ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1147- ”સંજોગો પ્રમાણે જીવન જીવવું ખોટું નથી ” …સ્વ.અવંતિકા ગુણવંત …શ્રધાંજલિ વાર્તા મણકો-૨
સ્વ.અવંતિકાબેનના દેહ વિલય બાદ ની શ્રધાંજલિની તારીખ ૧૭ મી જાન્યુઆરી ૨૦૧૮ ની પોસ્ટ નંબર 1142 ના અંતે દર શનિવારે એમની એક વાર્તા પોસ્ટ કરવાનું જણાવ્યું હતું .
એના અનુસંધાનમાં સ્વ.અવંતિકા ગુણવંતની કોલમ ”આંગણની તુલસી ”માં પ્રગટ એમની એક વાર્તા ” સંજોગો પ્રમાણે જીવન જીવવું ખોટું નથી” આ શનિવારની પોસ્ટમાં મૂકી છે એ તમને જરૂર વાંચવી અને વિચારવી ગમશે.
વિનોદ પટેલ

સ્વ.અવંતિકા ગુણવંત
(સ્વ.અવંતીકા ગુણવંત …શ્રધાંજલિ … વાર્તા …. મણકો-૨ )
”સંજોગો પ્રમાણે જીવન જીવવું ખોટું નથી”
આંગણની તુલસી – સ્વ.અવંતિકા ગુણવંત
વૈશાખ મહિનાની બળબળતી બપોર હતી. બહાર ગરમ ગરમ લૂ વાતી હતી ત્યારે સુહાબહેનના પરદેશ વસેલા દીકરા શર્વિલનો ફોન આવ્યો. દીકરો અત્યંત વહાલભર્યા સૂરમાં પૂછે છે, ‘મમ્મી શું કરે છે?’
સુહાબહેન બોલ્યાં, ‘આરામ કરું છું દીકરા.’
‘એટલે કે તું ઊંઘી ગઈ હતી? મમ્મી, તબિયત તો ઓ.કે. છે ને?’
‘હા, બેટા હું ઓ.કે. છું. હું તો આરામથી સૂતી સૂતી વાંચતી હતી.’
‘એ.સી. ચાલુ કર્યું છે ને?’
‘હા, બેટા. એ.સી. ઓન છે.’
‘મમ્મી, ત્યાંનો ઉનાળો બહુ આકરો હોય છે. હવે તમે જરાય ગરમી વેઠશો નહિ. બિલની ચિંતા કરશો નહિ. સાંભળ્યું ને તેં?’ દીકરાએ ભારપૂર્વક ભાવથી પૂછયું.
‘હા, બેટા હા. તું અમારી ચિંતા ના કરીશ. અમે આરામથી રહીએ છીએ.’ સુહાબહેને પ્રસન્ન અવાજે કહ્યું.
‘મમ્મી, તમારી આરામની વ્યાખ્યા હું જાણું છું, હજારો અગવડો હોય તોય તમને તો આરામ જ લાગે. કોને ખબર તું અને પપ્પા સાવ નોખી માટીનાં બન્યાં છે, પણ મમ્મી, તમારી જુવાની હતી ત્યાં સુધીની વાત અલગ હતી, પણ હવે તો તમે આધેડ વય પણ વટાવી ચૂક્યાં છો, હવે શરીરની સહનશીલતા અને પ્રતિકારશક્તિ ઓછાં થઈ ગયાં હોય. માટે સગવડો ભોગવો. ખોટાં કષ્ટ ના વેઠો.’
‘હા, દીકરા હા, અમે તો મનમાની સગવડો ભોગવીએ છીએ અને મોજથી જીવીએ છીએ.’ સુહાબહેને હેતથી કહ્યું.
‘તમારે મન તો બધી પરિસ્થિતિ મોજપૂર્ણ જ હોય છે. મમ્મી, જ્યારે આપણે સગવડો વસાવી નહોતા શકતાં ત્યારે તારી ફિલોસોફી બરાબર હતી, પણ હવે આપણે કોઈ વાતે ખોટ નથી. હું અહીં આધુનિક સગવડભરી વૈભવી જિંદગી જીવું અને તમે ત્યાં હજીય અગવડો વેઠો તો હું અપરાધભાવ અનુભવું.’
શર્વિલ એના મમ્મી પપ્પાની સંઘર્ષપૂર્ણ જિંદગી જરાય ભૂલ્યો નથી. સુહાબહેન અને એમના પતિ કનકભાઈ સુશિક્ષિત છે. બેઉ પાસે યુનિવર્સિટીની ઉચ્ચ ડીગ્રીઓ છે. તેઓએ ધાર્યું હોત તો ક્યાંક સારી નોકરી મેળવીને નચિંતપણે આરામદાયક જિંદગી જીવી શકત.
પરંતુ બેઉએ નક્કી કર્યું હતું કે ક્યાંય નોકરી નહિ કરીએ પણ મનગમતો વ્યવસાય કરીશું. પતિપત્ની બેઉ બહુ કાળજીપૂર્વક વ્યવસાય કરે છે, પણ વ્યવસાયમાં ખાસ બરકત આવી નહિ. જિંદગીની જરૂરતો માંડ પૂરી થતી હતી. આવી ખેંચાખેંચની એમની જિંદગી હતી, પણ સુહાબહેન કે કનકભાઈને કોઈ ફરિયાદ ન હતી.
જીવન જીવવાની કલા તેઓ જાણતાં હતાં. પેલા આનંદી કાગડાની જેમ તેઓ દરેક પરિસ્થિતિ માણતાં હતાં અને તેથી આફ્ત તેમના માટે અવસર બની જતી. તકલીફમાંય તેઓ કંઈક મજાનું શોધી કાઢતાં.
દીકરા શર્વિલનો જન્મ થયો ત્યારે તેઓ રોડ પરના સાવ નાનકડા ઘરમાં રહેતાં હતાં. એ ઘર ભાડાનું હતું.
સુહાબહેન કહે, ‘આવા ઘરથાળના ઘરમાં દીકરાને મજા ન આવે.’ ગમે તેમ વેત કરીને તેમણે એક પ્લોટ ખરીદ્યો અને મકાન બંધાવ્યું ત્યારે શર્વિલ ચાર વર્ષનો હતો. આશ્ર્ચય અને વિસ્મય પામવાની એ ઉંમર. તરવરાટ અને થનગનાટથી ભર્યો ભર્યો એ.
સુહાબહેને ચારેબાજુ ક્યારા બનાવ્યા. શર્વિલ ખૂબ ઉમંગથી એમને મદદ કરે. દરવાજે ચંપાનું ડાળું રોપતાં સુહાબહેન કહે, ‘કેટલાક છોડ બી નાખીએ ને થાય, પણ ચંપાનું ડાળું રોપીએ અને એમાંથી ઝાડ પાંગરે.’ ડાળ પર નવી કૂંપળ આવી એ બતાવીને કહે, જો આપણે ડાળીનો જે છેડો જમીનમાં રોપ્યો છે એને મૂળ ફૂટ્યાં. હવે આપણો ચંપો મોટો મોટો થશે, એને ફૂલ આવશે.’
ચંપાથી પાંચ ફૂટ દૂર પારિજાતકનાં બી નાખ્યાં અને પારિજાતક થયો. શર્વિલ પૂછે, ‘મમ્મી ચંપાની બાજુમાં પારિજાતક કેમ નહિ? અને આટલો બધો દૂર કેમ વાવ્યો?’
‘બેટા, ચંપો ઘટાદાર મોટું ઝાડ થવાનો અને પારિજાતક પણ મોટું ઝાડ થવાનું, પણ જો આપણે આ મોગરાની કલમ લાવીને નાખી છે તે તો છોડ જ રહેશે. એટલે મોગરાની આખી હાર આપણે
બનાવીશું.’
‘મમ્મી એવું કેમ? પારિજાતકના ફૂલને કેસરી દાંડી છે, પણ મોગરાના ફૂલને નથી અને ચંપાનું ફૂલ પારિજાતક અને મોગરાના ફૂલ કરતાં મોટું છે, આવું કેમ?’ નવાઈ પામતો શર્વિલ પૂછતો.
સુહાબહેન કહે, ‘બેટા આનું નામ કુદરતની કરામત કહેવાય.’
શર્વિલનું નિરીક્ષણ ખૂબ ઝીણવટભર્યું હતું. ક્યાંક જુદું જુએ એટલે એના મનમાં પ્રશ્ર્ન ઊભો થતો અને સુહાબહેન એનું કુતૂહલ શમાવવા જુદા જુદા વિષયોનાં પુસ્તકો વાંચતાં અને બને એટલી ચોક્સાઈથી ઉમંગભેર એની જિજ્ઞાસા સંતોષતાં અને એમને ના ખબર હોય તેની ચોખ્ખેચોખ્ખી ના કહી દેતાં.
ઉનાળાની રાત્રે તેઓ ધાબા પર સૂઈ જતાં ત્યારે તારાઓ ઓળખાવતાં. સુહાબહેન ગીતો ગાતાં અને શર્વિલ પણ એમની સાથે ગાતો અને કનકભાઈને પણ ગાઈને સંભળાવતો. સુહાબહેન એને રંગીન ચોક, પેન્સિલ અને કાગળ આપતાં અને શર્વિલ મનગમતું ચિત્ર દોરતો. સુહાબહેન સાથે રમતાં રમતાં શર્વિલ ભણ્યો અને ક્યારે એન્જિનિયર બની ગયો એની ખબરે ન પડી. શર્વિલને સ્કોલરશિપ મળી અને વિશેષ અભ્યાસ માટે એ પરદેશ ગયો.
એ સમય દરમિયાન શર્વિલ એના મમ્મી પપ્પા સાથે લાગણીના મજબૂત તાંતણાથી બંધાયેલો હતો. વારંવાર એ પત્ર લખતો અને ફોન કરતો. એ કહેતો, ‘મમ્મી, પપ્પા, અત્યારે હું જે કંઈ છું એ તમારી સાધનાનું ફળ છું. તમે મને કેટલા પ્રેમ અને ઉત્સાહથી કેળવ્યો છે, મારો સર્વાંગી વિકાસ થાય એ તમારું સ્વપ્ન સાકાર થયું. હું ખૂબ નસીબદાર છું કે તમારા જેવાં માબાપ મને મળ્યાં છે.’
વિદેશમાં અભ્યાસ પૂરો થયો અને શર્વિલને ત્યાં ખૂબ સારી જોબની ઓફર થઈ. સુહાબહેન તથા કનકભાઈએ કહ્યું, ‘જીવનમાં તક વારંવાર નથી આવતી. દીકરા તક ઝડપી લે.’ શર્વિલે ચિંતાથી પૂછયું, ‘પણ, મમ્મી પપ્પા તમે ત્યાં? આટલા દૂર? ના, ના, મને કબૂલ નથી.’
‘દીકરા, આપણે ત્રણ મનથી જોડાયેલાં છીએ, પછી સ્થળનું અંતર લક્ષમાં ન લેવાય. તારે તો આગળ ને આગળ વધવાનું છે, માટે તું ત્યાં જોબ લઈ લે.’
શર્વિલ માબાપનું કહ્યું માનીને અમેરિકા વસ્યો, પણ માબાપની મહેનતભરી જિંદગી એ ભૂલ્યો ન હતો. એ જાણતો હતો કે મમ્મીપપ્પા સવારે ઊઠે ત્યારથી કામે વળગેલાં હોય. અલબત્ત પપ્પામમ્મી દરેક કામ સાથે મળીને કરતાં અને અન્યોન્યનો સંગ માણતાં. બેઉં કોઈને કોઈ વિષયની ચર્ચા કરતાં હોય, ક્યારેક પપ્પા વાંચી બતાવતા અને મમ્મી સાંભળતી હોય. ક્યારેક મમ્મી ગીત ગાતી અને પપ્પા તાલ આપતાં. ઘરમાં કાયમ સંગીત ગુંજતું હોય અને કામ થતું જાય.
પણ અમેરિકા આવ્યા પછી શર્વિલ એના મમ્મી પપ્પાની જિંદગી વિશે વિચારતો અને સાનંદ આશ્ર્ચર્ય અનુભવતો કે ખાસ ભૌતિક સાધન સગવડો નહિ છતાં મમ્મીપપ્પા કેવી સુંદર મધુર જિંદગી જીવે છે. એમની જાત પર એમના મનનું સ્વામીત્વ છે. તેઓ કદી ઉદાસ નથી હોતાં.
ક્યારેક થતું મમ્મીપપ્પા એમનાં મનને હીપ્નોટાઈઝ કરે છે કે એમનાં મનને ભૌતિક સુખની ઈચ્છા જ ના થાય કે એમનું મન એટલું પાવરફુલ છે કે પોતે રચેલા વિશ્ર્વમાં પ્રસન્નતાપૂર્વક રહી શકે છે – વરસોના વરસો તેઓ એમની રીતે જીવ્યાં છે, સંસારના સામાન્ય માનવીઓથી અલગ, સાવ અલગ બીજાની ધનસંપત્તિ જોઈને એમને કદી – ઊંડાણમાંય વસવસો નહિ થતો હોય કે અમારી પાસે કેમ આવી સંપત્તિ નથી? અત્યારે તો હું મબલખ કમાઉં છું, પણ મારી પાસેય તેઓ એમની કોઈ ઈચ્છા પ્રગટ નથી કરતા? કેમ, કેમ મમ્મીપપ્પા બીજા બધાંથી સાવ અલગ છે? એ અનાસક્તભાવે જીવે છે, પણ એમની જિંદગી શુષ્ક નથી. જીવવી ગમે એવી જિંદગી છે. આવા માબાપ માટે મને ગૌરવ છે.
એક બાજુ શર્વિલ આવું વિચારે છે અને બીજી બાજુ ભારતમાં રહેતા એના મિત્રને કહે છે, ‘હું ડૉલર મોકલું છું તું પપ્પાના ઘેર એક કાર મૂકી આવ.’
ઘરઆંગણે ચકચકિત નવી કાર જોઈને સુહાબહેન તથા કનકભાઈ ચમક્યા અને શર્વિલને કોલ કરીને પૂછે, ‘બેટા, અમારે કારમાં બેસીને ક્યાં જવાનું? કોના ઘેર જવાનું?’
શર્વિલે ઉત્સાહથી કહ્યું, ‘ગાર્ડનમાં જજો. દૂર દૂર ફરવા જજો.’
‘દીકરા, આ ઉંમરે મારે કાર શીખવાની? ના બેટા ના. અમારે તો આપણું આંગણું જ બસ છે. ક્યાંય દૂર જવાના ઓરતા નથી.’
‘મમ્મીપપ્પા, તમે ડ્રાઈવર રાખજો. તમારે જાતે કાર નથી ચલાવવાની. તમારે તો ચારેબાજુનું વાતાવરણ માણવાનું છે અને મમ્મી તું ઘેર જઈને પેઈન્ટિંગ કરજે. પપ્પા તારી બાજુમાં બેસીને જોશે અને તું ઈચ્છીશ ત્યારે તને શરબત આપશે અને તારા મનમાં નવા રંગો ઉમેરાશે.’
કનકભાઈ કહે, ‘અરે, હુંય ચિત્ર કરીશ અને વાર્તાઓ લખીશ. આપણા જીવનની સાચી વાર્તાઓ. તારી મમ્મી મને ગરમ ગરમ ચા આપશે.’
‘હા પપ્પા, તમે તમારી આકાંક્ષા અને અરમાન મુજબ જીવો. પૈસાની જરાય ગણત્રી ના કરશો.’
‘બેટા, તું હવે વધારે પૈસા અમારી પર ના ખરચીશ. અમને તો ઈશ્ર્વરે ખૂબ ખૂબ આપી દીધું છે. તું તારી જિંદગી વિશે વિચાર. અમારી જિંદગી અહીં બહુ સરસ રીતે ગોઠવાયેલી છે.’
શર્વિલ કહેતો, ‘મમ્મીપપ્પા મારે તમારા માટે બહુ બહુ કરવું છે. સમજાતું નથી હું શું કરું?’
‘બેટા તું આટલાં આદરમાન આપે છે અમને તેથી પૂરો સંતોષ છે’ સુહાબહેન કહેતાં.
‘મમ્મી, તેં તારા ચોવીસે ચોવીસ કલાક, તારા કેટલાં બધાં વરસો મને લખી આપ્યાં છે, મેં શું કર્યું છે તમારા માટે? તલભારે નથી કર્યું. તમે મને કેટલા લાડ કર્યાં છે.’
કનકભાઈ બોલ્યા, ‘દીકરા માબાપ તો લાડ કરે, સંતાન માબાપના જીવનનું કેન્દ્ર હોય, પણ તારે તો આગળ જોવાનું છે. હવે તારા પોતાના માટે વિચાર.’
જવાબમાં શર્વિલ હસે છે.
-અવંતિકા ગુણવંત
Like this:
Like Loading...
Related
આગળ જોવાની વાત – એકદમ પાકટ.
LikeLike