દરેક બાળકની જેમ શ્રીકાન્તના જીવનની શરૂઆત પણ આ અવાજથી થઈ. તેની મા પ્રસૂતિની બધી પીડા ભુલીને હરખાઈ ગઈ. પ્રસૂતિની એ પીડા તો સમયના વ્હેણની સાથે સરી ગઈ, પણ જ્યારે શ્રીકાન્તે અઠવાડિયા પછી પણ આંખ ન ખોલી ત્યારે એની માની પીડા જીવન ભર માટેની બની રહી.
હા! શ્રીકાન્ત જન્મથી અંધ છે. એની કીકીની ઉપર ચામડીનું પડ જડબેસલાક ચોંટેલું છે. એનો કોઈ જ ઈલાજ મેડિકલ વિજ્ઞાન પાસે નથી. આન્ધ્ર પ્રદેશના મછલીપટ્ટણમ શહેરની નજીક આવેલા એક નાના ગામના ખેડૂતને ઘેર શ્રીકાન્તનો જન્મ થયો હતો. પચીસ વર્ષ પછી આજે શ્રીકાન્તે કેવાં કેવાં શિખર સર કર્યાં છે, તે તો આપણે આગળ જોઈશું, પણ પચીસ વર્ષની એ યાત્રા અનેક ચઢાવ ઊતરાવથી ભરપૂર છે.
………………………………..
મજૂરી કરીને માંડ ૨,૦૦૦₹ કમાતા એના બાપને માટે આ છોકરાને મોટો કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. સગાં વ્હાલાં અને પાડોશીઓએ તો એ છોકરાને દૂધ પીતો કરી દેવાની પણ સલાહ આપી હતી. પહેલા ખોળાના આ દેવના દીધેલને એમ સગે વગે કરવા એ માવતરનો જીવ શી રીતે ચાલે? થોડોક મોટો થતાં એને પાંચ કિ.મિ. દૂર આવેલી શાળામાં દાખલ કર્યો. શ્રીકાન્તે દરરોજ એટલું અંતર પગપાળા જ કાપવું પડતું. એમ છતાં એ ગામઠી નિશાળમાં એનું કોણ ધ્યાન રાખે? એને તો છેલ્લી પાટલી પર બેસી ક્લાસમાં ચાલે તે સાંભળ્યા જ કરવાનું હતું ને? તે લેસન પણ શી રીતે કરે? વર્ગ શિક્ષક જે કાંઈ કહે તે ઘેર આવી બાપુને કહે. એ બિચારા થાકયા પાક્યા એને લખી આપે. પણ એનું લેસન તપાસવાની તસ્દી પણ વર્ગ શિક્ષક શું કામ લે? સહાધ્યાયીઓ પણ તેને રિસેસમાં સાથે રમાડવા તૈયાર ન થાય. કોણ આ આંધળાની આંગળી ઝાલે?
પણ બાપુને એ વાતની ખબર પડી ગઈ કે, શ્રીકાન્તને ઉપરવાળાએ ભલે જીવનભરના અંધકારની બક્ષિસ આપી હોય; તેને અપ્રતિમ ભેજું પણ આપ્યું છે. હૈદ્રાબાદ રહેતા એક દૂરના સગાંને રાખવા તેમણે વિનંતી કરી. ‘ શ્રીકાન્તને સાચવશો? ભણાવશો?’ એ દિલદાર સંબંધીએ બમણા જોરથી પડઘો પાડ્યો. સાત જ વર્ષનો શ્રીકાન્ત હૈદ્રાબાદની ખાસ જરૂરિયાત વાળા બાળકોની શાળામાં ભરતી થઈ ગયો.
એ સાથે શ્રીકાન્ત બોલ્લાનું જીવન બદલાઈ ગયું. એના કાળાડિબાંગ જીવનમાં સરસ્વતીદેવીની અસીમ કૃપાનાં તેજસ્વી કિરણો વરસવાં લાગ્યાં. ભણવાની સાથે સાથે શ્રીકાન્ત ચેસ અને અંધ બાળકો વચ્ચે રમાતી ક્રિકેટ પણ રમતો થઈ ગયો. મોટા ભાગે આખા ક્લાસમાં પહેલો નંબર રાખતો શ્રીકાન્ત સમયના વહેણ સાથે દસમા ધોરણ સુધી પહોંચી ગયો. ૯૦ ટકા માર્ક સાથે શ્રીકાન્તે આ કોઠો પણ પાર કરી દીધો.
પણ બીજો હિમાલય એની સામે ખડો થઈ ગયો. ગણિત અને વિજ્ઞાન એના રસના વિષયો હતા. તેને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવું હતું. પણ શાળાએ એને એ માટે પરવાનગી આપવા ધરાર ઈન્કાર કરી દીધો. હૈદ્રાબાદના સગાને તેને માટે પોતાના સગા દીકરા જેવો પ્રેમ હતો. એ ખમતીધર આદમીએ શ્રીકાન્ત વતી રાજ્યના શિક્ષણ ખાતા સામે કોર્ટમાં કેસ કર્યો અને આદૂ ખાઈને શ્રીકાન્ત માટે લડ્યા! છ મહિના પછી રાજયના શિક્ષણ ખાતાએ ઝૂકી જવું પડ્યું. વિજ્ઞાન પ્રવાહમાં શ્રીકાન્તની યાત્રા આગળ વધવા માંડી. ક્લાસના એના દિલોજાન દોસ્તોએ એને પ્રયોગોમાં મદદ કરવાનું માથે લીધું.
બે વર્ષના અંતે ૯૮ ટકા માર્ક અને ઝળહળતી સફળતા સાથે શ્રીકાન્ત એની શાળામાં પહેલા નંબરે અને રાજ્યના પહેલા દસ રેન્કરોમાં ધરાવી, બારમું પાસ થઈ ગયો. હૈદ્રાબાદની એક સ્થાનિક વિજ્ઞાન કોલેજમાં પણ એની ઝળહળતી સફળતાના કારણે એડમીશન મળી ગયું. ચાર વર્ષ બાદ અંધ શ્રીકાન્ત વિજ્ઞાનનો સ્નાતક બની ગયો. અને તે પણ ગોલ્ડ મેડલ જીતીને જ તો !
શ્રીકાન્તની મહત્વાકાંક્ષા દેશની અવ્વલ નંબરની ગણાતી IIT માં જોડાવાની હતી. પણ ત્યાંથી ધરાર ‘ના’ આવી ગઈ. પણ હવે આ અંધ પક્ષીનાં આંતર ચક્ષુ અને હિમ્મત ખુલી ગયાં હતાં. તેની પાંખો હવે ‘જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલ’ ની કની જોરભેર વિંઝાવા લાગી હતી. આકાશની પેલે પાર આંબવાનાં તેનાં સ્વપ્ન હતાં. શ્રીકાન્તે દેશની બહાર મીટ માંડી અને અમેરિકાની ખ્યાતનામ કોલેજોમાં પોતાના. પતરાળાં પાથરવા માંડ્યા. એના સૌ સગાં, દિલોજાન મિત્રો અને કોલેજના સ્ટાફના આશ્ચર્ય વચ્ચે આ પ્રજ્ઞાચક્ષુ યુવાનને એક નહીં પણ ચાર ચાર યુનિ. ઓએ કોઈ જાતના ખર્ચ વિના જોડાવા આમંત્રણ મોકલી દીધાં – Stanford, MIT, Carnegie Mellon and Berkely!
શ્રીકાન્ત એન્જિ. માટેની વિશ્વની અવ્વલ નંબરની MIT( Boston) માં જોડાઈ ગયો. તે MIT નો પહેલો આંતરરાષ્ટ્રીય, અંધ વિદ્યાર્થી હતો. મસ મોટા એના કેમ્પસમાં જુદા જુદા વર્ગોમાં જવા માટે ખાસ્સું ચાલવું પડતું હોય છે. શ્રીકાન્ત બધે પહોંચી જતો અને ક્લાસમાં એ મોટા ભાગે સૌથી પહેલો પહોંચી જતો. તેના એક પ્રોફેસરે પણ આ ચીવટ માટે તેની સરાહના કરી હતી. બે જ વર્ષ અને તે MIT માંથી પણ ઝળહળતી સફળતા સાથે સ્નાતક બની બહાર આવ્યો. MIT ના એક સામાયિકમાં શ્રીકાન્તે લખેલ એક લેખ આ રહ્યો….
ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામે પણ તેની સફળતાનું અભિવાદન કર્યું હતું .
એક ઓર ઊંચી ઊડાણ અને શ્રીકાન્ત બોલ્લાએ વિશ્વ વિખ્યાત હાર્વર્ડ કોલેજમાંથી એમ.બી.એ.ના શિખરને પાર કરી દીધું. કાળાંડિબાંગ ભવિષ્ય માટે જ જન્મ લીધેલા આ અભિમન્યુએ જીવનના સાત નહીં પણ અનેક કોઠા પાર કરી દીધા. શ્રીકાન્ત માટે હવે જીવનમાં કાંઈક કરી બતાવવાના બધા એક્સપ્રેસ હાઈવે ખુલ્લા થઈ ગયા.
શ્રીકાન્તે ધાર્યું હોત તો, તેને આ પદવીઓના કારણે અમેરિકામાં મોટા પગારની નોકરી મળી શકતી હોત. તેની પાસે એ માટે સારી સારી ઓફરો પણ હતી. પણ શ્રીકાન્ત સ્વદેશને અને પોતાના જેવા યુવાનો અને ખાસ તો બાળકોને પડતી મુશ્કેલીઓ ભુલ્યો ન હતો. શ્રીકાન્તે દેશ પહોંચવા માટેની ફ્લાઈટ પકડી લીધી.
૨૦૧૭
હૈદ્રાબાદમાં આવેલી, ડિસ્પોઝેબલ ડીશો, પ્યાલા, વાડકા, લેમિનેટેડ કાગળ વિ. બનાવતી અને વર્ષે ૭ કરોડનો વકરો કરતી ‘બોલન્ટ ઇન્ડસ્ટ્રી’ નો શ્રીકાન્ત માલિક છે. તેણે કર્ણાટકના હુબળીમાં એક પ્લાન્ટ, તેલંગણાના નિઝામાબાદમાં બે પ્લાન્ટ અને હૈદ્રાબાદમાં એક પ્લાન્ટ સ્થાપ્યા છે. શ્રી સીટીમાં સૌથી છેલ્લો સ્થાપેલો પ્લાન્ટ માત્ર સૂર્ય શક્તિ વાપરે છે. .
હેદ્રાબાદની શાળામાં તેની શિક્ષિકા સ્વર્ણલતાએ શ્રીકાન્તની આ સફરમાં સતત સાથ અને દોરવણી આપ્યાં છે. તેનાં બધાં સાહસોમાં તેણે સક્રીય સાથ આપ્યો છે, એટલું જ નહીં. તે એ બધાંની સહ સંસ્થાપક પણ છે. બધા કારખાનાંઓમાં દાખલ થનાર કારીગરોને સ્વર્ણલતાની દોરવણી મુજબ તાલીમ આપવામાં આવે છે.
આ જ રીતે ઔદ્યોગિક ધીરાણકર્તા રવિ મંતા શ્રીકાન્તની સિદ્ધિઓ અને જુસ્સાથી એટલો બધા પ્રભાવિત થયા હતા કે, તેમણે બે વર્ષ પહેલાં એક પતરાંના શેડમાં પહેલું કારખાનું સ્થાપવા શ્રીકાન્તને પ્રોત્સાહિત કર્યો હતો, અને સારી એવી રકમ પણ ધીરી હતી. ત્રણ જ મશીન અને આઠ જ કારીગરોથી શરૂ થયેલું એ સાહસ અત્યારે ૫૦ કરોડની અસ્કયામતો ધરાવે છે. આજે પણ ઓફિસમાં દાખલ થતાં પહેલાં શ્રીકાન્ત કારખાનામાં લટાર મારે છે. એની જન્મજાત સૂઝથી મશીનના અવાજમાં થતા ફેરફારો પારખી લે છે. કોઈ મશીનમાં સમારકામ ની જરૂર હોય તો તેને તરત જ ખબર પડી જાય છે. તેના કારખાનાંઓમાં ૧૫૦ થી વધારે કારીગરો કામ કરે છે, જેમાંના મોટા ભાગના કારીગરો કોઈને કોઈ જાતની શારીરિક ખોડવાળાં છે. તેણે અંધજનોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપતી ‘સમન્વય’ નામની સંસ્થા પણ ચાલુ કરી છે. તેમાં અત્યાર સુધીમાં ૩,૦૦૦ બાળકોને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી છે.
શ્રીકાન્તના શબ્દોમાં…
“The world looks at me and says, ‘Srikanth, you can do nothing.’ I look back at the world and say ‘I can do anything’.”
Verru nice
LikeLike
તમને આ જીવન કથા ગમી – એ ગમ્યું.
આવી તો અનેક પ્રતિભાઓ ‘દેશ’માં છે. પણ એમને કોણ જાણે છે?
LikeLike