વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 20, 2017

1136- ”મરો ત્યાં સુધી જીવો” …. લેખક …પદ્મશ્રી ગુણવંત શાહ

પદ્મ શ્રી એવોર્ડ મળ્યાં બાદ ડો.ગુણવંત શાહ તેમના પરિવાર સાથે ખુશખુશાલ મુદ્ગામાં.

‘મરો ત્યાં સુધી જીવો’ એ જાણીતા વિચારક અને સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ લિખિત બહુ વંચાતું ”ગુજરાતી બેસ્ટ સેલર ”પુસ્તક છે.2004માં એની પહેલી આવૃત્તી 2250 નકલોથી છપાઈ ત્યારબાદ બાવીસ આવૃત્તીઓ બહાર પડી છે.આ પુસ્તકની લગભગ 65 હજાર જેટલી નકલો વેચાઈ ગઈ છે. આ પુસ્તકનું સંપાદન ગુણવંત શાહનાં દીકરી ડૉ. મનીષા મનીષે કર્યું છે.

”સન્ડે -ઈ-મહેફિલ ” બ્લોગના સંપાદક સુરત નિવાસી મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે આ પુસ્તકના પ્રથમ પ્રકરણ ” મરો ત્યાં સુધી જીવો ” નો એમના ફેસબુક પેજ તથા બ્લોગમાં આસ્વાદ કરાવ્યો છે .

આ લેખને વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં શ્રી ઉત્તમભાઈ ગજજરના આભાર સાથે સહર્ષ પ્રસ્તુત કરું છું. આશા છે આ લેખ આરોગ્યની જાળવણી માટે પ્રેરક બનશે.

વિનોદ પટેલ

મરો ત્યાં સુધી જીવો  ….–ગુણવંત શાહ

તીબેટમાં એક લોકકથા પ્રચલીત છે. સમુદ્રમાં ક્યાંક કાચબો તરતો હોય છે, જે દસ હજાર વર્ષમાં એક વાર પોતાનું ડોકું પાણીની સપાટીની બહાર કાઢે છે. સમુદ્રમાં ક્યાંક લાકડાનું એક ચકરડું તરતું હોય છે. કાચબો જ્યારે ડોકું બહાર કાઢે ત્યારે એ ચકરડું એની ડોકમાં પરોવાઈ જાય તે ઘટના જેટલી દુર્લભ છે, તેટલી જ દુર્લભ ઘટના મનુષ્યજીવન પ્રાપ્ત થાય તે ગણાય. જીવન એટલું તો મુલ્યવાન છે કે એની આગળ બીજી બધી બાબતો ગૌણ બની જાય છે.

મૃત્યુ જેટલી નીશ્ચીત ઘટના બીજી કોઈ નથી. સાધુચરીત શ્રીકાન્ત આપ્ટેજીએ એક પત્રમાં લખેલું : ‘મરો ત્યાં સુધી જીવો.’ આ વાક્યમાં સાજા, તાજા અને રળીયામણા જીવનનો મર્મ સમાયો છે. આપણે ખરા અર્થમાં ‘જીવીએ’ છીએ ખરા ? ‘જીવી ખાવું’ અને ‘જીવી જવું’ એ બે બાબતો વચ્ચેનો તફાવત સુક્ષ્મ છે. સુન્દર રીતે જીવવું એ પ્રત્યેક મનુષ્યનો વીશેષાધીકાર છે.

જેઓ શ્રમજીવી નથી એવા સૌએ તબીયતની જાળવણી માટે મથવું પડે છે. શ્રમજીવીની તબીયત અશુદ્ધ પાણી અને અપુરતા આહારને કારણે બગડે છે. બુદ્ધીજીવીની તબીયત બેઠાડું દીનચર્યા અને અતી–આહારને કારણે બગડે છે. શ્રમજીવી અને બુદ્ધીજીવી ઉપરાંત એક ત્રીજો વર્ગ પણ વીસ્તરતો જાય છે. એ છે, ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ. ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ ખુબ ખાય છે, ખુબ પીએ છે અને ખુબ ખર્ચે છે. આ ત્રણે વર્ગના લોકોમાં સંતાયેલો એક નાનો વર્ગ એવા લોકોનો છે, જેઓ આરોગ્યમય જીવન માટે શું કરવું તેની સમજણ ધરાવે છે. આ વર્ગના લોકો મરે ત્યાં સુધી પ્રમાણમાં સારી રીતે જીવવા માટે મથનારા છે. તેઓ માંદગીના ખાટલાથી ડરનારા છે. આવા લોકો હવે ખાસા જાગી ગયા છે. તેઓ ખાય છે; પણ ખાતી વખતે કૅલરીનું અને બ્લડ–સ્યુગર–લેવલનું ધ્યાન રાખે છે. તેઓ વજનકાંટાનો આદર કરે છે. તેઓ ઝડપભેર ચાલવા માટે સવારે નીકળી પડે છે. તેઓ વ્યસનથી દુર રહેવા ઉત્સુક છે. તેઓ સાધુ નથી; તોયે સંયમ જાળવવાની કળાનું મહત્ત્વ સમજે છે. તેઓ નીયમીતપણે બ્લડ–ટેસ્ટ કરાવે છે. તેઓ ચા કે કૉફીના કપમાં માંડ અડધી ચમચી ખાંડ નાખે છે. જેઓ આરોગ્યની જાળવણી માટે જાગી ચુક્યા છે તેવા લોકોનાં જીવનમાં ઘડપણનાં અણગમતાં પગલાં થોડાં મોડાં થતાં હોય છે. એમની સ્ફુર્તીને ઉમરનો અભીશાપ નડતો નથી. આ જાગૃત લોકોની સંખ્યા ધીમી; પણ ચોક્કસ ગતીએ વધી રહી છે. વીમા કંપનીઓના આ વહાલા ગ્રાહકો મેડીકલ સ્ટોર પર ભાગ્યે જ જાય છે.

પૈસા અને કૅલરી યોગ્ય રીતે ખર્ચી જાણે એવા નાગરીકોની સંખ્યા વધતી રહે તે ઈચ્છનીય છે. આળસુ કોને કહેવો? જે મનુષ્ય શરીરમાં પધરાવેલી કૅલરી ખર્ચવામાં કંજુસાઈ કરે તે આળસુ કહેવાય. રોગની સાવકી માતાનું નામ આળસગૌરી છે. દેશમાં કરોડો ગરીબોને આળસ મરડવાનો વૈભવ મળ્યો નથી. તેઓને કદી ડાયાબીટીઝ થતો નથી. એ તો સુખી–સમ્પન્ન લોકોને લાડકો રોગ છે.

આપણા શરીર સાથેનો આપણો પરીચય ઉમર સાથે વધતો રહેવો જોઈએ. આયુર્વેદના વૈદ્ય એને માટે ‘પ્રકૃતી’ શબ્દ પ્રયોજે છે. પ્રત્યેક માણસ પોતાની આગવી ‘પ્રકૃતી’ લઈને જનમ્યો છે. ‘પ્રકૃતી’ કેવળ શારીરીક નથી હોતી; એ માનસીક અને આધ્યાત્મીક પણ હોય છે. માણસ પોતાની ‘પ્રકૃતી’ને પામી જાય તો અડધા રોગો આપોઆપ ટળી જાય, ક્રોધી પ્રકૃતીનો માણસ રોગને આમંત્રણ આપતો હોય છે. અશાન્ત પ્રકૃતીનો માણસ બ્લડપ્રેશરને નોતરતો હોય છે. જુઠું બોલનારને ખબર પણ નથી પડતી કે પ્રત્યેક જુઠ એના મનો–આધ્યાત્મીક લયને ખોરવે છે. રોગ એટલે જ લયનું ખોરવાવું. આમલોકો જેને ‘તબીયત’ કહે છે, તે માત્ર શારીરીક બાબત નથી. શરીર, મન અને આત્મા(માંહ્યલો) વચ્ચે અતુટ સમ્બન્ધ રહેલો છે. કોઈ માણસ ખુન કર્યા પછી ઘરે આવીને છાનોમાનો સુઈ જાય; તોય તેને માંહ્યલાને પહોંચેલી ખલેલ મનને વીક્ષુબ્ધ કરે છે અને વીક્ષુબ્ધ મન શરીર પર સીધી અસર પહોંચાડે છે. ઉંડાણથી વીચાર કરીએ તો જરુર સમજાય કે રોગથી બચવામાં મનુષ્યની સહજ પ્રામાણીકતાનો ફાળો નાનોસુનો નથી હોતો. આરોગ્યને આવી અખીલાઈપુર્વક જોવાની કળા વીકસે તો સ્વસ્થ રહેવાનું શક્ય બને. સ્વસ્થ હોવા સાથે સ્વાસ્થ્યનો આવો ગાઢ સમ્બન્ધ છે. ‘સ્વાસ્થ્ય’ માટે અંગ્રેજીમાં યોજાતો ‘હેલ્થ’ શબ્દ સાવ અધુરો છે. સ્વાસ્થ્યનો સમ્બન્ધ તન, મન અને માંહ્યલા સાથે રહેલો છે.

આપણું શરીર રોજ રોજ સતત આપણને કશુંક કહેતું જ રહે છે. થોડોક સમય વીતે એટલે મોટું આંતરડું કશુંય બોલ્યા વગર શાન્ત અણસારા મોકલીને કહે છે : ‘હવે તું બધાં કામો પડતાં મુકીને, સંડાસ તરફ ચાલવા માંડ.’ ઘણા લોકો એ અણસારાનો અનાદર કરીને કામમાં રોકાયેલા રહે છે. આમ કરવું એ મોટા આંતરડાનું અપમાન છે. આ જ રીતે આપણને તરસના, ભુખના, થાકના, અપચાના, માથાના દુખાવાના અને પેટ ભારે હોવાના અણસારા મળે છે. એ અણસારા એ આપણને શબ્દોના માધ્યમથી કે કમ્પ્યુટર દ્વારા મળતા હોત તો આપણી સમજમાં ઝટ આવી જાત. પ્રકૃતીના અણસારા સાવ બોલકણા નથી હોતા. એ જ રીતે કોઈ ખોટું કામ કરતી વખતે પણ માંહ્યલાના અણસારા મળે છે. પ્રકૃતીના આવા સુક્ષ્મ અણસારા, એ તો માંહ્યલાએ મોકલેલા અણસારા ગણાય. આવા અણસારાની અવગણના કરવી એ પણ એક પ્રકારની ‘નાસ્તીકતા’ ગણાય. ‘તબીયત સારી છે’ એમ કહેનાર વાસ્તવમાં કહી રહ્યો હોય છે કે : ‘ભગવાનની કૃપાથી તન, મન અને માંહ્યલાને શાન્તી છે.’

જાગી ગયેલા માણસને જે સમજાય છે, તે ક્યારેક દાક્તરને પણ નથી સમજાતું. આપણી છાતીમાં મુકવામાં આવેલા બે ફુગ્ગાને ફેફસાં; કહે છે. ઉંડા શ્વાસ દ્વારા એ ફુગ્ગા ખાસા ફુલે તેવું વારંવાર બનવું જોઈએ. ખરી ભુખે ખાવાની ટેવ પડે તો, સ્વાદનું સૌન્દર્ય જામે. દીવસમાં એક વાર તો પરસેવો વળે તેવો શ્રમ શરીરને મળવો જ જોઈએ. એ માટે કસરત અનીવાર્ય છે. ચાલવાની કસરત પણ કેવળ શારીરીક કર્મકાંડ શા માટે બને? સવારે માણસ ચાલવા નીકળે ત્યારે દેવદુતો એના કાનમાં સારા સારા વીચારો કહી જાય છે. માફકસરની સેક્સ તન્દુરસ્તી માટે ઉપકારક છે. ખાંડ–મીઠું, તેલ–મરચું પેટમાં જેટલાં ઓછાં પધરાવીએ તેટલો લાભ છે. તેલના ભાવ વધે તેમાં સમાજને લાભ છે. રસોઈઆઓ જમણ વખતે ખાંડ–મીઠું–તેલ–મરચું છુટથી ધમકાવે છે. તેઓને કોઈકે તાલીમ આપવી જોઈએ. આરોગ્યને એક અવસર આપવાની જરુર છે. ઘણા લોકો ખાઈ ખાઈને મરે છે, ઘણા પી–પીને મરે છે. ઘણા કમાઈ–કમાઈને મરે છે. બહુ ઓછા જીવી–જીવીને મરે છે!

રોગ ગમે ત્યારે ગમે તે દીશામાંથી વાઘની માફક ત્રાટકે છે. આ બાબતે માણસ લાચાર છે. તોયે સાવ લાચાર નથી. એની પાસે રોગ સામે લડવા માટે એક શક્તી છે : ‘પ્રતીકારશક્તી.’ એ શક્તી ન ઘટે તેનું માણસે ધ્યાન રાખવું ઘટે. આ ક્ષણે તમને મલેરીયા નથી થયો એનો અર્થ એટલો જ કે, તમારા શરીરમાં રહેલા શ્વેતકણની વીરાટસેનાએ, એ ક્ષણ સુધી મલેરીયાનો મુકાબલો કરવામાં સફળતા મેળવી છે. લોકો વાતવાતમાં એ પ્રતીકારને ‘રેઝીસ્ટન્સ’ કહે છે. આરોગ્યની સંકલ્પના વીશાળ છે અને તેમાં ‘રેઝીસ્ટન્સ’ એક અતીમહત્ત્વનો અંશ છે. ‘રેઝીસ્ટન્સ’ ખુટી પડે ત્યારે કોઈ પણ રોગ આપણા પર તુટી પડવા આતુર હોય છે. એમાં કોઈ પસંદગી નથી હોતી.

ડૉક્ટર ન હોય છતાંય સ્વસ્થ માણસને કેટલાંક એવાં સત્યો જડે છે, જેનો સ્વીકાર મેડીકલ સાયન્સ પણ કરે છે. ધ્યાન પણ આરોગ્ય માટે ઉપકારક છે, એવું હવે સ્વીકારાય છે. અદેખાઈ કરનારને એસીડીટી થવાનો સંભવ વધારે રહે છે. ચપળતા સારી; પણ બીનજરુરી ઉતાવળ અને હાયવોય રોગની આમન્ત્રણ પત્રીકા બની રહે છે. મન અને શરીર વચ્ચેની પરસ્પરતાની એક સાબીતી રોગ છે અને બીજી સાબીતી આરોગ્ય છે. ડૉક્ટરો ક્યારેક તાણમાં રહેતા હોય છે. જોખમકારક ઓપરેશન કરતી વખતે ડૉક્ટર ખાસી તાણમાં હોય છે. ડૉક્ટર માટે તે પ્રોફેશનલ હેઝાર્ડ (વ્યાવસાયીક જોખમ) ગણાય. આપણું મન કદાચ વાજબી તાણ સહન કરવા સક્ષમ હોય છે. માણસનું શરીર એના માલીકની નાની ભુલો માફ કરવા જેટલું ઉદાર હોય છે.

જે માણસ ડૉક્ટર ન હોય તે વધારે તો શું લખી શકે ? આજના સુખી માણસને રોગ તરફ ધકેલનારી ઘટનાને ‘પાર્ટી’ કહે છે. બાબાની વર્ષગાંઠ હોય કે લગ્નતીથી હોય, લોકો પાર્ટી ગોઠવવા આતુર હોય છે. આનંદ વહેંચવો એ એક વાત છે અને દેખાડો કરવો એ બીજી વાત છે. લગ્નના રીસેપ્શનમાં વાનગીઓની લાઈન લાગી જાય છે. માણસનો રહ્યોસહ્યો સંયમ પણ તુટી પડે છે. પાર્ટીમાં ખાધા પછી બીજે દીવસે પેટ બગડે છે. જેનું પેટ બગડે તેનો દીવસ બગડે છે. આવા કેટલાય બગડેલા દીવસો ભેગા થાય ત્યારે જીવન બગડે છે.

સાજા હોવું એટલે શું ? શબ્દકોશમાં ‘સાજું એટલે ‘તન્દુરસ્ત’, ‘ભાંગલું નહીં એવું’ અને ‘આખું’, એમ ત્રણ અર્થો આપવામાં આવ્યા છે. આમ સાજા હોવાનો સમ્બન્ધ કેવળ શારીરીક તન્દુરસ્તી સાથે નથી; પણ આપણા સમગ્ર (અખીલ) અસ્તીત્વની તન્દરસ્તી સાથે છે. તાજા હોવું એટલે મનથી સ્ફુર્તીવાળા હોવું. સ્વસ્થ હોવું એટલે માંહ્યલાના મીત્ર હોવું. જીવન સાજું, તાજું અને સ્વસ્થ હોય તો જ સુખ ટકી શકે. ખરી ભુખે ખાવું, તરસ લાગે ત્યારે પાણી પીવું અને થાક લાગે ત્યારે ઉંઘી જવું ! શું સાવ સહજપણે આ ત્રણે બાબતો પાળવામાં કોઈ કષ્ટ પહોંચે ખરું? ખાટલામાં પડ્યા પડ્યા લાંબા સમય સુધી કણસવાનું કષ્ટ ટાળવા માટે પણ આરોગ્યને એક વાર અવસર આપવો સારો.

આરોગ્યની ચાવી મને જડી છે. સાવ ટુંકમાં તે અહીં પ્રસ્તુત છે :

રોજ ચાલવાનું રાખો.
પરસેવો વળે ત્યાં સુધી ચાલો.
શરુઆતમાં સુગર બળે છે
અને પછી ચરબી બળે છે.
જે બળ્યું, તે ફળ્યું !
‘ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ–શામ!’

–ગુણવન્ત શાહ

લેખકના પ્રસીદ્ધ પુસ્તક ‘મરો ત્યાં સુધી જીવો’ (પ્રકાશક : આર. આર. શેઠ, મુમ્બઈ (022-2201 3441) અને અમદાવાદ (079-2550 6573) Website : www.rrsheth.comeMail : sales@rrsheth.com ; પૃષ્ઠ સંખ્યા : 152 કીમત : રુપીયા 125; પ્રથમ પ્રકાશન : જાન્યુઆરી 2004–બાવીસમું પ્રકાશન ઓગસ્ટ-2017માંથી પહેલું પ્રકરણ પાન 1થી 5 ઉપરથી સાભાર…..ઉત્તમ.મધુ ગજ્જર..

લેખક સમ્પર્ક :
–ગુણવંત શાહ 
 ‘ટહુકો’–139–વીનાયક સોસાયટી, જે. પી. રોડ, વડોદરા–390 020
લેખકનો બ્લોગ : https://gunvantshah.wordpress.com/

ગુણવંત શાહ, Gunavant Shah નો પરિચય 

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય