કામ કરવું પડે છે.’

૧૪
સ્વ. તારક મહેતા ૮૦ વર્ષ વટાવેલી ઉંમરે મળ્યા. મેં તેમને કહ્યું, ‘હું તમને નાનો હતો ત્યારથી વાંચું છું.’ તેમણે મારા ખભા પર સ્નેહસભર હાથ મૂકીને કહ્યું કે ‘હું તમને મોટો થયો ત્યારથી વાંચું છું.’

૧૫
ચાર જુદા જુદા ધર્મના ગાઢ મિત્રો પૈકી એક મિત્રના યુવાન પુત્રને અસાધ્ય બીમારી થઈ. ડોકટરે કહ્યું કે, ‘હવે તો દુઆ જ કદાચ આ યુવાનને બચાવી શકે.’
ચારેય મિત્રોએ પોતપોતાના ભગવાનને પ્રાર્થના કરી. ચમત્કાર સર્જાયો હોય તેમ પુત્ર બીમારીમાંથી ઉગરી ગયો.
આ બાજુ ચાર મિત્રો વચ્ચે ‘અમારા ભગવાનને કારણે પુત્ર બચ્યો છે’ તેની દાવા-દલીલો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ચારેય મિત્રો હવે એકબીજા સામે આંખ મીલાવતા નથી.

છે ને વિચારપ્રેરક વાર્તાઓ. તમને થશે કે, ‘હા, એ બધુ તો બરાબર પણ આને થોડી વાર્તા કહેવાય ? આ તો પરંપરાગત ટૂંકી વાર્તાના બે ફકરામાં ૧૫ વાર્તાઓ છે.’ પણ હવે એક ‘જોનરે’ માઇક્રો વાર્તા માઇક્રો ફિકશન છે.

અમેરિકાના ફલોરિડા સ્ટેટનો જેરોમ સ્ટર્ન આધુનિક માઇક્રો ફિકશનનો પ્રણેતા કહી શકાય છે. છેક ૨૦૦૭માં તેણે ભવિષ્ય ભાખેલું કે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો પ્રભાવ નાગરિકો પર એ હદે પડશે કે અમુક અપવાદોને બાદ કરતાં લાંબુ કે દળદાર ઓછુ વંચાશે.

વ્યક્તિની સરેરાશ ગ્રહણ શક્તિ એ હદે શાર્પ બનતી જશે કે પ્રસંગ, વિચાર કે ઘટનાનો વિસ્તાર થતો હશે ત્યાં જ તે પામી જશે. તેની પાસે માહિતી અને મનોરંજનના પ્રિન્ટ, ઓડિયો, વિડિયો, ઓનલાઇન એ હદે વિકલ્પો અને તેની વૈશ્વિક કનેકટિવિટી હશે કે એક જ કન્ટેન્ટ જાણવા બહુ સમય નહીં હોય.

જીવનની બીજી પ્રાધાન્યતા, વ્યસ્તતા પણ હોવાની જ. જેરોમ હાટર્ન પણ રાઇટિંગ પ્રોગ્રામના વર્કશોપ પ્રોજેક્ટ ચલાવતો આદરણીય માર્ગદર્શક છે. તેણે દસ વર્ષ પહેલાં એક શોર્ટ શોર્ટ સ્ટોરીની વૈશ્વિક સ્પર્ધા યોજી હતી. પ્રત્યેક આવી સ્ટોરી ૨૫૦ થી વધુ શબ્દોની ના હોવી જોઈએ. આવી સ્પર્ધાને એ હદે આવકાર મળ્યો કે, દર વર્ષે આ સ્પર્ધા યોજાતી રહે છે. તેમાંથી પસંદગીની ૨૫૦૦ માઇક્રો સ્ટોરીને તે પુસ્તકરૃપે પ્રગટ કરે છે. તેની આવી સ્ટોરી અમેરિકાની એફ એમ રેડિયો ચેનલો અને સ્ટોરી માટેની અલાયદી વેબસાઇટો ખરીદે છે.

આ પુસ્તકની ટચુકડી છતાં અદ્ભૂત વાર્તાઓ વાંચીને જે પ્રતિભાવો મળ્યા તેમાં એક વાચકે લખ્યું કે, ‘હું મેદસ્વી કાયા ધરાવું છું પણ માઇક્રો વાર્તા વાંચીને હું સંમત થયો છું કે વજન ઉતારી શકાય છે અને તે પણ વધુ પ્રભાવ પડે તે રીતે.’

એમી હેમ્પેલ અને સ્ટુઅર્ટ ડાયબેક તો આ સ્પર્ધામાં ભાગ લેતા આજે અંગ્રેજી સાહિત્યમાં માઇક્રો ફિકશનમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. કેમીલ રેન્શો પણ માઇક્રો ફિકશનનો પ્રચાર કરતા વર્કશોપ ચલાવે છે. તે કહે છે કે માઇક્રો ફિકશનથી વિશ્વની સંસ્કૃતિ, સંવેદના, સામાજિકતા, પીડા, અપેક્ષા, વિકૃતિ, પ્રકૃતિ, માનસિકતાને એક જ નજરે પામી શકાય છે.

માત્ર ૨૫૦ કે ૩૦૦ શબ્દોમાં વાર્તા લખો એટલે તે માઇક્રો ફિકશન તરીકે ખપાવી ના શકાય. તેની ભાષા, જૂજ શબ્દોની ચોટ કે કલ્પનામાં વહેવડાવી શકવાની તેની તાકાત, મર્મ, ખૂબ જ ચૂસ્ત હોવા જોઈએ.

આગળ …આખો લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરશો. 

 ગુજરાત સમાચાર ..શત દલ …લેખક…શ્રી ભવેન કચ્છી 

 


અક્ષરનાદ બ્લોગ અને માઇક્રોફિક્શન

ગુજરાતી સાહિત્ય પ્રેમીઓમાં ખુબ જાણીતા શ્રી જીગ્નેશ અધ્વર્યુ સંપાદિત બ્લોગ અક્ષરનાદ ના માધ્યમથી તેઓએ માઇક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રે અભિનવ પ્રયોગો યોજીને જે ખુબ જ અગત્યનું પ્રદાન કર્યું છે એ માટે એમને અભિનંદન ઘટે છે.

અક્ષરનાદ બ્લોગમાં માઈક્રોફિક્શન વાર્તાઓના વિભાગની નીચેની લીંક પર તમોને નવોદિત લેખકોની અગણિત માઈક્રોફિક્શન વાર્તાઓ વાંચવા મળશે.

સાહિત્ય પ્રકાર મુજબ …. માઇક્રોફિક્શન…અક્ષરનાદ 

4 responses to “1103 – ” માઈક્રો ફિકશન એટલે વાર્તાનું હાઈકુ ! ”  ……. શ્રી ભવેન કચ્છી

  1. સુરેશ સપ્ટેમ્બર 11, 2017 પર 4:54 એ એમ (AM)

    સંધ્યા કાળનો સમય હતો. ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જિદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે કહ્યું, ‘જય શ્રી કૃષ્ણ’. થોડે આગળ જતાં મંદિર આવ્યું, મનોમન બોલ્યો, ‘અલ્લા અકબર.’

    વાહ ! આનો વ્યાપ કરવો જ પડશે.

    Like

    • Vinod R. Patel સપ્ટેમ્બર 13, 2017 પર 9:07 એ એમ (AM)

      ભાઈ શ્રી સંજયભાઈ,
      ગુજરાત સમાચારના ”શતદલ-વિવિધા” વિભાગમાં પ્રગટ માઇક્રોફિક્ષન વિશેના લેખના લેખક અંગે સ્પષ્ટતા કરવા માટે અને માઈક્રોફિક્શન વાર્તા માટેની લીંક આપવા માટે આપનો આભાર .વાચક મિત્રો એ લીંક પર ક્લિક કરીને ઘણી માઈક્રોફિક્શન વાર્તાઓ માણી શકશે..

      Like

  2. Sanjay Gundlavkar સપ્ટેમ્બર 13, 2017 પર 3:05 એ એમ (AM)

    ગુજરાત સમાચારના ”શતદલ-વિવિધા” વિભાગમાં શ્રી ભવેન કચ્છીનો ‘માઇક્રો ફિકશન’ વાર્તા શું છે એ સમજાવતો લેખ અને એમાં મુકેલી ૧ થી ૧૨ નમુના રૂપ માઈક્રોફિક્શન વાર્તાના લેખક છે. ડૉ. હાર્દિક યાજ્ઞિક.

    વધુ માઈક્રોફિક્શન વાર્તા માટે ક્લીક કરો. http://www.microsarjan.in

    Like

  3. Navin Jaypal ઓક્ટોબર 12, 2017 પર 1:03 એ એમ (AM)

    બહુજ સુંદર વાતો છે ..ધન્યવાદ

    Like

Leave a reply to Navin Jaypal જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.