વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ડિસેમ્બર 2017

1138 – નુતન વર્ષ ૨૦૧૮ નું શુભાગમન …શુભેચ્છાઓ …થોડુક ચિંતન

 

સમયનું ચક્ર અવિરત પણે સદા ફરતું જ રહે છે.સમય કોઈનો પણ મહોતાજ નથી હોતો. કોઈનો અટકાવ્યો એ અટકવાનો નથી.આપણી નજર સામેથી જ એ સમુદ્રની ભરતીની જેમ આવે છે અને અલોપ થઇ જાય છે.નવા વર્ષના પ્રારંભે લટકાવેલ  કેલેન્ડરનાં પાનાં દર મહીને બદલાતાં રહે છે . છેવટે દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની અનેક યાદોને પાછળ છોડીને એક વર્ષ વિદાય લઇ લે છે .ફરી પાછું એક નવા વર્ષનું કેલેન્ડર ભીત પર સ્થાન લઇ લે છે.

વિદાય લેતા વર્ષના છેલ્લા દિવસ ૩૧ મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ શરુ થતા નવા વર્ષના આગમનને દરેક દેશમાં  લોકો  હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને  ઉજવીને નવા વર્ષનું  સ્વાગત કરે છે . 

નવા વર્ષના પ્રારંભે બે અંગ્રેજી અવતરણો  મનન કરી જીવનમાં ઉતારવા જેવાં છે.

You did not choose your date of birth,

Nor do you know your last,

So live this gift that is your present,

Before it becomes your past.

–Linda Ellis

 

YESTERDAY  is but a dream,

And TOMORROW  is  only a vision;

But TODAY , well lived,

makes every yesterday

a dream of happiness,

And every tomorrow a vision of hope.

-Unknown

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન માનનીય અટલ બિહારી બાજપાઈ જે એક સારા કવિ પણ છે એમનું એક હિન્દી કાવ્ય एक बरस बीत गया નીચે પ્રસ્તુત કરું છું.

एक बरस बीत गया

झुलासाता जेठ मास

शरद चांदनी उदास

सिसकी भरते सावन का

अंतर्घट रीत गया

एक बरस बीत गया

 

सीकचों मे सिमटा जग

किंतु विकल प्राण विहग

धरती से अम्बर तक

गूंज मुक्ति गीत गया

एक बरस बीत गया

 

पथ निहारते नयन

गिनते दिन पल छिन

लौट कभी आएगा

मन का जो मीत गया

एक बरस बीत गया

નવા વર્ષને એક પુસ્તકની ઉપમા આપીને રચિત મારી આ ચિત્રિત અછાંદસ રચના માણો…

To All Dear Readers of વિનોદ વિહાર

આપ સૌ મિત્રોએ ગત વર્ષ ૨૦૧૭ માં વિનોદ વિહારને જે સુંદર સહકાર આપ્યો છે એ માટે આપનો દિલી આભાર વ્યક્ત કરી નવા વર્ષ ૨૦૧૮ માં પણ એથી વધુ  સહકાર મળતો રહેશે એવી આશા સાથે આપને નવા વર્ષની અનેક શુભકામનાઓ .

આપ સૌને આ  નવું વર્ષ ૨૦૧૮ Bright,Healthy ,Successful, ,Prosperous,Peaceful,Exciting,Loving,Calm ,Positive, Beautiful and Hopeful  બને એવી મારી શુભેચ્છાઓ છે . 

વિનોદ પટેલ , સંપાદક  

चेहरे पे ख़ुशी छा जाती है आँखों में सुरूर आ जाता है

जब तुम मुझे अपना कहते हो अपने पे ग़ुरूर आ जाता है

~ साहिर लुधियानवी

 

 

1137 -ક્રિસમસ -૨૦૧૭ નાં અભિનંદન અને નવા વર્ષ ૨૦૧૮ ની શુભેચ્છાઓ

ક્રિસમસ  સ્ટોરી-“કૃતિકાનો ભાઈ !”

ક્રિસમસ પ્રસંગે ત્રણ વર્ષની ગલગોટા જેવી નમણી બાલિકા કૃતિકા શાંતાકલોઝ પાસે કોઈ રમકડાની ભેટ નથી માગતી પણ કદી કોઈએ શાંતા પાસે માગી હોય ના હોય એવી એક અવનવી ભેટ માગે છે .કૃતિકાએ માગેલી એ ભેટ કઈ છે એ જાણવા  મારી ક્રિસમસ પ્રસંગની આ ટૂંકી વાર્તા વાચો …..

કૃતિકાનો ભાઈ !

ગલગોટા જેવી ત્રણ વર્ષની ભગવાનની એક અદભુત કૃતિ સમી નમણી બાલિકા કૃતિકા ક્રિસમસ આવે એટલે એવી ખુશ થઇ જાય કે કઈ કહેવાની વાત નહિ.દર વર્ષની જેમ ક્રિસમસ ટ્રી ખરીદવા માટે એના પપ્પા જાય ત્યારે એમની સાથે રડીને પણ જાય.પપ્પા સાથે ક્રિસમસ ટ્રી અને એને શણગારવાની નવી ચીજ વસ્તુઓની ખરીદીમાં પપ્પા સાથે હોવાનો ગર્વ એના ખુશખુશાલ ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવે. 

ક્રિસમસ ટ્રીને પહેલાંની સાચવીને રાખેલી અને નવી ખરીદેલી અવનવી ચીજો,નાનાં રમકડાં તથા વીજળીના નાના રંગબેરંગી બલ્બના તોરણોથી શણગારાતું ત્યારે કૃતિકા પણ વસ્તુઓ લાવી આપીને પપ્પા-મમ્મીને મદદ કરતી.ઘર પણ વીજ તોરણોથી ચમકી ઉઠતું ત્યારે એનો ઝગમગાટ જોઈ કૃતિકાની આંખમાં પણ ચમક આવી જતી.વ્હાલી દીકરી કૃતિકાને ખુશ ખુશાલ જોઇને  એનાં ગર્વિષ્ઠ પપ્પા-મમ્મી પણ ખુશ થઇ જતાં .

કૃતીકાનું ક્રિસમસનું બીજું આકર્ષણ એટલે દાઢી વાળા,મોટી ફાંદવાળા, માથે મોટી લાલ ટોપી અને કોથળા જેવા લગર વગર લાલ પોશાકમાં સજ્જ ,હસતા અને હસાવતા અને ઘંટડી વગાડતા પેલા જાડિયા શાંતાકલોઝ . આ શાંતાકલોઝ દર વર્ષે ક્રિસમસ વખતે શહેરના મોલમાં નિયમિત હાજર થઇ જતા અને ઘંટડી વગાડતા મોલમાં ફરીને સૌનું અને ખાસ કરીને નાનાં ભુલકાંઓનું મનોરંજન કરતા અને એમની સાથે ફોટો ખીંચાવતા.બાળકોને માટે આ શાંતાકલોઝ એક મિત્ર બની જતા.

 દોઢ-બે વર્ષની હતી ત્યાં સુધી  હો… હો… હો… અવાજ કરતા શાંતાકલોઝની બીકથી કૃતિકા એની નજીક પણ જતી ન હતી , પણ આજે ત્રણ વર્ષની ઉંમરે તો એ હસતી કુદતી શાંતા પાસે જઈને હાથ મિલાવતી અને એના ખોળામાં પણ બેસી એની સાથે ફોટો પાડવાનું પપ્પાને કહેતી હતી.કૃતિકાના બાળ માનસમાં એક વાત કોતરાઈ ગઈ હતી કે શાંતાકલોઝ બાળકોને એમને જોઈએ એવી નવીન ભેટ એના કોથળામાંથી આપે છે .

 એક દિવસે મમ્મી-પપ્પા ત્રણ વર્ષની કૃતિકાને લઈને એને શાંતાકલોઝ બતાવવા માટે શહેરના મોલમાં લઇ ગયા .મોલમાં મોટી ખુરશીમાં બેઠેલા શાંતાને જોતાં જ કૃતિકા દોડીને એના ખોળામાં બેસી ગઈ.મુખ પર સ્મિત વેરતા એના પપ્પાએ ખુશખુશાલ કૃતિકાની એક યાદગાર તસ્વીર એમના કેમેરામાં કેદ કરી લીધી.

 ત્યારબાદ શાંતાએ કૃતિકાને માથે હાથ ફેરવતાં ફેરવતાં વ્હાલથી પૂછ્યું :

“બોલ બેટા, તારે શું ભેટ જોઈએ છે ,તું કહે એ રમકડું મારા આ કોથળામાંથી તને આપું,”

કૃતિકાના મમ્મી-પપ્પા અને શાંતા એ શું માગે છે એ સાંભળવા આતુર નયને એની સામે જોઈ રહ્યા.

કૃતિકાને મનમાં એ ઠસી ગયેલું કે હું જે માગીશ એ જરૂર શાંતા કોથળામાંથી હાથ નાખીને એને આપશે.

ખુબ વિચાર કરીને કૃતિકાએ છેવટે એના મનની ઈચ્છા શાંતાને કહી જ દીધી :

” શાંતા મને એક નાનકડો ભાઈ જોઈએ છે !”

આવી અજબ માગણીથી શાંતા સાથે એના મમ્મી -પપ્પા પણ વિચારમાં પડી ગયા.

શાંતાએ એની પ્રેગ્નન્ટ મમ્મીના પેટ તરફ એક દ્રષ્ટિ કરી કૃતિકાને સમજાવતાં કહ્યું :

“ બેટા ,આજે તો આ નાના બાબલાભાઈનું રમકડું લઇ જા ,ત્રણ ચાર મહિના પછી તને એક નાનકડો ભાઈ જરૂર મળશે જા ”

માતા-પિતા અને શાંતા એકબીજાની સામે જોઈને ખુબ હસી પડ્યાં !

ક્રિસમસ બાદ પણ કૃતિકા શાંતાએ એને ભેટ આપેલા પેલા નાનકડા ભાઈને વ્હાલ કરતાં અને એની સાથે રમતાં થાકતી જ નથી !

-વિનોદ પટેલ

 નવા વર્ષ ૨૦૧૮ માટે ની એક અછાંદસ રચના 

૨૦૧૮ ના નવા વર્ષનું સ્વાગત

નવા વરસે નવા થઈએ 

જોતજોતામાં પસાર થઇ ગયું એક જુનું વરસ
ગત બાર મહિનાની જીવનની ખાતાવહીમાં 

કેટલુક જમા થયું કેટલુક ઉધાર પણ થયું 

ગમતી, ન ગમતી જૂની યાદોને પાછળ મૂકી 
આવી ઉભા એક નવા જ વર્ષને પગથાર.

નવા વરસે નવી આશાઓ સાથે નવલા બની

 નવેસરથી જીવનના નવા ચોપડામાં

નવા આંકડા પાડી જમા બાજુમાં વધારો કરીએ

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર
જુના વરસના ઘાસ નીદામણ દુર કરી
નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ
નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી
૨૦૧૮ ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.

ચાલો , સૌ કરીએ દિલથી પ્રાર્થના કે-
ગત વર્ષો કરતાં આ નવલું ૨૦૧૮ નું વર્ષ 
સૌને માટે સુખ શાંતિ અને આરોગ્ય સહીત 
સર્વ રીતે સર્વોત્તમ વર્ષ બનાવજે ,હે પ્રભુ .

વિનોદ પટેલ

 

 

1136- ”મરો ત્યાં સુધી જીવો” …. લેખક …પદ્મશ્રી ગુણવંત શાહ

પદ્મ શ્રી એવોર્ડ મળ્યાં બાદ ડો.ગુણવંત શાહ તેમના પરિવાર સાથે ખુશખુશાલ મુદ્ગામાં.

‘મરો ત્યાં સુધી જીવો’ એ જાણીતા વિચારક અને સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ લિખિત બહુ વંચાતું ”ગુજરાતી બેસ્ટ સેલર ”પુસ્તક છે.2004માં એની પહેલી આવૃત્તી 2250 નકલોથી છપાઈ ત્યારબાદ બાવીસ આવૃત્તીઓ બહાર પડી છે.આ પુસ્તકની લગભગ 65 હજાર જેટલી નકલો વેચાઈ ગઈ છે. આ પુસ્તકનું સંપાદન ગુણવંત શાહનાં દીકરી ડૉ. મનીષા મનીષે કર્યું છે.

”સન્ડે -ઈ-મહેફિલ ” બ્લોગના સંપાદક સુરત નિવાસી મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે આ પુસ્તકના પ્રથમ પ્રકરણ ” મરો ત્યાં સુધી જીવો ” નો એમના ફેસબુક પેજ તથા બ્લોગમાં આસ્વાદ કરાવ્યો છે .

આ લેખને વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં શ્રી ઉત્તમભાઈ ગજજરના આભાર સાથે સહર્ષ પ્રસ્તુત કરું છું. આશા છે આ લેખ આરોગ્યની જાળવણી માટે પ્રેરક બનશે.

વિનોદ પટેલ

મરો ત્યાં સુધી જીવો  ….–ગુણવંત શાહ

તીબેટમાં એક લોકકથા પ્રચલીત છે. સમુદ્રમાં ક્યાંક કાચબો તરતો હોય છે, જે દસ હજાર વર્ષમાં એક વાર પોતાનું ડોકું પાણીની સપાટીની બહાર કાઢે છે. સમુદ્રમાં ક્યાંક લાકડાનું એક ચકરડું તરતું હોય છે. કાચબો જ્યારે ડોકું બહાર કાઢે ત્યારે એ ચકરડું એની ડોકમાં પરોવાઈ જાય તે ઘટના જેટલી દુર્લભ છે, તેટલી જ દુર્લભ ઘટના મનુષ્યજીવન પ્રાપ્ત થાય તે ગણાય. જીવન એટલું તો મુલ્યવાન છે કે એની આગળ બીજી બધી બાબતો ગૌણ બની જાય છે.

મૃત્યુ જેટલી નીશ્ચીત ઘટના બીજી કોઈ નથી. સાધુચરીત શ્રીકાન્ત આપ્ટેજીએ એક પત્રમાં લખેલું : ‘મરો ત્યાં સુધી જીવો.’ આ વાક્યમાં સાજા, તાજા અને રળીયામણા જીવનનો મર્મ સમાયો છે. આપણે ખરા અર્થમાં ‘જીવીએ’ છીએ ખરા ? ‘જીવી ખાવું’ અને ‘જીવી જવું’ એ બે બાબતો વચ્ચેનો તફાવત સુક્ષ્મ છે. સુન્દર રીતે જીવવું એ પ્રત્યેક મનુષ્યનો વીશેષાધીકાર છે.

જેઓ શ્રમજીવી નથી એવા સૌએ તબીયતની જાળવણી માટે મથવું પડે છે. શ્રમજીવીની તબીયત અશુદ્ધ પાણી અને અપુરતા આહારને કારણે બગડે છે. બુદ્ધીજીવીની તબીયત બેઠાડું દીનચર્યા અને અતી–આહારને કારણે બગડે છે. શ્રમજીવી અને બુદ્ધીજીવી ઉપરાંત એક ત્રીજો વર્ગ પણ વીસ્તરતો જાય છે. એ છે, ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ. ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ ખુબ ખાય છે, ખુબ પીએ છે અને ખુબ ખર્ચે છે. આ ત્રણે વર્ગના લોકોમાં સંતાયેલો એક નાનો વર્ગ એવા લોકોનો છે, જેઓ આરોગ્યમય જીવન માટે શું કરવું તેની સમજણ ધરાવે છે. આ વર્ગના લોકો મરે ત્યાં સુધી પ્રમાણમાં સારી રીતે જીવવા માટે મથનારા છે. તેઓ માંદગીના ખાટલાથી ડરનારા છે. આવા લોકો હવે ખાસા જાગી ગયા છે. તેઓ ખાય છે; પણ ખાતી વખતે કૅલરીનું અને બ્લડ–સ્યુગર–લેવલનું ધ્યાન રાખે છે. તેઓ વજનકાંટાનો આદર કરે છે. તેઓ ઝડપભેર ચાલવા માટે સવારે નીકળી પડે છે. તેઓ વ્યસનથી દુર રહેવા ઉત્સુક છે. તેઓ સાધુ નથી; તોયે સંયમ જાળવવાની કળાનું મહત્ત્વ સમજે છે. તેઓ નીયમીતપણે બ્લડ–ટેસ્ટ કરાવે છે. તેઓ ચા કે કૉફીના કપમાં માંડ અડધી ચમચી ખાંડ નાખે છે. જેઓ આરોગ્યની જાળવણી માટે જાગી ચુક્યા છે તેવા લોકોનાં જીવનમાં ઘડપણનાં અણગમતાં પગલાં થોડાં મોડાં થતાં હોય છે. એમની સ્ફુર્તીને ઉમરનો અભીશાપ નડતો નથી. આ જાગૃત લોકોની સંખ્યા ધીમી; પણ ચોક્કસ ગતીએ વધી રહી છે. વીમા કંપનીઓના આ વહાલા ગ્રાહકો મેડીકલ સ્ટોર પર ભાગ્યે જ જાય છે.

પૈસા અને કૅલરી યોગ્ય રીતે ખર્ચી જાણે એવા નાગરીકોની સંખ્યા વધતી રહે તે ઈચ્છનીય છે. આળસુ કોને કહેવો? જે મનુષ્ય શરીરમાં પધરાવેલી કૅલરી ખર્ચવામાં કંજુસાઈ કરે તે આળસુ કહેવાય. રોગની સાવકી માતાનું નામ આળસગૌરી છે. દેશમાં કરોડો ગરીબોને આળસ મરડવાનો વૈભવ મળ્યો નથી. તેઓને કદી ડાયાબીટીઝ થતો નથી. એ તો સુખી–સમ્પન્ન લોકોને લાડકો રોગ છે.

આપણા શરીર સાથેનો આપણો પરીચય ઉમર સાથે વધતો રહેવો જોઈએ. આયુર્વેદના વૈદ્ય એને માટે ‘પ્રકૃતી’ શબ્દ પ્રયોજે છે. પ્રત્યેક માણસ પોતાની આગવી ‘પ્રકૃતી’ લઈને જનમ્યો છે. ‘પ્રકૃતી’ કેવળ શારીરીક નથી હોતી; એ માનસીક અને આધ્યાત્મીક પણ હોય છે. માણસ પોતાની ‘પ્રકૃતી’ને પામી જાય તો અડધા રોગો આપોઆપ ટળી જાય, ક્રોધી પ્રકૃતીનો માણસ રોગને આમંત્રણ આપતો હોય છે. અશાન્ત પ્રકૃતીનો માણસ બ્લડપ્રેશરને નોતરતો હોય છે. જુઠું બોલનારને ખબર પણ નથી પડતી કે પ્રત્યેક જુઠ એના મનો–આધ્યાત્મીક લયને ખોરવે છે. રોગ એટલે જ લયનું ખોરવાવું. આમલોકો જેને ‘તબીયત’ કહે છે, તે માત્ર શારીરીક બાબત નથી. શરીર, મન અને આત્મા(માંહ્યલો) વચ્ચે અતુટ સમ્બન્ધ રહેલો છે. કોઈ માણસ ખુન કર્યા પછી ઘરે આવીને છાનોમાનો સુઈ જાય; તોય તેને માંહ્યલાને પહોંચેલી ખલેલ મનને વીક્ષુબ્ધ કરે છે અને વીક્ષુબ્ધ મન શરીર પર સીધી અસર પહોંચાડે છે. ઉંડાણથી વીચાર કરીએ તો જરુર સમજાય કે રોગથી બચવામાં મનુષ્યની સહજ પ્રામાણીકતાનો ફાળો નાનોસુનો નથી હોતો. આરોગ્યને આવી અખીલાઈપુર્વક જોવાની કળા વીકસે તો સ્વસ્થ રહેવાનું શક્ય બને. સ્વસ્થ હોવા સાથે સ્વાસ્થ્યનો આવો ગાઢ સમ્બન્ધ છે. ‘સ્વાસ્થ્ય’ માટે અંગ્રેજીમાં યોજાતો ‘હેલ્થ’ શબ્દ સાવ અધુરો છે. સ્વાસ્થ્યનો સમ્બન્ધ તન, મન અને માંહ્યલા સાથે રહેલો છે.

આપણું શરીર રોજ રોજ સતત આપણને કશુંક કહેતું જ રહે છે. થોડોક સમય વીતે એટલે મોટું આંતરડું કશુંય બોલ્યા વગર શાન્ત અણસારા મોકલીને કહે છે : ‘હવે તું બધાં કામો પડતાં મુકીને, સંડાસ તરફ ચાલવા માંડ.’ ઘણા લોકો એ અણસારાનો અનાદર કરીને કામમાં રોકાયેલા રહે છે. આમ કરવું એ મોટા આંતરડાનું અપમાન છે. આ જ રીતે આપણને તરસના, ભુખના, થાકના, અપચાના, માથાના દુખાવાના અને પેટ ભારે હોવાના અણસારા મળે છે. એ અણસારા એ આપણને શબ્દોના માધ્યમથી કે કમ્પ્યુટર દ્વારા મળતા હોત તો આપણી સમજમાં ઝટ આવી જાત. પ્રકૃતીના અણસારા સાવ બોલકણા નથી હોતા. એ જ રીતે કોઈ ખોટું કામ કરતી વખતે પણ માંહ્યલાના અણસારા મળે છે. પ્રકૃતીના આવા સુક્ષ્મ અણસારા, એ તો માંહ્યલાએ મોકલેલા અણસારા ગણાય. આવા અણસારાની અવગણના કરવી એ પણ એક પ્રકારની ‘નાસ્તીકતા’ ગણાય. ‘તબીયત સારી છે’ એમ કહેનાર વાસ્તવમાં કહી રહ્યો હોય છે કે : ‘ભગવાનની કૃપાથી તન, મન અને માંહ્યલાને શાન્તી છે.’

જાગી ગયેલા માણસને જે સમજાય છે, તે ક્યારેક દાક્તરને પણ નથી સમજાતું. આપણી છાતીમાં મુકવામાં આવેલા બે ફુગ્ગાને ફેફસાં; કહે છે. ઉંડા શ્વાસ દ્વારા એ ફુગ્ગા ખાસા ફુલે તેવું વારંવાર બનવું જોઈએ. ખરી ભુખે ખાવાની ટેવ પડે તો, સ્વાદનું સૌન્દર્ય જામે. દીવસમાં એક વાર તો પરસેવો વળે તેવો શ્રમ શરીરને મળવો જ જોઈએ. એ માટે કસરત અનીવાર્ય છે. ચાલવાની કસરત પણ કેવળ શારીરીક કર્મકાંડ શા માટે બને? સવારે માણસ ચાલવા નીકળે ત્યારે દેવદુતો એના કાનમાં સારા સારા વીચારો કહી જાય છે. માફકસરની સેક્સ તન્દુરસ્તી માટે ઉપકારક છે. ખાંડ–મીઠું, તેલ–મરચું પેટમાં જેટલાં ઓછાં પધરાવીએ તેટલો લાભ છે. તેલના ભાવ વધે તેમાં સમાજને લાભ છે. રસોઈઆઓ જમણ વખતે ખાંડ–મીઠું–તેલ–મરચું છુટથી ધમકાવે છે. તેઓને કોઈકે તાલીમ આપવી જોઈએ. આરોગ્યને એક અવસર આપવાની જરુર છે. ઘણા લોકો ખાઈ ખાઈને મરે છે, ઘણા પી–પીને મરે છે. ઘણા કમાઈ–કમાઈને મરે છે. બહુ ઓછા જીવી–જીવીને મરે છે!

રોગ ગમે ત્યારે ગમે તે દીશામાંથી વાઘની માફક ત્રાટકે છે. આ બાબતે માણસ લાચાર છે. તોયે સાવ લાચાર નથી. એની પાસે રોગ સામે લડવા માટે એક શક્તી છે : ‘પ્રતીકારશક્તી.’ એ શક્તી ન ઘટે તેનું માણસે ધ્યાન રાખવું ઘટે. આ ક્ષણે તમને મલેરીયા નથી થયો એનો અર્થ એટલો જ કે, તમારા શરીરમાં રહેલા શ્વેતકણની વીરાટસેનાએ, એ ક્ષણ સુધી મલેરીયાનો મુકાબલો કરવામાં સફળતા મેળવી છે. લોકો વાતવાતમાં એ પ્રતીકારને ‘રેઝીસ્ટન્સ’ કહે છે. આરોગ્યની સંકલ્પના વીશાળ છે અને તેમાં ‘રેઝીસ્ટન્સ’ એક અતીમહત્ત્વનો અંશ છે. ‘રેઝીસ્ટન્સ’ ખુટી પડે ત્યારે કોઈ પણ રોગ આપણા પર તુટી પડવા આતુર હોય છે. એમાં કોઈ પસંદગી નથી હોતી.

ડૉક્ટર ન હોય છતાંય સ્વસ્થ માણસને કેટલાંક એવાં સત્યો જડે છે, જેનો સ્વીકાર મેડીકલ સાયન્સ પણ કરે છે. ધ્યાન પણ આરોગ્ય માટે ઉપકારક છે, એવું હવે સ્વીકારાય છે. અદેખાઈ કરનારને એસીડીટી થવાનો સંભવ વધારે રહે છે. ચપળતા સારી; પણ બીનજરુરી ઉતાવળ અને હાયવોય રોગની આમન્ત્રણ પત્રીકા બની રહે છે. મન અને શરીર વચ્ચેની પરસ્પરતાની એક સાબીતી રોગ છે અને બીજી સાબીતી આરોગ્ય છે. ડૉક્ટરો ક્યારેક તાણમાં રહેતા હોય છે. જોખમકારક ઓપરેશન કરતી વખતે ડૉક્ટર ખાસી તાણમાં હોય છે. ડૉક્ટર માટે તે પ્રોફેશનલ હેઝાર્ડ (વ્યાવસાયીક જોખમ) ગણાય. આપણું મન કદાચ વાજબી તાણ સહન કરવા સક્ષમ હોય છે. માણસનું શરીર એના માલીકની નાની ભુલો માફ કરવા જેટલું ઉદાર હોય છે.

જે માણસ ડૉક્ટર ન હોય તે વધારે તો શું લખી શકે ? આજના સુખી માણસને રોગ તરફ ધકેલનારી ઘટનાને ‘પાર્ટી’ કહે છે. બાબાની વર્ષગાંઠ હોય કે લગ્નતીથી હોય, લોકો પાર્ટી ગોઠવવા આતુર હોય છે. આનંદ વહેંચવો એ એક વાત છે અને દેખાડો કરવો એ બીજી વાત છે. લગ્નના રીસેપ્શનમાં વાનગીઓની લાઈન લાગી જાય છે. માણસનો રહ્યોસહ્યો સંયમ પણ તુટી પડે છે. પાર્ટીમાં ખાધા પછી બીજે દીવસે પેટ બગડે છે. જેનું પેટ બગડે તેનો દીવસ બગડે છે. આવા કેટલાય બગડેલા દીવસો ભેગા થાય ત્યારે જીવન બગડે છે.

સાજા હોવું એટલે શું ? શબ્દકોશમાં ‘સાજું એટલે ‘તન્દુરસ્ત’, ‘ભાંગલું નહીં એવું’ અને ‘આખું’, એમ ત્રણ અર્થો આપવામાં આવ્યા છે. આમ સાજા હોવાનો સમ્બન્ધ કેવળ શારીરીક તન્દુરસ્તી સાથે નથી; પણ આપણા સમગ્ર (અખીલ) અસ્તીત્વની તન્દરસ્તી સાથે છે. તાજા હોવું એટલે મનથી સ્ફુર્તીવાળા હોવું. સ્વસ્થ હોવું એટલે માંહ્યલાના મીત્ર હોવું. જીવન સાજું, તાજું અને સ્વસ્થ હોય તો જ સુખ ટકી શકે. ખરી ભુખે ખાવું, તરસ લાગે ત્યારે પાણી પીવું અને થાક લાગે ત્યારે ઉંઘી જવું ! શું સાવ સહજપણે આ ત્રણે બાબતો પાળવામાં કોઈ કષ્ટ પહોંચે ખરું? ખાટલામાં પડ્યા પડ્યા લાંબા સમય સુધી કણસવાનું કષ્ટ ટાળવા માટે પણ આરોગ્યને એક વાર અવસર આપવો સારો.

આરોગ્યની ચાવી મને જડી છે. સાવ ટુંકમાં તે અહીં પ્રસ્તુત છે :

રોજ ચાલવાનું રાખો.
પરસેવો વળે ત્યાં સુધી ચાલો.
શરુઆતમાં સુગર બળે છે
અને પછી ચરબી બળે છે.
જે બળ્યું, તે ફળ્યું !
‘ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ–શામ!’

–ગુણવન્ત શાહ

લેખકના પ્રસીદ્ધ પુસ્તક ‘મરો ત્યાં સુધી જીવો’ (પ્રકાશક : આર. આર. શેઠ, મુમ્બઈ (022-2201 3441) અને અમદાવાદ (079-2550 6573) Website : www.rrsheth.comeMail : sales@rrsheth.com ; પૃષ્ઠ સંખ્યા : 152 કીમત : રુપીયા 125; પ્રથમ પ્રકાશન : જાન્યુઆરી 2004–બાવીસમું પ્રકાશન ઓગસ્ટ-2017માંથી પહેલું પ્રકરણ પાન 1થી 5 ઉપરથી સાભાર…..ઉત્તમ.મધુ ગજ્જર..

લેખક સમ્પર્ક :
–ગુણવંત શાહ 
 ‘ટહુકો’–139–વીનાયક સોસાયટી, જે. પી. રોડ, વડોદરા–390 020
લેખકનો બ્લોગ : https://gunvantshah.wordpress.com/

ગુણવંત શાહ, Gunavant Shah નો પરિચય 

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય

 

1135 -જીવન સંધ્યાના રંગો … એક અછાંદસ …. વિનોદ પટેલ

Jivan rango (2)

જીવન સંધ્યાના રંગો … એક અછાંદસ …. વિનોદ પટેલ

વતનમાં સંઘર્ષ કરી,દુખો સહી,નિવૃતી લઇ,

આવ્યા સુખના વિચારો સાથે,વિદેશની ભૂમિમાં.

ભૌતિક સુખો વચ્ચે અંજાઈ,આનંદિત થઇ ગયા ,

નવી ભૂમિમાં ઠરી ઠામ થઇ, હાશ કરી,

અહીનાં સુખોને માણી  રહ્યા હતા, ત્યાં જ,

વધતી ઉંમરની વિવિધ વ્યાધિઓ-ઉપાધિયો,

શરીર પર સવાર બની, દુખી કરી રહી,

સુખ મળ્યું પણ હવે ઉંમર રિસાઈ ગઈ !

અનુભવે હવે ખબર પડી ગઈ છે કે,

ઉંમર અને સુખને સાપ-નોળિયા સંબંધ છે !

જીવન સંધ્યાના સમયે,આ ઢળતી સાંજે,

જિંદગી જે પાઠ શીખવે એ શીખતા જ રહેવું.

સુખ કોનું લાંબુ ટક્યું છે કે ટકવાનું છે !

સુખ-દુખના ફરતા ચગડોળનું મોટું ચક્ર .

ઉપર-નીચે એમ ચાલતું જ રહેવાનું ,

જીવનની હવે બાકી રહેલી પળોમાં ,

સુખ-દુખના આ ફરતા ચગડોળમાં બેસી,

આ જીવન મેળાનો, એક બાળકની જેમ,

આનંદ લેતા રહેવાનું, બીજું શું !

ચેતના,સુખ અને આશાના સંદેશ સાથે,

દરેક સવારે સુરજ એનાં કિરણો પાથરે છે ,

વધતી ઉંમરની વ્યાધિઓ-દુખો સાથે પણ,

એ સવારે સુખની શોધમાં નીકળી પડવું,

જ્યાંથી મળે ત્યાંથી સુખનો આનંદ મેળવી,

ખુદ આનંદિત બની, આનંદ વહેંચતા રહેવું,

જીવન સંધ્યામાં સુખના રંગો ઉમેરતા રહેવું,

સંજોગોને અનુકુળ બનીને જીવી જાણવું,

એનું જ નામ તો જીવન કળા છે, બાપુ !

વિનોદ પટેલ , ૧૨-૧૭-૨૦૧૭  

1134 – મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’

૧૯ર૮ની સાલમાં ભારતના મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’
એની પ્રથમ સભા ફિલાડેલ્ફીયા ખાતે ૧૭ ડીસે.ના રોજ

ફિલાડેલ્ફીયા : અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપાસનાના શુભાશય સાથે ‘‘સાહિત્ય સંસદ યુએસએ’’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે કાર્યરત સાહિત્ય સંસદ સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચકે ગઈ ૨૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈથી આ જાહેરાત કરતા જણાવ્યું કે “સાહિત્ય સંસદ” ગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાનાં લક્ષ્યને વરેલી છે અને મુંબઈની આવા ઉદ્દેશ્ય સાથે કામ કરતી આ એક માત્ર સંસ્થા છે. સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો,ભાષાકર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાનામોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે પરંતુ એનું કાર્યસ્વરૂપ અલગ પ્રકારનું હોય છે.

જો કે ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં અનેક પ્રસ્થાપિત અને નવોદિત સર્જકો છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં ગુજરાતી ભાષાનાં સર્જનશીલો સાહિત્યકર્મ ક્ષેત્રે પ્રવૃત્ત છે. અમેરિકાની અમારી તાજેતરની અને અગાઉની મુલાકાત વેળા એ જોવા અને અનુભવવા મળ્યું અને તેનાથી પ્રેરાઈને જ સાહિત્ય સંસદનો કાર્યવિસ્તાર અમેરિકા સુધી પ્રસારવાનું બળ મળ્યું.

અમેરિકાના ન્યૂજર્સી નિવાસી જાણીતા લેખક, કવિ, જર્નાલિસ્ટ અને ખૂબ જાણીતા ટેલિવિઝન એંકર અને રેડિયો હોસ્ટ શ્રી વિજય ઠક્કરના પ્રમુખપદે સાહિત્ય સંસદ યુએસએનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર અકિલા,રાજકોટ અખબારની આ લીંક પરથી વાંચો.

સૌજન્ય- અકિલા.કોમ, રાજકોટ 

સાહિત્ય સંસદ યુએસએનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી વિજય ઠક્કરે જણાવ્યું કે સાહિત્ય સંસદની પ્રથમ બેઠક આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ ફિલાડેલ્ફીઆ ખાતે યોજાશે જેમાં ગુજરાતી ડાયસ્પોરાનાં ખ્યાતિપ્રાપ્ત વાર્તાકાર શ્રી રાહુલ શુક્લ એમનાં સર્જનો રજૂ કરશે.

કાર્યક્રમની વધુ વિગતો માટે સંપર્ક ..

શ્રી  વિજય ઠક્કર : 732 856 4093  

સુશ્રી સુચિ વ્યાસ : 215 219 996૨  

સુશ્રી નંદિતા ઠાકોર : 410 294 4264   .. અથવા 

email;sahityasansadusa@gmail.com

 

1133- ૨૬ મી નવેમ્બર ૨૦૦૮ ના મુંબાઈના આતંકી હુમલા દરમ્યાન તાજ મહાલ હોટેલમાં અતિથી દેવો ભવની પ્રણાલીનું પ્રેરક દર્શન

ભડકે બળી રહેલ તાજ મહાલ હોટેલનું એક દ્રશ્ય 

૨૬ નવેમ્બર, ૨૦૦૮ની ગોઝારી સાંજે શરુ થયેલ અને ચાર દિવસો સુધી ચાલેલ ૧૬૪ નિર્દોષ વ્યક્તિઓનો જાન લેનાર મુંબઈના આતંકી હુમલાઓ એ ભારતના ઇતિહાસમાં ન્યુયોર્ક ,અમેરિકાના ૯/૧૧ ના આતંકી હુમલા જેટલો જ  યાદગાર બનાવ છે.

એ દિવસે મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા નજીકના કોલાબાના સમુદ્રી તટ પર ૧૦ શસ્ત્રસજ્જ પાકિસ્તાની આતંકવાદીઓ હોડીયોમાં આવીને મુંબાઈના ઔદ્યોગિક શહેરમાં આતંક મચાવવાના ઈરાદા સાથે ઊતર્યા હતા.આવતા પહેલાં આ આતંકીવાદીઓએ મુંબાઈ વિષે ગલી ગલીની માહિતી મેળવી લીધી હતી.કોલાબાની માચ્છીમાર કોલોનીમાંથી બહાર નીકળીને આ આતંકીઓ બે-બેનાં ગ્રૂપમાં વહેંચાઈ ગયા.બે આતંકીઓએ સીએસટી તરફ, હોટેલ ટ્રાઇડેંટ,મુંબઈના પ્રસિદ્ધ યહૂદી ગેસ્ટ હાઉસ નરીમાન હાઉસ વી.સ્થળો તરફ અને બે ટોળી હોટેલ તાજમહાલ તરફ મોકલવામાં આવી હતી.

મુંબાઈમાં ઘૂસેલા આતંકીઓએ ચાર દિવસ સુધી મુંબાઈને બાનમાં રાખ્યું હતું. આ ૧૦ આતંકીઓમાંથી સુરક્ષા દળો દ્વારા ૯

        બચી ગયેલ આતંકી અજમલ ક્સાબ

આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો અને એક આતંકી અજમલ કસાબને મુંબઈ પોલીસે જીવતો પકડી પાડયો હતો .

બરાબર ચાર વર્ષ કેસ ચલાવ્યા પછી સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે તારીખ ૨૧મી નવેમ્બર ૨૦૧૨ના રોજ ક્સાદને ફાંસી આપી યરવડા જેલ પુના ખાતે દફનાવામાં આવ્યો હતો.

નવેમ્બર ૨૬ ૨૦૦૮ના રોજ બુધવારની સાંજથી શરુ કરી નવેમ્બર ૨૯ના શનિવાર સુધી એમ  એ ભયાનક ચાર દિવસોમાં પાકિસ્તાની આતંકીઓએ ૧૬૪ વ્યક્તિઓના જીવ લીધા અને ૩૦૮ વ્યક્તિઓને ઈજા પહોંચાડી. આ મૃતકોમાં ઘણા વિદેશી નાગરિક મુસાફરો પણ હતા.

ટાટા ગ્રુપની પ્રખ્યાત તાજમહાલ હોટેલ અને એની અતિથી દેવો ભવની નીતિ .

મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયાની બરોબર સામે આવેલી કોલાબા વિસ્તરની ટાટા ગ્રુપની પ્રખ્યાત ૧૦૩ વર્ષ જૂની તાજમહાલ હોટેલમાં એ દિવસે જે બન્યું એનો ઈતિહાસ ખુબ દિલ ધડક અને એટલો જ પ્રેરક છે.આ બનાવની વિગતો જ્યારે આપણે જાણીએ ત્યારે એમાં ભારતની પુરાણી અતિથી દેવો ભવની આચાર સંહિતા ઉજાગર થતી જોઈ શકાય છે.

આ કમનશીબ દિવસે આ હોટેલમાં ઉતરેલા ૫૦૦ મહેમાનો , મોટી કમ્પનીઓએ એ દિવસે હોટેલના વિવિધ હોલમાં યોજેલ કાર્યક્રમોમાં હાજર બીજા ૬૦૦ બિજનેસ સાથે જોડાયેલા માણસો અને જનરલ મેનેજરથી વેઈટર સુધીનો હોટેલનો ૬૦૦ માણસોનો સ્ટાફ ફરજ ઉપર હાજર હતો.આ સ્ટાફને કયા રસ્તેથી મુશ્કેલીમાં હોટેલની બહાર નીકળી શકાય છે એનું સંપૂર્ણ જ્ઞાન હતું.તેઓએ ધાર્યું હોત તો આખો સ્ટાફ જીવ બચાવવા હોટેલ બહાર સહીસલામત નીકળી ગયાં હોત.પરંતુ નવાઈની વાત એ છે કે ૬૦૦ માંથી એક પણ સ્ટાફ મેમ્બરે એમ ના કર્યું. હોટેલમાં રોકાઈ જઈને પોતાના જાનના જોખમે પ્રથમ હોટેલમાં ફસાએલા મહેમાનો સહીસલામત બહાર નીકળે એ માટે એમને મદદ કરવાના કામે સ્ટાફ લાગી ગયો .પરિણામે એ દિવસની સાંજે હોટેલમાં કુલ ૧૭૦૦ માણસો હતા એમાંથી મૃત ૩૪ માણસો સિવાય બધા સહીસલામત હોટેલ બહાર આવી શક્યાં.તાજ હોટેલમાં એ દિવસોમાં જે ૩૪ કમનશીબ માણસોએ એમનો જાન ગુમાવ્યો એમાં હોટેલના મૃત સ્ટાફની સંખ્યા ૧૭ ની એટલે કે અડધી હતી.હોટેલના જનરલ મેનેજર મિસ્ટર કાંગાનાં પત્ની અને એમના બે પુત્રો એ દિવસે એમના ૬ઠા માળે આવેલ નિવાસમાં અગ્નિની જ્વાલાઓમાં બળીને મૃત્યુ પામ્યાં હતા !આમ જનરલ મેનેજરે એક વહાણના કેપ્ટનની જેમ છેલ્લે સુધી પોતાની ફરજ બજાવી ભોગ આપ્યો.

સલામ છે તાજ હોટેલના આ મેનેજર અને એના વફાદાર સમગ્ર સ્ટાફને જેમણે હોટેલ પરના હુમલા દરમ્યાન અતિથી દેવો ભવની ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં !

અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ કોલેજના પ્રોફેસર મી. રોહિત દેશપાંડેએ તાજ હોટેલના આ આતંકી હુમલાનો કેસ સ્ટડી કરી એના આધારિત એક સુંદર TEDxNewEngland પ્રવચન આપેલ એનો યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત છે.( સૌજન્ય-હિરલ શાહ )

આ પ્રવચનમાં એમણે ભારતની અતિથી દેવો ભવની પૌરાણિક પરંપરા સાથે મેનેજમેન્ટના સિદ્ધાંતોને પણ આવરી લઇ એક સુંદર પ્રવચન આપ્યું છે જે  વાચકો તેમ જ મેનેજમેન્ટના અભ્યાસીઓ માટે પ્રેરક બની રહેશે એવી મને આશા છે.

 

The Ordinary Heroes of the Taj Hotel: Rohit Deshpande at TEDxNewEngland–

Published on Nov 20, 2012

========================

૨૬મી નવેમ્બર ૨૦૦૮ ના મુંબાઈ પરના આતંકી હુમલા વિષે અંગ્રેજીમાં વિકિપીડિયાની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે. 

2008 Mumbai attacks 

૨૦૦૮ ના મુંબાઈ ઉપરના આતંકી હુમલા વિષે યુ-ટ્યુબ ઉપર ઘણા વિડીયો પ્રકાશિત થયા છે. એમાંથી મેં પસંદ કરેલા નીચેના બે ડોક્યુમેંટરી વિડીયો જોવા જેવા છે , જે આ ભયાનક દિવસોનોની સારી એવી માહિતી આપે છે.

Documentary on 26/11 Mumbai Attacks: Samandar (Part 1) – India TV-Published on Aug 29, 2012
Salute to Mumbai Police officers Hemant Karkare, Vijay Salaskar, Ashok Kamte who were among who martyred during four day encounter. Police constable Tukaram Omble was killed when he was trying to capture Kasab who was later hanged in Yerwada jail in 2012.

’60 Hours’ of 26/11 Mumbai Terror Attack | 26 11 Documentary | CNN-News18 -Published on Nov 27, 2011
A special CNN-IBN show on the third anniversary of the 26/11 Mumbai attacks, in which 166 people lost their lives.