વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જાન્યુઆરી 2018

1147- ”સંજોગો પ્રમાણે જીવન જીવવું ખોટું નથી ” …સ્વ.અવંતિકા ગુણવંત …શ્રધાંજલિ વાર્તા મણકો-૨

સ્વ.અવંતિકાબેનના દેહ વિલય બાદ ની શ્રધાંજલિની તારીખ ૧૭ મી જાન્યુઆરી ૨૦૧૮ ની  પોસ્ટ નંબર 1142 ના અંતે દર શનિવારે એમની એક વાર્તા પોસ્ટ કરવાનું જણાવ્યું હતું .

એ મુજબ ગત શનિવારની પોસ્ટ નંબર 1144 માં એમની એક સત્ય ઘટનાત્મક  ” અદ્દભુત છે આ માતાઓ ‘વાર્તા ‘ થી શરૂઆત કરી હતી..

એના અનુસંધાનમાં સ્વ.અવંતિકા ગુણવંતની કોલમ ”આંગણની તુલસી ”માં પ્રગટ એમની એક વાર્તા ” સંજોગો પ્રમાણે જીવન જીવવું ખોટું નથી” આ શનિવારની પોસ્ટમાં મૂકી છે એ તમને જરૂર વાંચવી અને વિચારવી ગમશે.

વિનોદ પટેલ 

સ્વ.અવંતિકા ગુણવંત

(સ્વ.અવંતીકા ગુણવંત  …શ્રધાંજલિ … વાર્તા …. મણકો-૨ )

”સંજોગો પ્રમાણે જીવન જીવવું ખોટું નથી”
આંગણની તુલસી – સ્વ.અવંતિકા ગુણવંત

 વૈશાખ મહિનાની બળબળતી બપોર હતી. બહાર ગરમ ગરમ લૂ વાતી હતી ત્યારે સુહાબહેનના પરદેશ વસેલા દીકરા શર્વિલનો ફોન આવ્યો. દીકરો અત્યંત વહાલભર્યા સૂરમાં પૂછે છે, ‘મમ્મી શું કરે છે?’

સુહાબહેન બોલ્યાં, ‘આરામ કરું છું દીકરા.’

‘એટલે કે તું ઊંઘી ગઈ હતી? મમ્મી, તબિયત તો ઓ.કે. છે ને?’

‘હા, બેટા હું ઓ.કે. છું. હું તો આરામથી સૂતી સૂતી વાંચતી હતી.’

‘એ.સી. ચાલુ કર્યું છે ને?’

‘હા, બેટા. એ.સી. ઓન છે.’

‘મમ્મી, ત્યાંનો ઉનાળો બહુ આકરો હોય છે. હવે તમે જરાય ગરમી વેઠશો નહિ. બિલની ચિંતા કરશો નહિ. સાંભળ્યું ને તેં?’ દીકરાએ ભારપૂર્વક ભાવથી પૂછયું.

‘હા, બેટા હા. તું અમારી ચિંતા ના કરીશ. અમે આરામથી રહીએ છીએ.’ સુહાબહેને પ્રસન્ન અવાજે કહ્યું.

‘મમ્મી, તમારી આરામની વ્યાખ્યા હું જાણું છું, હજારો અગવડો હોય તોય તમને તો આરામ જ લાગે. કોને ખબર તું અને પપ્પા સાવ નોખી માટીનાં બન્યાં છે, પણ મમ્મી, તમારી જુવાની હતી ત્યાં સુધીની વાત અલગ હતી, પણ હવે તો તમે આધેડ વય પણ વટાવી ચૂક્યાં છો, હવે શરીરની સહનશીલતા અને પ્રતિકારશક્તિ ઓછાં થઈ ગયાં હોય. માટે સગવડો ભોગવો. ખોટાં કષ્ટ ના વેઠો.’

‘હા, દીકરા હા, અમે તો મનમાની સગવડો ભોગવીએ છીએ અને મોજથી જીવીએ છીએ.’ સુહાબહેને હેતથી કહ્યું.

‘તમારે મન તો બધી પરિસ્થિતિ મોજપૂર્ણ જ હોય છે. મમ્મી, જ્યારે આપણે સગવડો વસાવી નહોતા શકતાં ત્યારે તારી ફિલોસોફી બરાબર હતી, પણ હવે આપણે કોઈ વાતે ખોટ નથી. હું અહીં આધુનિક સગવડભરી વૈભવી જિંદગી જીવું અને તમે ત્યાં હજીય અગવડો વેઠો તો હું અપરાધભાવ અનુભવું.’

શર્વિલ એના મમ્મી પપ્પાની સંઘર્ષપૂર્ણ જિંદગી જરાય ભૂલ્યો નથી. સુહાબહેન અને એમના પતિ કનકભાઈ સુશિક્ષિત છે. બેઉ પાસે યુનિવર્સિટીની ઉચ્ચ ડીગ્રીઓ છે. તેઓએ ધાર્યું હોત તો ક્યાંક સારી નોકરી મેળવીને નચિંતપણે આરામદાયક જિંદગી જીવી શકત.

પરંતુ બેઉએ નક્કી કર્યું હતું કે ક્યાંય નોકરી નહિ કરીએ પણ મનગમતો વ્યવસાય કરીશું. પતિપત્ની બેઉ બહુ કાળજીપૂર્વક વ્યવસાય કરે છે, પણ વ્યવસાયમાં ખાસ બરકત આવી નહિ. જિંદગીની જરૂરતો માંડ પૂરી થતી હતી. આવી ખેંચાખેંચની એમની જિંદગી હતી, પણ સુહાબહેન કે કનકભાઈને કોઈ ફરિયાદ ન હતી.

જીવન જીવવાની કલા તેઓ જાણતાં હતાં. પેલા આનંદી કાગડાની જેમ તેઓ દરેક પરિસ્થિતિ માણતાં હતાં અને તેથી આફ્ત તેમના માટે અવસર બની જતી. તકલીફમાંય તેઓ કંઈક મજાનું શોધી કાઢતાં.

દીકરા શર્વિલનો જન્મ થયો ત્યારે તેઓ રોડ પરના સાવ નાનકડા ઘરમાં રહેતાં હતાં. એ ઘર ભાડાનું હતું.

સુહાબહેન કહે, ‘આવા ઘરથાળના ઘરમાં દીકરાને મજા ન આવે.’ ગમે તેમ વેત કરીને તેમણે એક પ્લોટ ખરીદ્યો અને મકાન બંધાવ્યું ત્યારે શર્વિલ ચાર વર્ષનો હતો. આશ્ર્ચય અને વિસ્મય પામવાની એ ઉંમર. તરવરાટ અને થનગનાટથી ભર્યો ભર્યો એ.

સુહાબહેને ચારેબાજુ ક્યારા બનાવ્યા. શર્વિલ ખૂબ ઉમંગથી એમને મદદ કરે. દરવાજે ચંપાનું ડાળું રોપતાં સુહાબહેન કહે, ‘કેટલાક છોડ બી નાખીએ ને થાય, પણ ચંપાનું ડાળું રોપીએ અને એમાંથી ઝાડ પાંગરે.’ ડાળ પર નવી કૂંપળ આવી એ બતાવીને કહે, જો આપણે ડાળીનો જે છેડો જમીનમાં રોપ્યો છે એને મૂળ ફૂટ્યાં. હવે આપણો ચંપો મોટો મોટો થશે, એને ફૂલ આવશે.’

ચંપાથી પાંચ ફૂટ દૂર પારિજાતકનાં બી નાખ્યાં અને પારિજાતક થયો. શર્વિલ પૂછે, ‘મમ્મી ચંપાની બાજુમાં પારિજાતક કેમ નહિ? અને આટલો બધો દૂર કેમ વાવ્યો?’

‘બેટા, ચંપો ઘટાદાર મોટું ઝાડ થવાનો અને પારિજાતક પણ મોટું ઝાડ થવાનું, પણ જો આપણે આ મોગરાની કલમ લાવીને નાખી છે તે તો છોડ જ રહેશે. એટલે મોગરાની આખી હાર આપણે

બનાવીશું.’

‘મમ્મી એવું કેમ? પારિજાતકના ફૂલને કેસરી દાંડી છે, પણ મોગરાના ફૂલને નથી અને ચંપાનું ફૂલ પારિજાતક અને મોગરાના ફૂલ કરતાં મોટું છે, આવું કેમ?’ નવાઈ પામતો શર્વિલ પૂછતો.

સુહાબહેન કહે, ‘બેટા આનું નામ કુદરતની કરામત કહેવાય.’

શર્વિલનું નિરીક્ષણ ખૂબ ઝીણવટભર્યું હતું. ક્યાંક જુદું જુએ એટલે એના મનમાં પ્રશ્ર્ન ઊભો થતો અને સુહાબહેન એનું કુતૂહલ શમાવવા જુદા જુદા વિષયોનાં પુસ્તકો વાંચતાં અને બને એટલી ચોક્સાઈથી ઉમંગભેર એની જિજ્ઞાસા સંતોષતાં અને એમને ના ખબર હોય તેની ચોખ્ખેચોખ્ખી ના કહી દેતાં.

ઉનાળાની રાત્રે તેઓ ધાબા પર સૂઈ જતાં ત્યારે તારાઓ ઓળખાવતાં. સુહાબહેન ગીતો ગાતાં અને શર્વિલ પણ એમની સાથે ગાતો અને કનકભાઈને પણ ગાઈને સંભળાવતો. સુહાબહેન એને રંગીન ચોક, પેન્સિલ અને કાગળ આપતાં અને શર્વિલ મનગમતું ચિત્ર દોરતો. સુહાબહેન સાથે રમતાં રમતાં શર્વિલ ભણ્યો અને ક્યારે એન્જિનિયર બની ગયો એની ખબરે ન પડી. શર્વિલને સ્કોલરશિપ મળી અને વિશેષ અભ્યાસ માટે એ પરદેશ ગયો.

એ સમય દરમિયાન શર્વિલ એના મમ્મી પપ્પા સાથે લાગણીના મજબૂત તાંતણાથી બંધાયેલો હતો. વારંવાર એ પત્ર લખતો અને ફોન કરતો. એ કહેતો, ‘મમ્મી, પપ્પા, અત્યારે હું જે કંઈ છું એ તમારી સાધનાનું ફળ છું. તમે મને કેટલા પ્રેમ અને ઉત્સાહથી કેળવ્યો છે, મારો સર્વાંગી વિકાસ થાય એ તમારું સ્વપ્ન સાકાર થયું. હું ખૂબ નસીબદાર છું કે તમારા જેવાં માબાપ મને મળ્યાં છે.’

વિદેશમાં અભ્યાસ પૂરો થયો અને શર્વિલને ત્યાં ખૂબ સારી જોબની ઓફર થઈ. સુહાબહેન તથા કનકભાઈએ કહ્યું, ‘જીવનમાં તક વારંવાર નથી આવતી. દીકરા તક ઝડપી લે.’ શર્વિલે ચિંતાથી પૂછયું, ‘પણ, મમ્મી પપ્પા તમે ત્યાં? આટલા દૂર? ના, ના, મને કબૂલ નથી.’

‘દીકરા, આપણે ત્રણ મનથી જોડાયેલાં છીએ, પછી સ્થળનું અંતર લક્ષમાં ન લેવાય. તારે તો આગળ ને આગળ વધવાનું છે, માટે તું ત્યાં જોબ લઈ લે.’

શર્વિલ માબાપનું કહ્યું માનીને અમેરિકા વસ્યો, પણ માબાપની મહેનતભરી જિંદગી એ ભૂલ્યો ન હતો. એ જાણતો હતો કે મમ્મીપપ્પા સવારે ઊઠે ત્યારથી કામે વળગેલાં હોય. અલબત્ત પપ્પામમ્મી દરેક કામ સાથે મળીને કરતાં અને અન્યોન્યનો સંગ માણતાં. બેઉં કોઈને કોઈ વિષયની ચર્ચા કરતાં હોય, ક્યારેક પપ્પા વાંચી બતાવતા અને મમ્મી સાંભળતી હોય. ક્યારેક મમ્મી ગીત ગાતી અને પપ્પા તાલ આપતાં. ઘરમાં કાયમ સંગીત ગુંજતું હોય અને કામ થતું જાય.

પણ અમેરિકા આવ્યા પછી શર્વિલ એના મમ્મી પપ્પાની જિંદગી વિશે વિચારતો અને સાનંદ આશ્ર્ચર્ય અનુભવતો કે ખાસ ભૌતિક સાધન સગવડો નહિ છતાં મમ્મીપપ્પા કેવી સુંદર મધુર જિંદગી જીવે છે. એમની જાત પર એમના મનનું સ્વામીત્વ છે. તેઓ કદી ઉદાસ નથી હોતાં.

ક્યારેક થતું મમ્મીપપ્પા એમનાં મનને હીપ્નોટાઈઝ કરે છે કે એમનાં મનને ભૌતિક સુખની ઈચ્છા જ ના થાય કે એમનું મન એટલું પાવરફુલ છે કે પોતે રચેલા વિશ્ર્વમાં પ્રસન્નતાપૂર્વક રહી શકે છે – વરસોના વરસો તેઓ એમની રીતે જીવ્યાં છે, સંસારના સામાન્ય માનવીઓથી અલગ, સાવ અલગ બીજાની ધનસંપત્તિ જોઈને એમને કદી – ઊંડાણમાંય વસવસો નહિ થતો હોય કે અમારી પાસે કેમ આવી સંપત્તિ નથી? અત્યારે તો હું મબલખ કમાઉં છું, પણ મારી પાસેય તેઓ એમની કોઈ ઈચ્છા પ્રગટ નથી કરતા? કેમ, કેમ મમ્મીપપ્પા બીજા બધાંથી સાવ અલગ છે? એ અનાસક્તભાવે જીવે છે, પણ એમની જિંદગી શુષ્ક નથી. જીવવી ગમે એવી જિંદગી છે. આવા માબાપ માટે મને ગૌરવ છે.

એક બાજુ શર્વિલ આવું વિચારે છે અને બીજી બાજુ ભારતમાં રહેતા એના મિત્રને કહે છે, ‘હું ડૉલર મોકલું છું તું પપ્પાના ઘેર એક કાર મૂકી આવ.’

ઘરઆંગણે ચકચકિત નવી કાર જોઈને સુહાબહેન તથા કનકભાઈ ચમક્યા અને શર્વિલને કોલ કરીને પૂછે, ‘બેટા, અમારે કારમાં બેસીને ક્યાં જવાનું? કોના ઘેર જવાનું?’

શર્વિલે ઉત્સાહથી કહ્યું, ‘ગાર્ડનમાં જજો. દૂર દૂર ફરવા જજો.’

‘દીકરા, આ ઉંમરે મારે કાર શીખવાની? ના બેટા ના. અમારે તો આપણું આંગણું જ બસ છે. ક્યાંય દૂર જવાના ઓરતા નથી.’

‘મમ્મીપપ્પા, તમે ડ્રાઈવર રાખજો. તમારે જાતે કાર નથી ચલાવવાની. તમારે તો ચારેબાજુનું વાતાવરણ માણવાનું છે અને મમ્મી તું ઘેર જઈને પેઈન્ટિંગ કરજે. પપ્પા તારી બાજુમાં બેસીને જોશે અને તું ઈચ્છીશ ત્યારે તને શરબત આપશે અને તારા મનમાં નવા રંગો ઉમેરાશે.’

કનકભાઈ કહે, ‘અરે, હુંય ચિત્ર કરીશ અને વાર્તાઓ લખીશ. આપણા જીવનની સાચી વાર્તાઓ. તારી મમ્મી મને ગરમ ગરમ ચા આપશે.’

‘હા પપ્પા, તમે તમારી આકાંક્ષા અને અરમાન મુજબ જીવો. પૈસાની જરાય ગણત્રી ના કરશો.’

‘બેટા, તું હવે વધારે પૈસા અમારી પર ના ખરચીશ. અમને તો ઈશ્ર્વરે ખૂબ ખૂબ આપી દીધું છે. તું તારી જિંદગી વિશે વિચાર. અમારી જિંદગી અહીં બહુ સરસ રીતે ગોઠવાયેલી છે.’

શર્વિલ કહેતો, ‘મમ્મીપપ્પા મારે તમારા માટે બહુ બહુ કરવું છે. સમજાતું નથી હું શું કરું?’

‘બેટા તું આટલાં આદરમાન આપે છે અમને તેથી પૂરો સંતોષ છે’ સુહાબહેન કહેતાં.

‘મમ્મી, તેં તારા ચોવીસે ચોવીસ કલાક, તારા કેટલાં બધાં વરસો મને લખી આપ્યાં છે, મેં શું કર્યું છે તમારા માટે? તલભારે નથી કર્યું. તમે મને કેટલા લાડ કર્યાં છે.’

કનકભાઈ બોલ્યા, ‘દીકરા માબાપ તો લાડ કરે, સંતાન માબાપના જીવનનું કેન્દ્ર હોય, પણ તારે તો આગળ જોવાનું છે. હવે તારા પોતાના માટે વિચાર.’

જવાબમાં શર્વિલ હસે છે.

-અવંતિકા ગુણવંત

1146- જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ

જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ

કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.
૧.
કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ.

જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :

જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.

૨.
એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું, ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’

ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’

૩.
એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા :

‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું : ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.’

૪.
ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું, ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’

ડૉ. પાપાડેરોસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું : ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે. એમ માનીને હું એ ચાલુ રાખું છું.’

હવે બે પ્રાર્થનાઓ :

૧.
હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકાઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો આપ.

બીજાના દુઃખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુઃખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ.

ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

૨.(બીજી પ્રાર્થના)

હે પરમકૃપાળુ પરમાત્મા,

તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે.

હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.

અને છેલ્લે….
થોમસ કાર્લાઈલની એક વાત :

તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એક વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.સૌજન્ય-રીડગુજરાતી,કોમ ]

મોહમ્મદ માંકડ,Mohammad Mankad

ચિંતન લેખો અને પરિચય –સૌજન્ય-ગુજરાતી પ્રતિભા પરિચય 

1145 – ઋતુરાજ વસંતનાં વધામણાં… એક અછાંદસ ગીત..

તારીખ ૨૧ મી જાન્યુઆરી ૨૦૧૮ એટલે કે માધ (મહા) સુદ પાંચમના રોજ આ વર્ષે વસંત પંચમીનું આગમન થયું છે.

વર્ષની ઋતુઓમાં વસંત ઋતુ એક લોકપ્રિય ઋતુ છે એટલે જ એ ઋતુરાજ વસંત કહેવાય છે.

સામાન્ય રીતે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે નજીક નજીકમાં જ આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !વસંત એટલે પ્રકૃતીનું યૌવન અને વેલેન્ટાઇન ડે એટલે યુવાનોમાં ખીલેલી વસંત.

કાકા કાલેલકરે વસંત વિષે સુંદર અવલોકન કર્યું છે કે …

“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી,કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’
–કાકા કાલેલકર

વસંત ઋતુ આવતાં પ્રકૃતિમાં અને માનવ મનમાં અવનવા ફેરફારો નજરે પડે છે.વસંત ઋતુ આવ્યાની કઈ મુખ્ય નિશાનીઓ છે એ મારી નીચેની અછાંદસ કાવ્ય રચના ”ઋતુરાજ વસંતનાં એંધાણ ” માં જણાવી છે.

ઋતુરાજ વસંતનાં એંધાણ

વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર,
વાસંતી વાયરા વાય સવારથી સાંજ,
વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ,
આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર,
ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન,
યુવાની હોય છે જેમ જીવનની વસંત,
વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ,
ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન,
સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા,
પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ,
વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

વસંત પંચમીએ ઋતુરાજનું આગમન,
આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય,
કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

વિનોદ પટેલ,૧-૨૨-૨૦૧૮
વસંત પંચમી

વધુમાં, કવિ રાજેન્દ્ર શુક્લ રચિત નીચેની સુંદર ગઝલથી વસંતની પધરામણીને આવકારીએ.જાણીતા ગાયક અને સંગીતકાર અમર ભટ્ટ એ શાસ્ત્રીય રાગ વસંતમાં આ ગુજરાતી ગઝલ નું ગાન કર્યું છે.નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં એ સાંભળીને તમે જરૂર કશીશ અનુભવશો.

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!

ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!

ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી!

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!

– રાજેન્દ્ર શુક્લ
ગઝલસંહિતા મંડલ-૨ (મેઘધનુના ઢાળ પર), પૃષ્ઠ ૮૩.

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!

સ્વર – સંગીત : અમર ભટ્ટ
રચના : રાજેન્દ્ર શુક્લ

કવિશ્રી નો પરિચય  

સૌજન્ય- ટહુકો.કોમ 

વસંત પંચમી પ્રજ્ઞા-વિદ્યાની દેવી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસે લોકો આ બુદ્ધિની દેવીનું પૂજન-ગાન કરે છે .

જાણીતાં ગાયિકા અનુરાધા પૌંડવાલના સુરેલા કંઠે સરસ્વતી વંદના, સરસ્વતી ચાલીસા અને આરતી નીચેના વિડીયોમાં સાંભળી વિદ્યાની દેવીને અંતરના ભાવથી વંદન કરીએ અને વસંતને વધાવીએ.

Saraswati Vandana, Chalisa, Aarti By Anuradha Paudwal, Pranavi Full Audio Song Juke Box

1144 – અદ્દભુત છે આ માતાઓ …..સ્વ.અવંતિકા ગુણવંતની સત્યઘટનાત્મક વાર્તા

સ્વ.અવંતિકાબેનના દેહ વિલયની આ અગાઉની શ્રધાંજલિની પોસ્ટ   ના અંતે દર શનિવારે એમની એક વાર્તા પોસ્ટ કરવાનું જણાવ્યું હતું એ મુજબ આ શનિવારે એમની એક સત્ય ઘટનાત્મક વાર્તાથી શરૂઆત કરી છે .

સ્વ.અવન્તીકાબેનને અવાર નવાર બોસ્ટન એમની દીકરીને ત્યાં આવવાનું બનતું હતું.એમના અમેરિકાના અનુભવો ઉપર આધારિત એમણે ઘણી વાર્તાઓ લખી છે.આરપાર સામયિકમાં ”મુકામ પોસ્ટ અમેરિકા” નામની એમની કોલમમાં એમણે લખેલી વાર્તાઓ અમેરિકન સમાજના દર્પણરૂપ છે.   

આજની પોસ્ટની વાર્તા ” અદભુત છે આ માતાઓ” પણ એવી એક વાર્તા છે .આશા છે ,આપને એ ગમશે.

વિનોદ પટેલ 

(સ્વ.અવંતીકા ગુણવંત  …શ્રધાંજલિ … વાર્તા …. મણકો-૧ )

અદ્દભુત છે આ માતાઓ – સ્વ. અવંતિકા ગુણવંત … 

ઈન્ડિયાથી બોસ્ટન જતી વખતે એમ્સટર્ડમ પાંચ કલાકનો હોલ્ટ હતો. હું નિરાંતે ફરીને એરપોર્ટ જોતી હતી. ત્યાં એક બુક શોપ પર બેન્જામીન સાથે ઓળખાણ થઈ. એ સાહિત્યમાં રસ ધરાવતા હતા. વિશ્વસાહિત્યની શિષ્ટ કૃતિઓ વાંચેલી, ટાગોર અને રજનીશ વિશે પોતાનો અભિપ્રાય આપીને ભારતીય સંસ્કૃતિ વિશે એ મારી સાથે ચર્ચા કરવા લાગ્યા. મનેય રસ પડ્યો અને શાંતિથી વાત થઈ શકે માટે અમે ફરવાનું મૂકીને રેસ્ટોરાંમાં જઈને બેઠાં. થોડી અંગત વાતો થઈ. બેન્જામીનને મેં કહ્યું કે મારી દીકરી ભણે છે, જૉબ કરે છે અને એને નાનો દીકરો છે તેથી મદદ કરવા હું બોસ્ટન જાઉં છું.

તો તરત મને કહે : ‘તમારી દીકરી અને એના વરે એમનાં કામ ગોઠવવાં જોઈએ, તમારે શું કામ જવાનું ? એમની જિંદગી એમને સંભાળવા દો.’

‘હું હોઉં તો એમને દીકરાની ચિંતા ન રહે, ઘેર આવે તો તૈયાર રસોઈ મળે. અમારી રસોઈ સહેજે કલાક દોઢ કલાક માગી લે, ઘરનાં અન્ય કામો જાતે કરવામાં એમને યંત્રવત દોડધામ કરવી પડે, જીવનની મઝા જ જતી રહે. હું હોઉં તો દીકરી-જમાઈને રાહત રહે.’

‘તમારી દીકરી જીવનની મઝા માણી શકે માટે તમે તમારાં ઘરબાર, પતિને છોડીને મહિનાઓ સુધી પરદેશમાં પડી રહેશો. તમારી જિંદગી ભૂલી જશો ?’

‘ઘરબાર અને પતિથી દૂર રહું એટલે જિંદગી ભૂલી જવાય એવું મને તો નથી લાગતું. જિંદગીમાં એક નવો વળાંક આવ્યો છે, એક નવો રંગ જોવા મળ્યો છે, હું ને મારા પતિ અમારું બદલાયેલું જીવન માણીએ છીએ. અમારું સંતાન સુખેથી જીવે, એને તકલીફ ન પડે એ જ અમારો ઉદ્દેશ છે અને એ પાર પડે છે એથી આનંદ છે.’

આ સાંભળીને બેન્જામીન બોલી ઊઠ્યો : ‘અદ્દભુત હોય છે આ માતાઓ. સ્ત્રી મા બને એટલે સંતાન જ એના માટે સર્વોપરી બની જાય છે. જુઓને મારી બા. મારા બાપ એક જુલમી પતિ હતા. એ બહુ મહાત્વાકાંક્ષી હતા. એમને પદ, પૈસો, પ્રતિષ્ઠા બધું બેસુમાર જોઈતું હતું. એ બધું પ્રાપ્ત કરવા એમણે બહુ ધમપછાડા કર્યા, પણ ધાર્યા પ્રમાણે મેળવી શક્યા નહીં તો, નિરાશ થઈ ગયા. બાવરા બની ગયા. એમની હતાશા ગુસ્સારૂપે મારી મા પર ઠલવાય. એ માને ઘાંટા પાડે, માનું અપમાન કરે, હાંસી ઉડાવે, લાચાર પાડે અને છતાંય મા જો ટટ્ટાર ઊભી રહી હોય તો મારે, મારી મા ચીસો પાડે, રડે ત્યારે જ એ જંપે.

અમે ત્રણે ભાઈઓ એક ખૂણામાં ઊભા ઊભા ધ્રુજીએ. બાપ દૂર જાય પછી માને વળગીને રડીએ, પણ મારી બા અમને રડવા દે ? જરાય નહીં. એ તો અમને છાતી સરસા ચાંપીને એવી રીતે વાતો કરે કે અમારે રડવા જેવું કશું બન્યું જ નથી. બાપનો વર્તાવ તદ્દન સામાન્ય વાત હોય એમ એ વિશે તો એક અક્ષરે ન ઉચ્ચારે. એ પરીની વાત કરીને અમને બીજી જ દુનિયામાં લઈ જાય, ગીતો ગાય ને વાતાવરણ સાવ હળવું બનાવી દે. એ અમારી સાથે રમેય ખરી. ત્યારે અમને ખબર ન હતી પડતી કે મા એના હૈયા પર કેવડો મોટો પથ્થર મૂકીને હૈયામાં ઊઠતું આક્રંદ દબાવી દેતી હશે. સંતાનો ખાતર એ કેટકેટલું દુ:ખ પચાવતી હશે. અને આ કોઈકવાર બનતી ઘટના ન હતી, રોજેરોજ મારા બાપ કોઈને કોઈ તોફાન કરતા જ, કોઈકવાર દિવસે, કોઈકવાર રાત્રે. એમને કોઈ દયા-માયા ન હતી. શરમ-સંકોચ ન હતાં. મારી માની સતત રિબાણી અને શોષણ થયા જ કરતું.

બરાબર પંદર વર્ષ મારી માએ આ બધું સહન કર્યું. અમે ત્રણ ભાઈઓ મોટા થયા, સમજણા થયા ત્યાં સુધી મારી મા ધીરજ રાખીને સહન કરતી રહી. એ મરી નહીં કે પાગલ ન થઈ ગઈ. અંદરથી એ કેટલી મજબૂત હશે. અમારે માટે એને કેટલો પ્રેમ હશે ! અમે સમજણા થયા પછી એણે છૂટાછેડા લીધા. અને નવાઈની વાત તો જુઓ, સંસારમાંથી એને જરાય રસ નહતો ઊડી ગયો. એણે ફરી લગ્ન કર્યા. એ તો કહે છે કે, જીવન જીવવા માટે છે, રડી રડીને પાયમાલ કરવા નહીં. જીવનને ખીલવા દેવાનું. પાંગરવા દેવાનું. અમે નાના હતા, ત્યારે બાળકને જીવનમાં બાપની જરૂરત છે, એમ એ સમજતી હતી. કદાચ મારા બાપ સમજી જાય, સુધરી જાય એ આશાએ માએ રાહ જોયા કરી, પણ બદલાવ ન આવ્યો તો છૂટી થઈ ગઈ.

એણે ફરી એકવાર એના જીવનને સંવારવા લગ્ન કર્યાં. એને એક દીકરી થઈ. દીકરી મંદબુદ્ધિની અને શારીરિક રીતે ખોડવાળી હતી. એ છોકરી નોર્મલ બની શકે એવી કોઈ શક્યતા ન હતી. મારી માના નવા વરે એ છોકરીને કોઈ સંસ્થામાં આપી દેવાનું કહ્યું. માએ ના પાડી તો એ સજ્જન કહે, આ બાળકી આપણને જિંદગી નહીં ભોગવવા દે. એનો ભાર વેંઢારવાની મારી શક્તિ નથી, ને ઈચ્છાય નથી. આવી છોકરી માટે મને હેત નહીં ઊપજે.

ત્યાં ફરી એકવાર માતૃત્વનો વિજય થયો. મારી માએ છૂટાછેડા સ્વીકારી લીધા. અત્યારે મા એ છોકરીની સાથે નાના એપાર્ટમેન્ટમાં રહે છે. એ છોકરી સંપૂર્ણપણે મા પર આધારિત છે, ખાવું, પીવું, નાહવું, કપડાં પહેરવાં, એ મા સિવાય કોઈને ઓળખતી નથી. માને ન જુએ તો સંકોચાઈને કોકડું વળીને પડી રહે. શરૂઆતમાં મને માનું હૈયું સમજાયું ન હતું. હું કહેતો મા આ છોકરીનું તું ગમે એટલું કરે, બધું નકામું છે, શું કામ તેં એકલે હાથે આની જવાબદારી લીધી ? ત્યારે મારી માએ શું કહ્યું તમને ખબર છે ? એ કહે, કારણ કે હું એની મા છું. દીકરીને મારી જરૂર છે, મારે એની. ત્યારે મારા મનમાં થતું કે અમે સમજણા થયા પછી માએ શું કામ અમને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધા ને ફરીથી લગ્ન કરી લીધાં ? મા સ્વાર્થી છે – આવા વિચારોથી મેં મા સાથેનો સંબ્ંધ કાપી નાખ્યો.

હું એને કાગળ ન લખતો, ફોન ન કરતો. પણ મા ક્રિસમસમાં મને ‘મેરી ક્રિસમસ’ અને ‘હેપી ન્યૂ યર’નું કાર્ડ મોકલતી. મારી વર્ષગાંઠે શુભેચ્છા, શુભાશિષ અને પ્રેઝન્ટ મોકલતી. હું સામે ‘થેંક યુ’નું કાર્ડ ન મોકલતો કે એને શુભેચ્છા ન પાઠવતો. હું રિસાઈ ગયો હતો. ત્યારે મને એવું લાગતું હતું કે હું બહુ દુ:ખી છું, મારું બાળપણ બહુ ખરાબ ગયું. મેં બહુ સહન કર્યું. હું એવો અંતર્મુખ થઈ ગયો હતો કે મારા ભાઈઓ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. ત્યારે હું રોતલ મનોદશાને પોષે એવું સાહિત્ય વાંચતો હતો. મારું મન નિર્બળ થાય એવા વિચારો જ હું કર્યા કરતો. મને થયું, દુનિયામાં હું એકલો જ દુ:ખી છું. નાનપણમાં મેં માને ત્રાસ પામતી, જુલમ સહન કરતી જોઈ હતી, છતાં કોને ખબર કેમ મને એવું લાગવા માંડ્યું હતું કે માએ મારી દરકાર જ નથી કરી. મેં એકલાએ જ આટલું બધું દુ:ખ વેઠ્યું. મેં જાતે જ ગુસ્સામાં આવીને બધા સાથેનો જીવંત સંપર્ક કાપી નાખ્યો.

પરંતુ મારું વાંચવાનું ચાલુ રહ્યું હતું. આજે લાગે છે કે મારામાં મારી માની જેમ એક પ્રકારની દઢતા હતી, જેણે મને ટકાવી રાખ્યો, પડી ભાંગવા ન દીધો. હું કશું બનવા ચાહતો હતો એના માટે મથ્યા કરતો હતો. તેથી જ સાહિત્યમાં હું ઊંડો ઊતરતો ગયો. મારા વાચને મને વિદ્વાન બનાવ્યો. આજે હું કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવું છું. જ્ઞાન આપું છું. પણ માત્ર શાસ્ત્રીય જ્ઞાન નહીં. એમને હું જીવન વિશેનું જ્ઞાન આપું છું, સમજ આપું છું. હું એમને એક વાત ઠોકી ઠોકીને કહું છું, માણસે જો જીવવું હોય, ગમે તેવા સંયોગોમાંય હિંમત હાર્યા વિના જીવનપ્રવાહને આપણી ઈચ્છિત દિશામાં વાળવો હોય તો ફાઈટિંગ સ્પિરિટ કેળવો. હાર ના કબૂલો. પડો તોય ફરી ઊભા થાઓ. તમારા હૃદયને સંતોષ થાય, આનંદ મળે એ જ કરો. સાચું લાગે એ જ કરો.

વિદ્યાર્થીઓને આવું કહેતાં કહેતાં, હું મારી જાતનો અભ્યાસ તો કરતો જ હતો. મારી ગઈકાલ અને આજનો, હું આજે જેવો છું એવો કેવી રીતે બન્યો. એ કોને આભારી છે. હું બીજું કંઈ નહીં ને પ્રોફેસર જ કેમ બન્યો. મારા અનુભવના અંતે મેં જે તથ્ય મેળવ્યું એ બીજાને આપવા કેમ આતુર છું. એ બધા વિશે હું વિચાર કર્યા જ કરતો.’

‘તમે આજે જે છો એ તમારા સ્વપ્રયત્ને જ છો ને ?’ મેં પૂછ્યું.

‘સ્વપ્રયત્ન ખરો, પણ એને પ્રેરનાર કોણ ? મારી મા. ભલે મેં મા સાથેનો દેખીતો સંબંધ કાપી નાખ્યો હતો, પણ હું એનાથી દૂર નહોતો જઈ શક્યો. એ મારી અંદર જ હતી, સતત મારી સાથે હતી. એ જ મારી સૌથી નિકટ હતી અને છે.’

‘તોય હજી મા સાથે સંબંધ થયો નથી ? સંપર્ક નથી રાખતા ? એમનાથી દૂર જ છો ?’

‘મા સાથે ગઈ સાલથી સંબંધ ચાલુ થયો છે. માની બહુ યાદ આવતી હતી તો હું મળવા ગયો. મને હતું માની જિંદગી શુષ્ક અને વેરાન થઈ ગઈ હશે. મંદબુદ્ધિની છોકરીએ એને નીચોવી કાઢી હશે. જીવવા ખાતર એ જીવતી હશે પણ ત્યાં જઈને મેં શું જોયું ખબર છે ? માની જિંદગી તો ભરી ભરી હતી. એ અને એની દીકરી હસતાં હતાં, ખુશખુશાલ હતાં. માને કોઈ ફરિયાદ ન હતી. હું ગયો, કેટલાં વરસો પછી ગયો તોય વહાલથી મને ગળે વળગાડ્યો, ઉમળકાથી વાતો કરી. એટલા પ્રેમ અને ઉમંગથી જમાડ્યો કે અમે જાણે કદી જુદાં જ નથી પડ્યાં. આવી મા માટે મને ગૌરવ થઈ આવ્યું. એ આપવાનું જ જાણે છે, કંઈ માગતી નથી.’

‘તમારી મા ક્યાં રહે છે ?’

‘બોસ્ટન, હું માને મળવા જાઉં છું, અત્યારે બને તે મારી સાથે મારા ઘેર લઈ જઈશ.’

‘તમારાં પત્ની અને બાળકોને એ ગમશે ?’ મેં પૂછ્યું.

‘પત્ની ? મેં લગ્ન નથી કર્યાં, કોઈ બાળકને દત્તક નથી લીધું. મા સિવાય બીજું કોઈ આટલું બધું મારી નિકટ આવ્યું જ નથી.’ બેન્જામીન બોલ્યા.

‘તમારી મા તમને લગ્ન કરી લેવાનું કહેતાં તો હશે ?’ મેં પૂછ્યું.

‘ના. લગ્ન મારો નીજી મામલો છે, મા એ અંગે કશું ન બોલે. મારે સ્ત્રી મિત્રો છે. એકની સાથે હું આઠ વર્ષ રહ્યો હતો.’

‘તો લગ્ન ન કર્યાં ?’

‘લગ્ન કરવા જેટલી તીવ્ર લાગણી મને કદી ઉદ્દભવી ન હતી. એ મિત્ર લગ્ન માટે દબાણ કરતી હતી, એટલે હું જુદો થઈ ગયો. છેલ્લાં બે વર્ષથી બીજી એક સ્ત્રીમિત્ર સાથે રહું છું, અત્યારે તો લગ્નનો વિચાર નથી.’

‘લગ્ન માટે શુભકામના કહી શકું ?’ મેં પૂછ્યું.

એ ખડખડાટ હસી પડ્યો.

ખડખડાટ હાસ્યે ઘણું બધું કહી દીધું.

– અવંતિકા ગુણવંત   (સત્યઘટના પર આધારિત)

 

સ્વ.અવંતિકાબેનએ આપેલ પરિચય ..એમના જ શબ્દોમાં …

(સૌજન્ય-ગુજરાતી સાહિત્ય સંગમ- શ્રી વિજય શાહ )

અવંતિકા ગુણવંત (મહેતા) ની સુહાની જીવન સફર

1143 – બાબો છે કે બેબી? …. ડો.શરદ ઠાકર

ડો.શરદ ઠાકરની વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેની એક તસ્વીર  

લેખડો.શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવા ઉપરાંત એક લોકપ્રિય કટાર લેખક અને અનોખા સર્જક પણ છે.‘દિવ્ય ભાસ્કર’દૈનિકની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘ડોક્ટરની ડાયરી’ અને રવિવારની પૂર્તિ ‘સન્ડે ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી એમની લોક પ્રિય કોલમ ‘રણમાં ખીલ્યું ગુલાબ’ના ક ડો..શરદ ઠાકર ઘણાં વર્ષોથી શબ્દોની આરાધના કરીને એમની કલમની કરામતનો ગુજરાતી વાચકોને આસ્વાદ કરાવી રહ્યા છે.

સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી અને સંવેદનશીલ પ્રસંગોને આવરી લઈને ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં છે.

બાબો છે કે બેબી? …. ડો.શરદ ઠાકર

એક જગાએ દર્દ હો તો થાય કંઇ એની દવા!
હોય જો રગરગ મહીં અંગાર, કોઇ શું કરે?

-મરીઝ 

‘સાહેબ, સોનોગ્રાફી કરાવવી છે. પેલું જોવા માટે…’‘શું જોવા માટે?’

‘બાબો છે કે બેબી…?’

‘માફ કરજે, બહેન! હું એ કામ નથી કરતો.’

‘કેમ નથી કરતા? અમે તો તમારા વીસ વરસ જૂનાં પેશન્ટ્સ છીએ. અમારું આખું ફેમિલી…’ ‘જાણું છું, બહેન. તમારા પરિવારની કુલ મળીને સાત સુવાવડો અને આઠ ઓપરેશનો મારા નર્સિંગહોમમાં થયેલાં છે. હું બીજા વીસ વરસ તમારા ફેમિલી ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવાઓ આપવા તૈયાર છું. પણ ગર્ભનું જાતિ-પરીક્ષણ કરવું કે કરાવી આપવું એ અત્યારના કાયદા પ્રમાણે ખૂબ મોટો ગુનો બને છે. મારે ગુનેગાર નથી બનવું.’

છ-સાત મહિના પહેલાંની ઘટના. એક ચુસ્ત, રાજસ્થાની પરિવારની વહુ ચાર મહિનાની ગર્ભાવસ્થા સાથે મારી પાસે બાબો-બેબીની તપાસ કરાવવા માટે આવી. મેં ના પાડી, તો એ જીદ કરવા લાગી.

‘પણ તમે અમારું કામ શા માટે ન કરી આપો? અમે તમને પૈસા આપવા તૈયાર છીએ. તમારી ફી બોલો, ‘પાંચ હજાર? દસ હજાર?’

‘બહેન, કાયદા વિરુદ્ધનું કામ કરવા માટે પાંચ-દસ હજાર બહુ નાની રકમ ગણાય. એના કરતાં તો હું જૉ દારૂની હેરાફેરી કરું તો દર મહિને પાંચ-દસ લાખ પાડી શકું. મારે ખોટું કામ નથી કરવું, એટલે તો આ નાનાં-નાનાં પડીકાં વાળવા બેઠો છું. બાકી જૉ હું અસંતોષી હોત, તો આ આસમાન પણ મને ઓછું પડત!’

લક્ષ્મી એનું નામ. વરનું નામ મંગાજી મારવાડી. પૈસાદાર કુટુંબ. ચાર અલગ-અલગ વિસ્તારોમાં ચાર મોટા પ્રોવિઝન સ્ટોર્સ એમની માલિકીના. સંયુકત કુટુંબ. વડલા જેવા દાદાજી અને ધેઘૂર આંબલીના ઝાડ જેવી દાદીમા હજુ હયાત હતાં. ચાર દિયર-જેઠ અને ચાર દેરાણી-જેઠાણીનો જટાઝૂંડ ઝમેલો. દોથો ભરીને છોકરા- છૈયાં. નેવું ટકા ઉત્પાદન નર જાતિનું. માત્ર લક્ષ્મીની કૂખે બે ‘લખમીઓ’ જન્મેલી. આ ત્રીજી વારની ગર્ભાવસ્થામાં શું જન્મશે એ માત્ર ઇશ્વર જાણે.

બે દિવસ પછી લક્ષ્મી એના ધણીને સાથે લઇને આવી. મંગાજી સીધો માણસ પણ વેપારી હોવાના નાતે એની નસ-નસમાં જમા-ઉધાર અને નફો-નુકસાન રકતકણ-શ્વેતકણની જેમ વહી રહ્યાં હતાં. ‘સાહેબ, મું ઇમ જાણવા માંગતો કે મારી ઘરવાળીનાં પેટમાં ટાબરો હે કિ ટાબરી?’

‘જે દિવસે સુવાવડ થશે, તે દિવસે હું સૌથી પહેલાં તને જણાવીશ!’

‘ઇમ નહીં, સાહેબ. મારે તો અબાર જાણવું હે.’

‘વો તો મુશ્કિલ હી નહીં, નામુમકિન ભી હૈ.’

એના ભાગની દલીલો એણે કરી. મારા હિસ્સાના સંવાદો હું બોલી ગયો. છેવટે મારે કડક શબ્દોમાં કહી દેવું પડયું કે એમનું કામ એમની અપેક્ષા મુજબ હું કરી આપવાનો નથી, નથી અને નથી! એ માટે જૉ એમણે બીજા ગાયનેકોલોજિસ્ટ પાસે જવું હોય તો જઇ શકે છે. (એવા બે-ચાર જણાને તો હું ઓળખું પણ છું અને બહુ ટૂંકા સમયમાં એ મિત્રો મરવાના છે એ પણ હું જાણું છું!)

પણ લક્ષ્મી અને એનો વર મંગાજી મને વળગી રહ્યાં. પાંચ મહિના, છ મહિના, સાત,આઠ, નવ…! સમય અને હવા, દેખાતાં નથી પણ વહેતાં રહે છે. નવ મહિનાના અંતે એક દિવસ સવારના પહોરમાં લક્ષ્મી ‘લેબર પેઇન્સ’ સાથે મારા નર્સિંગહોમમાં દાખલ થઇ. મેં શારીરિક તપાસ પૂરી કર્યા પછી અંદાજ કાઢયો કે લગભગ બપોરના બે વાગતાં સુધીમાં એની સુવાવડ થઇ જવી જૉઇએ. સિઝેરિયન કરવાનો કોઇ પ્રશ્ન જ ઠતો નહોતો. બધું બરાબર હતું.

અંગત રીતે હું પોતે તણાવગ્રસ્ત હાલતમાં હતો. લક્ષ્મીને આ વખતે શું આવશે, બાબો કે બેબી? મને થયા કરતું હતું કે બાપડીને બાબો આવે તો સારું.

‘કેમ, તમે પણ દીકરા-દીકરીમાં ભેદ પાડવા મંડયા?’ મારો એક ડોકટર મિત્ર મને મળવા આવેલો, એણે કટાક્ષમિશ્રિત આશ્ચર્ય સાથે મને પૂછી લીધું.

‘ના, દોસ્ત! ભેદ ભગવાને નથી પાડયો, તો પછી એ બંને વરચે ભેદ જૉનારા આપણે કોણ? અને આમ પણ ગાયનેકોલોજિસ્ટની ભૂમિકા ક્રિકેટ મેચના તટસ્થ અમ્પાયર જેવી હોય છે. જે થાય તે જૉયા કરવાનું. સાક્ષીભાવે ભા રહેવાનું. કોઇ બેટ્સમેન શૂન્ય કરે કે સદી, અમ્પાયરે ન દુ:ખી થવાનું, ન રાજી થવાનું.’

‘તો પછી આ વખતે અમ્પાયર એવું કેમ ઇરછે છે કે આ બેટ્સમેન સદી જ ફટકારે?’

‘બાપડી લક્ષ્મીને બે દીકરીઓ તો પહેલેથી જ છે. ત્રીજી આવશે તો એનાં સાસુ-સસરા, જેઠ-જેઠાણીઓ અને આ મંગાજી એને સુખેથી જીવવા નહીં દે અને પાછી ચોથી સુવાવડ તો ભી ને ભી જ રહેશે… દીકરા માટે.’

સમય નીકળી ગયો. બપોરે એક વાગી ને સાડત્રીસ મિનિટ અને ચોવીસમી સેકન્ડે લક્ષ્મીએ બાળકને જન્મ આપ્યો. મારું પહેલું ઘ્યાન નવજાત શિશુની જાતિ તરફ ગયું. એ દીકરો હતો. મને ‘હાશ’ થઇ.

લક્ષ્મી પરસેેવે રેબઝેબ હાલતમાં માથું એક તરફ ઢાળીને પડી હતી. મેં લોહીથી ખરડાયેલું બાળક પગથી પકડીને ધું લટકાવીને એની સામે ધર્યું, ‘બે’ન! જૉ, તેં દીકરાને જન્મ આપ્યો છે! હવે તો ખુશ ને?’ ‘જાણું છું, સાહેબ! પાંચ મહિનાથી જાણું છું કે આ વખતે દીકરો આવવાનો છે એટલે ખુશ તો ખરી જ, પણ આજથી નહીં, પરંતુ પાંચ મહિનાથી…’

હું માની ન શકયો. ‘તને કેવી રીતે ખબર પડી કે આ વખતે દીકરો જ છે?

લક્ષ્મી હસી, ‘સોનોગ્રાફીનો ટેસ્ટ કરાવ્યો હતો ને! ડોકટરે પાંચમાં મહિને જ જણાવી દીધેલું કે…!’ હંુ હચમચી ગયો, શું? આટલા કડક કાયદા વરચે તને કોઇએ ગર્ભનું જાતિ પરીક્ષણ કરી આપ્યું? હું માની શકતો નથી!’

‘એમાં ન માનવા જેવું શું છે, સાહેબ? આ દેશમાં કાયદાનું શાસન નથી, પણ પૈસાનું રાજ ચાલે છે. પૈસો બોલે છે! એ પણ મોટી રકમ નહીં, માત્ર સાતસો રૂપિયા લઇને એક ડોકટરે એ કામ કરી આપ્યું જે તમે દસ હજારના બદલામાં પણ કરી આપવાની ના પાડતા હતા.’

‘પણ સરકાર આટલી કડક છે, અદાલતો આક્રોશમય છે, છતાં પણ આવું બધું ચાલતું હોય છે?’ લક્ષ્મી હસી. એ બહુ ભણેલી ન હતી. એની પાસે શાબ્દિક અભિવ્યકિત સબળ ન હતી પણ એનો ચહેરો ઘણું બધું બોલી રહ્યો હતો, ‘સાહેબ, સરકાર ફીફાં ખાંડે છે. ગાયનેકોલોજિસ્ટો અને સોનોગ્રાફી કિલનિકો પર દરોડાઓ પાડવાથી શું વળવાનું છે! ડોકટરો કંઇ સામે ચાલીને દર્દીના ઘરે થોડા જાય છે? આજ સુધીમાં આરોગ્ય ખાતાએ એવાં કેટલાં દંપતીઓને પકડયાં, જેઓ ગમે તે ડોકટરને પૈસાની લાલચ આપીને પોતાના સ્વાર્થ માટે આ પાપકર્મમાં ભાગીદાર બનાવે છે? સમસ્યાનું મૂળ બીજે કયાંક પડેલું છે. ડાળી-ડાંખળાને કાપવાથી કશું નથી વળવાનું. સમાજમાં ડોકટરોની ઇજજત કમ કરવાને બદલે દીકરીઓની સ્થિતિ સન્માનજનક બનાવો તો જ સ્રી-પુરુષનો જન્મદર સચવાશે. બાકી તો લક્ષ્મીની લક્ષ્મીઓ જન્મતાં પહેલાં જ મરતી રહેશે.

(શીષર્ક પંકિત:- અમૃત ‘ઘાયલ’)

ડો.શરદ ઠાકર
સંપર્ક —
drsharadthaker@yahoo.com

સૌજન્ય-https://gujaratiliterature.wordpress.com

1142 -મારાં પ્રેરણાસ્રોત જાણીતાં લેખિકા અવંતિકા ગુણવંતની  ચિર વિદાય  – હાર્દિક શ્રધાંજલિ

”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”  

-અવંતિકા ગુણવંત  

 મને સુપરિચિત અને પ્રેરણાસ્રોત પ્રિય લેખિકા અવંતિકાબેન ગુણવંત હવે સદેહે નથી રહ્યાં એ સમાચાર જાણીને ખુબ જ દુખ થયું.

સમાજમાં જીવાતા જીવનનો પડઘો પાડતું સત્વશીલ સાહિત્ય ઘણા વર્ષોથી એમની કોલમોના  માધ્યમથી પૂરું પાડી અનેક વાચકોમાં પ્રિય બનેલાં જાણીતાં લેખિકા અવંતિકા ગુણવંતનું અમદાવાદમાં તેમના નિવાસસ્થાન ‘’શાશ્વત ‘’ માં તારીખ ૯ મી ડીસેમ્બર, ૨૦૧૭ , શનિવાર ના રોજ સાંજે દુખદ નિધન થયું .પાલડી વિસ્તારમાં આવેલ વી.એસ. હોસ્પિટલ પાછળના સ્મશાનગૃહમાં અવંતિકાબહેનનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

અવંતિકાબેનનો જન્મ ૧૭ મી ફેબ્રુઆરી,૧૯૩૭ માં અમદાવાદ ખાતે થયો હતો.અવસાન વખતે એમને ૮૧ મુ વર્ષ ચાલતું હતું. છેલ્લા ઘણા સમયથી એમની તબિયત નાદુરસ્ત રહેતી હતી.એમનું મૂળ વતનનું ગામ ઝુલાસણ મારા વતનના ગામ ડાંગરવાની ખુબ નજીક આવેલું છે.  

વાંચન,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની મુખ્ય શોખની પ્રવૃત્તિ રહી હતી.

એમનાં બે સંતાનો-દીકરો-મરાલ સાઉદી એરેબીયામાં અને દીકરી પ્રશસ્તિ,બોસ્ટન,યુ.એસ.એ.માં  એમ બન્ને વિદેશમાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી સારી રીતે સેટ થયાં છે અને આજે સપરિવાર  સુખી છે.

અવંતિકાબેન શરૂઆતથી જ એમના પતિ શ્રી ગુણવંતભાઈનું નામ એમના નામ સાથે જોડીને અવંતિકા ગુણવંતના નામે લખતાં હતાં.ગુણવંત જાણે કે એમની અટક બની ગઈ હતી.

અવંતિકા ગુણવંત વર્ષોથી મુંબાઈ સમાચાર,જન્મભૂમિ-પ્રવાસી,સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર),હલચલ,સાંવરી(કલકત્તા),અખંડાનંદ વી. પ્રકાશનોમાં એમની કોલમોમાં સ્ત્રીઓના પ્રશ્નો,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખો લખીને વાચકોમાં પ્રિય બન્યાં હતાં .

૨૦૦૪-૨૦૦૫ દરમ્યાન આરપાર સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો -વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.

ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર,જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો/વાર્તાઓને  વાચકો ખુબ રસથી વાંચતા હતા..

આજસુધીમાં એમનાં 24 પુસ્તકો પ્રકાશિત થયાં છે.

અવંતિકાબેનનાં ખુબ વખણાએલાં પુસ્તકોની યાદી .

[1] આપણી પ્રસન્નતા આપણા હાથમાં [2] ગૃહગંગાને તીરે. [3] સપનાને દૂર શું નજીક શું ? [4] અભરે ભરી જિંદગી [5] પ્રેમ ! તારાં છે હજાર ધામ [6] કથા અને વ્યથા [7] માનવતાની મહેક [8] એકને આભ બીજાને ઉંબરો [9] સહજીવનનું પ્રથમ પગથિયું [10] ત્રીજી ઘંટડી [11] હરિ હાથ લેજે [12] સદગુણદર્શન [13] ધૂપસળીની ધૂમ્રસેર [14] તેજકુંવર ચીનમાં [15] તેજકુંવર નવો અવતાર.

તેઓ માત્ર વાર્તા લેખિકા જ નહોતાં પરંતુ એમના સકારાત્મક અને સત્વશીલ સમાજ લક્ષી સાહિત્ય રચનાઓના માધ્યમથી ઈશ્વર પેટલીકરની જેમ સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહેલ એક સામાજિક કાર્યકર પણ હતાં.ઘણા વાચકો એમની કોલમોમાં પ્રગટ થતા સાહિત્યથી પ્રેરિત થઇ તેમને રૂબરૂ મળવા મુંબઈ અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી એમના નિવાસ સ્થાને આવતા અને એમના પ્રશ્નો એમની સમક્ષ રજુ કરતા.તેઓ દરેક મુલાકાતીને પ્રેમ અને ધીરજથી સાંભળતાં અને યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપતાં હતાં.

સન્ડે-ઈ-મહેફિલના સંપાદક મારા મિત્રશ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના બ્લોગમાં અવંતિકાબેનના વ્યક્તિત્વની ખાસિયતોનો પરિચય આપતાં સુંદર લખ્યું છે કે …

પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ છે .”  

શ્રીમતી અવંતિકાબેન ગુણવંત સાથે મારો સૌ પ્રથમ પરિચય ૨૦૦૩માં અમેરિકન જીવન પરના એમના અનુભવો આધારિત સત્યઘટનાત્મક વાર્તાઓના પુસ્તક ´છેલ્લી ઘંટડીવાંચ્યા પછી એમના એક પ્રસંશક તરીકે થયો હતો.એ વખતે નિવૃતિની પ્રવૃત્તિ તરીકે હું ન્યૂયોર્કથી પ્રકાશિત ગુજરાતી અખબાર ગુજરાત ટાઈમ્સમાં લેખ/કાવ્યો લખી મોકલતો હતો.આ અખબારમાં એમના પુસ્તક ‘’છેલ્લી ઘંટડી ‘’પુસ્તક વિષે સારો અભિપ્રાય વાંચીને મેં એ ખરીદીને વાંચ્યું.મને એ ખુબ ગમ્યું.મેં પુસ્તકમાં આપેલા એમના સરનામે પત્ર લખ્યો .એના જવાબમાં એમના પત્રમાં મને પ્રોત્સાહિત કરતાં એમણે લખ્યું લખવાનું ચાલુ રાખશો.બંધ ના કરશો.તમે સારું લખી શકો એમ છો ‘’ત્યારબાદ એમના અન્ય પત્રો દ્વારા તથા ફોનમાં થતી વાતચીતમાં તેઓએ મારા અંગત જીવનમાં રસ લઇ મને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે.દા.ત.એમના નવેમ્બર ૩૦,૨૦૦૫ના એક પત્રમાં તેઓએ મને લખ્યું હતું:

હમણા શું નવું વાંચ્યું ?લખ્યું ?તમારા સંસ્મરણો લખો છો? ચિંતન,મનન ના અંતે જે પ્રાપ્ત થાય એ અને જીવનભરના અનુભવો દ્વારા જે તારતમ્ય ,દ્રષ્ટિ મળ્યાં એ બધું કલમ દ્વારા સમાજને મળો એ જ શુભેચ્છા.કોઈને ફાયદો થાય ,પ્રેરણા મળે.લખવા બેસીએ છીએ ત્યારે આપણે આપણા વિચારોમાં વધારે સ્પષ્ટ બનીએ છીએ.એ આપણો  learning process બની રહે છે. ‘’

અવંતિકાબેનએ મને લખેલા બધા જુના પત્રો મારી ફાઈલમાં મેં હજુ જતનથી સાચવી રાખ્યા છે.

નિવૃતિમાં લેખનની પ્રવૃત્તિ ચાલુ રાખવાના ઉદ્દેશ્યથી મારી ૭૫ વર્ષની ઉંમરે નવું લેપટોપ કમ્પ્યુટર ખરીદી એમાં ગુજરાતીમાં લખવાનું જ્ઞાન મેળવી સપ્ટેમ્બર,૨૦૧૧ થી શરુ કરેલ મારો  આ ગુજરાતી બ્લોગ વિનોદ વિહારઅવંતિકાબેનની પ્રેરણા અને માર્ગદર્શનનું પરિણામ છે એમ હું ચોક્કસ પણે માનું છું જેના માટે હું એમનો ઋણી છું.

નવેમ્બર ૨૦, ૨૦૦૭ ના રોજ હું અવંતિકાબેન અને ગુણવંતભાઈને  એમના નિવાસ્થાને પ્રથમવાર રૂબરૂ મળ્યો વખતે સારસ બેલડી સમાં ખુશમિજાજી દંપતીની મારા કેમેરામાં કેદ કરેલી એક યાદગાર તસ્વીર આ રહી.

નવેમ્બર/ડીસેમ્બર ૨૦૦૭ માં મારી અમદાવાદની મુલાકાત વખતે એમના પાલડી વિસ્તારમાં આવેલ  શાશ્વતબંગલે મારે  અવંતિકાબેનને ત્રણ વાર રૂબરૂ મળવાનો,સાથે ભોજન લેવાનો અને લંબાણથી વાતચીત કરવાનો લાભ મળ્યો હતો.આટલાં જાણીતાં અને વ્યસ્ત લેખિકા હોવા છતાં,આ નખશીખ સન્નારીની આડમ્બર વિહીનતા,સાદગી અને સ્નેહ અને માયાળુ સ્વભાવનો એમની સાથેની આ પ્રત્યક્ષ મુલાકાતો દરમ્યાન જે અનુભવ મને થયો એ કદી ભૂલ્યો ભૂલાય એમ નથી.

તારીખ  ૨૧ નવેમ્બર ૨૦૦૭ ની એમની સાથેની મુલાકાત વખતે એમણે એમનાં ચાર પુસ્તકો એમના હસ્તાક્ષર અને આશીર્વચનો લખીને મને ભેટ આપ્યાં હતાં. કથા અને વ્યથા ભેટ પુસ્તકના અર્પણના પેજ પર અવંતિકાબેનના હસ્તાક્ષરમાં એમનો સ્નેહ નીતરતો સંદેશ આ રહ્યો.

 એમના પતિ શ્રી ગુણવંતભાઈ પણ ખુબ મજાના અને મળતાવડા સ્વભાવના માણસ છે. ’એક દુજે કે લિયે’ બન્યાં હોય એવાં આ આદર્શ પતી-પત્ની વચ્ચે અનોખો પ્રેમ હતો.અવંતિકાબેન નાદુરસ્ત તબિયત હોવા છતાં એમની કોલમો માટેના લેખો પથારીમાં સુતાં સુતાં ગુણવંતભાઈને લખાવતાં જેને તેઓ જે તે પ્રકાશનોને નિયમિત પોસ્ટમાં મોકલી આપતા.જીવનના અંત સુધી  અવંતિકાબેનની માંદગીમાં એમની ઉચ્ચતમ કાળજી રાખી સેવા બજાવી  આદર્શ દામ્પત્યનું એક ઉમદા ઉદાહરણ ગુણવંતભાઈએ સૌને માટે પૂરું પાડ્યું છે.એમનાં સદાનાં સુખ-દુઃખનાં જીવન સાથી અવંતિકાબેન જતાં તેઓ હવે એકલા થઇ ગયા !આ વીકમાં એમને દિલાસા આપતો ફોન મેં કર્યો હતો,એમાં તેઓએ મને જણાવ્યું કે આ ફેબ્રુઆરી ૨૦૧૮ થી તેઓ એમની દીકરી પ્રશસ્તિ સાથે એના આગ્રહથી બોસ્ટનમાં  રહેવા આવી જવાના છે.  

સૌને સમજાય એવા સરળ શબ્દોથી હૃદયને સ્પર્શી જાય એવા સત્વશીલ સાહિત્ય દ્વારા અનેક વાચકોને પ્રેરણા આપનાર અવંતિકાબેનની ખોટ ખુબ વર્તાશે.જીવનના અંત સમય સુધી એમની કોલમોમાં કલમ ચલાવતી રાખી એમના શબ્દ સાહિત્યથી ગુજરાતી ભાષાને એમણે સમૃદ્ધ કરી છે. સદેહે ભલે અવંતિકાબેન આપણી વચ્ચે નથી પણ અક્ષર દેહે એમનું નામ અમર રહેશે.

એમના અનેક પ્રસંશકોનાં પ્રેરણાસ્રોત અને માર્ગદર્શક સ્વ.અવંતિકાબેનના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે એવી પ્રાર્થના.મારી હાર્દિક શ્રધાંજલિ.

 

સ્વ.અવંતિકા ગુણવંત વિનોદ વિહારના વાચકો માટે અપરિચિત નથી .એમની વાર્તાઓ અગાઉ વિનોદ વિહારની ઘણી પોસ્ટમાં પરિચય સાથે પ્રસિદ્ધ થઇ છે જેને આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

 

એક સુચના … 

વિનોદ વિહારની હવે પછીની  પોસ્ટમાં અવંતિકાબેનના દેહ વિલયના   દિવસે એટલે કે દર શનિવારે એમની સ્મૃતિમાં એમની  પ્રગટ વાર્તાઓમાંથી  મારી પસંદગીની એક વાર્તા પોસ્ટ કરવામાં આવશે.