વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1118 -દિવાળી એટલે તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ …..દીપોત્સવી અંક ..

 

દિવાળી યા દીપાવલી એ હિન્દુ ધર્મમાં ઘણાં વર્ષોથી ઉત્સાહથી મનાતો આવતો એક મહત્વપૂર્ણ લોક તહેવાર છે .

વાઘ બારશથી શરુ કરી ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ.અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ છે .

દિવાળી પર્વ વિષે જાણીતા કવિ શ્રી અનીલ ચાવડાની મને ગમતી આ રચના એમના આભાર સાથે માણીએ .

લ્યો આવી ગઈ દિવાળી………– અનિલ ચાવડા

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

 

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

 

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

દિવાળી પર્વ અંગે મેં અગાઉ લખ્યું હતું એમ દિવાળી આવે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કથન મુજબ ચીલા ચાલુ રીતે એને ઉજવીએ એ પુરતું નથી.દિવાળીમાં ઓછા નશીબદાર માણસો પ્રત્યે તમારામાં હમદર્દી ,લાગણી કે સંવેદના અને પ્રેમ જો જાગે તો એ સાચી દિવાળીની ઉજવણી કહેવાય.

જે લોકો એમના જીવનની સફરમાં એકલા પડી ગયા છે, ભટકી રહ્યા છે એમની સાથે પ્રેમથી વાત કરીએ,એમની આંખોની ઉદાસી દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરીએ.જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈએ અને દિવાળી –બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરીએ તો કેવું !

જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને આદરથી નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામીએ તો ખરી દિવાળી-નવું વર્ષ ઉજવ્યું કહેવાશે.

સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય.

ઓશોએ પણ કહ્યું છે કે ”દિવાળીનો દીપક અને એનો બહારનો પ્રકાશ કેટલો મનોહર લાગે છે !પરંતુ મનુષ્યની અંદર પડેલું અંધારું એ દુર કરી શકતો નથી !ભીતરમાં ધ્યાનની રોશની જો પ્રગટે તો જિંદગીનો હરેક દિવસ દિવાળી, દિવાળી જ છે.”

આ સંદર્ભમાં દિવાળી વિષે હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલએ ઈ-મેલમાં મોકલેલ અખાના ચાબખાઓની યાદ અપાવતી એમની આ કટાક્ષ રચનાને પણ સાભાર માણીએ.

દિવાળી!

કંઈ દિવાળીએા આવીને ગઈ !

સાપ ગયા ને લિસોટા રહ્યા ભઈ!

કંઈ દિવાળીએા આવીને ગઈ!

 

સાફ કરે સહું પોતાના ઘર

દિવો પ્રગટાવે અંધકાર પર

કપડાં સારા પહેરીને સૌ ફરે

બને વાનગીઓ સારી ઘરે ઘરે!

દિલની સાફસુફી કરવાની રહી,

કંઈ દિવાળીએા આવીને ગઈ!

 

પૂજન કરીને મેળવવું છે સુખ

દેવ દર્શનથી દૂર કરવું છે દુઃખ

મંદિરમાં જઈને પ્રદિક્ષણા ફરે

ભાથુ ભાવીનું આમ સૌ ભરે.

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,

કંઈ દિવાળીએા આવીને ગઈ!

 

સાફ કરે સૌ અંદરના ઘર

રાખે અમિ દ્રષ્ટિ સૌની પર

પ્રેમ પૂજન કરી મેળવે સુખ

દૂર કરે જે દુઃખીએાનું દુઃખ

શાંતિ ઘરની સૌની લૂંટાઈ રહી,

કંઈ દિવાળીએા આવીને ગઈ!

 

કે’વા જોઈએ ‘ચમન’ને સાચું

લાગે ભલે કોઈને કડવું ને ખાટું

હરિફાઈ ચાલી છે મંદિરોમાં જયાં

વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં!

ભગવાન ભાવનાનો ભૂખ્યો ભઈ!

કંઈ દિવાળીએા આવીને ગઈ!

૦ ચીમન પટેલ ‘ચમન’

 

દિવાળી પર એક ચિંતનાત્મક લેખ… સૌજન્ય/સાભાર  … રીડ ગુજરાતી.કોમ

દિવાળી એટલે…   [ચિંતનાત્મક]  …  દિનકર જોષી

વાચક મિત્રો,

ગત સંવત વર્ષ દરમ્યાન આપ સૌએ આપેલ સહકાર અને પ્રોત્સાહન બદલ આપનો દિલથી આભાર માનું છું . નવા વરસે પણ એવો જ સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.

વિનોદ વિહારના સૌ વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર બનો એવી હાર્દિક શુભ કામનાઓ સહીત-

દીપાવલી અભિનંદન …..નુતન વર્ષાભિનંદન 

સાલ મુબારક

અંતે મારી દિવાળીની હાઈકુ રચનાઓ ….

પ્રિય  જનોને 
દિવાળી,નવું વર્ષ,
મુબારક હો.
=====
જાતે મહેંકો,
મહેંક ફેલાવો જગે,
દરેક વરસે,
======
દિવાળી શીખ
અંધકાર હટાવો
પ્રકાશ લાવો
=====
નવા વરસે
નવા થઈએ, જુના
કેમ રહીએ !

=====

દિવાળી ,નવું 

વર્ષ, કેલેન્ડરની 

કમાલ માત્ર  

વિનોદ પટેલ,સંપાદક, વિનોદવિહાર

3 responses to “1118 -દિવાળી એટલે તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ …..દીપોત્સવી અંક ..

  1. સુરેશ ઓક્ટોબર 16, 2017 પર 2:31 પી એમ(PM)

    દિવાળીનો દીપક અને એનો બહારનો પ્રકાશ કેટલો મનોહર લાગે છે !પરંતુ મનુષ્યની અંદર પડેલું અંધારું એ દુર કરી શકતો નથી !ભીતરમાં ધ્યાનની રોશની જો પ્રગટે તો જિંદગીનો હરેક દિવસ દિવાળી, દિવાળી જ છે.”

    Like

  2. pragnaju ઓક્ટોબર 20, 2017 પર 3:53 એ એમ (AM)

    દીપાવલી અભિનંદન ….

    .નુતન વર્ષાભિનંદન

    Like

  3. mhthaker ઓક્ટોબર 20, 2017 પર 5:21 એ એમ (AM)

    really nice way to celebrate dipavali -removing darkness from within

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.